નવલકથાપરિચયકોશ/સિદ્ધાર્થ ભાગ-૧
‘સિદ્ધાર્થ – ભાગ ૧’ : દક્ષા દામોદરા
નવલકથાકારનો ટૂંકો પરિચય (જન્મ તારીખ : ૧૯/૦૬/૧૯૬૮ – મૃત્યુ તારીખ : -) વતન : કોડીનાર અભ્યાસ : M.A., ગુજરાતી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વ્યવસાય : જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને સરકારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ ભાવનગરમાં વહીવટી વિભાગમાં ૨૦૦૮ સુધી નોકરી બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ સાહિત્યિક પ્રદાન : ૩ નવલકથા (‘શોષ’, ‘સાવિત્રી’, ‘સિદ્ધાર્થ’), કાવ્યલેખન ઇનામો : (૧) ૨૦૦૪ સિસ્ટર નિવેદિતા એવૉર્ડ ગુજરાતી સા. પરિષદ (નવલકથા શોષ) (૨) ૨૦૦૮ શ્રેષ્ઠ નવલકથા એવૉર્ડ ગુજરાતી દલિત સા. અકાદમી (નવલકથા સાવિત્રી) (૩) ૨૦૧૧ : સાવિત્રીબાઈ ફૂલે એવોર્ડ સમગ્ર સાહિત્ય માટે (ગુજરાત સરકાર) (૪) ૨૦૨૨ : સમ્યક સાહિત્યરત્ન સમ્માન સમગ્ર સાહિત્ય માટે (ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી) (૫) ૨૦૨૩ : શ્રેષ્ઠ નવલકથા એવૉર્ડ અને ૨૫૦૦૦નો પુરસ્કાર – સિદ્ધાર્થ માટે (ત્રિપદા ફાઉન્ડેશન અને અસાઈત સાહિત્ય સભા ઊંઝા) નવલકથાનું પ્રથમ પ્રકાશનવર્ષ/મહિનો : ૨૦૨૧ કુલ આવૃત્તિ ૧; પૃષ્ઠ : ૩૫૯; નકલ સંખ્યા ૫૦૦; પ્રકાશક : સાયુજ્ય પ્રકાશન, વડોદરા પ્રસ્તાવના : માય ડીયર જયુ, ડૉ. કેસર મકવાણા અર્પણ : એ સર્વેને અર્પણ, જેમના હૃદયમાં મૈત્રી અને કરુણા છે ફિલ્મ - નવલકથાનો પ્રકાર : ધાર્મિક, ઐતિહાસિક, ચિંતનાત્મક અનુવાદ - કથાનક : ભારતના પ્રાચીન ઇતિહાસનું જ નહીં, પણ માનવઇતિહાસનું એક ગૌરવપૂર્ણ પર્વ એટલે ગૌતમ બુદ્ધ. માનવદુઃખોના નિવારણ અર્થે નીકળેલા શુદ્ધોદન-માયાવતીપુત્ર સિદ્ધાર્થ અને પછીથી ગૌતમીપુત્ર કહેવાયેલા ગૌતમની, બોધિસત્વ પામ્યા સુધીની ‘બુદ્ધયાત્રા’નો જીવંત સાક્ષાતકાર આ નવલના પગલેપગલે ચાક્ષુસ થવા પામે છે. સિદ્ધાર્થના જીવનનો પુરુષાર્થ ભલે પોતાના મનમાં ઉદ્ભવેલા પ્રશ્નો કાજે છે, પણ તેમનું જીવન સ્વયં સમષ્ટિની દુઃખમુક્તિની ગાથા બની રહ્યું છે, તેનો આ ગદ્યકાવ્યમય આલેખ છે. બુદ્ધ વિશેની નવલકથાઓમાં, મોટે ભાગે દુનિયાનાં દુઃખોને જાતે જોયા પછી ઉદ્ભવતા સિદ્ધાર્થના મહાભિનિષ્ક્રમણથી બુદ્ધની જ્ઞાનપ્રાપ્તિ સુધીની કથા કહેવામાં આવતી હોય છે; જ્યારે યુદ્ધો અને યજ્ઞોમાં થતી હિંસા વિશે સિદ્ધાર્થના ચિંતન ઉપરાંત, તેની પણ પહેલાંના સિદ્ધાર્થના યશોધરા સાથેના અંગત જીવનના મનોમંથન, અને તે સમયે કપિલવસ્તુના રાજકીય કાવાદાવા અને દાવપેચોની વાત એ આ નવલકથાની વિશેષતા છે. અહીં સિદ્ધાર્થના મહાભિનિષ્ક્રમણની પૂર્વભૂમિકા પણ જિજ્ઞાસુઓને પ્રતીતિકર થાય એ રીતે આલેખાઈ છે. યુદ્ધની હિંસા અને યજ્ઞમાં બલિ આપવાથી થતી હિંસા એ બંને કુદરતી નહીં, પણ માનવસર્જિત હોવા વિશેના ચિંતનથી આ કથા આરંભાય છે. પ્રાચીન ગણતંત્ર કપિલવસ્તુ નગરમાં મહાઅમાત્ય શુદ્ધોદન અને તેની પત્ની માયાવતીના તેજસ્વી પુત્ર સિદ્ધાર્થ, એક સ્વયંવરમાં અશ્વસ્પર્ધા જીતીને યશોધરાને વરીને પુત્ર પ્રાપ્ત કરે છે. પુત્રનું મુખ પણ જોયા વગર સિદ્ધાર્થ દુઃખમુક્તિની શોધમાં નીકળે છે. કપિલવસ્તુની શાક્યોની સભામાં કોલિય રાજ્ય સામે યુદ્ધપ્રસ્તાવ સંદર્ભે સિદ્ધાર્થની અસહમતિને કારણે ઘર્ષણ થાય છે. સિદ્ધાર્થના કાકા અમિતોદનના પુત્ર દેવદત્તનો સિદ્ધાર્થ તરફનો દ્વેષ, જરીપુરાણી પરંપરાઓને જડતાથી વળગી રહેલા અભિમાની શાક્યો, પશુહિંસાથી લિપ્ત એવા જડ ધાર્મિક યજ્ઞો, યુદ્ધમય દેશભક્તિ, વગેરે બાબતે રૂઢિવાદી શાક્યોના ‘વાદ’ અને સિદ્ધાર્થના તર્કયુક્ત ઉમદા વિચારોને કારણે શાક્યસભામાં વિરોધ ઊભો થાય છે, જે આગળ જતાં સિદ્ધાર્થના દેશનિકાલ સાથે ગૃહત્યાગનું કારણ બને છે. નવલકથામાં આ બાબતોનું વર્ણન ગૃહત્યાગ બાદ સિદ્ધાર્થના સેવક, સાથી અને સારથિ બનેલા છંદક દ્વારા પ્રાપ્ત થાય છે. સિદ્ધાર્થ દ્વારા ત્યાગયાત્રાનો આરંભ થાય છે. સ્થૂળથી સૂક્ષ્મ ભણીની આ યાત્રા – આશ્રમો, તપશ્ચર્યાઓ, વૈશાલીનાં વનો, વગેરેમાં વિહાર કરતી કરતી મગધ નરેશ બિંબિસારના રાજમહેલ સુધી વિસ્તરે છે. આ પરિભ્રમણના જ ફલસ્વરૂપે ગૃહત્યાગી રાજકુમાર સિદ્ધાર્થ, ‘તથાગત’ બન્યા પછી, એક વખત કપિલવસ્તુ પાછા જવાની ઇચ્છા વ્યક્ત કરે છે, જેની ઘોષણાને આવકારતી ગુંજ સાથે પ્રથમ ભાગ પૂરો થાય છે. સિદ્ધાર્થના ગૃહત્યાગની અને તથાગતના ગૃહવાપસીના નિર્ણય સુધીની કથાને ‘સિદ્ધાર્થ’ના પહેલા ભાગમાં આવરી લેવામાં આવી છે. લેખનપદ્ધતિ : – ઠેરઠેર કાવ્યાત્મક ગદ્યનો પ્રયોગ. – અનેક સ્થળે ઉત્પ્રેક્ષા અલંકાર દ્વારા ચિત્ર સ્વરૂપે ભાવકને સાક્ષાત્ થતું કથાનક. – પૃથક પડાવે પૃથક રૂપ ધારણ કરતી ભાષાશૈલી. – વિશેષતઃ ચિંતનાત્મક અને કાવ્યાત્મક ભાષા. પથપથ પર સામી આવી મળતી સંસ્કૃતપ્રચુર પદાવલીઓ. કથાનકને અનુરૂપ વાતાવરણ પ્રગટ કરવા માટે જે તે સમયના પારંપરિત શબ્દોનો પ્રયોગ. – નવલકથાનાં દૃશ્યોને પ્રતીતિસભર બનાવવા માટે નાટ્યાત્મક શૈલીમાં સંવાદો. – ચિંતનાત્મક નવલકથા હોવા છતાં ટૂંકા સંવાદોને કારણે ભાવક માટે સુગ્રાહ્ય. – માત્ર ઐતિહાસિક નવલકથા બની રહેવાને બદલે, સિદ્ધાર્થના જીવન કરતાં તેના જીવનઉદ્દેશ પર વધુ ધ્યાન અપાયું હોવાથી, જીવનઉદ્દેશને સિદ્ધ કરનારાં સાધકબાધક પરિબળોને પુષ્ટિ આપનારા મહત્ત્વપૂર્ણ પ્રસંગોના આલેખન વડે પ્રયોગોની પ્રાપ્તિરૂપ બુદ્ધવિચારોનું વૃત્તાંત. સર્જકતા સિદ્ધ કરતાં ઘટકતત્ત્વોની કાર્યસાધકતા : – નવલકથાનું પ્રથમ વાક્ય છે : ‘સ્વાભિમાન અને પ્રદેશભક્તિ માન્યતા છે, શત્રુને પરાસ્ત કરવા હિંસા કરનાર જ વીર છે... એ પણ માન્યતા છે, અને પૂરેપૂરી બર્બરતા છે.’ આ પ્રથમ વાક્યમાં જ સતઅસત વચ્ચેની રણભેરી, ચિંતનાત્મક સૂત્રો દ્વારા વગાડીને નવકલથાનો પ્રાણપ્રશ્ન પ્રગટ થાય છે, અને તેની સાથેસાથે આગંતુક ભય અને સંઘર્ષનાં પગલાં પણ સંભળાવા માંડે છે, જેને કારણે પ્રથમ વાક્યથી જ વાચક કાન સરવા કરવા પ્રેરાય છે. – પ્રેમ અને શૌર્યનાં આલેખનોથી મોટાભાગની નવલકથાઓ લોકપ્રિય અને રસિક બનતી હોય છે. મુનશી અને ધૂમકેતુ આનાં ઉત્તમ ઉદાહરણ છે. સિદ્ધાર્થ જેવા ચિંતનશીલ પાત્રને કારણે અહીં એ પ્રકારનાં પ્રેમશૌર્યનાં આલેખનો માટે કોઈ અવકાશ ન હોવા છતાં નવલકથા રોચક બની છે. દા.ત. યશોધરાના રક્ષણ માટે ઘાયલ થયેલો સિદ્ધાર્થ ભાનમાં આવતાં, સિદ્ધાર્થને રમતિયાળ નેત્રોથી નિહાળી રહેલી, સ્વયંવર પૂર્વે જ જિતાઈ જઈને મનોમન વરમાળા પહેરાવીને રોમાંચિત થતી યશોધરાનું શબ્દચિત્ર. (પૃ. ૮૯-૯૨) – અનેક સ્થળોએ આલેખાયેલા બુદ્ધના ચિંતનને નવલકથાનું હાર્દ કહી શકાય. જેમ કે : – યુદ્ધ માત્ર રાષ્ટ્ર, જાતિ કે વ્યક્તિવ્યક્તિ વચ્ચે જ લડાતું હોય એવું નથી હોતું. વ્યક્તિની અંદર પડેલા શ્રેય-પ્રેય, સદ્-અસદ્, હા-ના વચ્ચે લડાતું હોય છે. (પૃ. ૧૫૯) – બ્રાહ્મણત્વ કે અબ્રાહ્મણત્વ હોતું નથી જન્મ આધારિત માત્ર... કર્માશ્રિત પણ હોતું નથી. તે હોય છે વિચારાશ્રિત. જે ક્ષણે મનુષ્ય શાંત, નિરાસક્ત અને નીતિયુક્ત વિચારાધિન બને છે, તે ક્ષણે ઝાડુ વાળનાર પણ છે બ્રાહ્મણ, અને જે ક્ષણે મનુષ્ય અશાંત, ક્રોધયુક્ત અને અનૈતિક વિચારાશ્રિત બને છે, ત્યારે જટા, જનોઈ, શિખા ધારણ કરનાર પણ અબ્રાહ્મણ છે. (પૃ. ૩૧૬) – મનુષ્યજાતનાં કેટકેટલાં સુખ-દુઃખ માત્ર ધારણાને આધિન છે. (પૃ. ૧૦૫) – કાવ્યાત્મક ગદ્ય આ નવલકથાનું એક અગત્યનું અંગ બની રહે છે. જેમ કેઃ ગોંદરેથી ઉતાવળે આવતી, ધેનુ કોટે ઘૂઘરમાળ સમી રણઝણતી સાંજ
સપ્તરંગી રંગોળી કરી, ગગન ગોખે સૂરજ સંગે હળવે-હળવે ડૂબતી સાંજે – ‘સિદ્ધાર્થ’ના સુખ્યાત પાત્ર સાથે સંકળાયેલા ચરિત્રના તેજને પ્રતિબિંબિત કરીને, તેના વિચારોનું વહન કરી શકે એવી ઓપતી સંસ્કૃતમિશ્રિત, તેજસ્વી ભાષા આ કૃતિનું એક મહત્ત્વનું પાસું છે. કથાનકનાં વર્ણનો અને સંવાદની ભાષા, કથાના પ્રાચીન ગણતંત્રના વાતાવરણને આબાદ ઝીલીને તથાગતની વિચારયાત્રાને પણ સુપેરે વર્ણવી આપે છે. વળી, ભાવોના ઉછાળાથી ભરેલા પ્રસંગો, તપ-ધ્યાનના સિદ્ધાર્થના અલૌકિક અનુભવો, પાત્રોના મનોસંઘર્ષો, આત્મસંભાષણો, વગેરેમાં પ્રયોજાયેલું પદ્યમયી ગદ્ય કથાને સુપેરે રજૂ કરે છે. – નવલકથાના મુખ્ય પાત્ર સિદ્ધાર્થ ઉપરાંત, પિતા શુદ્ધોદન, માતા ગૌતમી, એકાકી યશોધરા, સહચર છંદક, મગધનરેશ બિંબિસાર, વિદ્યાગુરુ સર્વદમન, રાજપુરોહિત કાત્યાયન, શ્રેષ્ઠિ ભદ્રસેન, વનવાસી નાયક નાગરાજ અને ખલપાત્રો દેવદત્ત અને વર્ષકાર, વગેરેનાં પણ સુરેખ અને જીવંત પાત્રીકરણને કારણે નવલકથાના બધા જ પ્રસંગો પ્રતીતિકર અને રસપ્રદ બન્યા છે. વિવેચનલેખોમાંના એક લેખમાંથી અવતરણ : “આ ચિંતનાત્મક સૂત્રો મને ખેંચી જાય છે મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ સુધી. લેખક ગોવર્ધનરામને ચિંતનાત્મક મહાનિબંધ લખવો હતો. તેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચાર પુરુષાર્થનું ચિંતન પ્રગટ કરવું હતું ને કર્યું, પરંતુ નવલકથાના સ્વરૂપમાં, જે દવાની ગોળીની ઉપર મીઠાશ, ને ભીતરમાં કડવાશ હોય, પણ તે સ્વાસ્થ્ય માટે અનિવાર્ય હોય છે. બીજી નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ – મનુભાઈ પંચોળી ‘દર્શક.’ તેમનો હેતુ હતો બુદ્ધનાં ચાર આર્યસત્યો – ચાર ભાવનાઓ : મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા પ્રગટ કરવાનો હતો, ને તેમાં સફળ રહ્યા. તો અહીં ‘સિદ્ધાર્થ’માં દક્ષા દામોદરા તથાગત બુદ્ધના ધર્મદર્શનને, લોકોને નીતિ અને સદાચારપૂર્ણ જીવન ગાળવાની પદ્ધતિ શીખવવા માટે આ નવલકથામાં સતત ચિંતનાત્મક સૂત્રો મૂકતાં રહ્યાં છે.” (– નાથાલાલ ગોહિલ, ‘તાદર્થ્ય’, જુલાઈ ૨૦૨૧)
ચંદારાણા
નિવૃત્ત કેશિયર, સ્ટેટ બૅન્ક
કવિ, અનુવાદક, વાર્તાકાર, સંપાદક, પ્રકાશક
(સાયુજ્ય પ્રકાશન), વડોદરા
મો. ૯૯૯૮૦૦૩૧૨૮
Email: chandaranas@gmail.com