નાટક વિશે/પ્રેમ–ધિક્કારની કરપીણ કવિતા

પ્રેમ-ધિક્કારની કરપીણ કવિતા

ગ્રીક નાટ્યકાર યુરિપિડિસનું `મિડિયા’ મદીરારૂપે[1] ગુજરાતી અવતાર પામતાં પિસ્તાલીસ જેટલાં ગ્રીક નાટકમાંથી કુલ ત્રણ નાટક ગુજરાતીમાં અવતર્યાનો સંતોષ લઈ શકાય. લગભગ એકસો ને વીસ વરસ પહેલાં એરિસ્ટોફેનિસના પ્લુટસનું દલપતરામ કવિએ ફોર્બસની સહાયતાથી `લક્ષ્મી’ નામે રૂપાન્તર કર્યું (જે ગુજરાતી ભાષાનું પહેલું છપાયેલુ નાટક નીવડ્યું). થોડાં વરસ પહેલાં એસ્કિલસના એગામેમ્નોનનો પૂર્ણ અનુવાદ પ્રગટ થયો અને હવે આપણને મદીરા મળે છે. એ ઍડેપ્ટેશન, રૂપાન્તરથી કાંક થોડું છે, અને કાંક વિશેષ છે. એના વર્ણન કે વ્યાખ્યા માટે ઍપ્રોક્સિમેશન જેવો શબ્દ યોજવો પડે. શ્રી ચન્દ્રવદને ઘણી ગાંસડીઓ બાંધી છે અને થોડીક છોડી પણ છે, કોક રંગી પણ છે. મીડિયાને વિવિધ રૂપે, જુદી જુદી ભાષામાં, જુદા જુદા દેશોમાં, એમણે જોઈ (કે જોયું?) એ ગઠરિયાં બાંધવા જેવું. આ મદીરા ગુજરાતીમાં આપ્યું એ ગઠરિયાં છોડવા જેવું. મીડિયાનાં બાલે, નાટક, ઓપેરા જેવાં વિવિધ રૂપ જોયા અને મનમાં ગાંઠ વાળી કે આવા નાટ્યતત્ત્વે સભર નાટકને ગુજરાતી તખતા પર મૂકવું. એ સદ્ઇચ્છાએ આ નાટ્યકર્મ કરાવ્યું. કમનસીબ એટલું કે સદ્ઇચ્છા અને સદ્યત્ન છતાં એ નાટકને ગુજરાતીપણું પ્રાપ્ત નથી થતું. ઈરાદાની તો ક્યારેય કમી ન હતી. પણ ગુજરાતી બનાવવા માટે કરેલી ગોઠવણ, કહેવાતું આર્યરૂપ આપવામાં પ્રગટ થતું પારકાપણું, આસ્વાદ આડે નાટકનાં રોડાં ગોઠવે છે. એથી વિશેષ કમનસીબ તે તખતા પર એ આ ક્ષણ લગી ન આવ્યું એ. પોતાને તખતાની જે સૂઝ છે તે સમગ્રને આમાં પ્રયોજી મૂળ નાટકને ગુજરાતી તખતાના બરનું કરવાનો એમણે ભગીરથ પ્રયત્ન કર્યો છે. પણ તખતાના સુલતાનોએ એને દાદ દીધી નથી. એ સુલતાનોની નજરે આ નાટકમાં એમને શી મુશ્કેલી નડે એ પ્રશ્ન પણ વિચારવા જેવો ખરો. શ્રી ચન્દ્રવદન મહેતા હમેશાં સાહસી રહ્યા છે, નાટકમાં સવિશેષ. એ સમયથી પણ એક બે દસકા આગળ હોવાને કારણે આજે અત્યારે આપણને જે રૂપે એ આપણી સમક્ષ આવ્યું છે તે રૂપે ન રુચે. પણ એનું તો શું થાય? આપણે યત્નપૂર્વક રૂચિ બદલીએ એ જ એક માત્ર ઉકેલ. મીડિયાનું મૂળ તત્ત્વ તો પ્રેમ-ધિક્કારના સ્તબ્ધ કરી મૂકે એવા આત્યંતિક રૂપનું છે. યુરિપિડિસને જે કલ્પકથા મળી તેમાં પણ કલ્પકે એક વિશેષ વળ મૂક્યો હતો, તે જાતિ-વર્ણ-સંસ્કારભેદનો બે હજાર ઉપરાન્ત વર્ષ પછી, વિકસેલા માનસશાસ્ત્રે આ વળને થોડો ગૌણ એ રીતે બનાવ્યો કે એક જ જાતિ-વર્ણસંસ્કારમાં ઊછરેલાં સ્ત્રીપુરુષોમાં પણ આ વૃત્તિ એના અમાનવીય કહી શકાય એવા આત્યંતિક રૂપમાં પ્રગટ થાય છે. પણ યુરિપિડિસે રજૂ કરેલી કથામાં એ વળ આધારનું રૂ૫ નથી લેતો છતાં એને અવગણી શકાય એવું પણ નથી. કોઈ ગ્રીક નારીએ (હોમરના જમાનાની કે યુરિપિડિસના જમાનાની) મીડિયાએ કર્યું એ કર્યું જ હોત એમ પછીનું માનસશાસ્ત્ર ધરાર કહે છે. યુરિપિડિસ આટલા આગ્રહ સાથે નથી કહેતો. પણ એને એમ કહેવાની પણ જરૂર નથી. પ્રેમ ધિક્કારમાં પલટાય અને ધિક્કાર અતાર્કિક અને અમાનવીય વેરમાં પરિણમે એટલું કહેવા માટે ભલે એણે પેલા ભેદની આડ લીધી. એથી નાટ્યાત્મકતાને કશી આંચ આવતી નથી. કશી ઊનતા વર્તાતી નથી. અને પ્રેમમાં સાંપડેલી હતાશા, નિષ્ફળતાને વેરવૃત્તિનું ભયંકરમાં ભયંકર રૂ૫ આ૫નાર એક બાઈ છે એટલી આ બધા ઊહાપોહમાં વીસરાઈ જતી વાત પર જ યુરિપિડિસે સમગ્ર લક્ષ કેન્દ્રિત કર્યું છે તે નાટકકારની પોતાની સૂઝ જ ગણવી પડે. કલ્પકથાને એમણે કેવી રીતે ને ક્યાં વાળી કે વળ ચઢાવ્યો એ વાત પણ આ સંદર્ભમાં ગૌણ બની જાય છે. પણ મદીરાની જ વાત કરવી જોઈએ. તખતા બરનું બનાવવા માટે શ્રી ચન્દ્રવદને અપનાવેલી રીત, અને એમાં પણ નાટકનું `ડિક્શન’, લય અને પ્રાસનું જરા મારકણું, વાંચવામાંય અનાસ્વાદ્ય બની જતું રૂપ (ભજવણીમાં કદાચ એ અસ્વાદ્ય નહીં તોય સ્વીકાર્ય બને) એ નાટકના સ્તુત્ય ઉદ્યમને પાછા પાડી દેનારી વસ્તુઓ છે. અને ઉદ્દેશને પોતાને હાથે જ પરાજય આપે છે. રીતની બાબત વિષે હંમેશાં બે મત રહેવાના. ભૂમિતિમાં તો એક આકૃતિને બીજી આકૃતિ સાથે `એપ્લાય’ કરવાના, વિસ્તારમાપનના વગેરે સ્પષ્ટ નિયમો છે. આ નાટકમાં એક સંસ્કૃતિની કલ્પકથાને સાવ વિભન્ન એવી સંસ્કૃતિના સ્વીકારાયેલા ઢાંચામાં ઢાળવાનો યત્ન કરવામાં આવ્યો છે. ઇતિહાસની કોક પળે બધું જ એક હોવાનો સંભવ નકારી ન કાઢીએ તોય એ પળ પછીની પળે તો બધું સાવ વિભિન્ન જણાય છે. હા, આર્યઅનાર્યનું આલંબન ન લઈ શકાય એવું નથી. પણ યત્ન છતાં પણ ગડ બેસતી નથી અને બધું પારકું પારકું લાગે છે. હેતુ તો માર્યો જ જાય છે. કદાચ મીડિયાને મદીરા ન બનાવી હોત અને જેસનને જયસ્વાંગ ન બનાવ્યો હોત, હતું એમ જ રાખ્યું હોત તો આટલું પરાયાપણું ન લાગત. આ પણ મક્કમ ખાતરીથી નથી કહી શકાતું એ સહુની અસહાયતા અને ખાસ તો સ્તુત્ય ઉદ્દેશના કરુણ અંતની વાત બની જાય છે. વસ્તુને અને કથાનકને આપણે ત્યાં કેવી રીતે બેસાડ્યું એની વાત કરવાનું શ્રી ચન્દ્રવદને ટાળ્યું છે, એમ કહીને કે `આપણે ત્યાં એવો અભ્યાસ ભાગ્યે જ કોઈ કરે છે.’ આપણે ત્યાં ભાગ્યે જ થાય એવું ઘણું ઘણું કરવાનું તો શ્રી ચન્દ્રવદને પણ લીધું છે અને પાળ્યું છે. તો જાત પર આવો નિષેધ કેમ મૂક્યો હશે? એનો આમ તો એક જ જવાબ સૂઝે છે : એ સાચો જ છે એવી કશી ખાતરી નથી. પણ મને લાગે છે કે શ્રી ચન્દ્રવદનને એક સાથે બે વાત કરવી છે સિદ્ધ : એક તો ગમે તેવી વાચનાથી મુક્તિ મેળવવી છે અને લેખક સાથે દિગ્દર્શકની જે પ્રતિષ્ઠા છે અને જેનો મહિમા એમણે આખી જિંદગી ગાયો છે તેને સુદૃઢ કરવી છે, રાક્ષસકુળમાં કોઈ મદીરા નહીં થઈ હોય એમ ન કહી શકાય. એ પર થઈ જ હશે એમ ન કહી શકાય. કદાચ થઈ હોય એટલું જ કહી શકાય. પણ મૂળ વાત તે `સોર્સરી’ની, મેલી વિદ્યાની નથી. મૂળ વાત છે તે તો પ્રેમમાંથી ધિક્કાર, અવગણનાના ભાનમાંથી જાગતા વેરની છે. આ વાત સર્વદેશીય છે અને સર્વકાલીન છે. અને તે પ્રગટ કરવાનું ગ્રીક નાટકકાર પાસે કોરસ જેવું અત્યંત સબળ સાધન હતું. અથવા એમ કહી શકાય કે એ ઘસાતાપિટાટા સાધનનો યુરિપિડિસે અત્યંત નાટ્યાત્મક ઉપયોગ કર્યો. શ્રી ચન્દ્રવદને સીધા અનુવાદને બદલે વસ્તુનું ઍપ્રોક્સિમેશન કરવાનું ઠરાવ્યું અને એમાં એમને વસ્તુ એકની એક પણ સાવ વિભિન્ન એવી ભજવણીઓ જોવા, માણવા મળી. એમાં એમનો પોતાનો ગુજરાતી તખતા અને નાટક વિષેનો ખ્યાલ ભળ્યો. એટલે આપણને એક અત્યંત પ્રામાણિક યત્ન મળ્યો. પણ એ સાથે સમરસ થવાનું બની શકતું નથી. મીડિયાના જે અનુવાદો આપણને અંગ્રેજીમાં મળે છે તેમાંના ઘણા સારા અનુવાદો પણ પોતાના સમયના તખતાને ધ્યાનમાં રાખીને થયેલા ભાવાનુવાદો છે. ગ્રીક જાણતા ન હોવાથી આપણે આ ભાવાનુવાદો પરથી જ ક્યાસ બાંધવાનો રહે છે. એમણે શું કાટછાંટ પોતાના વિશિષ્ટ દર્શનને કારણે કરી હશે એ આપણે કહી શકીએ એમ નથી. એક વાત સાચી કે એમણે સ્થળાંતર કે સંસ્કૃતિ-અંતર કરવાનો યત્ન નથી કર્યો, શ્રી ચન્દ્રવદને મદીરામાં એવો એક યત્ન કર્યો છે. આને કારણે મીડિયાના અત્યંત હૃદ્ય અને રોચક કહી શકાય એવા રૉબર્ટ જેફર્સના ભાવાનુવાદમાંથી પ્રાપ્ત થતી કવિતા કમનસીબે અહીં મળતી નથી. કોરસ પાસે એમણે બોલાવેલી થોડી લીટીઓ જોઈએ :

No justice : vengeance.
You have suffered evil, you wish to inflict evil!
***
I have heard evil.
Answering evil as thunder answers lightning,
A great waste voice in the hollow sky
All that they say is … … … …
The sword speaks
And the spear answers : the city is desolate.
The nations remember old wrongs and destroy each other
And no man binds up their wounds.

શ્રી ચન્દ્રવદનની આવી ઉત્તમ ઉક્તિઓ આપી શકવાની શક્તિ વિષે બે મત છે જ નહીં. પણ કમનસીબે એમણે નાટકની જે વિભાવના કરી છે તેમાં આવું કશું આવતું નથી. એમનું ફોકસ જુદું છે. યુરિપિડિસને પણ આ જ કહેવું હતું એમ નહીં કહી શકાય. છતાં યુરિપિડિસના સમગ્ર લખાણમાંથી જે યુદ્ધવિરોધ-શાંતિવાદ કે પેસિફિઝમ નહીં પણ નકરો યુદ્ધવિરોધ–પ્રત્યેક શ્વાસે દમ લે છે તેને પણ જેફર્સે ભાવપૂર્વક અને ભારપૂર્વક ઉતાર્યો છે. ધિક્કારના ધર્મની એ એક બાજુ છે. શ્રી ચન્દ્રવદનને એ ખાસ અભિપ્રેત હોય એવું લાગતું નથી. ફરીથી મદીરાના સંવાદનું પાસું જોઈએ. બાલે અને ઑપેરા તથા દિગ્દર્શકો અને રૂપાન્તરકારોએ મીડિયાનું જે દર્શન કરાવ્યું તેની ઘણી ઘેરી અસર શ્રી ચન્દ્રવદન પર પડી છે એમ કહેવામાં એમની સર્વત્ર સ્વીકાર પામેલી પ્રતિભાનો રજમાત્ર પણ ઇન્કાર નથી. સ્વચ્છ, મર્માળુ અને સચોટ ગદ્ય સંવાદમાં પ્રયોજી શકનારે આ પ્રાસ અને અનુપ્રાસનું તેમ ક્યાંક આયાસનું કષ્ટકારી ભાન કરાવે એવું આયોજન કેમ કર્યું હશે એવો પ્રશ્ન શ્રી ચન્દ્રવદનને જ પૂછવાનું મન થાય. ક્યારેક એ આ ગઠરી છોડશે એવી આશા છે. એમણે મીડિયાના વસ્તુ અને યુરિપિડિસના નાટકની આપણને ઘણા નજીક લાવી મૂક્યા છે એનો સાભાર ઉલ્લેખ કરવા સાથે, આ સદાનાં હાર્યાંભાર્યાં ગ્રીક નાટકની સૃષ્ટિ પર, પાથેય બને એવું વાંચવા ઇચ્છનારાનું ધ્યાન જાય, તો ભલે આ મદીરા તખતા પર ન આવે. પણ શ્રી ચન્દ્રવદને સ-રસ બંધુકૃત્ય કર્યું છે, એટલું તો કશા પણ સંકોચ વિના કબૂલવું રહ્યું... આ નાટકમાં જ છાપ્યા મુજબ આ તો છેક ૧૯૬૭માં છપાયેલું. બે વરસ એનું શું થયું એ વાત પણ ગઠરિયામાં બંધાઈ ગઈ છે? ૮-૧૨-૧૯૬૯


  1. મદીરા (ગ્રીક નાટ્યકાર યુરિપિડિઝ કૃત મીડિયાનું અંગ્રેજી પરથી રૂપાન્તર). રૂપાન્તરકારઃ ચંદ્રવદન મહેતા. (ભાષાન્તરનિધિ. ૧૯૬૭, પા. ૮૩, રૂા. ૧-૫૦)

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.