નાટક વિશે/બાળનાટક સરળ નથી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
બાળનાટક સરળ નથી

આમે નાટકની વ્યાખ્યા બાંધવાનું કામ અઘરું તો છે જ એમાં પણ બાળનાટકની વ્યાખ્યા બાંધવાનો યત્ન કરવો એ અશક્ય નહીં તો મુશ્કેલ તો છે. એમાં નાટક ઉપરાંત પેલો `બાળ’ શબ્દ ઉમેરીને કામને વિશેષ દુર્ઘટ બનાવી દેવાયું છે. એમાં બાળ એ નાટકનું વિશેષણ છે? એટલે કે નાટ્યતત્ત્વો પર જેની રચના થઈ છે એવા નાટકનું એ બાળરૂપ છે? અને અહીં એક વિખ્યાત મજાક યાદ આવે છે. બુદ્ધિ માટે વિખ્યાત એવી એક કોમના અગ્રણી, ગુરુના સ્મૃતિસ્થાનકે વંદના કરવા ગયા. એ જાણતા તો હતા કે ગુરુજી દીર્ઘાયુ ભોગવીને અમરધામ ગયેલા, અને આ સ્થાનકે એમની સમાધિ રચવામાં આવેલી. જેવા સ્મૃતિસ્થાનકમાં દાખલ થયા ત્યાં એમણે એક બાલસમાધિ જોઈ. તરત જ એમણે સાથીદારને પૂછ્યું : આ શું? અગ્રણીના સાથીદારે સહુને માન થાય એવો જવાબ આપ્યો : `જબ ગુરુજી છોટે થે ઉસ વખ્તકી.’ અગ્રણીએ બાળસમાધિને સાષ્ટાંગ દંડવત્ કર્યા. બાળનાટક એટલે બાળસમાધિ? બીજી રીતે જોઈએ તો બાળનો અર્થ નાટકમાં આવતાં સર્વ પાત્ર બાળકો (બાળવયનાં) છે? બાળનાટકમાં સર્વ પાત્ર બાળવયનાં હોવાં જોઈએ? ત્રીજી રીતે પૂછીએ તો આમાં નટનટી સર્વ બાળવયનાં છે? ચોથી રીતે પૂછીએ તો આનો બોધ માત્ર બાળકો માટે જ છે? બાળનાટક આ બધું જ હોઈ શકે – છે. છતાં એમાંનું ગમે તે એક એટલે જ બાળનાટક એમ વ્યાખ્યા બાંધવી એ અપૂરતી છે, અને તે કારણે સત્ય અને વાસ્તવિકતા બન્નેથી દૂર છે. ભૂલવું ન જોઈએ કે બાળ તો છે જ, પણ મહત્ત્વની વાત એ નાટક છે. એટલે નાટ્યતત્ત્વ તો આવશ્યક છે. નાટકની બોધ આપવાની રીત કોઈ પણ શાસ્ત્રની રીત કરતાં, અને બીજાં કોઈ સાધન કરતાં જુદી રહેવાની. એ જુદી જ છે માટે તો એ નાટક છે. એટલે પ્રશ્ન એ રહે કે આમાં બાળ અને પ્રૌઢ એવો ભેદ આવશ્યક હોય તો કઈ રીતે ઉપકારક છે? અને બાળનાટકનો પ્રાણપ્રશ્ન હોય તો પણ આટલો જ છે! જો આ પ્રશ્નનો આપણને ઉત્તર જડે તો આપણે આ કોયડો ઉકેલ્યાનો આનંદ લઈ શકીએ. નાટક કહીએ છીએ એટલે પાત્ર, પ્રસંગ, કથાનક, સંવાદ, રીત એ બધું તો હોય જ; ઉપરાંત સર્વ કાળ અને સર્વ લોકને કોક ને કોક રીતે સ્પર્શી જતી, કોક વાત પણ એમાં છે. એમાં બાળ એ ઉમેરો છે, વધારો છે, કશું કાઢી લેવાનું ત્યાજ્ય કે વર્જ્ય ગણવાનું નથી. હા, પ્રૌઢોને આનંદ કે વિષાદનો અનુભવ કરાવી જાય એવું એમાં ન હોય તો ચાલે. દા. ત. શૃંગાર, બીભત્સ. લગભગ અત્યાર લગી એક એવી માન્યતા પ્રવર્તતી હતી કે ક્રૂરતા – વિશિષ્ટ અર્થમાં કુઅલ્ટી – પણ આ પ્રકારમાં ત્યાજ્ય ગણાય. પણ રુચિને કારણે અત્યારે તો ક્રૂરતા એ માત્ર ફૅશનેબલ અને સન્માનનીય ગણાઈ છે એટલું નહીં પણ સ્વીકાર્ય ગણાવા સાથે આવશ્યક મનાતી થઈ છે. એનું તો આગવું થીએટર ઑફ કુઅલ્ટી રચાયું છે. એ કેટલો સમય ચાલશે કે આ ક્ષણે પણ ચાલે છે એવું વિધાન કરવું મુશ્કેલ છે. છતાં આ વસ્તુ અને રીત નાટકમાં આવી ગઈ એટલું તો કબૂલ કરવું પડશે. અને એમાં રહેલી હાર્શનેસ – કર્કશતા – બાળનાટકમાં ન હોવી જોઈએ એ વાતથી જ જો બાળનાટકના નેતિ, નેતિની શરૂઆત કરીએ તો વિચાર કરવાનું અને માંડવાનું વિશેષ સરળ બનશે. જો નાટકના બાળનાટક અને પ્રૌઢનાટક એવા ઘડીપૂરતા ભેદ સ્વીકારીએ તો બન્ને પદાર્થ નાટક હોવા છતાં બન્નેમાં રીતિનો ભેદ સ્વીકારવો પડશે. અને આ રીતિનો ભેદ તે પ્રૌઢનાટકમાં જેટલું જે રીતે સમાવાય તેટલું બધું તે જ રીતે બાળનાટકમાં ન આણી શકાય એ રીતે સમજવો પડશે. બાળનાટક અમુક રુચિ ધરાવતા, કૌતુકપ્રિય, અત્યંત તાર્કિક એવા જ પ્રમેયોને બાજુ પર મૂકી શકે, ડિસ્બિલીફને – ચકાસણી વિના કશુંય સ્વીકારવાના ઇન્કારને – નાટકના આસ્વાદ પૂરતું અટલ સિદ્ધાન્ત તરીકે ન ગણે એવા ભાવકો માટેનું નાટક છે એમ સ્વીકારીને આગળ ચાલીએ. એમાં અમુક વય પણ સમાઈ જતી હોય તો એમાં કશો વાંધો લેવામાં ન આવે. વયે પ્રૌઢ પણ પેલા પ્રૌઢપણાને આ નાટક પૂરતું બાજુએ મૂકે. પેલા ભેદ A અને U – એટલે કે માત્ર પ્રૌઢ માટેના અને સર્વવય માટેના – બાલનાટકમાં જરા જુદી રીતે અમલી બને છે. ગમે તે વય પણ ચકાસણીની રીતે સહેજ જુદી હોય તો બાળનાટક સર્વ વયનાને માટેનું નાટક બની શકે છે. આમાં માત્ર સાકરલપેટનો, સુગરકોટિંગનો, પ્રશ્ન નથી. મૂળ પ્રશ્ન અભિગમનો છે. અને ત્યાં જ પેલી કર્કશતાનો પ્રશ્ન આવીને ઊભો રહે છે. અને એ સાથે આ જ સ્થળે માસમીડિયાના અન્ય આવિષ્કારો–રેડિયો, ટેલિવિઝન, સિનેમા, કૉમિકસ–ના અકલ્પ્ય પ્રસારને કારણે બાળનાટક પણ પહેલાં જેટલું કર્કશતામુક્ત નથી રહી શક્યું એ વાત પણ ખ્યાલમાં રાખવી જરૂરી છે. જાતીયતાની અને એની વિકૃતિઓની વાત આજે બાળનાટક લગી ન આવે – કદાચ આવતી કાલે એનો પણ ઇન્કાર નહીં થઈ શકે. [જાતમાહિતીની એક વાત અહીં નોંધું. પરિચિતોમાં એક બહેન છે જેમણે બચપણથી જાહેર જીવનમાં ઝુકાવ્યું હોઈ લગ્ન ન કર્યું. એમની ભત્રીજી હવે કૉલેજમાં આવી. વરસેક દિવસ પર પેલા બહેને એમનાં ભાભીને, ભત્રીજીના દુનિયાદારીના જ્ઞાન વિષે વાત કરી, અને ભત્રીજીને આ બાબતમાં વાત કરવા પોતાની પાસે રાખવાની સૂચના કરી. માએ દીકરીને વાત કરી અને દીકરીએ તે જ ક્ષણે માને કહ્યું: `ફઈબા આ બાબતમાં શું જાણે? પરણ્યાં તો છે નહીં!] પણ જાતીયતા ઉપરાન્ત પણ આજે માસમીડિયાને કારણે મારઝૂડ, હિંસાખોરી, તસ્કરવિદ્યા વગેરે કર્કશતાની વાતો વધારે રંગીન રીતે બાળકો સમક્ષ આવતી થઈ છે. બાળ-નાટકમાં એ બધાને જ વર્જ્ય ગણવા રાખવાનું હવે ઝાઝો સમય શક્ય નથી રહેવાનું. પણ આ બાબતમાં બાળ-નાટક જો અતિવાસ્તવિક બનવાનો આગ્રહ ન રાખે તો એક મોટી સિદ્ધિ હાંસલ કરશે. અને એ સિદ્ધિ તે ભાવકની કલ્પનાને પોષવાની, સુરુચિ કેળવવા સાથે કલ્પનાને વાળવાની. હકીકતમાં તો આ જ બાળનાટકનું ખરું ક્ષેત્ર છે. આવો આદર્શ રાખીને વર્તતું બાળનાટક વાસ્તવમાં સાચી સાંસ્કારિક પ્રવૃત્તિ છે. ધ્યાનમાં રાખવાની વાત એ છે કે સામે છેડે અવાસ્તવિક બનવા માટે, સાયન્સ ફિક્શન જેવું થ્રીલર બનવાનું કામ બાળનાટકને સોંપવાનું નથી. સુરુચિ અને કલ્પનાની કુમાશ જાળવીને જ આ કામ થઈ શકે. આ માટે બાળનાટકમાં પરીદેશનો પરિવેશ હોય, `વ્હિમ્ઝી’ તરંગના ઊંડાણ હોય, તો કલ્પનાને એ વધુ પરિપોષક બને. મેટરલિંકનું `બ્લ્યુબર્ડ’, બેરીનું `પીટરપેન’, શ્રીધરાણીનું `વડલો’–અત્યંત ગંભીર વસ્તુ લઈને આવે છે પણ કૌતુકનું સેલોફેન ગંભીરતાને પણ સહ્ય બનાવે છે. સાકરના કટકાને કે ટેબલખુરશીને માણસ તરીકે, જીવતી વસ્તુઓ તરીકે માની લેવાની બાળક(ભાવક)ની તૈયારી, આ નાટકને કેટલી સરળતા કરી આપે છે? વૈયાકરણી કે જીવવિદ્યાના આચાર્યને જે વાંધા નડે તે બાળકને નડતા નથી. એટલી એક સાદી વાતના સ્વીકાર દ્વારા નાટક મોટું કામ કાઢી લે છે. ઉપરાંત આ `વ્હિમ્ઝી’ તરંગના ઉડ્ડયનથી એક બીજી વાત પણ અત્યંત સરળ બને છે. તે વાત છે તે બોધની. તરંગી લાગે એવી વાત ભાવકના ચિત્તમાં સ્થાપી શકાય એટલે જ પેલો પ્રત્યક્ષ બોધ આપવાનું કામ આપોઆપ પતી જાય. અને પરોક્ષ બોધ હૃદ્ય અને સ્વીકાર્ય બની જાય. કૌતુક જગાડવું, અને કૌતુક સંતોષવું. કૌતુકને જરાકે શિથિલ ન થવા દેવું એ જ એક રીતે તો બાળનાટકનો આત્મા કહી શકાય. કલ્પનાને પોતાનું જ આગવું લૉજિક – તર્કશાસ્ત્ર – છે. વહેવારુ અને પ્રૌઢ તર્કવિદ્યા સાથે એને સંબંધ નથી એવું નથી. પણ એ સુપર-રૅશનલ નિતાંત તાર્કિક નથી. પણ એને તો એનું આગવું વિશ્વ છે અને વિશ્વમાં તો એનું તર્કજ્ઞાન પ્રવર્તે છે. બાળનાટક આ જ સ્વરૂપે ટકી રહેશે એવી શ્રદ્ધા વ્યક્ત કરવા જેવું આજે ઓછું છે. રેડિયો, સિનેમા, ટેલિવિઝન, કૉમિક્સ અને બીજી જે પણ નવીનતાઓ, નવોન્મેષો શોધાવ તેનાથી પ્રભાવિત થયા વિના બાળનાટકથી રહેવાવાનું નથી. મંચની અદ્યતન સજ્જતા કદાચ બાળનાટકને નવો ઉઠાવ પણ આપે એવું બને, પણ બાળનાટક પાસેથી એની કૌતુક પ્રેરવાની અને દુનિયાદારીના તર્કવિજ્ઞાન-કદાચ તત્ત્વજ્ઞાન-થી વિભિન્ન એવું વિશ્વ, જે અલાયદું અને આત્મપર્યાપ્ત છે એવું વિશ્વ, રચવાની સગવડ લઈ લેવાનું કામ બાળનાટકની વ્યાખ્યા બાંધવા જેટલું જ દુર્ઘટ છે. બાળનાટક રચવાનું કામ સહેલું કે સરળ છે એમ કોઈ માની લે તો સારું.