નારીવાદ: પુનર્વિચાર/અસમર્થ માતૃસત્તાધીશો: એક પ્રચ્છન્ન સત્ય

૧૮
અસમર્થ માતૃસત્તાધીશો : એક પ્રચ્છન્ન સત્ય

સ્મિતા શિવદાસન
રિસર્ચર, કેરળ

સત્તાની ભૂખ બધામાં જ વારસાગત ઊતરી આવેલી હોય છે, એટલે જ સત્તાનું રાજકારણ આપણાં બધાંનાં જીવનની એક રીત જ બની ગયું છે. પુરુષોની સત્તા માટેની એષણા અને એશઆરામની જિંદગીની ઇચ્છાને કારણે જ પિતૃસત્તાક સંસ્કૃતિનો ઉદય થયો હતો. એના સ્વાર્થી હેતુના પરિણામે જ સ્ત્રીનું દમન થયું છે. જાતિ(જેન્ડર)ને લગતી નિશ્ચિત ભૂમિકાઓ સ્ત્રીને અલગ બનાવે છે, પણ એ કમજોર નથી. વધારે શારીરિક સામર્થ્ય અને ધન – એ બંનેએ પુરુષોને સ્ત્રીઓ ઉપર આધિપત્ય સ્થાપવાની અને ચડિયાતી સ્થિતિમાં મૂકી દીધા છે. પુરુષે જ ‘આદર્શ સ્ત્રી’ની છબીનું સર્જન કર્યું છે, જેથી કરીને સ્ત્રી તાબેદાર બનીને ચૂપ રહે. તદુપરાંત, રીતરિવાજો અને પરંપરા એવી રીતે બનાવવામાં આવ્યાં છે કે પુરુષો જીવનના દરેક ક્ષેત્રમાં પોતાનો અધિકાર જમાવી રાખી શકે. માટે સ્ત્રીઓએ પોતાની ચુપકીદી છોડીને દમનની સામે અવાજ ઉઠાવવાની જરૂર ઊભી થઈ છે. એક સામાજિક ચળવળ તરીકે નારીવાદ (ફેમિનિઝમ) સમાજમાં સ્ત્રીઓના હક્કો, રસના વિષયો અને સમસ્યાઓને આગળ કરીને જાતિની અસમાનતા ભૂંસી દેવા માગે છે. એક અંગ્રેજ ફિલસૂફ, જ્હોન સ્ટુઅર્ટ મિલ, માનતા હતા કે સમાજના વિકાસ માટે સ્ત્રીની સ્વતંત્રતા આવશ્યક છે. વિક્ટોરિયન યુગના અન્ય લોકોની જેમ તેઓ પણ એમ જ માનતા કે બધાં જ સામાજિક વર્તનોના સ્રોત માટેનો આદર્શ નમૂનો એક પરિવાર જ હોય છે અને તેઓ એક બાબતને વળગી રહ્યા હતા કે જો પરિવારમાં માત્ર પુરુષનું જ આધિપત્ય હોય, તો છોકરાઓ સ્વાર્થી બની જાય છે અને છોકરીઓ હલકી પડી જાય છે અને આમ આખી બાજી બગાડી નાંખે છે. સૌથી વધુ વિવાદાસ્પદ કૃતિ ધ સબ્જેક્શન ઑફ વિમેન(૧૮૬૯) (સ્ત્રીઓની પરાધીનતા)માં એમણે લખ્યું છે :

“.... મનુષ્યજાતિને વધુ સારી બનાવવામાં સૌથી મોટી બાધા ખડી કરનારો એક નિયમ છે, જે હાલની બે લૈંગિક જાતિઓ (sex) વચ્ચેના સામાજિક સંબંધોનું નિયમન કરે છે, જેમાં એક લૈંગિક જાતિ અન્ય લૈંગિક જાતિને કાયદેસર તાબે થઈ જાય છે – આ નિયમ સદંતર ખોટો છે અને આ નિયમને સમાનતાના નિયમ વડે બદલી દેવો જોઈએ; આ સમાનતાના નિયમમાં એક ખાતરી આપવી જોઈએ કે એક બાજુને સામર્થ્ય અથવા લાભ ન મળવા જોઈએ, અને બીજી બાજુએ અસમર્થતા ન હોવી જોઈએ.”

વર્જિનિયા વુલ્ફથી શરૂ કરીને ઘણા લેખકો એવું માનતા આવ્યા છે કે જો સ્ત્રીઓ પાસે ધન હોય તો તેઓ શક્તિશાળી બને. શું આ વાત સાચી છે? માતૃસત્તાક કહેવાતા નાયર સમાજમાં સંપત્તિની પ્રાપ્તિ શું સ્ત્રીઓને શક્તિશાળી બનાવે છે? આ પેપરનો હેતુ મલયાલમ્ સાહિત્યના એક પ્રખ્યાત લેખકની કૃતિઓનો આધાર લઈને આ પરસ્પર વિરોધી પરિસ્થિતિની તપાસ કરવાનો છે. એમ. ટી. વાસુદેવન નાયરે (જેને હવે પછીથી આપણે એમટી કહીશું) પ્રચુર માત્રામાં લખ્યું છે અને એમણે કેટલીક ટૂંકી વાર્તાઓ, નવ નવલકથાઓ, કેટલાક નિબંધો, પ્રવાસવર્ણનો અને ફિલ્મની પટકથાઓ લખી છે. એમની લખવાની રીત અનોખી છે અને તેઓ ખૂબ સરળ શૈલીમાં વાર્તા કહે છે. એમને અગણિત પુરસ્કારો મળ્યા છે, જેમાં ૧૯૯૬માં મળેલ જ્ઞાનપીઠ અવૉર્ડ અને ૨૦૦૫માં મળેલ પદ્મભૂષણનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે એમટીનાં લખાણોમાં નાયર સમાજના થારવાડની બગડતી જતી દશાની વાત રજૂ થાય છે. એમનાં પાત્રો અને પરિસ્થિતિઓ એકદમ વાસ્તવદર્શી હોવાને કારણે વાચકો માટે એમની કૃતિઓ ખૂબ મહત્ત્વની બની રહે છે. એમાં મોટા ભાગે લેખક પોતે પણ એક પાત્ર હોય છે અને એમનાં મિત્રો કે સગાંવહાલાં એમની આજુબાજુનાં પાત્રો હોય છે. જ્યાં એમનો જન્મ અને ઉછેર થયા હતા એ કુડાલ્લુર ગામ એમની કૃતિઓની પૃષ્ઠભૂમિમાં હોય છે. એ રીતે જોઈએ તો એમના કુડાલ્લુરને આપણે થોમસ હાર્ડીના વેસેક્સ અને આર. કે. નારાયણના માલગુડી સાથે સરખાવી શકીએ. એમના ટૂંકી વાર્તાના સંગ્રહની પ્રસ્તાવનામાં તેઓ કહે છે :

“મારી સાહિત્યિક જિંદગીમાં હું કુડાલ્લુરનો સૌથી વધારે ઋણી છું, જ્યાં વેલાયુથેટ્ટન, ગોવિંદન કુટ્ટી, જુગારી કોન્થુન્ની અંકલ અને મીનાક્ષીદાથી રહે છે. પિતાજી, મા, ભાઈઓ, અન્ય સગાંવહાલાં, સાથીઓ અને પાડોશીઓનો મારાં પ્રિય પાત્રોમાં સમાવેશ થાય છે.” (૬)

સૌથી મોટી વાત તો એ છે કે એમટીની મોટા ભાગની વાર્તાઓ, જે નાયર સમુદાયના તેઓ છે, એ જ પરિવારોનાં જીવનની આજુબાજુ ફરતી રહે છે. યુદ્ધની પરંપરા ધરાવનારા નાયરોનું કેરળના ઇતિહાસમાં ગૌરવપૂર્ણ સ્થાન છે. જ્ઞાતિના સ્તરીકરણ મુજબ તેઓ શૂદ્ર ગણાય છે. તેઓના સમુદાયમાં લગભગ ચોસઠ પેટાજ્ઞાતિઓ હોય છે અને એમાંથી મુખ્યત્વે મેનન, પિલ્લાઈ, કુરૂપ, નાંબિયાર વગેરે હોય છે. નાયર સમુદાયમાં પરિવારના એકમને થારવાડ કહેવાય છે, જેમાં એક પૂર્વજ સ્ત્રીના વંશજોમાં એનાં દીકરા અને દીકરીઓના સંયુક્ત પરિવારોનો સમાવેશ થાય છે. એ લોકોનું લાક્ષણિક ઘર એક ચોક્કસ આકારનું મકાન હોય છે, જે નાલુકેટ્ટુ તરીકે ઓળખાય છે અને એમાં બરાબર વચ્ચોવચ એક ખુલ્લો ચોક હોય છે. પારંપરિક રીતે સ્ત્રીઓ, પુરુષો અને કરનવન માટે આ મકાનના અલગ-અલગ ભાગો ફાળવવામાં આવ્યા હોય છે. એ લોકોની વ્યવસ્થાની એક ખાસ લાક્ષણિકતા એ છે કે સ્ત્રીઓ પોતાનાં જ ઘરોમાં રહે છે, અને એમના પતિઓ એમની મુલાકાત લેતા રહે છે. માલમિલકતના વારસા બાબતે કેરળમાં નાયર સમાજ એક અનોખી વ્યવસ્થા પાળે છે, જે માતૃવંશીય તરીકે ઓળખાય છે, જેમાં કૌટુંબિક મિલકતનો વારસો સ્ત્રીઓને મળે છે, અને પરિવારની સ્ત્રીઓ વડે જ વંશ આગળ ચાલે છે. આ માતૃવંશીય વ્યવસ્થા માટે કોઈ ચોક્કસ ખુલાસો જડતો નથી, પણ આ માતૃવંશીય વ્યવસ્થાની શરૂઆત ક્યાંથી થઈ હશે એના પર અમુક થિયરીઓ પ્રકાશ પાડે છે. એક થિયરી મુજબ કાલી, દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીની ઉપાસના કરનારા નાયરોએ આ હિંદુ દેવીઓને માન આપવા માટે માતૃવંશીય વ્યવસ્થા અપનાવી હશે. બીજી થિયરી કહે છે કે નાયરો લડાયક પ્રજા હોવાને કારણે તેઓના પુરુષો ઘરથી મોટા ભાગે દૂર રહેતા હતા, એટલે જ પારિવારિક બાબતો પર સ્ત્રીઓએ નિયંત્રણ રાખવું પડતું અને નિયંત્રક તરીકેના આ પદે જ માતૃવંશીય વ્યવસ્થાની કેડી કંડારી હશે. હજી એક બીજી થિયરી કહે છે કે નાયર-નામ્બુદ્રી-સંબંધોએ માતૃવંશીયતાને જન્મ આપ્યો હશે. આ ‘સંબંધમ્’માં, એક નામ્બુદ્રી પુરુષ એક નાયર સ્ત્રી સાથે લગ્ન કર્યા વિના રહી શકે છે. પણ લૈંગિક નિકટતા સિવાય જ્ઞાતિઓને લાગુ પડતા નિયમો અને ભેદભાવોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. ઇતિહાસ જણાવે છે કે નામ્બુદ્રીઓએ સમાજમાં પોતાની સર્વોપરિતા જાળવી રાખવી હતી, એટલે જ આ ‘સંબંધમ્’ની પ્રથાને જન્મ આપ્યો હશે, કારણકે નામ્બુદ્રી પરિવારનો સૌથી મોટો દીકરો જ પોતાના સમાજમાં લગ્ન કરી શકે છે, જેથી કરીને વારસાની સમસ્યા ઊભી ન થાય; બાકીના બધા જ દીકરાઓને નાયર સ્ત્રીઓ સાથે સંબંધ રાખવાની છૂટ હોય છે. નાયરોને પરાણે એવું માનવું પડતું કે નામ્બુદ્રીઓ દૈવી મનુષ્યો હોય છે અને તેઓને પોતાની સ્ત્રીઓ ધરાવવાની એમની ફરજ હોય છે. ધર્મગ્રંથોએ પણ એમની મદદ કરી. બ્રાહ્મણો જાણતા હતા કે તેઓ શૂદ્ર સ્ત્રીઓ સાથે લૈંગિક સંબંધ બાંધવા માટે મુક્ત છે, પણ ધાર્મિક પુસ્તકોના કાયદા મુજબ તેઓને પત્નીનું સ્થાન ન આપી શકાય. તેઓનો હેતુ કોઈ પણ જાતના બોજ વિના આનંદપ્રમોદ કરવાનો હતો અને નાયરો માટે પણ આ એક લહાવો હતો. નાયર સ્ત્રીઓ આ પ્રકારના ઘણા સંબંધો રાખતી, એટલે જ તેમના માટે પોતાનાં જ ઘરોમાં રહેવું ફરજિયાત બની ગયું હશે. તદુપરાંત, પિતાઓની બાળકો પ્રત્યે કોઈ ફરજ ન હોવાને કારણે, બાળકો પણ માત્ર માની સાથે જ ઊછરવા માંડ્યાં. આ દૃષ્ટિએ જોતાં, આવા સંબંધોને કારણે માતૃવંશીયતા અસ્તિત્વમાં આવી હોઈ શકે. આપણી સંસ્કૃતિમાં પિતૃસત્તાક વ્યવસ્થા એટલી જડબેસલાક છે કે માતૃવંશીયતા હોય કે પછી પિતૃવંશીયતા, સ્ત્રીઓ તો હંમેશાં પુરુષોના આધિપત્ય હેઠળ જ હોય છે. નાયર સમાજમાં માત્ર એટલો જ ફરક હોય છે કે પતિના બદલે સ્ત્રીના ભાઈ, જે કરનવન તરીકે ઓળખાય છે, એના હાથમાં સત્તા હોય છે અને સિનિયોરિટી મુજબ એ અનન્થીરવન્સ (મારૂમક્કલ)ના હાથમાં જાય છે, માટે જ આ વ્યવસ્થા મારૂમક્કાથયમના નામે પણ ઓળખાય છે. સામાન્ય રીતે આ સ્ત્રી-પાત્રો સત્તાવિહોણાં હોય છે અને નાયર થારવાડના સંયુક્ત કુટુંબની ગોઠવણોમાં દુ:ખ ભોગવતાં હોય છે, એવું અહીં જોવા મળે છે. તે છતાંય તેઓ પરિવારના સુખ ખાતર સઘળાનું બલિદાન આપી દે છે, ખાસ કરીને બાળકો માટે. “એમટીનાં સ્ત્રી-પાત્રો” નામના લેખમાં ડૉ. રતિ લખે છે : “મા તરીકેનાં મોટા ભાગનાં પાત્રો નિયતિ અને સમાજના હાથનાં માત્ર રમકડાં જ બની રહે છે.” (થમ્પન ૪૬) તેઓનો સ્વભાવ જ તાબેદારી સ્વીકારવાનો હોય છે અને સત્તાધિકારીની સામે તેઓ કોઈ સવાલ ઉઠાવતાં નથી, પણ દરેક બાબતને તેઓ નિયતિ તરીકે સ્વીકારી લે છે. ટી. એમ. પરમચંદ્રનના શબ્દોમાં જોઈએ તો -

“...પોતાના સ્વાર્થ અને આનંદ ખાતર પુરુષોએ સ્ત્રીઓની આશાઓ અને આકાંક્ષાઓનો નાશ કરી નાંખ્યો છે...” (બશીર, ૨૯૨)

“નાલુકેટ્ટુ”ની નાયિકા પારૂકુટ્ટી પુરુષની સર્વોપરિતાનો ભોગ બની છે. એના મામા જ્યારે પોતાની પસંદગીના એક પુરુષ સાથે એને પરણાવવા માટે બળજબરી કરે છે, ત્યારથી એની પીડાની શરૂઆત થાય છે. એનો એક પ્રેમી છે, જેની સાથે એ પરણવા ઇચ્છે છે, તે છતાંય એ પોતાના મામાની સામે મોં ખોલતી નથી. એની મા પણ શક્તિવિહીન થઈને ઊભી રહી જાય છે. એને જ્યારે પારૂકુટ્ટીની દ્વિધાની ખબર પડે છે, ત્યારે એ માત્ર એટલું જ કહે છે : “જો ‘કુન્જીશન’ નક્કી કરે, તો હું શું કરી શકું ?” (૩૪) એ લોકોની જિંદગીની બધી જ બાબતોમાં મામાનો નિર્ણય જ આખરી ગણાય છે, અને કંઈ પણ વિરોધ કર્યા વિના આ સ્ત્રીઓએ એનો અમલ કરવાનો હોય છે. પારૂકુટ્ટી ઘર છોડીને એના પ્રેમી સાથે ઘર છોડીને જતી રહે છે, ત્યારે એના મામા એને મૃત જાહેર કરે છે અને એની અંતિમક્રિયા કરે છે. એટલે એશઆરામમાં જીવેલી પારૂકુટ્ટીએ પોતાનું ગુજરાન ચલાવવા માટે ઘરનોકર તરીકે કામ કરવું પડે છે. એના જ પરિવારનો પુરુષ સત્તાધિકારી એને ભોગવવી પડતી પીડા પર જરાય ધ્યાન આપતો નથી અને એક સામાન્ય ભારતીય સ્ત્રીની જેમ જ એ મૂંગે મોઢે બધું જ સહન કરતી રહે છે. આ સ્ત્રીઓ પુરુષોનાં મોં સામે પણ જોતી નથી હોતી, તેઓ માત્ર એમના પગ સામે જુએ છે. “કલામ” નામની નવલકથામાંનાં સ્ત્રી-પાત્રો પોતાની પરંપરાગત ભૂમિકાઓ ભજવતાં-ભજવતાં જીવ્યે જાય છે. “સ્ત્રીએ તો પુરુષને આધીન જ રહેવું જોઈએ” (૨) જેવી સેથુની માની એની બહેનને અપાતી સલાહ એ પરિવારોની સ્ત્રીઓના વારસાગત અભિગમને છતો કરે છે. નાની બાળકીઓને શરૂઆતથી જ આ રીતે કેળવવામાં આવે છે, એટલે જ તેઓ પુરુષની સત્તા કે તેના દમન સામે સવાલ ઉઠાવતી નથી. “કુટ્ટયેદથી”માં માલુને ખબર પડી જાય છે કે એ જે પુરુષને પ્રેમ કરે છે, એને એ પરણી શકવાની નથી, એટલે એ મોત પસંદ કરે છે. “નુરુનગુન્ન શ્રીંગલકલ”માં સેખરામની મા પુરુષની બેવફાઈનો ભોગ બને છે. એનો પતિ બીજી સ્ત્રીને ખાતર એને છોડી દે છે, એટલે એ આખી જિંદગી આંખમાં આંસુ સાથે વિતાવે છે. જ્યારે એ દલીલ કરવા જાય છે, ત્યારે એનો પતિ એને માત્ર એટલું જ કહે છે : “તું તારું કામ સંભાળ. પુરુષોમાં તો આવું ચાલ્યા જ કરે.” (એસએસ, ૭૪) ઘરમાં ભાગ્યે જ કંઈ હોય અને મહેમાનોને પકવાન પીરસવાની વાત થતી હોય ત્યારની સ્ત્રીઓની દ્વિધાને “કર્કિતકમ્”માં દર્શાવવામાં આવી છે. બાળક પોતાની વર્ષગાંઠ ઊજવવા માગતો હોય એ વખતની માની લાચારી “ઓરુ પિરન્નલિન્તે ઓરમા”માં રજૂ કરાઈ છે. જ્યારે કુન્હી ક્રિષ્ણનની મા ખીરનો પ્રસાદ ધરાવવા માટે પોતાના ભાઈ પાસે થોડા વધુ ચોખા માગે છે, ત્યારે એ એને મારે છે અને બૂમો પાડે છે : “સ્ત્રીઓ ક્યારથી દલીલ કરવા માંડી?” (એસએસ, ૧૦૨) સ્ત્રીઓ પાસે કશુંક લેવા કે માગવાનો અધિકાર જ હોતો નથી. ભાઈઓ પાસેથી જે મળે, એમાંથી જ એણે ચલાવી લેવાનું હોય છે. મેં એમટીની કૃતિઓ વાંચી ત્યાર બાદ એ છતું થયું છે કે આ સ્ત્રી-પાત્રોને કોઈ પણ પ્રકારની સત્તા આપવાનું નકારવામાં આવે છે અને તેઓ પર પરંપરાગત રીતે જીવવા માટે બળજબરી કરવામાં આવે છે. નિર્ણય લેવામાં તેઓને કોઈ સત્તા આપવામાં આવતી નથી અને સમગ્ર વ્યવસ્થા પેલા પુરુષ સત્તાધિકારીના નિર્ણયો મુજબ જ ચાલે છે. સંપત્તિની માલિકી પણ તેઓને સમર્થ બનાવવામાં મદદ કરતી નથી. આ વ્યવસ્થા ભલે માતૃસત્તાક ગણાતી હોય, પણ તે છતાંય અહીં પણ સ્ત્રીઓ પુરુષસત્તાક સમાજવ્યવસ્થાની જેમ જ સત્તારહિત હોય છે. કેવો વિરોધ! એ લોકોની આ અસમર્થતા કુદરતી નથી હોતી, પણ પુરુષોના દમનને લીધે હોય છે. એમ લાગે છે કે સમાજમાં પ્રવર્તમાન સામાજિક-સાંસ્કૃતિક પરિસ્થિતિઓ પણ સ્ત્રીઓની વિરોધી છે અને તેઓની સ્વતંત્રતા અને પ્રગતિ માટે બાધારૂપ હોય છે. સાથોસાથ ભારતીય મગજના આદર્શરૂપ સીતા કે સાવિત્રીની છબી જાળવી રાખવાના સ્ત્રીઓના પ્રયત્નો પણ તેઓની પરિસ્થિતિ માટે જવાબદાર છે. માટે સ્ત્રીઓનું સશક્તિકરણ કરવું અને પુરુષોની મનોદશા બદલવાનું જરૂરી છે, જેથી કરીને સામાજિક પરિવર્તન થાય. હું એવી આશા સાથે વિરમું છું કે આપણે એક એવી દુનિયામાં જીવી શકીશું કે જ્યાં જાતિઓ વચ્ચે ભેદભાવ ન હોય અને સ્ત્રીઓને પણ પુરુષો જેટલું જ સન્માન મળે.

Works Cited

Atrey, Mukta and Viney Kirpal, Shashi Deshpande: A Feminist Study of her Fiction, Delhi: BRPC, 1998.
Basheer, M.M. (edj AIT. Story and Theme, Trichur, Current Books, 1996.
Hiremath, R.G., Women in a Changing World, Jaipur, Pointer Publica-tions, 2002.
Jain, Naresh K., છTradition, Modernity and Changeઝ, in Women in Indo-Anglian Fiction, Manohar, 1998.
Menon, Sankara T.C., Chandu Menon, New Delhi: Sahitya Academy, 1974.
Nair, Vasudevan M.T., Kaalam. (K) Trichur, Current Books, 2003
- Nalukettu (NK) Trichur, Current Books, 2003.
- Selected Stories (SS) Trichur, Current Books, 2002.
Noopur, Kulshresta Indira., Women in Search of Identity, Delhi: BRPC, 1999.
Parampil, K.T., છMatrilineal System Among Malayanક્કsઝ, Caravan Reprints, Set 1, New Delhi, pp. 79-86.
- છMatriliny Among Malayalisઝ, Caravan Reprints, Set 1, New Delhi, pp. 87-100.
Showalter, Elaine, Womenક્કs Liberation and Literature, New York: Harcourt Brace Jovanovich, Inc., 1971.
Thampan, M.R., M.T.yude Sargaprapancham, Trivandrum: Kerala Bhasha Institute, 1997.
Valsala, છOru kadalkshobhathinte Theerathuઝ, Mathrubhumi Weekly, Kozhikode, July 27, 2003, pp. 12-17.