નારીવાદ: પુનર્વિચાર/સાહિત્યિક પરવેશધારણ (ક્રૉસ-ડ્રેસિંગ)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૭
સાહિત્યિક પરિવેશધારણ (ક્રૉસ-ડ્રેસિંગ) : ગુજરાતી દલિત ટૂંકી વાર્તાઓમાં પુરુષ-લેખકો દ્વારા સ્ત્રીઓનું ચિત્રણ

રૂપાલી બર્ક
ફૅકલ્ટી, શ્રી સહજાનંદ વાણિજ્ય મહાવિદ્યાલય, અમદાવાદ

હંમેશાં પુરુષના સંદર્ભમાં જ એક સ્ત્રીની વ્યાખ્યા કરવામાં આવે છે અને એ જ રીતે એને જુદી પાડવામાં આવે છે, પણ પુરુષને સ્ત્રીના સંદર્ભમાં નથી જોવાતો; સ્ત્રી તો માત્ર પ્રાસંગિક જ હોય છે અને આવશ્યકની સરખામણીએ અનાવશ્યક જ હોય છે. પુરુષ જ મુખ્ય વિષય છે, એ જ ‘એકમેવ’ છે – સ્ત્રી તો ‘અન્ય’ જ છે.

– સીમોન દ બુવા

દલિત સાહિત્ય દલિત વાસ્તવિકતાઓ સાથે કામ પાર પાડે છે અને એના સામાજિક સૂચિતાર્થો પણ થાય છે. પણ જ્યારે દલિત સ્ત્રીઓનો પ્રશ્ન આવે છે ત્યારે આમ થતું નથી. દલિત સ્ત્રીઓ સાથે જ્ઞાતિ (કાસ્ટ) અને જાતિ(જેન્ડર)ને લીધે ભેદભાવ કરવામાં આવે છે અને આ કારણસર એમની હાંસિયામાં ધકેલાઈ જવાની પ્રક્રિયા બેવડાય છે. પ્રાદેશિક સાહિત્યમાં હજી સુધી આ બાબતની પૂરતી રજૂઆત થઈ નથી. જી. અરુણિમા નોંધે છે :

સ્ત્રીઓ અને નીચલી જ્ઞાતિઓનું શોષણ થાય છે, એમ કહેવું ભારતીય સંદર્ભે સામાન્ય છે. તે છતાં પણ ઇતિહાસ કે સમકાલીન ભારતીય રાજકારણમાંથી એવા કોઈ પુરાવા મળતા નથી કે જેનાથી આપણે પિતૃસત્તાક વ્યવસ્થા અને જ્ઞાતિઓના શોષણ જેવા મુદ્દા વચ્ચે કોઈ સામ્ય છે એમ કહી શકીએ. સમકાલીન ભારતમાં, નારીવાદી રાજકારણ કે દલિત ચળવળો, દલિત સ્ત્રીઓની સમસ્યા પર પૂરતું ધ્યાન આપી શક્યા નથી.

(બાસુ, ૨૧૯)

પુરુષોની સત્તાના રાજકારણમાં સ્થાન ન આપીને સમાજ અને સાહિત્યમાં દલિત સ્ત્રીઓને સજા કરવામાં આવી છે. આ રીતે દલિત સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ રાખીને અને તેઓને રાજકીય, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને આર્થિક સ્થાનોમાં હાંસિયામાં ધકેલી દઈને જ્ઞાતિ અને જાતિનાં વિવરણો કર્યા કરવાનું સામાન્ય છે. દલિત વિવરણોમાં પણ તેમને હાંસિયામાં જ રહેવા દેવામાં આવે છે. દલિત વિચારસરણીએ પણ હજી સુધી દલિત સ્ત્રીઓની વાસ્તવિકતાને ગંભીરતાપૂર્વક લીધી નથી. દલિત (પુરુષ) લેખકોએ પણ આ બાબત પર ઉપરછલ્લું ધ્યાન જ આપ્યું છે; સ્પષ્ટ રીતે દેખાય એવાં કારણોસર તેઓ અન્ય વિષયો અને વ્યવસાયો પર વધુ ધ્યાન આપતા હોય છે. અને હવે દુ:ખદ રીતે જોવા મળે છે કે જે જ્ઞાતિ-આધારિત ભેદભાવો સામે દલિતોએ બળવો કર્યો હતો, એ જ ભેદભાવો તેમની કક્ષા અને હારમાં ઘૂસી ગયા છે. જોકે જાતિના ભેદભાવો તો દલિત સમાજની બહાર તેમ જ અંદર પણ અસ્તિત્વ ધરાવે છે. દલિત સ્ત્રીઓ માટે આઝાદી અને બંધનમુક્તિ દિવાસ્વપ્ન જેવી છે. આમ બેવડી ભીંસ ભોગવતી દલિત સ્ત્રીઓના ભાવોની અભિવ્યક્તિ ખરેખર તો (સ્ત્રી) લેખિકાઓ જ કરી શકશે. તામિલ સાહિત્યમાં બામા અને સિવાકામીએ ઉઘાડેછોગ આ વિષય પર લખ્યું છે. મરાઠી દલિત સાહિત્યમાં શાંતાબાઈ કાંબળે અને કુમુદ પાવડેની આત્મકથાઓમાં દલિત સ્ત્રીઓના આ બેવડા દુ:ખને પ્રમાણભૂત રીતે વર્ણવવામાં આવ્યું છે. જોકે ગુજરાતી દલિત સાહિત્યમાં હજી બામા કે સિવાકામી કે શાંતાબાઈ કે કુમુદ પાવડે પાકવાનાં બાકી હોઈ, દલિત સ્ત્રીઓના ચિત્રની રજૂઆત હજી દલિત પુરુષો જ કરી રહ્યા છે. આ જ કારણસર, પુરુષ-લેખકો દ્વારા લખાયેલી ગુજરાતી દલિત ટૂંકી વાર્તાઓમાં નારી-પાત્રોના ચિત્રણને વાંચવાનો આ પેપરમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પેપરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલા વિભાગમાં સ્ત્રી-કેન્દ્રી ટૂંકી વાર્તાઓની અને બીજા વિભાગમાં સ્ત્રી-કેન્દ્રી ન હોય એવી ટૂંકી વાર્તાઓની ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતી મુખ્ય પ્રવાહના સાહિત્યની સરખામણીમાં ગુજરાતી દલિત સાહિત્ય હજી હમણાં જ જન્મ્યું છે. ગુજરાતના દલિત સાહિત્યના લેખકો હજી પહેલી પેઢીના જ ગણાય; એમાંના મોટા ભાગના વણકર જ્ઞાતિના પુરુષો છે, જે શહેરી મધ્યમ વર્ગના છે. બેએક (સ્ત્રી) લેખિકાઓ છૂટીછવાઈ દેખાય છે. ગુજરાતી દલિત સાહિત્યમાં (સ્ત્રી) લેખિકાઓની ઊણપ વિશે ધ સિલ્વર લાઇનિંગમાં મોહન પરમાર કહે છે :

દલિત (સ્ત્રી) લેખિકાઓનો પ્રશ્ન આસાનીથી ન સમજી શકાય એવો છે. દલિત સમાજ એક શોષિત વર્ગ છે. સ્ત્રીઓમાં અલ્પ શિક્ષણ જ આ સ્ત્રીઓની સાહિત્ય પ્રત્યેની લાપરવાહીનું કારણ છે. ગુજરાતી દલિત સાહિત્ય પાસે માત્ર પાંચ (સ્ત્રી) લેખિકાઓ છે. (બર્ક, ૮૫)

તેઓ આગળ વધીને ઉપાય સૂચવે છે :

સાહિત્યવર્તુળોની સંસ્થાઓ દલિત સ્ત્રીઓને તેમના સંકુચિત માનસ અને લઘુતાગ્રંથિમાંથી મુક્ત કરાવીને દલિત પુરુષો સાથે ખભેખભા મિલાવીને ઊભા રહેવા માટે સમર્થ બનાવી શકે છે. (બર્ક, ૮૫)

દલિત પુરુષ-લેખકોના ઉદ્ધત મુરબ્બીપણાના ડોળ અને તેમના રક્ષક જેવા સૂરની નોંધ લેવી જ પડે એમ છે. આ વાત પુરુષોએ લખેલી ટૂંકી વાર્તાઓમાં પુરુષ-કેન્દ્રી પૂર્વગ્રહ વડે ડોકાય છે. નીચે વર્ણવેલી ચર્ચામાં આ બાબતનું પ્રમાણ મળી રહે છે. દલિત સાહિત્ય કંઈ શુદ્ધ સાહિત્ય નથી, પણ એના સામાજિક સૂચિતાર્થો છે. આમ, ગુજરાતી દલિત ટૂંકી વાર્તાઓ એક સામાજિક વિષય બની રહે છે. એક આગળ-પડતા ગુજરાતી દલિત લેખક હરીશ મંગલમ્ ‘ટંગ્સ ઑફ ફાયર’માં નિરીક્ષણ કરે છે :

ગુજરાતી દલિત ટૂંકી વાર્તાઓમાં, દલિત સમાજની અભિવ્યક્તિઓ, દલિતોની સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક સમસ્યાઓ કેન્દ્રસ્થાને હોય છે. ગુજરાતી દલિત ટૂંકી વાર્તાઓનું ધ્યેય સમાજમાંથી જાળાં સાફ કરવાનું, સામાજિક પરિવર્તન લાવવાનું અને નવાં મૂલ્યો સ્વીકારવાનું છે. (ત્રિવેદી, ૧૬૭)

હકીકતમાં બહુ ઓછા લેખકોએ ઉપર દર્શાવેલા અવતરણમાં જણાવેલી સ્થિતિ પર પૂરતું ધ્યાન આપ્યું છે. દલિત સ્ત્રી-પાત્રોનું સશક્તિકરણ કર્યા વિના તેમનું ચિત્રણ કરવાથી દલિત સ્ત્રીઓએ ત્રેવડો અન્યાય વેઠવો પડે છે – જે આ પેપરમાં ચર્ચવામાં આવેલી ટૂંકી વાર્તાઓમાં દેખાય છે અને જ્યારે આ (પુરુષ) લેખકો જાણીજોઈને ‘નારીવાદી’ દૃષ્ટિકોણથી લખતા હોય, ત્યારે આ સમસ્યા વધુ ઊંડી બને છે. શોવાલ્ટરની ‘સાહિત્યિક પરિવેશધારણ’ની સંજ્ઞા થોડા ફેરફારો સાથે ઉછીની લઈએ તો અહીં એ સાર્થક બને છે. આ વિભાગમાં લેવાયેલી ત્રણ ટૂંકી વાર્તાઓનાં સ્ત્રીપાત્રોના રેખાંકનની ચર્ચા કરતી વખતે જાતિના સામર્થ્યનું રાજકારણ દેખાય છે. બીજા વિભાગમાં આપણે એ જ ત્રણ દલિત (પુરુષ) લેખકોની અન્ય ટૂંકી વાર્તાઓ વિશે ચર્ચા કરીશું. દલપત ચૌહાણની બા વાળુ આલજોની મુખ્ય નાયિકા શાંતુનો દારૂડિયો પતિ જીવો પરિવારનું પેટ ન ભરી શકતો હોવાને કારણે શાંતુએ પરાણે વધ્યુંઘટ્યું ખાવાનું માગી-ભીખીને પરિવારના પેટનો ખાડો પૂરવો પડે છે. આ પતિ-પત્ની બંને નગરપાલિકાનાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે. શાંતુ કામેથી સીધી ઘરે આવે છે, જ્યારે જીવો મોડી સાંજે ચિકાર દારૂ પીને ઘરે આવે છે. શાંતુ પોતાના દીકરા સમુડાને ભણાવીને શિક્ષક બનાવવા ઇચ્છે છે. એક વાર સમુડાને ભાત ખાવાની ખૂબ ઇચ્છા થાય છે, પણ એ ખાધા વગર જ એ મરી જાય છે – અહીં વાર્તાનો કરુણ અંત આવે છે.

શાંતુ ભલે પરિવાર માટે રોટલો રળવાની અને ગૃહસ્થી સાચવવાની બેવડી ભૂમિકા ભજવીને ‘જાહેર’ તેમ જ ‘અંગત’ જીવનમાં સફળ રહી હોય, પણ લેખક એની સેવા કરવાને બદલે કુસેવા કરે છે. આજની મોટા ભાગની દલિત સ્ત્રીઓનો અનુભવ શાંતુના અનુભવ જેવો જ છે.
જેમ પી. સી. જૈન શેડ્યુલ્ડ કાસ્ટ વિમેનમાં ધ્યાન દોરે છે :
ઉપલા વર્ણની સ્ત્રીઓ કરતાં નીચલા વર્ણની સ્ત્રીઓ ભલે વધુ સ્વતંત્રતા ભોગવતી હોય, પણ તે છતાંય નીચલી જાતિની સ્ત્રીઓએ પોતાના પરિવારના પુરુષોની સત્તા હેઠળ જ જિંદગી જીવવી પડે છે (જૈન, ૧૬)

લગ્નજીવનમાં પુરુષ-સ્ત્રીના સંબંધમાં સત્તા અને પ્રેમની અરસપરસ અસરનું તેમ જ દલિત સ્ત્રીઓને અસર કરનાર જ્ઞાતિ-જાતિના સંબંધનું અહીં સૂચન કરવામાં આવ્યું છે. ‘ધ જેન્ડર ઑફ પાવર’માં સ્ટીવન લ્યુક્સ શક્તિના ત્રીજા પરિમાણને પરખીને એના વિશે સમજાવે છે : “ફરિયાદોની ગેરહાજરીનો અર્થ એ નથી કે સત્તાની હાજરી ન હોય. સત્તાનો સંબંધ અપ્રગટ હોઈ શકે છે. (ડેવિસ, ૩૫) શાંતુ મૂંગે મોંઢે બધું જ સહન કરતી રહે છે, એને કોઈ હરખ-શોક નથી અને એ સંજોગોને બદલી પણ શકતી નથી – આ હકીકત જ એને “સાંસ્કૃતિક રીતે મંદબુદ્ધિની અને પોતાના કાબૂ બહારના સંજોગોનો શિકાર બની ગયેલી નિષ્ક્રિય અને અબુધ વ્યક્તિ બનવાની તરફ હડસેલી મૂકે છે.” (ડેવિસ, ૮૧) શાંતુની આર્થિક સ્વતંત્રતા પણ એને એના પતિ પાસેથી છોડાવી શકતી નથી. અહીં અત્યાચારી ‘અન્ય’ અંદરનો જ છે, જેનાથી એને એકસરખો દરજ્જો પણ અપાવી શકતી નથી. આ વાર્તામાં ફરી-ફરીને એક જ વાત કહેવામાં આવે છે કે દલિત સ્ત્રીઓ સ્પષ્ટપણે જ્ઞાતિ કરતાં વધુ જાતિનો શિકાર બને છે. બી. કેસરશિવમની ટૂંકી વાર્તા રાતી રાયણની રતાશની મુખ્ય નાયિકા કેશલી ઉપલા વર્ણના એક પુરુષ દ્વારા થતી જાતીય સતામણીનો વિરોધ કરે છે. અહીં અત્યાચારી ‘અન્ય’ બહારનો છે. ઘણીબધી ગુજરાતી દલિત વાર્તાઓમાં આ જ પ્રકારનો કેન્દ્રીય વિચાર જોવા મળે છે. આગળ ચર્ચેલી વાર્તાની શાંતુની ‘દાસી’ની છબીથી વિપરીત અહીં કેશલીની છબી ‘દેવી’ની છે. એને શાંતુ કરતાં સાવ જુદી જ રીતે, જાતિના સામર્થ્યના સમીકરણને ઊંધું કરી દેતી દેખાડવામાં આવી છે. જુલમી દીપો કેશલીની પાછળ પડ્યો છે અને એની સાથે અનૈતિક સંબંધ બાંધવા ઇચ્છે છે, પણ કેશલી એના પર કાબૂ મેળવે છે. એ ભરબજારે ખસી કરનારી જોગમાયાનું સ્વરૂપ ધારણ કરે છે [એ જ ઈશ્વરીય શક્તિ (સામર્થ્ય) મા દુર્ગા, જે આ વિશ્વનું સર્જન કરે છે] અને દીપાને ધમકી આપે છે : “અરે હરામી ! જો તું સિંહણનું દૂધ ધાવીને ઊછર્યો હોય, તો આવ અને લગ્ન કરીને મારો હાથ સ્વીકાર. પણ જો તું કોઈ હીજડાનો દીકરો હોય, તો આવ અને મને ધાવ, મારા પગે પડ અને મને મા કહીને ચાલતી પકડ.” વાર્તા આગળ ચાલે છે :

દીપાને એને મા કહેવાનો કે એના પગે પડવાનો કોઈ વાંધો નહોતો, પણ ધાવવાની વાતે એને કંપારી છૂટી ગઈ. કોઈ એકાંત જગ્યાએ એ ખૂબ મજાથી એને ધાવ્યો હોત, પણ જાહેરમાં એમ કરવું એના માટે અશક્ય હતું.

ઉપરની પંક્તિઓમાં છુપાયેલી ભીષણતા સામે આંખ આડા કાન ન જ કરી શકાય. ઉપલા વર્ગના પુરુષો માટે એક દલિત સ્ત્રીનું શરીર જાણે એક વિવાદાસ્પદ સ્થાન બની જઈને, કેશલીની જોગમાયા તરીકેની મૂર્તિને સાવ પિગળાવી દે છે; અહીં દલિત સ્ત્રી એક ‘ચીજ’ બની જાય છે, જુલમ સહેનાર ‘અન્ય.’ પુરુષની ક્રૂરતા અને જોરજુલમની પરાકાષ્ઠા જેવા દીપા પર વિજય મેળવનારી કેશલીના સ્ત્રી-પાવિત્ર્યને ભવ્ય દેખાડવાની ઉતાવળ કરતાં પહેલાં આ કથાનું પુનર્મૂલ્યાંકન કરવું જરૂરી છે. કેશલી જાતીય સતામણીનો શિકાર બને છે, એ જ બતાવે છે કે એ હુમલાપાત્ર છે અને ઉતરતી કક્ષાની છે. અહીં કેશલીએ કરેલી દીપાની બેઇજ્જતીનો (જે કેશલી કરે છે / મેળવે છે) મુદ્દો નથી નોંધવાનો, પણ દીપાને હાથે કેશલીનું ગૌરવ હણાતું અટકે છે (જે દીપો કરતો નથી / મેળવી શકતો નથી) – એ મુદ્દો નોંધવાનો છે. મોહન પરમારની થાળીની રેવી અને હરીશ મંગલમની તલપની શવલીની જેમ જ કેશલી પણ એક જાતીય ‘ચીજ’ જ બની જાય છે, પુરુષની વાસના અને પુરુષની એકીટસે જોનારી નજર માટેની ચીજ – અહીં ઉપલા વર્ણના પુરુષ, પોતાની જ્ઞાતિના પુરુષ તેમ જ દલિત પુરુષ લેખકોનો પણ સમાવેશ થઈ જાય છે. નવાઈની વાત તો એ છે કે એક દલિત સ્ત્રીનાં પાવિત્ર્ય અને શુદ્ધતા માત્ર જાતીય શોષણના સંદર્ભે જ મૂલવવામાં આવે છે, એ સિવાય ક્યારેય નહીં. દલિત નાયિકાઓને સામાજિક સ્વાતંત્ર્ય પૂરું પાડવાના પ્રયત્નો ક્યારેય થયા નથી. પ્રવીણ ગઢવીની મત્સ્યગંધામાં મુખ્ય નાયિકાનું નામ પણ એ જ છે અને એ શૂદ્ર જ્ઞાતિની છે. ઇન્દ્રપ્રસ્થનો રાજા શાંતનુ એના રૂપથી મોહ પામીને, જ્યાં સુધી પોતાની મા મત્સ્યગંધાને પટરાણી બનવાની પરવાનગી ન આપે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર ઊતરે છે. અહીં ખરેખર એક શૂદ્ર કન્યાને સામાજિક અને રાજકીય સ્તર ઉપર લાવવામાં વિજય મળે છે. જોકે પછીથી આ મત્સ્યગંધા (જેનું નામ ફરીથી સત્યવતી પાડવામાં આવે છે) પોતાની શક્તિ સમાજકલ્યાણ માટે વાપરવામાં બિનઅસરકારક નીવડે છે અને હંમેશાં દુ:ખી થયા કરે છે. આ લાંબી વાર્તાના અંતમાં આપણને વાંચવા મળે છે કે :

વરસો-સદીઓ સુધી કારાવાસ ભોગવ્યા પછી મત્સ્યગંધાની પાંખો કાપી નાંખવામાં આવી, બુઠ્ઠી કરી દેવામાં આવી. વયોવૃદ્ધ સત્યવતી – મત્સ્યગંધા આભાસી કારાવાસ જેવા હસ્તિનાપુરના કિલ્લામાંથી બહાર નીકળી ચાલી. કૃષ્ણ દ્વૈપાયનનો ટેકો લઈને એ લથડતાં પગલે નાવ સુધી પહોંચી. ઇન્દ્રપ્રસ્થના અન્યાયો, જુલમો અને જાતીય શોષણોથી દૂર એનો દીકરો હલેસાં મારીને નાવ ચલાવી ગયો. ભરતવંશની જરાય ચિંતા કર્યા વિના એ શૂદ્ર લોકો સાથે ભળવા ચાલી નીકળી.

આ નાયિકા કોઈની માલિકીની મિલકત, એક જાતીય મિલકત બની ગઈ, એનો એકમાત્ર ગુણ એનું સૌંદર્ય હતો, એનું શરીર જ માત્ર એની ઓળખ હતું. ગરીબી અને અસ્પૃશ્યતાની પકડમાંથી છૂટીને ભલે એ મહેલ સુધી પહોંચી શકી હોય, પણ એ મહેલ જ એક આભાસી પાંજરું બની જાય છે. એને ડર લાગે છે કે શાંતનુના મૃત્યુ પછી એનો ભાઈ દેવવ્રત એને મહેલમાંથી હાંકી કાઢશે, પણ જ્યારે એને એના હક્કના સ્થાન પર રહેવા દેવામાં આવે છે, ત્યારે એને આશ્ચર્ય થાય છે. આ પ્રકારની ઘટનાઓ હકીકત પર ભ્રામક ઓપ ચડાવી દે છે. મનુસ્મૃતિ મુજબ સત્યવતી – મત્સ્યગંધાનું જીવન એના પતિ, દિયર અને પુત્રોના આશ્રય હેઠળ જ પસાર થાય છે. આ વાર્તામાંથી આપણને બોધ મળે છે કે એક દલિત સ્ત્રીનું રાજકીય સશક્તિકરણ થવું એ તો બહુ દૂરની વાત છે, પછી ભલે ને એ એક સમ્રાજ્ઞી કેમ ન હોય. આ બધી ચર્ચા પરથી એક વાત ચોક્કસ સમજી શકાય છે કે દલિત સાહિત્યનાં ચોક્કસ હેતુઓ અને વિભાગીકરણો કરવા છતાંય એના વડે દલિત (પુરુષ) લેખકોએ દલિત સ્ત્રીઓનું સામાજિક-આર્થિક-રાજકીય સશક્તિકરણ કરવા માટે કોઈ પ્રયત્ન કર્યો નથી. જે જોવા મળે છે, એ તો માત્ર સ્ત્રીની ‘દેવી’ કે ‘ડાકણ’ની બીબાઢાળ છબીઓ જ જોવા મળે છે. ગમે તે રીતે જુઓ તોપણ આ સ્ત્રી-પાત્રોને પણ પુરુષો- અહીં (પુરુષ-)લેખકોનો ખુદનો પણ સમાવેશ થઈ જાય છે -ની ધૂન મુજબ જ ઘડવામાં આવે છે. દલિત સ્ત્રીઓની ‘પવિત્ર’ અને ‘કર્તવ્યપરાયણ’ હોવાની વિભાવનાઓ, જેને બીજા શબ્દોમાં તેમનાં માન-મર્યાદાના સ્તંભ જેવાં લક્ષણો ગણી શકાય, એ બધી જ લાક્ષણિકતાઓ પિતૃસત્તાક બ્રાહ્મણો પાસેથી સંસ્કૃતિકરણની પ્રક્રિયાના ભાગરૂપે ઉછીની લેવામાં આવી છે. નારીચેતનાની નવલિકાઓમાં બી. કેશરશિવમ્ કહે છે કે : “મારી વાર્તાઓનાં સ્ત્રી-પાત્રોની શક્તિની છબી તેમની કર્તવ્યપરાયણતા, પરિવાર પ્રત્યેની નિષ્ઠા, નીતિમત્તા અને સદાચારમાંથી ઉદ્ભવે છે.” સ્ત્રીઓ માત્ર પુરુષોની જાતીય, ભાવનાત્મક અને ભૌતિક જરૂરિયાતો પોષવા માટે જ હોય છે – એવો દૃષ્ટિકોણ અપનાવવાના મૂળમાં આ દલિત લેખકોની મધ્યમવર્ગીય માનસિકતા અને તેઓની દલિતતા જ હોય છે. આ પરથી એમ કહી શકાય કે દલિત સ્ત્રીઓની જાતીય, ભાવનાત્મક અને ભૌતિક જરૂરિયાતોનું સ્પષ્ટીકરણ કરવાનું હજી બાકી જ છે. તોરીલ મોઇ એમના જેન્ડર ઍન્ડ થિયરીમાં “મૅન અગેઇન્સ્ટ પેટ્રિયાર્કી” નિબંધમાં જે બાબતની ઝીણવટપૂર્વક નોંધ લે છે, એ અહીં લાગુ પડે છે : “એક વાત સ્પષ્ટ છે કે સ્ત્રીઓના અનુભવની બાબતે પુરુષો અને સ્ત્રીઓ એકસરખું વલણ અપનાવતાં નથી અને અપનાવી શકતાં પણ નથી. આ અર્થમાં તેઓ એકસરખી રીતે નારીવાદી થઈ શકતાં નથી.” (મોઈ, ૮૩). તેઓ આગળ ઉપર વિગતવાર સમજાવે છે :

સ્ત્રીના અનુભવનું વર્ણન કરવાના પ્રયાસ કરવા કરતાં નારીવાદ કંઈક વધુ છે : બે લૈંગિક જાતિઓ વચ્ચેના સામર્થ્યના સંબંધનું એ અરસપરસને લગતું વ્યાપક પૃથક્કરણ છે, અને સ્ત્રી ઉપર પુરુષના વર્ચસ્વને અધિકૃત કરનારી અને ચલાવી લેનારી સામર્થ્યવ્યવસ્થાને બદલવા કે ભૂંસી દેવા માટેનો આ એક પ્રયત્ન છે... માટે પુરુષો નારીવાદી હોઈ શકે પણ આ વાત બહુ મહત્ત્વની છે – પુરુષો સ્ત્રી ન જ બની શકે. (મોઈ, ૧૮૩)

પિતૃસત્તાક અધિકાર વેરવિખેર થઈ જવાના ભયથી તો પુરુષ દલિત લેખકો જે રીતે લખે છે, એ રીતે નથી લખતા ને? એ જે સ્ત્રી વિશે લખે છે, એના અનુભવો અને એની પ્રતિક્રિયાઓ વડે એ પોતાની જાતને વાંચવા દેવાની મંજૂરી આપે છે? શું આ સમગ્ર પ્રક્રિયામાં સામૂહિક ચેતના કોઈ ભાગ ભજવે છે? સ્ત્રીઓનું આ ચિત્રણ હકીકત છે કે એને માત્ર ઊભું કરવામાં આવ્યું છે? સ્ત્રીઓની દુર્દશા માટે એ કૃત્રિમ સહાનુભૂતિ દર્શાવે છે? દલિત-સંદર્ભમાં જ્યારે જ્ઞાતિ અને જાતિ પરસ્પર છેદતી જોવા મળે છે ત્યારે આ સવાલો ઊભા થાય છે.

II

જે વાર્તાઓમાં સ્ત્રી-પાત્રો કેન્દ્રસ્થાને નથી, એમાં સ્ત્રી-પાત્રોનું ચિત્રણ કરતી વખતે પુરુષ દલિત લેખકો ઊંઘતા ઝડપાયા છે અને તેઓની પિતૃસત્તાક વૃત્તિ ઉઘાડી પડી જાય છે. શારીરિક અને માનસિક સ્વસ્થતા, નાની બાળકીઓના શિક્ષણ અને પ્રજનનને લગતાં સ્વાસ્થ્યનાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં સ્ત્રીઓને ઉપેક્ષાના શિકાર થતી બતાવવામાં આવે છે. દલપત ચૌહાણની બાનું મૃત્યુમાં બા મૃત્યુ પામે છે ત્યાં સુધીની ખેંચાતાણીની પરિસ્થિતિમાંથી પોતાની પત્ની શોભા અને બાને બહાર કાઢવા માટે સુરેશ કંઈ જ કરતો નથી. માનસિક રીતે અસ્થિર સાસુની સંભાળ રાખવામાં શોભા નાસીપાસ થઈ જાય છે; જ્યારે એ પરિસ્થિતિ બદલવા માટે સુરેશની જાણે કોઈ જ ફરજ ન હોય એમ લાગે છે. એ તો જાણે કંઈ જ લેવાદેવા ન હોય એમ વિચારે છે : “માની તબિયત... ઓહ! એનું ગાંડપણ દિવસેદિવસે વધતું જાય છે, અને શોભાનાં ચીડિયાપણું અને વિરોધ પણ વધતાં જાય છે. કઈ ઘડીએ એ બેમાંથી કોણ ગાંડું છે, એ કહેવું મુશ્કેલ બની જાય છે.” બી. કેશરશિવમ્ની ગોમતી, નાનકડી નાજુક ગોમતી જે ભયાનક અંત જુએ છે એના વિશે છે. અંડાલ એન. નોંધે છે :

સ્ત્રીઓ અને છોકરીઓનું શિક્ષણ જ સામાજિક પરિવર્તનની પ્રક્રિયાની શરૂઆત કરવા માટેનો અક્સીર ઉપાય છે. શિક્ષણ વડે જ તેઓનું સામાજિક સશક્તિકરણ કરવાનું પણ એટલું જ જરૂરી છે. સ્ત્રી-જાતિના બાળકને કંઈ માત્ર જીવતા રહેવાનો જ અધિકાર નથી, પણ એને કુપોષણ, અજ્ઞાન, રોગ અને ગરીબાઈથીય મુક્ત રહેવાનો અધિકાર છે. નાનકડી બાળકીઓ પર નકારાત્મક રીતે અસર કરનારાં સાંસ્કૃતિક વલણો અને રિવાજો બદલવા માટે એક વ્યાપક ચળવળ શરૂ કરવી જરૂરી છે. હવે આપણે આપણી દીકરીઓની એક પણ પેઢીને શારીરિક, બૌદ્ધિક અને સામાજિક વારસા-વિહીન સ્ત્રીઓ તરીકે ઊછરવા દેવા માટેની મૂક સંમતિ ન જ આપી શકીએ (અંડાલ, ૭૬)

એક લાપરવા અને સ્વાર્થી બાપ ગણેશની સાથે જ્યારે ઉપર દર્શાવેલ અવતરણને સરખાવીએ ત્યારે આપણને ગોમતીની દુર્દશા સમજાય છે. એ છ વર્ષની ઉંમરે એનું સગપણ કરી નાંખે છે. ગણેશ જ્યાં કામ કરે છે, ત્યાંનો માલિક જ્યારે એને બાળલગ્નની બાળકીના પ્રજનન-સ્વાસ્થ્ય પર પડનારી બૂરી અસર વિશે સમજાવે છે, ત્યારે ગણેશ પર એની કોઈ અસર થતી નથી. જ્યારે એની દીકરી તાજી સિમેન્ટ કરેલી દીવાલને પાણી પાય કે એવાં બીજાં નાનાં-મોટાં કામ કરતી હોય ત્યારે ગણેશ બેઠોબેઠો બીડી ફૂંક્યા કરે છે. એ એને આજુબાજુનાં ચાર ઘરોમાં ઘરકામ કરવા માટે પણ મોકલે છે. ગણેશના માલિક રમેશને જ્યારે ખબર પડે છે કે એ ટી.બી.ના બહાને આળસુ થઈને પડ્યો રહે છે અને એ અને એનો દીકરો ચિકાર દારૂ પીએ છે, ત્યારે રમેશને આઘાત લાગે છે. આવા સંજોગોમાં ઘરનાં બધાંને જ કેટલીય વાર રાત્રે ભૂખ્યાં સૂઈ જવું પડે છે. ગોમતીના કમનસીબે એના ભાઈનો મિત્ર એની પર બળાત્કાર કરે છે. જ્યારે એનાં ભાવિ સાસરિયાં એનું સગપણ તોડી નાંખે છે, ત્યારે એનો બાપ એને વેચી દે છે. ગણેશ પોતાની દીકરીને વેચી દે છે, એ ઘટના પિતૃસત્તાક સામર્થ્યનો દુરુપયોગ કરવાની ચરમ સીમા છે. બળાત્કારનો શિકાર બને છે, એના કરતાં જ્યારે સગા બાપના કૃત્યનો શિકાર બને છે ત્યારે વાચકને ગોમતીની વધારે દયા આવે છે. શરૂઆતના આઘાતમાંથી બહાર આવ્યા બાદ, આપણને આશ્ચર્ય થાય છે કે લેખક કયા પ્રકારના વાચકવર્ગને તાકવાની અપેક્ષા રાખે છે? જે પ્રકારની બાળકીનું અહીં ચિત્રણ થયું છે, એની સાથે ઉપલા વર્ગના વાચકવર્ગને કંઈ લાગતું-વળગતું નથી. દલિત વાચકો માટે અહીં કોઈ નૈતિક કે વિધેયાત્મક સંદેશ આપવામાં આવતો નથી. તો શું આ દલિતોની જીવનશૈલી દેખાડવાનો પ્રયત્ન છે? સામર્થ્યના નિયમ બાબતે, પ્રવીણ ગઢવીની મરદ કસુંબલ રંગ ચઢેના સંદર્ભમાં જેફ હર્નની નીચે મુજબની ટિપ્પણી વાંચીએ :

દમનના માળખાકીય સંબંધો મજૂરીની શક્તિ મુજબના વર્ચસ્વમાં અને એનાથી થનારા ઉત્પાદનની વહેંચણીમાં રહેલા છે. વિવિધ ઉત્પાદક મજૂર-શક્તિના વર્ચસ્વ બાબતે પુરુષો વડે કરાતું સ્ત્રીનું દમન – એ એક ખાસિયત છે. તદુપરાંત, પુરુષો કર્તા છે. આ વાતના બે અર્થ થાય છે. એક તો, પુરુષો દમનકારક છે... બીજું, પુરુષો અલગ રીતે વર્તન કરી શકે છે - સ્વતંત્ર રીતે, માળખાકીય સંબંધોની પેલી માગથી વિપરીત રીતે (હર્ન, ૯૬)

આ વાર્તા વર્ચસ્વ અને દાસત્વના મુદ્દાઓનું આલેખન કરે છે, જેમાં ઉપલા વર્ગના પુરુષના ‘વર્ચસ્વપૂર્ણ પૌરુષ’ની સામે દલિત પુરુષનું ‘કહ્યાગરું પૌરુષ’ અને દલિત સ્ત્રીનું ‘કહ્યાગરું સ્ત્રીત્વ’ દર્શાવ્યાં છે. અહીં દલિત સ્ત્રી ઉપલા વર્ગના તેમ જ દલિત વર્ગના પુરુષો સામે નિશ્ચિતપણે કહ્યાગરી બની જાય છે.

વાર્તાનો નાયક દુદો એક ઢોલી છે. દુદો જ્યારે એના ઢોલની દોરીઓ તાણતો બેઠો હોય છે, ત્યારે એની પત્ની અને દીકરી બાબુજીના ખેતરમાં નીંદણ કરવા જાય છે. એણે એની જિંદગીમાં ક્યારેય એક દાતરડું પણ ઉપાડ્યું નથી. માટે જ, એની પત્ની અને દીકરીએ રાંધવા માટે બળતણનાં લાકડાં પણ ઘરે લાવવાં પડે છે. દુદો તો ઢોલનો રાજા છે અને તંબૂરાનો પૂજારી છે.

એક રાતે જ્યારે દુદાની પત્ની તાવને કારણે સૂઈ રહી હોય છે, ત્યારે એ એની દીકરીને ખેતરે એકલી મોકલે છે. બાબુજી એ છોકરી પર બળાત્કાર કરે છે. જ્યારે દુદાની પત્ની આ કમનસીબ ઘટનાની એને વાત કરે છે, ત્યારે એ ઝનૂને ભરાઈને પત્નીને ગાળો દેવા માંડે છે. અને પત્નીને ‘કૂતરી’ અને દીકરીને ‘વેશ્યા’ કહે છે અને ભયંકર ગુસ્સામાં આવીને પત્નીનો કોઈ જ વાંક ન હોવા છતાં, એની કમ્મર ભાંગી નાંખે છે. એની દીકરીને વાળથી ઢસડીને એનાં હાડકાં પણ ભાંગી નાંખે છે. ત્યાર પછી ક્રોધમાં એ બાબુજીને પડકારે છે. નવાઈની વાત તો એ છે કે એનું વર્ણન કરતી વખતે લેખક કહે છે કે : “એનામાં કાળકા (મા’કાલી) જાગૃત થઈ ગઈ હતી.” બાબુજી દુદાને સળગાવીને કોલસા જેવો કરીને મારી નાંખે છે. જોકે દલિત સ્ત્રીઓ બંને તરફથી ભૂંડી રીતે ટિપાય છે – બૃહદ્ રીતે સામાજિક સ્તરે અને સૂક્ષ્મ રીતે વ્યક્તિગત સ્તરે. એક વાત તો સ્પષ્ટ છે જ કે દલિત પુરુષ લેખકો જે ઉપદેશ આપે છે એ રીતે વર્તન કરતા નથી. એ લોકોની ટૂંકી વાર્તાઓ તો બીબાઢાળ છબીઓને વધુ મજબૂત કરે છે. આ લેખકોમાંથી મોટા ભાગના શિક્ષિત અને મધ્યમ વર્ગના છે, માટે તેઓ પોતાની જ્ઞાતિના અન્ય લોકોનાં ગરીબી - શોષણથી દૂર થઈ ગયા છે - જુદા થઈ ગયા છે, જે એમની વાત કહેવાની રીતમાં સ્પષ્ટ દેખાય છે : જે વાર્તા તેઓ કહી રહ્યા છે, એનાં પાત્રો વિશે આ વાર્તા કહેનારાઓને જરાય ખબર નથી. માટે જે છ દલિત પુરુષ લેખકોની વાર્તાઓ આ પેપરમાં ચર્ચવામાં આવી એના વિશે કહી શકાય કે :

૧. સ્ત્રી-પાત્રોને હંમેશાં પુરુષ-પાત્રોના સંદર્ભમાં જ આંકવામાં આવ્યાં છે અને ક્યારેય એમને એમની ખુદની માન્યતાઓ મુજબ આંકવામાં આવ્યાં નથી.
૨. ખરેખરાં માનવો, જેમને તેઓની ખુદની સાચી જરૂરિયાતો, ભાવનાઓ અને ઇચ્છાઓ હોઈ શકે એવાં એમને ક્યારેય માનવામાં આવ્યાં નથી. સાંસ્કૃતિક રીતે અપાયેલ– અપનાવાયેલ - મૂલ્યાંકન કરાયેલ સીમાઓની હદની બહારનું અસ્તિત્વ (ચિત્રણ) એમને ક્યારેય આપવામાં આવ્યું નથી.
૩. સ્ત્રી-પાત્રોનું ચિત્રણ સમાજમાં તેઓના સ્થાનને પ્રતિબિંબિત કરે છે. પુરુષ દલિત લેખકો જે-તે પરિસ્થિતિના સ્વાભાવિક વક્તાઓ ન હોવાને કારણે દલિત સ્ત્રીઓના અનુભવો અને તેમની વાસ્તવિકતાઓનું વર્ણન - સ્પષ્ટીકરણ કરવાની બાબતે ભયંકર અન્યાય થયો છે. સ્ત્રીઓના દૃષ્ટિકોણનું શું થાય છે?
૪. દલિત પુરુષો જાતે જ દલિત સ્ત્રીઓના દમનના કર્તા છે, નહીં કે એમના સ્વાતંત્ર્યના. જે વાર્તાઓમાં દલિત પુરુષો સામર્થ્ય મેળવી આપવામાં સહાયક કે પ્રોત્સાહક બન્યા હોય, એવી વાર્તાઓ મળવી મુશ્કેલ છે.

દલિત સ્ત્રીઓ પિતૃસત્તાક વ્યવસ્થા અને જ્ઞાતિના કારણે બેવડા શોષણનો ભોગ બને છે, કારણ કે ઘરબહારના ‘જાહેર’ ક્ષેત્રમાં (તેઓ) બળજબરીપૂર્વક, પગાર વિના અને કરારબદ્ધ મજૂરીની પરિસ્થિતિમાં મુકાય છે, જેમાં જાતીય સતામણીનો સમાવેશ થાય છે અને ઘણી વાર તો એમની ભૌતિક જિંદગીને પણ જોખમ હોય છે (બાસુ, ૨૧૮-૧૯) આમ, નિર્ણય પર આવી શકાય કે દલિત સ્ત્રીઓ તો દલિતની પણ દલિત છે, એટલે ઉપલો વર્ગ તેમ જ દલિત પુરુષો પણ તેમનું દમન કરે છે. જાહેર તેમ જ અંગત વર્તુળોમાં સ્ત્રી તરીકે જાતિના ભેદભાવને કારણે તેઓ સૌથી વધુ રિબાય છે. સ્ત્રી હોવાને કારણે દલિત સમાજમાં પણ તેઓ નીચલી પાયરી પર હોય છે. પુરુષ લેખકોએ લખેલી ગુજરાતી દલિત ટૂંકી વાર્તાઓમાં થતા સ્ત્રીઓના ચિત્રણ વિશેની આ ચર્ચા ગેઈલ ઓમવેટના શબ્દો વાપરીને કહીએ તો, સ્પષ્ટપણે દર્શાવે છે કે દલિત સ્ત્રીઓનું ‘વિશિષ્ટ’ અને ‘એકસૂત્રી’ શોષણ થાય છે. દલિત સ્ત્રીઓના આ બેવડા શોષણની વિશિષ્ટતા અને એકસૂત્રતા તેઓને જ્ઞાતિ-જાતિની સંધિના હાંસિયામાં ધકેલાઈ ગયેલા શિકાર બનાવે છે, જેમાં તેઓની જિંદગી સપડાઈ ગઈ છે. આ બંને પરિબળો છૂટી ન શકે એવી રીતે એકબીજા સાથે સંકળાયેલાં હોઈને એ બંને સાથે એક જ સાથે ટક્કર ઝીલવી પડશે. દલિત સ્ત્રીઓના સ્વાતંત્ર્યની આ બેવડી મથામણની સામાજિક અસરો ઘણી બધી છે અને એ એક અલગ જ પેપરનો વિષય બની શકે એમ છે. જોકે અહીં એટલું કહેવું પૂરતું છે કે દલિત સ્ત્રીઓના સમર્થન કે પ્રશ્નો માટે જ્ઞાતિવિરુદ્ધની કે પિતૃસત્તાક વ્યવસ્થા-વિરુદ્ધની ચળવળોમાંથી એકેય ચળવળ એકલી કામ લાગવાની નથી. તેઓને ગૌરવપૂર્ણ અસ્તિત્વ આપવા માટે બંને પરિબળોને સાથે રાખવાં પડશે. એક હરિજન છોકરીને ભારતના રાષ્ટ્રપતિ તરીકે જોવાનું સ્વપ્ન ગાંધીજીનું હતું. આગળ ઉપર જોઈ એ બાબતો જોતાં એ સ્વપ્ન ક્યારે સાચું પડશે, એ તો જોવાનું જ રહેશે.

Works Cited

Basu, Tapan (ed.) 2002. Translating Caste, New Delhi: Ka-tha.
Burke, Rupalee (ed.) 2003. B. Kesharshivam Ni Nari Chetna Ni Navlikao, Gandhinagar: Bhargav Omguru.
Burke, Rupalee and Darshana Trivedi (tr. & ed.) 2000. The Silver Lining, Ahmedabad: Gujarat Dalit Sahitya Akademi.
Chauhan, Dalpat, 2002. Munjharo: Short Stories, Ahmeda-bad: Harsh Prakashan.
Davies, Kathy et al. (eds.) 1991. The Gender of Power, Lon-don: Sage Publications.
Gadhvi, Pravin, 1996. Antarvyatha: A Collection of Short Stories, Ahmedabad: Gurjar Granth Ratna Karyalaya.
Heam, Jeff, 1987. The Gender of Oppression: Men, Mascu-linity and the Critique of Marxism, Great Britain: Wheatsheaf Books.
Kauffman, Linda (ed.) 1990. Gender and Theory: Dialogues on Feminist Criticism, Oxford: Basil Blackwell.
N. Andal, 2002. Women and Indian Society: Options and Constraints, Jaipur and New Delhi: Rawat Publications.
Trivedi, Darshana and Rupalee Burke (tr. & eds.) 2000. Tongues of Fire, Ahmedabad: Gujarat Dalit Sahitya Akademi.