નારીવાદ: પુનર્વિચાર/પ્રતિકારની રજૂઆત: ભારતમાં સ્ત્રીઓની રંગભૂમિનું એક નારીવાદી વિવરણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૯
પ્રતિકારની રજૂઆત : ભારતમાં સ્ત્રીઓની રંગભૂમિનું એક નારીવાદી વિવરણ

કવિતા પટેલ
ફૅકલ્ટી, શ્રીમતી સદ્ગુણા સી. યુ. આટ્સ કૉલેજ ફૉર ગર્લ્સ, અમદાવાદ

જિંદગીનું નાટક અને નાટ્યકલા સ્ત્રીઓનાં હૃદયની નજીકની બાબતો છે. અભિવ્યક્તિની એક રીત હોવાને કારણે નાટક સ્ત્રીઓ માટે આકર્ષક બની રહે એમ કોઈ પણ માની લઈ શકે છે. તે છતાંય, પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય સાંસ્કૃતિક ઇતિહાસ આપણને કંઈક જુદું જ કહે છે. સાંસ્કૃતિક કૃતિઓ તરીકે નાટક અને રંગભૂમિ, સ્ત્રીઓનાં લખાણોના ઇતિહાસ અને સહભાગિતામાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને એનું કારણ આપણે એની ‘શૈલી’ની વિભાવનામાં શોધી શકીએ છીએ. સ્ત્રીઓનાં લખાણના ઇતિહાસમાં, ખાસ કરીને નારીવાદી વિવેચનોમાં, જાતિ (જેન્ડર) અને ‘શૈલી’ને વારંવાર એક જ મૂળની હોય એમ સાથોસાથ મૂકવામાં આવે છે. જેટલા પ્રકારની શૈલીઓ પુરુષો પાસે છે અને જેનો ઉપયોગ તેઓ કરતા રહ્યા છે, એટલી શૈલીનો ઉપયોગ સ્ત્રીઓએ કર્યો નથી અને આ બાબતના આધારે કહી શકાય કે એમના સાંસ્કૃતિક ઇતિહાસ અને એમના વ્યુત્પત્તિશાસ્ત્રને ઘરોબો છે. જેમાં મોટા ભાગની કૃતિઓ પુરુષોની લખેલી હોય, એમાંથી કરવામાં આવેલાં સામાન્ય વર્ગીકરણો જ કહેવાતી શાસ્ત્રીય પરંપરાના સર્વમાન્ય સિદ્ધાંતને દૃઢ બનાવે છે. નાટ્યલેખનના સાહિત્યિક નકશા ઉપર ભાગ્યે જ સ્ત્રીઓ નજરે ચડે છે. સાહિત્યના અન્ય પ્રકારોમાં સ્ત્રીઓએ ભલે ઉત્તમ કૃતિઓ લખી હોય, પણ નાટ્યપ્રકારને જાણે એમણે ટાળ્યો હોય એમ લાગે છે. નાટ્યક્ષેત્રે સ્ત્રીઓનો અવાજ માત્ર અનુકરણ તરીકે જ સંભળાયો છે – એટલે કે પુરુષોએ તેમના માટે જે શબ્દો લખ્યા છે, તે જ તેઓ બોલ્યાં છે અને પુરુષોની કલ્પના મુજબની ભૂમિકાઓ જ તેમણે ભજવી છે. પોતાના માટે તેઓએ ક્યારેય સંવાદો લખ્યા નથી. બ્રિટનનાં એફ્રા બેહ્નને સૌપ્રથમ વ્યાવસાયિક નાટ્યલેખિકા ગણી શકાય. ભારતમાં ૧૯મી સદીના અંતમાં નાટ્ય-લેખિકાઓએ આ પ્રકારમાં લખ્યું હતું, પણ એની ખાસ નોંધ લઈ શકાય એમ નથી. ૧૯૪૦ અને ૧૯૫૦ના દાયકાઓમાં અમુક નોંધપાત્ર પ્રયાસો થયા હતા. ભારતીય રંગભૂમિના સામાજિક ઇતિહાસમાં સ્ત્રીઓ ખૂબ નજીકથી અને સાતત્યપૂર્વક પરંપરાગત રંગભૂમિ અને નાટ્ય-ભજવણીઓ સાથે સંકળાયેલી રહી છે, અને તેઓ ક્યારેય એના મૂળ સ્વરૂપથી બહુ દૂર ગઈ નથી. જાત્રા, તમાશા, છાઉ, લાવણી, ભવાઈ, નૌટંકી અને રામલીલા, કુડિયાટ્ટમ્, પાંડવણી અને રાસલીલા જેવા પ્રકારો એક જાતની ‘સક્રિય સંસ્કૃતિ’ પૂરી પાડે છે. ઉદ્યોગીકરણના પરિબળને કારણે લોક-વસવાટની પદ્ધતિમાં જે ફેરફારો થયા, તેમ જ સામ્રાજ્યવાદ અને સ્વાતંત્ર્ય-સંગ્રામના અનુભવોને લીધે ભૂતકાળ સાથે છેડો ફાડનારી અભિવ્યક્તિઓ માટેનો માર્ગ મોકળો થયો. સાંસ્કૃતિક અને સામાજિક સ્તરોની વચ્ચેના, આર્થિક અને રાજકીય વિભાગોની વચ્ચેના અને આદર્શવાદી સમૂહો વચ્ચેના સંઘર્ષમય વાતાવરણમાંથી બહાર નીકળીને આધુનિક ભારતીય નાટક વિકાસ પામ્યું છે. તપાસ અને આત્મનિરીક્ષણના હેતુઓ વ્યાપક બન્યા. જી. પી. દેશપાંડેના કહેવા મુજબ, “નાટક સૌથી પહેલો કલાનો એ પ્રકાર બન્યું કે જે જાહેરમાં બોલવાની બાબતે બિનસાંપ્રદાયિક ગણાયું, ઋષિના ‘દૈવી’ કલ્પનથી એ આગળ વધ્યું... અને આમ આધુનિક શહેરી ભારતનો પહેલો લોકશાહી કલાપ્રકાર બન્યું.” (૨૦૦૨:૫). સ્વાતંત્ર્ય મળ્યા પછીના પાંચ દાયકા દરમિયાન ભારતીય નાટકમાં વિવિધ, વિપુલ મનોરંજક અને વિષય-વૈવિધ્ય-સભર વિકાસ થયો અને પૌરાણિક કથાઓ, ઇતિહાસ, લોકકથાઓ, રાજકારણ અને સમાજમાંથી પ્રતીકો અને સંજ્ઞાઓ લઈને સામગ્રી વપરાવા લાગી. વિવિધ ક્ષેત્રોના સાહિત્યને કારણે ઘણું વૈવિધ્ય જોવા મળ્યું. મારા અભ્યાસ ખાતર મેં કેટલીક પ્રાદેશિક ભાષાઓની નાટ્યલેખિકાઓનો સમાવેશ કર્યો છે, જેમનાં નાટકો પહેલી વાર અંગ્રેજીમાં રજૂ કરવામાં આવ્યાં છે. આ અભ્યાસ માટે પસંદ કરાયેલ નાટ્યલેખિકાઓમાં ઉષા ગાંગુલી, મમતા સાગર, વર્ષા અડાલજા, સી. એસ. લક્ષ્મી અને રશીદા જહાનનો સમાવેશ થાય છે. સ્ત્રીઓના સંબંધો, તેમની મથામણો અને સ્વતંત્રતા મેળવવા માટેની તેમની યાત્રા જેવા વિષયોમાં આ બધી જ નાટ્યલેખિકાઓને સમાન રસ પડ્યો છે. વિવિધ પૃષ્ઠભૂમિકાઓ અને દુનિયા માટેના વિવિધ અભિપ્રાયો ધરાવતી લેખિકાઓએ આ નાટકો લખ્યાં છે. પ્રતિકારની રજૂઆત એ શીર્ષકનો સરળ અર્થ થાય છે – સ્વીકારવું કે વિરોધ કરવો. પણ એનો ગર્ભિત અર્થ જોતાં - ઓળખનાં સર્જન અને સ્વ-મૂલનની સમજણ મેળવવા પાછળની ચિંતા ડોકાય છે. સ્ત્રીઓને તેમના અસ્તિત્વની ભાવનાના અંગત સ્તરે જે રીતે અસમર્થ બનાવીને નકારવામાં આવે છે, એ વિચાર પર આ નાટકોમાં ભાર મૂકવામાં આવેલ છે. સમકાલીન અનુભવો પર અસર કરી શકે એવા સંતાડી રાખેલા ભૂતકાળને ઉઘાડા પાડવાના તેમ જ ઇતિહાસ, પૌરાણિક કથાઓ અને પુરાણા સાહિત્યનું પુન: અર્થઘટન કરવાના વિચારો આ નાટ્યલેખિકાઓનાં મનમાં સતત ઘોળાયા કરે છે. અહીં લોકકથાઓનાં ચોકઠાં બેસાડવાનો, આદર્શવાદની તપાસ તેમ જ વિકાસ કરવાનો પણ પ્રયત્ન થયો છે. બદલાતા સંજોગોમાં, આગામી વરસોમાં, આજની નારી સામેના પડકારોને આલેખતી વિભિન્ન સામાજિક પરિસ્થિતિઓ અને સમસ્યાઓ પણ આ લખાણોમાં રજૂ થાય છે. સ્ત્રીઓની સક્રિયતાને મર્યાદિત કરનારાં સામાજિક દબાણોની સામેના સ્ત્રીઓના વિરોધની નાટ્યાત્મક રજૂઆત આ નાટકોમાં થઈ છે. સ્ત્રીઓને મુશ્કેલીભરેલી પરિસ્થિતિમાં ફસાવી દેનારા માનવીય સંબંધોની સામેની તેમની મથામણોની ભજવણી માટે આ નાટકો એક જાહેર અને વિધ્વંસક વૈકલ્પિક સ્થાન પૂરું પાડે છે. વિવિધ સ્તરોએ વિરોધનો પ્રેરક સૂર છતો થાય છે. આ નાટ્યલેખિકાઓ પોતાના અનુભવોને સુસંગત રીતે વ્યક્ત કરવા માટે જુદાજુદા દૃષ્ટિકોણ, નવી ભાષાઓ અને નવા ઘાટ અપનાવે છે. સ્ત્રીઓનાં નાટક તરીકે આ નાટકોને સામૂહિકપણે જોઈએ તો આ નાટકોનાં સ્ત્રી-પાત્રોનાં કથન, એમની પારસ્પરિક પ્રતિક્રિયાઓ અને સ્મૃતિઓ, દમનને મૂક મંજૂરી આપવાનું નકારે છે અથવા તો તેઓ એની સામે વિરોધ કરતાં હોય એમ લાગે છે. ઉષા ગાંગુલીએ એમના નાટક “અંતર્યાત્રા : ધ જર્ની વિધિન”માં આ જ વાત દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. બંગાળી રંગભૂમિમાં ઉષા ગાંગુલીનું નામ પ્રતિષ્ઠિત ગણાય છે. ‘અંતર્યાત્રા’માં એમનો એકપાત્રી અભિનય આત્મકથાનક નિરીક્ષણનું રસપ્રદ કથન બની રહે છે – એમાં રંગભૂમિનાં મશહૂર સ્ત્રી-પાત્રો અને રંગભૂમિ પર સ્ત્રીની ભૂમિકાઓને વણી લેવામાં આવી છે. આ આખુંય નાટક કથાકાર અને એમનાં સ્ત્રી-પાત્રોની વચ્ચેના સંવાદોના રૂપમાં છે. આ નાટકના બંધારણમાં સળંગસૂત્રતા જળવાતી નથી. અહીં લોકોના જીવનને સ્પર્શતી દુન્યવી બાબતોની વાતો થાય છે. ભાવનાત્મક અને માનસિક સંઘર્ષોની જાણ અને પરખ વિશેની હકીકત દ્વારા આ નાટક દર્શકોને હચમચાવવાની કોશિશ કરે છે. આ દૃષ્ટિકોણને ટેકો આપવા માટે હું ‘ગુડિયાઘર’ની મુનિયાના પાત્રને ટાંકીશ :

મુનિયા : મારી સૌપ્રથમ ઓળખાણ તો એક મનુષ્ય હોવાની છે. અને માટે જ મારે એક સંપૂર્ણ મનુષ્ય બનવા માટેની મથામણ કરવી જ જોઈએ. મને ખબર છે કે તમે કહો છો એ જ સત્ય છે, એ વાત મોટા ભાગના લોકો કબૂલી પણ લેશે, કારણ કે સારાં પુસ્તકોમાં પણ એમ જ લખ્યું છે. પણ મારે જીવતા રહેવા માટે વિચારવું જોઈએ. મારે જાતે જ દરેક શબ્દ વિશે વિચારવું જોઈએ. બીજાના શબ્દોનો ઉપયોગ હું મારા પોતાના શબ્દો તરીકે ન જ કરી શકું. (૭૩)

‘સ્ત્રીર પાત્ર’માં મૃણાલ નામનું એક અન્ય પાત્ર પણ આ જ લાગણીનો પડઘો પાડે છે, પણ એ કંઈક વધુ જલદ સૂરમાં કહે છે :

હવેથી મને તમારી સાંકડી ગલીઓનો ભય નથી... રિવાજોની અંધારી ચાદર હેઠળ તમે મને ઢાંકી રાખી હતી, પણ બહુ જ ટૂંક સમયમાં બિંદુએ મને શોધી કાઢી છે, અંધકાર ભેદીને... હું એક મુક્ત મન છું. તમારી મેજો-વહુ મરી ગઈ છે. તમને એવું લાગે છે કે હું મારી જાતને મારી નાંખીશ? ગભરાઓ નહીં. હું મારી જાત સાથે એ જૂની-પુરાણી મજાક નહીં કરું. હું આસાનીથી મરું એવી નથી. હજી હમણાં જ તો મેં જીવવાનું શરૂ કર્યું છે... (૮૪)

કન્નડ રંગભૂમિનાં મહત્ત્વપૂર્ણ લેખિકા મમતા સાગર એક ઉત્તમ ઊગતાં નાટ્યલેખિકા અને કવયિત્રી છે. તેઓ રંગભૂમિમાં ઊંડો રસ ધરાવે છે અને કેટલાંક નાટકોનું તેમણે દિગ્દર્શન પણ કર્યું છે. એમનું નાટક “મય્યે ભરા મનવે ભરા” [ઇચ્છાનો હીંચકો] એક મા અને એક પત્ની મનસા વિશે છે, જે એક સફળ નૃત્યાંગના બનવા માટે નડનારી બધી જ અડચણોને અતિક્રમી જાય છે. આ નાટકમાં મનસાએ ભોગવવા પડતા બધા જ ભાવનાત્મક અને માનસિક સંઘર્ષો રજૂ કરવામાં આવ્યા છે. રસ્તો પસંદ કરવાની મથામણ અને રૂઢ અધિકૃત ધોરણને વળગી રહેવા માટેના મનના પોકાર, મનસાનો વિરોધ એને ઉકેલ તરફ લઈ જાય છે. એ ઉકેલ એની પસંદગીની પરિસ્થિતિ મુજબનો છે. મનસાની ઇચ્છાઓ દર્શાવતા શબ્દો અહીં ટાંકું છું :

મનસા : મારે સ્વતંત્ર થવું છે. મારે એક નટી બનવું છે. સૂર્યકિરણમાં નાચતું એક પતંગિયું બનવું છે... મારે ઊડીને દૂરદૂર જવું છે, મારી પાંખોને પહોળી ફેલાવવી છે... મારે મારા સ્વપ્નને સાકાર કરવું છે. (૨૪૩)

નૃત્યાંગના બનવાના પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે મનસા મક્કમપણે આગળ વધે છે. એના પતિ પ્રતાપને એની નૃત્યાંગના તરીકેની ભૂમિકા સાવ નિર્માલ્ય લાગે છે. આ સંઘર્ષને કારણે તેઓ છૂટાં પડે છે. આ જ બિંદુએ મનસાના આંતરિક સંઘર્ષનો પણ અંતિમ ઉકેલ આવી જાય છે, ત્યારે એ સ્પષ્ટપણે કહે છે :

મનસા : મને ખબર છે ! એક પુરુષ કંઈ પણ કરે, સમાજ એને ટેકો આપવા અને એનો બચાવ કરવા માટે તૈયાર જ હોય છે. પણ એક સ્ત્રી માટે એની નાનામાં નાની ભૂલ ભયંકર બની જાય છે. એનું અપમાન કરીને, એને સમાજની બહાર ફેંકી દેવામાં આવે છે. એ ક્યાંયની નથી રહેતી, એની પાસે ક્યાંય જવાની જગ્યા રહેતી નથી. રહેવા માટે કોઈ જગ્યા હોતી નથી. હવે હું જેને સૌથી વધારે ચાહું છું એની પાસે છું – મારા નૃત્ય પાસે. હું મારા સંતોષ ખાતર નૃત્ય કરું છું. હું નૃત્ય કરું છું, કારણ કે હું એમ કરવા ઇચ્છું છું. (૨૪૬).

મારાં ત્રીજાં નાટ્યલેખિકા છે વર્ષા અડાલજા, એક ગુજરાતી સ્ત્રી. એમનું નાટક “મંદોદરી” એક સ્ત્રીની નિયતિ અને માથે ઝળૂંબી રહેલાં યુદ્ધનાં વાદળો સામેના સંઘર્ષનું છે. પ્રેમ અને કામવાસનાના સ્વાર્થી અનુસરણ અને પોતાની લોભી વૃત્તિ સંતોષવા માટે પુરુષો જે લડતો લડતા રહે છે, એનાથી પત્નીઓ અને માતાઓને જે સહન કરવું પડે છે એમનો અવાજ ‘રામાયણ’ના પૌરાણિક પાત્ર મંદોદરીના મોંએ સંભળાય છે. આ નાટકનું પાત્ર મંદોદરી નારીવાદના રંગની નવી જ છટા દર્શાવે છે. આ નાટકમાં ત્રણ સ્તરે એનો વિરોધ જોવા મળે છે : એક સ્ત્રી, એક પત્ની અને એક મા તરીકે. એ કંઈક કરીને અથવા તો માત્ર દલીલ કરીને પણ કશુંક અટકાવવાનો એક પ્રયત્ન કરે છે. એ કાળદેવતા સાથે દલીલ કરે છે :

કાળ : હું આ સોનાની લંકાનો નાશ કરવા આવ્યો છું.
મંદોદરી : પોતાને પ્રિય હોય એવા સર્વસ્વનો વિનાશ જોઈને કોણ શાંત અને અવિચલિત રહી શકે? કઈ સ્ત્રી પોતાના પ્રિય પતિનો નાશ જોઈને ચૂપ રહી શકે? હું આ બધું નહીં થવા દઉં. (૧૦૧)

પછી જ્યારે એને રાવણે કરેલા સીતાના હરણની ખબર પડે છે, ત્યારે એ લંકેશને સંબોધીને કહે છે :

મંદોદરી : લંકેશ, એક સ્ત્રીને કંઈ દુશ્મનાવટની પતાવટ કરવા માટે કે વાસનાનો ભોગ બનાવવા માટે એક વસ્તુની જેમ ઉપયોગમાં ન લેવાય. મારી વાત સાંભળો, મારા માલિક, મહેરબાની કરીને સીતાને મુક્ત કરી દો... (૧૦૫)

એક રાણી તરીકે નહીં, પણ એક સામાન્ય સ્ત્રી તરીકે મંદોદરી સીતાની પરિસ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ દાખવીને એની સાથે વાત કરે છે :

સીતા : મને મદદ કરો, મંદોદરી, મહેરબાની કરીને, મને છોડી દેવા માટે અને મારા રામ પાસે પાછી મોકલી દેવા માટે તમારા પતિને મનાવી લો.
મંદોદરી : જાનકી, હવે એ અશક્ય છે.
સીતા : તમે એક સ્ત્રી છો. તમે એક અન્ય સ્ત્રીની માનસિક વેદના સમજી શકતાં નથી ?
મંદોદરી : અહીં તો સ્ત્રી માત્ર આનંદ-પ્રમોદ માટેની એક ચીજ છે... માત્ર એક રમકડું, એક ગાભાના ટુકડા જેવું, જે ખરાબ થાય એટલે ફેંકી દેવાનું. સ્ત્રીઓ પર અધિકાર જમાવવાનો તો પુરુષોને હક્ક છે.
સીતા : આસુરી સંસ્કૃતિમાં સ્ત્રીઓને માન નથી આપવામાં આવતું ? આર્યોમાં તો સ્ત્રીને દેવી તરીકે પૂજવામાં આવે છે.
મંદોદરી : હે સીતા, સૂર્યવંશીઓની પુત્રવધૂ, તને એમ નથી લાગતું કે સ્ત્રીઓને દેવી તરીકે ગણવાના પણ બે અર્થ થાય છે? (૧૦૯)

છેલ્લે, જ્યારે એને રાવણના મૃત્યુના સમાચાર આપવામાં આવે છે, ત્યારે એ કાળદેવતા સમક્ષ ખૂલીને વાત કરે છે :

મંદોદરી : હું મારા માલિકના મૃત્યુની રાહ જોતી હતી. આવા કામાંધ પતિની પત્ની હોવાની વ્યથા તમે કઈ રીતે સમજી શકો ? રાવણને મારનાર તીરે તો ખરેખર એના આત્માને મુક્ત કર્યો છે અને એ અહંકારી પુરુષને મોક્ષ આપ્યો છે. હું હવે ભલે વિધવા હોઉં, પણ હું હવે એક સુખી સ્ત્રી છું. (૧૧૪).

ચોથાં નાટ્યલેખિકા છે સી. એસ. લક્ષ્મી અથવા અમ્બાઈ. એમના નાટક “ક્રૉસિંગ ધ રિવર”[આત્રૈક કડથલ]માં એક સ્ત્રીનાં સંતાપ અને વેદના અને દમનકારક સામાજિક રિવાજોમાંથી મુક્ત થવાની એની ઇચ્છાના ગીતની પ્રતીકાત્મક રીતે રજૂઆત થાય છે. આ નાટક “એક સીતા અને એની વિનંતીના ગીત” વિશેનું છે. પછી ભલે એ ‘રામાયણ’ની સીતા હોય કે સમકાલીન સમાજની સીતા હોય; એની પરાધીનતાની પરિસ્થિતિ બદલાતી નથી. હજીય એ નિજી મોકળાશની શોધમાં જ ભટકે છે. હું એમના લખાણમાંથી ટાંકું છું :

સીતા : હું સીતા છું, હું સીતા છું, જે વનમાં પ્રવેશે છે. વનમાં કારાવાસ ભોગવું છું.
અને હવે
વનમાં રખડું છું
પ્રેમ, કામવાસના અને
રાજકારણને ખાતર.
હું સીતા છું, એક પ્યાદું છું.
હું સીતા છું, જે છેતરાઈ છે.
હું સીતા છું, જેની પાસે કંઈ જ નથી.
હું કઈ સીતા છું, એનાથી શો ફરક પડે છે ?
સાચી સીતા કઈ છે અને ખોટી કઈ ?
હું સીતા છું,
જેને સત્તાધિકારીઓ સર્જે છે.
હું સીતા છું,
જેને શબ્દો વડે ખડી કરવામાં આવી છે:
આ રીતે રહે
આ રીતે ઊભી રહે
આ રીતે બેસ
આ રીતે સૂઈ જા
આ રીતે વિચાર.
હું તમે છું, તમારામાંની દરેક.
તમારામાંથી બધા જ જે સવાલો પૂછે છે,
હું તમારા એ સવાલોનું શરીર છું.
હજીય શક્તિ બચી છે
હું નદી પાર કરીશ
હું નદી પાર કરીશ
હું નવું વિશ્વ જોઈશ
એક નવા રાજ્યનું સર્જન કરવા માટે
હું એક નવું રૂપ ધરીશ. (૪૩૪)

આ નાટકનો અંત એવી લાગણીને જન્મ આપે છે કે આ લેખિકા સ્ત્રીઓનાં જીવનના સાહસની ઉજવણી કરે છે. સમજણની નવી રીતોને એ આગળ ધરે છે, ભૂતકાળને જોવા માટે એ નવાં ચશ્માં આપે છે, ભિન્નતાનું સન્માન કરવાની વાત કરે છે, જે માનવીય શક્યતાઓને નકારવામાં આવી છે, એના સશક્તિકરણ કરવા તરફનું કામ કરવાનું કહે છે. મારાં પાંચમાં નાટ્યલેખિકા રશીદ જહાન છે, જેઓ એક સમર્પિત સામાજિક નવનિર્માણકાર – ચળવળકાર છે. તેમણે ખૂબ લખ્યું છે. ૧૯૫૨માં એમનું અકાળે અવસાન થયું હતું, પણ વિશ્વસાહિત્યમાં તેઓ એક અમીટ છાપ છોડી ગયાં છે. એમના નાટક “ઔરત”[સ્ત્રી]માં એક સ્ત્રી પર લાદવામાં આવતાં સમાજ અને ધર્મનાં બંધનોને કારણે થતી ઘણી ક્રૂરતાઓને ઉઘાડી પાડે છે. આ નાટક ફાતિમા નામની એક સ્ત્રી વિશે છે, જેનો પતિ અતિકુલ્લાહ એક મૌલવી છે – અને એમનું એક પણ બાળક જીવતું ન રહેતું હોવાને કારણે એ બીજી વાર લગ્ન કરવા ઇચ્છે છે :

અતિક : કોઈ પણ વ્યક્તિ પોતાની પરિસ્થિતિ સુધારવા માટે બધા જ પ્રયત્નો કરે. જો, હું લગભગ ચાલીસ વર્ષનો થયો અને મારું એક પણ બાળક જીવિત નથી. બાળકો તો આપણી પાછલી ઉંમરનો સહારો હોય છે. માટે જ શરિયતમાં હુકમ ફરમાવવામાં આવ્યો છે કે જો કોઈ સ્ત્રી વાંઝણી હોય એમ જણાય અથવા તો જો એનાં કોઈ બાળકો જીવિત ન હોય તો એ પુરુષે બીજી વાર લગ્ન કરવાં જોઈએ.

ફાતિમા : બાળકો જીવતાં ન રહેતાં હોવા વિશેનો શરિયતનો કાયદો તો મેં આ પહેલી વાર જ સાંભળ્યો. તમે તમારા પોતાના શરિયત – કાયદા ન ઘડો તો સારું. ખુદા ન કરે, હું વાંઝણી નથી. મેં દસ-બાર છોકરાંને જન્મ આપ્યો છે, જીવંત કે મૃત. એમાંથી એકેય જીવતું ન રહ્યું તો હું શું કરું? એ કંઈ મારો વાંક છે? એના માટે શું મને સજા મળવી જોઈએ? (૫૧૮)

અહીં આપણે ફાતિમાનો વિરોધ જોઈ શકીએ છીએ - કશાકના અસ્તિત્વનો, એવું કંઈક છે જેનો એણે વિરોધ કરવાનો છે – એવી પૂર્વશરત છે. નાટકના અંતે ફાતિમા એક લાચાર સ્ત્રી બનીને બેસી નથી રહેતી. સમગ્ર નાટકમાં આપણને પિતૃસત્તાક વ્યવસ્થાનું રાજકારણ દેખાયા કરે છે, પણ ફાતિમા વિરોધ કરે છે અને ઉગ્રતાપૂર્વક પોતાનો ગુસ્સો પ્રગટ કરે છે.

ફાતિમા : તમે મને જે રોગનો ચેપ લગાડ્યો છે, એના સિવાય મને કઈ માંદગી આવવાની છે? તમે જ મારાં બધાં બાળકોને મારી નાંખ્યાં છે. મારે જે કરવું છે, તે હું કરીશ જ. અને મારે જ્યારે અને જ્યાં સારવાર માટે જવું હશે ત્યાં હું જઈશ. હવે મને કોઈ નહીં અટકાવી શકે. મેં તમારા ઘણા હુકમો સાંભળ્યા. સાવધાન રહો અને બેસી જાઓ. અને જો તમારે તમારા સ્વમાનને અકબંધ રાખવું હોય તો સાચવજો. હું મને ચેતવણી આપું છું, જો મને ફરી વાર મારવાની કોશિશ કરી છે, તો એનાં પરિણામો ભોગવવા તૈયાર રહેજો. પુરુષ હોવાનો ડોળ કરે છે... બીજી વાર લગ્ન કરવા નીકળ્યો છે! (૫૩૬).

છેવટે, મારે એ જ કહેવું છે કે આ નાટ્યલેખિકાઓએ ભારતીય જીવનશૈલીની કલાત્મક અને સામાજિક ભૂમિનું ખેડાણ કર્યું છે, એના ઊંડાણમાં ઊતરીને, વિગતોથી વશીભૂત કરીને, એનાથી થનારી સીધી અને આડકતરી હિંસાનાં પરિણામો તપાસ્યાં છે, જે એક સ્ત્રીની જિંદગીના રોજબરોજના અનુભવો જ છે. તેઓ પ્રેક્ષકોને ભૂતકાળ અને વર્તમાનકાળને એક વિભિન્ન દૃષ્ટિકોણથી તપાસવા માટે પ્રેરે છે, જેથી કરીને તેઓ જોઈ શકે કે સામાજિક અને રાજકીય વ્યવસ્થા ‘કુદરતી’ હોતી નથી, પણ એ તો પુરુષોએ પુરુષોની તરફેણમાં ઘડેલી છે. આ નાટકો સ્ત્રીઓનો ઉત્સવ પણ કરે છે – વિધેયાત્મક બની રહેવા માટે, આપણને સમાજને બદલવા માટેની જરૂરિયાત વિશેના વિચારો કરતાં કરી મૂકે છે. આ નાટકો અનુભવોની આપ-લે કરવા માટે, મજબૂત થવા માટે, બદલાવા માટે અને અપેક્ષાની નવી ક્ષિતિજો સર્જવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

Works Cited

Bassnett, Susan, છTowards a Theory of Womenક્કs Theatreઝ,
Linguistic and Literary Studies, 1984.
Deshpande, G.P., છTheatre of Modernityઝ, A Celebration of Moder-nity, Theatre India, May 2002.
Gargi, Balwant, Folk Theatre of India, New Delhi: Asia Fine Books, 2000.
Mukherjee, Tutun, Staging Resistance Plays by Women in Translation, Oxford University Press, 2005.
Showalter, Elaine, A Literature of Their Own, London: Virago, 1978.