નારીવાદ: પુનર્વિચાર/ટેનિસ કૉર્ટ પર અને અન્યત્ર કરાતી મહિલા ટેનિસ ખેલાડીઓની ખોટી રજૂઆત
ટેનિસ-કૉર્ટ પર અને અન્યત્ર કરાતી મહિલા ટેનિસ ખેલાડીઓની ખોટી રજૂઆત
વિદ્યા જી. રાવ
ફૅકલ્ટી, આર. એ. ભવન્સ કૉલેજ, અમદાવાદ
રમતગમતમાં, ખાસ કરીને ટેનિસમાં, સ્ત્રીના શરીરની એક વિષય તેમ જ એક ચીજ તરીકે જે રજૂઆત થાય છે, એ મુખ્યત્વે પુરુષોના ઉપભોગ માટે જ હોય છે – આ મુદ્દાને આ પેપરમાં સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. દૃશ્ય અને પ્રિન્ટ મીડિયા આકર્ષક દેહ, એક પણ ડાઘ વિનાની લીસી ચામડી, લાંબા સેક્સી પગ અને લાંબા વાળ જેવી સ્ત્રી-વિશિષ્ટ લાક્ષણિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને આ મહિલા ખેલાડીઓના શારીરિક દેખાવ પર વધુ ધ્યાન આપીને એમને સેક્સ્યુઅલાઇઝ કરે છે. ટેનિસ-કૉર્ટની બેઝ લાઈન કરતાં સ્કર્ટની લંબાઈ કઈ લાઈન સુધી પહોંચે છે, એના પર હવે વધારે નજર રાખવામાં આવે છે. અને આ દૃષ્ટિ હવે બળવત્તર બનતી જતી હોય એમ લાગે છે. અને એ ત્યાં જ ચોંટી ગઈ છે. ટેનિસની, ખાસ કરીને મહિલા ટેનિસની લોકપ્રિયતા વધતી જાય છે, એમાં પ્રેક્ષકો, પ્રસારમાધ્યમો અને વિવિધ ફૅશનની ચીજોનાં નિદર્શનને કારણે મહિલા ખેલાડીઓ પણ પોતાની હાજરી ‘ટેનિસ-કૉર્ટની બહારના ફટકા’ વડે નોંધાવે છે. ટેનિસપ્રેમીઓ તરીકે આપણે આ મહિલા ખેલાડીઓને કૉર્ટ ઉપર અને કૉર્ટની બહાર કેવી રીતે જોઈએ છીએ? શું આપણે એમના સ્પૉર્ટ્સ(વુ)મેન્સ સ્પિરિટને એમની હાર કે જીત મુજબ બિરદાવીએ છીએ કે એમના કૌશલ્યને વખાણીએ છીએ અથવા એના સરસ ફટકા માટે તાળીઓ પાડીએ છીએ? સાચું પૂછો તો, ના. એની શારીરિક પરિભાષા, એની સ્ત્રીત્વ-સભર હાજરી અને એની સેક્સ્યુઆલિટીને બાજનજરે જોવામાં આવે છે. આ મહિલા ખેલાડીઓ જાણ્યે-અજાણ્યે સામૂહિક વિશુદ્ધિની બધી જ દબાયેલી અને બિનસંતોષાયેલી વાસનાઓનું પ્રતીક બની જાય છે. તેઓ આજના જમાનાની નવી ફૅશન વિભૂતિઓ છે. તેઓની પધરામણી થઈ ચૂકી છે અને આ જ રીતે રહેવાની યોજના તેઓ સાથે લેતાં આવ્યાં છે. હવે તેઓ કોઈ પણ રમત માટે જરૂરી એવા મોકળાશભર્યા અને પરંપરાગત નિયમો મુજબના સફેદ ગણવેશ પહેરતા નથી. આજની આ મહિલા ખેલાડીઓ ફૅશન, સ્ટાઈલ, મોહકતા અને અભિગમની જાણે એક આખી પરંપરા ફેલાવી રહી છે, જે માત્ર લોકપ્રિય જ નથી, પણ લોકો એ અપનાવે પણ છે. ૨૦૦૫ના યુ.એસ. ઓપનના બીજા રાઉન્ડમાં જીત્યા બાદ શારાપોવાને જ્યારે ઇન્ટરનેટ પરના એક ઇન્ટરવ્યૂમાં[1] પૂછવામાં આવ્યું કે : “મને અહીં એવા ઘણા લોકો મળ્યા, જે અહીં રમત જોવા નથી આવ્યા, પણ હકીકતમાં તો તને જ જોવા આવ્યા છે. એ સાંભળીને તને કેવું લાગે છે? તને ટેનિસના ખેલાડી કરતાં વધારે એક સુપરસ્ટાર બની જવા વિશે કેવું લાગે છે?” શારાપોવાએ જવાબ આપ્યો હતો કે : “એનાથી અહંભાવ સંતોષાય છે. હું આશા તો રાખું છું કે લોકો મને મારું ટેનિસ જોવા માટે આવે. પણ તે છતાંય તમે તો જાણો જ છો કે એ લોકો શાને માટે આવતા હોય એ કારણો પર હું તો નિયંત્રણ ન જ રાખી શકું ને? એક મશહૂર ટેનિસ ખેલાડી બનવાની સાથે સાથે અન્ય ઘણી ચીજો પણ આવતી જ હોય છે, અને આ પણ એનો જ એક ભાગ છે.” શારાપોવાને પૂરેપૂરી ખબર છે કે શારીરિક દેખાવ પણ રમત જીતવા જેટલો જ મહત્ત્વનો છે. અન્ય એક લેખમાં[2] એ કહે છે, “સૌંદર્ય વેચાય છે. મારે એ સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ કે એના માટે પણ લોકો મને ઝંખે છે. હું એ સમજું છું. કંઈ વાંધો નહીં. હું કંઈ મારી જાતને કદરૂપી નથી બનાવી દેવાની.” સાંસ્કૃતિક રીતે અમુક સામાન્ય શારીરિક ધોરણો ઠોકી બેસાડીને પરાપૂર્વથી સ્ત્રીઓનાં શરીરનું મૂલ્ય આંકવામાં આવ્યું છે. સદીઓથી સુંદર સ્ત્રીની લાક્ષણિકતાઓનો અર્થ મોટે ભાગે પુરુષોને ગમે એવી સ્ત્રીસહજ વર્તણૂક – એમ જ કરવામાં આવે છે, સ્ત્રી-પુરુષના સંબંધોમાં સામર્થ્ય દર્શાવવા માટે આ બાબતનો ઉપયોગ થતો આવ્યો છે. જ્હોન કીટ્સે કહ્યું છે, “સૌંદર્ય તો જોનારની આંખમાં વસે છે.” મુખ્ય મુદ્દો જ એ છે કે કશું જ ‘સાચું’ કે ‘ખોટું’ કે પછી ‘સ્વીકાર્ય’ કે ‘અસ્વીકાર્ય’ નથી હોતું. શારીરિક સૌંદર્યનો આધાર સાંસ્કૃતિક પસંદગીઓ અને લોકપ્રિયતા પર છે. લખાયેલા શબ્દોમાં વિવિધ છબીઓમાં કે બોલાયેલા શબ્દોમાં મહિલા ટેનિસ ખેલાડીઓનું સેક્સ્યુઅલાઇઝેશન થાય છે, જ્યાં તેઓને પુરુષોના ઉપભોગ માટેની વસ્તુ કે વિષય તરીકે ચીતરવામાં આવે છે. ફોર્બ્સની સેલિબ્રિટી ૧૦૦ની સૂચિમાં[3] શારાપોવાનું વર્ણન આ મુજબ કરવામાં આવ્યું છે, “બાંય વગરના ટી-શર્ટ અને ટૂંકી ચડ્ડીમાં એક ૬ ફૂટ ઊંચી સોનેરી વાળવાળી મનમોહક સુંદરી આંખ આંજી દે એવી સર્વિસ કરતી વખતે એના રૅકેટ વડે બૉલને ફટકારતી વખતે ઊંહકારા કરે છે.” હવે આ છબીઓ પર ધ્યાન આપો – કુર્નિકોવાની ચડ્ડીના બદલાતા રંગ પર નજર પડે છે અથવા દરેક અખબારમાં રમતગમતના પાના પર સેરેના વિલિયમ્સના ચુસ્ત કપડાંમાંથી એના શરીરના વળાંકો ઊભરી આવે છે. તદુપરાંત આ વિશેષણો પર પણ ધ્યાન આપો, ‘સેક્સી શારાપોવા’ અથવા ‘બક્સમ સેરેના’ અથવા કુર્નિકોવા માટે વપરાયેલ ‘લેગી બ્લોન્ડ’ – આ બધા જ શબ્દો તેઓને પુરુષોની એષણાનો વિષય બનાવે છે. જ્યારે આવું બને છે ત્યારે આ સ્ત્રીઓની આ પ્રકારની છબીઓ સમાજમાં વારંવાર ડોકાયા કરતી હોવાથી તેઓને સેક્સ્યુઅલાઇઝ કરીને એમની મહેનતને ગૌણ બનાવી દે છે. રમત માટેની પ્રૅક્ટિસ તેમ જ પોતાનાં ધ્યેય અને સ્વપ્ન સુધી પહોંચવાની મહેનત કરવા પાછળ ખર્ચેલાં વર્ષોને હાંસિયામાં ધકેલી દઈને જાણે એને સાવ નજીવાં બની દેવાય છે. ઉદાહરણ તરીકે શારાપોવાએ પોતે કબૂલ્યું છે કે એણે ૧૨ વર્ષ સુધી દરરોજ સતત છ કલાક સુધી પ્રૅક્ટિસ કરી છે, સતત મુસાફરીઓ કરી છે અને એક સામાન્ય બાળક જેવું બાળપણ પણ અનુભવ્યું નથી. આ મહિલા ટેનિસ ખેલાડીઓને સગવડિયો ધર્મ અપનાવીને માર્કેટિંગનાં સાધન બનાવી દેવામાં આવે છે. અખબારોના અહેવાલોમાં આ નીવડેલી મહિલા ખેલાડીઓની દુર્લભ, અતડી, અવિશ્વસનીય, અદુન્યવી છબીઓ ખડી કરવામાં આવે છે. તેઓએ સ્વતંત્ર, વ્યાવસાયિક સ્ત્રીઓ તરીકે જે કારકિર્દી બનાવી છે એ જોયા વિના જ તેઓ જાણે અન્ય દ્વારા અને અન્ય માટે - ખાસ કરીને પુરુષો માટે જ જીવતી હોય એમ દર્શાવવામાં આવે છે. સર્વેક્ષણો, પ્રેક્ષકો અને ટી.વી. જોનારાંઓ પુરવાર કરે છે કે સ્ત્રીઓ જેટલી સંખ્યામાં પુરુષોની ટેનિસ મૅચ જુએ છે, એના કરતાં ઘણી વધારે સંખ્યામાં પુરુષો સ્ત્રીઓની ટેનિસ મૅચ જુએ છે. ૨૦૦૪માં જ્યારે મારીઆ શારાપોવા વિમ્બલ્ડનની ફાઈનલ જીતી હતી, ત્યારે મીડિયાએ એની જીત વિશે તો વાત કરી જ હતી, પણ એમાં એના સૌંદર્ય પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. ‘ધ ઑબ્ઝર્વર’ [4]જેવા અખબારને તો એના માટે માગું જોઈતું હતું. “ઑફર્સ પ્લીઝ... દુનિયાની સૌથી વધુ અદ્ભુત ગરમાગરમ ખેલાડી માટે.” અથવા એના રૂપથી ‘ધ ઇન્ડિપેન્ડન્ટ’[5] અત્યંત આનંદિત થઈને “છક્કડ ખાઈ ગયું હતું.” શારાપોવાના આંખોને આંજી દેનારા રૂપ અને એના લોખંડી નિર્ધારના સમન્વયે આ રશિયન સુંદરીનું રમતગમતના આદર્શમાં રૂપાંતર કરી દીધું છે, એને માર્કેટિંગની આશ્ચર્યજનક ઘટના બનાવી દીધી છે. આ સઘળું એની રમત કરતાંય ચાર ચાસણી ઉપર ચડી જાય છે. ૨ કરોડ ડૉલરની બાંયધરી મેળવી લાવવાની એનામાં કાબેલિયત છે, જેના વડે એ પોતાના નામ હેઠળ પર્ફયુમ્સ, કપડાં અને મોબાઇલ ફોન વેચી શકે છે, કારણ કે એની કમાવાની શક્તિને કુશળતાપૂર્વક ગણી લેવામાં આવી છે. અથવા ભારતની સાનિયા મીરઝાને જ જુઓ, જે ચક્કર આવી જાય એટલી હદ સુધીની પ્રશંસા અને ખ્યાતિ પામી છે. આ મોહક છોકરી પાસેથી હજુય કંઈક વધારે મેળવી શકાય એવી આશા આ દુનિયા અધ્ધર શ્વાસે રાખે છે. અદનાન એલેક પદમસી દાવો કરે છે કે સાનિયા પાસે એક સર્વાંગસુંદર પૅકેજમાં જે હોવું જોઈએ એ બધું જ છે. એ કંઈ માત્ર એની કાબેલિયતને કારણે બ્રાન્ડનેમ નથી બની, એ ઘણી આકર્ષક પણ છે. શારાપોવા, સાનિયા મીરઝા કે એના કુર્નિકોવા જે સૌંદર્યનું પ્રતિનિધિત્વ કરે છે, એ ભૌતિક વિશ્વમાં પૂજાય તો છે, પણ તે છતાંય એને પાલતુ બનાવવા, એની પર કાબૂ રાખવા અને એની વિશુદ્ધ સ્ત્રી-શક્તિને માર્ગ ચીંધવા માટે પુરુષ સત્તાધારી સામાજિક બળ જ કામ કરે છે. લોકોનાં ટોળાં ભલે સાનિયા મીરઝાને ચાહતાં હોય, પણ પેલી ‘ધાર્મિક પોલીસ’ એનાં કપડાંને ‘ધર્મનિંદાત્મક’ ગણે છે, જે એના ધર્મની વિરુદ્ધનું ગણાય છે. કુર્નિકોવાની ટેનિસ-કૉર્ટની બહારની પ્રવૃત્તિને એની ટેનિસ-કૉર્ટ પરની મહેનત કરતાં વધારે મહત્ત્વ અપાય છે. ફલાણા સાથેના એના સંબંધ... ફલાણી બ્રાન્ડ પર એણે મહોર મારી... જેવી વાતો સમાચારોમાં વધુ ચમકે છે. વિવિધ સંસ્કૃતિઓમાં જુદાજુદા સમયે ભલે સૌંદર્યની વ્યાખ્યા બદલાતી રહી હોય, પણ તે છતાંય સ્ત્રીઓનાં શરીરોની દ્વિમુખી પદ્ધતિ સતત ચાલતી રહી છે, જેમાં સ્ત્રીત્વનાં ‘કુદરતી’ ગણાતાં સામાન્ય ધારાધોરણો અને પિતૃસત્તાક ખ્યાલોએ ઊભી કરેલી સીમાઓ વિશેની ધારણાઓ બદલાયા જ કરે છે. દા. ત. મોટા ભાગનાં મા-બાપ નાનકડી છોકરીને માતૃત્વના પ્રતીક જેવી ઢીંગલી આપતા હોય છે, અને નાના છોકરાને બૉલ કે બૅટ આપે છે. કુમળી વયે જ બાળકોને જાતિ (જેન્ડર) અને એની ભૂમિકાનાં બીબાંઢાળ ધોરણો વિશેના ખ્યાલ આપવામાં આવે છે. નાનકડી છોકરીઓને આપણે ખોટાંખોટાં મેકઅપનાં સાધનો આપીને કહેતાં હોઈએ છીએ કે જ્યારે એ મોટી થશે ત્યારે એણે ‘સુંદર અને રૂપાળી’ હોવું ખૂબ જરૂરી હશે. નાના છોકરાઓને ઍક્શન ફિગર્સ આપીને કહેવામાં આવે છે કે જ્યારે તેઓ મોટા થાય ત્યારે એમણે ‘મજબૂત અને શક્તિશાળી’ બનવું જરૂરી છે. આમ જાણ્યે-અજાણ્યે આપણે આપણાં બાળકોને બીજા લોકોના જેવાં જ બનવા માટે તૈયાર કરીએ છીએ. આમ છતાં પણ આ ‘સાંસ્કૃતિકપણે ઠોકી બેસાડેલા’ અવરોધોને અતિક્રમીને અમુક સ્ત્રીઓ પુરુષ-પ્રધાન ક્ષેત્રોમાં પ્રવેશી છે. જેમ સમાજમાં લડવું પડે છે, તેમ ત્યાં પણ વર્ચસ્વ અને સત્તા મેળવવા એમણે લડવું પડે છે. સ્ત્રીના સૌંદર્યને માપવા માટે વપરાતાં અમુક રૂપકોમાં ‘ઊંચી અને નાજુક’ શારાપોવા અને ‘આકર્ષક’ સાનિયાનો સમાવેશ થાય છે. સૌંદર્યના આ બીબાઢાળ માળખામાં રહેલી પાયાની વિસંગતતાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. સ્ત્રીત્વસભર વર્તણૂકની આ છબીઓ અને આ આર્કિટાઈપલ-અભૂતપૂર્વ - નમૂનાઓ[6] ખરેખર તો પુરુષોએ ઘડ્યા છે: અને એટલે જ એમાં ક્યાંય પણ એક સ્ત્રીના સ્ત્રીત્વ વિશેના વિચારો પ્રદર્શિત થતા નથી. સૌંદર્ય, કૌશલ્ય અને એના વડે પિતૃસત્તાક સામર્થ્યના માળખામાં આગળ વધવા માટે શારાપોવા કે સાનિયા મીરઝા જેવી પ્રતીકાત્મક પ્રતિમાઓનું આદર્શીકરણ થાય છે અને સત્તાના સંદર્ભે આ બાબત અનિશ્ચિતતા ઊભી કરે છે. એક બાજુ ‘સૌંદર્ય’નું રૂપાંતર થાય છે અને બીજી બાજુ ‘પૂરતાં સુંદર ન હોવા’ની સ્થિતિ બદલાઈ જાય છે. શારાપોવા એક નખશિખ મહિલા ખેલાડી છે, જે સેરેના વિલિયમ્સથી આગળ નીકળી જાય છે. કદાચ સેરેના ‘પૂરતી’ સ્ત્રીત્વસભર નહીં હોય. સેરેના વિલિયમ્સ ટેનિસ-કૉર્ટની બહાર પ્રભાવ પાડવામાં કેવી રીતે નિષ્ફળ ગઈ છે, એના પણ અહેવાલો છે – ખાસ કરીને સૌથી મહત્ત્વના સ્ત્રી-સહજ કામ બાબતે – કપડાંની પસંદગી માટે. સન્ડે ટાઇમ્સના[7] જણાવવા મુજબ, શારાપોવાએ ‘વિલિયમ્સને ઊંહકારા, કપડાં પહેરવાની ઢબ અને ટેનિસમાં હરાવી છે.’ સેરેના ક્યારેય ‘સોનેરી’, ‘ચમકતી’, ‘આંજી દેનારી’ છોકરી ન હોય. આ પ્રકારનાં અલંકારયુક્ત વખાણ એના માટે ન હોય, પણ તે છતાંય બંને વિલિયમ્સ બહેનો અતિશય મશહૂર છે. તેઓ પણ ફૅશન પર મહોર મારે છે અને તેઓનું અનુકરણ કરનારાં ચાહકો પણ છે. આ પ્રકારનું પ્રતિનિધિત્વ સૌંદર્યના વિશ્વમાં હાંસિયામાં ધકેલી દેનારી પારંપરિક માન્યતાને છિન્નભિન્ન કરી દે છે. સેરેના અને વિનસ જેવી મહિલા ટેનિસ ખેલાડીઓ અભૂતપૂર્વ[8] સૌંદર્યની ચારિત્ર્યશીલ, દેદીપ્યમાન અને નાજુક છબીના સાંસ્કૃતિકપણે ઊભા કરવામાં આવેલાં બેવડાં ધોરણને ભૂંસી દઈને સ્ત્રીના સૌંદર્યની કાળી, અનિવાર્ય અને ખડતલ છબી ઉપસાવે છે. સન્ડે ટાઇમ્સમાં હાસ્યલેખ ગણાતા એક લેખમાં જાસ્પર જેરાર્ડે લખ્યું છે કે ‘ટેનિસમાં પણ ઘણો સારો વિકાસ કરી ચૂકેલી’ આ મહિલાઓને વધારે પૈસા ચૂકવવા જોઈએ, “કારણ કે સમગ્ર પુરુષવિશ્વ એમના પ્રેમમાં પડી ચૂક્યું છે કે પછી વાસનામાં.” હકીકતમાં રમતગમત સ્ત્રીઓને મુક્તિનો અનુભવ કરાવે છે, જ્યાં તેમને પોતાના શરીર પર જાતે કાબૂ રાખી શકવાની તક મળે છે. શારીરિક, માનસિક અને સેક્સ્યુઅલ પ્રકારની બીબાઢાળ છબીને નકારીને મહિલા ટેનિસ ખેલાડીઓ શારીરિક છબી અને સ્વ-વિભાવનાને ઘડનારા વિવિધ અનુભવો સુધી પહોંચી શકે છે. અને આશા રાખીએ કે આમ કરવાથી રમતગમતના ક્ષેત્રમાં સમાનતાનું વાતાવરણ ઊભું થશે - એક એવું વાતાવરણ કે જેમાં ઉપરછલ્લાં કારણોને બદલે સ્ત્રીના રમતગમતના કૌશલ્યની પ્રશંસા કરવામાં આવશે. સ્ત્રીઓનું પુરુષીકરણ (જો હું આ નવો શબ્દ પ્રયોજી શકું તો) કરવાની જરૂર નથી – અમુક ચોક્કસ જરૂરિયાતો મુજબ એની કાપકૂપ કરવાની પણ જરૂર નથી.
ટિપ્પણી :
- ↑ www. mariaworld.net
- ↑ Forbes.com
- ↑ Forbes.comમાં પ્રકાશિત થયેલી પીટર કાફકાની વાર્તા “ધ હૉટ શૉટ”માં.
- ↑ ‘ધ ઑબ્ઝર્વર’, ૪ જુલાઈ ૨૦૦૪, પાનું ૩.
- ↑ ‘ધી ઇન્ડિપેન્ડન્ટ’, ૪ જુલાઈ ૨૦૦૪, પાનું ૧
- ↑ એનીસ પ્રેટના ‘આર્કિટાઇપલ પૅટર્ન્સ ઇન વિમેન્સ ફિક્શન’ના ચૅપ્ટર I માં :
‘આર્કિટાઇપ’ શબ્દ, મૂળ ગ્રીક શબ્દ આર્કિમાંથી ઉદ્ભવ્યો છે. જેનો અર્થ છે : ભિન્નતાની હારમાળાની શરૂઆત અથવા એનું અભૂતપૂર્વ ઉદાહરણ અને બીબું એક છાપ અને એ આદિકાળથી ચાલતા આવેલા નમૂનાનું સ્વરૂપ દર્શાવે છે. આ વ્યુત્પત્તિ જ આર્કિટાઇપ અને સ્ટિરિયોટાઇપ (બીબાંઢાળ) વચ્ચે ગોટાળો ઊભો કરે છે. સ્ટિરિયોટાઇપ, એ છાપકામમાં વપરાતો એક શબ્દ છે અને એનો અર્થ થાય છે : ધાતુનું મૂળ સપાટ પતરું, જેના પર ત્યાર પછીથી પાડવાની છાપ ઉપસાવવામાં આવે છે અને એટલે જ એ શબ્દમાં સર્વસામાન્ય ગુણધર્મોવાળા જૂથ માટેનો જડ સૂચિતાર્થ હોય છે. કાર્લ ગુસ્તાવ યુંગ આર્કિટાઇપ્સની વ્યાખ્યા નીચે મુજબ કરે છે : આદિકાળથી ચાલતું આવેલું એક એવું સ્વરૂપ, જે અજાગૃતપણાના પૂર્વશાબ્દિક વિસ્તારમાંથી ઊપજ્યું હોય અને જ્યાં સુધી એને જાગૃતપણે આકારવામાં ન આવે ત્યાં સુધી એ અવિકસિત અને અવર્ણનીય જ રહે... આમ આર્કિટાઇપ્સ છબીઓ, સાંકેતિક પ્રતીકો અને વર્ણનાત્મક નમૂનાઓથી બને છે, તેમ જ એ ગ્રહણશક્તિની ભિન્નતાઓ મુજબ, જટિલપણે પરિવર્તનશીલ હોઈ સ્ટિરિયોટાઇપ્સથી જુદા પડે છે. - ↑ ‘સન્ડે ટાઇમ્સ’, ૧૪ જુલાઈ ૨૦૦૪.
- ↑ ‘હ્યુમેનિટીઝ થ્રુ આટ્સમાં’, કાર્લ યુંગ આર્કિટાઇપલ નમૂનાઓનું વર્ણન આ મુજબ કરે છે: “એકસરખા બીબાના અગણિત અનુભવોના માનસિક અવશેષો.”
હોમરના ‘ઓડિસી’માં આર્કિટાઇપલ સ્ત્રીઓના નમૂનાની રેલમછેલ છે. પિનેલોપી- સારી સ્ત્રી; એથેના - આદર્શ આત્મીય સાથીદાર અને કેલિપ્સો - ખરાબ સ્ત્રી.