નારીવાદ: પુનર્વિચાર/IV – પુનર્મૂલ્યાંકન
પુનર્મૂલ્યાંકન
પુન: સ્પષ્ટીકરણની આપણી પ્રક્રિયાનું છેલ્લું પગથિયું પુનર્મૂલ્યાંકન છે. પુનર્ર- ચના, પુનર્વિચાર અને પુનર્નિરીક્ષણના સ્તરોની સતત ખેંચતાણો આ વિવિધ પ્રકારોનું પુનર્મૂલ્યાંકન કરવાનું શક્ય બનાવે છે. આ વિભાગમાં સાહિત્યના પ્રકારને પસંદ કરવામાં આવ્યો છે. અગાઉના વિભાગોમાં દર્શાવાયેલા વિચારો સમજવા માટે, અહીં ભાગ લેનાર સર્જકોએ એમનાં મૂળ લખાણોમાં ફેરફાર કરીને અણદીઠી જગ્યાઓ પર ખાસ ધ્યાન દોર્યું છે. સચ્ચિદાનંદ મોહંતી ખૂબ અસરકારક રીતે લક્ષ્મી કન્નન અને જયશ્રીની ચર્ચાઓને આવરી લઈને ઓરિયા (ઓડિયા) સાહિત્યના સંદર્ભમાં સ્ત્રીઓએ કરેલા કાર્યના સ્થાન વિશે જણાવે છે. આ તપાસ દ્વારા તેઓ ખાનગી તેમ જ જાહેર સ્થાનોમાં સત્તાસામર્થ્ય તેમ જ એ સત્તાના બોજ વચ્ચેનો ભેદ દેખાડે છે. પોતાના અભ્યાસમાં રૂપાલી બર્ક દલિત લખાણોમાં દલિત સ્ત્રીઓના પ્રતિનિધિત્વ બાબતે શિલ્પા દાસ, મંગાઈ અને અનિરુદ્ધન્નાં અવલોકનોને આગળ વધારે છે. પ્રતિનિધિત્વ મેળવવા માટેના રાજકારણનો અભ્યાસ કરવા માટે એ જ્ઞાતિ અને જાતિ દ્વારા હાંસિયામાં ધકેલી દેવાના મુદ્દાનો ઉપયોગ કરે છે. મલયાલમ્ સાહિત્યમાં નાયર સમુદાયમાં માતૃપક્ષે સ્થાન ભોગવવામાં કરાતાં પિતૃસત્તાક આક્રમણોની તપાસ કરતી વખતે સ્મિતા શિવદાસન પણ આ જ પ્રકારની દલીલો કરે છે. ભારતીય સ્ત્રીઓની રંગભૂમિના અભ્યાસમાં કવિતા પટેલ મંગાઈના નાટ્યસંગ્રહ પર આધાર રાખે છે. વેશાંતર માટેની આધારભૂત દલીલનું માળખું દેખાડતી વખતે કવિતા આપણને ઉષા ગાંગુલી, મમતા સાગર, વર્ષા અડાલજા, સી. એસ. લક્ષ્મી અને રશીદ જહાનનાં ઉદાહરણો આપે છે. ગંગાસતીના સાહિત્યનું પૃથક્કરણ કરતી વખતે દર્શના ત્રિવેદી શરૂઆતમાં વિદ્યા બાલ, લક્ષ્મી કન્નન અને બાલાજી રંગનાથને ચર્ચેલા સિદ્ધાંતો પર ધ્યાન આપે છે. એ સમયે પ્રચલિત પારિવારિક અને સામાજિક નિયંત્રણો વિશે ઊંડી તપાસ કર્યા બાદ દર્શના માનસિક રીતે સબળ હોય એવા અભિગમ વિશે વાત કરે છે. એ જ રીતે કમલા દાસની કવિતાની તપાસ કરતી વખતે જાવેદ ખાન નવી જ સીમાઓ આંકે છે. કમલાની કવિતામાં દર્પણમાં સર્જાતી છબીના રૂપક અને વક્રોક્તિના વિસ્તરણનો સૂક્ષ્મ દૃષ્ટિથી એ ઉપયોગ કરે છે. જુદીજુદી જગ્યાએથી એકઠા કરાયેલ સારને કારણે આ પ્રકારના સંગ્રહને ફાયદો થાય છે. તંત્રીઓ તરીકે અમને આશ્ચર્ય થાય છે કે તત્ત્વસારવાદ વિશે અને એક જ પથ્થરમાંથી ઘડ્યા હોય એવા એકસરખા પ્રશ્નો પૂછતી વખતે પણ આ દલીલોમાં એકસૂત્રતા જળવાઈ છે. તમે એને આશીર્વાદ ગણો કે અભિશાપ, પણ આ પુસ્તક થયા પછી એનો બીજો ભાગ પણ કરી શકાય એટલી સામગ્રી મોજૂદ છે.