નારીવાદ: પુનર્વિચાર/માઈકલ એન્જેલોના ચિત્ર ‘ઑરિજિનલ સીન’નું પુનર્નિરીક્ષણ
માઇકલ એન્જેલોના ચિત્ર - ધી ઑરિજિનલ સિનનું પુનર્નિરીક્ષણ
એસ્થર ડેવિડ
નવલકથાકાર અને કલાકાર, અમદાવાદ
૧૫૦૮માં રોમના સિસ્ટીન ચૅપલમાં માઈકલ એન્જેલો બ્યુનારોતી(૧૪૭૫-૧૫૬૪)એ ચિત્રકામ શરૂ કર્યું હતું. આ ચૅપલનો પુનરુદ્ધાર ૧૯૯૨માં કરવામાં આવ્યો હતો. જ્યારે એના પરનો કચરો દૂર કરવામાં આવ્યો ત્યારે દેખાયું કે માઈકલ એન્જેલોએ ઝાંખા તપખીરિયા રંગોમાં નહીં પણ ચળકતા રંગોમાં ચિત્રકામ કર્યું હતું. આપણી મનુષ્ય-જાતિને ઘણી વાર દુશ્મનો હોય છે. માટે જ બાઇબલ વાંચતી વખતે આશ્ચર્ય થાય છે કે સર્વશક્તિમાન પરમેશ્વરને પણ શેતાનના સ્વરૂપમાં એક દુશ્મન હતો, જેને વારંવાર એક સર્પના રૂપમાં દર્શાવવામાં આવે છે. પરમેશ્વરની કારીગરી અથવા કલાકૃતિ, એટલે કે આ પૃથ્વીના સર્જનમાં શેતાન હંમેશાં વિક્ષેપ પાડનાર તરીકે જણાય છે. બાઇબલ, જૂનો કરાર, જે ઇઝરાયેલના બાઇબલ અથવા તો યહૂદીઓ જેને ‘તોરા’ તરીકે ઓળખે છે, એમાં શેતાન સર્પના સ્વરૂપમાં બહુ જલદી આવી પહોંચે છે. પૃથ્વી પરની કોઈ પણ ચીજ કરતાં મોટા ભાગના મનુષ્યજીવો સાપથી વધારે ડરતા હોય છે અને ડરનું આ લક્ષણ ‘જીનેસિસ’માં બહુ પહેલેથી જોવા મળે છે. મનુષ્યજાતિની કથામાં બાઇબલનો પહેલો ભાગ એક નિર્ણાયત્મક બિંદુ બની ગયો છે. બાઈબલમાં લખેલું છે કે પરમેશ્વરે પૃથ્વીનું સર્જન કર્યા બાદ પોતાની પ્રતિકૃતિ જેવા આદમનું ચીકણી માટીમાંથી સર્જન કર્યું. આ એક પ્રખ્યાત ચિત્ર છે, જેમાં આદમના લબડતા હાથ અને પરમેશ્વરના શક્તિશાળી હાથ વચ્ચેનું બારીક – માત્ર એક શ્વાસ જેટલું અંતર દેખાય છે, જાણે કે એ જીવનના શ્વાસ વડે હમણાં જ એને સ્પર્શ કરવાના હોય. આ અંતરનું અર્થઘટન ઘણી રીતે થઈ શકે છે. શું એ પરમેશ્વરની એક અનિશ્ચિતતાની ક્ષણ હતી કે જેમાં એમને એ અણચિંતવ્યાં પરિણામો દેખાયાં હોય, જે ગોટાળા પૃથ્વી પર મનુષ્યજાતિ હવે પછીથી કરવાની હતી ? માઈકલ એન્જેલોની સમલૈંગિકતાના (હોમોસેક્સ્યુઆલિટી) ગર્ભિતાર્થના સંદર્ભ સાથે આ ચિત્રને બીજી રીતે પણ જોઈ શકાય, કારણ કે એ બે પુરુષોના અન્યોન્ય સ્પર્શ વિશેનું છે. શું એ એનો દૈવી પ્રેમનો ઉદ્દેશ હતો? જોકે એનાથી વિપરીતપણે પરમેશ્વરે આદમની પાંસળીમાંથી ઇવનું સર્જન કર્યું, કારણ કે એમણે જોયું કે સ્વર્ગમાં આદમ એકલો પડી ગયો હતો અને એને મનુષ્યજાતિના એક સાથીદારની જરૂર હતી. ‘જીનેસિસ’માં ‘ટ્રી ઑફ લાઈફ’, જે ‘ટ્રી ઑફ નૉલેજ’ તરીકે પણ ઓળખાય છે, એના ઉલ્લેખો આવે છે. સર્જનના કર્મ પછી પરમેશ્વર આદમ અને ઇવને કહે છે કે તેઓને સ્વર્ગમાં મોજમસ્તી કરવાની સ્વતંત્રતા હતી, પણ તેઓએ ‘ટ્રી ઑફ લાઈફ કે નૉલેજ’નું ફળ ખાવાનું નહોતું. તેમની પર જેવો આ પ્રતિબંધ લાદવામાં આવ્યો કે લગભગ એવું સૂચન કરવામાં આવે છે કે ઇવ એક સ્ત્રી હોવાને કારણે આ બાબતે કુતૂહલ અનુભવે છે. આદમ આજ્ઞાકારી હોવાને કારણે પરમેશ્વરનો હુકમ પાળે છે એમ દેખાડવામાં આવે છે, પણ ઇવ પોતાની કુતૂહલવૃત્તિ શમાવી શકતી નથી અને સર્પ અથવા શેતાન સાથે લાંબા સંવાદો કરતી જોવા મળે છે, જે એને વૃક્ષ પરથી ફળ તોડવા અને ખાવા માટે લલચાવે છે. ઉત્સાહી ઇવ થોડાઘણા અંશે વિમુખ રહેલા આદમને પણ એ ફળ ખાવા માટે મનાવી લે છે. અનાદરનું આ કૃત્ય અંતે આદમ અને ઇવના ઇડન સ્વર્ગમાંથી નિષ્કાસનમાં પરિણમે છે. અહીં સુધી સર્પ અથવા શેતાનને હંમેશાં નર અથવા નાન્યતર તરીકે દર્શાવવા કે ઉલ્લેખવામાં આવે છે, કારણ કે બાઇબલમાં ‘IT’ શબ્દનો વારંવાર ઉપયોગ થાય છે. એંશીના દાયકાના ઉત્તરાર્ધમાં જ્યારે સિસ્ટીન ચૅપલનાં ચિત્રોનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો અને એના પરથી બાઝેલો મેલ દૂર કરવામાં આવ્યો, ત્યારે મારી દીકરીએ મને આ સ્લાઇડ્ઝ મોકલી હતી. મને આશ્ચર્ય થયું હતું કે આ ચિત્રો ચળકતાં રંગોમાં હતા અને ‘ધી ઑરિજિનલ સિન’ નામનું ચિત્ર મારા જોવામાં આવ્યું, જેમાં આ કલાકાર સર્પને સ્ત્રી તરીકે દર્શાવે છે. આ ચોક્કસ ચિત્ર શેતાનની સંપૂર્ણ છબીને નરથી નારીમાં પલટી નાંખે છે. જોકે આ બાબતનું બે રીતે વિશ્લેષણ થઈ શકે. એક સમલૈંગિક કલાકાર તરીકેની સ્ત્રીઓ સાથેની એની મુશ્કેલી અથવા સ્ત્રીઓ માટેનો એનો અણગમો, કાં તો પછી સર્પને એક નારીની ઓળખ આપવાની એક કલાકારે લીધેલી સર્જનાત્મક છૂટછાટ? સર્પ અથવા શેતાનના એક સ્ત્રી તરીકેના અને પ્રતિબંધિત ફળ ખાવા માટે ઇવને લલચાવનારા ચિત્રનો અભ્યાસ કરવાનું રસપ્રદ રહ્યું. આ તો જાણે સ્ત્રીઓ પર હુમલો. એ તો આ કલાકારનું એક કાવતરું હતું, કારણ કે એણે એમ બતાવવાનો પ્રયત્ન કર્યો કે આદમ અને ઇવના ઇડન ગાર્ડનમાંથી થયેલ નિષ્કાસન માટે માત્ર એક નહીં, પણ બે સ્ત્રીઓ જવાબદાર હતી. આ બે સ્ત્રીઓવાળા સિદ્ધાંતથી એ એક મુદ્દો પુરવાર કરવા માગતો હતો કે સ્ત્રીઓ નીતિભ્રષ્ટ અને કાવતરાખોર જીવો છે. એક પુરુષ ઇતિહાસકારે તો એ હદ સુધી લખ્યું કે “સ્ત્રીનું એક સર્પ તરીકેનું આ સુંદર નિરૂપણ છે!” બાઇબલ મુજબ, મોટા ભાગે આ સર્પનો ઉલ્લેખ ‘IT’ અથવા સર્પની જીભ જેવી પાંખિયાવાળી પૂંછડી અને શિંગડાંવાળા લીલા રંગના પુરુષ તરીકે કરવામાં આવે છે. પણ આ સ્લાઈડમાં, સંભાવ્ય નર કે નાન્યતર સર્પનું એક નારીમાં રૂપાંતર કરી નાંખવામાં આવ્યું છે, અને આ રીતે શેતાન-સર્પને એક સ્ત્રી બનાવી દેવામાં આવ્યો છે, તેમ જ પૃથ્વી પરનાં બધાં જ પાપો માટે સ્ત્રીઓને જવાબદાર ગણવામાં આવી છે અને પુરુષોની નિર્દોષતાને બગાડી નાંખનાર પણ ગણવામાં આવી છે! માટે, આ ચિત્રમાં, મનુષ્યજાતિના અધ:પતન માટે બે સ્ત્રીઓ જવાબદાર બને છે અને પરમેશ્વર ખૂબ રોષે ભરાય છે અને આદમ અને ઇવને ઇડન ગાર્ડન અથવા સ્વર્ગમાંથી કાઢી મૂકે છે. આ નિષ્કાસન મનુષ્યજીવનને શોક, પીડા, પરિશ્રમ અને દર્દથી ભરી દે છે. આ ચિત્રથી એક એવી સમજણ મળે છે કે આ કલાકાર એમ કહેવા માગતા હોય એવું લાગે છે કે મનુષ્યજાતિના નૈસર્ગિક સ્વપ્ન કે તરંગી અસ્તિત્વનો આ બે સ્ત્રીઓ – ઇવ અને શેતાનના નારીસ્વરરૂપને કારણે અંત આવી જાય છે. આ ઘટના સાથે ઘણી ઘટનાઓ સપાટી પર આવે છે. પહેલી તો એ કે ઇવનું સર્જન આદમની પાંસળીમાંથી કરવામાં આવ્યું હતું, એટલે આપોઆપ જ એણે આદમને આજ્ઞાકારી હોય એવો ગૌણ વેશ જ ભજવવાનો હતો, કારણ કે પરમેશ્વરે આદમની જેમ એને ચીકણી માટીમાંથી ઘડી નહોતી. પુરુષ અને સ્ત્રીને બનાવવા માટે જે જુદાં ઘટકદ્રવ્યો વપરાયાં છે, એ જ દર્શાવે છે કે ઇવની પોતાની સ્વતંત્ર ઓળખ ઊભી થાય એ પરમેશ્વરને જ નહોતું જોઈતું: એટલે જ એણે એને પુરુષના એક ભાગમાંથી બનાવી. બીજી ઘટના એ કે બેમાંથી આદમ વધારે આજ્ઞાકારી હતો અને બાઇબલ લખનારા પુરુષ લહિયાઓ મુજબ, આદમ તો એ ફળ ખાવા માટે ખચકાતો પણ હતો અને એને એ ફળ ખાવા માટે ઇવ દ્વારા લલચાવવામાં આવ્યો હતો. છેવટે, જ્યારે પરમેશ્વરે આદમ અને ઇવને ઇડન ગાર્ડનમાંથી કાઢી મૂક્યાં, ત્યારે એક સળગતી તલવારે સ્વર્ગના રક્ષણ માટે એની ફરતે એક વર્તુળ રચી દીધું, જેથી કરીને તેઓને ફરી પ્રવેશ કરતાં અટકાવી શકાય. પરમેશ્વરે આદમ અને ઇવ બંનેને શિક્ષા કરી અને પોતાનું ભરણપોષણ જાતે કરી લેવાનો આદેશ આપ્યો, તેઓની નગ્નતા બાબતે તેમને જાગૃત કર્યાં અને તેઓએ મશહૂર અંજીરના પાંદડાંથી પોતાની જાતને ઢાંકવાનું શરૂ કર્યું. જો તમે ધ્યાનપૂર્વક વાંચશો તો જણાશે કે આ શિક્ષા આદમ માટે એટલી કઠોર નથી, પણ ઇવ માટે એ વધારે કઠોર છે, કારણ કે આદમ સાથે સમાગમ કર્યા બાદ એને શારીરિક પીડાનો અનુભવ કરવાની સજા મળે છે. જ્યારે એ પોતાનાં બાળકોને જન્મ આપે છે, એ લગભગ મોત સમાન છે. અહીં પણ આ વાર્તાનાં અમુક વિધેયાત્મક લક્ષણો છે. કોઈ પણ વ્યક્તિ અનુમાન કરી શકે છે કે શા માટે પરમેશ્વરે ઇવ સાથે વધુ કઠોર બનવાનો નિર્ણય કર્યો, કારણ કે એમણે જોયું કે એની પાસે એના પતિ પર પ્રભાવ પાડી શકે એવી બુદ્ધિ હતી. કદાચ એ વધારે શક્તિશાળી પણ હતી, કારણ કે એ ચીકણી માટીમાંથી બનેલી નહોતી, પણ હાડકા જેવા એક પદાર્થમાંથી બનેલી હતી, આદમની પાંસળીમાંથી. એક રીતે તો આદમ એના કરતાં નબળો બની ગયો હતો, કારણ કે ઇવને બનાવવા માટે એના શરીરનો એક ભાગ લઈ લેવામાં આવ્યો હતો. એ ચીકણી માટીનો બનેલો હતો, પેલી હાડકાની. એક રીતે તો ઇવે પણ પોતાની તાકાત દાખવી હતી, કારણ કે એ જ પ્રજોત્પાદનનું મૂળ પણ હતી, બાળકોને પોતાની કૂખમાં રાખવાં અને તેઓને જન્મ પણ આપવો. બાઇબલમાં વારંવાર જેનો પોતાના માંસમાંથી માંસ (ઉત્પન્ન કરવું) તરીકે ઉલ્લેખ થયેલ છે અને ભલે એક બાળક એનાં જ લોહી અને શરીર ઘટકમાંથી જન્મે, એ કોઈ રીતે નબળી ન બની, પણ મજબૂત જ રહી અને બીજાં ઘણાં બાળકોને એણે જન્મ આપ્યો. અહીં એ નોંધવું રસપ્રદ રહેશે કે પ્રતિબંધિત ‘ટ્રી ઑફ લાઈફ’ એ ‘ટ્રી ઑફ નૉલેજ’ તરીકે પણ ઓળખાય છે. એ શક્ય છે કે ઇવને સર્પિણી, શેતાનના નારીસ્વરૂપ અથવા શેતાન પાસેથી ખબર પડી હોય, જેણે એને ખાતરી કરાવી હોય કે તેઓએ ‘ટ્રી ઑફ લાઈફ’માંથી ખાવાનું નથી, એ પરમેશ્વરનું જ કાવતરું હોય, કારણ કે એ લોકો પોતાનું જીવન જ્ઞાનથી સમૃદ્ધ કરે એ પરમેશ્વરને જ મંજૂર ન હોય. અહીં એ પરમેશ્વર ઈર્ષ્યાળુ પરમેશ્વર બની જાય છે. જેણે પોતાની છબી જેવા મનુષ્યો સર્જ્યા તો હોય, પણ એ લોકોમાં પોતાના કરતાં વધુ જ્ઞાન હોય એ એને ન ખપતું હોય. જ્યારે ઇવે પરમેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની હિંમત બતાવી હશે અને એ ફળ પણ ખાધું હશે, ત્યારે પરમેશ્વરને ચોક્કસ જ ઇવનો ભય લાગ્યો હશે, કારણ કે આ ઘટનાથી એને ખ્યાલ આવી જ ગયો હશે કે એ એક બુદ્ધિશાળી, વિચારશીલ સ્ત્રી હતી અને એને જાણવું જ હતું કે ‘ટ્રી ઑફ લાઈફ’માં એવું તો ખાસ શું છે. અને એ જાણીને જ રહી, પણ ખૂબ જ આકરી કિંમતે, કારણ કે મોટા ભાગે એનું જીવન એક પુરુષના જીવન કરતાં વધુ મુશ્કેલ જ હોય છે. બાઇબલમાં ‘ટ્રી ઑફ લાઇફ’ અથવા ‘ટ્રી ઑફ નૉલેજ’ના પ્રતિબંધિત ફળનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું નથી. અને ચોક્કસપણે સફરજન તરીકે તો એનું વર્ણન નથી જ, પણ એને માત્ર એક ફળ તરીકે જ ઓળખાવવામાં આવ્યું છે, જેમ ઇવ સર્પમાં ભરોસો રાખીને કહે છે, “એ આંખને સુખકારક છે.” અહીં બધી જ સ્ત્રીઓની જેમ એના નારીહૃદયની સ્ફુરણાની ચરમસીમા દેખાય છે, સુંદર ચીજો – જેમ કે આ સુંદર ફળ એને આકર્ષક લાગે છે. પણ પુરુષ લહિયાઓ એ નિષ્કર્ષ પર આવે છે કે પ્રતિબંધિત ફળ એ એક સફરજન જ હતું, કારણ કે એ આંખને સુખકારક લાગે છે. આ ફળને એક પુરુષની શરીરરચના સાથે પણ સાંકળી શકાય, કારણ કે આદમને ઘણી વાર એક નમાલા, ચિંતાતુર પાત્ર તરીકે વર્ણવવામાં આવે છે, જે પરમેશ્વરની ઇચ્છા અને લલચાવનારી ઇવનાં મનામણાંની વચ્ચે વહેરાયેલો જોવા મળે છે. એણે ખચકાટપૂર્વક પ્રતિબંધિત ફળનો સ્વીકાર કર્યો હશે અને દોષભાવના સાથે એ ખાધું હશે, એટલે જ ત્યારે એ સફરજન એના ગળામાં અટકી ગયું હશે. શક્ય છે કે એટલે જ ‘આદમ્સ ઍપલ’ – એ પારિભાષિક શબ્દ અહીંથી જ આવ્યો હશે અને એટલે જ એ પુરુષની ડોક કે હૈડિયાના વર્ણન કરવા માટે વપરાતો હશે. પુરુષની શરીરરચનાનો આ ભાગ તાણના સમયે ઊંચો-નીચો થવા માટે જાણીતો છે, અને આસાનીથી એને આદમની દ્વિધા સાથે જોડી શકાય છે. અને એનાથી એવી છાપ ઊભી થાય છે કે ઇવે જે લાલચનું સફરજન આદમને આપ્યું હતું, એ એના ગળામાં જ અટકી ગયું હતું. કળામાં અને વિજ્ઞાપનની દુનિયામાં કેવળ એક અડધું ખવાયેલું સફરજન ઘણી વાર પાપના પ્રતીક રૂપે બતાવવામાં આવે છે. એ દર્શાવે છે કે એક સ્ત્રી કેવી રીતે એક પુરુષને મોહમાં પાડીને લલચાવે છે. આદમ અને ઇવ અને પ્રખ્યાત ચિત્ર ‘ધી ઑરિજિનલ સિન’ને તપાસવાના અમુક દૃષ્ટિકોણ અહીં દર્શાવેલ છે.