નારીવાદ: પુનર્વિચાર/II – પુનર્વિચાર

II
પુનર્વિચાર

નારીવાદોના પુન: સ્પષ્ટીકરણના સંદર્ભના આધાર માટેનું બીજું ચરણ પુનર્વિચારનું છે. માત્ર ઉપરછલ્લી રીતે જોઈએ તો પુનર્વિચાર તો એક પ્રકારની પુનર્મુલાકાત જ કહેવાય. જોકે આ વિભાગનો દરેક લેખ ફરીથી નજર નાંખવાની આ સાદીસીધી પ્રક્રિયાને વિસ્તારીને આપણી મૂળ વિચારવાની પ્રક્રિયા શા માટે, શું કરવા અને કેમ આગળ વધી એની સંપૂર્ણ સમજ આપે છે. મશહૂર ચિત્ર “ધી ઑરિજિનલ સીન” પર એસ્થર ડેવિડ રસપૂર્વક પુન: દૃષ્ટિપાત કરે છે. અર્થનિર્ધારણ અને સાંકેતિક દૃશ્યનિર્દેશો વડે આ ચિત્રના અને બાઇબલની પુરાણકથા વિશેના આપણા સામૂહિક પુનર્વિચાર માટે સ્થાન પૂરું પાડે છે. સહલેખિકા લક્ષ્મી કન્નન પોતાની પુનર્વિચારની પ્રક્રિયાને નારીવાદની કાવ્યાત્મકતામાં રજૂ કરે છે. બહુવિધ ભૂમિકા ભજવનારી સ્ત્રી હોવાના પ્રશ્નથી શરૂઆત કરીને એક લેખિકા હોવા સુધીની વાત લઈને લક્ષ્મીનો વ્યક્તિગત – કલાત્મક વાર્તાલાપ રજૂઆતનાં નીતિશાસ્ત્ર અને કલાત્મકતાનો પુનર્વિચાર કરે છે. છેલ્લાં ૧૫૦ વર્ષનાં સ્ત્રીઓનાં ટૂંકાં લખાણોનું વિશ્લેષણ કરતી વખતે જી. એસ. જયશ્રી રજૂઆતની નારીવાદી વિદ્વત્તા અને નીતિશાસ્ત્રનો સમાસ કરે છે. શરણાગતિ, પ્રગતિશીલતા, પીછેહઠ અને સ્વમતાગ્રહના તબક્કાઓ વડે કેવી રીતે જાતિના સ્થાન વિશેની જાગૃતિ આવે છે અને ઊતરતા સ્થાન વિશેનું સતત પુનરુચ્ચારણ કરીને સર્જનાત્મક વાર્તાલાપોનાં માળખાં બન્યાં છે, એ વિશે તેઓ તપાસ કરે છે. એ. મંગઈ જયશ્રીની ચર્ચાને આગળ વધારતાં, તામિલ રંગભૂમિમાં રજૂઆતનું નીતિશાસ્ત્ર, રંગભૂમિના સર્વમાન્ય આચારો, સ્થાનની સાપેક્ષ સ્થિતિઓ, કોરિયોગ્રાફી અને સમકાલીન શારીરિક નીતિશાસ્ત્ર તપાસે છે. મંગઈની એકૅડેમિક, એૅક્ટિવિસ્ટ અને નારીવાદી થિયેટર ગ્રૂપના ડિરેક્ટર તરીકેની વિવિધ ભૂમિકાઓ એમની દલીલોને પુષ્ટિ આપે છે. ભારતીય મીડિયામાં જાતિની રજૂઆત અને વિમેન્સ ડેવલપમેન્ટ સેલ્સ-(WDC)ની સ્થાપનાને એકસાથે મૂકીને શોભના નાયર પોતાની પુનર્વિચારની પ્રક્રિયાને સક્રિય બનાવે છે. મીડિયા બીબાઢાળ પ્રતિમાઓને મજબૂત બનાવે છે અને WDC એ બીબાઢાળ પ્રતિમાઓને તોડી પાડે છે એવી આપણી સામાન્ય માન્યતાને પડકારતી વખતે શોભના હકારાત્મક વલણો તરફ આગળ વધવાના રસ્તા શોધે છે. જાતિ અને કામુકતાના તત્ત્વસારવાદી પ્રકારોને પડકારીને અનિરુદ્ધ વાસુદેવન એમની પુનર્વિચારની પ્રક્રિયાને આગળ વધારે છે. સ્ત્રીઓની અને સમલૈંગિકો માટેની ચળવળમાં વૈકલ્પિક સ્ત્રી-કામુકતાઓના સંદર્ભે તેઓ પોતાની ઍક્ટિવિસ્ટ – શૈક્ષણિક ચર્ચા-વિચારણાને સ્થાન આપે છે.