નારીવાદ: પુનર્વિચાર/શક્તિનો બોજ: ઓરિસ્સામાં સાહિત્યિક સર્જનાત્મકતા
શક્તિનો બોજ: ઓરિસ્સામાં સાહિત્યિક સર્જનાત્મકતા અને સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ*[1]
સચ્ચિદાનંદ મોહંતી
અંગ્રેજીના પ્રોફેસર, યુનિવર્સિટી ઑફ હૈદરાબાદ, હૈદરાબાદ
સ્ત્રીઓ અને સાહિત્યિક ચિત્રણ, એ એક જટિલ અને તકરારી મુદ્દો છે અને હજી સુધી એનું પૂરતું ખેડાણ થયું નથી. એનાં સાહિત્યિક અને રાજકીય વિભાગીકરણનાં પરિણામો વ્યાપક છે. મનુષ્યજાતિના પુરુષ અને સ્ત્રી સ્પષ્ટ પ્રકારો દર્શાવે છે – એ પ્રકારનો મત અને ચોક્કસ જાતિ(જેન્ડર)ની ભૂમિકાઓને વધુપડતી બહાદુર દર્શાવવાની રીતને ઘણા સમયથી કેટલાક નારીવાદીઓ ઊંડી શંકાની નજરે જુએ છે. પુરુષ અને સ્ત્રીને તેમની બુદ્ધિ અને અંત:સ્ફુરણા જેવી લાક્ષણિકતાઓ દ્વારા સરખાવીને ‘મેન આર ફ્રૉમ માર્સ ઍન્ડ વિમેન આર ફ્રૉમ વિનસ’, જાણે કે સ્ત્રી અને પુરુષ બે જુદા જ ગ્રહોના રહેવાસી હોય ! એમ કહેવાની વૃત્તિને અમુક ઠેકાણે પિતૃસત્તાક વિચારસરણીના ભાગ તરીકે જોવામાં આવે છે. અને તેમ છતાંય, સ્ત્રીઓ સ્વામિત્વ ભોગવે છે અને અમુક ચોક્કસ પ્રકારની સત્તા ધરાવે છે, એવો દાવો કરવામાં આવે છે અને મહાન સર્જનહાર તરીકે સ્ત્રી જ આ પ્રકારની સત્તાનો અવતાર બની શકે છે એવી માન્યતા વિશ્વની ઘણી પરંપરાઓમાં જોવા મળે છે. તે છતાંય, અમુક લેખકોના દાવા પ્રમાણે, જેમ કે ડેન બ્રાઉન એમના ‘દ વિન્શી કોડ’માં દલીલ કરે છે કે : સૃષ્ટિનિર્માણની વાતમાં સ્ત્રીની કેન્દ્રીયતાને સંગઠિત ધર્મે વ્યવસ્થિતપણે દબાવી દીધી છે (TOI, ૨૨ ફેબ્રુઆરી, ૨૦૦૪) જ્યારે ભારતીય પરંપરામાં પુરુષ-પ્રકૃતિ, શિવ-પાર્વતી અને ઈશ્વર-શક્તિના પ્રકારોની જુદી જ રીતે કલ્પના કરીને એને જે મૂર્ત સ્વરૂપ આપવામાં આવ્યું છે, એ અન્યત્ર જોવા મળતાં ગ્રીક સર્વદેવ મંદિરના એપોલો-ડાયોનિસસ અથવા ઝ્યુસ-એથેનાની પૌરાણિક, ફિલસૂફીસભર સાંસ્કૃતિક સંરચનાઓને સમાંતર છે. ઘણી મૂર્તિપૂજક અને આદિવાસી પરંપરાઓમાં અસ્તિત્વ અને પ્રજનનના પ્રતીકરૂપે, તેમ જ ફળદ્રુપતાના સ્થાનક તરીકે માતૃત્વની ઉજવણી કરવામાં આવે છે. કુદરત, સ્વર્ગલોક અને વિશાળ બ્રહ્માંડ જેવા શબ્દોને સ્ત્રીનાં લક્ષણો ધરાવતા શબ્દો હોય એવી ગહન રીતે જોવામાં આવે છે. ૧૯૯૪માં પહેલી વાર બ્રિટિશ લેખક માર્ક સિમ્પસને વાપરેલા ‘મેટ્રોસેક્સ્યુઅલ’ (સ્ત્રીત્વસભર લક્ષણો અપનાવનાર પુરુષ) જેવા આજે વપરાતા શબ્દના સંદર્ભમાં સ્ત્રીની સત્તાનો શો અર્થ થાય? સ્ત્રીના ક્લોનિંગ અને જીવવૈજ્ઞાનિક પ્રક્રિયામાં ઉદ્ભવી રહેલી શક્યતાઓના સંદર્ભમાં એ શું સૂચવે છે? એક અહેવાલ અનુસાર, “રિસર્ચરો કહે છે કે ક્રોમોઝોમ્સનો આલેખ કરતી વખતે એમ જણાય છે કે પુરુષો ઉત્ક્રાંતિના એક એવા બિંદુએ પહોંચી ગયા છે કે જ્યાંથી આગળ જવા માટે હવે કોઈ રસ્તો જ નથી અને તેથી જ આ ગ્રહ પરથી છેવટે તેઓનું સ્વયં નિર્મૂલન જ થઈ જશે. ખરેખર વૈજ્ઞાનિકોએ એક નાનકડા પ્રકારનું જળચર પ્રાણી શોધી કાઢ્યું છે, જે સેટીફર્સ કહેવાય છે અને જેણે જીનેટીક પસંદગી વડે સંપૂર્ણપણે પુરુષજાતિને માત્ર બાકાત જ નથી કરી દીધી, પણ સફળતાપૂર્વક ૩૦૦ પ્રકારની માત્ર સ્ત્રીજાતિઓ જ વિકસાવી છે, એમ A-men to men કહે છે.” (TOI, ૨૨ ફેબ્રુઆરી ૨૦૦૪) આમ છતાં પણ, મોટા ભાગની હિંદુ માન્યતાઓ અને પારંપરિક અભ્યાસોમાં એક વિશિષ્ટ સ્ત્રીસામર્થ્ય, શક્તિ, સુદૃઢપણે સમર્થન પામ્યાં છે. આ બાબતને આપણે આપણી માન્યતાઓ અને રૂઢિઓમાં, આપણી લોક અને પ્રચલિત સંસ્કૃતિઓમાં આપણાં નૃત્ય, દંતકથાઓ અને મંદિરોની મૂર્તિઓમાં જોઈએ છીએ. ધાર્મિક સંપ્રદાયોના ઉત્સવોમાં કૃષ્ણની અસ્તિત્વવાદી પૂજા અને અધ્યાત્મવાદમાં આવશ્યકપણે રાધા અને રુક્મિણી સહગામી કે અરસપરસ સંકળાયેલી જ જોવા મળે છે, અને એમ જ હિંદુ સર્વદેવમંદિરમાં શિવ-પાર્વતી કે રામ-સીતાનું સહઅસ્તિત્વ આપણને જોવા મળે છે. ૧૯મી સદીમાં શ્રી રામકૃષ્ણ અને દેવીમા શારદાદેવીમાં પણ આપણને આવું જ વલણ જોવા મળ્યું હતું (કિશ્વર, ૨૫). અહીં મુખ્ય નિયામક એની સાથીદારને શક્તિ તરીકે દેવીનું સ્થાન આપે છે. દેવીમાના એકસાથે સ્વીકાર અને શરણાગતિ વિના એ મુખ્ય નિયામકની ભક્તિ અધૂરી ગણાય છે. અને ફરી વાર, ૨૦મી સદીમાં ફિલસૂફ - સ્વપ્નદ્રષ્ટા શ્રી અરવિંદ ફ્રેંચ રહસ્યવાદી મીરા આલ્ફાસ્સાને ‘મધર’ દેવી તરીકે સ્થાપે છે. એમના પૃથ્વી પરના આગમનના મહત્ત્વને સમજાવવા માટે શ્રી અરવિંદ એક પુસ્તિકા લખે છે. સર્જનહારની જેમ જ આ ‘મધર’ અરવિંદના નામના આશ્રમનો ભૌતિક કબજો લે છે. શ્રી અરવિંદ ધ મધર નામના પુસ્તકમાં કહે છે :
- ધ મધર એક જ છે, પણ આપણી સામે એ જુદાજુદા સ્વરૂપે આવે છે, એનામાં ઘણું સામર્થ્ય છે અને એનાં વિવિધ વ્યક્તિત્વો છે. આ બ્રહ્માંડમાં એનાં કેટલાંય મૂળભૂત પદાર્થો અને વિભૂતિઓ કામ કરે છે, જેને આપણે ‘ધ મધર’ તરીકે ચાહીએ છીએ, એ તો અસ્તિત્વ પર વર્ચસ્વ ધરાવનાર દૈવી ચેતનાસભર બળ છે.
- એક મૂળભૂત ગુણાતીત શક્તિ, ધ મધર, સમગ્ર વિશ્વથી ચડિયાતી છે અને પોતાના શાશ્વત ચૈતન્યમાં એ સર્વશ્રેષ્ઠ દેવત્વને ધારણ કરે છે. (શ્રી અરવિંદ, ૨૭-૨૯)
આજે આપણે શક્તિને જે રીતે જાણીએ છીએ એની પાછળ રહેલાં અસ્તિત્વવાદી અથવા આધ્યાત્મિક સત્યો અસ્પષ્ટ અને મોઘમ જ રહે છે અને તે છતાં પણ પ્રચલિત ક્ષેત્રોમાં એનો ઉપયોગ થતો જ રહે છે. ઇંદિરા ગાંધીને મા દુર્ગા તરીકે જોવાનું ઠેઠ ૧૯૭૧ના પૂર્વ બંગાળના સ્વાતંત્ર્યસંગ્રામના સમયથી થતું આવ્યું છે. જોકે સિમોન દ બુવા જેવા ઘણા નારીવાદીઓ (ફેમિનિસ્ટો) પુરુષ અને સ્ત્રી જેવી જાતિ(જેન્ડર)ની રચના વિશે શંકાશીલ છે, જ્યારે બીજા સ્ત્રીની ઓળખ અને એના મૂર્તિસ્વરૂપને માત્ર ‘પ્રગતિશીલ’ અથવા ‘પ્રત્યાગમનક્ષમ’ જેવા સાદા પ્રકારોમાં સંકુચિત કરી દેવાને કબૂલતા નથી. આ પેપરમાં હું ભારતની ઉત્કૃષ્ટ સાહિત્યકાર સ્ત્રીઓનાં ઉદાહરણો પર નજર નાંખીશ. જાતિ, રાષ્ટ્ર અને સામ્રાજ્યના ત્રિભેટામાં અટવાઈ જઈને તેમણે અમુક ચોક્કસ પ્રતિભાઓને પોતાનાથી ચડિયાતી ગણીને તેઓનું અનુકરણ કરીને પોતાની જાતની અને રાષ્ટ્રની વિવિધ રીતે વિભાવના ઊભી કરી છે. હું એક સૂચન કરવા માગું છું કે મારું આ પૃથક્કરણ ૧૯મી સદીના અંતથી ૨૦મી સદીની શરૂઆતના સમયના ભારતના ચોક્કસ ઐતિહાસિક સંદર્ભે જ છે, પણ મારી તપાસ અન્ય સંસ્કૃતિઓને પણ અમુક ફેરફારો સાથે સમાવિષ્ટ કરે છે. વિવિધ સંસ્કૃતિઓ વચ્ચેની સમાનતાઓ સરખાવવા જઈએ તો એમ લાગે કે તેમની ઐતિહાસિક અને આદર્શવાદી ખાસિયતો ઘણી જુદી પડે છે, પણ તે છતાંય એમની સ્ત્રીઓના અનુભવોને એકસૂત્રે બાંધનારી અને સાંસ્કૃતિક છબીઓની આશ્ચર્યજનક સમાનતાઓ ઘણી ઉત્તેજનાત્મક બની રહે છે. ભારતની જેમ જ સંસ્થાનવાદી (કૉલોનિયલ) શાસકો અને દેશના પુરુષ સમાજસુધારકો જે અનોખી રીતે સ્ત્રી-શિક્ષણ લાવ્યા, એ જ રીતે અન્ય ઘણા દેશોના સમાજોમાં સંસ્થાનવાદ ગયા પછી સ્ત્રીઓના ઇતિહાસમાં ચોક્કસ લક્ષણો જોવા મળે છે. સંસ્થાનવાદી ભારત તેમ જ અમેરિકામાં, ઘર અને ચૂલાની રખાવટ માટેના આવશ્યક ગુણો પામવા માટે મનની કેળવણી એકસરખી રીતે જોવા મળે છે. મેરી કેલી બિલકુલ યોગ્ય અવલોકન કરે છે : “માહિતીની મોસમ વિદ્યાર્થિનીઓને તેઓના જ પ્રતિરૂપ એવા (પુરુષ) વિદ્યાર્થીઓની સરખામણીએ મિશ્ર સંકેતો આપે છે.”
- શરૂઆતથી જ સમાજના આંતરિક સાહિત્ય દ્વારા જે સૂચનો મળતાં રહ્યાં, એમાં યુવાન સ્ત્રીઓનું એકધારું આત્મસન્માન ઊભું થાય અને તેઓ પોતાની જાતને બુદ્ધિશાળી ગણે, એ પ્રકારની સ્પષ્ટ વિભાવના ક્યારેય ઊભી ન થઈ.
- એ સૂચનોને કારણે સ્ત્રી અને પુરુષની શૈક્ષણિક તાલીમની સરખામણી થવા માંડી અથવા એના કારણે આંતરિક સાહિત્યમાં અને તેમનાં પુરુષ પ્રતિરૂપોમાં દેખાતી ભેદરેખાઓ વધુ ઘેરી થઈ, જે ક્યારેય સુસંગત કે પુષ્ટિદાક નહોતી. સ્ત્રીઓનો શિક્ષણનો અનુભવ ક્યારેય ઘર અને ધાર્મિક શાળાઓ કરતાં આગળ જ ન વધ્યો અને ગૃહજીવનની આગળ પણ કોઈ ભવિષ્ય હોઈ શકે એવું કોઈ વચન જ એમને ન આપવામાં આવ્યું. જાહેર અને ખાનગી વર્તુળોમાં રજૂ કરાતાં પુખ્ત વયનાં પુરુષ અને સ્ત્રીઓની પ્રવૃત્તિઓ અને ભૂમિકાઓ માટેનાં અક્કડ વલણોને લીધે સ્ત્રીની અંત:સ્ફુરણાઓ અને આકાંક્ષાઓ સાવ ફોગટ અને અસામાન્ય ગણાતી. (કેલી, ૫૫-૫૭)
ખરેખર આ મિશ્ર સૂચનોએ જ ઓરિસ્સામાં શરૂઆતની સાહિત્યિક સ્ત્રીઓની નિયતિ પર નિયંત્રણ કર્યા કર્યું. સાહિત્યિક સર્જન માટેના પ્રતિકૂળ સંજોગો સામે તેમણે મથામણ કરવી પડી અને જાહેર સ્થાનોમાં સહભાગી થવા માટે તેમણે જાણીબૂઝીને ચડિયાતાં આદર્શ રૂપોનું અનુકરણ કર્યું અને સશક્તિકરણ કરવા માટે શક્તિ જેવી પ્રતિમાને ગળે વળગાડી. અમુકને તો જાહેર વ્યવસાયના શબ્દો અને પોતાના અંગત જીવનની વાસ્તવિકતા વચ્ચેના અંતરને લીધે તીવ્ર વેદના અને સંતાપ પણ થયાં. બાકીના આ વિરોધાભાસ પર પ્રભુત્વ મેળવતા શીખી ગયા, અંગત તેમ જ જાહેર જીવનમાં જીત મેળવી ગયાં. અંગત પ્રેમની સામે જાહેર સેવા, ઘરગૃહસ્થી જીવનના ઢસરડા સામે જાહેર સેવા, લગ્નસાથી સાથેની વફાદારી સામે એક સાચા આત્મીય મિત્ર તરફનું આકર્ષણ, લૈંગિક (સેક્સ્યુઅલ) નિકટતાનો તલસાટ અને જાહેર પવિત્રતાની આવશ્યકતા – આ બધી વિરોધી ખેંચતાણો સાથે સુમેળ સાધવાની એમાંથી એકેયને તકલીફ ન પડી હોય એમ બન્યું નહોતું. સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રતિમાઓ તરીકે સ્ત્રીઓએ શક્તિના નિયમોને મૂર્ત સ્વરૂપ આપ્યું અને અનિવાર્યપણે તેઓ તેનો બોજ ઉઠાવતાં પણ શીખી ગયાં. મોટા ભાગની સાહિત્યિક સ્ત્રીઓ માટે સર્જનાત્મક લખાણ અને પ્રકાશન એ એક ઊંડું રાજકીય કર્મ હતું. એની સાથે સંકળાયેલી મુસીબતોની જટિલતા અને પરિમાણોની એમને ખબર હોવાને કારણે તેઓએ એ ભૂમિનું ખેડાણ સાવચેતીથી અને સાવધાનીપૂર્વક કર્યું. સહાનુભૂતિ દર્શાવનારા પુરુષો – પિતાઓ, ભાઈઓ અને જીવનસાથીઓની મદદ લઈને તેઓએ જુસ્સાદાર અને જલદ ભાષામાં લખ્યું અને જાહેરમાં હિમ્મતવાન અને તકરારી વલણ દાખવ્યું. કળા અને પત્રોને આશ્રય આપવા માટે મશહૂર સમૃદ્ધ વર્ગ અને અંગ્રેજ હકૂમતના સભ્યો સુધી પહોંચીને તેઓએ પોતાની કલાત્મક કે નૈતિક પ્રામામિકતા સાથે તો બાંધછોડ ન કરી, પણ પોતાના કામનાં પ્રકાશન અને પ્રસારણ માટે તેઓએ બુદ્ધિજીવી વર્ગનો ટેકો મેળવવાનો પ્રયાસ કર્યો. આમ, સ્ત્રીઓએ લખેલાં ઘણાં પુસ્તકોમાં ‘અર્પણ’નાં પાનાં સાહિત્યિક અને નાણાકીય ટેકા બાબતે સવાલો ઊભા કરે છે. ઉદાહરણ તરીકે ૩૦ જુલાઈ ૧૯૦૬ના દિવસે ગંજમ તાલુકાના બડખમુંડીના રાજાને લખાયેલા પત્રમાં કવયિત્રી અન્નપૂર્ણાદેવી અફસોસ વ્યક્ત કરે છે કે અખબારો અને સામયિકોએ એમની ઉપર રાજા પાસેથી મદદ લેવાનો ખોટો આરોપ મૂક્યો છે. જોકે એમના નિવેદનમાં એમણે મદદ મેળવવા માટે ચાલાકીપૂર્વક અપીલ કરી છે.
- મારા પતિ આપ નામદાર માટે કામ કરે છે. આપ નામદારને અપીલ કરવાથી સમયાંતરે એમને મદદ મળતી પણ હશે. પણ મને સમજાતું નથી કે મારું નામ શા માટે અકારણ છાપામાં ઢસડવામાં આવ્યું છે. જો મહારાજાએ મારી કવિતા પર એક અછડતી નજર પણ નાંખી હોત તો મારી આ દુર્દશા ન થઈ હોત. હું સન્નિષ્ઠપણે ઇચ્છું છું કે આપ નામદાર મારી કવિતા છાપાંમાં જોઈને રોષે ન ભરાશો. જીવનમાં ફરજ નિભાવવી બહુ મહત્ત્વનું છે અને માટે હંમેશાં આપ નામદારમાં શ્રદ્ધા રાખીને મારે મારા પોતાના માર્ગ પર ચાલવું ખૂબ જરૂરી છે. (અન્નપૂર્ણા, ૨૦, સ. મો.નો અનુવાદ)
આ જ રીતે પોતાની રોમૅન્ટિક કવિતામાં બિદ્યુતપ્રભા(૧૯૨૬-૧૯૭૭)એ એક હિમ્મતવાન સ્ત્રી ‘અવાજ’નો એકરાર કરીને ઓરિસ્સાની સાહિત્યિક સ્ત્રીઓ માટે એક ચડિયાતો અનુકરણીય નમૂનો ઊભો કર્યો છે. ‘પ્રતિઘાત’ કવિતામાં આ કવયિત્રી સર્જનશીલતા માટે ઘરગૃહસ્થીના જીવનનાં બંધનોને ઓળંગી શકી છે :
મારા દરેક દર્દ માટે
લખાણ જ એકમાત્ર બામ છે
એ મારા દુ:ખની ભવ્યતા છે
લખાણ તો વરસાદમાં ભીંજાયેલું જંગલ છે.
એ શ્રાવણ મહિનામાં તૂટી પડતાં વાદળોનું સંગીત છે!
મારા હૃદયમાં ઊભરાતા આનંદને હું શબ્દોમાં વર્ણવી શકતી હોત તો!
તોફાનના મોઢાની આગની જ્વાળા જેવો,
મારી કવિતા
એક ઝળહળ દીવડો છે.
(બિદ્યુતપ્રભા, ૩૯૦-૯૧, સ. મો.નો અનુવાદ)
બિદ્યુતપ્રભાનાં લગ્ન પહેલાંના એક પ્રકાશન કનકાંજલિ(૧૯૪૮)ના અર્પણના પાના પર જે કહેવાયું છે, એ આ પરિપ્રેક્ષ્યમાં જોવાનું રસપ્રદ રહેશે :
- પ્રતિ : હિઝ હાઈનેસ કિશોરચંદ્ર સિંઘદેવ
- માનનીય સર,
- આપની કૃપાથી જ ઉત્કલના ઘણા ગરીબ અને પ્રતિભાશાળી કવિઓનાં સર્જન પ્રકાશમાં આવ્યાં છે. મારા જેવી અજ્ઞાત લેખિકા પર ધ્યાન આપ્યું, એ આપના ઔદાર્યનું સૂચક છે. મારા હાથમાં ‘કનકાંજલિ’ લઈને ડર અને ક્ષોભના મિશ્ર સાથે હું ઉડિયા સાહિત્યમાં પ્રવેશ કરી રહી છું. આપની મારા પ્રત્યેની સહાનુભૂતિનો હું હૃદયપૂર્વક સ્વીકાર કરું છું. આ મારા પ્રયાસને ઉત્કલની સરસ્વતી સમક્ષ મૂકતાં પહેલાં, હું આપ નામદારનાં ચરણે ધરું છું. સન્નિષ્ઠપણે આશા રાખીને મહાનતાની નિશાનીરૂપે આપ આ નાનકડી ભેટ સ્વીકારશો.
આપની
(‘ગુણમુગ્ધા’ બિદ્યુતપ્રભા)
(બિદ્યુતપ્રભા, ૯૨, સ.મો.નો અનુવાદ)
સ્ત્રી-સામર્થ્ય, શક્તિની પ્રતિભાનું દૃઢીકરણ કરતાંકરતાં આશ્રય માગવાનો અનુભવ ભારતમાં સ્ત્રીઓ માટે સામાન્ય હતો. સ્ત્રીઓના મલયાલમ્ સામયિકમાં ૨૩ જાન્યુઆરી ૧૯૦૯ના દિવસે છપાયેલ એક પત્ર રસપ્રદ ઉદાહરણ પૂરું પાડે છે (આ નોંધ સાલ્વેશન આર્મીની સ્થાપના કરનાર જનરલ બુથનાં પત્ની, શ્રીમતી કેથરીન બુથને પહોંચાડવા માટે લખવામાં આવેલ છે.)
- પ્રતિ
- શ્રીમતી કેથરીન બુથ ટકર
- માનનીય મૅડમ અને વહાલાં બહેનશ્રી,
- અમે, ત્રિવેન્દ્રમના લેડીઝ એસોસિએશનનાં સભ્યો, તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આજની બપોરે અમને મળવા માટેની તક આપવા બદલ તમારો ખૂબ આભાર માનીએ છીએ. અમારામાંથી અમુક જણ વચ્ચે દસ મહિના પહેલાં થયેલી અનૌપચારિક, ખાનગી મસલતના પરિણામે અમારી સંસ્થા અસ્તિત્વમાં આવી હતી. આ સંસ્થાના હેતુઓ શુદ્ધ છે, એની શરૂઆત નમ્રપણે થઈ છે અને એની સિદ્ધિઓ ભવિષ્યકાળના ગર્ભમાં ધરબાયેલી છે. હજી પા-પા પગલી ભરતી આ સંસ્થા સ્વપ્નલોકમાં જ વિહરે છે અને એના વિચારો પણ બાલિશ છે, પણ સમય જતાં એ આશા રાખે છે કે બાળપણ અને યુવાવસ્થાના ગોટાળા, કમજોરીઓ અને અવિવેકીપણાને એ આંકી લેશે...
- ....અમારી વચ્ચે તમારી હાજરી અમારામાં એક અનેરો ઉત્સાહ પ્રેરે છે. કોઈ પણ દેશ અને સમાજની પ્રગતિ માટેની બધી જ ચળવળો માટેનો તમારો રસ અને સહાનુભૂતિ જ એનો એક વાસ્તવિક પુરાવો આપે છે.
શક્તિને મૂર્ત સ્વરૂપ આપતી વખતે જાહેર જીવનમાંની ઘણી સ્ત્રીઓ સ્વ-નિશ્ચિતતા અને સ્વ-સંશયાત્મકતા વચ્ચે ઝૂલતી રહેતી. અમુક સ્ત્રીઓમાં આ ભેદ ધારદાર અને નાટકીય દેખાતો. તેઓ પોતાનાં જીવન અને આચરણમાં શક્તિને જાગ્રતપણે સમર્થન આપતી, જ્યારે બીજી સ્ત્રીઓનો મિજાજ વિપુલતા અને આત્મવિશ્વાસના અભાવ વચ્ચે હોશિયારીપૂર્વક ક્યારેક-ક્યારેક ઝોલાં ખાતો રહેતો. ઓરિયા નારીવાદી કુન્તલાના કિસ્સામાં આ પ્રકારની ભાત વારંવાર ઊપસતી રહે છે. પોતાના માર્ગદર્શક કૈલાસચંદ્ર રાવને ખાતર એક ખ્રિસ્તી છોકરી હોવા છતાં તેઓ ‘બ્રાહ્મો’ બનવા ગયા હતાં અને એ કારણસર એમના જ ધર્મના લોકોના અત્યાચાર અને બહિષ્કારનો ભોગ બનવું પડ્યું હતું. ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ શ્રી શેસર અને તેમનાં પત્ની પાસે તેઓ અનુકરણીય હિમ્મત સાથે પહોંચ્યા :
- હું એક ખ્રિસ્તી છોકરી છું, જેના પર મારા પોતાના દેશના પુરુષો જ જુલમ કરે છે. હું તમારી પાસે આવી છું. તમે એક પ્રામાણિક ખ્રિસ્તી છો. બાઇબલ કે ધર્મસંહિતામાં ક્યાંય પણ એવું લખ્યું છે કે કોઈ ખ્રિસ્તી પોતાનો ધર્મ ન બદલી શકે? ૧૯મી સદીના અંતમાં સ્વામી વિવેકાનંદ સર્વધર્મપરિષદમાં બોલ્યા હતા અને એમના અસરકારક શબ્દોને કારણે જ અગણિત ખ્રિસ્તીઓ હિંદુ ધર્મ તરફ વળ્યા હતા. સુસંસ્કૃત અંગ્રેજ લોકોના શાસક એક ક્રૂર ખ્રિસ્તી સમૂહનું એક એકાકી છોકરી સામેનું આ પ્રકારનું વર્તન સહી લેશે ?
- હું એક ખ્રિસ્તી છોકરી છું, જેના પર મારા પોતાના દેશના પુરુષો જ જુલમ કરે છે. હું તમારી પાસે આવી છું. તમે એક પ્રામાણિક ખ્રિસ્તી છો. બાઇબલ કે ધર્મસંહિતામાં ક્યાંય પણ એવું લખ્યું છે કે કોઈ ખ્રિસ્તી પોતાનો ધર્મ ન બદલી શકે? ૧૯મી સદીના અંતમાં સ્વામી વિવેકાનંદ સર્વધર્મપરિષદમાં બોલ્યા હતા અને એમના અસરકારક શબ્દોને કારણે જ અગણિત ખ્રિસ્તીઓ હિંદુ ધર્મ તરફ વળ્યા હતા. સુસંસ્કૃત અંગ્રેજ લોકોના શાસક એક ક્રૂર ખ્રિસ્તી સમૂહનું એક એકાકી છોકરી સામેનું આ પ્રકારનું વર્તન સહી લેશે ?
(મોહપાત્રા, ૧૪૦)
કુન્તલાનું જીવન અંગત વિષાદ અને જાહેર સક્રિયતાવાદની વચ્ચે ઝોલાં ખાતું રહ્યું હતું. દિલ્હીથી લખાતા એમના પત્રો એરિયા સામયિક સહકારમાં હપતાવાર પ્રગટ થતા રહેતા. એમાં તેઓ ઓરિયા લોકોને આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય કાયાકલ્પ કરવા માટે સતત બોધ આપ્યા કરતા. તેઓ એમને એમના કૌશલ અને કલિંગના વારસા અને ભવ્ય પરંપરા તથા સિલોન, બાલી અને સુમાત્રા સાથેના તેમના નૌકાસંબંધ તેમ જ ખારવેલ અને અશોકના શાસનની યાદ અપાવ્યા કરતાં. તેઓ દલીલ કરતાં કે જાગૃતિપૂર્વક શક્તિને સંબોધીને એને મૂર્ત સ્વરૂપ આપીને જ હાલના ઓરિસ્સાને ઘેરી વળેલ હતાશા અને નિરાશાના ‘તમસ’ને દૂર કરી શકાશે. તેઓ આવેશભર્યા શબ્દોમાં કહે છે :
- માત્ર એક જ વિનંતી છે! “ઓરિયા” શબ્દ જ ભૂંસી દો! કાયમ માટે એને મનમાંથી કાઢી નાંખો! આપણે તો ભવ્ય કલિંગના લોકો છીએ! આપણે શા માટે હલકા ઓરિયા તરીકે ઓળખાવું જોઈએ? ઓરિયા નામને જ મહાનદીમાં વહાવી દો! કલિંગ અને એની મહાનતાને પુનર્જીવિત કરો! શા માટે કલિંગ આપણી સંપત્તિનો સ્રોત ન બને? જાહેરમાં ચળવળ ચલાવીને ઓરિસ્સાનું નામ જ બદલી નાંખો! સરકારી નોંધ અને દસ્તાવેજોમાંથી એને કાઢી નાંખો! એના બદલે કલિંગ લખો! કલિંગ-કેસરી, તરુણ-ઉત્કલ! તમારે શા માટે ‘ઓરિયા-કૂલી’ બની રહેવું જોઈએ? તમે કલિંગનું યૌવન છો, ભવ્ય અને પ્રદીપ્ત! તમે કલિંગના જંગલમાં સિંહબાળ છો!
(કુન્તલા કુમારી, ૧૯૬૯ : ૪૫૯)
એ જ ઉત્સાહથી તેઓ આગળ વધે છે :
- રાજપૂત મૃત્યુ પામ્યા છે, પણ એમનો ઇતિહાસ મરી પરવાર્યો નથી! એ માત્ર વૃદ્ધ થયો છે અને નબળો પડ્યો છે! એની કાળજીપૂર્વક સેવા કરો, જેથી કરીને એ ફરીથી ઊભો થાય! વધુ મોટા કલિંગનું સ્વપ્ન જુઓ – ગંજન, સિંઘભૂમ, મેદિનીપુર, કાંથી, ફૂલઘર, જયપુર, બસ્તર – અંતે તો એ સઘળું કલિંગ જ છે! બોર્નિયો, બાલી, જાવા, લંકાએ યુદ્ધનાં પડઘમ વગાડ્યાં હતા.
- કલિંગ, એનું સિંહ જેવું સૈન્ય તામ્રાપ્તિનાં
- વહાણો ભરીને આગળ વધે છે. પરાક્રમી યોદ્ધા!
- (એ જ લખાણમાંથી)}}
કુન્તલાનો બોધ કંઈ માત્ર મોહપાત્રાના ભાષાઝનૂન કે સર્વોત્તમ હોવાની ભાવના ખાતર નથી. અંગ્રેજ અને બંગાળી સંસ્થાનવાદના સમન્વયથી ઊભા થયેલા ભયની સામે ઓરિયા ચેતનાને જાળવવા, સંરક્ષવા અને આગળ ધપાવવા માટે એમની દખલગીરીને ઐતિહાસિક સંદર્ભમાં જોવી જોઈએ. ભલે ૧૯૩૬માં ઓરિસ્સાને રાજ્યનો દરજ્જો મળ્યો હોય, પણ તે છતાંય ઓરિયા બોલી બોલનારા સરાઈકલા, ખારાસુઆન, સિંઘભૂમ, મેદિનીપુર જેવા અમુક વિભાગો તો બંગાળ અને બિહારની સાથે લગભગ ભળી જ જવાના હતા. અને છેવટે એમ જ થયું. દિલ્હી જેવી અનુકૂળ જગ્યાએથી કુન્તલા સમગ્ર રાષ્ટ્રીય દેખાવ માપી શકતાં. પોતાના પ્રદેશના ઓરિયા લોકોની સાંસ્કૃતિક અને રાજકીય દુર્દશાથી જ્ઞાત હોવાને કારણે તેમણે સ્ત્રીઓની ચળવળમાં અને સ્વાતંત્ર્ય-સંગ્રામમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
- હે ભગીરથ, ઊઠ! ગંગાના પવિત્ર પાણી લાવ! કલિંગના રાજવીઓ, પધારો! પુરુષોત્તમ, કપિલેન્દ્ર, મુકુંદ, ખારવેલ, આ ધૂળની ડમરી જેવી નબળાઈ અને દરિદ્રપણાનો નાશ કરો! અમે ‘વિલાયતી’ ઝાંખરાં અને મેલેરિયાની હેઠળ દટાઈ ગયાં છીએ. દેવદૂત, માત્ર તમે જ આ કચરો દૂર કરી શકો છો - તમે! કલિંગની બહાદુર સ્ત્રીઓ! આ વિલાયતી ઝાંખરાંને માત્ર તમે જ ફગાવી દઈને કચડી નાંખી શકશો! (એ જ લખાણમાંથી)
- દિલ્હીથી ‘સહકાર’માં પ્રકાશિત થયેલા પત્રોમાં, કુન્તલા “બીરશ્રી” અને “બીરશ્રીમતી”ના નામ સાથે લખીને પૂરું કરે છે :
- હે ઉત્કલના લોકો! તમારે ઊઠવાનો સમય હવે આવી ગયો છે! હવે પછીથી તમે દુષ્કાળ, પૂર કે પ્રાણઘાતક ચેપી રોગોથી અધમૂઆ નહીં થાઓ! તમે એક વીર જાતિ છો! માટે વીર તરીકે ઓળખાશો! પુરુષો “બીરશ્રી” અને સ્ત્રીઓ “બીર શ્રીમતી” હોવાં જોઈએ!
– ઉત્કલથી તમારી બહેન
બીરશ્રીમતી કુન્તલા કુમારી દેવી
(કુન્તલા કુમારી, ૧૯૬૯ : ૪૯૬)
ઉત્કલની ભૂમિને માત્ર શક્તિ કે સામર્થ્ય જ બચાવી શકશે એ વિચાર, સ્ત્રીઓ જ શક્તિને મૂર્ત સ્વરૂપ આપીને ઉત્તમ અસર આણી શકશે અને એમ કરીને તેઓ જાતિની સમાનતા, સામાજિક નવનિર્માણ લાવી શકશે અને આમ દેશને બંધનમાંથી મુક્તિ અપાવવામાં ઉત્કલ મહત્ત્વની ભૂમિકા ભજવશે – ઓરિસ્સાની ઘણી મહત્ત્વપૂર્ણ સ્ત્રીઓનાં લખાણમાં આ પ્રકારનો સૂર સંભળાય છે; જેમ કે સરલાદેવી, રમાદેવી, માલતી ચૌધરી; પછી ભલે તેઓના આદર્શવાદ કે આલંકારિક શૈલીમાં ફરક હોય. સરલાદેવીમાં તો આ પ્રકારનો સૂર સ્પષ્ટ સંભળાય છે. એમણે બીરરમણી અને બિશ્વબિપ્લબિનીના શીર્ષકવાળી બે જીવનકથાઓ લખી છે. આ કથાઓનો સ્પષ્ટ હેતુ ઓરિયા સ્ત્રીઓને વીરત્વસભર અનુકરણીય નમૂના પૂરા પાડવાનો જ હતો. એમની અન્ય કૃતિઓ – ધ રાઈટ્સ ઑફ વિમેન અને ધ ઇકોનૉમિક ઇન્ડિપેન્ડન્સ ઑફ વિમેન દ્વારા રાજકીય અને આર્થિક સ્વાતંત્ર્ય સિદ્ધ કરવા માટેનાં સૂચન છે, કારણ કે એ સિવાય સ્ત્રી-વીરત્વ માત્ર એક ઠાલો નારો જ બની રહે છે. ૧૯૩૧માં સરલાએ જેલમાંથી જે પત્ર લખ્યો હતો, એ માત્ર એના રાજકીય જીવન પૂરતો જ નહોતો, પણ ઓરિસ્સાના જગતસિંઘપુરમાં રહેતા એનાં પુત્ર અને પરિવારજનો વિશે પણ હતો. એમના જેવી સ્ત્રીઓ જ્યારે સ્ત્રીઓને લગતા મુદ્દા, રાજકારણ અને સ્વાતંત્ર્ય-સંગ્રામમાં ભાગ લે ત્યારે શક્તિમાં હિંમત અને ધૈર્ય ઉમેરાતાં હોય છે. આ સંદર્ભે, ઓરિયા સ્ત્રીઓનાં જીવનકથન અને કામને અન્ય સ્થળોની સ્ત્રીઓ સાથે સરખાવી શકાય – જેમ કે પંડિતા રમાબાઈ (૧૮૫૬-૧૯૨૨), બિનોદિની દાસી (૧૮૬૩-૧૯૪૧) અને લલિતામ્બિકા અન્થેરાજનમ્ (૧૯૦૯-૧૯૮૭). આમ જાહેર જીવનની સ્ત્રીઓ માટે શક્તિ અથવા સ્ત્રીસામર્થ્યનું સમર્થન કરવું, એ મોટા ભાગે આનંદનું કામ હતું, જોકે ઘણી સ્ત્રીઓ માટે એ અનિવાર્યપણે એક બોજ પણ હતો - શક્તિનો બોજ !
Works Cited
Nityananda Satpathy (ed.), Bidyutprabha Cranthabali, 1983, Part I, Cuttack: Friends’ Publishers.
Kelley, Mary, 1984. Private Woman, Public Stage, Literary Domesticity in 19th Century America, New York: OUP.
Kishwar, Madhu, 1997. “Women, Sex and Marriage: Re-straint as a Feminist Strategy”, Manushi, No. 99.
Mohapatra, Chakradhar, 1972. Kuntala Kumari, Jiban Charita, Cuttack: Graniha Mandir.
Panda, Radhacharan, 1938, Narikabi Annapuma Devi.
Sabat, Kuntala Kumari, 1969. Kuntala Kumari Granthamala, Vol.1 and II: Cuttack Studentsક્ક Store.
Sri Aurobindo, 1928. The Mother, Pondicherry: Sri Auro-bindo Ashram, rpt. 2001.
Tharu Susie, Lalita K., 1991. Women Writing in India: 600 BC to the Present, New Delhi: OUP.
- ↑ આજથી પહેલાં આ પેપરની પ્રથમ રજૂઆત ૨૪-૨૫ ફેબ્રુઆરી, ર૨૦૦૪
ના દિવસોમાં, વિમેન્સ સ્ટડીઝ ઍન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર, યુનિવર્સિટી ઑફ દિલ્હીમાં, "વિમેન ઍન્ડ કલ્ચરલાઅઈકોન્સ" માટેના નૅશનલ સેમિનારમાં કરવામાં આવી હતી.
એ સેન્ટરના પ્રોફેસર માલાશ્રી લાલ અને એમની ટીમ દ્વારા મળેલા ટેકાની હું આભારપૂર્વ્ક નોંધ લઉં છું.