પરમ સમીપે/૬૯
કોઈ વાર એમ થાય, ભગવાન
કે ખરેખર શું તમે હશો?
અમારી પ્રાર્થના સાંભળતા હશો?
આ અનંત બ્રહ્માંડની રમણા પાછળ
ખરેખર શું તમારી ચિન્મયી સત્તા કામ કરતી હશે?
કારણ કે,
દુનિયામાં એવું તો કેટકેટલું છે
જે અત્યંત ભયંકર, અત્યંત કુરૂપ છે
હિંસા અને ક્રૂરતા, અનીતિ અને ભ્રષ્ટાચાર
સ્વાર્થ અને શોષણથી
આખુંયે વાતાવરણ કહોવાઈ રહ્યું છે
ઘાતક શસ્ત્રોના નિષ્ઠુર ખડકલા આગળ
માનવીના કોમળ જીવનનું કાંઈ મૂલ્ય રહ્યું નથી.
ભગવાન હોય, તો આટલી અભદ્રતા કેમ?
— એવી એક ચીસ ઊઠે છે.
આ બધું શું તમારું જ સર્જન છે?
તમે આવા નિષ્ઠુર છો, પ્રભુ?
કે આ બધું અમારું સર્જન છે?
અમારી લાલસા અને મિથ્યાભિમાન
મત, આગ્રહ અને વિચારો
અમારો ભય અને અમારું અહં
અમારી મહત્ત્વાકાંક્ષા, સત્તામોહ
સાચીખોટી તરકીબો રચતું મન
અમારી મૂર્ખતા, ટૂંકી દૃષ્ટિ અને આત્મકેન્દ્રી વલણ
આ બધું લઈને અમે દુનિયામાં ચાલ્યાં છીએ
બીજાઓની પરવા કર્યા વિના અમારો લાભ શોધ્યો છે
લોકો ભૂખે મરતા હોય ત્યારે અમે ઠાંસી ઠાંસીને મીઠાઈ
જમ્યા છીએ
અમારા બાંધવોનાં હૃદય છાની આગમાં શેકાતાં હોય
ત્યારે અમે નિરાંતની ઊંઘ ઊંઘતાં રહ્યાં છીએ
બીજાઓ સમાજમાં કેટલી અશાંતિ ફેલાવે છે
તેની વાતો કરી છે,
પણ અમારા વ્યવહારથી અમે આજુબાજુ કેટલી
અશાંતિ ફેલાવીએ છીએ, તે ક્યારેય જોયું નથી.
દુનિયામાં દેખાતી નિષ્ઠુરતા, તે એક એક વ્યક્તિની
એક એક નિષ્ઠુરતાનો જ સરવાળો છે.
જેને લઈને અમે તમને દોષ દઈએ છીએ
તે તો અમારો જ ગુનો છે.
અમે દુનિયાને બદલાવના પ્રયત્નો કરીએ
સમૂળી ક્રાન્તિના સિદ્ધાંતો રચીએ
એને બદલે અમે દરેક જણ જો થોડાક વધુ સારા થઈએ,
થોડાક ઓછા સ્વાર્થી થઈએ,
બીજાઓનો થોડોક વધુ ખ્યાલ કરીએ,
તો દુનિયાનાં રૂપરંગ બદલાઈ ન જાય, ભગવાન?