પરમ સમીપે/૭૦
અંધારું ધોવાઈ ગયું છે, તેજભર્યું પ્રભાત ઊગ્યું છે.
રોજરોજ મનનો અંધકાર ધોઈ નાખવા માટેનો,
નવા ઉત્સાહથી મનને તેજસ્વી બનાવવા માટેનો
આ તારો સંદેશ છે.
આ સંદેશ ઝીલી, મારો આજનો દિવસ
તારાથી શરૂ થાય, તારામાં સંચરે અને તારામાં લય પામે,
આજે હું સંસારની ભૂમિ પર પગ મૂકું
ત્યારે જ્યાં જ્યાં તારું સત્ય ને સૌંદર્ય પ્રગટ થતાં હોય
તે જોઈ શકવા જેટલી મારી દૃષ્ટિ શુદ્ધ રહે,
મારું આચરણ એવું હોય કે બીજાઓને સાચા થઈને રહેવાનું
સરળ બને
મારી વાતો એવી હોય કે તેમની જીવનની શ્રદ્ધા બળવત્તર બને,
તેમની ઉદાસી, હતાશા, ફરિયાદ કે અસંતોષની આગને
હું ફૂંક ન મારું,
પણ એક મહત્ ચેતનામાં પ્રવેશતાં એ બધાંનું સ્વરૂપ
કેવું બદલાઈ જાય છે, તે હું મારા જીવન દ્વારા વ્યક્ત કરું,
કોઈ સુંદર કામ કરે તેની પ્રશંસા કરું
કોઈ નાની અમથી પણ સહાય કરે તો કૃતજ્ઞ થાઉં
આજે જેને પણ મળું, તે મારી આત્મીયતાથી
પોતાની અંદર હૂંફ અનુભવે ને આશ્વસ્ત થાય
હસીને, હળવાશ અનુભવીને જાય,
જીવનની કઠોરતા ને કુરૂપતા ગમે તેવી હોય,
તેમાં પણ તમારી સુંદરતા ને કરુણા કોઈક રૂપે
વ્યક્ત થયા જ કરે છે, તેની તેમને પ્રતીતિ થાય,
જેની સાથે કામ પડે, તે અમારામાં તારું પ્રતિબિંબ જુએ
અને તેનામાં અમે તારું પ્રતિબિંબ જોઈએ,
દિવસ દરમ્યાન મળેલા આનંદોની અમે કદર કરીએ
અને એ આનંદમાં તારા નામનો ઝંકાર સાંભળીએ,
અમે તને ચાહીએ છીએ તે બતાવી આપે
તેવું કોઈક કામ અમારા હાથે થાય,
બહારના જીવનની ઘટમાળમાં
તું સાવ નજીક જ છે, અમારી અંદર જ છે - તે ભૂલીએ નહિ,
આજના દિવસે અમે એટલા પ્રસન્ન રહીએ
કે જે કોઈ અમને મળે તે પ્રસન્ન થાય,
અમે એવી રીતે દિવસ પસાર કરીએ કે સાંજ પડ્યે તું
પ્રેમાળ સ્મિત કરીને કહે : “મારા તને આશીર્વાદ છે, વત્સ!”