પરમ સમીપે/૭૧
મારા આ શોકના દિવસોમાં
શાંતિ માટે, હું તારા સિવાય બીજા કોની પાસે જાઉં?
મારા હૃદયની ઊંડામાં ઊંડી લાગણીઓને
તારા સિવાય બીજું કોણ ઓળખે છે?
મારાં સ્વજનો ને મિત્રો ભલા છે
પણ તેઓ મારા શોકમાં ભાગીદાર બની શકે એમ નથી.
કયા શબ્દોમાં તને પ્રાર્થના કરવી એ મને સૂઝતું નથી
પણ તું મારી વ્યથા જાણે છે.
મારી સાથે કોઈ બોલનાર હોય કે ન હોય
પણ હું તારી સાથે તો વાત કરી શકું.
તને સમયની કાંઈ કમી નથી
તું નિરાંતે મારી વાત સાંભળશે એની હું ખાતરી રાખી શકું.
બીજું કોઈ મને ચાહે કે ન ચાહે
તું તો મને ચાહે જ છે.
મને હિંમત આપ, ભગવાન
શોકની આ ગલીમાંથી પસાર કરી મને
જિંદગીના સામર્થ્ય અને સભરતા ભણી લઈ જા.
મારે માટે તેં જે નિર્માણ કર્યું હોય, તે આનંદથી સ્વીકારી શકું
એવા સમર્પણભાવમાં મને લઈ જા.
મારી પીડાઓને વાગોળવામાંથી,
મારી જાતની દયા ખાવામાંથી મને બહાર કાઢ.
હું મારા દુઃખમાં રાચવા લાગું
અને તું પ્રકાશની બારી ઉઘાડે તે ભણી નજર ન નાખું —
એવું બને તે પહેલાં
મારા હૃદયના સરોવરમાં તારી મધુર શાંતિનું પદ્મ ખીલવ,
મારી જાતના બંધનમાંથી મને મુક્ત કર!