પરમ સમીપે/૭૭
અમારી પાસે સોનુંરૂપું ને ઝવેરાત હોય
અમારો રથ સફળતાને માર્ગે રોજેરોજ આગળ જતો હોય
તેનો અર્થ એમ કરવો કે તારી અમારા પર કૃપા છે,
તે કાંઈ પૂરતું નથી.
સંસારના વ્યવહારમાં રહીને જો
મન સ્વચ્છ સરળ નિષ્કપટ રહે તો તે પણ તારી કૃપા છે.
કઠિનાઈઓમાં હૃદય આર્દ્ર રહે તે પણ તારી કૃપા છે.
નિઃસ્વાર્થપણે કોઈ સત્કૃત્ય કરવાની તક મળે, તે પણ તારી કૃપા છે.
મનમાં ઊંચા વિચારો ઊગે
મૂગાં પ્રાણીઓ અને મૂક વનસ્પતિ-સૃષ્ટિ માટે
હૃદયમાં સહજ કરુણાભાવ, પ્રેમભાવ રહે તે તારી કૃપા છે.
રસ્તે જતાં કોઈના તરફથી માયાળુ સ્મિત મળે
ખભા પર એક મૃદુ આશ્વાસનભર્યો સ્પર્શ મળે
અમારી વાતને ધ્યાનથી, સમજણથી સાંભળતા કર્ણ મળે
અમને ઉદાર વિશ્વાસુ સૂક્ષ્મદૃષ્ટિવાળું મન મળે તે પણ તારી કૃપા છે.
શાંત ચિત્તે અમે તારી પ્રાર્થના કરીએ ત્યારે
અમારા હૃદયનાં નાનાં નાનાં શલ્યો, ભાર ને ચિંતા
તું ઊંચકી લે છે, એ તારી કેવડી મોટી કૃપા છે, પરમ પિતા!