પરમ સમીપે/૭૮
ભગવાન,
આજે હું એક ભોજન-સમારંભમાં ગયો હતો
ત્યાં થાળીમાં સજાવાયેલા ખાદ્યપદાર્થો જોઈને
હું આભો બની ગયો.
ગણી ન શકાય એટલી બધી વાનીઓ હતી
રસભર ને સ્વાદિષ્ટ હતી
આગ્રહ કરી કરીને પીરસાતું હતું
સોગંદ દઈને મોઢામાં મુકાતું હતું.
બધાં આનંદથી જમતાં હતાં
હું પણ જમ્યો
ઠાંસીઠાંસીને જમ્યો
ભૂખ હતી તેથી ઘણું વધારે જમ્યો
તબિયત બગડે એટલું જમ્યો
થાળીમાં ઘણું પડતું મૂક્યું.
જમવાના એ આનંદમાં,
ભોજન તો શરીર ટકાવવા અર્થે છે, એ વીસરી ગયો,
વીસરી ગયો પેલા વૃદ્ધને
જેને સવારે ઉકરડામાંથી કાગળિયાં વીણતો જોયો હતો,
વીસરી ગયો સવારે વાંચેલા સમાચાર, કે
ભૂખનું દુઃખ ન સહેવાતાં, એક સ્ત્રીએ
ચાર બાળકો સાથે કૂવે ઝંપલાવ્યું હતું.
વીસરી ગયો એ હજારો — લાખો લોકોને
જેઓ ભૂખથી તરફડે છે
શરીરને પંગુ કરી નાખતી ખેસરી દાળ ખાય છે.
પણ અત્યારે હવે મારો અંતરાત્મા મને ડંખે છે.
તમારી ભક્તિ કરતાં મેં કહ્યું હતું.
હું એવું કોઈ કામ નહિ કરું જેથી તમે નારાજ થાઓ.
પણ ચોક્કસ, મારા આ કૃત્યથી તમે રાજી નહિ જ થયા હો.
હવેથી, ગરમાગરમ સુગંધી વાનગીઓથી ભરચક થાળ અને
રંગીન પીણાંના ખણખણાટ વચ્ચે હોઈશ,
ત્યારે મને હંમેશાં યાદ રહેશે મારાં ભૂખ્યાં વલવલતાં બાંધવો,
હું જરૂર પૂરતું જ ખાઈશ
દુનિયાના લાખો — કરોડો ભૂખ્યા જનોને હું અન્ન તો પૂરું
પાડી ન શકું
પણ હું તેમના માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરીશ
ક્યારેક ક્યારેક મારું જમવાનું જતું કરી,
તેમનામાંના કોઈને જમાડીશ.
લાગણીને નામે, સામાજિક વ્યવહારને નામે
બીજાઓને આગ્રહ કરીકરીને ખવડાવવાની
કસમયે ખવડાવવાની
વેળા-કવેળાએ ચા પિવડાવવાની
‘થોડુંક વધારે લો ને!’નું પ્રેમભર્યું દબાણ કરવાની
અમારી નુકસાનકારક મૂર્ખ પ્રથાને તિલાંજલિ આપીશ.
મારી આ સંવેદનશીલતા ક્યારેય બુઠ્ઠી ન થઈ જાય,
એટલી મારા પર કૃપા કરજો, ભગવાન!