પરમ સમીપે/૭૯
વાતો કરવી સહેલી છે, વર્તનમાં ઉતારવું અઘરું છે
દુનિયાને પ્રેમ કરવાનું સહેલું છે, પડોશીને ચાહવાનું અઘરું છે
વિશ્વશાંતિ માટે સરઘસો કાઢવાનું, ભાષણો કરવાનું સહેલું છે
ઘરનાં સભ્યો સાથે સુમેળથી રહેવાનું અઘરું છે.
સમાનતા અને ભ્રાતૃભાવનો ઝંડો ફરકાવવાનું સહેલું છે
ઘરના નોકરોને ભાઈ માની સંમાનપૂર્વક પડખે બેસાડવાનું અઘરું છે
તકલીફમાં કટુ થઈ જવાનું સહેલું છે, સૌંદર્ય જોઈ શકવાનું અઘરું છે.
બીજાઓએ શું કરવું જોઈએ, તે કહેવાનું સહેલું છે
અમારે જે કરવું જોઈએ, તે કરવાનું અઘરું છે
ઇચ્છાઓ પૂરી થાય ને ધારણા કરતાં ઘણું વધારે મળે
ત્યારે તારો આભાર માનવાનું સહેલું છે
ઇચ્છા-આશા તૂટી પડે ને ધારેલું બધું ધૂળમાં મળે
ત્યારે એમાં તારો પ્રેમ જોવાનું અઘરું છે.
પરમાત્મા,
અમને એ દષ્ટિ આપો કે અમે સહેલા ને અઘરા
વચ્ચેનો ભેદ પારખી શકીએ.
અમને એ શક્તિ આપો કે અમે અઘરી વાટે
ચાલી શકીએ.