પરમ સમીપે/૮૦
દુઃખના આંકડા અમને ચારે બાજુથી ભીડી વળે
કેમે કરતાં મુશ્કેલી ને પીડાનો પાર જ ન આવે,
ત્યારે અમે બોલી ઊઠીએ છીએ : આ તે અમારાં કયાં કર્મ?
આ જન્મે તો મેં કોઈ પાપ નથી કર્યું,
કોઈનું બૂરું નથી ચિંતવ્યું
મને શા સારુ આટલી બધી સજા મળવી જોઈએ?
સાચે જ ભગવન્,
આવું અમે કહીએ છીએ તેનો અર્થ એટલો જ કે
અમે શું કરી રહ્યાં છીએ તેનું અમને ભાન નથી.
અમે શું ખરેખર કાંઈ ખરાબ નથી કર્યું?
પળેપળ અમે સન્માર્ગે જ ચાલ્યા છીએ?
અમારા હૃદયના ભાવ હંમેશાં નિર્મળ ને પવિત્ર રહ્યા છે?
કટુ શબ્દો ને તોછડા વ્યવહારથી બીજાઓને દુઃખ નથી પહોંચાડ્યું?
ક્રોધ, ચીડ, કઠોર ટીકાથી કોઈના મનની શાંતિ વીંખી નથી નાખી?
સત્તાના જોરમાં બીજાઓને વાટ જોતા બારણે ઊભા રાખ્યા નથી?
તેમને તુચ્છકાર્યા નથી? તેમના પર હુકમ ચલાવ્યો નથી?
અમે યાંત્રિક, નિર્જીવ, સ્વાર્થી બનીને જીવ્યાં છીએ
બીજાની આંખોની વેદના જોવાનો અમને સમય મળ્યો નથી
તેમના હૃદયની વ્યથા સાંભળવાની વેળા મળી નથી
કદાચ તકલીફ જાણી હોય તો તે ન-જોઈ કરી છે,
મદદ ન કરવા માટે જાત સાથે બહાનાં કાઢ્યાં છે.
પ્રેમ ને અનુકંપાથી અમે કોઈનાં આંસુ લૂછ્યાં નથી
તનથી, ધનથી કે મનથી ઘસાયાં નથી
પોતાનાં ને પારકાં વચ્ચે હંમેશાં ભેદ કર્યા છે
ધનપ્રતિષ્ઠાને માન આપ્યું છે અને અકિંચનોને અવગણ્યા છે
માણસનો માણસ તરીકે આદર કર્યો નથી.
કયાં મોંએ અમે કહીએ અમે કોઈ દિવસ કાંઈ બૂરું કર્યું નથી?
દુષ્કૃત્યો કરવાં તે અપરાધ છે,
તો સત્કૃત્યો ન કરવાં તેયે અપરાધ જ છે.
મુશ્કેલીમાં આવી પડતાં અમે આક્રંદ કરીએ છીએ
સવાલો પૂછીએ છીએ
વ્યાકુળતાથી તને પોકારીએ છીએ,
પણ અમે અમારે માટે થોડુંક ઓછું, અને
બીજાઓ માટે થોડુંક વધારે જીવ્યા હોત,
મુશ્કેલી નહોતી ત્યારે પણ અમે પ્રેમથી તારું નામ લીધું હોત
તો કદાચ,
સંકટો આવે ત્યારે અમને શ્રદ્ધા રહી હોત
મુશ્કેલીઓ આટલી આકરી ન લાગી હોત
અમારા બંધ કારાગારમાં પણ તારી મલય-હવા વહી હોત.