પરમ સમીપે/૮૧
એમ કહેવાયું છે કે :
જે પોતાને ને પોતાનાં પત્ની-બાળકોને જ ચાહે છે તે શૂદ્ર છે
જે પોતાના બૃહદ પરિવાર અને સમાજને ચાહે છે તે વૈશ્ય છે
જે પોતાના સમગ્ર દેશ અને દેશબાંધવોને ચાહે છે તે ક્ષત્રિય છે
જે આખીયે માનવજાતને ચાહે છે તે બ્રાહ્મણ છે.
અમે તો ભગવાન,
સાવ નીચેના પગથિયે બેઠાં છીએ
અમે અમારે માટે જ કમાઈએ છીએ,
અમારે માટે ખાઈએ છીએ, ને
અમારે માટે સાચવી રાખીએ છીએ;
અને આમાં જ અમારા દિવસો મહિનાઓ વર્ષો
આખું આયુષ્ય વીતી જાય છે.
અમારે માટે, ફક્ત અમારે માટે અમે ખર્ચીએ છીએ
અમારી જાત
અને કોઈના માટે ક્યારેક કંઈક કરવાનો પ્રસંગ આવે
તો કહીએ છીએ :
અરે, મને વખત ક્યાં છે?
ક્યાં છે આંટાફેરા ખાવાની શક્તિ?
મારી પાસે એટલા પૈસા ક્યાં છે?
બીજાને મદદ કરવાને અમે સમર્થ નથી એમ અમે કહીએ છીએ
કારણકે બીજાને મદદ કરવાની અમારી વૃત્તિ નથી હોતી.
અને પછી ભગવાન,
ભલેને અમે તારી ગમે તેટલી ભક્તિ કરીએ
તું અમારા પર કેવી રીતે પ્રસન્ન થાય?
વહાલા ભગવાન,
અમને એ શાણપણ આપ કે અમે સમજી શકીએ
કે દરેક સુંદર ઊંચી બાબતને પામવાની શરૂઆત ઘરથી જ થાય છે,
કે નીચેના પગથિયેથી ઉપર ચડવાની અમે
શરૂઆત કરીશું, તો જ કોઈક દિવસ અમે
આખી વસુધાને કુટુંબ માનવાની વિશાળતા પામી શકીશું,
કે અમે અમારાપણાની સીમાઓ અતિક્રમીશું
તો જ તારી અસીમતા ભણી આરોહણ કરી શકીશું