પરમ સમીપે/૯૨
એક નાનકડા કુટુંબને મારી સંભાળમાં મૂકી
મારામાં તેં વિશ્વાસ પ્રગટ કર્યો છે, પ્રભુ!
એ માટે હું તારો આભાર માનું છું.
એ વિશ્વાસને હું ઊજળો રાખી શકું
એવા મને આશીર્વાદ આપ.
અને મને હૃદયની એ મોટપ આપ, પ્રભુ!
કે આ નાનકડા ઘરને હું કિલ્લોલતું રાખું,
મારી કોઈ જિદ્દ હઠાગ્રહ કે સ્વભાવની ઊણપથી
ઘરનાં શાંતિ અને આનંદ ખંડિત ન કરું
ઘરનાં લોકોને પ્રસન્ન રાખવાની મારી જવાબદારી નિભાવી શકું.
અને પ્રેમની એવી શક્તિ આપ, પ્રભુ!
કે એક એવા ઘરનું હું સર્જન કરું —
જ્યાં કોઈને કોઈનો બોજ કે દબાણ ન હોય
જ્યાં ફૂલની જેમ સૌ ખીલે અને સંગીતની જેમ સંવાદી રહે
જ્યાં સહુને મુક્ત અભિવ્યક્તિનો અવકાશ હોય
જ્યાં સ્વતંત્રતા અને જવાબદારી વચ્ચેની સમતુલા જળવાતી હોય
જ્યાં સહુને એકબીજાનો આધાર અને હૂંફ હોય
જ્યાં નાનાં બાળકોથી માંડી પરિચારકો સુધી,
સહુના વ્યક્તિત્વનું સંમાન થતું હોય
જ્યાં શ્રીમંતમાં શ્રીમંત અને અકિંચનમાં અકિંચન મહેમાનનો
સમાનભાવે સત્કાર કરાતો હોય.
અને પરમાત્મા, અમને એવી સરળતા આપ
કે અમે જીવનના નિર્દોષ સાત્ત્વિક આનંદો સાથે માણી શકીએ :
ખુલ્લી હવાનો આનંદ, સમી સાંજના આકાશનો આનંદ
તારાઓ નીરખવાનો અને ચાંદની રાતે ગીતો ગાવાનો આનંદ
ફૂલોને, વૃક્ષોને, પ્રાણીઓને, પુસ્તકોને ચાહવાનો આનંદ
બીજાને સુખી કરવાનો આનંદ
ઉત્તમ રીતે પ્રગટ થવાનો આનંદ
કામકાજની વચ્ચેથી હંમેશાં સમય કાઢી લઈ,
સાથે પ્રાર્થના કરવાનો આનંદ.
મેં કેટલું ભવ્ય ને આલીશાન કે કલાત્મક ઘર બાંધ્યું
અને કેટલી મિલકત એકઠી કરી — તે નહિ.
પણ આ ઘર કેટલાને વિસામારૂપ બન્યું,
કેટલાને એની હવામાં આશ્વાસન, ટાઢક, આત્મીયતાની હૂંફ મળ્યાં —
તે મારી સાર્થકતા હોય!
મારાં સંતાનોને હું ધન કે વસ્તુ-સંગ્રહનો નહિ
પણ ક્રિયાત્મક મનુષ્ય-પ્રેમ અને ઊંડા પરમાત્મ-પ્રેમનો વારસો આપું,
અને જીવનના એક વળાંકે
તેમને પાંખો આવે અને પોતાનો માળો વસાવવા તેઓ ઊડી જાય
ત્યારે આધાર અને આસક્તિનાં જાળાં વિખેરી નાખી
ઘરની એકલતાને
તારી શાંત પ્રસન્નતાથી સભર ભરી દઉં.
[ગૃહસ્થની પ્રાર્થના]