પરમ સમીપે/૯૩
પ્રભુ, મને એક એવો પુત્ર આપો, જે
પોતાની દુર્બળતાને જાણે એટલો બળવાળો હોય
અને ભયભીત થાય ત્યારે પોતાનો સામનો કરી શકે
એટલો પરાક્રમી હોય!
સાચી હારમાં એ ગૌરવ અનુભવે અને સ્થિરચિત્ત બની રહે
વિજયમાં એ વિનમ્ર અને સુશીલ બને.
પ્રભુ, મારા પુત્રને એવો બનાવજો કે
જ્યારે એના સામર્થ્યની જરૂર હોય ત્યારે એ સ્વાર્થ ન સાધે;
મારો પુત્ર તમને જાણે, અને એને એ વાતની પ્રતીતિ
થાય કે, પૂર્ણજ્ઞાન સુધી લઈ જતી સીડીનું પહેલું સોપાન
તે પોતાની જાતનું જ્ઞાન છે.
હે ભગવાન, આરામ અને અનુકૂળતાનાં ફૂલો
પથરાયાં હોય, એવા રસ્તે એને ન મોકલતા,
એને પડકાર, સંઘર્ષ અને
કઠિનાઈના કંટકોવાળા રસ્તે ચાલતાં શીખવજો.
એ રસ્તા પર આંધી ને તોફાન આવે
ત્યારે એ સ્થિર રહેતાં શીખે, અને
આ વાવાઝોડાંમાં જેઓ ધરાશાયી બન્યાં હોય
એમના પ્રત્યે એની કરુણાનો સ્રોત વહે.
મારા પુત્રનું હૃદય સ્વચ્છ અને નિર્મળ હજો, પ્રભુ!
અને એનો ઉદ્દેશ મહાન હોજો.
બીજાઓ પર પ્રભુત્વ મેળવવાની આકાંક્ષા જાગે
એ પહેલાં એ પોતાના પર કાબૂ મેળવે.
એ દિલ ખોલીને હસતાં શીખે
અને એની આંખો ક્યારેક આંસુથી સજળ પણ બને,
એની દૃષ્ટિ ભવિષ્યની ઝાંખી કરી શકે
ને વીતેલા સમયને પણ જોઈ શકે.
મારી અંતિમ પ્રાર્થના એ છે, ઈશ્વર!
કે એને થોડી વિનોદવૃત્તિ પણ આપજો
જેથી એ હંમેશ ગંભીર બની રહી, પોતાની જાત તરફ
અનુદાર ન બને;
એને વિવેકી બનાવજો
જેથી એ સાચી મહત્તાની સરળતાને,
બુદ્ધિમત્તાના ઔદાર્યને જાણી શકે.
આમ જો બનશે, તો મારી વાણી
કૃતજ્ઞ થઈ ધીમા સ્વરે કહેશે :
“મારું જીવન એળે નથી ગયું.”
અજ્ઞાત
[પિતાની પ્રાર્થના]