zoom in zoom out toggle zoom 

< પરોઢ થતાં પહેલાં

પરોઢ થતાં પહેલાં/૧૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦

‘સાધ્વીજી સરસ વ્યક્તિ છે, દીદી?’ કુમારે પૂછ્યું.

સુનંદાએ હકારમાં માથું હલાવ્યું.

‘મનેય એમ લાગેલું, જોકે મેં પોતે કદી એમની સાથે વાત કરી નથી. માત્ર રસ્તામાં ત્રણચાર વખત જોયેલાં. લોકો પાસેથી સાંભળેલું કે બીજા જૈન સાધુઓ કહે તેના કરતાં તે સાવ જુદી જ વાતો વ્યાખ્યાનમાં કહે છે. પહેલાં તેમની તબિયત સારી હતી ત્યારે તો ઘણી વાર તે વ્યાખ્યાન પણ આપતાં. કોઈ કોઈ વાર બહાર પણ નીકળતાં. જોતાંવેંત એકદમ ધ્યાન ખેંચાય, નહિ દીદી? મને તો એમને જોઈને તરત સત્યભાઈ યાદ આવેલા.’

સુનંદા અન્યમનસ્કભાવે કોઈક મેડિકલ જર્નલનાં પાનાં ઉથલાવતી હતી, તે અટકી ગઈ. તેણે કુમાર સામે જોયું : ‘કેમ, બન્નેના ચહેરામાં કાંઈ સરખાપણું છે?’

‘ના દીદી, હું મોંની વાત નથી કરતો. પણ જોઈએ કે તરત એમ થાય, આ લોકો કંઈક જુદાં છે. જાણે એમની અંદર કોઈક અજવાળું છે.’

‘સાધ્વીજીને જોઈને એમ લાગે, તે આ પૃથ્વીનાં વાસી નથી.’ સુનંદા બોલી.

‘મને પણ એ ધીરગંભીર આકાશ જેવાં લાગેલાં. વાત્સલ્યમય, પણ બહુ ઊંચાં, વિશાળ, દૂર.’

સત્યભાઈ શું એવા જ છે? — સુનંદાને મનમાં પ્રશ્ન થયો, પણ તેણે પૂછ્યું નહિ.

પણ કુમારને તેના પ્રશ્નની રાહ નહોતી. તે જ બોલ્યો : ‘એમ જુઓ તો જરાયે સામ્ય ન લાગે. અંજનાશ્રી તો કેટલાં મોટાં! તેમને દૂરથી પ્રણામ કરી શકાય. તેમની નજીક ન જવાય! સત્યભાઈ તો કોઈના પણ મિત્ર બની જાય. અંજનાશ્રી જૈન સાધ્વી. સત્યભાઈ કોઈ ધર્મ કે સંપ્રદાય સ્વીકારે નહિ. અંજનાશ્રી બહુ આઘાં લાગે. સત્યભાઈ તો સાવ આપણા પોતાના આત્મીય બંધુ. લલિતાબહેનનું થયું ત્યારે હું અઢારેક વર્ષનો હોઈશ. અને એ તો ઘણા મોટા, તમારા કરતાંયે બેત્રણ વર્ષે મોટા હશે. પણ શરૂથી જ મારી સાથે સાવ મિત્રની જેમ જ વર્તે.’

‘તું તારા સત્યભાઈનાં બહુ વખાણ કરે છે, કુમાર!’

‘પણ તે વખાણ કરવા જેવા જ માણસ છે, દીદી! તમને કેવી રીતે સમજાવું? તે બધાથી એટલા જુદા છે! આપણી જ વાત કરું, દીદી! તમે પણ સારાપણામાં કોઈથી ઊતરો નહિ. પણ તમે તમારા વિશ્વાસથી આખી દુનિયાને રસીદો છો. અને પછી દીપચંદને શિવશંકર જેવા લોકો પર પણ તમને અવિશ્વાસ આવે નહિ. હું દુનિયાને જેવી છે તેવી જોઉં છું, પણ તેથી મને ગુસ્સો ચઢે છે, હતાશા છે, તિરસ્કાર આવે છે. મારામાં ને સત્યભાઈમાં એટલો ફેર છે કે એ પણ દુનિયાને જેવી છે તેવી જોઈ શકે છે, પણ તેથી તે ક્ષુબ્ધ થતા નથી. એમના અંતરના મૂળને ક્યાંક ચિર આનંદના ઝરણાનો જાણે સ્પર્શ થઈ ગયો છે, તેથી તે નિષ્ઠુર થયા વગર આનંદમાં રહી શકે છે. તે સમર્થ છે, પણ કઠોર નથી; અને સ્નિગ્ધ છે પણ દુર્બળ નથી. છતાં બીજાનાં તુચ્છ દુઃખોનો પણ તે કદી અનાદર કરતા નથી.’

‘તું તો એવી રીતે વાત કરે છે કુમા૨, જાણે તારા સત્યભાઈ દેવપુરુષ હોય!’ સુનંદા હસી.

‘દેવપુરુષ કરતાં વધારે સારા, દીદી! દેવો તો સંચિત પુણ્યોનું ફળ ભોગવતા, સ્વર્ગની નિષ્ક્રિય સુખશય્યામાં પોઢી રહે છે. તેઓ કશું ખોટું નથી કરતા તે વાત સાચી, પણ તેઓ કશું વિધાયક પણ કરી શકતા નથી : સત્યભાઈ તો સક્રિય રીતે જીવે છે, બીજાનું કલ્યાણ કરે છે.’

સુનંદા એ મેડિકલ જર્નલમાં ફરી આંખ પરોવી દીધી. ઠીક, સત્ય નામનો કોઈ માણસ બહુ જ સારો છે. કુમાર જેવો જુવાન, જેણે ગામના બીજા કોઈ પણ માણસની ભાગ્યે જ પ્રશંસા કરી છે, તે સત્યની વાત આવતાં એકદમ ઉત્તેજિત થઈને પ્રશંસાની ઝડી વરસાવી રહે છે. તો ભલે, એમાં પોતાને શું?

કુમા૨ને થયું, કશીક ભૂલ થઈ. કદાચ ત્રીજી વ્યક્તિનાં આટલાં બધાં વખાણ દીદીને ન રૂચ્યાં હોય.

સુનંદા જરાસરખી નારાજ થાય તે કુમારથી સહેવાતું નહિ. તે નમ્ર સ્વરે બોલ્યો : ‘ચૂપ કેમ થઈ ગયાં, દીદી?’

‘અમસ્તું જ.’

‘એક વાત કહું, દીદી?’

‘શું?’

‘તમે પણ દીદી… તમારો ખ્યાલ કરું છું ત્યારે થાય છે… કહું, દીદી? તમે ગુસ્સો ન કરો તો કહું.’

‘તમારામાં પણ કલ્યાણ કરવાની ઘણી શક્તિ છે. પણ તમે હંમેશાં જાણે કશાક ભાર નીચે રહ્યા કરો છો. તમારું મોં જોઈને એમ જ થાય, જાણે તમે અંદરથી સુખી નથી. તમે આવી સ્થિતિમાં પણ આટલું કરો, તો પછી તમે આનંદમાં હો તો કેટલું વધારે કરી શકો! મને ઘણી વાર એમ થાય, તમારામાં આટલી બધી શક્તિ; પણ તે કાદવમાં સૂતેલા કમળની જેમ સુપ્ત છે, ગુપ્ત છે. એને તમે કોઈ કાળે જગાડશો નહિ? આટલા બધા સારાપણાનો જે સ્રોત, તેને મુક્ત રીતે વહેતો નહિ કરો?’

સુનંદા એ ઉત્તર આપ્યો નહિ. પોતાની અંદર શું છે ને શું નહિ, તેનો અછડતો અણસાર ક્યારેક ક્યારેક મળે છે. તેના કોઈક ઉપનિષદના અભ્યાસી મિત્રે એક વાર તેને મૈત્રેયીની વાત કરેલી. યાજ્ઞવલ્ક્ય બધું ત્યાગીને વનમાં જવા નીકળ્યા અને પોતાની સંપત્તિ મૈત્રેયીને સોંપી ત્યારે મૈત્રેયીએ પૂછેલું : આ બધાથી શું મને અમરતા મળશે? યાજ્ઞવલ્ક્ય કહ્યું : ના, અમરતા તો નહિ મળે. ત્યારે મૈત્રેયીએ કહેલું : યેનાહં નામૃતાં સ્યામ્, તેનાહં કિં કુર્યામ્ — જેના વડે હું અમૃત ન થાઉં, તે લઈને હું શું કરું?

મૈત્રેયીના આ શબ્દો તેને યાદ છે. પોતાને માટે એવું અમૃત શામાં છે, તેની તેને જાણ છે. પણ તે શું તેને મળે તેમ છે? અને મળે તો, શું તે એને સ્વીકારી શકે?

સુનંદાને ચૂપ જોઈ કુમાર બોલ્યો : ‘એક વાર જો દીદી… અરે હા, હું તો સાવ ભૂલી જ ગયેલો — ’ તે સફાળો ઊભો થયો ને કાઉન્ટર પાસે ગયો.

‘શું ભૂલી ગયો હતો, કુમાર?’

કાઉન્ટરનું નીચેનું ખાનું ઉઘાડતાં કુમાર બોલ્યો : ‘કાલે સાંજે હું પેલા મોટા રસ્તા પર ફરવા ગયો હતો, ત્યાં સત્યભાઈ મળી ગયેલા. બસમાં જતા હતા, સ્ટૅન્ડ પર બસ પાંચેક મિનિટ થોભી, ત્યારે તેમની નોટમાંથી પાનું ફાડી આપેલું.’ તેણે એક કાગળ ઊંચો કર્યો. કહે — ‘તારાં દીદીને વંચાવજે. તેં એમને કરુણાની મૂર્તિ કહેલાં. હું ઇચ્છું છું કે તે આનંદની મૂર્તિ બને. વાંચું, દીદી? એક બાઉલ ગીત છે. સત્યભાઈ આસામમાં ને બંગાળમાં ખૂબ ફર્યા છે. બાઉલ ગીતોનો તેમની પાસે મોટો ખજાનો છે.’

‘શું લખ્યું છે? મને આપ તો… ના, ના, તું જ વાંચી સંભળાવ.’ સુનંદાના સ્વરમાં કંપ હતો.

કુમાર કાગળ સામે ધરીને વાંચવા લાગ્યો :

મિછે તુઈ ભાબિસ, મન!
તુઈ ગાન ગેયે જા, ગાન ગેયે જા, આજીવન.

પાંખિરા વને વને ગાહે ગાન આપન મને
નાઈ વા જદિ કેહ શોને, ગેયે જા ગાન અકારણ —

ફુલટિ ફોટે જબે, ભાબે કિ કાલ કિ હબે?
ના હય તાદેર મત શુકિયે જાબિ ગંધ કરે વિતરણ —

આજિ તોર જાર વિરહે નયને અશ્રુ બહે
હય તો તાહાર પાબિ દેખા, ગાનટિ હલે સમાપન
                             તુઈ ગાન ગેયે જા, આજીવન.

સાથે અર્થ પણ લખ્યો હતો :

‘ઓ મન, તું વ્યર્થ ચિંતા કરીશ ના. તું કેવળ ગીત ગાયા કર, આખી જિંદગી ગીત ગાયા કર. વને વને પંખીઓ અકારણ નિજાનંદે મગ્ન બનીને ગાય છે. કોઈ સાંભળે કે ના, તું અકારણ ગાન ગાયા કરે. ફૂલ જ્યારે ફૂટે છે ત્યારે શું તે એમ વિચાર કરે છે કે કાલે શું થશે? એમની જેમ સુકાઈ જઈને પણ તું સુગંધ વિખેરી જા. આજે જેના વિરહથી તારાં નયને આંસુ વહે છે એને કદાચ ગીત પૂરું થતાં જ તું સામે ઊભેલો જોઈશ. ઓ મન, તું જીવનભર ગાન ગાયા કર.’

સુનંદાની આંખો નીચે ઢળી ગઈ.

નિજાનંદમાં મગ્ન બની, ઊડતાં ઊડતાં ગીત ગાતા જવાનો આ સંદેશ સત્યે તો સહજ જ મોકલ્યો હશે. પણ પોતાને માટે એમાં કેટલો ઘન અર્થ રહેલો હતો! પોતાની આંખોથી જે આંસુ વહે છે તેણે જ પોતાના જીવનમાંથી ફૂટી પડવા માગતા ગીતને અવરોધ્યુ છે. સત્ય આ જાણ છે. કોને ખબર, કુમારે તેને કેટલી વાતો કરી હશે!

અચાનક જ રફીક આવી પહોંચ્યો.

ખમીસની ચાળમાં તે કંઈક ભરી લાવ્યો હતો. સુનંદાના ટેબલ પર તેણે ચાળ ખાલી કરી. ઢગલા બંધ ફૂલો હતાં. કૅનાનાં લાલ, કેસરી, પીળાં ફૂલો. સુનંદા આનંદ ને વિસ્મયથી જોઈ રહી. આ નાના ગામમાં કોઈ એક ઠેકાણે કૅના ઊગ્યાં હોય કે કોઈએ ઉગાડ્યાં હોય એ તેને નવાઈભરેલું લાગ્યું. ફૂલ મૂકીને રફીક હર્ષથી ચમકતી આંખે સુનંદા સામે મોં કરીને ઊભો રહ્યો.

સુનંદાને આ છોકરો બહુ ગમતો હતો. આનંદી, રમતિયાળ અને કામ માટે જ્યારે જુઓ ત્યારે, હવાની જેમ હાજર. આજ સુધી કદી એવું નહોતું બન્યું કે રફીકની જરૂર પડી હોય અને તે મળ્યો ન હોય. કોને ખબર, દિવસમાં કેટલી વાર તે ગામના આ છેડાથી પેલા સુધી ઘૂમી વળતો હશે!

તેના મૃદુ ચમકથી ભરેલા ચહેરા સામે જોઈને સુનંદા બોલી : ‘શાબાશ રફીક, આવાં સરસ ફૂલ તું ક્યાંથી લઈ આવ્યો?’

‘ગોવિંદના ખેતરમાં ઊગેલાં. મણિએ આપ્યાં. કહે : ડાક્ટર સાહેબના ટેબલ પર મૂકી આવ.’

સુનંદાના મનમાં કૃતજ્ઞતાની એક લહેર આવી. ગામનાં લોકો તેના તરફ સાચે જ માયાળુ હતાં.

૨ફીકે કુમારને કહ્યું : ‘અમ્મા બોલાવે છે. જરા વાર આવશો? — એમ પૂછ્યું છે.’

કુમારે ઘડિયાળ સામે જોયું. પોણા નવ થયા હતા. પણ કોઈ દરદીઓ આવ્યા નહોતા. એણે સુનંદાને પૂછ્યું : ‘જરા વાર જઈ આવું, દીદી? કોઈ દરદી આવશે, ત્યાં સુધીમાં તો પાછો આવીશ.’

સુનંદાએ સંમતિ આપી.

કુમાર ને રફીક પગથિયાં ઊતરીને ગયા, ત્યાં સુધી તે તેમને જોઈ રહી. અને પછી ટેબલ પર તેનું ધ્યાન ગયું. કૅનાનાં મનોહર ફૂલની જોડાજોડ પેલો કાગળ પડ્યો હતો — ઘડી વાળેલો કાગળ, જેમાં બાઉલ ગીત હતું. કાગળ લેવા તેણે હાથ લાંબો કર્યો, પણ પછી લીધો નહિ. મુક્ત પંખીના ટહુકા અને અકારણ ખીલી રહેતાં ફૂલોની સુગંધનો એ પત્ર. આ પોતાને માટે, એક અજાણ્યા સહૃદય માણસે મોકલેલો સંદેશો હતો તે ખરું, પણ એ સંદેશમાંથી એ મોકલનારની જીવનદૃષ્ટિ પણ છતી થતી હતી. સત્યનું જીવન એવું હશે કે નહિ, તેની તો ખબર નથી, પણ કંઈ નહિ તો એવી દૃષ્ટિ તો છે, એવી તમન્ના તો છે.

એકસાથે અનેક વિચારો ભીડ કરતા સુનંદાના મનમાં ઊડાઊડ કરવા લાગ્યા. સત્યના વ્યક્તિત્વની એક છબી, એક અપરિચિત સ્ત્રી માટે તેણે સહજભાવે કરેલી ચિંતા અને તેને આનંદમાં જોવાની ઇચ્છાથી મોકલેલું ગીત, અને તેનું પોતાનું મન… જે પંખીની જેમ કિલ્લોલ કરતું ઊડી શકે તેમ હતું, અને જે પાંજરામાં બંધાઈને, વિંધાઈને પડ્યું હતું… પ્રકૃતિમાં રહેતું બધું જ જીવન — પંખીનું, ફૂલનું, પાણીનું — એમાં સભાનતા ભલે ન હોય; પણ વિચારોની બદ્ધતા અને મનના અવરોધ વગરનું એ જીવન કેટલું મુક્ત, સહજ, ઉલ્લાસમય હોય છે!

માણસ સભાન રીતે ને છતાં પંખી કે ફૂલની જેમ સહજ રીતે જો જીવી શકે તો તેનું જીવન કેટલું વધારે આનંદમય બની જાય!

અચાનક તેણે કંઈક શોર, કોલાહલ સાંભળ્યો અને પછી હુડુડુ કરતું એક ટોળું દવાખાનામાં પેઠું. સુનંદા કશું સમજી શકી નહિ. આટલા બધા લોકો દવાખાનામાં કેમ ઘૂસી આવ્યા? થોડા બહાર પણ ઊભા હતા. તે સહેજ વિચલિત થઈ. શું થયું હશે?

‘ડૉક્ટર સાહેબ, આનું કાંઈક જલદી કરો. જુઓ તો, એ જીવશે કે નહિ?’ ત્રણ-ચાર માણસોએ એક છોકરાને ઊંચક્યો હતો. તેમણે એને બાંકડા પર સુવડાવ્યો અને પછી સુનંદા માટે જગ્યા કરી.

બારેક વરસનો છોકરો નિશ્ચેષ્ટ થઈને પડ્યો હતો.

‘શું થયું છે?’ સુનંદાએ એની નાડી જોતાં પૂછ્યું.

‘સાપ કરડ્યો, ડૉક્ટર સાહેબ! કલાક પહેલાં ક૨ડેલો. ભૂવા પાસે લઈ ગયા, પણ ઊતર્યો નહિ. જુઓને સાહેબ, જીવશે કે નહિ?’

સુનંદાએ ડંખની જગ્યા જોઈ અને છોકરાને તપાસ્યો. નાડી સહેજ ધીમી હતી, પણ હૃદયનો ધબકાર બરાબર હતો, ચહેરાનો રંગ વાદળી પડી ગયો નહોતો, પણ છોકરો બેભાન હતો.

કુમાર હજુ આવ્યો નહોતો. સાપ કરડવાનો આ પહેલો કેસ હતો. સુનંદા કાઉન્ટર પાછળ જઈ એની દવા શોધી રહી. સાપ ઝેરી નહિ હોય. ‘શૉક’ને લીધે તે બેભાન બની ગયો હશે.

કાઉન્ટર પરની ગોઠવણીથી તે ટેવાયેલી નહોતી. દવા શોધતાં તેને વાર લાગી.

લોકો છોકરાને ઘેરી વળીને ઊભાં હતા ને અંદર અંદર વાતો કરતા હતા.

‘ગયા ભવનાં વેર, બીજું શું? નહિ તો કુમળી કળી જેવા છોકરાને દેવસેવાની ઓરડીમાં કાંઈ કરડે?’ એક જણે કહ્યું.

‘મારાં ભાભી આમ જ મરી ગયેલાં.’ બીજો એક જણ બોલ્યો. ‘ત્યારે, ત્યાં ટાંકણે એક સાધુ મહારાજ આવી ચડેલા. એ કહે, ગયા જન્મે આ સાપ એક હરિજનનો છોકરો હતો. ભાભી હતાં સનાતની બ્રાહ્મણ, ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો, ત્યારે હરિજનોનાં જ એ કામાં છે એમ માની લોકો એમના પર તૂટી પડેલા અને એમાં એ સનાતની બ્રાહ્મણે એ છોકરાને ડાંગ મારીને મારી નાખેલો. આ ભવે એ સાપ થઈને કરડ્યો. અમે થોડાક બુઢ્ઢા લોકોને પૂછી જોયેલું. એમણે કહ્યું : ખરી વાત છે. એક બ્રાહ્મણે હરિજનના છોકરાને મારી નાખેલો. અમને બરાબર યાદ છે.’

સુનંદાનું મગજ ધૂંધવાઈ ઊઠ્યું. સનાતની બ્રાહ્મણે છોકરાને મારી નાખ્યો એટલે સાપ બની તે એ માણસની ભાભીને કરડ્યો. હવે ભાભી સાપ બનશે, અને વેર વાળવા પેલો જ્યાં ક્યાંય જન્મ્યો હશે એને કરડશે. તેને હસવાનું મન થયું, પણ આ લોકો જે ગંભીરતાથી વાત કરતા હતા, તે જોઈને તેને ગુસ્સો આવ્યો.

ભીડ ચીરતો કુમાર ક્યારે તેની પાસે આવી પહોંચ્યો તેની સરત તેને રહી નહિ.

કુમાર ઝડપથી દવા શોધવા લાગ્યો. સુનંદા બહાર આવી પોતાની ખુરશી પર બેઠી. તેણે પૂછ્યું : ‘કોઈએ સાપને જોયેલો? કેવો હતો?’

એક જણ બોલ્યો : ‘હા સાહેબ, એકદમ કાળો કાળો હતો. આંખ તો આગ જેવી સળગતી. મોંએથી હિસ હિસ અવાજ કરતો હતો, ને લાંબોયે ખૂબ હતો.’

બીજો બોલ્યો : ‘ના સાહેબ, એકદમ કાળો નહોતો, જરીક કથ્થાઈ પડતો હતો. અને બહુ લાંબો તો નહિ હોય.’

‘હવે, તેં ક્યાં બરોબર જોયેલો?’ ત્રીજો એકદમ આવેશથી બોલ્યો : ‘તું તો કેટલો મોડો આવેલો! સાપ કાળોયે નહોતો ને કથ્થાઈયે નહોતો.’

ત્રણચાર જણ એકસામટા બોલવા લાગ્યા. સુનંદાએ પૂછ્યું : ‘સાપને મારી નાખ્યો કે છટકી ગયો?’

જેણે કાળો કાળો સાપ હતો તેમ કહેલું — એ છોકરાનો કાકો હતો — તેણે જવાબ દીધો : ‘ના રે સાહેબ, પકડ્યો હોત તો ચઢત નહિ ને! ભાગી ગયો એટલે જ ઝેર ચડ્યું. છોકરો બચી જશે ને? એનાં માબાપ તો બહારગામ ગયાં છે. આવશે તો કહેશે, અમારા છોકરાને સાચવ્યો નહિ. નાહકની મારી બદનામી…’

સુનંદાએ રોષ દબાવીને કહ્યું : ‘છોકરો જીવશે… સાપ ઝેરી નહોતો. એ તો શૉકને લીધે બેભાન થઈ ગયો છે.’

કુમારે દવા શોધીને તૈયાર કરી. ઇંજેક્શન આપ્યું. પંદરેક મિનિટ પછી છોકરો સળવળ્યો અને તેણે આંખ ઉઘાડી.

આખું ટોળું આવ્યું હતું તેવું, ધાંધલ કરતું છોકરાને લઈને ચાલી ગયું.

સુનંદા ટોળાની પીઠ પાછળ જોઈ રહી.

કુમાર પાસે આવીને ઊભો રહ્યો. બોલ્યો : ‘ઇનામ આપો તો દીદી, તમારા મનમાં શું છે તે અબઘડી કહી દઉં.’

સુનંદા આશ્ચર્ય પામવાના કે હસવાના મૂડમાં નહોતી. સુક્કા અવાજે તે બોલી : ‘તું અંતર્યામી ખરો ને, ભાઈ!’

કુમાર બોલ્યો : ‘સાપ કરડે ત્યારે ગામડામાં આમ જ વાત થાય. ઠીક દીદી, એ શું સાચું ન હોય?’

‘ધૂળ સાચું હોય!’ સુનંદા ખરેખર ગુસ્સે થઈ. ‘તું પણ છેવટે તો અહીંનો જ ને? આ વહેમ ને મૂર્ખતાનો થોડોક અંશ તારામાં પણ હોય જ ને?’

સુનંદાના અવાજમાં કડવાશ હતી. કુમારે આજ પહેલાં સુનંદા ને કદી ગુસ્સે થતાં જોઈ નહોતી. તે ધીમેથી બોલ્યો : ‘દીદી, હું સાપની વાત નથી કરતો.’

સુનંદાને પોતાની કડવાશનું ભાન થયું. શાંત થઈ જઈ તે બોલી : ‘તો શાની વાત કરતો હતો?’

‘લોકો પરસ્પર વેર લીધા કરે, પેઢી દર પેઢી વેર લીધા કરે, એમ ન બને? સાપની વાત જવા દો. પણ કોઈક આપણને ઘાવ કરે, આપણે વળતો ઘાવ કરીએ, પાછો લાગ મળે ત્યારે તે આપણને પ્રહાર કરી જાય, એમ ન બને? કાર્ય કારણની પરંપરા, આઘાત ને પ્રત્યાઘાતની પરંપરા બે માણસ વચ્ચે ચાલ્યા જ કરતી હોય છે, એ શું સાચું નથી?’

સુનંદા એકદમ જ સંકોચ અનુભવી રહી. આ સદા હસમુખા રહેતા સરળ જુવાનને તે કેવો અન્યાય કરી બેઠી હતી! પોતાનું મન કદાચ કોઈ બીજા જ કારણે અકળાયેલું હતું. મૃદુ અવાજે તે બોલી : ‘માણસ જેટલા અંશે જડ હોય તેટલા અંશે એ પરંપરા ચાલ્યા કરે. પણ જે પળે તે જાગે, તે પળે તે કેવળ પ્રત્યાઘાતનું પોટલું બનીને જીવતો અટકે, તેનામાં એક નવી સમજ જન્મે, કે જે માણસ ઘાવ કરે છે, ડંખ દે છે, તે પણ તેની સીમાઓમાં પુરાયેલો છે, પોતાના આવેગોનો અસહાયપણે ભોગ બનેલો છે. પછી તે પોતાને ડંખ દેનાર કે ઈજા પહોંચાડનાર પ્રત્યે પણ સહાનુભૂતિદાખવી શકે. એ એમ કહી શકેકે… તેમને માફ કરજો કારણ કે તેમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે.’

કુમાર એકદમ રાજી થઈને બોલ્યો : ‘બરાબર છે દીદી, તમે આવો જ ઉત્તર આપો, કારણ તમે એવી ક્ષમા કરી શકો તેમ છો. પહેલા દિવસે તમને જોયાં ત્યારથી — ’ તે અટકી ગયો. સુનંદા ફરી નારાજ થાય તેવી તેને બીક લાગી.

સુનંદાને વાત સાંભળવાની કશી ઉત્સુકતા નહોતી. પણ પોતાની વ્યગ્રતામાં તે કુમાર પર તેના કશાયે વાંક વગર નાહકની જ કડવાશ ઠાલવી બેઠી હતી, એના ભાનને કારણે તેનું મન કુમાર તરફ ઉદાર બની ગયું. શક્ય તેટલી શાંતિ રાખીને તેણે કહ્યું : ‘પહેલા દિવસે મને જોઈ ત્યારથી, શું?’

‘ત્યારથી મને એમ લાગેલું કે તમે ડૉક્ટર તરીકે એકદમ જ બરોબર વ્યક્તિ છો. તમારું હૃદય બહુ કોમળ છે.’

ડૉક્ટર તરીકે પોતે યોગ્ય છે કે નહિ, એ વિશે કુમારનું પ્રમાણપત્ર સુનંદાને જોઈતું નહોતું.

કોને ખબર કેમ, આજે તેનું મન વારંવાર અસ્વસ્થ થઈ જતું હતું. એનું શું કારણ હતું તેની તેને સમજ પડી નહિ. ના, ના, આ બરાબર ન કહેવાય. હજુ હમણાં જ તેણે ક્ષમા દ્વારા આઘાત-પ્રત્યાઘાતની શૃંખલા તોડવાની વાત કરી હતી અને પેલું અમર વાક્ય ઉચ્ચાર્યું હતું, તેણે જરાક હળવા થવાનો પ્રયત્ન કર્યો. ‘મારા આવતા પહેલાં શા શા ખ્યાલો બાંધેલા અહીંના લોકોએ?’

સુનંદાના અવાજમાં હળવાશ અનુભવી કુમારનો જીવ નીચે બેઠો. તેના સ્વભાવ પ્રમાણે ઉત્સાહમાં આવી જઈ તેણે કહ્યું : ‘આખી વાત કહું, દીદી?’

સુનંદાએ આંખથી જ હા પાડી.

કુમારે કહ્યું : ‘વાત જરા લાંબી છે. અમે લોકોએ ગામમાં જ્યારે સાંભળ્યું કે હવે સરકારી દવાખાનામાં ડૉક્ટર તરીકે કોઈ સ્ત્રી આવવાની છે ત્યારે અમને બહુ કૌતુક થયેલું. મને એમ કે કોઈ બહુ જ રુઆબદાર, છટાદાર સ્ત્રી હશે. મારો તો તોફાની જીવ. મનમાં થયું — બહુ ટીખળ ઉડાવીશ. એને થોડી વાર તો હેરાન કરી મૂકીશ. જોઈએ તો ખરા, સ્ત્રીમાં કેટલું પાણી છે.

‘અમે લોકો તે દિવસે સ્ટેશને આવેલા. આ ગામ નાનું છે દીદી, કોઈયે નવતર માણસ આવે તો કુતૂહલ થાય. તેમાં વળી તમે સ્ત્રીને ડૉક્ટર, એટલે અમે થોડા જુવાનો સ્ટેશને આવેલા. ટ્રેનમાંથી તમને મોટી પર્સ લઈને કાળાં ચશ્માં પહેરી ઊતરતાં જોયાં ત્યારે અમે હસેલા. પણ દીદી, તરત જ એક અદ્ભુત વાત બની. તમે ટાંગામાં બેઠાં અને ગૉગલ્સ કાઢી નાંખ્યાં ત્યારે મેં જોયું કે તમે જરાયે રુઆબદાર નહોતાં. તમારું મોં તો સાવ ઊતરી ગયેલું, નાનું ને કરમાયેલું હતું. તમે કેટલાં બધાં નાનાં લાગો છો, દીદી! અને તમને યાદ છે કે નહિ, ખબર નથી, પણ મેં જોયેલું કે ચશ્માં ઉતારીને તમે તમારી આંખ લૂછી, તોપણ પાછીએ ભીનાશથી ચળકી રહી. દીદી, તમને યાદ છે, તમારો ટાંગો રસ્તા પરથી જતો હતો ત્યારે બાજુમાં જ સાઇકલ ૫૨ એક જુવાન જતો હતો! એ હું હતો, દીદી!’

સુનંદા એ માથું હલાવ્યું : ‘ના, મને તો કાંઈ યાદ નથી ભાઈ!’

‘સાચી વાત છે. તે દિવસે તમને કશાનું ધ્યાન નહોતું. તમે બહુ જ ખોવાયેલાં લાગતાં હતાં. હું તો એ જોઈ મૂઢ જ થઈ ગયેલો. તમારા વિશે કલ્પના હતી તેના કરતાં તમે એટલાં જુદાં નીકળ્યાં! તમારું મોં જોયા પછી — ’ કુમાર થંભી ગયો.

‘પછી શું થયું, ભાઈ?’ સુનંદાએ એકદમ કોમળ સ્વરે કહ્યું.

કુમાર કાંઈ બોલ્યો નહિ.

‘કહેને ભાઈ, પછી શું થયું?’

‘પછી દીદી, મને મનમાં થયું, આ તો સાવ નાની છોકરી છે અને હું બહુ જ સ્તબ્ધ થઈ ગયો. તમે ડૉક્ટર તરીકે આવ્યાં છો અને મારે તમારી પાસે કામ કરવાનું છે એ વાત હું ભૂલી ગયો. થયું — કોઈ પણ માણસના હૃદયમાં આવડી મોટી તે શાની વેદના હોઈ શકે?’

તેણે એક ઊંડો શ્વાસ લીધો ને જરા વાર કશીક મથામણ અનુભવી. પછી બોલ્યો : ‘એક વાત મેં તમને કરી નથી, દીદી! મારે એક બહેન હતી. અથવા છે — શું કહી શકું, ખબર નથી. તમને જોયાં ત્યારે મને મારી બહેન યાદ આવી હતી, પણ એની વાત મને પૂછતાં નહિ. એ હું કોઈક વાર મારી જાતે જ કહીશ.’ તેના રોજ હસતા રહેતા ચહેરા પર એક વ્યથા તરી આવી.

‘તે દિવસે પછી મનમાં ને મનમાં કહ્યું : ડૉક્ટરને આ એવું તે શું દુઃખ હશે? હું એ માટે કશું કરી શકું? પહેલી નજરે કોઈના સૌન્દર્યથી આપણે અંજાઈ જઈએ તેમ હું જાણે તમારા મોં પરની વેદનાથી અંજાઈ ગયો.’ તે ફિક્કું હસ્યો. ‘તમારી વેદના — જે હોય તે — દૂર કરવા મારું મન વ્યાકુળ થઈ ગયું. પણ દીદી, મારું એ કાંઈ ગજું થોડું કહેવાય! હું તો સાવ સાધારણ માણસ. કોઈ માંદું હોય તો દવા લાવી આપું, કોઈનું ઢોર ડબ્બે પુરાયું હોય તો છોડાવી લાવું, અરે કોઈ પનિહારીનું બેડુંયે ચડાવી આપું, પણ કોઈના હૃદયની આવી ગાઢ વ્યથા — તે દૂર કરવાનું મારું શું ગજું? કદાચ દીદી, તમને મદદરૂપ થઈને, મારી બહેનને થયેલા અન્યાયનો બોજ હળવો કરવાનીયે ઇચ્છા હોય. પછી મનમાં ખ્યાલ આવ્યો કે… દીદી, તમારો મને ડર લાગે છે. કોને ખબર, મારી ભૂલ પણ હોય. સારા હેતુથી થયેલાં બધાં કામ સાચાં જ હોય તેવું થોડું જ છે? તમે મને વઢો તો નહિ, દીદી?’

‘નહિ વઢું, કહે તો, શો ખ્યાલ આવ્યો?’ સુનંદાનો અવાજ માખણ જેવો નરમ થઈ ગયો.

કુમારે દીવાલ પરની ઘડિયાળ તરફ નજર કરી. સવા દસ વાગવા આવ્યા હતા. કદાચ કોઈક દરદી આવી ચડે ને વાત અધૂરી રહી જાય.

તેણે કહ્યું : ‘મને એમ થયું કે કોઈક સમર્થ માણસ કદાચ એ કામ કરી શકે. સત્યભાઈ સાથે મારી જૂની ઓળખાણ…’

સુનંદાના મનને એક આંચકો લાગ્યો. તેનું મન આજે ક્યારનું જે વ્યગ્રતા અનુભવતું હતું તેને સત્ય સાથે સંબંધ હતો, તે તેને છેક હવે જડ્યું. એ નામ સાંભળતાં જ વ્યગ્રતાનો છૂટો તાર તેની સાથે એકદમ સંધાઈ ગયો.

‘સત્યભાઈ જેવા સમર્થ માણસ મેં બીજા જોયા નથી. ગમે તેવા રડતા માણસને તે હસાવી દે. તેમની પાસે આનંદનો એક અક્ષય ભંડાર છે. મને થયું, કોઈ પણ રીતે જો હું તેમને તમારી પાસે લઈ આવી શકું! પણ એ તો ફરતા માણસ! ગમે ત્યારે આવી ચડે ને ગમે ત્યારે જતા રહે. બેત્રણ વખત આવ્યા પણ તમારી સાથે મુલાકાત થઈ નહિ. મેં એમને તમારી થોડીક વાત કરી હતી. દીદી, તમે એમને મળશો? હવે દિવાળી આવે છે. દિવાળીને દિવસે આખા ગામનો નદી પારના વનમાં એક કાર્યક્રમ થાય છે. હિન્દુ-મુસલમાન બધાનો સાથે. સત્યભાઈ એ વખતે આવશે. ત્યારે એમને તમારી પાસે લઈ આવું, દીદી?’

સુનંદાએ તત્કાળ જવાબ આપ્યો નહિ. ટેબલ પર પડેલી, કેસનાં કાગળિયાંની થપ્પીમાં તેની આંગળીઓ પરોવાઈ રહી.

‘દીદી…’ કુમાર આગળ બોલતાં અટકી ગયો. તેનો ભય સાચો પડ્યો. નંદલાલ અને તેની પાછળ બીજા બે જણ દવાખાનાનાં પગથિયાં ચડ્યાં.

સુનંદાએ રાહતનો શ્વાસ લીધો. મનમાં તે ઇચ્છી રહી કે વધુ દરદીઓ આવે… કુમારને આજે ઉત્તર આપવાનો અવકાશ ન રહે.

પણ શા માટે?

ખબર નથી.

પોતાની અંતરતમ વેદના વિશે કોઈની સાથે વાત કરવાની ઇચ્છા નથી. દેવદાસ વિશે કોણ જાણે છે? કોઈ જ નહિ. કુમાર નહિ. સત્ય નહિ. માત્ર પોતાના જ પ્રાણને એક આંધળી વ્યથા ચિર દિવસ, ચિર રાત, ભીતરથી કોરી રહી છે. સત્ય મળે તો તે શી વાત કરે? તે શક્તિ અને ઉલ્લાસનો ગાયક છે, અને પોતાનો ઉલ્લાસ તો વિષાદના સાતમા પાતાળે ડૂબી ગયો છે. સત્ય બહુ સરસ માણસ કદાચ હોય, પણ તે શું પોતાના ઉલ્લાસને જગાડી શકે?

*