પરોઢ થતાં પહેલાં/૯
કોઈ કોઈ વાર સુનંદાને નાનપણ સાંભરે છે. આ નદી જોઈને, નાનપણ જ્યાં વિતાવેલું તે નદીના પટમાં અને એની આસપાસનાં મેદાનોમાં પથરાયેલાં આનંદભર્યાં રઝળુ ભ્રમણોની ચમકીલી યાદ આજે પણ મનમાં વસી છે. નાનપણથી જ તેની પ્રકૃતિ કોમળ. બીજાં છોકરાંઓ રમે, લડે, ઝઘડા કરે, કોલાહલથી ઘરઆંગણ ભરી મૂકે ત્યારે તે મેદાનની ધારે બેસીને તેમની રમત જોયા કરે. આ છોકરાંઓ કરતાં તેનાં મિત્રો વધારે ઝાડ, ખિસકોલી, ગલૂડિયા. એકદમ જ લાગણીવશ સ્વભાવ. નાના ગલૂડિયાને એકલું ખૂણામાં લપાઈને બેઠેલું જુએ તો ઊંચકીને એની મા પાસે મૂકી આવે. રસ્તામાં પડેલું ફૂલ જુએ તો ઊંચકીને કોઈ છોડની ડાળી પર ભરાવી દે — રખેને કોઈના પગ નીચે કચડાઈ જાય. એક ખિસકોલી પર એણે એક દિવસ થોડો રંગ છાંટેલો ત્યારથી એ બન્ને વચ્ચે મિત્રતા બંધાયેલી. સુનંદાએને દાણા ખવડાવતી. મગફળી ફોલીને તે ખાય તે જોવાની મજા આવતી. ખિસકોલી પણ હળી ગઈ હતી. પછી એક દિવસ તે મરી ગઈ. સુનંદા તે સાંજે જમી નહોતી. કેટલું બધું રડેલી! મા કહેતી — છોકરી ભવિષ્યમાં દુઃખી થઈ જવાની છે. આટલી બધી લાગણીશીલતા સારી નહિ, ગમે ત્યાં એ ખેંચાઈ જશે.
પછી જરા મોટી થઈ. અત્યાર સુધી આકાશ, વાદળ, ઝાડ, પ્રાણીઓ, ફૂલો જ તેનાં મિત્રો હતાં. પછી જીવન વિષે થોડી સભાનતા આવી. મનમાં પોતાની જ એક છબી રચાઈ. ભવિષ્યના સ્વરૂપની છબી. પ્રેમનું એક બહુ જ સુંદર રૂપ. મુક્ત અને પૂર્ણ. પ્રેમનો ખ્યાલ આવતાં તેને મહાનભના મેદાનમાં ઊડતાં બે પંખી યાદ આવતાં. નાનપણમાં એક વાર મદ્રાસ પાસે પક્ષી તીર્થમ્ ગઈ હતી, ત્યારે જોયેલાં. દૂરથી આવતાં, ધવલ વાદળના દરિયામાં પાંખોનો સઢ ફેલાવીને ઊડી જતાં બે શ્વેત પંખીઓનું ચિર સખ્ય. હંમેશાં સાથે છતાં ઊંડાણમાં મુક્ત. બે દેહનો અને બે આત્માનો સાથ. અનંતમાં શુભ્રતાનાં બે બિંદુ. એ એની પ્રેમની કલ્પના. એ જ એના ભવિષ્યના સુખની છબી.
હંમેશાં થતું — બીજા કરતાં પોતામાં કંઈક જુદું છે. કંઈક શ્રેષ્ઠતમ પામવાની ઇચ્છા; પણ તે પોતાની અંદર, બહાર નહિ. કોઈએ ન કર્યું હોય તેવાં શિખરોનું આરોહણ… મહત્ત્વાકાંક્ષા હતી, પણ તે કોઈક જ્યોતિર્મય અલૌકિક તત્ત્વને પામવાની. એ શું, તે ખબર નહોતી. પણ જુદાં જ ઊંચાણો ને ઊંડાણો વિશે એક અસ્પષ્ટ સભાનતા. નિશાળમાં પહેલો નંબર લાવવાની લાલસા કદી થતી નહિ. શિક્ષકો કહેતા — છોકરી બહુ તેજસ્વી છે, પણ તેનું કદી ધ્યાન જ હોતું નથી.
બીજી છોકરીઓની જેમ વ્રત-પર્વ માં કદી રસ પડતો નહિ. કપડાં કે ઘરેણાં માટે કદી હઠ કરી હોય તેવું યાદ નથી. કોઈ દિવસ નાના નાના શણગારો ક૨વાનું મન થયું નથી. વાળમાં ફૂલ સુધ્ધાં નાખેલું નહિ. એક વાર બાપુના એક વિદેશી મિત્ર આવેલા. બાપુએ ઓળખાણ કરાવી હતી — આ મારી નાની દીકરી. ત્યારે તેણે કહેલું — હાઉ બ્યુટિફુલી સિમ્પલ!
તે અર્થ સમજી નહોતી. ભાઈને પૂછેલું : બ્યુટિફુલી સિમ્પલ એટલે શું?
ભાઈએ કહ્યું : તારું મોં.
સુંદર કરતાં વધુ શાંત ચહેરો. મોટી આંખોમાં સદાય કોઈ વિષાદ. માણસોનાં દુઃખ ત્યારે નહોતાં જોયાં, પણ પ્રાણીઓનાં જોયાં હતાં. એક વાર બળદ જોયેલો. પીઠમાં મોટો ઘાવ પડેલો, કાગડો વારંવાર આવી ઠોલી જતો. બળદનું બિચારાનું પૂછડું ત્યાં સુધી પહોંચી શકતું નહિ. એક વાર ઝાડની ઊંચી ડાળીએ ભરાઈ પડેલો કાગડો જોયેલો. ઘણો ફફડાટ કરવા છતાં તે છૂટી શક્યો નહોતો, તે પછી એમ લટકતો જ મરી ગયેલો. આવું આવું જુએ ત્યારે તેનું હૈયું બહુ જ પીડાઈ રહેતું.
એક વાર સાપ નીકળેલો. બાગની બહાર કૂંડાળું વળીને બેઠો હતો. માળીએ લાકડીથી મારી નાખ્યો ત્યારે લોહીની ધાર ચાલી હતી. સુનંદા રડી પડેલી — એ બિચારો પોતાની મેળે બેઠો હતો, કોઈને કરડ્યો નહોતો, તોયે મારી નાખ્યો? માળીએ કહ્યું — કરડે ત્યાં સુધી શું રાહ જોવાય?
ઝાડ પર બેસીને તે કલાકો સુધી પાંદડાં, હવા અને અવાજની રમત જોયા કરતી. એકલી એકલી વાતો કરતી. એકદમ આકાશવિહારી અને સેન્ટિમેન્ટલ. કૂતરાની કોઈ પૂંછડી ખેંચેતેય તેનાથી સહેવાતું નહિ. જાણીબૂઝીને પોતાને હાથે કોઈ ખોટું કામ ન થાય, એક કીડી સુધ્ધાં ન કચરાઈ જાય, તેની તેને ચિંતા રહેતી.
પછી એક જુદો ગાળો આવ્યો. બુદ્ધનું જીવન વાંચ્યું. મિલ અને માર્ક્સ અને ફ્રૉઈડ વાંચ્યાં, બૌદ્ધિક સ્તર પર એક નવી સમજ અને દૃષ્ટિ મળ્યાં. તોપણ બીજાઓનાં દુઃખથી, અબોલ મૂક પ્રાણીઓના દુઃખથી ઘવાઈ ઊઠતા પોતાના સેન્ટિમેન્ટલ હૃદય માટે તેને કશું હીણું લાગેલું નહિ.
‘હું આ જ છું…’ તે ઘણી વાર નવાઈ પામીને પોતાના વિશે વિચારતી, ‘હું બીજા લોકો જેવી બેફિકર કેમ નથી?’ બીજાઓની ઠઠ્ઠામશ્કરી કરતાં, પ્રોફેસરોની ઠેકડી ઉડાવતાં તેના કૉલેજ-સાથીઓમાં તે કોઈ દિવસ ભળી શકી નહોતી. ‘એમને એમની મુશ્કેલીઓ નહિ હોય? એમને શું દુઃખ ન થાય?’ — તેને થયા કરતું. બીજાની મુશ્કેલીઓનો તેને એટલો બધો ખ્યાલ રહેતો! ભાઈ કહેતો — સિલી! આઉટ ઑફ પ્રપોર્શન… તોપણ…
એક વાર તે માંદી પડેલી. સાધારણ શરદીનો તાવ. નજીકમાં એક બુઢા ડૉક્ટરનું દવાખાનું હતું. તેને ત્યાં કોઈ દરદી આવતો નહિ. સુનંદાએ માને કહ્યું : ‘મા, આ બુઢ્ઢા ડૉક્ટર પાસે દવા લેવા જઈશું?
દવાની કાયર આ છોકરી સામે ચાલીને દવા લેવા જવાની વાત કરે તે જોઈ માને નવાઈ લાગી. ‘એની પાસે શું કરવા? તને તાવ નહિ ઊતરે તો આપણે ડૉક્ટર જાની પાસે જઈશું. એ બહુ સારા ડૉક્ટર છે.’
‘ના મા, બીજા કોઈ પાસે નહિ. આ જ ડૉક્ટર પાસે…’ તેણે આગ્રહપૂર્વક કહેલું.
કેમ? એની પાસે જ કેમ?’
‘એને ત્યાં કોઈ દિવસ કોઈ દરદી આવતો નથી. આપણે જઈએ તો એને થાય ને, હાશ, કોઈક આવ્યું!’
ભાઈ બહુ હસી પડેલો. પણ માએ ચિંતા વ્યક્ત કરેલી. આ છોકરીનું શું થશે? સારે ઘેર પરણે તો સારું. અરે, આવી આ રૂની બનેલી છોકરીને કોણ સાચવશે? આવી છોકરી દુનિયા વચ્ચે સુખી થઈને જીવી જ શકે નહિ.
મૂર્ખ કહેવાય એટલી બધી તે સરળ હતી. તેના જૂઠું બોલવાનો તો સવાલ નહોતો. પણ બીજું કોઈ જૂઠું બોલી શકે તેવુંયે તેના મનમાં વસતું નહિ. કોઈ છેતરી શકે, બીજાનો લાભ લે, વિશ્વાસ તોડે, એવું તેણે વાંચેલું-સાંભળેલું. પણ તેની વાસ્તવિકતા કદી ગળે ઊતરી નહોતી. ના, ના, એવું તે કોઈ કરે?
પછી દેવદાસનો પરિચય થયેલો. બુદ્ધિમાન, સોહામણો કલાકાર. ‘તારી આ આંખોના વિષાદનું ચિત્ર દો૨વાનું મને મન છે.’ એ કહેતો. તેનાં ચિત્રોમાં રંગોની જ દુનિયા રહેતી. આકારરહિત રંગનાં ટોળાં. બોલતા, શરમાતા, રુદન કરતા, ચીસો પાડતા અને ખડખડાટ હસતા રંગો. દેવદાસ ચિત્રોનાં નામ આપતો: ‘માનવીનાં અદૃશ્ય વિશ્વો’, ‘અદીઠાં સત્યોની ખોજ’ — એવાં એવાં નામ. દેવદાસ પાસે ઘણા મોટા મોટા શબ્દો હતા. વાતો કરે તો મુગ્ધ બની સાંભળી ૨હેવાનું મન થાય. ભાઈ તેના પર ખુશ થઈ ગયો હતો. પણ માએ ડોકું ધુણાવેલું… આ બુદ્ધિના ગુણો છે, હૃદય ના નહિ.
અંજનાશ્રી એ કહ્યું હોત — હૃદય સાથે હૃદયનો સંવાદ સ્થાપવો જોઈએ. સ્વતંત્ર રીતે બે વસ્તુ સારી હોય, પણ તેમનો પરસ્પર મેળ ન મળે, તેમ બને. એટ્યૂનમેન્ટ થવું જોઈએ. સ્વરનો મેળ… બહુ સરસ શબ્દ છે — એટ્યૂનમેન્ટ.
પણ પોતે તો એક ઊમટતા આવેગમાં અંધ, બધિર, સર્વ સંજ્ઞાલુપ્ત… તે કશું વિચારી જ શકી નહોતી અને દેવદાસને તેણે સઘળું અર્પી દીધું હતું.
ત્યાર પછી તેના સાચા રૂપનો પરિચય થવા માંડ્યો.
કોઈક વાર સુનંદાના મનમાં અચાનક જ થઈ આવે છે — તો શું પોતાના સાવ એકાંગી, ખયાલી દુનિયામાં ખોવાયેલા મનને દુનિયાના યથાર્થ સ્વરૂપનું ભાન કરાવવા માટે જ તેના જીવનમાં આવું બન્યું હશે? પ્રકૃતિના દરેક કાર્ય પાછળ કશોક હેતુ હોય છે, એવો કોઈક વિચાર મનમાં ઊંડો ઊતરી ગયેલો. તો શું પ્રકૃતિ વહેલેમોડે દરેક માણસની આંખ ખોલીને તેને જ્ઞાનના માર્ગ તરફ દોરી જાય છે? સહેજે સહેજે આંખ ન ખૂલે તો આઘાત વડે ખોલી આપે છે? દુનિયામાં કેવળ શુભ, સત્ય, સુંદર નથી; અશુભ, અનિષ્ટ, કુત્સિત પણ છે. તે માણસોનું જ નહિ, પ્રકૃતિનાં તત્ત્વોનું રૂપ છે. આ બહાર દેખાય છે તે સઘળો મહાન આવિષ્કાર આ વિરોધી તત્ત્વોના પરસ્પર આઘાત-સંઘાતમાંથી જ જન્મ્યો હશે?
સારા હોવું, બધું સારું માની લેવું, ક્યાંય કદી અવિશ્વાસ ન કરવો — તે બહુ ઊંચી વસ્તુ ન પણ હોય. સારા હોવું, પણ જાગ્રત હોવું, પોતાનાથી ભિન્ન હોય તેવા લોકોના સ્વરૂપને પણ ઓળખવું, જીવનને સઘળી દિશાએથી વધુને વધુ સમજતાં જવું — તે જ જીવનનો માર્ગ હશે. બધું સુષ્ઠુ સુષ્ઠુ, રૂ જેવું નરમ નરમ, મધ જેવું મીઠું મીઠું નથી, હોઈ શકે નહિ, હોવું જરૂરી પણ નથી.
દુનિયાનું સાચું સ્વરૂપ એટલે માણસના નિમ્ન, નિકૃષ્ટ રૂપનો પરિચય તેમ નહિ, પણ માણસના મનની અતાગ સૃષ્ટિ… તેના ભયો, ઇચ્છાઓ, વિજયો, કારુણ્યો, ભૌતિકતા અને ઊર્ધ્વ આરોહણની સુપ્ત કામના. આ બધાં વિવિધ ને વિરોધી તત્ત્વોની પરસ્પર ક્રિયામાંથી નિર્મિત થતાં, જીવનનાં લાખો કરોડો સ્વરૂપો…
માણસોનું આ વાસ્તવિક રૂપ જણાય, પછી પણ પોતે લોકો પ્રત્યે સહૃદય રહી શકે તો પોતાની આ જે કરુણા, તે વધુ સચેત, સુસ્થિર બની શકે… કદાચ એટલા માટે જ, તેની જે સ્વાભાવિક સ્નેહકરુણા — તેને વધુ સજ્ઞાન બનાવવા માટે જ, આ દુઃખ પોતાના જીવનમાં આવ્યું હશે.
કોઈક વાર આવા આવા વિચારની વીજળી મનમાં ઝબકી જાય છે. પણ એ વિચારના દોરને પકડીને સુનંદા છેક તેના મર્મ સુધી પહોંચી શકતી નથી. બહુ જ સહન કર્યું છે. બહુ જ યાતના અનુભવી છે. વિચારની શક્તિ ગૂંચવાઈ જાય છે. બીજા કોઈને કદાચ આટલું ન પણ લાગ્યું હોત. લોકો ઘણી વસ્તુ સ્વીકારી લેતા હોય છે. ક્રૂર અત્યાચારો, બર્બર લડાઈઓ, ઈસુના વધસ્તંભથી માંડી પૈસા ખાતર ભાઈના હાથે ભાઈની હત્યા દુનિયા સ્વીકારી લે છે. પણ તેનાથી દેવદાસનો વિશ્વાસદ્રોહ સ્વીકારી શકાયો નહોતો. તેનામાં તડફડ કરવાની, કોઈ પણ પ્રકારની ઉગ્ર લાગણી, વિરાગની પણ પ્રબળ લાગણી ધારણ કરવાની શક્તિ જ નહોતી. બીજા કોઈએ કશો ઉકેલ કરી નાખ્યો હોત — સ્વીકારી લઈને, ભૂલી જઈને, બીજો માર્ગ ગ્રહણ કરીને, એ વસ્તુ તરફ વિરક્ત થઈને, એક આકરા પ્રત્યાઘાત વડે આઘાતની અસરને ધોઈ નાખીને.
તેણે નવેસરથી ભણવાનું શરૂ કર્યું હતું. ડૉક્ટર બનવાની તેણે કદી કલ્પના નહોતી કરી. અને હવે તે એ કામ કરતી હતી. પણ આ કામ તેને માટે રોકાણ હતું, રાહત નહોતી. ઘણાં લોકો એવી રીતે રાહત મેળવતાં હોય છે. પતિ તરફથી આઘાત મળે તો વ્યવસાયમાં કે સેવાકાર્યમાં જીવન અર્પી દેતાં હોય છે. દુનિયા તરફથી આઘાત મળે તો ધર્મ, ત્યાગ, વૈરાગ્યના માર્ગે જતાં હોય છે, પણ તેને આવું અવેજીઓવાળું જીવન જીવવું નથી. કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવી હોય તો તે સક્રિય રસને ઉલ્લાસથી સ્વીકારવી જોઈએ. પ્રત્યાઘાતથી, નિરાશાથી, કંઈક જોઈતું હતું તે ન મળ્યું, તેથી નહિ. એ તો પાયો જ ખોટો કહેવાય. ખોટા પાયામાંથી કોઈ પણ સાચી વસ્તુ શી રીતે પામી શકાય?
તેને એક જ વસ્તુની કામના હતી. જીવનમાં જો સંપૂર્ણતા શક્ય હોય તો પ્રેમ દ્વારા તેની નિકટ જવાની. ઈશ્વર વિષે તેના મનમાં કોઈ ખાસ જિજ્ઞાસા નહોતી. પણ જીવનમાં તેને શ્રદ્ધા હતી, એટલે જ તો એટલો આઘાત મળવા છતાં તેનું મન વિરક્ત નથી થઈ ગયું. એક માણસ ખોટો નીકળ્યો તેથી પ્રેમનું સમગ્ર તત્ત્વ ખોટું છે તેમ તેને કદી લાગ્યું નથી. સુખદુઃખથી નિરપેક્ષ જીવનનું મૂલ્ય છે જ. જીવન જીવવાનો અર્થ છે જ. માત્ર પોતે એ અર્થથી દૂર થઈ ગઈ છે. પણ જીવન બહુ જ નિર્મળ, ભરપૂર, અંદરથી સમૃદ્ધ બની શકે તેવી તેની શ્રદ્ધા ખંડિત થઈ નથી. એક માણસે તેને આપેલા આઘાતે, દુનિયા પ્રતિ દુર્ભાવથી તેનું મન કટુ નથી બનાવી દીધું. દુનિયા તો આવી જ હોય — એવો પ્રત્યાઘાત તેના મનમાં કદી જાગ્યો નથી. પ્રકૃતિના કોઈક અકળ કારણે, પોતાને આ વેદનાની આગમાંથી પસાર થવું પડ્યું છે તે ખરું, પણ એ દુઃખની કઠોરતાથી તેનું મન જડ નથી થઈ ગયું. ઊલટાનું બીજા લોકો પ્રત્યે તે વધારે કરુણતાથી ઊઘડ્યું છે. કોઈ દિવસ ફરિયાદ નથી કરી. દેવદાસ માટે પણ કોઈની પાસે ફરિયાદ નથી કરી. માત્ર પોતાના વિશે જ વિચાર્યા કર્યું છે. અંધારી રાતોએ આકાશ ભણી આંસુથી ભરેલી આંખો માંડીને પૂછ્યું છે — મારે માટે હવે કયો માર્ગ છે? અનંત કાળથી ચમકી રહેલા નક્ષત્રગણો, મને કહો, મારે માટે કયો માર્ગ છે? મારા હૃદયનું જે સૌથી સુંદર સ્વપ્ન, સઘળી આશાઓ વડે સીંચેલું જીવનનું જે બીજ, તે પાંગર્યું કેમ નહિ?
હવે શું હંમેશાં આમ જ જીવવાનું? એક વાર જે સ્વપ્ન ધૂળમાં મળ્યું, તેને ફરી ક્યારેય એકત્રિત કરી હૈયે ધારણ નહિ કરવાનું?
દિવસો વીતતા જાય છે અને જીવનનો માર્ગ લાંબો અને સૂનો થતો જાય છે. રોજેરોજ ચારે તરફથી થઈ રહેલા, નવી અજાણી અનુભૂતિઓના આક્રમણ હેઠળ સુનંદા બહુ જ એકલી પડી જાય છે. એક હેતાળ હૈયાના સ્પર્શ માટે, વહાલના વેણ માટે તેનું મન ઝંખે છે. પૃથ્વી પરનાં આટલાં બધાં લોકોમાંથી કોઈ એવું નથી, જેનું હૃદય વિશાળ હોય અને જે પોતાના સઘળા જખમોને તેનામાં સમાવી લઈને પોતાને સ્નેહ આપી શકે?
પોતાપણાનું એક આશ્વાસન, સુખદુઃખમાં કોઈનો સાથ, હૃદયના એકાંત કુંજવનમાં કોઈના પ્રેમનું બન્ને કાંઠે છલોછલ વહેતું ઝરણ. એવી ઇચ્છા માત્ર પોતાને જ છે? બીજા લોકોને એના અભાવનું દુઃખ નહિ સાલતું હોય?
અંજનાશ્રીને એવું દુઃખ નહિ સાલતું હોય?
તેમની મરવાના આનંદની વાત તેને રહીરહીને યાદ આવે છે. દેવદાસ સાથે મૃત્યુ વિશે ઘણી વાર વાત થતી.
‘ઠીક દેવદાસ, કહે તો, આપણા બેમાં કોણ પહેલાં મરી જાય તો સારું?’
દેવદાસ ગંભીરપણે કહેતો : ‘મને ખબર છે, હું પહેલાં મરી જાઉં તો તું મરેલા જેવું જ જીવવાની. તું તો સાવ પોચી છે. તારાથી કાંઈ સહેવાશે નહિ. પહેલાં તું જાય તે જ સારું. હું તો પછી પણ જીવી લઈશ. તારા માટે મને બહુ પ્રેમ છે, પણ તેથી તું ન હોય તો હું જીવી ન શકું તેવું મને લાગતું નથી. તને તો ખબર છે, મારામાં કેટલી રોબસ્ટ લાઇફ છે! હું તો ભાઈ, જીવવામાં માનું છું, ગમે તે સ્થિતિએ જીવન માણવામાં માનું છું.’
જીવનને માણવું — એનો દેવદાસને મન શો અર્થ થતો હતો, તે સુનંદાને પછી સમજાયું. વાત થઈ તે વખતે તો એને એમ જ લાગેલું કે પોતાનો પતિ બહુ જ નિખાલસ, પ્રામાણિક છે. સારું લગાડવા માટે થઈને તે સુંવાળાં વચનો કહેતો નથી. અને જીવનમાં જ નહિ, મૃત્યુની બાબતમાં પણ તે પહેલાં સુનંદાનો જ ખ્યાલ કરે છે.
ઘણી વાર સાવ જુદી જ લાગણીઓની વાત થતી. દેવદાસને તેના લાંબા વાળ બહુ ગમતા. કોઈક વાર એકદમ ઊર્મિવશ થઈ તેના વાળને હાથમાં લઈ દેવદાસ કહેતો : ‘સૂરજમુખી, મારા મરવાટાણે તું તારા આ વાળ મારી આંખો પર ઢાંકી દેજે, પછી મૃત્યુ આવશે ત્યારે મને એમ લાગશે કે એ તો તારા ઘન કેશરાશિની સ્નિગ્ધ શ્યામ ઘટા છે.’
‘અને હું તારા પહેલાં મરી જાઉં તો તું શું કરીશ?’
‘તો હું તારા કાનમાં એક કવિતા સંભળાવીશ, સ્ટીવન્સનની કવિતા… કિરણોના બનેલા દિવસો અને દરિયાનાં સફેદ ફીણની બનેલી પૂનમરાતોનો તારા માટે એક મહેલ બનાવીશ અને તને કહીશ : પોઢી જા, સોનપરી!’
કેટકેટલાં નામોથી તેણે એને સજાવી હતી! માત્ર એક જ વરસનો એ સાથ. પછી વિદાય. કશું કારણ આપ્યા વિના, જણાવ્યા વિના, એકદમ જ નિર્મમપણે વિદાય.
અગિયાર વર્ષની પળેપળ હૃદયને હણી રહેલી, થીજી ગયેલા હિમ જેવી એકલતા, સ્નેહની તૃષા અને વિચારોનો કારમો બોજ.
ઘણા પ્રયત્નો પછી પણ તે એમાંથી બહાર નીકળી શકી નથી.
તે જો અંજનાશ્રી હોત તો બહારના કોઈ પણ અવલંબન વગર પોતાની અંદર જ પોતાની સિદ્ધિ અને સમૃદ્ધિને પામી હોત.
તે લલિતા હોત તો નિયતિ એ પોતાને માટે જે નિર્માણ કર્યું હતું તે ચૂપચાપ સહી લઈને પોતાની અંદર શાંતિનો એક ખૂણો શોધી લીધો હોત.
અથવા તે રૂપલી હોત તો વિનાકારણે પોતાને થયેલી સજાની કઠોરતા જોઈને વિરક્તિથી તેનું મન ભરાઈ ગયું હોત અને મૃત્યુમાં તેને મુક્તિ લાગી હોત.
લમણે હાથ દઈને તે બેસે છે. હે ભગવાન, મને થયેલી આ સજા હું શાના જોર પર પાર કરી દઉં?
તેનામાં થોડી ઓછી નિષ્ઠા હોત તો, દેવદાસના જવાથી તે દુઃખી થઈ હોત અને પછી બીજી કોઈક સારી વ્યક્તિ સાથે જીવન ફરી ગોઠવી લીધું હોત. એ માણસ દેવદાસ જેવો બેજવાબદાર ન હોય તેની વધુ કાળજી લીધી હોત.
પણ તે એવું કશું જ કરી શકી નથી. દેવદાસ તેને છોડીને ચાલ્યો ગયો છે, પણ તેની સાથે સર્વ સુખદુઃખમાં જીવનભર સાથે રહેવાની પોતે જે પ્રતિજ્ઞા લીધી હતી તેને તે ઝાટકો મારીને વાળમાંથી પાણી ખંખેરે તેમ ખંખેરી નાખી શકી નથી.
અને સ્નેહની જરૂરિયાતની પાર પણ તે જઈ શકી નથી. તેને સતત લાગ્યા કરે છે કે તેના જીવનમાં જે કાંઈ શુચિપૂર્ણ, સુભગ છે તે આ સ્નેહની જલધાર વડે જ અંકુરિતને પલ્લવિત થઈ શકે. કોઈના અમલ અચલ પ્રેમની ફૂંક વડે જ તેની, ઘણાંબધાં કાણાં પડેલી પોલા વાંસની લાકડી અખિલના આનંદથી વાગી ઊઠે.
કેવી નિષ્ઠુર આ મથામણ છે?
આત્મ છલનાથી ભરેલા, ક્ષણિક સુખમાં જીવનનું શ્રેય નિહાળનારા, કશા અપરાધ વિના પોતાના જીવનને આમ રોળીટોળી નાખનારા એક માણસની સ્મૃતિને સાચવી રાખી તેમાંથી તે કોઈ જીવનરસ પામી શકે તેમ નથી.
તેની સાથેનું પોતાનું બંધન, જે પોતાની નિષ્ઠાનું, પોતાના પ્રેમસમર્પણનું બંધન હતું, તેમાંથી તે મુક્ત પણ થઈ શકતી નથી.
દિવસો પછી દિવસો વીતતા જાય છે ને તેને કોઈ માર્ગ મળતો નથી. વેદનાપૂર્ણ અવાજે તે અદૃષ્ટને પૂછે છે — આ વેદના હું કેવી રીતે સહન કરું? આ અંધારી યાતનામાંથી કલ્યાણની યાત્રાનો માર્ગ હું શી રીતે પામું?
રાતોની રાતો તે ઘણી વાર જાગી રહે છે. અંધકારના સ્નિગ્ધ પાત્રમાં ઘણાંબધાં આંસુ ખરી પડે છે, તેનો કશો અવાજ થતો નથી.