પરોઢ થતાં પહેલાં/૧૧
આકાશમાં નિર્મળ સ્તબ્ધ નીલરંગ, સૂર્યના તાપમાં તરતી બપોર અને હવાની અદ્ભુત પારદર્શકતા — એકેએક વસ્તુ, વૃક્ષનાં પાન, તેની રેખા, થડ, એના પરની કરચલીઓ, બધું જ સુરેખ અને સ્પષ્ટ દેખાય.
સુનંદા પલંગમાં પડી પડી જોઈ રહી હતી.
બારણું કોઈએ ખખડાવ્યું : ‘ડૉક્ટર સાહેબ ઘરમાં છે?’
સુનંદા ઝબકી ગઈ. બપોર વેળાએ કોણ હશે? કોઈ અર્જન્ટ કેસ…
તે બહાર આવી ને બારણું ઉઘાડ્યું. કોઈ દરદી નહોતો. એક સુંદર સ્ત્રી અઠ્ઠાવીસેકની ઉંમર. ઊંચો બાંધો, કંઈક તીખી નજ૨, ચહેરાનો રંગ ખૂબ જ ગૌર. ઉપર ગુલાબી ઝાંય. આ સ્ત્રીને પહેલાં ક્યાંક જોઈ છે. કોણ? હા, યાદ આવ્યું. નંદલાલની પત્ની શોભા.
સુનંદાને જરા આશ્ચર્ય થયું. અહીં તેને આવી રીતે હજુ કોઈ મળવા નહોતું આવતું. શિવશંકરના ઘર સિવાય તેને પણ બીજે ક્યાંય જવા-આવવાનું બન્યું નહોતું. આજે અચાનક શોભા… કેમ આવી હશે?
‘આવો.’ તેણે શોભાને અંદર બોલાવી અને બારણું બંધ કર્યું.
‘તમને આરામમાં ખલેલ પાડી, નહિ? પણ મને કે દહાડાનું થયા કરતું હતું કે તમને મળું. પહેલાં તો સંકોચ થયો. ઓળખાણ વગર એમ કેમ જવું! દવા લેવાની હોય તો જુદી વાત છે.’ કહી તે હસી. તેની આંખો, હોઠ, અંગભંગી, બધું ચંચલ ગતિમય હતું.
‘અને વળી મને તો બપોરે જ વખત મળે. તમારો એ આરામનો વખત, એટલે બહુ દિવસ, જાઉં ન જાઉં ક૨વામાં વીતી ગયા. આજે તો થયું કે જાઉં જ…’ માફી માગતું, સંકોચપૂર્ણ હાસ્ય તેના ચહેરા પર વિસ્તરી રહ્યું.
સુનંદાએ એને પહેલી વાર જોઈ ત્યારે જે અક્કડપણું તેને દેખાયું હતું, તે આજે નહોતું.
કદાચ એ અક્કડપણું આત્મરક્ષાનો એક પ્રકાર હતું — સુનંદાને મનમાં થયું.
તે શોભા સામે જોઈ સ્મિત કરી રહી. આ માત્ર મોંની ઓળખાણવાળી સ્ત્રી સાથે શી વાત કરવી તેની તેને સૂઝ પડી નહિ.
જરા વાર શાંતિ રહી.
પછી શોભા બોલી : ‘તમને અહીં ગમે છે, આ લુખ્ખા રસકસ વગરના ગામમાં? મેં જ્યારે સાંભળ્યું કે આ ગામમાં સરકારી ડૉક્ટર તરીકે કોઈ બહેન આવવાનાં છે ત્યારે મનમાં થયેલું, નાહકનાં શીદને આ ખોબા જેવડા ગામમાં ગૂંગળાઈ મરવા આવતાં હશે?’
સુનંદા હસી પડી : ‘તો તમને અહીં નથી ગમતું લાગતું.’
‘જરાયે નહિ!’ શોભા જરા તંગ થઈને બોલી : ‘અહીં ગમવા જેવું છે જ શું? કાંઈ બહાર જવા-આવવાનું નહિ, નવું શીખવાનું નહિ, બે ઘડી ગમ્મત મળે તેવું કોઈ સાધન નહિ, સિનેમા નહિ. અરે, જેની સાથે ઘડીભર વાત કરી શકીએ તેવા બે માણસ ગામમાં નહિ, ને સાંજે જઈને બેસીએ એવો નાનો અમથો બાગ પણ નહિ!’
‘તમે કેટલાં વરસથી અહીં છો? તમારું પિયર કયે ગામ?’
‘મારું પિયર તો અમદાવાદ.’ તેના અવાજમાં અભિમાનની જરા છાંટ આવી ને ચાલી ગઈ : ‘ત્યાં તો મને બહુ જ ગમતું. કેવડું મોટું શહેર! રોજ રોજ કેટલું નવું જોવા-જાણવા-શીખવાનું મળે! મને તો ભણવાનીયે એટલી હોંશ હતી! પણ બાપાએ…’ બોલતાં તેનો ચહેરો આરક્ત થઈ ગયો. સુનંદાને ગુલાબી છાંટવાળા શ્વેતરંગનાં ચંપાનાં ફૂલ યાદ આવ્યાં.
‘ભણવાની હોંશ હતી તો ભણ્યાં નહિ? કેટલું ભણ્યાં? અધૂરું છોડી દીધું?’ સુનંદા એ પૂછ્યું.
‘મારી બા મરી ગઈ પછી બાપાએ ઉઠાડી લીધી.’ શોભા ખિન્નતાથી બોલી. સુનંદા તેના પ્રતિ પળે બદલાતા ભાવોનાં વિવિધ મોજાંને નીરખી રહી.
‘બાપા માંદા રહેતા હતા, મારે ઘેર રહેવું પડે તેમ હતું. નહિ તો ઘરનું કામ કોણ કરે? બાપાને રાંધીને જમાડે કોણ? મને તો બહુ જ મન હતું, ખૂબ આગળ ભણવાનું. મારાં શિક્ષિકાબહેન કહેતાં કે તું હોશિયાર છે. ધ્યાન દઈને ભણીશ તો ઘણી આગળ વધી શકીશ.’
‘કયો વિષય તમને બહુ ગમતો?’ સુનંદાએ સહજ જ પૂછ્યું.
‘ભૂગોળ. ગણિત તો મને આવડતું જ નહિ. પણ ભૂગોળની ચોપડી તો હું વાંચ્યા જ કરતી. આટલા બધા દેશો, જાતજાતનાં શહેરો, નદીઓને પહાડો અને જંગલો. ત્યારે હું હંમેશાં એવાં શમણાં જોતી કે મોટી થઈશ ત્યારે આ બધી જગ્યા એ ફરીશ, બધાં શહેરો જોઈશ. હવે તો કોઈ નામ પણ યાદ નથી રહ્યાં.’ તે હસી. ‘હું તો આવીને મારી વાત કરવા લાગી ગઈ. સાવ પહેલી ઓળખાણમાં જ મેં કેટલું બોલી નાખ્યું! ઘણા દિવસોથી મેં કોઈની સાથે વાતો જ કરી નહોતી.’
‘મને તો તમે વાત કરો છો તે ગમે છે. તમને પહેલી વાર જોયાં ત્યારે મને તમારી સાથે વાત કરવાની ઇચ્છા થઈ હતી.’
‘ખરેખર?’ શોભા ઉત્સાહથી બોલી.
સુનંદાને થયું — એનું થોડું અક્કડપણું ને ઠસ્સો ખસેડી લઈએ તો એ સાવ નાની કિશોરી જ છે — નિશાળમાં ભણતી, ભૂગોળ વાંચતી કિશોરી.
શોભાના મોં પર ઉલ્લાસ ઝળકી ઊઠ્યો : ‘મને પણ. મેંય પહેલી વાર તમને જોયાં ત્યારે થયું — કેટલાં માયાળુ ને સ્નેહાળ લાગે છે! આવા ડૉક્ટર પાસે દવા લેવા જઈએ તો એમની બે વાતથી જ અડધું દરદ મટી જાય. ડૉક્ટર સાહેબ — હું તમને સુનંદા બહેન કહું?’
સુનંદાએ માથું હલાવ્યું.
‘સુનંદા બહેન, સાચું કહું તો મને અહીં બહુ એકલું એકલું લાગે છે. આખો દિવસ ઘરમાં ભરાઈ રહેવાનું, આ કામ ને તે કામ. આ કોઠારમાં ભરાવી દો, આ જોખી આપો, આટલી ગૂણ ખાલી કરાવો. રોજ રોજ બસ, અનાજના ઢગલા વચ્ચે જીવવાનું; જાણે હું ખેતરમાં દર કરીને રહેતું નાનું જીવડું હોઉં! એક છોકરી છે, તેય સાવ બુઠ્ઠી ને અલૂણી. આખો દી ભરતગૂંથણ કર્યા કરે. કોઈ દી હસીને વાત કરી હોય કે મન મોકળું કરીને બોલી હોય તો સમ ખાઉં!’
‘પણ તમને નાનું ગામ ગમતું નથી તો આવા ગામમાં સાસરું કેમ પસંદ કર્યુ? અમદાવાદ તો મોટું શહેર છે. તમે ત્યાં જ કેમ ન રહ્યાં?’
શોભા સરળતાથી બોલી : ‘મારી મેળે તો હું કોઈ દિવસ આવા ગામમાં પગેય ન મૂકું. પણ બાપાએ પરણાવી દીધી.’ તેના મોં પર ખેદ ને ગુસ્સાની મિશ્ર રેખાઓ દોરાઈ : ‘બાપા માંદા હતા. હું એક જ દીકરી હતી. મને ઠેકાણે પાડવાની બહુ ચિંતા હતી એમને. અમારા દૂરના એક કાકા ઠેકાણું જોઈ લાવ્યા અને બાપાએ પરણાવી દીધી. પૂરું જોયુંય નહિ, નહિ તો — ’ વળી તેનું મોં રક્તમય બની ગયું. તેનો ચહેરો બધા ભાવોને સુરેખ રીતે વ્યક્ત કરી શકે તેવો તરલ હતો.
આતુર નજરે તે સુનંદા સામે તાકી રહી : ‘જાણીને તો કોઈ અહીં આવે જ નહિ, કાં?’
શો ઉત્તર આપવો, તે સુનંદા ને સમજાયું નહિ. તે બોલી : ‘તમે ચા પીશો ને? કે કૉફી? અથવા બીજું કાંઈ?’
શોભા કંઈક ઉતાવળથી બોલી : ‘અને ઓવલ્ટીન? અહીં ઓવલ્ટીન છે? આપણે પીએ?’
‘જરૂર, જરૂ૨,’ સુનંદાએ એક હાંક મારી : ‘સવિતા…!’
પણ સવિતા નહોતી. તે દિવસે તે રજા લઈને ઘેર ગઈ હતી.
શોભા બોલી : ‘સવિતાની કાંઈ જરૂર નથી. મને બતાવજો ને, હું બનાવીશ. તમે બેસજો, ચાલો, આપણે રસોડામાં જઈએ.’
સુનંદા તેને રસોડામાં લઈ ગઈ.
શોભા તેની સાથે ચાલતાં ચાલતાં બોલી : ‘નાની હતી ત્યારે ઓવલ્ટિન પીતી હતી. બા આપતી. બાની બહુ યાદ નથી. એક મઝાનું સુંદર મોં, મીઠું હાસ્ય વેરતી આંખો — એવું કોઈક વાર મનમાં ઝબકી જાય છે. બા મરી ગઈ પછી કોઈ દિવસ ઓવલ્ટિન પીધું નથી. આજે અચાનક, કોને ખબર કેમ યાદ આવી ગયું.’ વીતેલા સમયની શિલાને ફોડીને, પાતાળમાં સંતાઈ ગયેલું, તેનાં સ્મરણોનું ઝરણું ઉપર ફૂટી આવ્યું, તે વિશે તે પોતે વિસ્મય અનુભવી રહી.
બપોરની વખતે સૂરજ પાછળ ખસી જતો. રસોડાનો ઓરડો શીળો, છાયાભર્યો બની જતો. શોભા એકદમ ખુશ થઈને બોલી : ‘વાહ, કેટલું સરસ રસોડું છે! કેટલું ઠંડું! અહીં કામ કરવું ગમે. અમારે ત્યાં તો — ’ તેની નજ૨ બારી તરફ ગઈ. તેનો સ્વર કિલકારી ઊઠ્યો : ‘અરે, અહીં તો ફૂલ છે!’ જાણે એ ફૂલ તેની જ શોધ હોય તેવા આનંદથી તે સુનંદા તરફ ફરી : ‘બારીની કેટલાં નજીક છે! જાણે ડોકિયાં કરતાં તોફાની છોકરાં! એ કયાં ફૂલ છે? એનું નામ શું છે?’
‘એનું નામ તગર!’
‘તારા જેવાં લાગે છે, નહિ? રાતે દેખાય છે? તો એમ લાગે આકાશમાંથી તારા આવીને છોડ પર ગોઠવાઈ ગયા છે.’
તેણે ૨સોડામાં ચારે બાજુ ફરીને જોયું. તેની ગતિ ચપળ, અધીર, ચંચળ બની ગઈ અને તે હવાની લહેરની જેમ અહીંથી તહીં ઘૂમી રહી. ‘અહીં તો મને સાવ ઘર જેવું જ લાગે છે!’
ઓવલ્ટિન બનાવી તેણે બે કપ તૈયાર કર્યા. એક સુનંદાને આપ્યો અને બીજો પોતે લીધો. ‘હું તો પહેલી વારમાં જ સાવ ઘરની જેમ વર્તવા લાગી.’ તે લજ્જાભર્યું મીઠું હસી.
ઓવલ્ટિન પીતાં પીતાં તે ધીમે સ્વરે બોલી : ‘કોણ જાણે કેમ, આજે મને મારી બા યાદ આવે છે. મને તો એમ હતું કે હું એને ભૂલી ગઈ છું. મારી બા મને બહુ જ વહાલ કરતી. એ દિવસો સુખી હતા! રસોઈ કરતી વખતે મા મને પાસે બેસાડતી. બેસ, શોભા બેટા, કહે, આજ નિશાળમાં શું શું ભણી? ને હું બાને વાતો કરતી, બા કહેતી : તું તો મારી રાણી દીકરી છે. ઠીક સુનંદા બહેન, મારી બા જીવતી હોત તો તેણે મને આવા ગામમાં ન પરણાવી હોત, નહિ?’ તે વિચારમાં ખોવાઈને બોલી : ‘પણ બા જીવતી હોત તો હું ભણી હોત. નિશાળમાં મઝા આવતી. મને નાટકમાં ભાગ લેવો બહુ ગમતો. એક વાર હું જશોદા બની હતી. ચોરીને માખણ ખાતા કૃષ્ણને વઢવાનું હતું, અને પછી ફરિયાદ કરવા આવેલી ગોપીઓ સામે તેનો પક્ષ લઈને લડવાનું હતું, મને બહુ મઝા આવી હતી. બા જોવા આવી હતી. કહે : તું અસ્સલ નાની જશોદા જેવી લાગતી હતી!’
તે જરા હાંફી ગઈ.
પછી એકદમ જ વેદનાભર્યા અવાજે તે બોલી : ‘મને અહીં જરા પણ ગમતું નથી, ડૉક્ટર સાહેબ!’
કયા આશ્વાસન વડે તેના મનને શાંત કરવું?
સુનંદા સહાનુભૂતિથી બોલી : ‘અહીં મ્યુનિસિપાલિટીની સારી લાઇબ્રેરી છે. તમને વાંચવાનું ન ગમે?’
શોભા બોલી : ‘ઘરના કામમાંથી વખત મળે ત્યારે ને! અને હું તો ખાલી છ ચોપડી ભણી છું. વાંચવામાં મારું ચિત્ત ન લાગે. ક્યાંય બહાર જવા-આવવાનું નહિ! મારી પાસે ઘણી સરસ સાડીઓ છે. પણ અહીં પહેરીને ક્યાં જવું? બસ, બે વાર તક મળે. તમને ખબર હશે. અહીં દર વરસે દિવાળી વખતે અને મહોરમ વખતે નદી પાર આખું ગામ ભેગું થાય. ત્યાં રમતગમત થાય, મહોરમ વખતે મેળોય ભરાય. બધાએ સાથે જમવાનું. ફાળામાં પૈસા ભરવાના. જેનાથી જેટલું અપાય તેટલું આપે. તમે પણ આવશો ને? હવે દિવાળીને બહુ વાર નથી.’
‘ગામમાં કોઈ સગાંવહાલાં નથી તમારે? બીજા કોઈને ઘેર જતાં નથી?’
‘ના, ના. જવાનું મન થાય તેવું કોઈ નથી. અરે હા,’ તેને યાદ આવ્યું : ‘કાલે સાધ્વીજી મહારાજ પાસે ગઈ હતી. અમે કાંઈ જૈન નથી, પણ મેં એમને રસ્તા પર જોયેલાં. લલિતાબહેન કહેતાં હતાં કે એમની પાસે જઈએ તો બહુ સરસ વાતો સાંભળવા મળે છે. એટલે હું ગઈ હતી. કેવાં સરસ છે, નહિ! એમની પાસે તો અમસ્તાં બેઠાં હોઈએ તોયે ગમે. કેવી તેજભરી આંખો છે! આપણી સામે જુએ તો એમ થાય, બસ એમ જોયા જ કરે તો સારું!’
‘એમણે શું વાતો કરી?’ સુનંદા એ ૨સથી પૂછ્યું. અંજનાશ્રીને તે પેલા દિવસ પછી ફરી એક જ વાર મળી શકી હતી.
‘ઘણી વાતો કરી. હું તો ઝાઝું સમજુ નહિ. મને તો એમ કે કંદમૂળની કે બટેટાંની બાધા લેવાનું કે એવું – તેવું કહેશે. પણ એમણે તો નિરાળી જ વાતો કરી. એક વાર્તા કહી. મિત્રા કે મૈત્રી — કંઈક કહ્યું. તેની પાસે બધી સંપત્તિ હતી, પણ તેને બીજી જ કોઈક વસ્તુની શોધ હતી.’
‘મૈત્રેયી?’
‘હા, હા, એ જ. તે અમૃત શોધતી હતી. અને એ અમૃત જ સાચી સંપત્તિ છે, બાકી કોઈ સંપત્તિ કશા કામની નથી, એવી કંઈક વાર્તા કહી. કહે : તમારે આનંદથી જીવવું જોઈએ, તમે તમારાં દુઃખને ચિંતા વેગળાં કરશો તો આનંદથી કેમ જીવવું તે સમજાશે. કહે, ઈશ્વર સત, ચિત, આનંદ છે. દુઃખી રહીને ઈશ્વરની ભક્તિ થઈ શકે નહિ. અને એમણે એમ કહ્યું કે મારે તમને મળતાં રહેવું.’
‘મને…?’ સુનંદાનો અવાજ વિસ્મયની ધાર સાથે ઘસાઈને લાંબો થઈ ગયો.
‘હા, કહે : એમની પાસે તમે દિલ ખોલીને વાત કરશો તો તમને સારું લાગશે. મન હળવું થશે. ખરેખર, આજે મારું મન હળવું લાગે છે.’
જરા ચૂપ રહીને બોલી : ‘દુઃખ ને ચિંતા તો રહે જ ને? ઠીક ડૉક્ટર સાહેબ, એ કહો તો, બ્લડપ્રેશર બહુ મોટો રોગ કહેવાય?’ તેનો કંઠસ્વર ચંચળ બની ગયો.
સુનંદાને હવે ખ્યાલ આવ્યો નંદલાલ કેટલી જોખમકારક સ્થિતિમાં જીવતો હતો તે તેને યાદ આવ્યું. સહાનુભૂતિથી બોલી : ‘ના, ખાસ નહિ. આરામ કરે અને ખાવાપીવામાં સંભાળ રાખે, મન પર બોજો ન રાખે તો બસ, બહુ વાંધો ન આવે.’
‘પણ આરામ તો એ જરાયે કરતા નથી. આખો વખત છોકરીને પરણાવવાની જ ફિકરમાં રહે છે. મને તો થાય છે, એ છોકરી જ એમના જીવની દુશ્મન છે. એની ચિંતાને લીધે જ કોઈક વાર એ ભાંગી પડશે.’ પછી એકદમ જ સુનંદાના હાથ પકડીને બોલી : ‘ડૉક્ટર સાહેબ, એમને કાંઈ થશે તો મારું શું થશે? છોકરીયે પરણીને ચાલી જશે. પછી આ ગામમાં મારું કોણ?’ તેની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં.
‘તમારા બાપા…?’
‘એ તો મારું લગ્ન થયું પછી છ મહિનામાં જ મરી ગયા.’ તે અશ્રુપૂર્ણ આંખે છત તરફ તાકી રહી : ‘મારું કોઈ જ નથી ડૉક્ટર સાહેબ, મારા સિવાય મારું બીજું કોઈ જ નથી.’
કેટલી મધુર સ્ત્રી! કેટલી શૂન્ય એની જિંદગી! તેને આખી દુનિયામાં ફરવાના કોડ હતા, અને હવે આ નાનકડા ગામે તેને આપેલી જિંદગી તે જીવતી હતી.
સુનંદાના મનમાં બહુ જ સહાનુભૂતિ થઈ આવી. પણ હવે શોભા પાસે, નંદલાલ જીવતો રહે તે સિવાય બીજી કઈ આશા હતી? બહારથી તે આટલી સ્ફૂર્તિવાળી, તરલ, ચપળ, કામમાં દક્ષ અને અંદરથી તે એકદમ જ રિક્ત, દુર્બળ, જીવનનાં અનેકવિધ રહસ્યોથી ભરેલા સાતમા માળથી સાવ અજાણ, દૂર ભોંયતળિયાથીયે નીચેની ઓરડીમાં બંધ.
ડૉક્ટર માટે જૂઠું બોલવાનું અનિવાર્ય જ હોવું જોઈએ? — તેણે સહેજ ખિન્નતાથી વિચાર્યું. તે બોલી : ‘ના, તમે ચિંતા શું કામ કરો છો? મટી જશે. બ્લડપ્રેશર કાંઈ બહુ ભયાનક રોગ નથી.’ જરા વાર થોભીને બોલી : ‘ચિંતા ક૨વાથી કાંઈ ચિંતાનું કારણ ટળતું નથી.’
શોભા ધીરે ધીરે બોલી : ‘મારી પાસે બધું હતું… રૂપ, શક્તિ, બુદ્ધિ, તંદુરસ્તી, માનો પ્રેમ… આટલા વડે શું જીવન સારું ન બની શકત? પણ મા મરી ગઈ. પિતાએ અહીં પરણાવી દીધી. જીવન સાવ નાનું, સાંકડું, રસહીન બની ગયું. અને બીમાર પતિ… ભગવાને એમને આવો રોગ કેમ આપ્યો? કોઈ કહેતું હતું : આમાં તો લોહીના દબાણથી કોઈ પણ પળે નસ ફાટી જાય…’
સુનંદાને થયું — સાચી વાત આઘાત ક૨શે માનીને તેને હંમેશ માટે ચુપકીદીના ખૂણામાં સંતાડી દઈ શકાતી નથી.
શોભા બોલી : ‘મારું જ કેમ આવું દુર્ભાગ્ય? ભાગ્યની મારા પર જ આવી અવકૃપા કેમ?’ તેનો સ્વર થરથરી રહ્યો : ‘એમને કંઈ જો થઈ જાય, ડૉક્ટર સાહેબ! એમને કંઈ થશે તો હું ખરેખર જીવી નહિ શકું.’
…માનવનો વિકાસ. ઇતિહાસ અને સંસ્કૃતિ, પ્રજાઓનાં ઉત્થાનને પતન, ધર્મની જેહાદો, સ્વાધીનતા અને સામ્રાજ્ય માટેનાં યુદ્ધો, પ્રકૃતિ પર વિજય મેળવવાનો માનવીનો પુરુષાર્થ, વિવિધ દર્શનો, સિદ્ધાંતો, સામાજિક આંદોલનો, રાજકીય અત્યાચારો, અને આ બધાની વચ્ચે મનુષ્યની એકલ યાત્રા, પોતાના સાચા સ્વરૂપને પામવાના પ્રયાસો, વિશાળતર સત્યો માટે કશી બાંધછોડ વગરની શોધ અને શહીદી, માનવીની આંતરભૂમિમાં નિરંતર રચાતાં કુરુક્ષેત્રો, સત્ય-અસત્ય, ન્યાય-અન્યાય, પ્રકાશ-અંધકાર, મુક્તિ-બંધનની હજારો વર્ષની સંઘર્ષયાત્રા…
અને આ બધાંથી અજાણ એવી સ્ત્રી, માનવજાતિની સમગ્ર વિકાસ-પ્રક્રિયાથી સાવ અનભિજ્ઞ એવી સ્ત્રી, એક નાના ગામડામાં, નીલતપ્ત બપોરે પૂછી રહી હતી : મારા પતિ મરી જશે તો મારું શું થશે? તો હું જીવી નહિ શકું…
અને છતાં એ કાંઈ ગાઢ, અતૂટ પ્રેમનાં વ્યાકુળ વચનો નહોતાં. પતિ પ્રત્યેના ઉત્કટ અનુરાગ અને વિયોગની અસહ્ય પીડા નહોતી. એ તો નિરાધારતા, અસહાયતા અને માણસોથી ઊભરાતી દુનિયામાં સાવ એકલા પડી જવાની ભીતિની પીડા હતી, પોતાના જોર પર પોતાનું જીવન જીવી ન શકવાની દુર્બળતા હતી.
પતિની તેને બહુ જ જરૂર હતી, પણ તેથી એ જરૂરિયાતને પ્રેમનું નામ આપી શકાય નહિ. ના, પ્રેમ ને જરૂરિયાત બે તદ્દન જુદી વસ્તુ છે…
સુનંદાને થયું — અહીં જ ક્યાંક, આ સમસ્યાનું રહસ્ય રહેલું છે. અહીં જ પ્રેમને જરૂરિયાત વચ્ચે ના ફરકમાં કદાચ. શોભા પોતાની જરૂરિયાતના ભાનથી એટલી ઘેરાયેલી છે કે તેની અંદર પ્રેમ માટે જગ્યા જ રહી નથી.
કદાચ…
જો તે તેના પતિને ખરેખર ચાહતી હોત, જરૂરિયાતના કે એવા કોઈ ભાન વગર તે ચાહતી હોત, તો કદાચ તે આજે આટલી ભયગ્રસ્ત, પીડિત, અંદરથી અકિંચન ન હોત…
તો કદાચ તે તેના પતિના મૃત્યુને વધુ સ્વસ્થ રીતે સહી શકવાની શક્તિ ધરાવતી હોત…
તેના વિચારો ગૂંચવાઈ ગયા. છેલ્લી સ્પષ્ટતા સુધી તે પહોંચી શકી નહિ, પણ તેને થયું, આ જ મહત્ત્વનું બિંદુ હતું, જેમાં શોભાનો પ્રશ્ન અને ઉકેલ બન્ને રહેલા હતા.
શોભા ઊભી થઈ : ‘હું જાઉં હવે. તમને મળીને મને બહુ જ સારું લાગ્યું. તમે દિવાળી વખતે આવશો ને? આખું ગામ ભેગું થશે. કીર્તન થશે. જરૂર આવજો. ત્યારે ફરી મળીશું.’
તે સ્વસ્થ થઈ, હસી અને ‘આવજો’ કહીને ચાલી ગઈ.
સુનંદા ક્યાંય સુધી તેના જવાની દિશામાં જોઈ રહી. તેને થયું : આ શોભા, લલિતા, પોતે — બધાં જ એક મોટા ચગડોળમાં બેસીને ગોળ ગોળ ઘૂમે છે. હા, તેની બેઠક જુદી છે, શોભાની સાથે નથી. પણ તેય એ જ દુઃખના વર્તુલમાં ઘૂમે છે, ઉતાર ને ચઢાવ સાથે. બધા જ લોકો આ વર્તુલમાં ઘૂમે છે, માત્ર તેમની બેઠકનાં ખાનાં જુદાં જુદાં હોય છે.
પણ કોઈએ ગોળ પરિભ્રમણના એકાદ બિંદુએથી તદ્દન જુદી જ દિશામાં ફંટાતી કેડી પકડે છે. તેઓ, એ કશે જ ન પહોંચાડતી વર્તુલાકાર ગતિમાંથી બહાર નીકળી જાય છે.
અંજનાશ્રી એમાંથી બહાર નીકળી ગયાં છે.
અંજનાશ્રીના નામ સાથે અનાયાસ એક બીજું નામ યાદ આવી જાય છે. એ માણસને કદી જોયો નથી, જાણ્યો નથી, તોપણ તેના વિશે ઘણી ખબર છે.
હા, સત્યે પણ સુખદુઃખના અભિન્ન વળાંકોવાળી ચક્રાકાર સીડીની પાર પગ માંડ્યા છે.
ખરેખર માંડ્યા છે?
ખબર નથી; પણ એમ માનવું ગમે છે.