પરોઢ થતાં પહેલાં/૧૨
સુનંદાએ નદીનો આ તરફનો ભાગ આ પહેલાં જોયો નહોતો.
નદીના કાંઠા પર આવતાં જ સામે વિશાળ વન દેખાતું હતું. નદી અહીંથી પૂર્વમાં થોડે દૂર સુધી વહી જતી હતી અને પછી જમણી તરફ વળાંક લઈને ક્યાંક અદૃશ્ય થઈ જતી હતી.
સુનંદાને નદીની ગતિ પર પથરાયેલી, ઊતરતા ઑક્ટોબરની શાંતિ ગમી. નદીનાં પાણી સ્વચ્છ, ધીમાં, ને ઊંડાં ન હોવા છતા ગંભીર હતાં. સૂરજનાં કિરણો રેતીના કણના અબરખમાં ચળકી ઊઠતાં, પાણી વીંધીને છેક તળિયે પહોંચતાં, અને પછી બહાર આવી, અજવાળાની નૌકા બની, પાણીની લહેરો પર નાચતાં, કૂદતાં વહી જતાં હતાં.
પાણીનો પ્રવાહ જ્યાં પાતળો હતો ત્યાં પાટિયાં મૂકી પેલી તરફ જવાનો રસ્તો બનાવ્યો હતો. એ બાજુ કાંઠા પર નાનાં નાનાં લીલાં ઝાંખરાં ઊગેલાં હતાં, અને તેની ડાળીઓને કંઠે પતંગિયાંઓએ પાંખો પરોવી હોય, એમ પીળાં ફૂલ ઝૂલી રહ્યાં હતાં. દૂરથી જોતાં થાય, જાણે હમણાં ઊડી જશે.
ઝાંખરાં પાર કર્યા પછી વન આવતું હતું. ઘણાંબધાં વૃક્ષો હતાં. લીમડાનાં, પીપળાનાં, આસોપાલવનાં, થોડાંક શીમળાનાં અને ક્યાંક છૂટાંછવાયાં કરંજનાં. અતિ વિશાળ થડવાળું એક ગોરખઆમલીનું ઝાડ પણ હતું.
નીચેની ભોંય સાફ હતી. લોકો આવતાં ગયાં અને ‘જે જે દાક્તરસા’બ’ ‘રામરામ ડૉક્ટરસા’બ’ કહેતાં પોતપોતાનું જૂથ બનાવી જુદે જુદે ઠેકાણે બેસતાં ગયાં. સૂરજના પ્રકાશમાં તાપની તીખાશ નહોતી અને ઠંડીનો અછડતો સ્પર્શ પામેલો પવન વહેતો હતો. વનની પાર આકાશ સફેદ હતું અને ક્યાંક, જ્વલંત રંગમાં ઝબકતાં પીછાંવાળાં પંખી, નજર માંડવા જાવ ત્યાં ફફડાટ કરી બીજા વૃક્ષ પર ઊડી જતાં હતાં.
ગોવિંદ અને મણિએ આવીને સુનંદાને હાથ જોડ્યા. ગોવિંદ જરા દૂર ગયો કે મણિએ ગુસપુસ અવાજે કહ્યું : ‘દાક્તરસા’બ, તમારું કહેવું એમણે માન્યું છે. આવતી વેળાએ મને સાથે લઈ જવાના છે.’ તેનું મોં આનંદથી ચમકતું હતું.
ફાતમા આવી, ચોખ્ખાં, કાળજીપૂર્વક પહેરેલાં કપડાંમાં. સુનંદા સામે તે હસી, જરાક ઊભી અને પછી બોલ્યા વિના જતી રહી. દૂરથી અમીનાને અબ્દુલ દેખાયાં. રફીક એમની સાથે નહોતો. સુનંદાએ નજર ફેરવતાં તેને એક આસોપાલવના ઝાડ નીચે ઊભેલો જોયો. તેના હાથમાં પીળા ગુલાબનું એક બહુ જ સુંદર ફૂલ હતું. સુનંદાને થયું, હમણાંએ આવીને ફૂલ પોતાને આપશે, પણ રફીકનું ધ્યાન ક્યાંક બીજે હતું.
અને આખોયે વખત સુનંદાની આંખો, જેને તેણે કદી જોયો નહોતો તે માણસને ખોળી રહી હતી. આજે તે સત્યને જોશે. આ સમૂહમાં જ ક્યાંક તે હશે? તે ઉત્સુકતાથી માણસોના ચહેરા જોઈ રહી. સત્યને તે ઓળખી શકશે? કુમારે કહ્યું હતું — જોતાંવેંત લાગે કે કોઈક જુદા જ માણસ છે, જેની અંદર એક અજવાળું છે… એવા માણસને તો નજર પડતાં જ ઓળખી લેવાય.
સુનંદાની આસપાસ ચહેરાઓનું એક સરોવર લહેરાતું હતું; ઘણા જાણીતા, તેથી વધારે અજાણ્યા. યૂસુફ થોડા પોલીસો સાથે આવ્યોને જુદું ટોળું બનાવીને બેઠો. લલિતા દેખાઈ… તે બીજી સ્ત્રીઓ સાથે હતી.
એક ઝાડ પાસે શોભા એકલી ઊભી હતી, એકદમ ઠસ્સામાં. ઘેરા લીલા રંગની સાડી અને સોનેરી કિનારવાળા લાલ બ્લાઉઝમાં તે ખરેખર શોભી ઊઠતી હતી. તેની ફોઈએ શોભા નામ બરોબર જ પાડ્યું હતું.
સુનંદાની નજર સાથે તેની નજર મળી. તેણે દૂરથી જ હાથ જોડ્યા. તે જરા હસી. તેના એ હાસ્યમાં વિષાદ હતો.
સુનંદાને થયું — આ સ્ત્રીને કેટલા બધા કોડ હશે? પોતાની સુંદરતાના જોર પર કેટલું સિદ્ધ કરવાના તેણે મનોરથ સેવ્યા હશે? તેને કદાચ કોઈ મિલમાલિકની પત્ની બની આખી દુનિયામાં ઘૂમવાનાં સ્વપ્ન હશે, અથવા કલાકાર બની રંગભૂમિ પર કે પડદા પર ચમકવાનાં.
આ બધો ઊભરાઈ રહેલો માનવસમૂહ, નાના ગામની મર્યાદિત પરિસ્થિતિઓમાં જીવતા અને એમાં સંતોષ માની લેતા આ લોકો, જેમને તક મળી હોત તો કદાચ તેઓ ઘણી વધારે સારી રીતે જીવી શક્યા હોત. અમીના… તે કોઈ બાલગૃહ કે અનાથાશ્રમની ગૃહમાતા હોત તો તેણે કેટલાં બધાં બાળકોને માની ખોટ ન લાગવા દીધી હોત!
અને લલિતા…
તેને જો પુસ્તકોનો, વિચારોનો સંસર્ગ મળ્યો હોત! પાશ્ચાત્ય ફિલસૂફીનો નહિ; તેનું માનસ તો એકદમ આર્ય, ભારતીય નારીનું છે. તેને અહીંના તત્ત્વજ્ઞો, વિચારકો, ચિંતકોનો પુસ્તક મારફત પણ જો સંપર્ક મળ્યો હોત તો તેની આ જે શાંતિ, જે બધું સહન કરી લેવાની કેવળ શક્તિ હતી, તેમાંથી તે કેટલી આગળ જઈ શકી હોત! અસ્તિત્વની એક સંપૂર્ણ નીરવતામાં કદાચ તે પહોંચી શકી હોત, પોતાની આંતરિક શક્તિને ઊર્ધ્વમાર્ગે કેમ વાળવી તેની તેને સૂઝ મળી હોત!
અહીં ઘણા લોકો એવા હતા જેઓ પ્રથમ કોટિના માનવીઓ બની શકે તેમ હતા, પણ તેઓ બીજી, ત્રીજી, ચોથી કોટિનું જીવન જીવતા હતા!
સુનંદાનું મન જરા ખિન્ન થઈ ગયું.
અચાનક ‘હલ્લો ડૉક્ટર!’ કહેતો એક સૂરીલો અવાજ તેણે સાંભળ્યો. ‘જેજે’, ‘રામરામ’ની વચ્ચે ‘હલ્લો’ કહેનાર એ કોણ હતું?
તેણે કુતૂહલથી ડોક ફેરવીને જોયું.
આ ગામની કોઈયે રીતે ન હોઈ શકે એવી એક છટાદાર લાવણ્યમયી યુવતી તેની નજીક આવીને ઊભી રહી. ‘કેમ છો?’ તે હસી. ‘મને ઓળખી? મારું નામ પૌલોમી.’
સુનંદાને યાદ આવ્યું. શિવશંકરે પોતાની આ પુત્રીની વાત કરી હતી. તે મૈત્રીપૂર્ણ હસી. ‘તમે જ પૌલોમી છો? આનંદ થયો તમને જોઈને… તમારા બાપુએ તમારી વાત કરી હતી.’
‘હા, મારા પપ્પાની તો હું બહુ લાડકી છું.’ તે અભિમાનથી બોલી : ‘મારી બહેનોમાં કોઈ મારા જેટલું ભણ્યું નથી. હું સાઇકોલૉજી લઈને એમ.એ. કરું છું.’ બોલતાં બોલતાં તેનો નીચેનો હોઠ જરા વંકાઈ ગયો. ‘એટલે મારા પપ્પા તો મારાં જ્યાં ત્યાં વખાણ કરતા ફરે.’
એ વખતે સુનંદાએ રફીકને ફૂલ લઈને દોડતો જોયો. તે સાવ નજીક આવ્યો. સુનંદા સામે હસીને તેણે હાથ હલાવ્યો અને પૌલોમી સાથે ઘસાઈને તે આગળ નીકળી ગયો. સુનંદાએ તે જતો હતો તે દિશામાં જોયું. કુમાર ઊભો હતો. તેનું મોં અહીંથી ઠીક ઠીક દૂરથી પસાર થતા બસના મોટા રસ્તા ભણી હતું. સુનંદાનું હૃદય જરા ધડકી ઊઠ્યું. સત્ય આવ્યો હશે?
‘સાવ કેવા ગમાર છે!’ પૌલોમીએ નાકનું ટેરવું ચડાવી તેની રેશમી સાડી સંકોરી. સુનંદાનું બધું ધ્યાન કુમાર ત૨ફ ચાલ્યું ગયું હતું. તે પૌલોમીની વાત સમજી નહિ ‘શું?’ તેણે પૂછ્યું.
પૌલોમી મોં બગાડીને બોલી : ‘ગામડાંના લોકોને કેમ હાલવું ચાલવું તેનીયે સમજ મળે નહિ. તમને અહીં ગમે છે? મને તો અહીં જરા પણ ગમે નહિ. અહીં છે શું? ધૂળ અને ઢેફાં! કોઈ ઇન્ટેલિજન્ટ કંપની નહિ. હું તો માત્ર રજાઓમાં જ અહીં આવું.’ તે તુચ્છતાપૂર્વક ભીડ તરફ જોઈ રહી.
સુનંદાના મનમાં રમૂજ થઈ આવી. તે બોલી : ‘હા, મને તો અહીં ગમે છે. અહીં…’ તેની નજર ફરી કુમાર તરફ દોડી ગઈ. નવ વાગવા આવશે. સત્ય આવી ગયો હોવો જોઈએ. પોતે એને ઓળખી શકશે? હા, એ તો તરત જ ઓળખાઈ જશે. કુમાર જ લઈને આવશે… દીદી, આ મારા…
વ્યાકુળતાથી તે જોઈ રહી. કુમારની પાસે કોઈક ઊભું હોય તેમ લાગ્યું. ઝાડની આડે કશું દેખાતું નહોતું. માત્ર સફેદ વસ્ત્રનો એક છેડો. કદાચ ઝભ્ભાનો છેડો ફરકતો દેખાતો હતો.
અચાનક તેણે વસ્ત્રનો સરસરાટ સાંભળ્યો. અજાણતાં જ તે ઝાડની આડશમાં સરી ગઈ.
‘ડૉક્ટર સાહેબ, તમે પણ ગામલોકોને ઉદ્દેશીને થોડુંક બોલશો ને?’ શિવશંકરે તેની નજીક આવીને પૂછ્યું.
સુનંદા ચમકી ગઈ. ‘હું? ના… ના…’ તે બોલીને વળી પાછી તેની નજર કુમારની દિશામાં દોડી ગઈ, પણ કુમાર અહીંથી દેખાતો નહોતો.
‘કેમ, તમને ઠીક નથી? અસ્વસ્થ કેમ લાગો છો?’ શિવશંકરે એની મુરબ્બીની અદાથી કહ્યું. ‘તમે બહુ કામ કરો છો. આ તો બધું, આ રોગોને દરદીઓને એવું તો બધું ચાલ્યા જ કરવાનું. તમારે તબિયતનું ધ્યાન રાખવું જોઈએ. નહિ તો થોડા દિવસ આપણે ઘેર આવો. પૌલોમી આવી છે, તમને કંપની મળી રહેશે. એ જબરી વાતોડિયણ છે.’ તે હસ્યો. ‘લોકો તમારી બહુ પ્રશંસા કરે છે, હો! એમને મન તો તમે ધન્વંતરિ જેવાં થઈ પડ્યાં છો!’
સુનંદાને એની વાતો, એનું હાસ્ય ગમ્યાં નહિ. તેને થયું, આ માણસ અહીંથી જાય તો પોતે જ કુમારની પાસે જાય. સત્ય ત્યાં જ ક્યાંક હશે.
‘તો શું કહો છો? થોડુંક બોલજો ને! હું બોલીશ. ગફૂરમિયાં બોલશે, તમે કંઈક કહેજો. પછી તુલસીમહારાજનું કીર્તન થશે. તમે એમનું કીર્તન સાંભળ્યું છે? બહુ સારું કરે છે.’
શિવશંકરના શબ્દો હવાનો થડકો બની સુનંદાના કાન પર પડતા હતા અને પાછા હવા બનીને ઊડી જતા હતા. તે સાંભળતી હતી, પણ વાત પકડી શકતી નહોતી. તેનાં કાન, તેનું મન, તેની સકળ ઇન્દ્રિયો પૂરની જેમ, વેગપૂર્વક બીજી દિશામાં ધસી રહ્યાં હતાં.
તેણે થડને ટેકો દીધો. ‘ના, ઠીક નથી. મને કાંઈ બોલવાની ઇચ્છા નથી.’
શિવશંકરના મોં પર ચિંતા તરી આવી. તેણે કહ્યું : ‘ચાલો, તમે ત્યાં ખુરશીમાં બેસો. તમારે માટે ત્યાં ખુરશીની વ્યવસ્થા છે. વખત પણ થઈ ગયો છે. હમણાં જ કાર્યક્રમ શરૂ થશે.’
ના છૂટકે સુનંદા તેની સાથે ચાલી. સમૂહ વચ્ચેથી માર્ગ કરતો, વાંકાચૂંકા રસ્તેથી ચાલતો શિવશંકર એક ખુલ્લી જગ્યામાં ખુરશી ગોઠવી હતી ત્યાં તેને લઈ ગયો અને આદરપૂર્વક તેને ખુરશી પર બેસાડી. ત્યાંથી સુનંદાએ વળી કુમારની દિશામાં જોયું, પણ ત્યાંથી કશું જ દેખાતું ન હતું. એક નિશ્વાસ નાખી તેણે હૃદયની ઊથલપાથલ શમાવવાનો પ્રયત્ન શરૂ કર્યો.
અચાનક કોઈએ કાંઈ કહ્યું અને એકદમ શાંતિ છવાઈ ગઈ. જુદી જુદી ટોળીઓમાં બેઠેલાં લોકો બધાં નજીક ખસ્યાં અને ખુરશીઓ હતી તે તરફ મોં કરીને ગોઠવાઈ ગયાં. ખુરશીઓની ડાબી બાજુએ પાટ ગોઠવી હતી. સુનંદાનું ધ્યાન નહોતું. હવે તેણે જોયું. તુલસી મહારાજ પાટ પર બેઠા હતા. હાથમાં મંજીરાં હતાં. પાછળ એક માણસ તંબૂર લઈને બેઠો હતો. બીજા પણ ત્રણેક જણ હતા. મહારાજનો ચહેરો શાંત, વિનમ્ર હતો. તેમની આંખો ઢળેલી હતી. સફેદ પાઘડીથી માથું મોટું લાગતું હતું, પણ એ મોટા માથા નીચે મોં કાંઈક નાનું અને તેણે કલ્પ્યું હતું તેથી વધુ યુવાન હતું.
મીરાંના ભજનથી તેમણે શરૂઆત કરી :
‘સુખડાં અમારાં તલ મગ જેવડાં, ને દુઃખડાં મેરુ સમાન!’
તેમનો અવાજ ઊંડો ઘેરો હતો, ને તે ઝરણની જેમ શરૂ થઈ દરિયાની જેમ ચારે તરફ સ્વરનાં મોજાં ઉછાળી રહ્યો. ભજનના સાવ સાદા શબ્દોને તેમણે ભાવનાના આરોહ-અવહોરથી જીવંત અને ચમકતા બનાવી દીધા. તેમના સ્વરો ઊંચે ઊડવા લાગ્યા. જાણે માત્ર શબ્દો જ નહિ, સ્વરો પણ ઈશ્વરની સ્તુતિ હોય. પંખીની જેમ ઊંચાઈઓમાં પાંખ વીંઝતા સ્વરો, વરસાદની જેમ ઝરી જતા સ્વરો, ધીમે ધીમે પાછા ખેંચાઈ જઈ કંઠના કોટરોમાં જંપી જતા સ્વરો…
સુનંદા સામે એક નવી જ સૃષ્ટિ ઊઘડી અને તે એનાં ઉડ્ડયનો અને ઊંડાણોમાં સ્વરની સાથેસાથે ફરી રહી.
તેને પૌલોમીના શબ્દો યાદ આવ્યા — આ ગામમાં શું છે? ધૂળ અને પથરા!
આ ગામમાં કેટલાં રત્નો હતાં, જે સંયોગોનાં ચીંથરાં વડે ઢંકાઈ રહ્યાં હતાં! અને છતાં તેમનું મૂલ્ય ઓછું નહોતું.
તેને અંજનાશ્રીના શબ્દો યાદ આવ્યા. એક એક વસ્તુને, નાનામાં નાની વસ્તુને પણ પોતાનો અર્થ છે, પોતાનું સંગીત છે, પોતાનું અજવાળું છે. પણ આપણે વસ્તુઓમાં અટકી પડીએ છીએ, એથી અજવાળા સુધી પહોંચી શકતાં નથી.
તો શું દરેક માણસની અંદર પણ કોઈક અજવાળું હોય જ છે, જેને માણસ પોતે જ પામી શકતો નથી?
તુલસી મહારાજે ભજન પૂરાં કરી, કીર્તન શરૂ કર્યું : હરિ માધો… હરિ માધો…
સુનંદા આસ્તિક નહોતી, પરમાત્માની ભક્તિનો ભાવ, એની ઉત્કટતા, કશું તેને કદી સ્પર્શ્યું નહોતું. આજે પણ તેના મનમાં એવી કોઈ ભક્તિ ન જાગી; પણ તુલસી મહારાજના શબ્દો ને સ્વરો અને ઊર્મિનો પ્રવાહ તેને એક વિશાળતા ભણી લઈ ગયા, જેમાં આકાશની શાંતિ અને કશીક શાશ્વતીનો ધ્વનિ હતો.
તેણે આટલું હૃદયસ્પર્શી કીર્તન સાંભળવાની અપેક્ષા રાખી નહોતી.
એકાએક તે જાગી.
ડાબી બાજુ, ભીડને છેડે કુમારને તેણે ઊભેલો જોયો. બાજુમાં રફીક હતો. તેના હાથમાં સવા૨થી ઝબકી રહેલું પેલું ગુલાબનું ફૂલ નહોતું.
સુનંદાને થયું — રફીકે એ ફૂલ સત્યને જ આપ્યું હશે. તેની નજર ભીડમાં ઘૂમી રહી. ગુલાબનું ફૂલ જેના હાથમાં હોય, તેવી કોઈ વ્યક્તિ…
કીર્તન પૂરું થયું.
સુનંદાનાં નેત્રો બધે ૨વડીને પાછાં આવ્યાં. જેને તે જોવા ઇચ્છતી હતી તેનાં દર્શન થયાં નહિ. તે અહીં જ હોય અને પોતે તેને ઓળખી કાઢી ન શકે એમ બને? કુમારે તો તેના વ્યક્તિત્વની જ વાત હંમેશાં કરી હતી. ચહેરાની, દેખાવની વાત કરી નહોતી.
શિવશંકર બોલવા ઊભો થયો. તેણે ગામની એકતા અને હિન્દુ-મુસલમાનનો કેવો ભાઈચારો અહીં છે, અહીં કેવી એક નવી પરંપરા સર્જાઈ છે, સ્વરાજ્ય મળ્યા પછી તો હવે એ પરંપરા ખાસ ટકાવી રાખવાની છે, વગેરે વગેરે બાબતો વિશે ભાષણ આપ્યું. તેના પછી ગફૂરમિયાંએ ઊભા થઈ શિવશંકરનાં વખાણ કર્યાં અને આ ગામમાં એક કુટુંબ જેવું જે વાતાવ૨ણ હતું તેનું શ્રેય તેને આપ્યું. પછી નિશાળના હેડમાસ્તરે શિક્ષણ અને સંસ્કારનો મહિમા સમજાવ્યો, અને આજના શુભદિને બધાંને સારાં બનવાનો અને ગામનું હિત હૈયે ધરવાનો સંકલ્પ કરવાનું કહ્યું.
ત્યાર પછી તરત જ ધમાલ મચી ગઈ. હવે નાસ્તાનો કાર્યક્રમ હતો. બધાં તેની તૈયારીમાં પડી ગયાં.
માણસો જરા વિખરાતાં જ કુમાર સુનંદા પાસે આવ્યો. ‘દીદી, સત્યભાઈ આવેલા.’
સુનંદાનું હૃદય ચિત્કારી ઊઠ્યું — મળ્યાયે નહિ! પણ તેણે તે પ્રગટ કર્યું નહિ. શાંત કંઠે બોલી : ‘રોકાયા નહિ?’
‘રોકાયા નહિ, દીદી! આવીને ચાલ્યા ગયા. કોઈનેય મળી શક્યા નહિ. એક બાઈને ધનુર થયું હતું, તેને કોઈકની ગાડીમાં મોટા દવાખાને લઈ જતા હતા. વચ્ચે ગાડી ઊભી રખાવીને કહેવા આવેલા કે આજે નહિ આવી શકું. દીદી, તમે ત્યારે ક્યાં હતાં? અમે તમને ઘણું શોધ્યાં, પણ તમે દેખાયાં નહિ. સત્યભાઈ કહે — તારાં દીદીને મળવાનું ખાસ મન હતું. પણ એમને મોડું થતું હતું. ધનુરનો કેસ હતો ને! મેં બહુ નજર ફેરવી, પણ આ ટોળામાં તમે ક્યાંય દેખાયાં નહિ, નહિ તો બે મિનિટ પણ મળી લેવાત.’
હવે ફરી ક્યારે આવશે? સુનંદાનું હૃદય અંદર ને અંદર બોલી રહ્યું.
પછી તે સજાગ થઈ ગઈ. વેદનાથી તે પોતાને પૂછી રહી : સત્ય કોણ? પોતાને ને એને શું? એને જોવાની આટલી બધી આકુળતા શા સારુ?
તેને કોઈક એકાંત ખૂણે જઈને રડી લેવાનું મન થયું.
હૃદયમાં આટલી બધી આકુળતા, આટલો બધો અજંપ, આટલી ઊથલપાથલ.
અને એને એ ક્યાંય વ્યક્ત કરી શકે નહિ. પીડામાં ઓગળી જતા તેના સ્ત્રીત્વ ૫૨ ડૉક્ટરનાં સ્વસ્થ, સુઘડ, વ્યગ્રતાની એક પણ કરચલી વગરનાં વસ્ત્રો પહેરાવી રાખવાનાં!
તેણે મુખ બીજી દિશામાં ફે૨વી લીધું.
[
સુનંદાને કશું ખાવાનું મન નહોતું. તે લલિતા પાસે જઈ કંઈક વાત ક૨વાના હેતુથી તે તરફ ચાલી. વચ્ચે શીમળાના વૃક્ષ નીચે હરિદાસ એકલો ઊભો હતો. સુનંદાને જોતાં જ તે એક મધુર હાસ્ય હસ્યો. સુનંદા અનાયાસ તેની પાસે ૨ોકાઈ ગઈ. ‘હરિદાસ, શું કરે છે?’
‘કંઈ નહિ, બહેન! જોઉં છું.’
‘શું જુએ છે?’
‘કંઈ નહિ, અમસ્તું જ, આ આકાશ અને નદી…’ તે ફરી હસ્યો. સુનંદાને તેનું એ હાસ્ય જોઈને થયું — જાણે પુષ્પોથી ખીલી ઊઠેલો બાગ. સ્નેહથી તે બોલી : ‘કશું કામ નથી કરતો, હરિદાસ?’
હરિદાસ તેની ગોળ નિર્મળ આંખોએ સફેદ આકાશ તરફ તાકી રહ્યો. પછી બોલ્યો : ‘શી જરૂર છે, બહેન? મઝામાં છું.’
પૌલોમી તેની પાસે આવી. ‘તમે ડૉક્ટર, અમારી જોડે થોડોક નાસ્તો નહિ કરો? અમે ત્યાં બેઠાં છીએ.’ તેણે ગોરખઆમલીના વિશાળ થડ તરફ હાથ લાંબો કર્યો.
આહ! સુનંદાના હૃદયને ધક્કો લાગ્યો.
તેણે જોયું — પૌલોમીના લાંબા થયેલા હાથની એક આંગળી પર, વટાણાના દાણા જેવડો એક સફેદ ડાઘ હતો.
સુનંદાની તબીબી નજરે એ ડાઘ પારખી લીધો. એક ક્ષણ તે કમકમી ગઈ. આ અભિમાની ને છીછરી લાગતી, સુંદર અને આશાઓથી ભરેલી તરુણ સ્ત્રી શું એક દિવસ કુષ્ઠરોગથી ઘેરાઈ જશે? તેની આ શ્યામ, સ્નિગ્ધ, ચમકતી ત્વચા એક દિવસ સફેદ અને કાંતિહીન બની જશે?
તેને પૌલોમી માટે લાગણી થઈ આવી. એ રોગની ગતિ બહુ તેજ હોય છે. થોડા જ વખતમાં કદાચ… રોગ જો અટકાવી નહિ શકાય તો…
સ્ત્રીને માટે કુરૂપતા એ કેવડો મોટો અભિશાપ!
એ અભિશાપને લીધે તેમનું જીવન અફળ થઈ જાય. સંસારમાં તેમને કોઈ ચાહે નહિ. જે જગતમાં તે પોતાની અભિવ્યક્તિ પામી શકે તે પ્રેમના જગતમાંથી તેમનો બહિષ્કાર થઈ જાય.
દુનિયામાં જે હજારો કુરૂપ સ્ત્રીઓ, શીતળાનાં ચાઠાંવાળી, દાઝેલાં અંગોવાળી, રોગથી ક્ષત બનેલી — તેમને માટે પરિપૂર્ણ જીવનની તક ક્યાં છે? સંભાવનાનું દ્વાર ક્યાં છે?
તેને થયું — પોતે પુરુષ હોય તો દુનિયાની સઘળી કુરૂપ સ્ત્રીઓને પ્રેમ કરે, હૃદય ભરીને પ્રેમ. એકસાથે હજાર સ્ત્રીઓને તે પ્રેમ કરી શકે, કારણ કે, તેનો પ્રેમ શરીરનો પ્રેમ નહિ હોય —
‘આવો છો ને, ડૉક્ટર?’ પૌલોમી અધીરતાથી બોલી. સુનંદા તેને નિહાળી રહી. આ ચબરાક, પોતાને બુદ્ધિમાન માનતી છોકરી શું જાણતી હતી કે…
પોતે તેને કહેવું જોઈએ? કહીને તેનો ઉલ્લાસ છીનવી લેવો જોઈએ?
તે બોલી : ‘ચાલો, આવું છું.’
જતાં જતાં વચ્ચે તેણે યૂસુફને જોયો. તે બહુ જ આનંદથી ખાઈ રહ્યો હતો. તેણે ન ખાવી જોઈએ તેવી વસ્તુઓ જરા પણ ખ્યાલ વગર, જરા પણ થડકાર વગર ખાઈ રહ્યો હતો.
તે પણ શું જાણે છે…
તેના મનમાં ફરી એ જ પુરાણો પ્રશ્ન ઊઠ્યો. શા માટે બધા જ લોકોને દુઃખ સહેવાનું હોય છે?
દુનિયામાં માણસના જીવનમાં દુઃખ શા માટે હોય છે? હજારો વાર તેણે વિચાર કર્યો છે, પણ તેને સંતોષકારક ઉત્તર મળ્યો નથી.
કદાચ અંજનાશ્રી તેનો ઉત્તર આપી શકે.
કદાચ સત્ય…
એક વાર જો સત્ય ને મળી શકાય!