પરોઢ થતાં પહેલાં/૧૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૩

પૌલોમીએ કશું કહ્યું નહોતું, તોપણ સુનંદા તેની રાહ જોઈ રહી. આજે નવા વરસનો દિવસ હતો. ઘણાંબધાં લોકો તેને સાલ મુબારક કહેવા આવ્યાં. સૌથી પહેલો રફીક હતો. તે દિવસે તે ફૂલ લાવેલો, તે સુનંદાને ગમ્યાં હતાં એ તે જાણી શક્યો હતો, એટલે આજે તેના હાથમાં એવાં જ ફૂલોનું મોટું ઝૂમખું હતું. પીળાં ને કેસરી ફૂલોને દાંડીએથી વ્યવસ્થિત ગોઠવી ફરતાં પહોળાં પાન મૂકી દોરાથી બાંધ્યાં હતાં. દવાખાનામાં ખાલી થયેલી શીશીઓ ક્યાં પડી રહેતી હતી તેની રફીકને ખબર હતી. એક પહોળી શીશીમાં થોડું પાણી નાખી, તેમાં ફૂલ ગોઠવી તેણે ટેબલ ૫૨ મૂક્યાં અને પછી સુનંદાની શાબાશીની રાહ જોતો, મરકતો ઊભો રહ્યો. સુનંદાએ હેતથી તેના ખભે હાથ મૂક્યો. ‘વાહ રફીક, આજે પણ મણિએ તને ફૂલ આપ્યાં?’ રફીક અભિમાનથી બોલ્યો : ‘ના દીદી, આજે તો હું જ લઈ આવ્યો. સવારે ચાર વાગ્યે અમ્માએ ઉઠાડેલો. ગોવિંદના ખેતરે દોડતો જઈને લઈ આવ્યો. અમ્માએ દોરો બાંધીને ગુચ્છો બનાવી આપ્યો.’ ‘પણ ગોવિંદને કહ્યા વગર?’ ૨ફીક જરા ગૂંચવાયો. ‘એમાં ગોવિંદને શું કહેવાનું, દીદી? એને ત્યાં તો કેટલાંયે ફૂલ ઊગે છે ને ખરી પડે છે. કોઈ એની તરફ ધ્યાન પણ આપતું નથી.’ ‘તોપણ પૂછવું તો જોઈએ ને?’ ‘પણ શું કામ, દીદી? એ તો એને નાખી દે છે. એને મન તો આ કચરો છે.’ સુનંદા મનમાં હસી. રફીકની આ વાત બીજી પણ કેટલી બધી પરિસ્થિતિઓના સંબંધે સાચી હતી! એક વાર જે કોઈનું થઈ ચૂક્યું, તેની પછી એ કોઈકને કિંમત હોય કે ન હોય, તે એને ધૂળમાં ફેંકે કે પગ તળે કચડે… તે ચાલે. પણ બીજું કોઈ એને ઊંચકીને માથે ચડાવવા જાય તો સહેજે સહેજે ચડાવી ન શકે. તેને લલિતા યાદ આવી. આજે તો તેની ઉંમર મોટી છે, પણ લગ્ન કર્યાં ત્યારે તે પણ કળી જેવી હશે. બીજા કોઈ સહૃદય પતિએ તેને રત્નની જેમ હૃદય પર ધારણ કરી હોત! એ સ્ત્રી એટલી બધી ભરેલી હતી! ધાનના ભરેલા ખેતર જેવી! એક લાગણી વાવો તો વળતી સોગણી લાગણી આપે તેવી, સ્નેહ ને ઉદારતામાં વિપુલ. પણ હવે તે દીપચંદના ઘરમાં જ રહેશે. અહીં તેની બધી સુંદરતા ધૂળ, કાદવ, કીચડમાં રગદોળાય, તોયે તે ત્યાંથી બહાર નીકળી શકશે નહિ. નિષ્ઠા! આ નિષ્ઠા પણ એક પિંજર બની જાય છે અને આપણે એ પિંજરને ચાહવા લાગીએ છીએ — અંજનાશ્રી એ કહ્યું હતું. છીછરા આવેગો, સ્વાર્થ, ચંચળતા, નિરંકુશતાને છૂટો દોર ન મળે તે માટે થઈને એક પવિત્ર બંધન રચવામાં આવ્યું હતું. પણ કેવળ બંધન તરીકે કદાચ કોઈ બંધન પવિત્ર હોઈ શકે નહિ. તો શાના વડે એક માણસ બીજા માણસ પ્રત્યે કર્તવ્ય શીલ, જવાબદાર, કાળજીપૂર્ણ રહી શકે? શાના વડે સંબંધો ટકી શકે? આ ગામમાં આવ્યા પહેલાં તેણે આ વિષે ઘણી વાર વિચાર્યું હતું ને તેને ઉત્તર નહોતો મળ્યો. આજે તેના મનમાં જવાબ આવ્યો : આનંદ અને પ્રેમથી સભર બનેલા હૃદય વડે, જેમાં બધા સ્વાર્થ પાતળા પડી જાય છે, જે માણસને તેની ઇચ્છાઓની સીમાઓમાંથી મુક્ત કરે છે અને તેને વધુ ઊંચા, વધુ તેજોમય જીવન પ્રતિ નિરંતર વહેવા પ્રેરે છે. માણસની ઇચ્છામાં જ્યારે પોતાની ઇચ્છા સિવાય બીજા કોઈની ઇચ્છાનો સમાવેશ થતો નથી ત્યારે તે સ્વાર્થના નીચલામાં નીચલા પગથિયે ઊભો હોય છે. તેની ઇચ્છા જ્યારે વિશ્વપ્રકૃતિની ઇચ્છામાં ભળી જાય છે ત્યારે તે મુક્તિના ચરમ શિખરને પામે છે. આ બે સ્થિતિની વચ્ચેનાં હજારો પગથિયાં રોજ ને રોજ ચડતાં જવું — તે જ જીવનની ગતિ છે, દિશા છે, સાર્થકતા છે. પૌલોમીએ કહેલું — આ ગામમાં તો ખાલી ધૂળ ને ઢેફાં છે. પણ સુનંદાને અહીં જ ઘણાં સત્યો મળ્યાં હતાં. પૌલોમી. સુનંદાને યાદ આવ્યું. તે એની વાટ જોઈ રહી હતી. પૌલોમીએ કાંઈ કહ્યું નહોતું તોપણ એને આશા હતી કે કદાચ તે આવશે. ઘણાંબધાં લોકો આવી ગયાં, લલિતા અને દીપચંદ પણ સાથે આવી ‘જેજે' કરી ગયાં, પણ પૌલોમી દેખાઈ નહિ. સુનંદાને એ છોકરી માટે મમતા થઈ આવી હતી. છ મહિના પછી પોતાની શી સ્થિતિ હશે તેની પૌલોમીને કદાચ પૂરી ખબર નહોતી, પણ સુનંદાને ખબર હતી. એનો રોગ, જે આજે એક નાના ડાઘના રૂપમાં જ હતો, તે એક દિવસ ફેલાઈને એના સર્વાંગને ગ્રસી લેશે. તે દિવસે આ છોકરીનું અભિમાન, આડંબર, તેનો દર્પ, પોતે બીજાથી ઉચ્ચ છે તેવું મિથ્યાભાન, એ બધું દીવાલને લગાડેલા પ્લાસ્ટરની જેમ પોપડા થઈને ખરી પડશે. પછી શિવશંકર તેની એ લાડલી દીકરીનાં બધે વખાણ કરતો નહિ ફરે. સુનંદા પોતાના વિચારથી જ જરા ચોંકી ગઈ. તો શું પૌલોમીનું આ અભિમાન, તેની છટા, ચબરાકી, ઉપરનું એક પડ જ હતાં? તેની નીચે ભય? પીડા? અસહાયતા? અને યૂસુફની આ બેદરકારી, બેપરવાઈ, શારીરિક બળ, રોગ પ્રત્યેની ઉપેક્ષા, બીજાઓને દબડાવતું, દમ છાંટતું સત્તાભાન, તેનો દોરદમામ, એ પણ એક ઉપરનું પડ છે? તેની નીચે શું? મૃત્યુનો ભય? દુઃખ સમક્ષ નિઃસહાય નિર્બળતા? જે દિવસે તેના અલ્સરની ઉગ્રતા વધી જશે અને એની આકરી વેદના સમક્ષ તે લાચાર બની જશે તે દિવસે તેને પોતાનાએ સાચા સ્વરૂપનો ખ્યાલ આવશે? સુનંદાના મનમાં એક સમજ ઝબકી. તો શું માણસને દુઃખ આવી પડે ત્યારે જ તેનું સાચું રૂપ પ્રગટ થાય છે? ત્યારે જ તે પોતાના યથાર્થ રૂપને પામે છે? અને… દુઃખ શું એટલા માટે જ આવે છે કે માણસ પોતાના સાચા રૂપને જોઈ શકે? પણ માણસ શું ખરેખર પોતાના સાચા રૂપને પામે છે? ના, યૂસુફ દવા લેશે, તેનો રોગ મટી જશે અને પાછો તે હતો તેવો બની જશે. પાછો તે બડાશ હાંકશે અને બાવડાં ફુલાવીને અહંકારથી કહેશે : આ શરીર તો જુઓ! દુઃખ કદાચ માણસને તેના સાચા સ્વરૂપની પિછાણ આપવા આવે છે, પણ દુઃખથી ભય પામીને માણસ ઝટ તેનાથી છૂટવાનો પ્રયત્ન કરે છે. અને તેથી દુઃખનું આવવું સાર્થક થતું નથી. તેથી જ તે ફરી ફરી આવ્યા કરે છે. દુઃખમાંથી નાસી છૂટવાને બદલે, એના ઘોર એકાંતની વચ્ચે બેસી, માણસ પોતાની ગાઢ અતલ એકલતામાં પોતાના સ્વરૂપનો સાચો પરિચય મેળવી લે, તો પછી દુઃખની કામગીરી પૂરી થાય. તો તે ફરી ફરી દ્વારે આવીને ઊભું ન રહે… કદાચ… ‘દીદી!’ સુનંદાએના વિચારવહેણમાંથી બહાર આવી. હવે દવાખાનામાં કોઈ નહોતું. ગામનાં ઘણાંખરા લોકો તેને મળવા આવી ગયાં હતાં. આ બધોયે વખત કુમાર કાઉન્ટર પાછળ જ બેસી રહ્યો હતો. સવારે આવતાંવેંત તેણે સુનંદાને પ્રણામ કરી તેના આશીર્વાદ માગ્યા હતા. તે પછી તે સામે આવ્યો જ નહોતો. રોજ તો બોલવાની એક મિનિટ પણ મળે તો મૌનમાં ન વેડફે તે આ છોકરો આજે જરા શાંત હતો. સુનંદાના ટેબલ સામેના બાંકડા પર બેસીને તે બોલ્યો : ‘દીદી, શિવશંકરે કાલે શું ભાષણ ઝાડ્યું?’ ‘તેં સાંભળ્યું નહોતું?’ ‘ના, હું આઘે હતો. ત્યાં સુધી અવાજ નહોતો પહોંચતો. શું કહ્યું તેણે?’ ‘ખાસ કાંઈ નહિ. આ ગામમાં હિન્દુ-મુસલમાન વચ્ચે કેવી એકતા જળવાઈ છે; અને હવે સ્વરાજ્ય પછી પણ બધાએ ભાઈ ભાઈ બનીને રહેવાનું છે, વગેરે…’ કુમાર મોટેથી હસવા લાગ્યો. ‘હસે છે કેમ? કશું ખોટું કહ્યું એમણે? મેં તો કોઈ જગ્યાએ આવી રીતે હિન્દુ-મુસલમાન આમ સહિયારી રીતે ઉત્સવ ઊજવતા હોય, તેવું જોયું નથી. લલિતા ને અમીના ને અબ્દુલ ને દીપંચદ — બધાં કેટલી સહજતાથી એક સ્થળે બેસીને ખાતાં હતાં!’ ‘અને પેલા ગફૂરમિયાંએ શિવશંકરનાં વખાણ કર્યાં હશે!’ ‘હા, તેણે કહ્યું કે આ સંપ ને સહકાર શિવશંકરના પ્રતાપે છે.’ કુમારનું મોં જરા તંગ થઈ ગયું. ‘દીદી, આ બધા લોકો સાવ જૂઠા છે. ઉપરથી નીચે સુધી નર્યા દંભથી ભરેલા છે. હું એ બધાને ઓળખું છું.’ ‘મને તો એવું લાગ્યું નહિ.’ ‘તમને ન લાગે, તમે તો બધાને તમારા જેવા સારા માનીને જ ચાલો છો. અને શિવશંકરને ઓળખવો સહેલ નથી. તમને ધીમે ધીમે ખ્યાલ આવશે. એ દીપચંદથી એકદમ જ સામા છેડાનો માણસ છે. દીપચંદનો લોભ, તેની ક્ષુદ્રતા બધું તેના મોં પર ખુલ્લું વંચાય. શિવશંકરના સ્વાર્થ પર તો સાત વસ્ત્રો ઓઢાડેલાં છે. એ સામા માણસનું જીવન ખેદાનમેદાન કરી રહ્યો હોય તોપણ એવી સફાઈથી કરે કે બિચારા પેલા માણસને એમ લાગે કે શિવશંકર પોતાનો હિતેચ્છુ છે, અને પોતાનું જીવન નષ્ટ થઈ રહ્યું છે, તેમાં પોતાનો જ વાંક હશે.’ સુનંદા કોઈ પણ માણસ વિષે, તે આત્યંતિક રીતે ખરાબ હોઈ શકે તેવું માની શકતી નહિ. તેણે કહ્યું : ‘લોકો તરફ તું જરા અનુદાર હોય તેમ ન બને, કુમાર? તું માને છે એટલા બધા લોકો ખરાબ ન પણ હોય…’ તે કહેવા જતી હતી — છેવટ જુઓ તો દુષ્ટમાં દુષ્ટ માણસ પણ પોતાના અંતરના કોઈક ખૂણે દુઃખી હોય જ છે. પણ તેને લાગ્યું કે કુમાર આજે જરા અસ્વસ્થ છે, પોતાની વાતથી જુદી વાત સાંભળવાની અત્યારે તેની તૈયારી નથી. ‘હું પૂરતો ઉદાર ન હોઉં તેમ બને, પણ આ લોકો તો નર્યા સ્વાર્થી અને ડોળઘાલુ છે, તે હું જાણું છું. દીપચંદ કરતાં આવા લોકો વધુ ભયંકર હોય છે. આ શિવશંકર પૈસાવાળો છે ને ગફૂરમિયાં પાસે દુર્જનની પાસે હોય તેવી શક્તિ છે. બન્ને બહારનાં શહેરોમાં માલ મોકલવાનું કામ કરે છે, વેપા૨ીઓને પૈસા ધીરે છે, પૈસાનું મોટા પાયે રોકાણ કરી શકે છે. તેથી આ ગામના વેપારીઓ તેમના હાથમાં છે. અને ખેડૂતોને વેપારીઓની જરૂર છે, તેથી તેઓ એમની સાથે સારાસારી રાખે છે. ખેડૂતોમાં વધારે મુસલમાન છે. દીદી, આ સંપ ને ભાઈચારો અને એક જ દેશનાં સંતાનો — એ તો ઠાલી વાતો છે. આવતી કાલે શિવશંકર અને ગફૂરમિયાં વચ્ચે કોઈ પણ કારણે ઝઘડો થાય તો આ બધી એકતા અને દેશપ્રેમની વાતો ફુગ્ગાની હવા પેઠે આકાશમાં વેરાઈ જાય. આ ઉત્સવો અને ઉજાણીઓ અને દેખીતો મેળ, એ તો ઉપરનું એક આવરણ છે, શિવશંકર અને ગફૂરમિયાંના સંયુક્ત સ્વાર્થે રચેલું આવરણ છે. એ સુમેળની ચાદરનો એક છેડો ઊંચો કરીને જોઈએ તો દરેક માણસ બીજાથી અલગ દેખાય. મને તો દીદી, બે જાતિઓ કે બે ધર્મો કે બે પક્ષો મળી શકે એ વાતમાં વિશ્વાસ જ નથી. કોઈ એક જાતિના હોવું એટલે જ બીજાથી અલગ હોવું. એ અલગતાના પાયા પર એકતાની ઇમારત શી રીતે બાંધી શકાય? ગાંધીજી ભલે ને ગમે તેટલી મહેનત કરે…’ ‘બે જાતિઓ મળી ન શકે, પણ તેઓ સાથે તો રહી શકે, પરસ્પરને નુકસાન પહોંચાડ્યા વગર, એકબીજા પ્રત્યે આદર ને સ્નેહ રાખીને જીવી તો શકે! માણસને બીજા માણસ સાથે જોડનારું તત્ત્વ છેવટ તો તેનું મનુષ્ય હોવાપણું જ છે ને!’ ‘પણ દીદી, આ જોડનારા તત્ત્વને સ્વાર્થ રોજ રોજ છિન્નભિન્ન કરતો રહે છે તેનું શું? મોટા ભાગના માણસો તો પોતાનો લાભ શામાં છે તે જ જુએ છે. આપણે ત્યાં વિવિધતા હેઠળ રહેલી એકતાની બહુ વાતો થાય છે, પણ હું ઉપરછલ્લે દેખાતી એકતા હેઠળ વિવિધ સ્વાર્થોની કેટલી ખેંચતાણ છે, તે જ જોઉં છું. જુઓ દીદી, આ વેપારીઓ અને ખેડૂતો વચ્ચે કાલે તકરાર થાય તો શિવશંકર ને ગફૂરમિયાં એક પક્ષમાં હશે, પણ પરમ દિવસે હિન્દુ-મુસલમાન વચ્ચે ઝઘડો થાય તો તેઓ સામસામ આવી જશે. પછીના દિવસે ગંગાચોક અને કૈલાસચોક વચ્ચે ઘર્ષણ થાય તો વળી બન્ને એક તરફ થઈ જશે. કારણ, બન્ને ગંગાચોકમાં રહે છે. અને કદાચ એ બે ઘરની સ્ત્રીઓ વચ્ચે ઝઘડો થાય તો ફરી તે બન્ને એકમેકની સામે આવી જશે. હું તો રોજ આ ખેંચતાણ નાનામોટા રૂપે જોયા કરું છું. મને તો બે જાતિના મિલનમાં જરાયે વિશ્વાસ નથી… એકતા ને બંધુત્વ જેવા કોઈ વિચારના જોરે ઊભા કરેલા મિલનમાં તો નહિ જ.’ ‘તું બહુ અશ્રદ્ધાળુ છે કુમાર, બે જાતિના મિલનમાં તને શ્રદ્ધા નથી તો શામાં શ્રદ્ધા છે?’ ‘બે વ્યક્તિઓના મિલનમાં. દીદી, હું અશ્રદ્ધાળુ નથી. આ એક બાબતમાં મને બહુ શ્રદ્ધા છે. એક માણસના બીજા માણસ માટેના નિઃસ્વાર્થ પ્રેમમાં. એટલે એમ જુઓ તો હું અશ્રદ્ધાવાદી નહિ, પ્રેમવાદી છું.’ ‘બે માણસ વચ્ચે પ્રેમ હોઈ શકે તો બે સમૂહ વચ્ચે પ્રેમ ન હોઈ શકે?’ ‘હોઈ શકે, દીદી! તમે મોટાં છો, વિશાળ દુનિયામાં રહ્યાં છો. હું તો બહાર બહુ ઓછું ફર્યો છું, માત્ર આ ગામને જાણું છું. અહીંની નાની લાઇબ્રેરીમાંથી ચારસોપાંચસો ચોપડાં વાંચ્યાં હશે. પણ મને લાગે છે, આ ગામનો નાનો સમાજ આખાયે માનવસમાજનું પ્રતિબિંબ પાડે છે. દુનિયાના કોઈ પણ ખૂણે જે હોય — નિર્દય નઠોર હિંસાથી માંડી પ્રેમ ને માનવતાનો શ્રેષ્ઠ આવિર્ભાવ — તે અહીં છે. અહીં એક છેડે શિવશંકર ને દીપચંદ છે તો બીજે છેડે સત્યભાઈ પણ છે. હું તમને કહું છું દીદી, સ્વરાજ્ય હવે આવી ગયું છે, હિન્દુ-મુસ્લિમ એક હોવાનો દેખાવ કરવાની જરૂરિયાત પૂરી થઈ છે. હું તમને ખાતરીપૂર્વક કહું છું કે આ ગામમાં, જ્યાં આવી ‘સરસ’ પરંપરાઓ છે.’ તે સરસ શબ્દ પૂરતા કટાક્ષથી બોલ્યો : ‘હા, આ ગામમાં તોફાન, અશાંતિ, તકરારો થશે અને આ બધાં દંભનાં આવરણો ચિરાઈ જશે. બે સમૂહ વચ્ચે કેટલો પ્રેમ હોઈ શકે તે ત્યારે જણાશે.’ કુમારના બોલવામાં એક જુદા પ્રકારનું જોશ હતું, જે સુનંદાએ આ પહેલાં જોયું નહોતું. એ જોશ પાછળ કોઈક સધ્ધર આધાર હોય, કોઈ ચોક્કસ માહિતીનો આધાર હોય તેમ તેને લાગ્યું. આ ગામમાં કદાચ છાની રીતે અનેક વસ્તુઓ ચાલી રહી હતી પણ તેની પોતાને ખબર નહોતી. કુમારના અવાજની આ કરડાઈ પણ તેણે આજે જ સાંભળી. આવું તેનું સ્વરૂપ આજે જ જોયું. માણસનાં કેટલાં સ્વરૂપ હશે? એના સાચા સ્વરૂપ પર કેટલા થર ચડેલા હશે? એક કરતાં તો વધારે જ. સાવ ઉપર સત્તાનું, અભિમાનનું, સફાઈનું, હસમુખાપણાનું સ્તર… નીચે સ્વાર્થનું. તેની નીચે ભય, સલામતીની વ્યાકુળતા, દુઃખનું… તેની નીચે–? અંજનાશ્રી કહેતાં હતાં તેમ… અજવાળું, જે તેમણે મેળવ્યું છે. અને કદાચ… તે જરા ખમચાઈ. કદાચ સત્યમાં પણ એ અજવાળું હોય. અચાનક તેને રંજ થઈ આવ્યો. મળવા જેવી એક વ્યક્તિ આ ગામની નજીકમાં જ ક્યાંક હતી, અને તેને મળી શકાતું નહોતું. કુમારને પોતે ઉત્તર આપી શકી નહોતી. કુમારની વાતોથી મનમાં સત્યની એક બહુ જ ઉજ્જ્વલ છબિ અંકાઈ છે. પરમ નિર્ભયતા અને અમ્લાન આનંદની એક છબિ, જેનામાં જરાયે પોચટતા નથી ને છતાં જેના મનમાં દુર્બળ ને અસહાય લોકો પ્રત્યે અનાદર નથી; ધીરગંભીર હોવા છતાં જે હાસ્ય-વિનોદથી ભરપૂર છે અને લોકોને સહાય કરવી એ જ જેનું જીવનકર્મ છે, પોતાનાં સ્નેહીઓની જે ઊંડી કાળજી રાખે છે, અને જેનું હૃદય સ્નેહથી ભરેલું છે તેવા, એક સ્વચ્છ, નિષ્કપટ સહૃદય પુરુષની છબિ. તેને મળવાનું મન થાય છે અને મળવાનો ડર પણ લાગે છે. ‘દીદી!’ સુનંદા એ નજ૨ ઊંચકી. ‘શું?’ ‘ચાલોને, દવાખાનું બંધ કરી દઈએ. હવે કોઈ નહિ આવે. કોઈ અર્જન્ટ કેસ હોત તો આવી જાત.’ ‘હં, હા, બંધ કરી દઈએ, મને એમ હતું કે કદાચ પૌલોમી આવે.’ ‘અહા, એ કાબર! કાલે તમારી સાથે એ શી વાત કરતી હતી, દીદી? રફીક ફૂલ લઈ આવ્યો ત્યારે મેં પૂછ્યું, દીદી ક્યાં છે, શું કરે છે? તો કહે : પૌલોમી સાથે વાતો કરે છે.’ ‘એને કાબર કેમ કહે છે?’ ‘કાબર જેવી છે એટલે. કલબલ કર્યા જ કરે. પણ દીદી, એક વાત છે. એને જોઈને મને મારી બહેન બહુ જ યાદ આવે છે.’ સુનંદા હસી પડી : ‘તને તો મને જોઈને પણ તારી બહેન યાદ આવી હતી.’ કુમાર ટેબલ પરનાં ફૂલ સાથે રમત કરતો બોલ્યો : ‘સાચી વાત છે દીદી, હું કોઈ પણ નિર્દોષ સ્ત્રીને જોઉં ત્યારે મને મારી બહેન યાદ આવે છે.’ ‘અરે, તું તો હમણાં એને કાબર કહેતો હતો!’ ‘તો શું કાબર નિર્દોષ ન હોય, દીદી?’ તે હસ્યો. ‘પણ તમને જોઈને મને મારી બહેન એટલા માટે યાદ આવેલી કે મેં તમારા મોં પર એવી વ્યથા જોઈ હતી, જેવી એના મોં પર જોઈ હતી — જીવનમાં કોઈક મૂલ્યવાન વસ્તુ હારી દીધાનું ભાન, કશાક ખાલીપણાને ઢાંકતું ભાન, અને એમાંથી જન્મતી વેદના. પણ પૌલોમીને જોઈને મને ઇલા એટલા માટે યાદ આવે છે કે તે પણ આના જેવી જ તીખી, છટાદારને ચબરાક હતી.’ કુમારનો અવાજ એકદમ જ ભારે થઈ ગયો. ‘પણ દીદી, એ છટા ને ચતુરાઈ એનું રક્ષણ કરી શક્યાં નહિ.’ ‘એ ક્યાં છે અત્યારે?’ સુનંદા એ કોમળતાથી પૂછ્યું. ‘મને ખબર નથી દીદી, સાચે જ ખબર નથી. આવડી આ મોટી દુનિયામાં મારી બહેન કયા ખૂણે છે, જીવે છે કે મરી ગઈ છે, મને કશી જ ખબર નથી…’ તેનો અવાજ વ્યથાથી ગાઢ થઈ ગયો. ‘દીદી, મને જોઈને બધા કહે, તમે પણ કહેતાં હશો કે કેવો નફકરો, આનંદી જુવાન છે! આખો દિવસ હસ્યા કરું છું, પણ મારી બહેન માટે મારો જીવ કેવો દિવસરાત બળ્યા કરે છે તે સત્યભાઈ સિવાય કોઈ જાણતું નથી. કોઈ જ નહિ, દીદી! મારાં માબાપ પણ નહિ. તમને ખબર છે, દીદી? હું મારાં બા ને બાપુથી જુદો રહું છું!’ સુનંદાને આવી કશી ખબર નહોતી. એવી કોઈ દિવસ વાત નીકળી ન હતી. તેણે નવાઈ પામીને પૂછ્યું : ‘તું તારા ઘેર નથી રહેતો?’ ‘જમવા જાઉં છું, રહું છું જુદો…’ તે વેદનાથી બોલ્યો. સુનંદા તરફથી મોં ફેરવી લઈ તે બહારના ફાટક તરફ નજ૨ માંડી રહ્યો. જરા વારે જોરથી ઝાટકો દઈ તેણે માથું હલાવ્યું અને એ સાથે બધી વ્યથા ઝાટકી નાખી. પૂર્વ વત્ હળવા અવાજે કહ્યું : ‘એ વાત આજે નહિ કરીએ દીદી, ફરી કોઈ વાર. અને હવે દવાખાનું બંધ કરીશું? પૌલોમી હવે આજે તો નહિ આવે. કાલ, પરમદિવસે કદાચ આવે.’ સુનંદા ચૂપચાપ ઊઠી અને રફીકે ટેબલ પર મૂકેલાં ફૂલ લઈને બહાર નીકળી. નવા વરસની પહેલી બપોર, ઊભરાઈ આવેલી દુઃખદ સ્મૃતિઓના ભારથી કચડાઈ ગઈ.

*