પરોઢ થતાં પહેલાં/૧૪
ઇલા કુમારની બહેન હતી, તેનાથી ચારેક વર્ષ મોટી, એકદમ પ્રખર, સળગતી આગની શિખા જેવી, પ્રાણની શક્તિથી છલકતી; હવાની લહર જેવી નહિ, પવનના વંટોળ જેવી. આ ગામમાં મૅટ્રિક સુધી જ ભણવાની સગવડ હતી. તે અહીંથી થોડે દૂર, શહેરમાં હૉસ્ટેલમાં રહીને ભણતી. કૉલેજના ચોથા વર્ષમાં હતી. કુમારને એ એક જ બહેન હતી. માબાપ ને બે ભાઈબહેન. નાનું કુટુંબ હતું. અસંતોષ હોવા માટે ખાસ કોઈ કારણ નહોતું. કુમાર ત્યારે મૅટ્રિકમાં હતો. બહેન રજાઓમાં ઘેર આવતી ત્યારે ભાઈબહેન નદી પર ફરવા જતાં ને કલાકો સુધી વાતો કર્યા કરતાં. ઇલા બોલતી અને કુમાર મુગ્ધ થઈ સાંભળ્યા કરતો. બોલતાં બોલતાં ઇલા જોશમાં આવી જતી. તેની આંખોમાં અસ્ત થતાં સૂર્યનાં કિરણો ઝિલાતાં. બે દીવા જાણે સળગી ઊઠતા. સુંદર મોં લાલ થઈ જતું. કુમાર જોયા કરતો. પોતાની બહેન માટે બહુ જ સ્નેહ હતો, ગર્વ પણ હતો, જરાક ભય પણ લાગતો. ક્યારે ગુસ્સે થઈ જશે કહેવાય નહિ. મિજાજ એકદમ જ સ્વતંત્ર હતો. પોતાની રીતે જ બધું કરવાની ટેવ. નાની નાની વાતોમાં મા અને પિતા સાથે ઘર્ષણ થયા કરતું. મા કહેતી : ‘સાડી જરા આમ પહેર ને! વાળ આને બદલે આમ ઓળ તો સારું લાગે. બેને બદલે એક ચોટલો લે તો નહિ ચાલે? આ ગામમાં તો કોઈ બે ચોટલા વાળતું નથી.’ ઇલા છેડાઈ પડતી. ગરમ થઈને કાંઈક બોલી નાખતી. કુમારને મા માટે લાગી આવતું. પણ એને ઇલા માટેય લાગી આવતું. કોનો પક્ષ લેવો તેની તેને ખબર પડતી નહિ. પણ બહેન શાંત, સૌમ્ય રહે તેવી તે આખો વખત ઇચ્છા કરતો. ઇલાને નૃત્યનો શોખ હતો. શીખી નહોતી. કોઈ વાર ઘ૨માં અમસ્તું ઝાંઝર બાંધી, અરીસા સામે જોઈ, હાથપગને વિવિધ મુદ્રાઓમાં ગોઠવી જોતી — સારું લાગે છે કે નહિ. એક વાર સાંજના વખતે લાઇટ કરીને તે અરીસા સામે ઊભી હતી, પગને ભરતનાટ્યમ્ ની એક મુદ્રામાં ગોઠવી, આંગળીઓ વાળી, તે અરીસામાં જોતી હતી, તે વખતે તેના પિતા આવ્યા. ઇલાનું ધ્યાન નહોતું. તેમણે પાછળથી લાઇટ બંધ કરી દીધી. બંધ કરવાનો કટ દઈને મોટો અવાજ થયો. ઇલાએ ચોંકીને પાછળ જોયું. તેના પિતા સામે ઊભા હતા. આથમતા અજવાળમાં દેખાયું તંગ મોં, આંખોમાં સંચિત ગુસ્સો. ઇલાને એથી બમણો ગુસ્સો ચડી આવ્યો. તેનું લોહી ગરમ ગરમ થઈ ગયું. હાથપગ કંપી ઊઠ્યા. નાક ફડફડી રહ્યું. બોલી નહિ. મર્યાદા જાળવી પિતાની. પણ હૃદયમાં એક બીજ વવાઈ ગયું. તીવ્ર વિરોધભાવનું બીજ. સ્વભાવથી ઉગ્ર પણ હૃદયથી તે ભોળી હતી. માણસને પારખી શકતી નહિ. ગમે તેની પર વિશ્વાસ મૂકી દેતી. લાગણીના કોઈ પણ આવેગમાં ખેંચાઈ જતી — ગુસ્સામાં, જોશમાં, વિરોધમાં, પ્રેમમાં — બધામાં તેની લાગણીઓ એકદમ જ ઉત્કટ થઈને વહેવા લાગતી. તે અવશ બની જતી. એ કારણે જ તે અતુલને પારખી શકી નહિ. તેની વાતોમાં ખેંચાઈ ગઈ. કૉલેજમાં ભણવાને બદલે મોટા ભાગનો વખત તેની સાથે વીતવા લાગ્યો. હૉસ્ટેલમાં વાતો થવા લાગી. સંચાલકે તેને બોલાવીને ઠપકો આપ્યો. કહ્યું : ‘હૉસ્ટેલમાં ભણવા માટે રહેવાનું હોય છે, પ્રેમ કરવા માટે નહિ. તમે સારા ઘરનાં…’ સમાધાન કરવાનું, સમજાવવાનું, ખુલાસો કરવાનું ઇલાના સ્વભાવમાં નહોતું. આ પાર કે પેલે પાર, બે જ છેડા તે જાણતી. અંતિમો પર જ જીવતી. સંચાલક આગળ બોલતા રહ્યા ને તે ત્યાંથી ચાલી ગઈ. રૂમમાં જઈ તેણે સામાન લીધો ને તે જ પળે હૉસ્ટેલ છોડી દીધી. ઘોડાગાડીમાં સામાન લઈને અતુલના ઘેર ગઈ. અતુલ બહાર પગથિયાં પર જ મળ્યો. ઇલાએ કહ્યું : ‘ચાલ, આજે જ લગ્ન કરી લઈએ!’ ‘આજે?’ અતુલ સ્તબ્ધ થઈ ગયો. તેનું મોં જોઈ ઇલાને ઘાવ લાગ્યો. અંદરથી કોઈએ બૂમ મારી : ‘અતુલ!’ તેના મોટા ભાઈ તેને શોધતા બહાર આવી ગયા. ‘અરે!’ તે ચોંકીને ઊભા રહ્યા : ‘કોણ છે, અતુલ! ઘરમાં લાવીને બેસાડ ને!’ અતુલ જરા થોથવાઈને બોલ્યો : ‘મારી કૉલેજમાં ભણે છે. થોડીક નોટ્સ લેવા આવ્યાં છે.’ ઇલા અધીરતાથી તેની સામે જોઈ રહી. મોટા ભાઈ જરાક દૂર જતાં અતુલ બોલ્યો : ‘પણ આમ, સાવ અચાનક? કાંઈ કારણ તો કહે…’ ઇલા એ કહ્યું : ‘તેં નહોતું કહ્યું કે સુખમાં, દુઃખમાં, બધાંમાં તું મારી સાથે રહેશે?’ અતુલે મુઝાઈને કહ્યું : ‘હા, એ તો કહેલું, પણ આટલાં જલદી લગ્ન કરવાનાં… આમ સાવ… ઘરમાં કોઈને ખબર નથી. આપણી તો ઉંમર પણ હજુ…’ ઇલા એ કહ્યું : ‘મને વખત નથી. હા કે ના કહી દે. આર યુ રેડી?’ અતુલએના મોં સામે તાકી રહ્યો. તેની આવી અપેક્ષા નહોતી. લગ્નનો કોલ આપવા છતાં. અંતરથી તે વિષે નક્કીયે નહોતો. ઇલાથી વધારે સારી છોકરી મળે, બા-બાપુને રુચે, તેવા તેવા વિચારો આવ્યા કરતા. તે કશું બોલી શક્યો નહિ. ઇલા તિરસ્કારથી તેની સામે જોઈ રહી, ‘કાયર!’ તે બોલી, અને પછી સામાનવાળી ગાડી દૂર ઊભી રાખી હતી તેમાં બેસી સ્ટેશન તરફ ચાલી ગઈ. અતુલને જરાક રાહત થઈ. આવી તીખી છોકરી સાથે ન જીવી શકાત. સારું થયું. થોડીક ચિંતા થઈ, પણ તે તો થોડા જ વખતમાં ભૂલી જવાઈ. ઇલા સ્ટેશન પર જઈને બેઠી. ગાડી આવતાં પોતાને ગામ ચાલી ગઈ. માબાપને બહુ જ નવાઈ લાગી. ‘કેમ? આમ અચાનક? તબિયત તો સારી છે ને?’ ઇલાએ બધી વાત કરી દીધી. સાંભળીને પિતાએ કહ્યું : ‘છિ : છિ : મારી દીકરીએ આવું કર્યું?’ માએ કહ્યું : ‘ઘરનું નામ ખરાબ કર્યું છોકરીએ.’ ઇલા ફરી ભણવા ગઈ નહિ. પડોશના ચીમનલાલના ભાઈનો દીકરો ઇન્દ્રનીલ મુંબઈમાં નાનું કારખાનું ચલાવતો હતો. સારો છોકરો હતો. અહીં ગામમાં કાકાને ત્યાં થોડા દિવસ ફરવા આવેલો. ઇલાના પિતાને ગમી ગયો. ઇલા વિષે વાત કરી જોઈ. ઇન્દ્રનીલે ઇલાને બેચાર વાર જોઈ હતી. એના હલનચલનમાં જે વેગ ને ચમક હતાં તેનું લાવણ્ય તેની આંખોમાં વસી ગયું હતું. ઇલાને મળવા માટે તે કબૂલ થયો. ઇલાએ પણ મળવાની હા પાડી. ઇલા ને તે મળ્યાં. એક ઓરડામાં બન્ને બેઠાં. ઇલા એ કહ્યું : ‘મારે એક વાત કહેવાની છે.’ તેણે અતુલ સાથેની આખી વાત કરી દીધી. હૉસ્ટેલમાં થયેલી ધમાલ, કેવી રીતે પોતે હૉસ્ટેલ છોડી, બધું કહી દીધું. બહુ જ સહજ રીતે, સહેજ પણ સંકોચ કે ખચકાટ વગર. ઇન્દ્રનીલને તેની સચ્ચાઈ સ્પર્શી ગઈ. અતુલ સાથેનાએ પ્રેમનોયે વાંધો નહોતો. એવી ભૂલ થઈ જાય કોઈક વાર. ઉંમર જ એવી. માત્ર… બેળે બેળે બોલેલો : ‘લગ્નનો કોલ જ આપેલો ને? તમને હાથબાથ તો નહોતો લગાડ્યો ને?’ ઇલાનું મન, સખ્ત વાળેલી કમાન છૂટીને ઊછળે તેમ ઊછળી પડ્યું. અતિ શય તુચ્છકારથી તે ઇન્દ્રનીલ સામે ટીકી રહી. પ્રેમનો વાંધો નહોતો… માત્ર હાથ નહોતો લગાડ્યો ને! જાણે શબ્દ કરતાં સ્પર્શ એ વધારે મહત્ત્વની વસ્તુ હોય! જાણે કોઈને હૃદયથી પ્રેમ કરવા કરતાં હાથથી અડવું, તેમાં વધારે નક્કરતા, વધારે વૅલિડિટી રહી હોય! ‘તમે મૂર્ખ છો! તમે બધા જ મૂર્ખ છો! બધા જ પુરુષો સરખા હોય છે. તમે લોકો માત્ર શરીરનો જ વિચાર કરી શકો છો.’ તે બોલી હતી. ઇન્દ્રનીલ ડઘાઈ ગયો હતો, અને પછી ઊભા થવાની હિંમત આવી ત્યારે ઊઠીને જતો રહેલો. માબાપને ખબર પડી ત્યારે બહુ જ ગુસ્સે થયેલાં. એક દિવસ બાએ કહ્યું : તેં તો મારું નામ વગોવ્યું. તે દિવસે રાતની ટ્રેનમાં ઇલા ચાલી ગઈ. ક્યાં? ખબર નથી. ત્યાર પછી તેના કદી સમાચાર મળ્યા નથી. તે ક્યાં છે, શું કરે છે, જીવે છે કે નહિ, કંઈ જ ખબર નથી. કુમાર ત્યારે સત્તરેક વર્ષનો હતો. બહેન ને બા-બાપુ વચ્ચે ઘર્ષણ ચાલ્યા કરતું ત્યારે શું કરવું તેની સમજણ પડતી નહિ. બહેનને સમજાવવાની હિંમત નહોતી, પણ બાને કહેતો — ‘જરા ધીરી પડ. તું આમ બોલે તો બહેનને દુઃખ ન લાગે?’ પણ એથી વધારે કશું તેનાથી થયું નહોતું. પણ છેલ્લા દિવસે ઝઘડો થયો. બાએ કહ્યું : છોકરીએ તો અમારું નામ વગોવ્યું, અને ઇલા ઘર છોડી ચાલી ગઈ, ત્યારે એક પ્રબળ આઘાતથી તેની અંદરનાં દ્વાર ફટાફટ ઊઘડી ગયાં. દુઃખ વિષે, જીવન વિષે, સ્વજન પ્રત્યેના કર્તવ્ય વિષે, માણસની નબળાઈ વિષે અને પોતાનેય વિષે એક નવી જ સમજ આવી મળી. ઘણા દિવસો સુધી તેણે આ વિષે વિચાર્યા કર્યું. માણસ મુશ્કેલીમાં આવી પડે ત્યારે તેને સૌથી વિશેષ જરૂ૨ શાની હોય છે? કોઈક સહૃદયતાની, પોતાને સમજવા માટે તૈયાર કોઈક સમભાવી વ્યક્તિની. ટીકા તો કરી શકાય, આણે સારું કર્યું કે ખરાબ કર્યું તેમ ચુકાદો તો આપી શકાય, પણ માણસ થઈને માણસ વિષે ચુકાદો તોળવાનું શું હંમેશાં યોગ્ય હોય છે? તેને પિતાના શબ્દો, માના શબ્દો યાદ આવતા : ‘છિ : છિ : અમારી દીકરીએ આવું કર્યું?’ તે જેમ જેમ એ વિષે વિચાર કરતો ગયો તેમ તેમ એ વાક્ય વધુ ને વધુ ખરાબ લાગતું ગયું. એ વાક્યમાં તો એક પ્રકારનું, પોતાના વિશેનું અભિમાન હતું. દીકરીએ કેટલી પીડા વેઠી છે તેનું તો રજમાત્રેય ભાન નહોતું. તેને થયું : કટોકટીની પળે, નિકટના સ્વજનના સંકટની પળે કોઈને પોતાનાં આબરૂને ગૌરવનો વિચાર પહેલાં આવતો હોય, તો તે સ્વજન થવાને લાયક નથી. તેને થયું, તેના પિતા, પિતા થવાને લાયક નહોતા; તેની મા, મા નહોતી; સમાજમાં પ્રતિષ્ઠિત ગણાવા માગતી એક સ્ત્રી માત્ર હતી. માબાપ પર વધુ આઘાત ક૨વાનું મન નહોતું, પણ ઘર છોડી એ બીજી શેરીમાં નાની ઓરડી લઈ, જુદો રહેવા ચાલી ગયો. મનમાં થયા કરતું — માણસ માણસ વચ્ચે પ્રેમ ન હોય, તો પછી અમે એક કુટુંબનાં છીએ, તેમ માનીને સાથે રહેવું તે દંભ છે. તેના જતાં પિતા ઢીલા થઈ ગયા હતા. મા બહુ રોઈ હતી. કુમારે તેમની સાથે ઝઘડો કર્યો નહિ. ત્યાં જમવા જવાનું કબૂલ કર્યું, પણ રહેવાનું તો જુદું જ રાખ્યું. મનમાં સંકોચ થયા કરતો હતો — પોતાને માટે. ઇલા માટે પોતે કાંઈ કરી શક્યો નહિ. પોતે કાયર હતો! બહેનને અન્યાય કર્યો! જે પળે એને કોઈકના સાથ ને સ્નેહની સહુથી વધુ જરૂર હતી તે પળે પોતે, કોણ સાચું ને કોણ ખોટું તે નક્કી કરવામાં પડ્યો હતો. પણ હવે એવું નક્કી કરવાનું નહોતું. બધું સ્પષ્ટ થઈ ગયું હતું. અંદરની ખેંચતાણ શમી જાય, ત્યારે સત્ય પોતાની મેળે નીતરેલા મનની ઉપર તરી આવે છે. હવે સાચું શું, તે એ જાણતો હતો, તોપણ જીવ બાળ્યા કરતો. એકાંત રાતોએ અંધારા આકાશમાં તારાઓ જોતાં ઘણી વાર આંસુ આવી જતાં. બહેન, તેની વહાલી, સુંદર, મિજાજભરી બહેન અત્યારે ક્યાં છે? કશી ખબર નથી. એકબે વાર મુંબઈ-અમદાવાદ જઈ આવ્યો. બહારગામ બેચાર સગાંને વાત કરી જોઈ. બીજી તપાસ કેવી રીતે થઈ શકે? એક વાર છાપામાં, પરદેશ જતી સાત-આઠ યુવતીઓનો ફોટો આવેલો. એમાંની એક ઇલા જેવી લાગી હતી. છાપું હૃદય સાથે દબાવી ધ્રુસકે ધ્રુસકે રડેલો. મુંબઈમાં એક સગાને કહેલું : તપાસ કરી જુઓ, તે તારીખે પરદેશ જનારા ઉતારુઓનાં નામ મેળવો, તો કદાચ ખબર પડે. તપાસ કરી કે નહિ, ખબર નથી; પણ કાગળમાં લખેલું — યાદીમાં ઇલાનું નામ નથી. અને ધારો કે તપાસ કરી હોત, એ ઇલા જ હતી એમ ખાતરી થઈ હોત, વિમાન સિડની કે જાપાન ગયું તેમ ખબર પડી હોત, તોપણ ઇલા ક્યાં છે તેની કેમ ખબર પડત? એ થોડોક સમય કુમાર માટે અતિતીવ્ર યાતનાનો વીતેલો. પોતાની જ ભૂલ લાગ્યા કરતી. પશ્ચાત્તાપથી દિવસરાત જીવ બળ્યા કરતો. તે વખતે સત્યની ઓળખાણ થઈ. કુમારની દૃષ્ટિને એક નવો વળાંક મળ્યો. સત્યે જ કહેલું : માણસ થઈને માણસનો ન્યાય કરવામાં ઘણું જોખમ રહેલું છે. પોતાની સહજ આનંદવૃત્તિ અને હાસ્યભરી વાતોથી સત્યે કુમારના થોડાક ઘા રુઝવ્યા હતા. અને પછી તેણે એને મનુષ્યના મનની યાત્રા કરાવી. કુમારની સામે ઘણા નવા પ્રદેશો ઊઘડ્યા. જીવનનો છેક મૂળમાંથી તેને પરિચય થવા લાગ્યો. હજારો બાબતોમાં તેને થયેલું — કેમ? કેમ? આવું કેમ? — તેના તેને ધીરે ધીરે, આછા અસ્પષ્ટ ઉત્તર મળવા લાગ્યા, અથવા એમ કહો કે ઉત્તર ક્યાં રહેલા છે, તેની તેને ઝાંખી મળી. ત્યારથી તે સત્યનો ભક્ત બની ગયો છે. બહારથી મિત્રભાવેવર્તે છે, પણ અંદરથી અપાર શ્રદ્ધા અનુભવે છે. જે જખમ આખી જિંદગી લીલો દૂઝતો રહેશે એમ તેને લાગતું હતું, તે જખમ તેની સમજને અજવાળતો દીવો બની ગયો હતો. અને એ સત્યને કારણે બન્યું હતું. ઇલા એ સાચું કર્યું કે ખોટું એવું તેણે સત્યને પૂછ્યું ત્યારે એણે એનો સીધો ઉત્તર આપવાને બદલે કહેલું — મારા હાથમાં કોઈ ન્યાયતુલા નથી; મારી પાસે માત્ર સ્નેહની ઝારી જ છે, અહીં જે કાંઈ હીન-મલિન લાગે છે, તે સત્ત્વ-તત્ત્વ હીણું નથી. તે માત્ર અસ્ફુટ, ખંડિત, અપરિપક્વ છે. કયા ખૂણે, કઈ પળે, જીવનનું શતદલ કાદવમાંથી ખીલી ઊઠશે, તે કોણ જાણી શકે છે? એક પછી એક બનતી અનેક ઘટનાઓ, તેના આઘાતો, પ્રત્યાઘાતો, અનુભૂતિઓ વડે, પળે પળે, કણે કણે કરીને માણસનો માનસદેહ ઘડાતો રહે છે. એમાંની થોડીક પણ ઘટનાઓ ન બની હોત કે જુદી રીતે બની હોત તો તે છે એના કરતાં જુદો જ હોત. કુમાર જે કાંઈ છે તે ઇલાને લીધે છે, સત્યને લીધે છે. એમનું ઋણ છે એમ નહિ, પણ એના માનસિક વ્યક્તિત્વનાં જે કાંઈ અંગો, અવયવો છે, તે બધાં એ ઘટનાઓની અતિગાઢ, અત્યંત પ્રબળ અસરની છીણી વડે ઘડાયાં છે. [ અને હવે સુનંદાની અસર પણ તેના ભીતરનાં તત્ત્વોને કોતરી-કંડારી રહી છે. સુનંદાને જોઈને ઇલા યાદ આવે છે, પણ સુનંદા સાવ જુદી છે, માત્ર સ્નેહ ને કરુણાની બનેલી હોય તેવી, બહુ જ સૌમ્ય, જોતાંવેંત ‘કલ્યાણી’ શબ્દ મનમાં સ્ફુરે. સુનંદાને ઇલાની વાત તેણે કરી. પહેલેથી છેલ્લે સુધી પોતાની નિષ્ફળતાની, ઊંડી લાગણીની અને સત્યે એને આ આંતરસંઘર્ષમાં કરેલી સહાયની. એક વાર સુનંદાને તેણે કહેલું : ‘મારી બહેન બહુ જ તીખી હતી. અને પાછળથી તો તેના મનમાં કડવાશ પણ એટલી બધી આવી ગઈ હતી કે એ કડવાશનો સૂરજ બનાવ્યો હોય તો એની ગરમીમાં પૃથ્વી ઓગળી જાય…’ અને પછી તેણે સંકોચ સાથે કહેલું : ‘માફ કરજો, તમારી અંગત વાત નથી કરતો, પણ તમારામાં જરાયે કડવાશ નથી, કોઈનાય વિશે કશી ફરિયાદ નથી, તેથી મને બહુ નવાઈ લાગે છે. નહિ તો જેના હાથે આપણે સહન કરવું પડ્યું હોય તેના પ્રત્યે જ માત્ર નહિ, આખી દુનિયા પ્રત્યે મન કડવા ધુમાડાથી ભરાઈ જાય છે!’
સુનંદા પોતાની અંગત વાત કુમાર પાસે કરવા નથી ઇચ્છતી. ગમે તેમ તોપણ તે નાનો છે. પણ તેની વાત સાચી છે. પોતે કોના માથે રોષ કરે? કોનાં વિશે ફરિયાદ કરે? દેવદાસ વિશે? ના, તેનોય વાંક મનમાં વસતો નથી. અલ્પ પરિચયમાં જ સાવ મૂર્ખતાવશ, કે ભાવુકતાવશ દેવદાસના પ્રેમમાં પડી ગઈ હતી. ત્યારે દેવદાસની માત્ર બહારની સ્વસ્થતા, આત્મવિશ્વાસ, ખુમારી, બુદ્ધિમત્તાનો પરિચય થયેલો. પણ આખા માણસની ઓળખ થઈ નહોતી. એવી ઓળખ કરવાનું તેનું ગજું પણ નહોતું. પણ ઘણી વાર, નાના નાના પ્રસંગોએ, અસ્ફુટ રેખાઓ દોરાઈ જતી, એમાંથી અંદરના ચિત્રની જરાક ઝલક જોવા મળી હોત! પણ તેણે તે ન જોવાનો પ્રયત્ન કર્યો હતો. એક વાર બન્ને રિક્ષામાં ક્યાંક જતાં હતાં. અચાનક દેવદાસે રિક્ષા અટકાવી, ફૂટપાથ પર બેઠેલા કેળાવાળા પાસેથી બે ફળ લીધાં, અને ત્યાં ઊભાં ઊભાં જ ખાઈ લીધાં. પછી રિક્ષામાં બેસતાં તે સુનંદા સામે હસ્યો : ‘એટલી ભૂખ લાગી હતી!’ સુનંદા બાળકની જેમ બોલી હતી : ‘અમને તો પૂછ્યુંયે નહિ! અમને ભૂખ નહિ લાગી હોય?’ દેવદાસે કહ્યું : ‘અરે હા, તેનું તો મને ધ્યાન જ ન રહ્યું.’ સુનંદા એ હસી દીધું હતું. પણ તેના હૃદયનો એક ભાગ આભો બની ગયો હતો. કોઈ માણસ પોતાની સાથેના માણસથી આટલો બેખબર હોઈ શકે? બીજી એક વાર બન્ને જણ કાંઈક ખરીદી કરવા ગયેલાં, દુકાનેથી કંઈક લેતાં લેતાં તેણે જોયું — દેવદાસ સિગારેટ ખરીદીને ચાલતો થઈ ગયો હતો. જાણે સુનંદા કોઈ લાકડી કે છત્રી હોય અને તે એને દુકાનમાં ભૂલી ગયો હોય! આવું અવારનવાર બનતું. મનમાં તેને કશુંક ખૂંચવા માંડતું, ક્યાંક કંઈક બેહૂદું લાગતું. થતું — આ માણસમાં કશુંક બહુ જ ખોટું છે. પણ ઊંડી ચકાસણી કરવા જતાં, રખેને કાંઈક અપ્રિય તથ્ય સામે આવી પડે એ ભયે તેણે ઊંડા જવાનું ટાળ્યું હતું. દેવદાસના કેટલાયે વિચારો, આચારો, કૃત્યોનો દોર પકડી તેના ભીતરમાં ડોકિયું ક૨વાનું, એનો મર્મમમુ પામવાનું જાણીને ટાળ્યું હતું. પોતાની અંદર ભય હતો. અને જ્યાં ભય હોય ત્યાં પૂર્ણ વિશ્વાસ શી રીતે સંભવે? આ ટાળવાની ક્રિયાનું પછી ચોક્કસ પરિણામ આવ્યું હતું. દેવદાસ ચાલ્યો ગયો હતો. અપ્રત્યક્ષ રીતે તેનું એવડું મોટું અપમાન કર્યું હતું. દેવદાસના સ્વરૂપના જે જે અંશો પ્રગટ થયા હતા તેની સાથે મેળ લેનારું જ એ કૃત્ય હતું; પણ સુનંદાએ ભયથી ડરી જઈને એ પ્રગટ થયેલા અંશોમાંથી સમગ્રનો પરિચય પામવા તરફ આંખો બંધ કરી દીધી હતી. કોઈ જ ક્રિયા પરિણામ વગરની નથી હોતી… તેને હવે સમજાય છે. રેતીમાં મોં છુપાવી દઈ, આંધીને જોવાનું ટાળવાથી, આંધી ટળી જતી નથી. આપણને એમ થાય છે — આટલામાં શું, અત્યારે આપણે આટલું કરી લઈએ, પછી પાછળથી સુધારી લઈશું, અથવા આટલી વસ્તુ તરફ આપણે ધ્યાન નથી આપવું, નાહકનું બધું ગોઠવાયેલું વેરવિખેર થઈ જાય. પણ ભયને કારણે પસંદ કરેલા અજ્ઞાન વડે કશું જ સાચવી શકાતું નથી. દરેક કાર્ય શૃંખલાની કડી બને છે, દરેક ઘટનામાં પછીની ઘટનાઓનું બીજ રહેલું હોય છે, અને કાનૂનની જેમ કુદરતમાં પણ અજ્ઞાન તે પરિણામમાંથી બચી જવા માટેનું બહાનું બની શકતું નથી. પણ એક ઉંમરે, સમજ નથી હોતી, વિચારની સ્પષ્ટતા નથી હોતી, માત્ર આવેગ હોય છે, ઇચ્છા હોય છે, જેની ઇચ્છા હોય તેને પામવાની અદમ્ય વ્યાકુળતા હોય છે. માણસમાં બૌદ્ધિક પક્વતા આવે તે પહેલાં તેનામાં ઊર્મિનાં આંદોલનો જન્મી ચૂકે છે અને પોતાની તૃપ્તિ માગે છે. આજે હવે સુનંદા બધી રીતે જાગ્રત અને સભાન છે. બુદ્ધિની સાથે તેની લાગણીઓ પણ પરિપક્વતાના એક નવા ધરાતલ પર પહોંચી છે. અગિયાર વર્ષ પહેલાં હતી તેના કરતાં આજે તેની દૃષ્ટિ ઘણી વધુ સજાગ અને વ્યાપક છે. અને એટલે જ તેની અંદરનો સંગ્રામ વધારે નિષ્ઠુર બની ગયો છે. દેવદાસ પ્રત્યેની તેની નિષ્ઠા એકદમ જ સાચી અને ઊંડી હતી, પણ દેવદાસે તેને અંધકારમાં ડુબાડી દીધી. હવે ફરી, કદાચ કોઈ બીજા, સાચા પ્રેમમાં તે ફરીને ખીલી શકે, તેની રૂંધાયેલી સ૨વાણીઓ ફરી વહેવા લાગે. પણ ફરીથી પ્રેમ કરી શકાય? દેવદાસ ખોટો માણસ હતો, પણ સુનંદાનો પોતાનો પ્રેમ તો સાચો હતો. અન્યને ચાહવા જતાં, તે સચ્ચાઈનું શું થાય? તેણે શું દેવદાસને પોતાના ખાતર જ ચાહેલો? અને એના તરફથી દ્રોહ મળતાં, પોતાના પ્રેમનો અંત આવી ગયો? પોતાની લાગણીની સંગીનતા દેવદાસને કારણે હતી કે પોતાને જ કારણે? અને તેનું હૃદય તો નિરંતર, કોઈક હૂંફભર્યાં, ભરપૂર, દિગંત ભરીને વરસી રહે તેવા અનરાધાર સ્નેહને પામવા ચુપચાપ ઝૂર્યા કરે છે. એ વિના જીવનની જાણે પૂર્ણતા નહિ થાય, મુક્તિ નહિ થાય. વ્યક્તિનિષ્ઠા ને જીવનનિષ્ઠા વચ્ચેનો આ અતિ કઠોર સંગ્રામ… વ્યક્તિ પ્રત્યેની નિષ્ઠા તેને દેવદાસની સ્મૃતિ સાથે બાંધી રાખે છે, વિષાદની શિલા તળે કચડી રાખે છે. જીવન પ્રત્યેની નિષ્ઠા તેને, તેની સઘળી શક્તિઓને જગાડીને શક્યતાના ચરમ સુંદર શિખર પર પહોંચવા માટે સાદ કરે છે. ભૂતકાળને શા માટે ખંખેરી ન શકાય? એક વાર જે બની ગયું તેને, દુઃખ ને દુર્ભાગ્યો ને ગળે વળગાડીને શા માટે ફરવું જોઈએ? સમયના જે બિંદુ પર જે ઘટના બની તેનો ભાર ત્યાં જ છોડી દેવાને બદલે, ખભે ઊંચકીને સદાય યાત્રા શા માટે કરવી જોઈએ? આ જન્મ પહેલાંના જન્મો શું મરી નથી ગયા? એમાં કોની સાથે કેવા સંબંધો જોડાયેલા. કોને ખબર છે? આવતા જન્મે તે બીજા કોઈને પરણે તો ચાલે… પણ આ જન્મે… આ જન્મે તે પરિણીતા… વ્યક્તિ પ્રત્યેની નિષ્ઠા તેને ‘સારી’ સ્ત્રીનું બિરુદ આપશે, પણ કોઈને ચાહીને તે વધુ ‘સાચી’ બની શકે… ના, કેવળ સામાજિક સ્વીકાર-અસ્વીકારની વાત નથી. વિચારોનાં ગૂંચળાં ને વળી ગૂંચળાં. ચક્રાકાર ગતિમાં અંતહીન ભ્રમણ. કશી સૂઝ પડતી નથી. વિચારો થાકી જાય છે, હૃદય હારી જાય છે, જીવન પોતાની સર્વસંભાવનાઓ પ્રતિ ઊઘડવા ઈચ્છે છે, છતાં અંદરથી કંઈક રોકી રાખે છે. તેણે કયો માર્ગ ગ્રહણ કરવો એ કોણ નક્કી કરી આપે?