પરોઢ થતાં પહેલાં/૧૫
પૌલોમીની રજાઓ પૂરી થઈ ગઈ હતી. જતાં પહેલાં તે સુનંદાને મળવા આવી. તે એકદમ જ ઉલ્લાસમાં હતી. ‘હું કાલે જાઉં છું, એટલે મને થયું કે તમને છેલ્લું મળી લઉં. હું તો આ પહેલાં જ તમારી પાસે આવવાની હતી, તમને સમજાવવા કે આ કંગાળ ગામ છોડીને ચાલો મોટા શહેરમાં. અહીં તો તમારી પ્રતિભા રૂંધાય છે. મોટા શહેરમાં હો તો તમે નામાંકિત ડૉક્ટર બની શકો.’ તે પ્રશંસાપૂર્વક સુનંદા સામે જોઈ રહી : ‘પણ પછી મને થયું કે તમે નહિ આવો. ગામમાં મેં તમારી એટલી બધી પ્રશંસા સાંભળી કે મને થયું આટલી કીર્તિ તમને અહીં મળતી હોય, તો પછી આ ગામ છોડી કોઈ અજાણી જગ્યાએ નવેસ૨થી બધું શરૂ કરવા તમે ન આવો. ખરું ને?’ સુનંદા સાથે તે સમાનભાવે વાત કરતી હતી. કદાચ એટલા માટે કે સુનંદાને બત્રીસ વર્ષ થયાં હોવા છતાં તે માંડ છવ્વીસ-સત્તાવીશ વર્ષની દેખાતી હતી. ‘કીર્તિના લોભથી હું કામ કરતી હોઉં તો ન આવું, તે વાત સાચી, પણ મને કીર્તિનો એવો કોઈ મોહ નથી.’ સુનંદા મનમાં જરા હસી. ‘તો પછી શાનો મોહ છે? લોકસેવાનો? તમે ગાંધીજીના આદર્શ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરો છો? પણ આ આદર્શો તો માણસે પોતાની પર જબરજસ્તીથી લાદેલી વસ્તુ છે. અમે એને ફૉલ્સ ગ્લોરીફિકેશન કહીએ છીએ. હું કાંઈ એવા આદર્શ-ફાદર્શમાં માનતી નથી. માણસે સૌથી પહેલાં તો સ્વાભાવિક બનવું જોઈએ; તે જ સૌથી મોટી વાત છે.’ સુનંદાને થયું, છોકરી તેણે ધારી હતી તેવી બાલિશ નહોતી. તે બોલી : ‘કીર્તિનો મોહ, લોકસેવાનો આદર્શ, એ સિવાય પણ જીવનમાં બીજી બાબતો હોય છે, વધારે મહત્ત્વની.’ પૌલોમી વિચાર કરતી બોલી : ‘બીજી કઈ? પૈસા? પણ અહીં તમને પૈસાયે ઝાઝા મળે નહિ. પોતાનું ગામ હોય તો માણસને તેને માટે અનુરાગ હોય, પણ આ તો તમારું ગામ પણ નથી.’ ‘એ સિવાય બીજું કાંઈ પણ ન હોય?’ સુનંદા રમૂજપૂર્વક બોલી. પૌલોમી મૂંઝાઈ : ‘બીજું શું હોઈ શકે?’ ‘દાખલા તરીકે આ ગામ કોઈને ગમતું હોય…’ ‘આ ગામમાં ગમવા જેવું છે જ શું? અહીં તો નર્યું ખાલીપણું છે.’ ‘તમને એવું લાગે છે, કારણ કે તમને અહીં ગમતું નથી, પણ તમે તમારા ગમાઅણગમાથી બીજાને શા માટે માપો છો? માણસને સ્વાભાવિક બનવાનું તમે કહો છો પણ માણસના સ્વભાવ જુદા હોય છે, તેથી દરેકની સ્વાભાવિકતા પણ જુદી જ હોય ને?’ પૌલોમીની કાળી અણિયાળી આંખોમાં એક વિસ્મય પ્રગટ્યું : ‘દરેકને પોતાના સ્વભાવ પ્રમાણે વસ્તુઓ ગમે ન ગમે, તે બરોબર. પણ અહીં, આ ગામમાં તો કોઈ વસ્તુ જ નથી. મેં કહ્યું તેમ, અહીં તો ધૂળ ને પથરા જ છે.’ સુનંદા હસી : ‘માણસ કંઈ પણ કામ કરે તેની પાછળ કેટલાં કારણો હોઈ શકે?’ ‘ઘણાંબધાં… તે કાં તો કંઈક પામવા માટે કરે, કોઈક બહારની સિદ્ધિ કે અંદરની તૃપ્તિ માટે, ને કાં તો…’ ‘કાં તો?’ પૌલોમી અચાનક કંઈક સમજી હોય તેમ તેણે સુનંદાના મોં સામે તીવ્રતાથી જોયું. ‘કાં તો કંઈક ભૂલવા માટે…’ એકાએક તેને કંઈક જુદી જ વાત સૂઝી. તે ચિંતા ને આદરથી સુનંદા સામે જોઈ રહી : ‘અથવા તો કંઈક ભૂલવા માટે…’ તે ફરી બોલી, અને જરા વાર થોભી, સહેજ અચકાઈને તેણે પોતાના મનમાં ઝબકેલો વિચાર વ્યક્ત કરી જ દીધો. ‘ડૉક્ટર, તમે, તમે તો — ’ તે સહેજ ગૂંચવાઈ. ‘ડૉક્ટર, તમે તો મજાનાં છો. સ્ત્રી તરીકે કોઈને પણ ગમી જાઓ તેવાં, તમને….’ પૌલોમી કશુંક સમજી હતી તે સુનંદા પણ સમજી. તેણે વાત ઉડાડી દીધી : ‘હા, કશુંક ભૂલવા માટે. આપણે જીવનમાં કેટલું યાદ રાખવાનું ને કેટલું ભૂલી જવાનું હોય છે? આપણે જૂનું ભૂલતાં જઈએ તો નવું વધારે સહેલાઈથી યાદ ન રહે?’ પૌલોમી હસી પડી. તેનો શ્યામ તેજસ્વી ચહેરો હાસ્યની માધુરીથી ખીલી ઊઠ્યો. સુનંદાને થયું — આ છોકરી શું જાણે છે કે તેનો રોગ કેવો દુઃખકારક છે? તે જાણે છે ને અભિનય કરે છે? કે તેનું આ હળવા હૈયાનું હાસ્ય એક ઉપરનો જ દેખાવ છે? અથવા પછી તે કદાચ મનને છેતરે છે કે પોતાને કાંઈ થવાનું નથી. યૂસુફ પોતાને છેતરતો હતો તેમ… અથવા તે બધું જ જાણતી હોય છતાં સ્વસ્થ રહી શકતી હોય… કે પછી જાણતી જ ન હોય! ના, આવી બહિર્મુખ પ્રકૃતિવાળી છોકરી પોતાના સૌંદર્યને નષ્ટ કરનાર રોગ પ્રત્યે સભાન ન હોય તેવું તો બને જ નહિ. અંદર કાંઈ પણ હોય, પણ બહારથી તે હસે છે : ને હસે છે ત્યારે વધારે મધુર લાગે છે. પૌલોમી હસતાં હસતાં જ બોલી : ‘ઘણી વાર ઘણું ભૂલી જવાની જરૂર પડતી હોય છે. ડૉક્ટર, ચાલોને મુંબઈ! ત્યાં તમને કશુંક હંમેશાં યાદ રાખવાનું કદાચ મળી પણ રહે…’ ‘બીજે ક્યાંય જવાનું…’ સુનંદા જવાબ આપવા જતી હતી ત્યાં કુમાર આવ્યો. બપોરના ચાર થયા હતા. દવાખાનું ઉઘાડવાને હજુ અડધા કલાકની વાર હતી. તે બોલ્યો : ‘ક્યાં જવાની વાત કરો છો, દીદી?’ સુનંદા બોલી : ‘પૌલોમી મને કહે છે, મુંબઈ ચાલો, ત્યાં તમને નામના મળશે.’ પૌલોમીએ કહ્યું : ‘હા, હું તો બહુ દૃઢપણે માનું છું કે તમે કોઈ મોટા શહેરમાં રહો તો તમને એટલી બધી સફળતા મળે કે તમે પોતે નવાઈ પામો. તમને એમ થાય કે, અરે, મારી અંદર આ શક્તિ હતી ને મને તેની ખબર જ નહોતી! મારામાં તમારા જેટલી શક્તિ હોય તો હું દુનિયાને સામે છેડે પહોંચી જાઉં! આટલી બધી કર્મનિષ્ઠા અને આવી સહજ નિદાનશક્તિ! એ બેના સંયોગથી તો કેટકેટલું થઈ શકે?’ સુનંદા બોલી : ‘વિચાર કરી જોઈશ.’ ‘હા, અને આવવાની ઇચ્છા કરો તો મને લખજો. મને બહુ જ ગમશે તમે આવશો તે. શહેરમાં ઇન્ટેલિજન્ટ લોકો મળી રહે, અને તમે તો તે ઉપરાંત સારાં પણ છો. સારાપણું ને બુદ્ધિ બેનો મેળ ત્યાં જરા દુર્લભ હોય છે!’ તે ઊઠી, અને હાથ હલાવતી, સ્મિત વેરતી ચાલી ગઈ. શક્તિ… સુનંદા મનમાં હસી. બધા જ લોકો તેના કાર્યની સફળતા વડે તેની શક્તિનું માપ કાઢતા હતા. અને પોતાના હૃદયના કયા ખૂણેથી રક્ત ઝર્યા કરતું હતું, તેની માત્ર પોતાને જ જાણ હતી. કુમાર પૌલોમીની છટાભરી ચાલ જોઈ રહ્યો. પછી બોલ્યો : ‘જોરજોરથી એ શી વાતો કરી ગઈ, દીદી? હું બહારથી આવતો હતો તો દૂરથી સંભળાતું હતું. કેવું પટપટ બોલતી હતી, નહિ?’ સુનંદા એ કહ્યું : ‘દરેકની વાત કરવાની પોતપોતાની રીત હોય છે, પણ તને ખાસ એને માટે દ્વેષવેષ લાગે છે.’ કુમાર હસી પડ્યો : ‘ના રે દીદી, એ ભલેને આથીયે વધુ જોશમાં આવીને વાત કરે, મારે શું? એ કાંઈ ડૉક્ટર બનીને અહીં કદી આવવાની નથી. ને મારે એની પાસે કામ કરવાની ઘડી કોઈ દિવસ આવવાની નથી, પછી મારે શી ચિંતા?’ પછી જરાક થોભીને બોલ્યો : ‘દીદી, તમારામાં મને એક વાત સૌથી વધુ શું ગમે છે તે કહું? તમારામાં જરાયે ચબરાકી નથી! તમે એટલાં બધાં સહૃદય છો કે કોઈ છીછરી વાત કરે તોયે ઊંડાણથી ઉત્તર આપો. આપણે કંઈક કહીએ તેનો બમણા જોશથી, આપણને જાણે આંજી દેવા માટે જવાબ આપતી હોય, તેવી પૌલોમી જેવી આધુનિક યુવતીઓથી તો મને બહુ ત્રાસ થાય છે.’ સુનંદાને હસવું આવ્યું : ‘તારી દીદીમાં ચબરાક રીતે વાત કરવાની બુદ્ધિ જ ક્યાં છે?’ કુમાર બોલ્યો : ‘બુદ્ધિ અને ચબરાકી કાંઈ એક વસ્તુ નથી. ચબરાકી તો સામા માણસ પર છાપ પાડવા માટેની બુદ્ધિની એક કામગીરી છે. એ તો તદ્દન નીચી કોટિની કામગીરી છે. એના કરતાં તો બુદ્ધિ ઘણાં વધારે સારાં કામ કરી શકે છે. તમે કરો જ છો, દીદી! પણ તોયે ઘણી વાર લોભ થઈ આવે છે, બીજા પર પ્રભાવ પાડવાની ઇચ્છા થઈ આવે છે. તમને દીદી, આમ વાતચીતમાં પ્રતિભાના ચમકારા દર્શાવી બીજાને ચકિત કરી દેવાનું, કોઈ કહે એનાથી સવાયું કહેવાનું મન નથી થતું? સામે કોઈ એવું માણસ હોય તોપણ?’ સુનંદા સહાસ્ય બોલી : ‘મેં કહ્યુંને, મને એવું આવડતું જ નથી.’ કુમાર જરા લાડથી બોલ્યો : ‘એ તો હું નથી માનતો. કહો ને, દીદી, તમને તમારી છાપ પાડવાનું કેમ કદી મન નથી થતું? તમે તો શિવશંકર જેવા માણસ સાથેય સૌમ્ય રીતે જ વાત કરો છો!’ સુનંદા જરા વાર રહીને બોલી : ‘એવી જરૂર શી હોય છે, ભાઈ? બીજા પર પ્રભાવ પાડવો, ચબરાક, ચાલાક દેખાવું, એ બધાંની મને ફુરસદ પણ ક્યાં છે?’ કુમાર બોલ્યો : ‘પણ મને તો એવું મન થઈ જાય ઘણી વાર. કોઈ મોટા કહેવાતા માણસ કે નેતા ગામમાં આવવાના હોય, ત્યારે મને એમ થાય કે ફટાફટ વાત કરીને, એમની સામે દલીલ કરીને એમને ઝાંખા પાડી દઉં.’ સુનંદા બોલી : ‘બીજા સાથેની વાતચીત એ તો એને સમજવા માટેનો સેતુ છે, એના મર્મને પામવા માટે એના વ્યક્તિત્વમાં ઊતરવાની સીડી છે. એના પર આ પોતાનું અભિમાન પ્રગટ કરવાની વધારાની કામગીરીનો બોજ શા સારુ મૂકવો જોઈએ?’ કુમાર બોલ્યો : ‘પણ બીજા માણસને હરાવી દેવાનું, ચાતુરી વડે જીતી લેવાનું, તેના કરતાં આપણી જાતને ઊંચી દેખાડવાનું મને તો ઘણી વાર મન થાય છે…’ સુનંદા ધીરે ધીરે બોલી : ‘કોઈક દિવસએ બધું ચાલી જશે કુમાર, કોઈક દિવસ તને સમજાશે કે પોતાને સર્વશ્રેષ્ઠ સ્થાપિત કરવાનો આ અહંકાર જ પોતાને શ્રેષ્ઠ થતાં રોકે છે. રૂપ અને શણગાર વડે કોઈને જીતી લેવા જેટલું જ, બુદ્ધિ અને ચતુરાઈ વડે કોઈને જીતી લેવાનું મને વામણું લાગે છે. મને તો આ કોઈને જીતી લેવાની વાત જ ગમતી નથી. કોઈને જીતવાની આપણે ઇચ્છા શું કામ કરવી જોઈએ? જીવન શું કરવાને મળ્યું છે, કુમાર? વધુ ને વધુ સુંદર બનાવવા માટે. આપણને એક વાર મૂળ ઉદ્દેશનો પરિચય થઈ જાય, પછી બીજા લોકો પર પ્રભાવ જમાવવા જેવી તુચ્છ, ક્ષુદ્ર વસ્તુમાં શક્તિ વેડફવાનું આપણાથી બનતું નથી. શરીરની સુંદરતાની જેમ બુદ્ધિની સમૃદ્ધિ હોય તો તે સારી વાત છે. અને હૃદયની સુંદરતા… હૃદયની સુંદરતા એટલે પ્રેમ. અને પ્રેમમાં કાંઈ કોઈને જીતવાનું હોતું નથી. જીતવાની ઇચ્છામાં સ્વાર્થ રહેલો છે. પ્રેમ નિઃસ્વાર્થ છે. આજકાલનાં નહિ, હંમેશાં હંમેશાં સ્ત્રી અને પુરુષે એકબીજાને જીતવાની ઇચ્છા રાખી છે, અને એટલે જ આ પૃથ્વી પર કદી પ્રેમનું સામ્રાજ્ય ફેલાયું નથી. ‘અને કુમાર, બીજાઓ સાથેના સાચા સંબંધમાં આવો અહંકાર, પોતાની જાતનું આવું ભાન જ આડે આવે છે. ઘણી વાર તો આપણને પ્રેમ મળ્યો નથી હોતો કે આપણે પ્રેમ કરી શકતાં નથી હોતાં, તેથી જ બીજાઓને હરીફ તરીકે જોવા લાગીએ છીએ. પણ આપણે માણસ થઈને બીજા માણસ પ્રત્યે સહેજે સ્નેહભાવ અનુભવી શકીએ તો પછી શું સરસાઈ કરવાનું મન થાય કે? એકબીજાને ગાઢ રીતે ચાહતાં પ્રિયજનો વચ્ચે પોતાની જાતને ઊંચી કરીને દેખાડવાનો ભાવ હોય છે કે સામાનાં દુઃખને પોતાનાં કરીને જોવાની લાગણી હોય છે?’ કુમાર ચૂપચાપ સાંભળી રહ્યો. સુનંદા બોલતી બંધ થઈ ત્યાર પછીયે ઘણી વાર સુધી, માથું નીચું કરી કંઈક વિચારતો તે બેસી રહ્યો. છેવટે બોલ્યો : ‘તમે આ બધું શી રીતે સમજો છો, દીદી? તમે કાંઈ મોટાં પીઢ અનુભવી તો નથી. આ બધી જાણ તમને ક્યાંથી થઈ?’ સુનંદાની આંખમાં એકદમ આંસુ છલી આવ્યાં… વેદનામાંથી ભાઈ, ઊંડી ને અસહ્ય વેદનાથી આવેલી અંતર્મુખતાથી… તેને કહેવાનું મન થયું, પણ તે બોલી નહિ. આંસુને પાછાં ધકેલી દઈ મૃદુ રીતે બોલી : ‘દવાખાનું ખોલવાનો વખત થયો, કુમાર! સાડા ચાર વાગી ગયા.’ કુમાર ઊભો થઈ દીવાલ પરથી ચાવી લેતાં બોલ્યો : ‘કોઈક દિવસ એક મિનિટ માટેય ચૂકતાં નથી, દીદી! કામનો આટલો બધો લોભ શો? ઘડી એક વાતો કરી મને જ્ઞાન આપશો તો શું તમને પુણ્ય નહિ થાય? મનને સ્વસ્થ કરવું તે શરી૨ને સાજા કરવા જેટલું સારું કાર્ય નથી?’ સુનંદા પરાણે હસીને બોલી : ‘હું માનસિક દરદીઓ માટે દવાખાનું કાઢું ત્યારે તું ત્યાં આવજે. તારા મનને સાજું કરીશ. તે દિવસે મારી સામે દલીલ કરી, મારા પર છાપ પાડી મને ચકિત કરી દેવાનો પ્રયત્ન કરતો નહિ. નહિ તો હું એને તારો રોગ ગણીશ.’ કુમાર મોટેથી હસીને ચાલ્યો ગયો. સુનંદાએ અંદર જઈને મોં ધોયું. આંખનાં આંસુ, મોં પર છાંટેલા પાણીમાં ભળી ગયાં. ઘણી વાર આમ જ બને છે. હૃદયમાં આકસ્મિક તીવ્ર દુઃખ થઈ આવે છે. વેદનાને કારણે જ અંતર્મુખ બનીને તે ઘણી બાબતો સમજી છે. યાતનાની આ કેડી પર ચાલીને જ તેણે પ્રવાસ કરવાનો છે. અચાનક તેને થયું — કુમાર આ બધી વાતો સત્યને મળશે ત્યારે એને કહેશે. સત્ય એનો શો ઉત્તર આપશે? પોતે જેને હજુ એક પણ વાર જોયો નહોતો, તે માણસ કેટલી બધી વાર તેને યાદ આવે છે! કુમાર પાછો આવ્યો. ‘દીદી, એક વાત કહેતાં હું ભૂલી ગયો હતો. હમણાં યાદ આવી એટલે કહેવા આવ્યો, નહિ તો વળી ભૂલી જાત.’ ‘શું?’ ‘તે દિવસે સવારે દવાખાનામાં મને રફીક બોલાવવા આવેલો, યાદ છે? દશરથને સાપ કરડ્યો તે દિવસે અમીનાએ મને ખાસ બોલાવ્યો હતો. રફીકનો તે દિવસે જન્મ દિવસ હતો. પણ હવે થોડા વખત પછી મહોરમ આવશે. સુલેમાન અગિયારમે વર્ષે મરી ગયો હતો. અમીનાને મનમાં એમ હતું કે રફીક અગિયારમું ઓળંગે તો હૈયાની ધડક શમે. રફીકને તે દિવસે અગિયારમું બેઠું. એટલે અમીનાએ મને બોલાવીને પૂછેલું — આજના બદલે મહોરમને દિવસે આપણે રફીકનો જન્મ દિવસ ઊજવીએ તો દાક્તસાહેબ અમારે ઘેર આવશે?’ અમીનાને રફીક માટે કેટલું વહાલ, કેટલી ચિંતા, કેટલી કાળજી હતાં, તેની સુનંદાને ખબર હતી. એક દિવસ તેની સાથે વાત થતાં તેણે પોતાના ત્રણ પુત્રો મરી ગયાની વાત કરી હતી. તમે શું જાણો બેન એની પીડા? રડીરડીને કશી વસ્તુને તમે નથી ઝંખી, રાતોની રાત ઉજાગરા નથી કર્યા, વર્ષોનાં વર્ષો સુધી, અનિષ્ટ ટાળવા માટે સતત ફડકતા હૈયે બંદગી નથી કરી… તે ધ્રુસકે ચડી ગઈ હતી. તમે ભાગ્યશાળી છો બેન, તમને કશી ચિંતા નથી. અમ જેવાં સેંકડોના આશીર્વાદથી તમારું આયખું ફળશે… ‘અમીના પૂછતી કે તમે એના ઘેર જમશો? મને પૂછતી હતી કે અમારા હાથનું દાક્તરસાહેબ ખાય? હું તો તમને આખી વાત કહેવાનું ભૂલી જ ગયો હતો. હવે થોડા વખત પછી મહોરમ છે. મહોરમને દિવસે પણ દિવાળીની જેમ આખું ગામ નદીકાંઠે ભેગું થાય છે. મુસલમાન ખુતબા પઢે છે ને બધા સાથે સાંભળે છે. તે સાંજે, અમીનાને ત્યાં તમે જશો?’ કુમારે પૂછ્યું. ‘જરૂર જઈશ. અમીનાને કહેજે, એના સ્નેહનીતરતા હાથનું જમીને મને બહુ આનંદ થશે.’ ‘મને એમ હતું જ કે તમે હા પાડશો. તમે પણ કોઈ દિવસ કોઈનો અનાદર કરતાં નથી. સાચે સુ.દી. મને કોઈક વાર એટલો આનંદ થાય છે! મને થાય છે, હું કેટલો ભાગ્યશાળી કે મને આટલાં સરસ સ્વજનો મળ્યાં! દીદી, પૌલોમીની વાત માની ક્યાંક મોટા શહેરમાં તો નહિ જતાં રહો ને! નહિ તો હું બહુ દરિદ્ર બની જઈશ…’ સુનંદા કૌતુકથી બોલી : ‘તો તું ત્યાં આવજે, ત્યાં પણ દવાખાનામાં તને કામ મળી રહેશે.’ કુમાર જરા ઝંખવાઈને બોલ્યો : ‘મારું ચાલે તો આવું… પણ શી રીતે આવું, દીદી?’ ‘કેમ?’ કુમાર અચકાઈને બોલ્યો : ‘ત્યાં આવતાં સત્યભાઈને ગુમાવવા પડે! એમનો સાથ ગુમાવવાનું તો મને કોઈ રીતેય પાલવે નહિ.’ સુનંદાનું હૃદય તંગ થઈ ગયું. બોલી : ‘ના, આ તો અમસ્તી વાત હતી. તું જા હવે દવાખાને, કોઈ આવ્યું હશે તો ખબર નહિ પડે.’ કુમાર ગયો. શહે૨માં જઈને વસવાનું… પણ પોતાનું ક્યાં કશું જ નક્કી છે? ભવિષ્ય વિષે તે એકદમ જ અનિશ્ચિત છે. ભવિષ્ય વિષે ધૂંધળું સરખુંયે સ્વપ્ન નથી. કોને ખબર છે, ભવિષ્યના ગર્ભમાં પોતાને માટે કઈ વસ્તુ રહેલી છે!