zoom in zoom out toggle zoom 

< પરોઢ થતાં પહેલાં

પરોઢ થતાં પહેલાં/૧૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૬

એક દિવસ, દવાખાનામાં કોઈ નહોતું ત્યારે અચાનક જ લલિતા આવી ચડી. સુનંદા પાસે બેસી, શરમાળ હસીને બોલી : ‘ત્રણ કલાકથી વાટ જોઈને બેઠી હતી કે એ જાય તો જરાક વાર આવી જાઉં. છેક હમણાં બહાર ગયા એટલે આવી. પણ પાછા જલદી જ આવવાના છે, એટલે ઝટ મલમ લગાડી આપો તો જાઉં!’

‘ફરી વાગ્યું છે? કેવી રીતે વાગ્યું?’

લલિતા હાથ પરનાં નિશાન બતાવતાં બોલી : ‘આ જુઓ, આજે સવારે ફરીથી માર્યું. ચાર આનાનો હિસાબ નહોતો મળતો એટલે. તમારાથી શું છુપાવું? કુમારને તો બધી વાત કરી જ હશે. બધો હિસાબ રાખું છું, પાઈએ પાઈનો. પણ આજે ચાર આનાનો મળ્યો નહિ. સોટીથી કેટલું બધું માર્યું? પછી એમને ખ્યાલ આવ્યો કે ચાર આના તો એમણે જ, સવો અનાજની ગૂણ મૂકવા આવેલો તેને આપેલા.’ તે ફરીથી ભોંઠપભરેલું હસી. ‘બધી વખત કાંઈ મારો ગુનો હોતો નથી. ઘણી વાર એમના ગુનાની સજા પણ મારે ભોગવવી પડે છે.’

સુનંદાએ હાથ પર મલમ લગાડી આપ્યો, એક ડબ્બી ભરીને સાથે આપ્યો. કહ્યું : ‘તમે બહુ જ નબળાં થઈ ગયાં છો. સાવ એનીમિક લાગો છો. આમાંથી તો કોઈ વાર પર્નિશિયસ એનીમિયા થઈ જશે. થોડાંક બી કૉમ્પ્લૅક્સનાં ઇંજેક્શ ન લઈ લો. આમ શી રીતે ઘરનું કામ કરશો?’

લલિતા ફિક્કું હસીને બોલી : ‘ઇંજેક્શનના પૈસા શી રીતે માંગું, ડૉક્ટર સાહેબ? શાકભાજી લાવવા પાંચ રૂપિયા આપ્યા, તે ડબ્બીમાં મૂકેલા. એમાંથી એમણે જ ચાર આના લીધા. અને પછી આટલી ધાંધલ મચાવી મૂકી. ચાર આના માટે આટલો માર પડ્યો તો દસ રૂપિયા માટે કેટલો માર પડે, કહો જોઉં!’ તે સાડલામાં હાથ સંતાડતી ચાલી ગઈ.

હરિદાસ થોડી વાર થયે આવીને ખૂણામાં બેઠો હતો, તે તરફ સુનંદાનું ધ્યાન જ નહોતું. નીચું મોં કરીને તે સુનંદા ને લલિતાની વાત સાંભળતો હતો. લલિતાના જતાં જ તે એકદમ આગળ આવી, ધીમા, દબાયેલા સૂસવતા અવાજે બોલ્યો : ‘કોઈક દિવસ હું એ દીપચંદનું ખૂન કરી નાખવાનો છું.’

‘શું?’ સુનંદાનો અવાજ લાંબો થઈ ગયો. ફકીરની જેમ ફરતા હરિદાસના મોંમાં આ શબ્દો? તેણે એને હંમેશાં સૌમ્ય, આનંદી, નિષ્ફિકર માણસ તરીકે ઓળખેલો. તેની નજરમાં આશ્ચર્ય છલકાઈ રહ્યું.

હરિદાસએ દૃષ્ટિનો અર્થ સમજ્યો. તેનું મોં પડી ગયું. આંખો ધીમે ધીમે નીચે ઢળી ગઈ. અચાનક જોર કરીને ઊભરાઈ આવેલાં આવેશનાં ફીણ બેસી ગયાં. બોલ્યો : ‘અમસ્તો જ આવ્યો હતો, ડૉક્ટર સાહેબ, તબિયત તો સારી છે ને? મને થયું ડૉક્ટર બધાંને દવા આપે, પણ ડૉક્ટરની પોતાની તબિયતના તો કોઈ ખબર નહિ પૂછતું હોય.’ તે ઊતરી ગયેલા મુખ જેવું હસ્યો પછી કાઉન્ટર પાછળ કુમાર ઊભો હતો ત્યાં ગયો. થોડી વાર ગુસપુસ કરીને તે ચાલ્યો ગયો.

તે સાંજે બધા દરદીઓ ચાલ્યા ગયા, અને દવાખાનું બંધ કરવાનો વખત થયો ત્યારે કુમાર સુનંદા પાસે આવ્યો. ‘એક ફક્કડ વાત કહું, દીદી?’

‘શું?’

‘હરિદાસ સો રૂપિયા આપી ગયો.’

‘સો રૂપિયા? શાને માટે?’

‘કહે — મારી આટલી જ મૂડી છે. બધા પૈસા આપી જાઉં છું.’

‘પણ શાને માટે?’

‘લલિતાબહેન ઇંજેક્શન લઈ શકે તે માટે.’

કશીક નોંધ કરતી સુનંદાની આંગળીઓ કાગળ પર જ થંભી ગઈ. તેણે કુમાર સામે જોયું. ‘એટલે?’

‘એટલે શું, દીદી? વિચાર તો કરો, હરિદાસે પોતાના ફકીર જીવનમાં આટલા પૈસા શા માટે બચાવી રાખ્યા હશે? અને બધા પૈસા એક સ્ત્રીની સારવાર માટે કેમ આપી ગયો હશે?’

‘મને માંડીને વાત કર, કુમાર!’

‘માંડીને વાત કરવા જેવું નથી, દીદી! જે માણસોનાં જીવન ઊખડી ગયાં છે, જેમનાં મૂળિયાંને કશું સિંચન નથી અને વેરાનમાં જે સુક્કા ઠૂંઠાની જેમ જીવી જાય છે, તેમના વિશે માંડીને વાત શી હોય? તેઓ જન્મ્યાં, જીવ્યાં, દુઃખી થયાં, બસ એટલામાં બધું આવી જાય.’

‘પણ હરિદાસને અને લલિતાને શું?’

‘હરિદાસ અને લલિતાબહેનને શું નહિ? એમને બધું જ. એક કાળે એ બન્ને એકબીજાનું બધું હતાં, લલિતાબહેનનાં મા નાનપણથી વિધવા થયેલાં. પૈસાની તંગીનું દુઃખ બહુ સજ્જડ રીતે ભોગવ્યું હશે, એટલે ફકીર સ્વભાવના હરિદાસને બદલે પૈસાદાર દીપચંદની સાથે પરણાવી દીધાં. લલિતાબહેન દેખાવે રૂપાળાં, એટલે દીપચંદનું મન તો તેનામાં હતું જ. દીદી, સ્ત્રીઓનું રૂપ તેમનું કેવું દુશ્મન બની જાય છે, કોઈક વાર સ્ત્રી એ સમજે તો! દીપચંદે લલિતાબહેનને દુઃખ દીધું છે. બધી રીતે. લલિતાબહેન સુખી હોત તો હરિદાસ અહીંથી જતો રહ્યો હોત. પણ હવે એ અહીં જ રહે છે. કહે છે — કોને ખબર કઈ ઘડીએ લલિતાને મારી જરૂર પડે!’

આ નાનકડા ગામમાં પણ જીવનના કેવા કેવા ખેલ ખેલાતા હતા!

‘એટલે જ દીદી, હું તે દિવસે કહેતો હતો કે છીછરા ન હોવા છતાં જે લોકો આખોય વખત હસતા રહેતા હોય, તે લોકોના જીવનનો ઇતિહાસ જરા જોવો જોઈએ.’

સુનંદા કાંઈ બોલી નહિ. બોલવાનું કશું હતું નહિ. નવા નવા ખૂણેથી તેને જે આશ્ચર્યો ભેટતાં હતાં તેથી તે અભિભૂત થઈ જતી હતી.

અમીનાએ તેને કહેલું તે તેને યાદ આવ્યું : ‘તમે તો સુખી છો બેન!’

પોતાને જેમ આ લોકોના જીવનની ન દેખાતી બાજુ જાણીને વિસ્મય થતું હતું, તેમ એ લોકોને પણ પોતાના જીવનની ખબર પડે તો? પોતાની પાસે દુઃખ ઠાલવવા, આશ્વાસન શોધવા આવતા લોકોમાંથી કોઈને જ શું કોઈ વારેય એમ નહિ થયું હોય કે ડૉક્ટરના જીવન વિશે તેઓ કાંઈ જાણતા જ નથી? તેઓ જો કોઈક વાર એમ જાણે કે પોતે તો એક ત્યક્તા નારી છે…

ત્યક્તા!

પોતાની દયા ખાવાનું તેને મન નથી. બીજા કોઈની દયા પણ તેને જોઈતી નથી. કોઈક દિવસ પોતાના પ્રયત્નોથી આ ખાઈમાંથી બહાર અવાશે તો આવશે. નહિ તો…

નહિ તો શું?

તેના ઉત્તરની તેને ખબર નથી.

માનો કાગળ બે દિવસ પહેલાં આવ્યો હતો. સૂતાં પહેલાં તેણે એ ફરીથી વાંચ્યો :

‘તને ત્યાં ગમતું હશે કે નહિ, તેની ખબર નથી. તારા બાપુ ને હું, બન્ને તારે માટે હંમેશાં ચિંતા કરીએ છીએ. રાતે બધાં સૂઈ જાય પછી હું મોડે સુધી ભગવાનને પ્રાર્થના કરું છું. શ્રદ્ધા એ બહુ મોટું બળ છે, દીકરી! ઈશ્વર તારું સર્વ રીતે કલ્યાણ કરો.

‘તારી તબિયત સારી હશે. તને ત્યાં કોઈ પણ અગવડ કે તકલીફ હોય તો તું કામ મૂકીને અહીં આવતી રહેશે એવો ભરોસો રાખું છું. કામ સારી વસ્તુ છે, પણ આપણા હૃદયની પ્રસન્નતા પહેલી બાબત છે. મારું માનું હૈયું તો તને હંમેશાં મમતામાં વીંટી લેવાને આતુર જ છે…

‘ઈશ્વર તને સદા સુખી અને ખીલતી રાખો. તારા પર એના આશીર્વાદ ઊતરો.’

માની મમતા! સુનંદાને ઘરનો સ્નેહ ખૂબ મળ્યો છે. બધા જ ખૂણેથી તેને સ્નેહ મળ્યો છે. આ ગામના લોકો પણ તેનાથી દૂર રહીનેય તેને ચાહે જ છે. એમ છતાં, અંદર કોઈક એવો પ્રદેશ છે, જે આ બધી પ્રાપ્તિ પછી પણ ખાલી ૨હી જાય છે. એ ખાલીપણાને તો એક જુદો પરિતોષ જ ભરી શકે.

લલિતાએ જે શાંતિ પ્રાપ્ત કરી છે, તેમાં પણ એક ખાલીપણું હશે. એ ખાલીપણું કોઈક કાળે હરિદાસ ભરી શક્યો હોત. પણ આજે હરિદાસ અહીં છે અને લલિતા પણ અહીં છે, પણ જે ખાલી ખૂણો છે તે ખાલી જ રહેશે.

જીવનનાં કેટલાં બધાં કારુણ્યો!

તોપણ બધું છેક જ આશાતીત નથી. આ કારુણ્યોની વચ્ચે અંજનાશ્રીને સત્ય છે, તે જ વધુ સાર્થક જીવન માટેની સંભાવનાનું દ્વાર છે.

આ દ્વારમાં પ્રવેશ કરવાની ઘડી પોતાને માટે કદી આવશે?

*