પરોઢ થતાં પહેલાં/૧૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૭

ખાવામાં બહુ જ મઝા આવે છે. વડી ને વેંગણનું તીખું તીખું શાક, ઉફ! યૂસુફે હોઠ પર જીભ ફેરવી. ડૉક્ટર ના પાડે છે, પણ ખાધા વિના કેમ રહી શકાય? ફાતમા રસોઈ સરસ બનાવે છે. બસ એ જ તો એનો ગુણ છે. બીજું એનામાં છે શું? પણ લસણ નાખી કાંદા-બટાટાનાં ભજિયા બનાવે છે ત્યારે એની સુગંધથી જ મન પાણી પાણી થઈ જાય છે. પણ પેટમાં દુઃખે છે. કદીક કદીક બહુ જ દુઃખે છે. સહેવાય નહિ. ન જ સહેવાય. પેટ દબાવીને બેસી રહેવું પડે. માથું પછાડવાનું મન થાય. ઊલટી થઈ જાય તો પછી કંઈક સારું લાગે. યૂસુફ કોઈક વાર બહુ જ વેદના પામે છે. શું કરવાને ખુદાએ આટલી બધી ચીજો બનાવી? અને આટલી સ્વાદિષ્ટ ચીજો બનાવીને પછી પેટનાં દરદ શું કામ બનાવ્યાં! અને બનાવ્યાં તો પોતાને જ શું કામ એનો ભોગ બનાવ્યો? પોતાની સૌથી ભાવતી વસ્તુઓથી જ વંચિત રહેવું પડે, પેટ ભરીને મનપસંદ વસ્તુ કદી ખાઈ શકાય નહિ, એવી સજા પોતાને જ કેમ કરી? ડૉક્ટર કહે છે, અલ્સર છે. ચાંદું… મારા આવડા મોટા શરીરમાં પૈસા જેવડા એક નાનકડા ચાંદાની શી વિસાત? દિવાળી પછી સારું ખાધું નથી, તે દિવસેય ડૉક્ટરની બીકે સાચવી સાચવીને ખાધું હતું, પણ આજે હવે એકદમ મોકળા મને, કોઈ બંધન વગર, બસ છૂટથી ખાવાની બહુ જ ઇચ્છા થઈ આવી છે. મન રોક્યું રોકાતું નથી. જુદા જુદા સ્વાદ રંગ બનીને આંખોમાં તરે છે, સુગંધ બનીને નાકને વીંધે છે. રોજ ફાતમાને કહેતો હતો, બનાવતી નહોતી. પણ આજે તો હવે પરાણે તેની પાસે કરાવીશ. આજે એક વાર પેટ ભરીને બધું ખાઈશ. બસ, એક વાર ધરાઈને ખાઈ લઉં, વળી પછી ડૉક્ટર કહેશે તો થોડા દિવસ નહિ ખાઉં. આ રોજ રોજ મોળું ખાવાનું તો જરાયે ભાવતું નથી. પછી આખો દિવસ ખાવાની વાત યાદ આવ્યા કરે. જે લોકો કશી ચિંતા વગર ગમે તે ખાઈ શકતા હોય, તેમની ઈર્ષ્યા થવા માંડે. દુકાનો તરફ લાલચભરી નજર મંડાઈ રહે. રાતે સપનામાંય જાણે — હિન્દુઓના મંદિરમાં છપ્પન ભોગ ધરાવ્યા છે. ભીડ જામી છે. તોફાન થાય છે. ટોળાને વિખેરવા લાઠીબાજી કરીએ છીએ. બધા લોકો ભાગી જાય છે. મંદિર ફરતા પોલીસો ગોઠવાઈ જાય છે. સિપાઈઓને બહાર રાખી હું અંદર જાઉં છું. મૂર્તિની સામે પડેલા, વિવિધ વાનગીઓથી ભરેલા થાળ… ઇચ્છા થાય તે ખાઈ ન શકાય, એ તે કાંઈ જીવન છે? યૂસુફે ફાતમાને બોલાવી : ‘ફાતમા, આજે હું પેટ ભરીને ખાઈશ. આજે મને સારું છે. પેટમાં જરાયે દુખતું નથી.’ પેટ ભરીને ખાઈશ — ફાતમાવ એ શબ્દો સાંભળીને કંપી ઊઠે છે. પેટ ભરીને — એટલે કેટલું બધું? હવે તેને કોઈક કોઈક વાર થાક લાગે છે. ત્રણ વખતના રાંધવામાંથી ને ઘરનાં કામવાસીદામાંથી જરાયે વખત જ મળતો નથી. યૂસુફને બહારગામ જવાનું થાય ત્યારે જરા આરામ મળે. સરખાં નહાઈધોઈ તૈયાર થઈ શકાય. અત્યાર સુધી તૂટેલા અરીસાનો એક ટુકડો પાસેની ઓસરીની ભીંતના ગોખલામાં પડી રહેતો. તેના પર બધો વખત ધુમાડો છવાયેલો રહેતો. બહુ ધ્યાનથી એમાં જોવાની જરૂર નહોતી લાગી. પણ ડૉક્ટરસાહેબે કહ્યું : ‘તું તો સુંદર દેખાય છે, ફાતમા!’ ત્યારથી તેણે આ તૂટેલો અરીસો ઓસરીના ગોખલામાંથી લઈ બહાર ફળિયાની ભીંતના ગોખલામાં મૂક્યો છે. ત્યાં વધારે અજવાળું આવે છે. ધુમાડો નથી. ઘણી વાર તે ત્યાં ઊભી રહીને વાળ ઓળે છે અને પોતાનું મોં જોયા કરે છે. શોભા સાથે સરખામણી ન કરી શકાય, તોપણ જોવું ગમે એવું મોં તો છે. પાતળા લાલ હોઠ અને અજબ કુમાશથી ભરેલી ઉદાસ આંખો. કપાળ પર ઝૂકી આવતી કાળા વાળની લટો… નજર વળગી રહે. નહાઈધોઈને, તૈયાર થઈને ફળિયામાં ઊભી હોય ત્યારે મનમાં થાય : દાક્તરસાહેબ અત્યારે જો અહીંથી નીકળે…! પગે તેલ ચોળતાં યૂસુફ અંદરથી બૂમ મારે છે : ‘ક્યારની ત્યાં ઊભી ઊભી શું કરે છે?’ ફાતમા પૂછે છે : ‘હવે તમારે ફરી બહારગામ ક્યારે જવાનું છે?’

*

તે દિવસે ખૂબ ખાધું. બહુ સંતોષ થયો : હવે જાણે જીવવા જેવું કાંઈ છે તેમ લાગ્યું. ફાતમા સારી છે. બહુ પ્રેમથી તેણે ખાવાનું બનાવ્યું. ફૂલવડી, તીખા પૂડા અને આમલીની ચટણી, કાંદા-બટાટાનાં ભજિયા, ઘણુંબધું. ભયના દોરડા વડે બેળેબેળે બાંધી રાખેલી ઇચ્છા આજે છૂટીદોર થઈ. ફાતમા જરા ગભરાઈ ગઈ. ‘આટલું બધું ન ખાઓ, હો!’ ‘અરે, મને કાંઈ થવાનું નથી.’ ‘પણ તમે આવું તેલ ને મરચું એવું એવું ખાઓ છો કે પેટમાં દુખવા તો આવે છે.’ ‘એ તો અમસ્તું. દવા લઈએ એટલે બેસી જાય.’ ‘પણ દાક્તર કહે છે કે તમારા પેટમાં ચાંદું છે.’ ‘ચાંદું ચાંદું શું કરે છે…?’ યૂસુફ ગુસ્સે થઈ ગરજી ઊઠ્યો. ‘હવેથી હું રોજ બધું ખાવાનો છું. કશી પરેજી પાળવાનો નથી.’ તેણે થાળીમાં ફરી ફૂલવડી લીધી. તીવ્ર જરૂરિયાતના આંધળા ભાનમાં તે ખાવા સિવાયની બધી વાતો ભૂલી ગયો. ડ્યૂટી પર આજે બાર વાગ્યે જવાનું હતું. હજુ દોઢ કલાકની વાર હતી. ખાઈને તે આરામ કરવા આડો પડ્યો. મનમાં કશીક ખુશી થયા કરતી હતી. આજે જો દુખવા ન આવે તો હવે ‘આ ન ખાવું ને પેલું ન ખાવું’ની જંજી૨માં જકડાઈને દુઃખી થવાની જરૂ૨ નથી. શરીર છે થોડુંઘણું દુખે પણ ખરું. એમાં ક્યાં મરી જવાના હતા?… તે ઓસરીમાં શેતરંજી પાથરી લાંબો થયો. સહેજ આંખ મળી ગઈ. અચાનક ધરતીકંપનો આંચકો લાગ્યો હોય તેમ તે જાગી ગયો. ક્યાં થયો હતો ધરતીકંપ? અરે, આ તો પોતાની અંદર જ છે. એક ભયાનક ઘમસાણ, ઊથલપાથલ, દર્દના ઝાટકા પર ઝાટકા અને પછી રૂંધી નાખતો, શ્વાસને ગૂંગળાવી દેતો, નસેનસને ચૂંથી નાખતો દુઃખનો એક ગોળો અંદર જોરજોરથી ઘૂમવા લાગ્યો. તેણે બે હાથથી પેટ દબાવ્યું, આ શું થાય છે? નક્કી, આ ખાવાને લીધે નહિ હોય. આ કાંઈ અલ્સરની પીડા નહિ હોય, આ તો કાંઈક જુદું જ છે. પેટમાં જાણે વાઘનું બચ્ચું ક્યાંકથી ઘૂસી ગયું છે. દર્દના નહોર ભરાવીને પેટની દીવાલ પરથી બાચકાં તોડે છે. અરે, હું તો જાણે ક્યાંક ખેંચાઉં છું… પીડાનું ધસમસતું ઘોડાપૂર આવ્યું છે… ઘસડી જાય છે. તેણે તીક્ષ્ણ કંઠે બૂમ મારી… ‘ફાતમા!’ ફાતમા દોડતી આવી : ‘કાં, શું છે?’ ‘ડૉક્ટર સાહેબને જલદી બોલાવ, જલદી.’ ફાતમા બેબાકળી થઈને બહાર દોડી. કોને મોકલું બોલાવવા? બહાર કોઈ દેખાતું નથી. વળી તે અંદર દોડી આવી. યૂસુફની પીડા વધી તો નથી! પાછી બહાર ગઈ. કોઈ પસાર થતું હોય તો… હું તો એમને મૂકીને કેવી રીતે જાઉં? રસુલ ગાડીવાળો ત્યાંથી પસાર થતો દેખાયો. ફાતમા એકદમ રસ્તા સુધી દોડી. ‘એ રસૂલભૈયા, જરા સરકારી દાક્તર સાહેબને બોલાવી લાવશો? એમને કંઈક થઈ ગયું છે. દાક્તરસા’બને કહો, જલદી, આ ઘડીએ આવે…’ તેનો અવાજ ચીસ જેવો બની ગયો. રસૂલ ગામના ખાનગી પ્રેક્ટિસ કરતા ડૉ. દેસાઈનો ગાડીવાળો હતો. બીજા ડૉક્ટરની વિઝિટ માટે તેની ગાડી સાધારણ રીતે લઈ જતો નહિ. પણ ફાતમાનું મોં જોઈને તે બોલ્યો : ‘બહુ દર્દ ઊપડ્યું છે? આ હમણાં બોલાવી લાવું.’ … કેટલો વખત વીત્યો? હજુ ડૉક્ટર આવ્યાં નથી? હે ખુદા, મારું અંગેઅંગ છૂટું પડી જાય છે, હથોડીના ઘા પર ઘા કોણ મને મારે છે? અમ્મા… અમ્મા… અમ્મા બહુ મારતી, પણ પછી પટાવીને ખાવાનું આપતી. ખાવાનું? થાળીમાં મૂકેલા નાના નાના રંગબેરંગી પદાર્થો તેની સામે નાચવા લાગ્યા. તેણે હવામાં હાથ વીંઝ્યો. અંહ, દૂર હટો, દૂર હટો… સુનંદા આવી ગઈ. ફાતમાએ કહ્યું : ‘દૂર હટો કોને કહો છો? દાક્તર સાહેબ આવ્યાં છે.’ યૂસુફે મહાપ્રયત્ને આંખ ઉઘાડી. સુનંદા ને જોતાં જ તેના પગ તરફ શરીર ઢળી પડ્યું. એ જબરા તોતિંગ શરીરમાંથી તદ્દન દુર્બળ અવાજ નીકળ્યો : ‘મને બચાવો. ડૉક્ટર સાહેબ, મને બચાવો.’ ડુંગર જેવો તેનો દેહ સુનંદાના પગ પાસે લાચાર થઈને તરફડી રહ્યો. વ્યાકુળ સ્વરે તે બોલ્યો… ‘નથી સહેવાતું, ઓ સાહેબ! ઓ અમ્મા… ઓ ખુદા… ઓ…!’ તેના મોંમાંથી મોટી ચીસ નીકળી ગઈ, અને પછી એકદમ જ ક્ષીણ થઈ ગઈ. તરફડિયા મારતું તેનું શરીર ધીમે ધીમે સ્થિર થવા માંડ્યું. આંખોની નજર ઊંડે ઊંડે ઊતરવા લાગી. ફાતમા મોટેથી રડી પડતાં બોલી : ‘શું થાય છે એમને દાક્તર સાહેબ? એમને કાંઈક દવા આપો ને!’ કુમાર સુનંદાની પાછળ ઊભો હતો. સુનંદાએ તેના તરફ જોઈને ડોકું ધુણાવ્યું. ‘પરફોરેશન થઈ ગયું લાગે છે…’ ફાતમા કશું સમજી નહિ. યૂસુફનું શરીર એકદમ શાંત થઈ ગયું. ફાતમા આતુર દૃષ્ટિએ સુનંદા સામે જોઈને બોલી : ‘તમે દવા આપ્યા પહેલાં જ દરદ શાંત થઈ ગયું? દર વખતે તો ઊલટી થાય પછી જ સારું થતું.’ સુનંદાએ ફાતમા સામે એક ક્ષણ ધારીને જોયું. આજે તે પહેલા દિવસે જોઈ હતી તેવી જ ફરી લાગી. ગંદાં કપડાં, વેરવિખર વાળ, મોં પર મલિનતાનો થર. પછી તેણે યૂસુફની નાડી જોઈ. ચાલતી હતી, પણ ધીમી પડતી જતી હતી. ‘કોમા’માં હતો. હવે કશો ઉપાય નથી. ઑપરેશન… કદાચ… પણ અહીં ઑપરેશનની સગવડ નથી. મોટા દવાખાને પહોંચાડતાં સુધીમાં તો ન ટકી શકે. દવા આપવાનો કશો અર્થ નહોતો, તોપણ તેણે એક ઇંજેક્શન આપ્યું. કદાચ ફાતમાના સંતોષ ખાતર. ફાતમાને સાચી વાત કહેવાની તેની હિંમત ચાલી નહિ. કુમારને તેણે કહ્યું : ‘તું અહીં થોડો વખત રહે, પછી મારી જરૂર હોય તો મને બોલાવજે.’ આજુબાજુમાંથી લોકો ભેળાં થઈ ગયાં. ફાતમા સ્તબ્ધ થઈને યૂસુફના મોં સામે તાકી રહી — ‘દર્દ શમી ગયું તોયે હજુ બોલતા કાં નથી? ડૉક્ટરે દરદ મટાડવા ઘેનનું ઇંજેક્શન આપ્યું કે શું? પણ મોં કાળું કેમ પડતું જાય છે? અરે, જરાક તો આંખ ઉઘાડો. કહો તો, તમને શું થાય છે? કાંઈ પીવું છે? બનાવી લાવું…?’ બે કલાક પછી યૂસુફ પણ મરણ પામ્યો. છેક સુધી બેભાન રહીને. ફાતમાએને વળગીને ચિત્કાર કરી ઊઠી : મેં તો તમને કહ્યું હતું કે આટલું બધું ન ખાઓ… પછી ઝીણા ઝીણા અવાજે તે કેટલુંયે બોલતી રહી, પણ ભેગાં થયેલાં લોકોના અવાજમાં તેનું બોલવાનું ડૂબી ગયું. ઇન્ના લિલ્લા હે વ ઇન્નાઈલૈહે રાજઉન… જે જન્મ્યો છે તેને એક ને એક દિવસે જવાનું છે. તું આગળ જાય છે, અમે તારી પાછળ આવીએ છીએ… ફાતમાની ચૂડી ફોડી નાખવામાં આવી.

*