પરોઢ થતાં પહેલાં/૧૮
નાનકડી ઓરડીમાં પાટને બારી નજીક કરીને અંજનાશ્રી બેઠાં હતાં.
બારી પાછળનાં ખેતરોમાં ઠંડી ઓઢીને સાંજ ઊતરી હતી. આકાશ નિસ્તેજ અને રંગહીણું હતું. વૃક્ષોનાં પાનમાં ખરવાનો મર્મર હતો.
સૂર્યના સંકેલાતા ઉજાસમાં અંજનાશ્રીનું મુખ સુવર્ણમય બની જતું હોય તેમ સુનંદાને લાગ્યું.
તે બારણામાં જ ઊભી રહી.
તેના ત્યાં હોવાની હવા અંજનાશ્રી સુધી પહોંચી હોય તેમ તેમણે ધીમેથી ડોક ફેરવી. તેમનાં સુંદર દીર્ઘ નેત્રો વાત્સલ્યથી ચમકી રહ્યાં. ‘આવો ડૉક્ટર!’
‘મેં તમને વિક્ષેપ તો નથી કર્યો ને?’ સુનંદાએ અંદર પ્રવેશતાં પૂછ્યું.
‘વિક્ષેપ તો વિવાદી હોય તે કરે. તમે તો અહીંની સૃષ્ટિ સાથે એકદમ સંવાદિત છો.’
અહીંની સૃષ્ટિ… સુનંદાના મનમાં શબ્દોનો પડઘો ઊઠ્યો. તેણે ચારે બાજુ નજર ફેરવી. બેસવા માટે કશું જ ન હતું. આખી ઓરડી માત્ર પાટ સિવાય ખાલી હતી, પણ અંજનાશ્રી માટે કદાચ ત્યાં કોઈક સમૃદ્ધિ હતી.
અંજનાશ્રીએ પાટ પર હાથ મૂકીને કહ્યું : ‘આવો, અહીં બેસો.’
જૈન સાધુસમાજના કશા નિયમોની સુનંદાને ખબર નહોતી. અંજનાશ્રી સાથે એક પાટ પર બેસી શકાય? પણ બીજી કોઈ જગ્યા પણ હતી નહિ. અંજનાશ્રીથી જરા અંતર રાખી તે પાટ પર બેઠી. થોડી વાર તે કાંઈ બોલી નહિ. અંજનાશ્રી સામે જોઈને માત્ર સ્મિત કરી રહી. આ સ્ત્રીની પાસે માત્ર બેસવામાં પણ કેટલી બધી શાંતિ રહેલી હતી!
‘તમારી તબિયત કેમ છે?’
‘તબિયત એટલે, રોગ વિષે તમે પૂછતાં હો તો, તે દિવસે દિવસે વધતો જાય તેવો તેનો સ્વભાવ છે તે તો તમે જાણો છો!’ અંજનાશ્રી હસ્યાં : ‘પણ મારા વિષે પૂછતાં હો તો હું ખૂબ આનંદમાં છું.’
ચૂનાથી ધોળેલી એક નાની, ખાલી ઓરડી; સંગીહીન, સ્વજનહીન એકાંત; લ્યુકેમિયા જેવો ભયાનક રોગ; બીજી સાધ્વીઓનો અહીં વાસ છતાં ઊંચા શિખર પરની દિવસરાતની એકાકિતા. કોઈ પણ સાધારણ માણસનું હૃદય ભીંસાઈ જાય એવી આ સ્થિતિમાં, એવું શું છે જેમાંથી તે આનંદ પામી શકે? મૃત્યુની સાવ કિનારીએ પહોંચેલી આ પ્રૌઢ સ્ત્રીના આનંદનું મૂળ શામાં છે? — સુનંદા વિચા૨ી રહી.
ફરી એક વાર તેને બહુ જ ઇચ્છા થઈ આવી — અંજનાશ્રીનું પૂર્વ જીવન જાણવાની. કયાં દુઃખે, કઈ પીડાએ તેમણે સંસારનો ત્યાગ કરી આ કઠોર એકલતાનો માર્ગ પસંદ કર્યો હશે? તેમને શું જીવનનાં કોઈ સ્વપ્નો નહિ હોય? આ ત્યાગનો ઊંચો મિનાર શું એ સ્વપ્નના ખંડેર પર જ ચણાયો હશે?
‘શું વિચાર કરો છો, ડૉક્ટર?’
‘ના, કંઈ નહિ, મને એમ થયું કે…’
‘શું થયું?’
‘કે કોઈ પણ માણસ, તમે છો એ સ્થિતિમાં શું આનંદનો અનુભવ કરી શકે?’
‘અને કોઈ કહે, કે તે આનંદનો અનુભવ કરે છે, તો તે કાં જડ હોય, કાં દંભી હોય, એમ ને? દુનિયામાં પોતાનાં નહિ તો બીજાઓનાં એટલાં બધાં દુઃખો છે કે એની વચ્ચે માણસ, મનુષ્ય રહીને આનંદમાં રહી શકે નહિ, ખરું?’
એક રીતે એ વાત બરોબર છે. દુનિયામાં ચારે બાજુ આ જે દર્દો, પીડાઓ, હતાશા, આંસુ, અસંતોષ, સ્વાર્થ, ખેંચતાણ, લોભ, હિંસા વ્યાપી રહ્યાં છે, તેની વચ્ચે માણસે સ્વસ્થ થઈને જીવવું હોય તો થોડા બધિર બની જવું પડે. પશુની જેમ અન્યની પીડાથી બેખબર બની જવું પડે. એ બધાં પ્રત્યે સંવેદનશીલ બનીને જો કોઈ જીવે તો એનાં પ્રચંડ મોજાં વચ્ચે તેની સ્વસ્થતા ક્યાંયે ઘસડાઈ જાય. સ્વસ્થ હોવું ને છતાં જડ ન હોવું, તે કેટલી અઘરી વાત છે!
અને અંજનાશ્રી સ્વસ્થ હતાં. જડ તો નહોતાં જ. સુનંદાને યાદ આવ્યું, મૃત્યુની કવિતા અને, સોનેરી મેદાન ને લીલા તેજનો સંવાદ… ના, આ સ્ત્રી જડ નહોતી. અને છતાં અપરંપાર દુઃખોથી ભરેલી આ દુનિયા વચ્ચે તે માત્ર સ્વસ્થ જ નહિ, આનંદમાં રહી શકતી હતી. અને એ દંભ પણ નહોતો, એ ઉપરની બનાવટ નહોતી, એ તો એના તળમાં રહેલું, એના વ્યક્તિત્વનાં પારદર્શક જળ વીંધીને બહાર સુધી દીપ્તિ વેરતું મોતી હતું.
‘કોઈને કૅન્સર હોય, જીવવાની કશી આશા ન હોય, દિવસરાત એક નાની ઓરડીમાં, સ્વેચ્છાએ પસંદ કરેલી કેદના જેવું એકલવાયું જીવન ગાળવું પડતું હોય, પાસે કોઈ આત્મીય વ્યક્તિ ન હોય, જીવન જીવવા માટે કોઈ આધાર ન હોય, તો એ ઘણું અઘરું થઈ પડે તે હું સમજું છું. આમાંનું એકાદ દુર્ભાગ્ય સહેવું પડે તોયે તે અસહ્ય બની જાય. મારે પણ એક વાર એવી દુઃસહ્ય ઘડી આવી હતી.’
સુનંદાના હોઠ સુધી શબ્દો આવી ગયા — તમે શા માટે દીક્ષા લીધેલી? પણ આ સ્ત્રી તેની ઊંચાઈમાં જાણે આકાશ જેટલી દૂર હતી. પોતાના મનમાં તેની સાથે આત્મીયતા અનુભવી શકાય, તેની છાયા હેઠળ ઊભાં રહી શકાય, પણ તેની નિકટ ન જઈ શકાય.
‘એક વાર હું આનાથી તદ્દન જુદી જ સૃષ્ટિમાં હતી. ત્યારે મને કૅન્સર નહોતું અને દુનિયા જેને સમૃદ્ધિ કહે છે તે મારી આસપાસ વિપુલપણે પથરાયેલી હતી.’
સુનંદા સાંભળી રહી. જે બારણાને આંગળી અડાડવાની તેની હિંમત નહોતી, તે બારણું પોતાની મેળે જ ધીમે ધીમે ખૂલી રહ્યું હતું.
અંજનાશ્રીએ બારીની બહાર જોયું. તેમની આંખ કશાક ઊંડા ધ્યાનમાં બંધ થઈ ગઈ.
‘એક વાર હું કૉલેજમાં અંગ્રેજી સાહિત્યની અધ્યાપિકા હતી, ડૉક્ટર!’
‘ખરેખર?’ સુનંદા ચકિત થઈ ગઈ. કોઈ સ્ત્રી અંગ્રેજી સાહિત્યની પ્રોફેસર હોય; અને તે સાધ્વી બની જાય… ના, કશુંક બન્યું હોવું જોઈએ. આટલું મોટું પરિવર્તન સહેલાઈથી થતું નથી. એ નાનકડો ફેરફાર કરતાં અરે, માણસને એક ચા કે સિગારેટ મૂકી દેતાંય કેટલી તકલીફ પડે છે!
અંજનાશ્રી ધીમા અવાજે બોલ્યાં : ‘બધું બરોબર ગોઠવાયેલું હતું, અથવા મને એમ લાગતું હતું. અચાનક જ એક બહુ જ અકલ્પ્ય, અણધારી ઘટના બની. આઘાતથી આખું જીવન ડોલી ઊઠ્યું, મારા બધા વિશ્વાસો તૂટી ગયા. હું એકદમ જ એકલી, અસહાય, આધારવિહીન બની ગઈ. મેં મારી જાતને પૂછ્યા કર્યું : આ શું થયું? આ શી રીતે બન્યું?
‘મને થયું : આ આખીયે વસ્તુ એટલી અણચિંતવી, અસાધારણ છે કે, મારા જીવનમાં તે કેમ બની તે મારે શોધી જ કાઢવું જોઈએ. માંડવાળ કરવાથી, ઢાંકી દેવાથી, ભૂલી જવાથી આ પરિસ્થિતિનો ઉકેલ નહિ થઈ શકે. બધું હતું તેમનું તેમ પાછું હવે નહિ ગોઠવી શકાય. કોઈક વાર, જીવનમાં એક વાર એવો સમય આવે છે, જ્યારે સત્યને શોધવાને બદલે સુખ સાથે સમાધાન કરી લેવાનું શક્ય નથી બનતું. અને પરિસ્થિતિના છળથી જે છિન્ન થઈ જાય, તેવા સુખનું મૂલ્ય પણ કેટલું?
‘અને મને સમજાયું કે, એ વસ્તુ કેમ બની તે શોધી કાઢવા માટે મારે મારી જાતને શોધી કાઢવાનું જરૂરી હતું. ત્યાર પછી મેં દીક્ષા લીધી. બહારની સઘળી દુનિયાથી અલિપ્ત બની હું મારી જાતમાં, મારી અંદર ઊતરી. ત્યારે હું તદ્દન એકલવાઈ બની ગઈ હતી. સૂર્ય ચંદ્રરહિત એક અતલ અંધકાર મારી આસપાસ વીંટાઈ ગયો. મેં ઈશ્વર પાસે કશી યાચના કરી નહિ. યાતના દૂર થાય તેવી વિનંતી કરી નહિ. કશી પણ આશા-અપેક્ષા વિના, એ અકુલ તિમિરને કાંઠેકાંઠે હું ચાલી. મારે માટે એ અતિશય વસમી ઘડીઓ હતી, ડૉક્ટર! મને કશી જ સૂઝ નહોતી પડતી. મારી અંદરથી આ શોધમાં હું ક્યાં પહોંચીશ એનો મને લેશમાત્ર અંદાજ નહોતો.
‘પછી એક દિવસ અચાનક જ મારામાં મને એક અપૂર્વ શાંતતાનું સ્થિર કેન્દ્ર મળી આવ્યું. કોઈક અદીઠી ઊંચાઈએથી મારા પર એક અવ્યાખ્યેય શાંતિ ઊતરી આવી — પૃથ્વી પર તોફાન હોય ત્યારે આકાશમાં હોય છે તેવી શાંતિ, વૃક્ષો ઊખડી પડતાં હોય ત્યારે પર્વતની હોય છે તેવી શાંતિ. મારું હૃદય એક પંખીની જેમ હળવું બની ગયું. મનમાં કોઈ ભય, પીડા, સલામતીની ઇચ્છા, અપમાનનો બોજ કે અવજ્ઞાનું શલ્ય રહ્યાં નહિ. અંદરથી જાણે કોઈ મુક્તિ મળી ગઈ. મને સમજાયું કે આપણી અંદર જ, એવો આનંદ હોઈ શકે છે જે કોઈ આઘાતોથી ભાંગી પડતો નથી; એક એવી સભરતા હોઈ શકે છે, જેને બહારની સમૃદ્ધિ સાથે કોઈ સંબંધ નથી.
‘એક વાર આપણું અંતર આ મુક્તિમાં ઊઘડવા લાગે પછી આપણને જુદી જ સૂઝ આવી મળે છે. વસ્તુઓ કેમ અમુક પ્રકારની હોય છે, ઘટનાઓ શા માટે બને છે તેનો જરા જરા અર્થ આપણને સમજાવા લાગે છે. આપણે સમજીએ છીએ કે જે કાંઈ કુદરતી રીતે બને છે, તે એકદમ જ બરોબર હોય છે. એનો અર્થ એમ નહિ કે જીવનને ભાગ્યને આશરે છોડી દેવું, પણ એવી પ્રતીતિ હોવી કે સાચી ઘડીએ સાચી વસ્તુ બની આવે છે. જેને આપણે દુઃખ કહીએ છીએ તે પણ, નવાં સત્યો તરફ આપણને ઉન્મુખ કરવા માટે સાચી ઘડીએ બની આવેલી, સાચી વસ્તુ જ હોય છે. આપણે એ રીતે એને જોતાં નથી, કારણ કે દુઃખનો આપણને ભય લાગતો હોય છે, આપણે એમાંથી નાસી છૂટવા ઇચ્છતાં હોઈએ.
‘પછી મને પ્રકાશ મળ્યો કે મારા જીવનમાં એ નિષ્ઠુર વેદના જન્માવે તેવી ઘટના શા માટે બની આવી હતી. એ ઘટના ન બની હોત, તો જીવનનો આ ઉઘાડ અને ગમે તે પરિસ્થિતિમાં ટકી રહેનારાં આ શાંતિ, સભરતા, આનંદ મને ન મળ્યાં હોત. મારું એ દુઃખ જ મારે માટે દીવો બની ગયું. એ દુઃખ મારા જીવનમાં ન આવ્યું હોત, ભૌતિક સુખ અને સમૃદ્ધિની સરિતામાં જ મારી નૌકા વહી હોત, તો આજે જે પ્રકાશિત આનંદલોકની મને ઝાંખી થઈ છે, તે મને ક્યારેય ન થઈ હોત. તો હું સુખી હોવા છતાં સાવ દરિદ્ર હોત!’
અંજનાશ્રીએ એક ઊંડો શ્વાસ લીધો. આટલું બોલવાને લીધે તે થાકી ગયાં હોય તેમ લાગ્યું. પણ તેમના ચહે૨ા પર જરાયે મ્લાનતા નહોતી.
‘તમે એમ કહેવા માંગો છો કે દુઃખ હંમેશાં પ્રકાશ તરફ લઈ જતી કેડી સમાન છે?’ સુનંદાએ જિજ્ઞાસા સાથી પૂછ્યું.
‘ના, હંમેશાં નહિ, બધાંને માટે પણ નહિ. દુઃખના ભારથી માણસ કચડાઈ જાય અને પોતાના સઘળા સુંદર અંશો ગુમાવી દે તેમ પણ બને. પણ જીવન વિષે જેમનામાં થોડીક પણ ગંભીરતા છે તેમને માટે દુઃખ હંમેશાં એક વિશેષ સંકેત લઈને આવતું હોય છે. એ રીતે દુઃખ જીવનની એક બહુ મૂલ્યવાન વસ્તુ છે. સુખમાં એક જોખમસ્થાન રહેલું છે. તેની નરમ નરમ, આપણા શરીરને, મનને, વિચારોને ક્યાંય ન ખૂંચે તેવી શય્યામાં સૂઈ રહેવાનું આપણને ગમે છે. અને પછી આપણે તેમાં ઊંઘી જઈએ છીએ. સુખ આપણને ઊંઘાડી દે છે. દુઃખ ધક્કો મારીને જગાડે છે. માણસને માથે દુઃખ પડે ત્યારે હજારો ઇચ્છાઓને પદાર્થોની શોધમાં દોડતું તેનું મન ઘડીભર અટકી જાય છે, પોતાની તરફ પાછું વળે છે અને પૂછે છે : આવું કેમ થયું? આવું મારા જ સંબંધમાં કેમ બન્યું? બીજી ઘણી વસ્તુની જેમ દુઃખમાં અનેક અર્થો રહેલા છે, અને આપણે દુઃખની પીડામાં અટકી ન જઈએ તો એ અર્થ આપણને સમજાવા લાગે છે.
‘અને દરેક માણસ માટે તેનો માર્ગ જુદો હોય છે. દાખલા તરીકે, મને સાધ્વી બની જઈને, ત્યાગ કરીને મારી શાંતિ મળી. પણ તમારે માટે તમારાં શાંતિ ને આનંદનો માર્ગ તદ્દન જુદો જ હોય તેમ બને. એ દરેકે જાતે શોધી લેવાનું હોય છે.’
‘તમારે માટે મને ઘણી વાર એમ થયા કરેલું… કે તમને આવો કૅન્સર જેવો ભયાનક રોગ શાથી હશે? તમે તો કદી ફરિયાદ નથી કરી, પણ લ્યુકેમિયામાં કોઈ કોઈ વાર માથાનો કેવો ઉગ્ર દુખાવો થતો હોય છે તેની મને ખબર છે. તમારા વિષે મને ઘણી વાર એમ થાય કે તમારા જેવાં પવિત્ર વ્યક્તિને આવું દર્દ કેમ?’ સુનંદા જરા અચકાઈને બોલી.
‘મને આ દર્દ કદાચ એટલા માટે મળ્યું હશે કે એ જોઈને લોકોને વિશ્વાસ બેસે કે આવા દર્દની વચ્ચે પણ હસતાં રહી શકાય એવા આનંદને પામવાની શક્યતા છે.’ અંજનાશ્રી મીઠું હસ્યાં.
સુનંદા બોલી : ‘સાધારણ રીતે તો એમ મનાતું હોય છે, જૈન ધર્મ પણ એમ જ કહે છે કે સુખ અને દુઃખ માણસનાં પોતાનાં જ કર્મનું પરિણામ છે એટલે જ, સારા માણસોને સહન કરતા જોઈએ છીએ ત્યારે અચરજ થાય છે. મને ઈસુ વિષે ઘણી વાર એમ થાય છે કે એના જેવી સાધુચરિત નિર્મળ, સુકુમાર વ્યક્તિને વધસ્તંભે જડાવા જેવી મહાભયાનક સજા શાથી મળી હશે.’
‘એ વિશે પહેલાં મને પણ નવાઈ લાગતી હતી. પણ હવે મને થાય છે કે કદાચ માણસ ઊંચો ચડે છે ત્યારે જ તેને વધારે દુઃખો મળે છે જેથી તે પોતાની કામનાના રહ્યા સહ્યા અંશોને ઓગાળી નાખી, સંપૂર્ણ પણે મુક્તાત્મા બની શકે.’
સુનંદા મૂંગી થઈ ગઈ. દુઃખ વિષે આ રીતે કદી વિચાર્યું નહોતું. ઈસુ વિષે વિચારતાં તે ઘણી વાર બહુ વ્યથા પામતી. જીવનભર જે માણસે અન્ય લોકોના જીવનને ઊંચું લઈ જવાનું કેવળ કામ કર્યું, તે માણસનો તેના જ શિષ્યે ચાંદીના માત્ર ત્રીસ સિક્કા ખાતર દ્રોહ કર્યો!
અને તેણે સહેલાં અપમાન… માથે પહેરેલો કાંટાનો મુગટ, વધસ્તંભ પર હાથે ને પગે ઠોકેલા ખીલા… અતિ તીવ્ર વેદનાની એક અસહ્ય પળે તેના મોંમાંથી નીકળી પડેલી ચીસ — પિતા, ઓ પિતા, તમે મારો ત્યાગ કેમ કર્યો… એક ક્ષણની એ મર્મ ભેદી પીડા, અને પછી ત્રિકાળના ભવનમાં અમરપણે ગુંજી રહેનારું એ અદ્ભુત વાક્ય : ‘તેમને ક્ષમા કરજે પિતા, કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે!’
ઈસુ વિશે તે જ્યારે જ્યારે વાંચતી ત્યારે દિવસો સુધી તેના મન પર ગ્લાનિ છવાયેલી રહેતી.
આજે તેને આ આખીયે બાબતને જોવા માટે નવી જ દૃષ્ટિ મળી.
તેને અંજનાશ્રીની શિષ્યા બનવાનું, તેમની સાથે રહેવાનું મન થઈ આવ્યું.
પણ તે જાણતી હતી, તેનોએ માર્ગ નહોતો. દરેકનો માર્ગ જુદો જુદો હોય છે. દરેકે પોતાનું કૈલાસ જાતે શોધી લેવાનું હોય છે.
તેનું કૈલાસ ક્યાં હતું? તેના જીવનમાં આજે ઊંડા દુઃખને સ્થિર કરી દેનાર ઘટના બની હતી તે જીવનના કોઈ નવીન સત્ય પ્રત્યે તેને જગાડવા માટે હતી?
સાંજ આથમી ગઈ. આકાશમાં એકસાથે અનેક નક્ષત્રો ચમકી ઊઠ્યાં. અંજનાશ્રી એ તે તરફ હાથ જરા લાંબો કર્યો. ‘આપણી અંદર આવા જ્યોતિર્લોકો વસેલા છે, અને આપણે તે શોધી લેવાના છે. જીવન એટલા માટે જ છે. સુખનાં મેદાનો અને દુઃખની ખીણોમાંથી સતત ચાલ્યા કરીને, કશે ન અટકી પડીને, એ પ્રકાશને પામવાની યાત્રા કરવા માટે.’
તેમનાં નેત્રો સુનંદા પર આશિષ વરસાવી રહ્યાં. ‘તમને તે જ્યોતિર્લોક મળશે સુનંદા, તમે ઉલ્લાસથી તે માર્ગે ચાલશો તો.’
સુનંદા ઊઠી અને તેમને પ્રણામ કરીને બહાર નીકળી. એક અકથ્ય ભાવથી તેનું હૃદય ભરાઈ રહ્યું.
રસ્તે જતાં તેને યાદ આવ્યું — આજે સવારે જ જોયેલું યૂસુફનું ગાઢ તમસમય મૃત્યુ.
ઈસુ અને યૂસુફ… માણસની મનુષ્યતાનાં બે અંતિમો… દુઃખ વિશે તેને આજે એક નવી જ સમજ મળી હતી, પણ તે શું ફાતમાને એનું રહસ્ય બતાવી શકે?
દુઃખનું રહસ્ય.
તેને સત્ય યાદ આવ્યો.
અચાનક તેને લાગ્યું કે પોતાના હૃદયમાં તે જેમ જેમ અંજનાશ્રીની નિકટ જતી હતી, તેમ તેમ તે સત્યનીયે નિકટ જઈ રહી હતી.
આ એક બહુ જ વિચિત્ર પ્રક્રિયા હતી.
હજુ સુધી એક પણ વાર જેને મળવાનું બન્યું નહોતું તેની સાથે તેનું મન કોઈક અગમ્ય આત્મીયતા અનુભવતું હતું.
પોતાના જીવનમાં કેટલી બધી વિચિત્ર બાબતો બની હતી?
એ બધી જ શું સાચા વખતે બની આવેલી સાચી વસ્તુઓ હતી?