પરોઢ થતાં પહેલાં/૧૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૯

ઘણા દિવસો પછી સુનંદા નદી પાર કરીને, એના પ્રિય વાયવરણાના વૃક્ષ નીચે બેઠી હતી. વૃક્ષનાં પાન હવે ખરવા માંડ્યાં હતાં. ઘણી ડાળીઓ નિષ્પર્ણ બની ગઈ હતી અને સાંજના આકાશની પાર્શ્વભૂમિમાં ડાળીઓના લંબાયેલા, વાંકાચૂંકા, અણિયાળા આકારો અવકાશને પકડવા મથતી રેખાઓ જેવા લાગતા હતા. ધીમે ધીમે આખુંય વૃક્ષ પર્ણહીન બની જશે અને પોતાની આ અકિંચનતાને સહી લઈને તે આકાશ ભણી ડાળીઓ ઊંચી કરી મૂંગું મૂંગું રાહ જોયા કરશે. એની આ પ્રતીક્ષામાં પણ ગૌરવ હશે, દીનતા નહિ. એની બધી જ શોભા ખરી પડશે ત્યારેય તે અચલપણે ઊભું રહેશે, ભાંગી નહિ જાય, ધીરજથી વાટ જોશે અને ફેબ્રુઆરી કે માર્ચમાં નવાં લીલાં લાંબાં અણીદાર ત્રિપર્ણો ફૂટી નીકળશે, ત્યારે ફરીને તે લીલા વાયુનું ગીત ગાશે. પછી માર્ચ મહિનામાં તેને ફૂલ ફૂટવા માંડશે. મૃદુ પીળા રંગની કે પછી હલકા ગુલાબી રંગની ઝાંયવાળાં સફેદ ફૂલોનાં ઝૂમખેઝૂમખાં આખા વૃક્ષ પર જ્યાં જગ્યા મળે ત્યાં પોતાની ધજા ફરકાવશે. ફૂલની અંદરથી નીકળેલા જાંબલી રંગના લાંબા તાંતણાઓ વિસ્મયથી દીર્ઘ બનેલી આંખ વડે પૃથ્વી અને પાણીને જોઈ રહેશે. નદીનાએ કાંઠે રંગનું એક સ્વર્ગ જીવતું થઈ જશે. માણસ બનીને જીવવાને બદલે વૃક્ષ બનીને જીવવાનું હોય તો? વૃક્ષને પણ એની ઋતુઓ છે, આવાગમનનાં ચક્રો છે, માર્ચ મહિનાનો ફૂલભરેલો આનંદ છે અને હેમંતની સૂની એકલવાઈ ડાળીઓમાં ભારે પગલે પસાર થતી ઘડીઓ છે. એક પછી એક એનાં બધાં જ પાન પીત થઈને ઝરી પડશે ત્યારે પણ તે રાહ જોઈ શકશે, કારણ કે તેને ખબર છે કે થોડા મહિના પછી ફરી એનાં અંગોમાં નવા રંગોની મંજરી ખીલી ઊઠશે. માણસ આવી રીતે રાહ જોઈ શકતો નથી, તે એટલા માટે કે તેનાં ચક્રો વૃક્ષનાં ચક્રો જેટલાં નિયમિત નથી? તે વધુ સભાન ને વધુ ગતિ શીલ છે, એથી જ શું તેનું જીવન વધારે અસ્થિર અને અનિશ્ચિત હશે? સુનંદા કશોક સ્પષ્ટ વિચાર કરવા ઇચ્છતી હતી; અને તેના વિચારો ફરી ફરી ગૂંચવાઈ જતા હતા. અહીં આવ્યે તેને ચાર મહિના થઈ ગયા હતા, અને તેના મનને જરા પણ શાંતિ મળી નહોતી. બીજી સારી જગ્યાએ, કોઈ મોટા શહેરમાં તે કામ કરી શકી હોત. તેને બહુ જ સારું કામ મળે તેમ હતું, પણ બધાથી દૂર એક નાનકડા અજાણ્યા ગામમાં જઈ, પોતાની પીડા ને અંધકારમાં ડૂબી જવાની ઇચ્છા… જોકે કામમાંથી કોઈ રાહત મળશે તેવી તેને અપેક્ષા નહોતી. ફ્લોરેન્સ નાઇટિંગેલને જ્યારે ઇસ્પિતાલમાં પોતાનું કામ મળી ગયું, ત્યારે તેણે કહેલું : ‘હવે મને બીજા કશાની જરૂ૨ નથી. આ જ મારી દુનિયા છે.’ પણ સુનંદાની તો એ દુનિયા નહોતી. એક માણસ સારો સંગીતકાર થવા સર્જાયો હોય તે સારો નાવિક બની શકે નહિ. સુનંદાની કામની કુશળતા તો તેની સ્વાભાવિક દક્ષતા અને કર્મનિષ્ઠાનું પરિણામ હતું. પણ એ, તેનું હૃદય જેમાં ખીલી ૨હે તેવા ઉલ્લાસની દુનિયા નહોતી. લોકો માનતા હતા કે તે ઘણુંબધું કલ્યાણ કરે છે, પણ કોઈક સ્નેહના રસાયણમાં એની એકલતા ઓગળી ગઈ હોત, તો એક પ્રેમસભર સ્ત્રી તરીકે તે દુનિયાને ઘણું વધારે પ્રદાન કરી શકી હોત. પણ તેની એકલતા તો રોજ સઘન બનતી જઈ રહી છે. બીજા લોકો જ્યારે પોતપોતાના ઘરમાં આછીપાતળી હૂંફની ચાદર ઓઢીને સૂતા હોય છે ત્યારે પલંગ પાસેની બારીમાંથી તે આકાશના લાલ પીળા નારંગી રંગમાં ઝબૂકતા તારાઓ તરફ જોઈ રહે છે. અદૃષ્ટને પૂછે છે — પોતાના જીવનમાં આવું કેમ બન્યું? પણ અંજનાશ્રીની જેમ બધું ત્યાગીને એકાંતમાં ચાલ્યા જઈને એનો ઉકેલ શોધવાનો માર્ગ તેનો નથી. તે જાણે છે, તેના જીવનની સાર્થકતા શામાં છે. તેનામાં ભક્તિ નથી. ઈશ્વર પ્રત્યેની કોઈ વિશેષ આસ્થા નથી. તેનામાં તો છે માત્ર છલોછલ કાંઠા ભરીને વહેતી ગંગા જેવો પ્રેમ. બુદ્ધિ, કર્મ, જ્ઞાન બધું તેને માટે ગૌણ છે. પ્રેમ તેના વિચ્છિન્ન વ્યક્તિત્વને એકત્ર કરી રાખનારું, તેને સમગ્રતા અર્પનારું બળ છે. માધુરીમય, નિઃશેષ સમર્પણમય, પોતાપણાના કેન્દ્રને અન્યની પરિધિમાં વિસ્તારતો, નિરંતર આકાશ ભણી ઊઠતો જતો પ્રેમ. પ્રેમ તેના જીવનનો વાદી સૂર છે. એના વડે જ તે પોતાનું શ્રેષ્ઠ સંગીત સર્જી શકે. તેના આ સૌથી સાચા તત્ત્વમાં જ તેને વિફળતા કેમ મળી? કામમાં તેને નિષ્ફળતા મળી હોત તો તેને કશી પીડા થાત નહિ. પણ આ વિફળતાએ તેના આખા જીવનને શોષી લીધું છે. જે સ્તર પર તેનું સૌથી સુંદર પ્રગટીકરણ થઈ શક્યું હોય તે જ સ્તર પર તે એકદમ વેરાન બનીને ઊભી છે. અને હવે? દેવદાસ શું કોઈયે દિવસ પાછો આવશે? અને આવે તો, પોતે શું હવે એને સ્વીકારી શકે? પોતે શું એના આવેગોનાં મોજાં સાથે ઊછળતું, પછડાતું એક પાંદડું બની શકે? એને પ્રેમનું નામ આપી શકાય? પ્રેમનું તેને જે સ્વપ્ન હતું, એક પરમ સુંદર, ઉજ્જ્વલ, અનામય પ્રેમનું તેને જે સ્વપ્ન હતું, તેને શું તે એ માણસના સંબંધમાં પામી શકે, જેને એ વસ્તુની કશી કિંમત નહોતી? તોપણ તેનાં તેની સાથે લગ્ન થયાં હતાં; પ્રેમલગ્ન! તો હવે જીવન હંમેશાં આમ જ વીતશે? લલિતા માટે તેને થયેલું — જે સ્ત્રી પ્રથમ કોટિની બની શકે તેમ હતી, તે ત્રીજી કોટિનું જીવન જીવતી હતી. પોતાને માટે પણ એ સાચું નહોતું? કુમારે તેની કલ્યાણકારક શક્તિની વાત કરી હતી. તેની વાત ખોટી નહોતી. તેના હૃદયમાં એટલો બધો સ્નેહ હતો કે આખી દુનિયા માટે તે એને વહાવી શકે. પણ એ આવા વેરાન, પીડિત, આંસુથી નિરંતર ભીંજાયેલા હૃદય વડે શી રીતે થઈ શકે? તેને માટે કોઈ એકને ચાહવું, તે કેવળ અંગત સ્વાર્થ નથી. તે વધુને ચાહવા તરફ ખૂલતું દ્વાર છે. કુમારે એક વાર કહેલું : તમે આટલી બધી મહેનત શાના વડે કરી શકો છો, દીદી? શારીરિક રીતે તમે કાંઈ એવાં સંપન્ન નથી. અને પછી તેણે જ કહેલું : તમને કાંઈ કામ પાર પાડવાનો આગ્રહ નથી. કર્તવ્યનું જોશ કે હોઠ ભીડેલા સંકલ્પની દૃઢતા નથી. માત્ર લોકો પ્રત્યેના સ્નેહ અને સમભાવને કારણે, કરુણાને કારણે તમને આટલી બધી શક્તિ મળી છે. તમારા સ્નેહની બહુલતામાંથી જ તમારા કામનો પ્રવાહ વહે છે. કુમારની વાત સાચી હતી. પણ પોતાને હજુ જીવન સુંદર બનાવવાનું મન છે, આનંદ પામવાનું મન છે. સ્નેહની ઉષ્મા અને સલામત હૂંફમાં સુખી સંપન્ન થવાનું મન છે. કામના સાફલ્યના બિંદુ પર તેના જીવનનું પૂર્ણબિંદુ નથી આવી જતું. શું કરવું તેની ખબર નથી પડતી. કોઈક દિવસ અંજનાશ્રી ને પૂછી શકાય તો પૂછશે.

*

અંધારું થઈ ગયું. તે નદી ઓળંગીને ઘર તરફ આવી. આજે રવિવાર હતો એટલે દવાખાનું ઉઘાડ્યું નહોતું. તેની પાસે ચાવી હતી. તે બારણું ખોલીને અંદર બેઠી. થોડાક પત્રો લખવાના હતા. માને, ભાઈને, ઘણા દિવસથી જવાબ આપી શકાયો નહોતો. આજે ડાયરીમાં પણ કંઈક લખવાનું મન થયું. તે પત્રો લખી રહી હતી ત્યાં કોઈના પગનો અવાજ સંભળાયો. કુમાર હતો. ‘કંઈ કામ કરતાં હતાં, દીદી? હું રસ્તા પરથી જતો હતો તો દવાખાનું ઉઘાડું જોયું. મને થયું, કાંઈ કામ આવી પડ્યું કે શું, તેથી જોવા આવ્યો.’ તે સુનંદાના ટેબલ સામેના બાંકડા પર બેઠો. ‘દીદી, અમે તમને જોયેલાં.’ ‘ક્યાં?’ ‘તમે નદીકાંઠે બેઠાં હતાંને? હું ને સત્યભાઈ ત્યાંથી નીકળેલા. તમારાથી જરાક દૂર પાછળના રસ્તા પર. તમને ખબર પણ ન પડી ને?’ સુનંદાનું હૃદય ધક કરી ઊઠ્યું. ‘તમે નીકળેલા? ક્યારે?’ ‘સૂરજ ડૂબી ગયા પછી. તમને દૂરથી જ બતાવીને મેં સત્યભાઈને કહ્યું : જુઓ, ત્યાં મારાં સુ.દી. બેઠાં છે. તમારું મોં નદી તરફ હતું. સત્યભાઈ કહે : ચાલ જઈને, મળીએ, મારે એમને મળવું છે. પણ મેં કહ્યું : ના, દીદીની એ પ્રિય જગ્યા છે. ત્યાં એ એકલાં બેઠાં હોય ત્યારે આપણે તેમને વિક્ષેપ કરીએ એ કદાચ તેમને ન ગમે. બરોબર ને દીદી? પછી અમે દૂરથી જ ચાલ્યા ગયા. મેં સત્ય ભાઈને પૂછ્યું : દીદી કેવાં લાગ્યાં? તો કહે : કમલવનની વૈષ્ણવી જેવાં.’ સુનંદાના મોં પરથી જ રંગ ઊડી ગયો. ‘સાચે જ સુ.દી. તમે પીળી સાડી પહેરીને વાળ છૂટા મૂકો છો ત્યારે સંન્યાસિની જેવાં જ લાગો છો. ચાલોને દીદી, આપણે અહીંથી જતાં રહીએ. ગામે ગામે, તીર્થે તીર્થે ફરીશું. તમે વાળ છૂટા રાખી ગેરુઆ સાડી વીંટાળી લેજો. ગળામાં એક કાળા મણકાની માળા પહેરી લેજો એટલે બસ. જરૂર પડશે તો કપાળે ભસ્મની રેખા આંકી દઈશું. એક પછી એક ગામે ફરીશું, મંદિરમાં કીર્તન કરીશું, હું એકતારા પર ગાઈશ, તમે ચૂપ બેસજો. આંખ જરા બંધ રાખજો. હું કહીશ કે મા સુનંદામયીને બાર વર્ષનું મૌન છે. પણ દીદી, તમે એટલાં નાનાં લાગો છો કે મારી વાત કદાચ કોઈ માને નહિ, ઠીક હું કહીશ કે મા તો પિસ્તાળીસ વર્ષનાં છે, પણ લાગે છે પચીસ વર્ષનાં. એમને ચિરયુવા રહેવાનું વરદાન મળ્યું છે… દીદી, પછી એટલાં ટોળાં ઊમટશે! આ દેશના લોકો અંદરથી એવાં તો ખાલી છે કે કોઈ પણ સમૃદ્ધ વ્યક્તિત્વને જોતાં તેના તરફ ઊમટી પડે… દીદી, મઝા આવી જાય, નહિ?’ કુમાર આખો ઓરડો ભરાય તેટલું હસ્યો, પણ સુનંદાથી હસાયું નહિ. ‘દીદી, સત્યભાઈએ આજે એક બહુ જ સરસ વાત કહી. કહે : આપણું બીજાને આપી દેવું, તેમાં જ આપણી સંપત્તિ રહેલી છે. સંગ્રહ કરવામાં નહિ, આપતા જવામાં આનંદ છે, અને આ આપવાનું તે ધનનાણું નહિ પણ આપણું હૃદય જ. એક સરસ બાઉલગીત તેમણે સંભળાવ્યું. મેં આખુંયે યાદ કરી લીધું. મારી સ્મરણશક્તિ બહુ સતેજ છે, એનો પુરાવો તમને આપું, દીદી? સાંભળો…

સબારે બાસરે ભાલો, નઈલે તોમાર
મનેર કાલો ઘુચબે ના રે!
આછે તોર જાહા ભાલો, ફૂલેર મત દે સબારે
કરિ તુઈ આપન આપન, હારાલિ જા છિલો આપન,
એ બાર તોર ભરા આપન, વિલિયે કે તુઈ જારે તારે.
જારે તુઈ ભાબિસ ફણિ તારો માથાય આછે મણિ
બાજા તોરે પ્રેમેર બાંશી, ભાબેર બન્ને ભય વા કારે!
સબાઈ જો તાર માયેર છેલે, રાખબિ કારે ફેલે?
એકઈ નાયે સકલ ભાયે જેતે હબે રે ઓપારે–

‘કહો દીદી, મારી યાદ શક્તિ સરસ નથી?’ સુનંદાને ગીત સમજાયું નહિ. બોલી : ‘તેં ભૂલ કરી હોય તોય મને ક્યાંથી ખબર પડવાની હતી? મને તો એનો અર્થ આવડતો નથી!’ અર્થ તો હું કહું. એ કહે છે  ‘સહુને પ્રેમ કર, નહિ તો તારા મનની કાળાશ ધોવાશે નહિ. તારી પાસે જે કાંઈ સારું છે તે ફૂલની જેમ સહુને વહેંચી આપ. તું મારું મારું કરે છે તેથી તો તારું પોતાનું હારી જાય છે. આ વેળા, તારું ભરપૂર ભીતર છે તે, જે મળે એના પર ઓવારી દે. જેને તું ફણીધર નાગ સમજે છે, તેના માથા પર મણિ ઝળકે છે. તું તારા પ્રેમની બંસી બજાવ. ભાવના વનમાં વળી ભય શાનો? આ બધાં જ તારી માનાં સંતાનો છે. કોને દૂર રાખીશ? એક જ નૌકામાં સહુ બાંધવોએ પેલે પાર જવું પડશે…’ સુનંદાને થયું — જાણે પોતાને ઉદ્દેશીને જ આ ગીત કહેવામાં આવ્યું હતું. દુઃખનો જે ફણિધર નાગ, તેના માથા પર જ જીવનનો મણિ ઝબકે છે!… ભરપૂર ભીતર જે મળે તેના પર ઓવારી દે… તે એકદમ જ બોલી ઊઠી : ‘કુમાર!’ ‘શું દીદી?’ ‘તેં કહેલું એક વાર, સત્યભાઈએ તને દુઃખનું રહસ્ય સમજાવેલું…’ સત્યનું નામ ઉચ્ચારતાં તેનો અવાજ ચંચળ બની ગયો. ‘હા દીદી, તેમણે કહેલું : જે દુઃખ ઈશ્વરે મોકલ્યું હોય છે, તે તો માણસને ઊંચે લઈ જવા સારુ જ આવ્યું હોય છે. પણ જે દુઃખ માણસ પોતે ઊભાં કરી લે છે; પોતાના ખ્યાલો, માન્યતાઓ, જીદને કારણે, ગાંઠને હઠને કારણે, જાતે કરીને જીવનને વિચારોના પિંજરમાં ગૂંગળાવી દઈને જે દુઃખ ઊભાં કરે છે, તે તેનું તેજ હણી નાખે છે. દુઃખ આવે ત્યારે માણસ તેને જ પોતાનું સર્વસ્વ બનાવી લે છે. પછી તે દુઃખ બોજો બની તેને કચડી નાખે છે. પણ દુઃખ આવે ત્યારે જીવનને એની સાથે એકરૂપ બનાવી દેવાની કશી જરૂર તો હોતી નથી! દુઃખથી અળગાં રહીને, તેની પાસે થઈને પસાર થઈ જઈ શકાય છે. એમણે ટાગોરની બે પંક્તિઓ કહેલી તે મને હજુ પણ યાદ છે :

તુમિ જત ભાર દિયે છો એ ભાર કરિયા દિયે છો સોજા,

આમિ જત ભાર જમિયે તુલેછિ, સકલિ હયે છે બોજા.

‘તમે જે ભાર આપો છો તે હળવો કરીને આપો છો, પણ અમે જે ભાર એકઠો કરી લઈએ છીએ તે તો બોજો બની જાય છે.’ સુનંદાનું મન ભીનું થઈ ગયું. પોતાને માટે આ વાત કેટલી તો સાચી હતી! ભીંજાયેલા અવાજે તે બોલી : ‘ઠીક કુમાર, સત્યભાઈને શું કોઈ દિવસ કોઈ વાતનું દુઃખ નથી થતું?’ ‘દુઃખ કેમ ન થાય દીદી, એ કાંઈ લાકડાના પાંખાળા ઘોડા જેવા થોડા જ છે? પણ દુઃખમાં તે અટકી પડતા નથી, બહાર નીકળી જાય છે. એક વાર મેં એમને આ જ પ્રશ્ન પૂછેલો. ત્યારે એમણે કહ્યું હતું : કંઈક સરસ કહેલું. ઊભાં રહો, યાદ કરું. હા, એમણે કહેલું કે વહેતા ઝરણાને કાંઠે મારો વાસ છે. સુખ ને દુઃખ બન્ને પાસેથી હું પસાર થઈ જાઉં છું અને એ ખુલ્લી હવામાં જીવનનું કમળ ધીરે ધીરે, નિરંતર ખીલતું જ રહે છે. પણ દુઃખ કે સુખ, બેમાંથી એક્કેમાં જીવન બંધિયાર બને તો એનું અજવાળું બુઝાઈ જ જાય…’ કુમાર ઊભો થયો. ‘જાઉં તો દીદી? તમે લખો. મેં નકામા આવીને તમને ખલેલ કરી. તમને થશે, આ કામના દિવસે તો હોય જ છે, રજાના દિવસોએ આવીનેય મારું માથું ખાય છે. જાઉં દીદી, જરા હસો તો! તમે હસો છો ત્યારે કેટલું સારું લાગે છે! પણ તમે તો કોઈ દિવસ હસતાં જ નથી.’ સુનંદા મંદ હસી. ‘જાઉં છું, દીદી!’ કુમાર પગથિયાં ઊતરી ગયો.

*

કુમારના ગયા પછી સુનંદાએ ટેબલના ખાનામાંથી ડાયરી કાઢી. લખવું, એમ નક્કી કરીને એક દિવસ તેણે આ ડાયરી ખરીદી હતી. પહેલા પાના પર પ્લૉટિનસની, તેને એક બહુ જ ગમતી પંક્તિ ટાંકેલી હતી : ફ્લાઇટ ઑફ ધ અલોન ટૂ ધ અલોન (એકલનું એકલ ભણી ઊંડાણ). ત્યાર પછીનાં બધાં પાનાં કોરાં હતાં. આજે તેણે ડાયરી ઉઘાડીને કંઈક લખવા ઇચ્છ્યું, પણ કશું લખાયું નહિ. ‘સત્ય’ એટલું લખીને તેણે ડાયરી પાછી બંધ કરી દીધી. કમલવનની વૈષ્ણવી! પોતાની સાવ નજીક થઈને સત્ય પસાર થઈ ગયો અને પોતાને તેની ખબર સુધ્ધાં પડી નહિ. કુમારે સત્યને મળવા માટે તે દિવસે પૂછેલું ત્યારે પોતે જવાબ નહોતો આપ્યોએ કુમારને યાદ હશે. તેથી તેણે મળવાની હિંમત નહિ કરી હોય. સત્યને એકાદ વાર મળવાનું તેને કેટલું મન છે! શા માટે તે ખબર નથી. તોપણ ઘણીબધી વાર તેનું હૃદય રાહ જોયા કરે છે… અચાનક તે જો આવી ચડે… …તે રાતે સ્વપ્નમાં સત્યની સો સો મૂર્તિ તેની સામે ખડી થઈ. તે જાણે કહેતી હતી : હું એક પરિવ્રાજક છું, દુનિયાને કોઈ એક ખૂણે મારું ઘર નથી. નાનપણમાં જ પિતાનું મૃત્યુ થયું. પૃથ્વીના પરિચયમાં આવ્યો ત્યારથી એકલો છું. ઘણું ફર્યો છું અને એમાંથી જ જીવનના ભીતરની ઓળખ પામ્યો છું. એમાંથી જ નિરંતર આનંદમાં રહેતાં શીખી ગયો છું. નારીના હૃદયને નિકટતાથી કદી જાણ્યું નથી. મા, બહેન, પ્રિયા, પુત્રી — કોઈયે સ્વરૂપનો પરિચય નથી. બસ, જરા જરા તમને ઓળખું છું. કોઈક અંધારી રાતોએ તમારી વેદનાનું મુખ જોયું છે. તમારી અંદર, બહાર એક ઉદાસી છાયેલી છે, તેની સહેજ ઝાંખી થઈ છે. તમે શા સારુ આટલાં પીડાઓ છો? તમને હું મારા આનંદનો કોઈ સ્પર્શ આપી શકું? સુનંદાની આંખ મીંચાઈ જાય છે… વચ્ચે વચ્ચે ઊઘડી જાય છે. સુ. એટલે સુનંદા… સુ. એટલે સૂરજમુખી… કોણ બોલે છે આ? સાત દરિયા પારથી અવાજ આવે છે. તું મને કશાથી બાંધ નહિ… હું તો ગમે તે સ્થિતિએ જીવન માણવામાં માનું છું, સુનંદા… આંખ ખૂલી જાય છે, વળી સ્વપ્નમાં બિડાય છે… સાવ જુદી, મલય ગંધની હવા… દૂર, બહુ દૂર… બરફછાયા પર્વતોની તળેટીમાં, કોઈ ઝરણને કાંઠે, મેઘાચ્છન્ન ચાંદની રાતે, મેહોગનીના વૃક્ષ હેઠળ તે બેઠી છે. પાસે કોઈક છે. કોણ, તેનો ચહેરો ખબર નથી. કશી વાત નથી, સંવાદ નથી. એક મૂક સાન્નિધ્ય. સુખની એક શાંત સુંદર ધારા ચારે તરફથી શીકર ઉડાડી રહી છે. બહુ જ સારું લાગે છે, હૃદયને શાતા વળે છે. આટલો બધો આનંદ હોઈ શકે એવી કદી કલ્પના નહોતી… પોતાની સાથમાં એ કોણ છે? તે મોં જોવાનો પ્રયત્ન કરે છે, પણ સમજાતું નથી… માત્ર એક ધ્વનિ આવે છે… આખું વાતાવરણ એક ધ્વનિ બની જાય છે. એ અજાણ્યા માણસના કંઠમાંથી ઊઠતો ધ્વનિ હું સત્ય છું, તમારા પોતાના જ હૃદયનું સત્ય. રાત અંધારી બનતી જાય છે. આકાશમાં હરણિયું માથે આવે છે ને પછી પશ્ચિમ તરફ ડૂબી જાય છે. સુનંદા ઊંઘમાં સરી પડે છે. રાતનાં સ્વપ્નો પ્રભાતનાં કિરણોમાં વીખરાઈ જાય છે. દિવસ ઊગે છે, ને સુનંદા ઊંઘી રહેવા ઈચ્છે છે.

*