zoom in zoom out toggle zoom 

< પરોઢ થતાં પહેલાં

પરોઢ થતાં પહેલાં/૨૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૦

કુમારની આગાહી સાચી હતી. ગામમાં થોડા દિવસથી અસ્થિરતા ફેલાવા લાગી હતી. કુમાર ખબર લાવ્યો હતો કે શિવશંકર અને ગફૂરમિયાં વચ્ચે કોઈક મોટો મતભેદ પડ્યો છે. પાયા વગરના એમના મકાનની થોડી થોડી કાંકરીઓ તો છેક પંદરમી ઑગસ્ટે સ્વાતંત્ર્ય મળ્યું ત્યારથી જ ખરવા માંડી હતી. ગફૂરમિયાંને તે દિવસથી ભય લાગી ગયો હતો કે વહેલેમોડે શિવશંકર પોતાનો પક્ષ મજબૂત કરશે અને છેવટ જતાં કોઈક દિવસ પોતાનું જીવન બરબાદ કરી નાખશે. આખા દેશના મુસ્લિમોમાં જે ભય વ્યક્ત, અવ્યક્તરૂપે વ્યાપવા માંડેલો, તેના વડે તે પણ ગ્રસ્ત હતો. હજુ ઉપરથી બધું સાબૂત દેખાતું હતું, પણ આશંકા ને ભયને કારણે તે શિવશંકર સાથે નાની નાની વાતમાં પણ ઉગ્ર બની બેસતો. એ બન્ને મિત્રો તો કોઈ દિવસ હતા જ નહિ. માત્ર સમાન સ્વાર્થને કારણે એકબીજાના સાથી બની રહેલા હતા. બન્નેની ગામના લોકો પર ઘણી લાગવગ હતી. આથી એ બે વચ્ચે ભંગાણ પડતાં જ ગામમાં અશાંતિ ઊભી થવાનો ભય હતો.

કુમારે સુનંદાને કહેલું : ‘જોયુંને દીદી! આ ગામનો મેળ કેવો કાચા તાર પર ટકેલો હતો! આ બે વચ્ચે જલદી સંધિ થઈ જાય તો સારું, નહિ તો એમની વચ્ચેની તકરારનો લાભ લઈ, ગામના લોકોના મનમાં પરસ્પર જે દ્વેષવેષ, દુર્ભાવ, ઈર્ષ્યા છે તે ખુલ્લી રીતે દુશ્મનાવટનું રૂપ ધારણ કરશે.’

એક દિવસ રાતે બાર વાગ્યે સુનંદાના બારણાં કોઈએ જોરથી ખખડાવ્યાં. કુમારે ઇશારો કરેલો કે આજકાલ સંભાળીને રહેવા જેવું છે. દિલ્હીમાં ને આખા દેશમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે જે તંગદિલી પ્રવર્તે છે તેનાં મોજાં અહીં સુધી અથડાયાં છે. કોઈનો ભરોસો કરવા જેવું નથી. ધર્મનું ઝનૂન સારામાં સારા માણસની પણ સાન ખોરવી નાખી શકે છે.

કાળુ હંમેશાં ફાટકને દવાખાના વચ્ચેની જગ્યાએ સૂઈ રહેતો. પણ આજકાલ શિયાળાની સખ્ત ઠંડીને કારણે તે દવાખાનાની અંદર સૂતો હતો.

સુનંદા એ જોરદાર ખડખડાટથી જાગી ગઈ. આ અડધી રાતે કોણ આવ્યું હશે?

બહારથી કોઈએ મોટેથી બૂમ મારી : ‘ડૉક્ટર સાહેબ, બહુ જ ગંભીર કેસ છે. જલદી બારણું ઉઘાડો.’

ના કહેવી હોત તો કહી શકાત, પણ સાચે જ કોઈ મુશ્કેલીમાં હોય તો? માત્ર પોતાના ન જવાથી કોઈ એક જીવ જોખમમાં મુકાઈ જાય, તે સુનંદાથી સહાય તેમ નહોતું.

તેણે બારણું ઉઘાડ્યું.

બે જણ ઊભા હતા. એકનો ચહેરો તેને કંઈક પરિચિત લાગ્યો. ‘હું દાઉદઅલી વહોરાનો દીકરો છું. એમને એકદમ જ શ્વાસ ઊપડ્યો છે. તમે જલદીથી આવી શકશો? આ કવખતે તમને તકલીફ આપી છે, પણ છૂટકો નહોતો.’ બેમાંથી એક જણે વિનયપૂર્વક કહ્યું. સુનંદાને યાદ આવ્યું કે આ પહેલાં ત્રણચાર વાર તે દવાખાને આવી ગયો હતો. તેનું મન હળવું થયું. દાઉદઅલી વહોરા ગામના એક આગેવાન અને વૃદ્ધ સજ્જન હતા, તેની દવા લેતા હતા અને તેને દીકરી જેવી ગણતા હતા.

શરીરે શાલ વીંટાળીને તે નીકળી. દવાખાનામાં કાળુ સૂતો હતો, તેને ઉઠાડીને સાથે લીધો. દવાની બૅગ દાઉદઅલીના દીકરાએ ઊંચકી લીધી.

ફાટકની બહાર ઘોડાગાડી ઊભી હતી. સુનંદાને તેને લેવા આવેલ બન્ને જણ તેમાં બેઠાં. કાળુ આગળ બેઠો. ગાડી ગામ તરફ દોડવા લાગી.

રાતના બાર વાગ્યા હતા. આ નાના ગામમાં તો દસ-સાડા દસ વાગતાં સોપો પડી જાય, પણ આજે થોડા લોકો હજુય આમતેમ ફરી રહ્યા હતા કે કોઈક દુકાનના ઓટલે બેત્રણની ટોળીમાં ઊભા ઊભા કંઈક વાતો કરી રહ્યા હતા. સુનંદાને એક જુદી જ લાગણી થઈ આવી.

આવી લાગણી તેને ક્યારે થતી?

મૃત્યુની સમીપ પહોંચેલા દરદીને જોતાં તેને આવી એક આંદોલનભરી લાગણી થઈ આવતી. આજે કશુંક વિચિત્ર જાણે લાગ્યા કર્યું. ઘણાંબધાં મૃત્યુને તેણે આવી ૨હેલાં જોયાં. તેણે આંખ પર હાથ ફેરવ્યો… અમસ્તું જ, ભ્રમ થતો હશે… ઊંઘમાંથી ઊઠી હતી ને! વળી કુમારે કરેલી વાતની અસર પણ હોય! તેણે એ લાગણીને દૂર કરવાનો પ્રયત્ન કર્યો.

ગાડી મુખ્ય રસ્તા પરથી એક ગલીમાં વળી. ઝાંખા દીવાથી ગલી અડધી અંધારામાં જ રહી જતી હતી. તેણે અંદરથી થોડા લોકોને લાઠી લઈ બહાર આવતા જોયા. તે સચિંત જોઈ રહી. પોતાને માટે કશો ભય નહોતો. ના, આવી રીતે મરવાનું ગમે નહિ, તોપણ જોખમકારક સ્થિતિ સામે આવી પડતાં ગભરાઈ જવાનો તેનો સ્વભાવ નહોતો. સ્ત્રી હોવા છતાં, સ્વભાવે આટલી નરમ હોવા છતાં મૃત્યુના ભયનો સ્પર્શ પોતાને માટે તેને ભાગ્યે જ અનુભવાતો.

તોપણ, ગામ માટે કાંઈ આ સ્થિતિ બરોબર નહોતી. કોઈક અનિષ્ટ બનવાનું તેમાં એંધાણ હતું.

એક ગલી પસાર કરીને ગાડી બીજી ગલીમાં પહોંચી. એ ગલીને છેડે દાઉદઅલી વહોરાનું મોટુંબધું ઘર હતું. ઘરના દરવાજા પાસે તેણે દસેક માણસોને ઊભેલા જોયા. એમના બધાના હાથમાં પણ નાનીમોટી લાઠીઓ હતી.

સુનંદાનું મન જરા અધ્ધર થઈ ગયું.

ગાડી ઊભી રહેતાં, દાઉદઅલીના દીકરાએ નીચે ઊતરી વિનયપૂર્વક સુનંદાને ઉતારી.

એક ક્ષણ સુનંદાને એકસામટું બધું જ યાદ આવી ગયું… નાનપણ, બાપુ અને મા અને ભાઈ… દેવદાસ, કૉલેજના અધ્યાપકો, આ ગામ, કુમાર અને સત્ય…

તેનું ગામ ક્યાં? આ નાનકડા ગામમાં રાતના બાર વાગ્યે, એક અડધી અંધારી ગલીમાં લાઠીધારી લોકોનાં ટોળાં વચ્ચે ઊભી રહીને તે શું કરતી હતી?

પોતાના વિશે એક જુદી જ જાતની સભાનતા ક્ષણવાર અનુભવી. એ એક પળ થોભી, પછી દરવાજા તરફ ગઈ. ટોળું વળીને ઊભેલા લોકોએ ખસી જઈને તેને માર્ગ આપ્યો. સુનંદા ઘરમાં ગઈ.

ત્રણચાર ઓરડા વટાવ્યા પછીના એક મોટા ઓરડામાં પલંગમાં તકિયાને અઢેલીને દાઉદઅલી બેઠા હતા. તેમને દમનો રોગ હતો અને અત્યારે સખત શ્વાસ ઊપડ્યો હતો. હાંફનો અવાજ ઘન ટુકડા બનીને અંધારા સાથે જાણે અથડાતો હતો. ખૂણામાં એક ઝાંખો દીવો હતો. સુનંદા જોઈ રહી. એંસી વરસની ઉંમર. શ્વેત દાઢી. સંકોચાઈ ગયેલો ચહેરો. શ્વાસ લેવામાં પડતી મહેનતથી આંખોમાં પાણી આવી જતાં હતાં. દિવસે અનેક વાર જોયેલો આ વૃદ્ધ, ફરિયાદ વગરનો, સંતોષનું ગૌરવ લઈને ફરતો ચહેરો તેને અત્યારે તદ્દન જ જુદો લાગ્યો. એ ચહેરો જાણે બહુ દૂર ચાલી ગયો હતો, પરિચયની નદી ઓળંગીને તે સામે મૃત્યુકાંઠે જઈને ઊભો હતો.

‘બે કલાકથી આમ જ છે. ગોળીઓ આપી, પણ શ્વાસ બેઠો નહિ, એટલે તમને બોલાવવાં પડ્યાં.’ દાઉદઅલીના દીકરાએ કહ્યું. તેને ગળે ડૂમો ભરાયો, એ છુપાવવાની તેણે કોશિશ કરી નહિ.

દાઉદઅલીની વૃદ્ધ પત્ની પલંગથી થોડે દૂર આરામખુરશીમાં બેઠી હતી. તેને આંખે દેખાતું નહોતું અને કાનથી પણ ઓછું સંભળાતું હતું. પણ તેના ચહેરા પરની કરચલીઓ ડૉક્ટર શું કહે છે તે સાંભળવાની ઉત્સુકતામાં જાણે એકઠી થઈ ગઈ હતી. પરિવારના બીજા લોકો પલંગ ફરતા ઊભા હતા.

સુનંદાએ ઇંજેક્શન આપ્યું. વીસેક મિનિટ તે રાહ જોતી બેઠી. શ્વાસ નીચે બેસવા લાગ્યો. મોં જરા હળવું થયું. દાઉદઅલીએ સુનંદા સામે નજર માંડી વાત્સલ્યપૂર્ણ સ્મિત કર્યું, પણ તેમનાથી બોલાયું નહિ. સુનંદા એ ઊંઘનું ઇંજેક્શન આપી તેમને સુવાડી દીધા.

પોણોએક કલાક એ ઘરમાં ગાળી તે બહાર નીકળી ત્યારે ટોળું હજુ ત્યાં જ ઊભું હતું. ટોળાની એક બાજુએ અબ્દુલ પણ ઊભો હતો. ‘દાક્તર સાહેબ!’ તે આગળ આવીને બોલ્યો. સુનંદાને બહુજ નિરાંત થઈ. અબ્દુલ તો ઘરનો જ માણસ કહેવાય. તે હોય તો કશી ચિંતા જ નહિ.

દાઉદઅલીના દીકરાને અબ્દુલે કહ્યું કે તમારે આવવાની જરૂર નથી, દાક્તર સાહેબને પહોંચાડી આવીશ.

ગાડીમાં જતાં અબ્દુલે વાત કરી. ગામનું વાતાવરણ તંગ હતું. છેલ્લા ત્રણ દિવસથી તે પૂરું ઊંઘ્યો નહોતો. આજે દાઉદઅલીની તબિયત ગંભીર હતી એટલે લોકો તેમની ખબર કાઢવા એકઠા મળેલા, તોપણ સાથે લાઠી રાખીને ફરતા હતા. કોઈ પણ પળે, કાંઈ પણ બને. તેને જેવી ખબર પડી કે દાઉદઅલીને જોવા ડૉક્ટર સાહેબ આવ્યાં છે કે તરત જ તે ઊઠીને આવ્યો. અમીનાએ કહ્યું : જાઓ, ઘેર એમને તમે જ મૂકી આવજો. આમ તો કાંઈ તત્કાળ બન્યું નહોતું, તોપણ પૂરો ભરોસો રાખી શકાય નહિ.

સુનંદાને ઘર સુધી મૂકી આવી, પાછો વળતાં તે જરા અટકીને બોલ્યો : ‘આ બધું તો થોડા દિવસમાં પતી જશે. લોકોને રોટલો રળવામાંથી એટલો વખત ક્યાં છે કે લડવા બેસે? અને હવે તો મોહરમ આવે છે. દાક્તર સાહેબ, રફીકના જન્મ દિવસની ઉજવણી માટે તમે અમારે ઘેર આવશો ને?’

નીચો વળી, હાથ જોડી તે ચાલ્યો ગયો.

સુનંદાએ ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ તેને ઊંઘ આવી નહિ. આજે તેને જેવી લાગણી થઈ તેવી આજ પહેલાં ક્યારેય નહોતી થઈ. આજે તેણે એકસાથે ઘણીબધી જગ્યાએ મૃત્યુને ઊભેલું જોયું. રસ્તાના વળાંક પર, ચોકના દીવા નીચેના અજવાળાના કૂંડાળામાં, ગલીના અંધારા ખૂણામાં, દાઉદઅલીના મકાનના ઉંબરા પર કાળો આકારહીન ઓળો, ઝાપટવાની મુદ્રામાં તૈયાર થઈને ઊભો હતો.

આ વસ્તુને માત્ર ભ્રાન્તિ ગણીને તે અવગણી શકે તેમ નહોતું.

*

બીજે દિવસે સવારે ફરી દાઉદઅલીને જોરથી શ્વાસ ઊપડ્યો અને ડૉક્ટરને બોલાવી શકાય તે પહેલાં તેમનું અવસાન થયું.

કુમાર દવાખાને આવ્યો ત્યારે સુનંદાએ તેને રાતની વાત કહી. તે અસ્વસ્થ થઈ ગયો. દાઉદઅલીનો દીકરો તેનો ખાસ મિત્ર હતો, એટલે તેને મૈયતમાં જવું પડે તેમ હતું. સુનંદાની આ નિર્ભયતાથી તેને મનમાં ચિંતા થવા લાગી. તેને થયું — દીદી રજા આપે તો આજથી થોડા દિવસ પોતે પણ કાળુ સાથે દવાખાનામાં સૂઈ રહેશે. પણ સુનંદાએ એ માટે સંમતિ દર્શાવી નહિ.

તે દિવસે સાંજે ગોવિંદના ઘર પાસે, ઘાસની ગંજી કરી હતી તેમાં આગ લાગી. કોઈકે જાણીને જ લગાડી હોય તેમ લાગ્યું. જોતજોતામાં તેનું બસો રૂપિયાની કિંમતનું ઘાસ બળી ગયું. ગોવિંદ ને મણિ તો ઘેર હતાં નહિ. તેની માએ કલ્પાંત કરી મૂક્યું. લોકો એકઠાં થઈ ગયાં. ઘણી મહેનત કરીને આગ ઓલવી. ઘરને નુકસાન થતું અટકાવ્યું, પણ ઘાસ બચાવી શકાયું નહિ.

આગ કોણે લગાડી હશે તે વિશે ગામમાં જાતજાતની અફવા ચાલી. ઘણાં વરસો પછી આવો એક મોટો બનાવ બન્યો હતો. પોલીસે તપાસ કરી, પણ કોઈ પકડાયું નહિ.

ત્રણ દિવસ પછી સવા ભરવાડની ગાય ચોરાઈ ગઈ અને આઠસો રૂપિયાની તેનીયે ઘાસની ગંજી બળી ગઈ. ગાયનો પત્તો મળ્યો નહિ.

આખા ગામમાં એક આતંક છવાઈ ગયો.

કુમારે સુનંદાને કહ્યું : ‘જાણો છો દીદી, શિવશંકર આ આગ માટે કોનું નામ દે છે? અબ્દુલનું.’

‘અબ્દુલનું?’ વિસ્મયથી સુનંદા બોલી. ‘અબ્દુલ જેવો સાદો, નિષ્કપટ, નિરુપદ્રવી માણસ ગામમાં બીજો કોઈ ભાગ્યે જ હશે. અબ્દુલ આવું કામ કરી જ શકે નહિ.’

‘એ તો શિવશંકર પણ જાણે છે કે અબ્દુલે આ કામ નથી કર્યું. કદાચ કોણે કર્યું છે, તેની તેને ખબર પણ છે.’

‘જાણવા છતાં અબ્દુલનું નામ આપે છે?’

‘હા, કારણ કે તેને અબ્દુલની ઈર્ષ્યા છે.’

‘પણ અબ્દુલે તેનું શું બગાડ્યું છે?’

‘કંઈ જ બગાડ્યું નથી દીદી, બસ એટલું જ કે અબ્દુલ સારો માણસ છે. શિવશંકર તેનું સારાપણું સહી શકતો નથી. પોતે એના જેવો થઈ શકે તેમ નથી, તે જાણવાને લીધે તે એના તરફ ઈર્ષ્યાથી બળે છે. તમે જાણો છો દીદી, શિવશંકરને તમારે માટે પણ દ્વેષવેષ છે.’

સુનંદા સ્તબ્ધ થઈને કુમારની વાત સાંભળી રહી. આ ગામમાં કોઈનેય પોતાને માટે દ્વેષવેષ હોય, એવો તેને કદી વિચાર આવ્યો નહોતો.

‘એનું કારણ બીજું કાંઈ નહિ દીદી, આ જીર્ણ તૂટેલા ગામમાં એકમાત્ર તમે જ તાજાં અને વિધાયક છો તેથી તેને તમારો ડર લાગે છે. ડૉક્ટરો તો અહીં ઘણા આવી ગયા, પણ તમારી વાત જુદી છે. બીજા ડૉક્ટરોને માત્ર દર્દ સાથે સંબંધ હોય છે, માણસ સાથે નહિ. પોતાની દવા કેટલી અસરકારક નીવડી તે જાણવામાં જ તેમને રસ હોય છે. પણ તમે તો દર્દીઓના જીવનમાં રસ લો છો, ઊંડાં ઊતરો છો, તેમને બીજી રીતે મદદ કરો છો. શિવશંકરને ભય છે કે તમારી સુવાસ અહીં વધુ ફેલાશે તો કોઈક દિવસ એનું સ્થાન નીચે ઊતરશે. મેં તમને આજ સુધી કહ્યું નહોતું, પણ એ તમારા વિશે શી વાત કરે છે, ખબર છે?’

સુનંદા નિષ્પલક તેની સામે તાકી રહી.

‘તે કહે છે કે છ મહિના પછી મ્યુનિસિપાલિટીની ચૂંટણી થવાની છે તેમાં તમે ઊભાં રહેવાનાં છો.’

સુનંદાનું મોં લાલ થઈ ગયું. ‘ખોટું, એ તો તદ્દન ખોટું છે.’

‘એને ભય છે કે તમે જો ઊભાં રહો તો તમે જ પ્રમુખ તરીકે ચૂંટાવ. એથી એ તમને અહીંથી દૂર કરવાની કોશિશમાં છે.’

જે દિશા વિષે સુનંદા તદ્દન નિઃશંક હતી, તે દિશામાંથી જ જાણે કોઈએ પથ્થર ફેંકીને ઘા કર્યો.

‘મને ડર છે દીદી, કોઈક દિવસએ તમને અહીં બહુ જ ત્રાસ થઈ પડે તેવું કરશે. આ ગામનાં લોકોને તમારે માટે ખૂબ માન છે, પણ પોતાની કોઈ સારી ભાવનાના જોર પર ઊભા રહી શકે તેવી તેમનામાં શક્તિ નથી. અહીં તમને કંઈ પણ તકલીફ થાય તો… મારામાં જીવ છે ત્યાં સુધી તો કોઈ તમારો વાળ પણ વાંકો કરી શકે નહિ. પણ… ઠીક દીદી, તે દિવસે સત્યભાઈ કહેતા હતા કે હવે તેમની ઇચ્છા ફરતા ફરવાને બદલે કોઈ એક જગ્યાએ થોડો વખત રહીને કામ કરવાની છે. પૂછતા હતા — તારાં સુ.દી. ત્યાં ડૉક્ટર તરીકે આવશે?… તમે આવો, દીદી. તો હું પણ આ ગામ છોડી દઉં.’

સુનંદાની સામે ધુમ્મસનો એક પડદો ઊતરી આવ્યો.

કુમારનો સ્વ૨ એકદમ જ બદલાઈ ગયો. ‘ઠીક દીદી, આ ગામમાંથી હું કેમ બહાર નથી જતો, કહું? મેં કહ્યું હતું, સત્યભાઈને લીધે. પણ એમની સાથેયે એમની જેમ ઠેકઠેકાણે ફરતો કેમ નથી રહેતો, કહું? મનમાં આશા છે કે કોઈક દિવસ મારી બહેન પાછી આવશે. બા ને બાપુને તે ક્ષમા નહિ કરી શકી હોય, પણ મારે માટે તો જીવ બળતો હશે. કોઈક દિવસ, ઘણાં વરસો પછી… માણસ શું પોતાને ગામ પાછું ન આવે? તે વખતે હું અહીં ન હોઉં તો તે તરત જ પાછી ચાલી જાય. આટલાં વરસે, ક્યાં ક્યાં ફરીને, કેવી કેવી આપદાઓ વેઠીને તે પાછી આવે! તે જ્યાં ક્યાંય પણ હોય, દુઃખી જ હશે. કેટલાંક લોકો સુખી ન થવા માટે જ જન્મ્યાં હોય છે. મારી બહેન એવી છે. તેટલા સારુ જ મારો જીવ આટલો વ્યાકુળ રહે છે. હું અહીં જીવતો, સાજોસમો બેઠો છું ને તે કોને ખબર ક્યાં હશે, કઈ રીતે રહેતી હશે, શી શી મુશ્કેલીઓ વેઠતી હશે! મને યાદ તો કરતી જ હશે, નહિ દીદી? કોઈ કાંઈ પોતાના સૌથી નિકટના માણસને ભૂલી જાય? અને છતાં દીદી, મઝા તો જુઓ, આટલાં વરસોમાં તેણે એક વાર પણ પત્ર લખીને પોતાની ખબર આપી નથી.’

સુનંદા બોલી : ‘પણ એ આવે તો, તારી તપાસ તો કરે ને? એમ ને એમ થોડી પાછી ચાલી જાય?’

‘ના દીદી, તપાસ ન કરે. માઠું લગાડીને પાછી ચાલી જાય. કેટલાક લોકો એવા હોય છે. એ તો કહે : મેં ભલે ગમે તે કર્યું પણ તું કેમ બદલાઈ ગયો? તને તારી બહેન માટે સ્નેહ હતો તો તેં એની રાહ કેમ ન જોઈ? એ લોકો ગમે તે કરે, પણ આપણે તેમની અપેક્ષા પ્રમાણે ન રહીએ તો ખરાબ લગાડવાનો જાણે એમને હક્ક હોય છે, આપણા સ્નેહે જ આપેલો હક્ક.’

પછી, ભરેલું વાસણ ઊંધું કરીને ઠાલવી દેતો હોય એમ વ્યથાને બાજુએ ઠાલવી દેતાં કુમાર બોલ્યો : ‘બીજી વાત કરીએ દીદી, તમારું વાયવરણાનું ઝાડ તો સાવ સૂનું થઈ ગયું છે. એને ફૂલ ક્યારે ઊગશે? ઊગશે તો ખરાંને! અત્યારે તો કેવું શોભાહીન લાગે છે!’

*