પરોઢ થતાં પહેલાં/૩
વાયવરણાના વૃક્ષ ફરતું અંધારું વીંટાવા લાગ્યું.
સુનંદા ઊઠવાનો વિચાર જ કરતી હતી, ત્યાં તેણે બૂમ સાંભળી : ‘દાક્તરસા’બ! દાક્તરસા’બ!’ કોઈક સ્ત્રીના કંઠનો અવાજ સાંભળતાં તે ચોંકી અને નદીને ઓળંગી આ તરફ આવી.
‘દાક્તર સાહેબ, તમે ત્યાં છો? મેં કીધું, રફીક તો તમારી હારે નથી ને! ક્યારની ગોતું છું, પણ જડતો નથી!’ બોલતી એક પ્રૌઢ સ્ત્રી તેની સાવ નજીક આવી ગઈ.
સુનંદાએ આ પહેલાં તેને જોઈ નહોતી. રફીકની મા હશે? રફીક જેવો જ ગોળ, મીઠો ચહેરો. પણ ચહેરા પર અસંખ્ય કરચલીઓ. જાણે કોઈએ ચામડી પર ગોઠવીને ઝીણા ઝીણા સળ પાડ્યા હોય! ઉંમર પિસ્તાળીસથી વધારે હશે. સુનંદા એ કોઈ વૃદ્ધ ચહેરા પર પણ આટલી બધી કરચલીઓ જોઈ નહોતી.
‘ના, ના, તમે તો એકલાં છો! રફીક તમારી જોડેય નથી. ત્યારે ક્યાં ગયો હશે?’ આથમી રહેલા લાલ ઉજાસમાં એ સ્ત્રીનો ચહેરો ચિંતાથી સુનંદા સામે મંડાઈ રહ્યો.
સુનંદા તેને આશ્વાસન આપતાં બોલી : ‘અહીં આટલામાં જ હશે. કુમાર જોડે હશે. ચાલો, આપણે ત્યાં હૉસ્પિટલ પર જઈને જોઈએ.’
‘હું ત્યાંથી જ આવું છું, ત્યાં તો નથી.’ તે ગભરાટથી બોલી. પછી હસી : ‘સાંજ પડે ને એ ઘેર આવે નહિ તો મારું મન મૂંઝાય. જીવ બળવા માંડે…’
સુનંદા એ કહ્યું: ‘ચાલો, હું સાથે આવું છું, કદાચ ઘેર જ પહોંચી ગયો હશે.’
જમીનનો એ વિસ્તાર પસાર કરીને બન્ને સડક પર આવી હૉસ્પિટલ તરફ વળ્યાં, ત્યાં જ કુમારને રફીક સામેથી આવતા દેખાયા. રફીકને જોતાં જ પેલી સ્ત્રી દોડી અને એને એકદમ છાતીએ વળગાડી દીધો. બોલી : ‘તને મેં કીધું નથી કે સાંજટાણે તારે ઘેર આવી જવું?’
‘એમાં મારો વાંક છે, અમીનાબેન!’ કુમાર બોલ્યો, ‘યૂસુફ અચાનક માંદો પડી ગયો, એટલે હું એને લઈને ત્યાં ગયો હતો. ત્યાં જરા મોડું થઈ ગયું. પણ મારો વાંક કબૂલ. હવેથી એને એમ નહિ લઈ જાઉં.’
અમીના રફીકને લઈને ચાલી ગઈ. કુમારે સુનંદા ને કહ્યું : ‘યૂસુફને દવા આપવી પડશે. પેટમાં સખત દુખાવો ઊપડ્યો છે. દવાખાનું ખોલીશું? હમણાં એની વહુ ફાતમા દવા લેવા આવશે. યૂસુફને તો દુખાવો થાય ત્યારે ઊઠી પણ શકતો નથી. કહ્યું છે, આજે તત્કાળ આરામ થાય તેવું કંઈક આપો, કાલે બતાવવા આવીશ.’
સુનંદાને કુમાર દવાખાનામાં ગયાં. દવા તૈયાર કરીને કુમાર કાઉન્ટર પાછળથી બહાર આવી સુનંદા સામે બેઠો. ‘અમીનાને જોઈ સુ.દી.?’
સુનંદા બોલી : ‘હા, એનું મોં જોઈને નવાઈ લાગી! મોં પર કેટલી બધી કરચલીઓ છે! જાણે તેના પર અપરંપાર દુઃખ પડ્યાં હોય!’
કુમારે કહ્યું : ‘તમારી વાત સાચી છે, દીદી! આપણને નવાઈ લાગે, કેટલાક બહુ સારા લોકોના જીવનમાં બહુ જ દુઃખ કેમ આવી પડતું હશે?’
સુનંદા જરાક હલી ગઈ. પોતે કશું કામ જાણીબૂઝીને ખરાબ કર્યું હોય તેવું યાદ નથી. અને પોતાની સાથે કેટલી બધી નિષ્ઠુરતા આચરવામાં આવી હતી!
સ્વસ્થ થઈને તે બોલી : ‘શું થયું હતું? અમીના પર શાનું દુઃખ આવી પડ્યું હતું?’
કુમારે કહ્યું : ‘મેં તમને તે દિવસે કહેલુંને, ગામમાં કેટલાક બહુ સારા માણસો છે! આ અમીના અને એનો વર અબ્દુલ એમાંનાં બે છે. એકદમ નેક દિલનાં, સાફ, નિષ્કપટ, ખુદાથી ડરનારાં અને જીવનમાં જે કાંઈ મળે તેથી સદાય રાજી. તમે અબ્દુલને કોઈક વાર જોશો. આ ઉંમરેય હસતા બાળક જેવો ચહેરો છે. ઘાસ વાઢીને, દૂધ વેચીને ગુજરાન ચલાવે છે. ગામમાં કોઈનુંયે કામ હોય તો કરી આપવા તૈયાર. મારી માએ એની વાત કહેલી. અમીના પરણી. ઘણાં ઘણાં વર્ષ સુધી કાંઈ બાળક થયેલું નહિ. બન્ને જણ બાળકને બહુ જ ઝંખતાં. અભણ માણસો. કેટલાય દોરાધાગા કરાવ્યા. પીરની માનતા માની. લગ્ન પછી પાંચ વરસે દીકરો આવ્યો. માબાપ તો ઘેલાં ઘેલાં થઈ ગયાં. ગામને પણ આનંદ થયો. બાળકને હાથમાંથી નીચે ન મૂકે. જીવનમાં જાણે સુખનું અંતિમ બિંદુ મળી ગયું. પણ એ છોકરો ત્રણ વરસનો થયો, ને અચાનક જ બે કલાકની માંદગીમાં મરી ગયો. અચાનક આંચકી શરૂ થઈ, ને અબ્દુલ હજુ ખેતરથી ઘેર આવ્યો ને ડૉક્ટરને બોલાવવા ગયો ત્યાં તો ખેલ ખલાસ થઈ ગયો.’
સુનંદાનું હૃદય ભારે થઈ ગયું. ‘એટલે રફીકને આટલો સાચવે છે?’
‘ના દીદી. હજુ આગળ વાત સાંભળો. ત્યાર પછી બીજો દીકરો જન્મ્યો. આ બધી વાત મારી માએ કરેલી. આ દીકરાનું તેમણે કેટલું જતન કર્યું હશે, દીદી, કલ્પી શકાય છે? અમીનાનો જીવ આખો વખત ફફડ્યા કરે. મોંએ આખો વખત ખુદાની બંદગી. આ છોકરો પણ ત્રણ વરસનો થયો. ને એવી જ રીતે એક રાતની માંદગીમાં ખલાસ થઈ ગયો.’ કુમાર અટક્યો.
સુનંદા ધ્રૂજી ગઈ. તેનાથી કાંઈ બોલાયું નહિ.
કુમાર બોલ્યો : ‘પણ હજુ અડધી જ વાત કરી. એનું દુર્ભાગ્ય આટલું જ નહોતું. ત્રીજો દીકરો જન્મ્યો. એ ત્રણ વરસની ઉંમર વટાવી ગયો ને સાજો-સારો રહ્યો ત્યારે એ બન્ને ને કેવી નિરાંત થઈ હશે? ખુદા ને કેટલી દુઆ દીધી હશે! તોપણ મનની અંદર હંમેશાં એક ફડક. ક્યાંક કાંઈ થઈ ન જાય. ક્યાંક નસીબ એને છેતરી ન જાય. આ ત્રીજો છોકરો ઘણો તંદુરસ્ત. એને તો મેં જોયેલો. મારાથી જરાક જ નાનો. એક કે બે વરસે. રફીક જેવો જ તરવરિયોને એના જેવો જ દેખાવમાં મીઠો. રખડવાનો બહુ શોખીન. માબાપ બૂમ પાડતાં રહે ને એ ક્યાનો ક્યાંય ભાગી જાય. ઝાડ પર ચડે, પુલ પરથી નદીમાં ધૂબકા મારે. ભયનું નામનિશાન નહિ. એક વાર તે મિત્રો સાથે બપોરનો ગયો, પછી પાછો જ ન આવ્યો. સાંજ પડી, રાત પડી, પણ આવ્યો નહિ. અમીનાને અબ્દુલે એના એક એક ભાઈબંધને જઈને પૂછ્યું. બધા કહે : અમને ખબર નથી. અમીના-અબ્દુલને બીજા માણસોએ ફાનસ લઈ નદી પર તપાસ કરી. પેલી તરફ સ્મશાન છે ત્યાંય જોઈ આવ્યાં. આખી રાત શોધ કરી. સવારે કોઈકે કહ્યું : કાલે બસની સડક પર, એક માઈલ દૂર, એને બીજા છોકરાઓ સાથે જોયેલો. પચીસ-ત્રીસ જણ ત્યાં દોડ્યા. ત્યાં ભેખડો તાજી જ તૂટી પડેલી. બેત્રણ કલાક માટી ખોદીને કાઢી ત્યારે નીચેથી સુલેમાનનું શબ નીકળ્યું.’
કુમાર જરા વાર થોભ્યો. પછી બોલ્યો : ‘આમાં સૌથી મોટી કરુણતા શી હતી, ખબર છે, દીદી? પાછળથી એના એક ભાઈબંધે કબૂલ કરેલું કે એ લોકો ત્યાં રમતા હતા, ત્યારે જ આ બનેલું. તેમણે ગામમાં આવીને તરત ખબર આપી હોત તો કદાચ માટી હટાવીને તેને જીવતો બહાર કાઢી શકાયો હોત. પણ માબાપ ઠપકો આપશે કે મારશે, એ બીકે કોઈ બોલ્યું જ નહિ. ઊલટાનું અમીના-અબ્દુલ તપાસ કરવા નીકળ્યાં ત્યારે કહ્યું કે અમને કાંઈ ખબર નથી! દીદી, સુલેમાનએ વખતે અગિયારેક વર્ષનો હશે. એને ગામમાં લઈ આવ્યા ત્યારે હું પણ ત્યાં હતો. અમીનાને ત્યારે મેં જોઈ હતી. એની એ વખતની સ્થિતિનું વર્ણન કરવાની મારી શક્તિ નથી. તે વખતે તો શબ્દો પણ હતા નહિ. પણ એની એ દુઃખછબી મારા મનમાં બહુ ઊંડે અંકાઈ ગઈ છે. જીવનમાં પહેલીવાર ત્યારે, દુઃખ શું એ હું સમજ્યો હતો. દુનિયામાં આથી વધારે કરુણ કાંઈ હોઈ શકે નહિ એમ લાગેલું. પછી તો મોટો થયો, ને દુઃખનાં કેટલાંયે રૂપો જોયાં. પણ એ વખતે જે તીવ્ર અનુભવ થયો હતો તે કદી ભૂલ્યો નથી. અમીના મને પણ બહુ સ્નેહ કરતી. સુલેમાનના દૂરના દોસ્તારોમાં હું પણ ખરો. કોઈક વાર એને ઘેર જઈ ચડું તો અમીના કાંઈને કાંઈ ખવડાવ્યા વગર ન રહે. એટલે એની મન પર બહુ સારી છાપ. કદાચએ કારણે જ મનમાં થયા કરેલું : કોઈને નહિ ને અમીનાને માથે જ આવું દુર્ભાગ્ય કેમ? એક ગંભીર પ્રશ્નનો એ મને પહેલો પરિચય. પછી વરસો સુધી મને એનો જવાબ જડેલો નહિ…’
‘હવે જડ્યો?’ સુનંદા ધીમા સ્વરે બોલી.
‘જડ્યો તો કેમ કહું? મેં મારી જાતે એ શોધ્યો નથી, પણ સત્યભાઈએ એ વિષે જે કહેલું તે સાચું લાગતું જાય છે.’
સુનંદા જરા ટટ્ટાર થઈ. ‘સત્ય ભાઈ કોણ? માણસને માથે દુઃખ કેમ આવી પડે છે તેનો તેમણે ઉત્તર આપેલો?’
‘અરે હા, સત્યભાઈને તો તમે ઓળખતાં નથી, નહિ દીદી?’
‘કોણ છે સત્યભાઈ?’
‘કોણ છે, કેવી રીતે કહું? કોઈક વિષે એમ કહી શકાય કે તે ડૉક્ટર છે કે વેપારી છે કે ખેડૂત છે, અથવા કમ્પાઉન્ડર છે. અથવા વળી અમીના કોણ? એમ પૂછો તો કહું, રફીકની મા. સવો કોણ, તો નદીકાંઠે રહે છે તે ભરવાડ. પણ સત્યભાઈ માટે એવું કશું કહી શકાય તેમ નથી…’ અચાનક તેણે દીવાલ પરની ઘડિયાળ તરફ જોયું ને ચોંકીને ઊભો થઈ ગયો. ‘ફાતમા હજુ આવી નહિ. સાડા આઠ તો વાગી ગયા. હું જ દવા લઈ જાઉં. કાલે આવીને તમને બતાવી જાય તેમ કહીશ.’
‘માણસને દુઃખ કેમ પડે છે, એનો ઉત્તર મળ્યો તે તેં કહ્યો નહિ?’
‘ફરી વાર કહીશ. દીદી, એ વાત કહેવાની સાથે સત્યભાઈની વાત કહેવી પડે. એમની વાત એમ ઉભડક રીતે નહિ કરું. કાલે, પરમ દિવસે, કોઈક દિવસ માંડીને વાત કરીશ. બીજા કોઈને શું લાગતું હશે, ખબર નથી, પણ મને એ અસાધારણ લાગે છે. તમે મળશો તો ખુશ થઈ જશો. આવા માણસ દુનિયા પર સહેજે જોવા ન મળે. આખું જીવન જીવી જઈએ અને આવા માણસનો ક્યાંય ભેટો ન થાય, તેમ બને. પણ આજે વાત નહિ, દીદી! તમે કોઈ દિવસ મળો તો તમે જાતે જ જોજો. મેં જોયેલા લોકોમાં તે સહુથી સુખી માણસ છે, અને તે સુખી છે તેથી કદાચ દુઃખનું રહસ્ય તે સહુથી વધુ સમજે છે.’
તેણે દવાની શીશી લીધી અને મંદ હસીને કહ્યું : ‘તો જાઉં સુ.દી.! કાલે સવારે વળી હાજર થઈ જઈશ.’
તેના ગયા પછી સુનંદા ક્યાંય સુધી સ્તબ્ધ બેસી રહી. દુઃખનું રહસ્ય? દુનિયામાં કોણ એવું છે, જે દુઃખના રહસ્યને પૂર્ણપણે સમજે છે? સત્ય કોણ છે? કોઈક દિવસેય તેની જો ઓળખાણ થશે તો પોતાનાં દુઃખનું રહસ્ય શું એ પોતાને સમજાવી શકશે?