પરોઢ થતાં પહેલાં/૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘બહુ જ પેટમાં દુઃખે છે, ડૉક્ટર સાહેબ! મને જલદી દવા આપો, નહિ તો મારાં આંતરડાં હમણાં જ બહાર નીકળી પડશે. ઓ — બહુ જ દર્દ થાય છે!’ સુનંદાએ ચમકીને ઊંચે જોયું. એક બહુ જ કદાવર માણસ તેની સામે આવીને ઊભો હતો. કાળો રંગ, વાંકડિયા બરછટ વાળ, મોં પર અતિશય દીનતા. ‘ડૉક્ટર સાહેબ, મને પેટમાં બહુ જ દુખે છે.’ ‘અહીં બેસો. તમારું નામ?’ ‘યૂસુફ, સાહેબ, કમ્પાઉન્ડર કુમારભાઈ મને બરાબર ઓળખે છે.’ ‘કાલે રાતે તમે જ અહીંથી દવા મંગાવેલી?’ ‘હા. પીધા પછી સારું થઈ ગયું હતું. સવારે પાછું થોડુંક ખાધું ત્યાં ઊછળી આવ્યું, ઓહ!’ તેણે બે હાથે પેટ દબાવ્યું. તેના મોં પર પસીનાનાં બિંદુઓ તરી આવ્યાં : ‘ઊલટી થવા જેવું થાય છે. ઊલટી થાય તો સારું લાગે છે.’ સુનંદાએ યુસુફને તપાસ્યો. ‘તમે શું કામ કરો છો?’ ‘પોલીસ છું, ડૉક્ટર સાહેબ, કૉન્સ્ટેબલ.’ ‘જુઓ, દવા આપું છું. તમને મટી જશે. પણ તમારે ખાવાપીવામાં સંભાળ રાખવી પડશે.’ સુનંદાએ સમભાવથી કહ્યું. ‘તે તો રાખું જ છું. પહેલાં વીસપચીસ રોટલી ખાતો હતો. હવે દસબાર જ ખાઉં છું. ખાવાનું શરૂ કરુંને ભૂખ જ ઊડી જાય.’ ‘ઓછું ખાઓ છો તે બરોબર, પણ તમારે તેલ, મરચું, તળેલું બધું બંધ કરવું પડશે.’ ‘એટલે?’ યૂસુફનું મોં ભયથી લાંબું થઈ ગયું. ‘એટલે કે તીખું, મસાલા, ચટણી બધું નહિ ખાવાનું. નરમ રોટલી, દૂધ, છાશ, બાફેલું શાક, ભાત સિવાય બીજું કાંઈ નહિ. દૂધ વધારે લેવું.’ ‘તે તો શી રીતે ભાવે, સાહેબ?’ ‘તમને પેટમાં અલ્સર લાગે છે, પેપ્ટિક અલ્સર, એટલે કે ચાંદું. આવું તમે બધું ખાતા રહેશો તો મટવાનું મુશ્કેલ થઈ જશે.’ ‘ભલે સાહેબ.’ યૂસુફ ધીમા સાદે બોલ્યો. હવે શું ખાવુંએ વિચારે તે અતિશય મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. કાંઈ ખાવાનું ન હોય, તો તો પછી જીવનનો અર્થ જ શો? દૂધ ને રોટલી — એ તે કાંઈ ખાવાનું કહેવાય? દવા લઈ ધીમા પગલે તે દવાખાનાનાં પગથિયાં ઊતરી ગયો. દવાખાનું થોડી વારમાં ખાલી થઈ ગયું. કાઉન્ટર પાછળથી આવી, સુનંદાના ટેબલ પાસે ઊભો રહી કુમાર બોલ્યો : ‘અહીં બધા લોકોને મૂંઝવણ થઈ પડેલી. તમે આવવાનાં છો તેવી ખબર પડી ત્યારે બધાં કહે : પણ અમારે એમને બોલાવવાં કઈ રીતે? મને પૂછે : ‘ડૉક્ટરબેન કહીએ તો ચાલે?’ તે હસવા લાગ્યો. મેં કહ્યું. ડૉક્ટર તો મોટા માણસ કહેવાય. એમને તો સાહેબ જ કહેવું જોઈએ… બેન તો નિશાળનાં શિક્ષિકાને કહેવાય.’ સુનંદા જરાક હસી. ‘દીદી આ યૂસુફ આખા ગામમાં સૌથી વધારે જબરો માણસ છે. પોલીસ ખરોને! શાકવાળા પાસેથી શાક આંચકી લે. ભજિયાવાળાની દુકાને ઊભો ઊભો અર્ધો શેર ભજિયા ખાઈ જાય પણ પૈસા ન આપે. ગમે તેને ધમકી આપે. કોઈ કંઈક પણ કહે તો ધમકી આપે : થાણે લઈ જઈશ. ગરીબ લોકો બિચારા તેનાથી બહુ બીએ. પણ પેટમાં દુખે ત્યારે સાવ કેવો નિમાણો થઈ જાય છે! માણસને તે ન સહી શકે તેવા પ્રકારનું દુઃખ પડે તો તે કેવો થઈ જાય છે? આને તમે દસ માઈલ દોડતાં આવવાનું કહો તો કાંઈ નહિ, પણ કહો કે એક ટંક ખાઈશ નહિ, તો તેના પગ સાવ ગળી જાય…’

*

દવાખાનામાં હવે જાતજાતનાં લોકો આવવા લાગ્યાં છે. ઘણુંખરું તો ગરીબ લોકો, કારણ કે સરકારી દવાખાનામાં પૈસા ઓછા આપવા પડે છે. ગામમાં ખાનગી ડૉક્ટર છે, તેની પાસે તો વધુ સંપન્ન લોકો જ જાય છે. દવાખાનામાં હવે બહુ ભીડ રહે છે. આઠથી બારનો સમય છે. પણ લોકો સાત વાગ્યાથી હોય છે. માંડ એક વાગ્યે કામ પતે છે. દરદીઓ હોય ત્યાં સુધી સુનંદા દવાખાનું ખુલ્લું જ રાખે છે, વખત ગમે તેટલો થઈ ગયો હોય! અભણ, અણસમજુ, અજ્ઞાની લોકો. તેમને શરીરની ક્રિયાઓની કશી ખબર નથી, આરોગ્યનું કાંઈ ભાન નથી. તેમની એકમાત્ર ઇચ્છા હોય છે, ઓછા પૈસા ખરચવા પડે એવી દવાથી જલદીમાં જલદી સાજા થઈ જવું. હૉસ્પિટલમાં ખાટલાની સગવડ છે, પણ હજુ સુધી કોઈએ તેનો ઉપયોગ કર્યો નથી. હૉસ્પિટલમાં ખાટલામાં સૂઈ રહેવાની વાત તેમને ગળે ઝટ ઊતરતી નથી. કટોકટીની સ્થિતિ ઊભી થાય તો નજીકના શહેરના ‘મોટા દવાખાના’માં દરદીને લઈ જાય છે. ‘ડૉક્ટર સાહેબ, મારો દીકરો ગઈકાલથી કાંઈ મોંમાં જ નાખતો નથી. કાલે સવારે ખાધું નહોતું, બપોરેય નહિ ને સાંજેય નહિ. નહિ તો એને દિવસમાં ચાર વાર ખાવા જોઈએ. જુઓને પેટ કેવું ફૂલી ગયું છે! કેટલું સમજાવ્યો, આગ્રહ કર્યો પણ થાળી હડસેલી જ મૂકે છે. પેટ તો જુઓ, કેવું થઈ ગયું છે! સવા૨થી ઊઠીને ચાર વાર વાડે જઈ આવ્યો. કોઈએ કાંઈ કરી તો નહિ દીધું હોય ને?’ સુનંદાએ છોકરાને તપાસ્યો. ફેરવી ફેરવીને પૂછ્યું, ત્યારે છેવટે તેણે કબૂલ કર્યું કે તેના ખેતરમાં કેળ છે, ત્યાંથી બેત્રણ લૂમ ઘેર પકવવા લાવેલા, તે કોઠારના ઓરડામાં મૂકી હતી. તેમાંથી તેણે કેળાં ખાધાં હતાં. ‘કેટલાં ખાધાં?’ સુનંદાએ રમૂજથી પૂછ્યું. પહેલાં તેણે જવાબ ન આપ્યો. બહુ પૂછ્યું ત્યારે કહ્યું : ‘બારતેર હશે.’ દવાખાનામાં જ એની મા એના પર તૂટી પડી, ને ગાળો દેતી મારતી મારતી એને બહાર લઈ ગઈ.

*

‘ડૉક્ટર સાહેબ, માથું બહુ જ દુઃખે છે. મોળ આવ્યા કરે છે. કંઈ ગમતું નથી. શરીર આખુંય એવું ભારે લાગે છે! કોઈક વાર એમ લાગે છે, જાણે નસ ફાટી જશે.’ ‘તાવ આવે છે?’ ‘ના, તાવ નથી આવતો, પણ નબળાઈ બહુ લાગે છે. ઊંઘ નથી આવતી. ઘણી વાર તો જરાક વધારે કામ કરું તો આંખે અંધારાં આવી જાય. ચક્કર આવવા માંડે.’ સુનંદાએ બીજી વિગતો પૂછી. શરીર તપાસ્યું. પલ્સ જોઈ. બલ્ડપ્રેશર માપ્યું તો ચોંકી ઊઠી. બસો વીસ. ‘તમારે શું કામ કરવાનું હોય છે?’ ‘અહીંથી વેપારીઓનો માલ ખટારામાં ભરી શહેરમાં પહોંચાડવાનું કામ. અમારો ખટારો છે. ત્રણ ભાઈ છીએ. અમે જ વારાફરતી ચલાવીએ છીએ.’ ‘તમે ડ્રાઇવ કરો છો?’ ‘હા બેન, માફ કરજો, હા સાહેબ! કોઈ કોઈ વાર હું પણ ડ્રાઇવ કરું.’ ‘પણ તમે ખટારો ચલાવતા હોને વચ્ચે ચક્કર આવે, તો જોખમ કહેવાયને?’ પેલો ફિક્કું હસ્યો. કાંઈ જવાબ આપ્યો નહિ. પૂછ્યું : ‘ડૉક્ટર સાહેબ, હું સાજો થઈ જઈશ ને? મારું સાજા થવું બહુ જ જરૂરી છે, ડૉક્ટર સાહેબ!’ ‘સાજા થવાની તો બધાને ઇચ્છા હોય છે, ભાઈ!’ ‘ના એમ નહિ, પણ…’ તે થોથવાયો. ‘તમારી મુખ્ય દવા તો આરામ છે, મન પરથી ચિંતા ઓછી કરી નાખો. હલકો ખોરાક લો. મીઠું ન ખાઓ તો સારું. પંદર દિવસ ઘરમાં સૂઈ જ રહો. બ્લડપ્રેશર જરા નીચું આવે પછી…’ ‘પંદર દિવસ ઘરમાં સૂઈ રહેવાનું? બને જ નહિ. ખોરાક તમે કહેશો તે ખાઈશ. ખાવાની ના પાડશો તો નહિ ખાઉં, પણ સૂઈ રહેવાનું? એ તો બની જ શકે નહિ.’ તેણે ઉશ્કેરાટથી કહ્યું. સુનંદા વિસ્મિત થઈને જોઈ રહી. ‘પંદર દિવસ ઘરમાં સૂઈ રહું તો મારા ભાઈઓ મને લૂંટી જ લે. હવે જ ખરી મોસમ આવી છે. ચોમાસાનો બધો પાક હવે તૈયાર થયો છે. આવે ટાણે ઘરે રહું તો પેલા બે મને છેતરી જ મારે. મારે અઢાર વરસની દીકરી છે. ઉનાળામાં વિવાહ ક૨વા છે, પૈસા જોઈએને! મારી વહુ બીજી વારની છે. દીકરીને બહુ ત્રાસ આપે છે. ડૉક્ટર સાહેબ, શી વાત કરું? મારી દીકરી બહુ ગુણિયલ છે, હો! પણ એની મા તો એને વેરીની જેમ જુએ છે.’ ‘પણ તમારે આરામ તો કરવો પડશે. માથા પર બોજો રાખશો તો લોહીનું દબાણ વધી જશે. એમાંથી બહુ જોખમ ઊભું થાય. રાતે બરોબર ઊંઘવું. ગોળીઓ આપું છું, ઊંઘ ન આવે તો લેવી. પેટ સાફ રાખવું. શું નામ તમારું?’ ‘નંદલાલ શાહ. વાણિયો છું. સાહેબ, મોઢ વાણિયો. અમારી નાતનાં તો આ ગામમાં ચાર જ ઘર છે…’

*

‘હવે કંઈક છૂટકો કરો. દાક્તરસા’બ, કેટલા દીથી આ ખોં ખોં મટતું નથી. રોજ સાંજ પડે ને શરીર તો ગરમ ગરમ થઈ જાય. ભૂખ તો લાગતી જ નથી.’ ‘કેટલા દિવસથી ઉધરસ આવે છે?’ ‘એક મહિનાથી.’ ‘મહિના સુધી કાંઈ દવા જ કરી નહિ?’ ‘પહેલાં તો જ્યારે થાય ત્યારે અહીં મ્યુનિસિપાલિટીના દાક્તર પાસે આવતો. બે મહિનાથી તો દાક્તર હતા જ નહિ ને! દેસાઈ દાક્તર છે, તે તો સોયો ટોચે છે ને બહુ પૈસા લે છે. એટલા પૈસા ક્યાંથી લાવું?’ ‘વજન કરાવ્યું છે?’ ‘પહેલાં તો સા’બ એયને રાતી રાણ જેવો હતો. ગામમાં કોઈને પૂછજો — જીવાનું શરીર કેવું હતું! પણ હવે તો શરીર સાવ ઘસાઈ ગયું.’ ટીબીનાં સંભવિત ચિહ્નો. થૂંક-લોહી તપાસાવવું જોઈએ. ઍક્સ-રે લેવડાવવો જોઈએ. અહીં એવી સગવડ નથી. મોટા દવાખાને જવું પડશે. મોટું દવાખાનું અહીંથી ત્રીસ માઈલ દૂરના શહે૨માં છે. ટ્રેન જાય છે. ટ્રેનનો સમય ન હોય ને કોઈ ઇમર્જન્સી કેસ હોય તો મુશ્કેલી પડે. દીપચંદ પાસે એક ઠાઠિયું કહેવાય તેવી મોટરગાડી છે, પણ એ કોઈને આપતો નથી. ‘તમારે જરા ધીરજ રાખીને લાંબો વખત દવા કરવી પડશે. મોટા દવાખાને જઈ બધી તપાસ કરાવડાવી આવો.’ ‘હું દાડિયા તરીકે કામ કરું છું, સાહેબ! સવા રૂપિયો રોજ મળે તેમાં હું ને મારી બૈરીને ત્રણ છોકરાં. શહેરમાં જવા–આવવાનાને તપાસવાના તો કેટલાય પૈસા થાય. ને શહેરમાં જાઉં તો રોજનો રોટલો કોણ રળે?’ સુનંદાનું હૃદય વિદીર્ણ થઈ ગયું. ઊંડી ઊતરી ગયેલી આંખોમાં કાકલૂદી ભરીને તે બોલ્યો : ‘મને જલદી મટી જાય તેવી દવા આપો ને, દાક્તરસા’બ! તમે તો બહુ દયાળુ છો. ભગવાન તમારું ભલું કરશે. હવે કામ નથી થતું. માંદા માંદા આટલા દિવસ ખેંચ્યું, પણ હવે અનાજ વાઢતાં થાકી જાઉં છું. પાછી ઉધરસેય એવી ઊપડે કે કામ કરતાં બેસી જવું પડે. બે દિવસથી કામે ગયો નથી. બે દિવસથી ઘરવાળી દાડિયે જાય છે. પણ બૈરાંને ઓછા પૈસા આપે. બાર જ આના આપે. મને ઝટ સાજો થાઉં એવી દવા આપો ને! બે-ત્રણ દિવસમાં ઠીક થઈ જાઉં તો કામે જઈ શકું! ઘરવાળી પાછી બેજીવ છે!’ બે દિવસ! એણે ઓછામાં ઓછા ચાર મહિના પૂરો આરામ લેવો જોઈએ. દવા કરવી જોઈએ. પણ સુનંદાએ એને એ કહ્યું નહિ. દવા આપી. ‘પેટ ભરીને ખાજો. દૂધ, દહીં, છાસ, ઘી, ફળ મળે તો…’ બોલતાં બોલતાં તે પોતે જ લજ્જા પામી. સવા રૂપિયાના રોજમાં પાંચ જણનું પૂરું કરતા માણસને આમ કહેવું, એ ડૉક્ટરને પોતાને માટેય કેટલું કષ્ટદાયક હતું? અને ઘરવાળી પાછી બેજીવ છે… જીવો માંદું, ક્ષીણ હાસ્ય હસ્યો. ‘દૂધદહીં તો ગયાં સાહેબ, બે કપ ચા મળે તોયે બસ!’ તે ધીરે ધીરે પગથિયાં ઊતરી ગામ તરફ ચાલ્યો. સુનંદાની નજર તેની પીઠ પર જડાઈ રહી. કેટલી બધી યાતનાઓ, કેટલાં દર્દ, કેટલા પ્રશ્નો! સુનંદા અસહાય રીતે જોયા કરે! એક પછી એક નવાં નવાં આવતા દર્દોની વણજાર. ડિસેન્ટ્રી, ડાયેરિયા, ટાઇફૉઈડ, અલ્સર. ઘણાંબધાં તો પેટનાં જ દરદો. સાથે એનીમિયા, મલેરિયા, દમ, કાનનાં, ગળાનાં, આંખનાં દરદો, ક્ષય, હિસ્ટીરિયા… ગોવિંદની વહુને વારંવાર હિસ્ટીરિયા થઈ આવતો. હાથપગ ખેંચાઈ જતા, શરીર કાંપતું, ક્યારેક મોંએ ફીણ વળી જતાં, આંખો ઊંચે ચડી જતી. ઘણુંખરું તો ગોવિંદ જ એની ઘરગથ્થુ સારવાર કરતો. અડધોએક કલાકમાં ઠીક થઈ જતું. પણ એક દિવસ કલાક થયો તોય તે ભાનમાં આવી નહિ. ગોવિંદે રફીકને મોકલ્યો, ‘જા, ઘોડાગાડી લઈને ડૉક્ટર સાહેબને લઈ આવ.’ સુનંદા દવાખાનું કુમારને સોંપી ગાડીમાં નીકળી. ગાડી છેક ગોવિંદના ઘર સુધી જઈ શકે તેમ ન હતી. રસ્તા પરથી ઊતરીને એક ધૂળવાળી ગલીમાં ચાલવાનું હતું. ત્રણચાર ઘર જતાં, તેણે માટીના એક ઘરને બારણે એક સ્ત્રીને ઊભેલી જોઈ. સાવ કૃશ, મોં એટલું મ્લાન, જાણે ઉપર ધૂળનો થર જામી ગયો હોય. કપડાં સાવ મેલાં હતાં. વાળ ઓળ્યા વગરના હતા. શરીર પર એક વિચિત્ર નિર્જીવતા લાગતી હતી. સુનંદા ને થયું — આ સ્ત્રી ઊભી છે એટલે જ જીવતી લાગે છે. તે સૂતી હોત તો મરી ગઈ છે તેમ જ દેખાત. ઘરમાંથી તે ગંદા પાણીનું તપેલું લઈ બહાર ઢોળવા આવી હતી. સુનંદાને જોઈને તે અટકી ગઈ, બોલી : ‘સલામ દાક્તરસાબ!’ તેને આ પહેલાં કદી જોઈ હોવાનું સુનંદાને યાદ ન આવ્યું. પણ તે તેની સામે હસી. સેંકડો દરદીઓ આવે. કોઈને એકાદ વાર જ જોવાનું બન્યું હોય તો યાદ ન રહે. પેલી સ્ત્રી બોલી : ‘આવોને દાક્તરસા’બ, અંદર આવો ને!’ સુનંદાને નવાઈ લાગી. પણ તેણે કહ્યું : ‘ના, અહીં ગોવિંદને ઘેર જવું છે, તેની વહુને—’ ‘એ…તું કોની જોડે વાતો કરે છે!’ મોટેથી બૂમ મારતો એક પુરુષ ઘરમાંથી બારણે દોડી આવ્યો. સુનંદાને જોઈને તે ખમચાઈ ઊભો રહી ગયો. એ યૂસુફ હતો. તેના હાથમાં નાની થાળી હતી — ભજિયાથી ભરેલી થાળી. એક ભજિયું એના હાથમાં હતું અને એક મોંમાં. તે કાંઈ બોલી શક્યો નહિ. અજાણતાં જ થાળીવાળો હાથ તેણે પીઠ પાછળ સંતાડી દીધો. સુનંદા તેની વહુ ફાતમા સામે હસી : ‘આજે નહિ, ફરી કોઈ વાર આવીશ.’ ગોવિંદની વહુ મણિ ભોંય પર પડી હતી. રહીરહીને શરીરમાં ધ્રુજારી આવતી હતી. આંખો બંધ હતી. સુનંદાને જોતાં જ ગોવિંદ બોલી ઊઠ્યો : ‘દાક્તરસા’બ! આ નર્યો ઢોંગ છે. પહેલાં પહેલાં હુંય પંપાળ્યા કરતો હતો. આજે ખબર પડી ગઈ. જ્યારે જ્યારે મારે જવાનું થાય છે, ત્યારે જ આવી રીતે આને આવું થાય છે. કહો તો વાળેથી ઘસડી હમણાં બેઠી કરી દઉં.’ તે હસવા લાગ્યો. ગોવિંદ નજીકના મોટા શહેરમાં એક કારખાનામાં મજૂર તરીકે કામ કરતો હતો. ત્રણચાર મહિને એક વાર ઘેર આવી જતો. બેચાર દિવસ રહીને ચાલ્યો જતો. તેના ઘરમાં તેની માને નાનો ભાઈ અને મણિ ત્રણ જણ હતાં. માકે’તી’તી કે આ તો ખાલી ઢોંગ કરે છે. હું માનતો નહોતો. પણ આજે ખબર પડી ગઈ. કાલે મારે જવાનું છે એટલે એણે આ ઘરણ કાઢ્યું. એલી એય, ઊઠે છે તારી મેળે કે?’ ‘ગોવિંદ!’ સુનંદા જરા કડક અવાજે બોલી : ‘ઢોંગ લાગતો હતો તો મને બોલાવવા ૨ફીકને શું કામ મોકલ્યો?’ ગોવિંદનું હાસ્ય હોઠ પરથી સરકીને નીચે પડી ગયું. ‘માફ કરો દાક્તરસા’બ, મારી ભૂલ થઈ ગઈ. મને તો ખરેખર થયું કે બિચારી કષ્ટાય છે. પણ મારી મા કે’ કે — ’ તેણે આજુબાજુ ઘ૨માં નજર ફેરવી લીધી. મા હાજર નહોતી તે જોઈ લીધું. સુનંદાએ મણિને ઇંજેક્શન આપ્યું. ‘હમણાં ઠીક થઈ જશે.’ પછી ફરી પૂછ્યું, ‘જ્યારે જ્યારે જવાનું થાય, ત્યારે આમ થાય છે?’ ‘ઘણી વાર થાય.’ ‘તેથીજ તું કહે છે કે એ ઢોંગ છે?’ ગોવિંદ મૂંઝાઈને બોલ્યો : ‘હું નથી કહેતો. મા કહે છે. નહિ તો દર વખતે મારે જવાનું થાય, ત્યારે જ કેમ થાય? એણે મને જવા નહિ દેવો હોય એટલે જ ને…’ સુનંદા બોલી : ‘એને તારી સાથે શહેરમાં લઈ જા ગોવિંદ. ત્યાં એને તારી સાથે રાખ, તો એને કાંઈ નહિ થાય. તારી વાત સાચી છે કે તારા જવાના કારણે જ એને આવું થાય છે. પણ એ કાંઈ ઢોંગ નથી. એનું દરદ છે તે સાચું છે. તે ખોટું ખોટું જાણીને શરીર ધ્રુજાવતી નથી. એના મનમાં તારા જવા વિષે ઊંડી બીક હોવી જોઈએ. બીકની મારી તે બેભાન થઈ જાય છે. એને તારી લાગણી જોઈએ છે. તારા સાથની એને જરૂર છે. એને તારી જોડે લઈ જા.’ ગોવિંદ ઢીલો થઈ જઈને બોલ્યો : ‘એ કેવી રીતે બને દાક્તરસા’બ! શહેરમાં મારેય રહેવાનું ઠેકાણું નથી. પાંચ ભાઈબંધ જોડે એક નાની ઓરડીમાં પડ્યો રહું છું. અને કાયમી નોકરીયે ક્યાં છે? બદલીમાં કામ કરું છું. ત્યાં પગાર મળે એંસી રૂપિયા. એમાંથી અહીં મા ને ભાઈ માટે પૈસા મોકલવાના હોય. કોઈકવાર બદલીનું કામ મળ્યું ન હોય તો નયે મોકલાય. આમાં એને ત્યાં કેવી રીતે લઈ જાઉં?’ આ સવાલનો સુનંદા પાસે ઉત્તર નહોતો. ગોવિંદ બોલ્યો : ‘મા ઘરડી છેને ભાઈ નાનો છે. બે વીઘાં ખેતર છે. મણિ થોડુંક કામ કરે તો વળી જરા રાહત રહે. એને ત્યાં લઈ જાઉં તો ખેતરનું કોણ સંભાળે?’ મણિ ધીમે ધીમે સ્વસ્થ થઈ. સુનંદાને જોતાં જ બેઠી થઈ ગઈ ને કપડાં સરખાં કરી હાથ જોડ્યા. હસવાનો પ્રયત્ન કરતી બોલી : ‘દાક્તરસાહેબ, એમને સમજાવોને, અહીં રહે! આવી તબિયતે હું કામકાજ કેમ સંભાળું?’ તેણે છાતી પર હાથ મૂક્યો : ‘અહીં બહુ મૂંઝારો થાય છે, જીવ મૂંઝાય છે.’ ગોવિંદ બોલ્યો : ‘તે હું કાંઈ ત્યાં લીલાલે’ર કરું છું? મને ત્યાં ઘર યાદ નંઈ આવતું હોય?’ સુનંદાનું મન એકદમ ભીંજાઈ ગયું. ઊભી થતાં તે બોલી : ‘પછી દવાખાને આવી દવા લઈ જજે. થોડી શક્તિની દવા લેવાથી સારું લાગશે. અને જો, આનું દરદ કાંઈ ઢોંગ નથી. કોઈ દિવસ ઊંધું-ચત્તું કરી બેસતો નહિ. સાથે રાખી શકાય તો જોજે…’ રફીક આખોય વખત ખૂણામાં ઊભો હતો. આગળ આવી તેણે બૅગ ઊંચકી લીધી. બહાર નીકળીને બન્ને રસ્તા પર આવ્યાં. ગાડી ત્યાં જ ઊભી હતી. સુનંદાની જોડે તે પણ ગાડીમાં બેઠો. ‘દીદી, એક વાત કહું?’ કુમારની જોડે રહીને તે પણ સુનંદાને દીદી કહેતાં શીખી ગયો હતો. ‘શું?’ ‘ગોવિંદની મા, મણિને જ્યારે ને ત્યારે મારે છે. કહે — ગોવિંદ શહે૨માંથી બીજી બૈરી લઈ આવવાનો છે.’ સુનંદા ચોંકીને સાંભળી રહી. રફીક, દસ વરસનો આ નાનકડો, ચપળ, કોઈનાય ઘરમાં અજવાળાની જેમ ઘૂસી જતો છોકરો! તેણે કેટલાંય ઘરની કેટકેટલી વાતો સાંભળી હશે! એમાંથી તેણે શું શું ઝીલ્યું હશે! તેના ખીલી રહેલા મન પર એ વાતની કેવી કેવી છાયા અંકાઈ હશે? તે કાંઈ બોલી નહિ. બાળસહજ સમજથી ૨ફીક સમજ્યો કે પોતે વાત કરી તે સુનંદાને ગમી નથી. સુનંદાને ખુશ કરવાની કોઈક વાત શોધવા તે ઉત્સુક થઈ ઊઠ્યો. કંઈ ન સૂઝતાં બોલ્યો : ‘દીદી, આજે પીપરમિન્ટ આપશો ને?’ સુનંદા ભીના હૈયે હસી પડી. ‘આપીશ રફીક, પણ હવે તારે રખડવાને બદલે ભણવું જોઈએ.’ ‘ભણું તો છું દીદી! કુમારભાઈ ભણાવે છે, પણ નિશાળે નથી જતો. ગઈ વખતે નાપાસ થયેલો એટલે માફી પાછી ખેંચી લીધી. હવે ભણું તો ફીના દર મહિને બે રૂપિયા આપવા પડે.’ દવાખાને સુનંદા પહોંચી ત્યારે કાળુ બેઠો હતો. ક્યારનોય વાટ જોતો હતો, ‘બેન! છોકરીને ત્રણ દિવસથી તાવ આવે છે. ઊતરતો નથી…’ સુનંદા બહુ થાકી ગઈ હતી. હવે એક પણ દરદીને તપાસવાની તેનામાં શક્તિ નહોતી રહી, તોપણ તેણે છોકરીને જોઈ અને દવા આપી. પછી ઘેર જઈને પલંગમાં પડી. સાડા બાર થઈ ગયા હતા. પણ ભૂખ લાગી નહોતી. જમવાનું મન થયું નહિ. એક અકથ્ય ભારથી તેનું હૃદય કચવાવા લાગ્યું. પોતાના પ્રશ્નો અને પીડાઓ સામે ઝઝૂમતા આ સેંકડો લોકો, અજ્ઞાનથી ભરેલા, ભણતર વગરના પણ સહજ સૂઝથી પોતાનો રસ્તો કરવાને પ્રાણપણે મથતા આ સેંકડો લોકો, કોઈ રણમેદાનના સૈનિકોથી વીરત્વમાં ઊતરતા નહોતા. પણ તેમની પાસે સાધન નહોતાં, બુદ્ધિની સમજ નહોતી. પાંજરામાં પુરાયેલાં પંખીની જેમ તેઓ માથાં પછાડતાં હતાં — ભાગ્યના સળિયા સાથે. અને તે પોતે… આ ચારે તરફ ઊછળતાં દર્દોના દરિયાની વચ્ચે, તેની એકલતાનો આઇસબર્ગ કદી સાવ ડૂબી જતો નથી. કામની અડાબીડ ઝાડી વચ્ચેથી વારંવાર તેની વેદનાનું મુખ ડોકિયાં કરે છે. પોતે તો ભણી છે, ઘણું વાંચ્યું છે, વિચાર કર્યો છે, પણ તેનો પ્રશ્ન આ લોકોના જેવો જ છે. કેટલાક પ્રશ્નો બધાને માટે સરખા જ હોય છે. તેમાં અભણ કે શિક્ષિતનો, શ્રીમંત કે ગરીબ, ઊંચ કે નીચનો કોઈ ફરક રહેતો નથી. એવો એક પ્રશ્ન છે દુઃખનો પ્રશ્ન. ધીરે પગલે કુમાર આવ્યો : ‘તમે બહુ જ થાકી ગયાં છો, દીદી! કહેવાની હિંમત નથી ચાલતી. પણ લલિતાબહેનને દવા તો આપવી પડશે.’ સુનંદાએ આંખ ઉઘાડીને પાછી બંધ કરી. જરાવાર રહીને બોલી : ‘આવું છું.’

*