પરોઢ થતાં પહેલાં/૫
દવાખાનામાં લલિતા સિવાય બીજું કોઈ હતું નહિ. સુનંદા આવીને ખુરશીમાં બેઠી કે તેણે મૂંગા મૂંગા પોતાના હાથ તેની સામે ધર્યા. બન્ને હાથ સૂજી ગયા હતા. ક્યાંક ક્યાંક ઉઝરડા પડ્યા હતા અને તેમાં લોહી ઊપસી આવ્યું હતું.
‘અને અહીં.’ તેણે કાન પાસે બતાવ્યું. સુનંદાએ જોયું, કાન પાસે ઊંડો ઘા પડ્યો હતો. લોહી બહાર નીકળીને ઠરી ગયું હતું. ત્યાં પણ આસપાસમાં ઘણો સોજો આવી ગયો હતો.
‘આટલું બધું તમને શાથી વાગ્યું?’ સુનંદાએ કેસ લખતાં પૂછ્યું, ‘વાગ્યાને ઘણો વખત થઈ ગયો હોવો જોઈએ. તમે વહેલાં કેમ ન આવ્યાં?’
કુમાર કાઉન્ટર પાછળ, જરા બહાર તરફ ખસીને ઊભો હતો. લલિતા તેના તરફ જોઈને હસી, પછી સુનંદાને ઉદ્દેશીને બોલી : ‘મારી વાતની આખા ગામમાં સહુને ખબર છે. તમે નથી જાણતાં તે સારું છે. તમે પૂછો છો, આટલું બધું શાથી વાગ્યું. ઠીક ડૉક્ટર સાહેબ, બધી વખત દર્દનું કારણ જાણવું શું જરૂરી હોય છે? અને ઘણી વાર તો કાંઈ કારણ હોતું પણ નથી. કારણ વગર જ આપણને વાગતું હોય છે, દર્દો થતાં હોય છે, પીડા થતી હોય છે, ને કોઈ જાણતું નથી, શા માટે.’
થાકથી ઢળી પડેલી, સુનંદાની વારંવાર મીંચાઈ જતી આંખો એકદમ સજાગ થઈ ગઈ. ગામડામાં કોઈ સ્ત્રીને મોંએ આવી રીતની વાત સાંભળવાની તેણે કદી અપેક્ષા રાખી નહોતી. તેણે નજર ઊંચી કરી વધારે ધ્યાનથી લલિતા સામે જોયું. એક કાળે લાવણ્યયુક્ત પણ અત્યારે જરા પ્રૌઢને ગરિમાયુક્ત ચહેરા પર એક અછિન્ન શાંતિ હતી. જાણે તેને ને તેના સૂજેલા હાથને કશો સંબંધ ન હોય; તેનેને તેના કાન પાસેના ઘાવને કશો સંબંધ ન હોય. સુનંદાને આ સ્ત્રી સાથે એક સ્ત્રી તરીકે વાત કરવાનું મન થઈ આવ્યું, દરદી તરીકે નહિ, સ્ત્રી તરીકે તેને સમજવાનું મન થઈ આવ્યું.
એક ક્ષણ તેના મનમાં આ ઇચ્છા થઈ આવી. પણ તે એટલી થાકેલી હતી કે વિચારને તે પકડી શકે તે પહેલાં તે એના મનમાંથી સરી ગયો.
તેણે કેસ કુમારને આપ્યો.
લલિતા બોલી : ‘આવું તો ઘણી વાર થાય છે. કુમાર કોઈક મલમ આપી દે છે, તેથી સારું થઈ જાય છે. આજે પણ આપી દેત. એણે કહ્યું કે તમે બહુ જ થાકેલાં છો અને આરામ કરો છો. પણ મારે તમને મળવું હતું. કોને ખબર પછી, કાલે હું હોઉં ન હોઉં, ફરી મળવાનું બને ન બને. કુમારે તમારા વિષે મને વાત કરી હતી. મને થયું — મારો તો કાંઈ ભરોસો નહિ. આ ગામમાં એક વ્યક્તિ આવી છે તો એક વાર મળી લઉં. અત્યારે મને જરાક તક મળી કે હું આવી. હું એટલા માટે મોડી આવી સુનંદા બહેન, કારણ કે હું મારા સૂજેલા હાથ માટે તમારી પાસે નથી આવી. કુમારની વાત સાચી હતી. ફરી વાર તમને મળી શકાય તે માટે હું પ્રયત્ન કરીશ. ન મળી શકું તો, તમારો ચહેરો જોયાનો પણ મને સંતોષ હશે.’
કુમારે મલમ બનાવી આપ્યો.
લલિતા તે લઈને ઊઠતાં બોલી : ‘વધારે વખત નથી, એટલે જાઉં છું. તમને આરામમાંથી ઉઠાડ્યાં. જોઉં છું કે તમે ખૂબ થાકેલાં છો, પણ અત્યારે મને એનો અફસોસ નથી. ઘણી વાર વધુ મોટી બાબતો માટે નાની વસ્તુઓનો વિચાર છોડવો પડે છે. અને હું હંમેશાં મૃત્યુની છાયા નીચે જીવું છું. હું આવતી કાલનો ભરોસો કરી શકું તેમ નથી. જીવતી હોઈશ તો ફરીથી આવીશ.’
મલમ લઈને તે ચાલી ગઈ.
સુનંદા ત્યાં ખુરશીમાં જ ઘણી વાર સુધી બેસી રહી. કુમારે તેમાં વિક્ષેપ કર્યો નહિ, પણ પછી બે વાગી ગયા છે એ જોતાં ધીમે રહીને કહ્યું : ‘દીદી, તમને યાદ છે, તમે હજી જમ્યાં નથી?’
સુનંદાની આંખ જરા બિડાઈ ગઈ હતી. તે ઝબકીને જાગી, ને થાકેલું ક્લાન્ત હાસ્ય હસી, ‘અને મને એ પણ યાદ છે કે તારેય જમવાનું બાકી છે. ચાલ મારી સાથે જમી લે. પછી મને વાત કર.’
‘લલિતાબેનની?’
‘હા.’
‘તમને બહુ દુઃખ થશે, દીદી!’
સુનંદાએ જવાબ આપ્યો નહિ, હવે તેને દુઃખનો શો ભય? દુઃખનો તેને ગાઢમાં ગાઢ સ્પર્શ થઈ ગયો છે. દુઃખના માર્ગ પરથી જ તેના દિવસોનો રથ પસાર થયા કરે છે. તેનું પોતાનું, હૃદયના છેક તળમાં ગુપચુપ બેસી રહેતું, ક્ષણવારેય આંખ ન મીંચતું દુઃખ; અને નહિ તો તેની પાસે રોજ નિવારણ માટે આવતાં આ અનેક લોકોનું દુઃખ. ઘણી વાર બધું એકાકાર બની જાય છે. પોતે અને બીજાઓ, અને દુઃખ, જીવનમાં પડેલી કેટલીયે ગૂંચવણો, ગાંઠો, જટિલતાઓ…
દવાખાનું બંધ કરી બન્ને ઘર તરફ જતાં હતાં, ત્યાં ફાટક પર કુમારની નજર પડી. હરિદાસ ત્યાં હતો.
‘હરિદાસ, તું શું કરે છે ત્યાં?’
‘કાંઈ નહિ ભાઈ, અમસ્તો ઊભો છું.’
સુનંદાએ નજર ફેરવી હરિદાસને જોયો. ‘કોણ છે એ?’
‘હરિદાસ છે.’ કુમારે જવાબ આપ્યો.
‘કોણ છે એ, શું કરે છે?’
‘ફકીર જેવો માણસ છે દીદી, કાંઈ કરતો નથી. જ્યારે જુઓ ત્યારે ઝાડ નીચે ઊભો હોય કે કોઈક દુકાનના ઓટલા પર બેઠો હોય, એનીયે વાત છે. આ ગામમાં માત્ર હું જ એક એવો માણસ હોઈશ, જેને પોતાના વિષે કાંઈ કહેવાનું ન હોય. કદાચ એટલા માટે જ બીજા લોકો મને તેમની વાત કહેતા હશે.’ તે હસ્યો, ‘પણ હવે વધારે નહિ બોલું. જમીને તમે આરામ કરી લો, પછી વાત કરીશ.’
સુનંદા એની પ્રિય આરામખુરશીમાં બેઠી હતી. તેણે માખણિયા રંગની સાડી પહેરી હતી. પહોળી લાલ કિનાર, એમાં જરીની પાતળી સોનેરી રેખા. આ સાડીમાં સુનંદા વધારે કૃશ લાગતી હતી. આરામ પછી પણ તેના મોં પર છવાયેલો થાક દૂર નહોતો થયો.
‘દીદી, તમે કર્મયોગિની છો. મેં લલિતાબહેનને એ જ કહેલું. એટલે તમને મળવાનું એમને મન હતું. આજે દીપચંદ ઘેર નહિ હોય એટલે આવ્યાં હશે. દીપચંદ હોય તો એ ઘરની બહાર પણ ન નીકળી શકે.’
‘દીપચંદ કોણ?’
દીપચંદ લલિતાનો વર છે. એકદમ સ્થૂલ ને જડ માણસ છે. તેની સૌથી મોટી નબળાઈ છે પૈસા. એને એ બાજુએથી જ અડી શકાય. બીજે બિન્દુએથી કોઈ અડવા જાય, તો પથ્થર હાથ લાગે. લલિતાએ કહ્યું હતું — આખોયે વખત મૃત્યુની છાયા તળે જીવું છું, તે વાત ખોટી નહોતી. દીપચંદ આખોયે વખત એને ધમકી આપે છે. કંઈક પણ થતાં, લાલ લાલ આંખો કરીને કહે છે — તારું ગળું પીસી દઈશ, તારું ખૂન કરી નાખીશ. તું તારા મનમાં સમજે છે શું?
ન્યાય, અન્યાય, સાચું, ખોટું — કશું તે સમજતો નથી. તે માત્ર પોતાની ઇચ્છાની આણ સ્વીકારીને ચાલે છે, અને લલિતાએ આણ ન સ્વીકારે તો તેના પર તૂટી પડે છે. માણસ પ્રકૃતિથી અમુક પ્રકારનો હોય, અને જીવનમાં તેને એથી વિરુદ્ધ પ્રકારની જ પરિસ્થિતિનો ભેટો કર્યા કરવો પડે; વિષુવવૃત્તનાં જંગલોમાં રહેનારા માણસને હિમપ્રદેશની અતિ આકરી ઠંડીમાં રહેવા જવાનું આવે; સ્વભાવે સૌમ્ય ક્લેશ-કંકાસથી એકદમ વિમુખ સ્ત્રીને આખી જિંદગી ઉગ્ર, કઠોર, હિંસક માણસ સાથે રહેવાનું આવે, ત્યારે શું થાય? નદીકાંઠે ઊગતું વૃક્ષ, રણમાં ઉગાડવા જતાં મરી જાય. પણ માણસ તો એમ મરી જતો નથી. તેની સહન કરવાની અખૂટ શક્તિ જ તેની શત્રુ બની રહે છે. તે બધી પરિસ્થિતિમાં ગમે તેમ કરીને જીવી જાય છે; પણ તેના સ્વભાવની, હૃદયની, પ્રકૃતિની જે કાંઈ સુંદરતા હોય તે નાશ પામે છે. જડ માણસની સાથે અથડાઈને, સંવેદનશીલ માણસ પણ પછી જડ થઈ જાય છે.
પણ લલિતા માટે આશ્ચર્ય થયા કરે છે. કારણ કે આટલું બધું સહન કરીને પણ તે જે હતી તે જ રહી છે. એના જેવી, અંદરથી આટલી શાંત, અક્ષુબ્ધ સ્ત્રી ભાગ્યે જ જોવા મળે. સંસારમાં આ બન્નેનો જ શાથી યોગ થયો હશે, તેનું તેમને જોઈને અચરજ થાય.
આખો દિવસ દીપચંદ તેનો કોઈ ને કોઈ વાંક કાઢ્યા કરતો. લલિતા ગમે તેટલી મહેનત કરીને સારી રસોઈ બનાવે, તે સ્વાદથી ખાય, પણ દોષ કાઢ્યા વિના ન રહે; ‘આટલું બધું તેલ વાપરી નાખે છે! અને આટલું તીખું બનાવ્યું છે! ખાતાં ખાતાં જીભ બળી જાય. મારી જીભ બળી જાય, તો તું રાજી જ થાય, નહિ?’
બીજા કોઈ દિવસે થાળી હડસેલી દઈને કહેતો : ‘આ તે શાક છે કે બાફણું? સ્ત્રી થઈને એક સારી રસોઈ બનાવતાંયે આવડતી નથી. પૈસા ખરચીને આવેલો સામાન તું કોડીનો કરી મૂકે છે. પૈસાની તો તને કાંઈ કિંમત જ નથી.’
ઘણી વાર દીપચંદ બહારગામ જાય તો બધી વસ્તુ તાળામાં મૂકીને જાય. ૨સોડાને સૂવાના રૂમ સિવાય બધા રૂમને પણ તાળું. રસોડામાં રાખેલી ચીજવસ્તુ ખૂટી જાય ત્યારે લલિતાને ભૂખ્યાં રહેવું પડે. દીપચંદ એક પૈસોયે એના હાથમાં આપે નહિ. ‘હું જીવતો જાગતો બેઠો છું, પછી તારે પૈસાની શી જરૂ૨ છે? વસ્તુ જોઈએ ત્યારે મને કહેવું. હું લાવી આપીશ.’
પણ લલિતાએ કોઈ દિવસ તેની પાસેથી કશું માગ્યું નથી. દીપચંદ તેના પર શારીરિક ત્રાસ ગુજારે છે, ઘણી વાર મારઝૂડ કરી બેસે છે. એ પાતળા, જરા ઊંચા, પીળી ગોળ આંખોવાળા માણસના મનમાં ગજબનો ક્રોધ છે. નાની નાની વાતમાં તે આગની જેમ ભડકી ઊઠે છે. તેની ઇચ્છા વિરુદ્ધ થયેલું નાનામાં નાનું કામ પણ તે સહી શકતો નથી. ઓસરીમાં મૂકેલી ખુરશી સુધ્ધાં ઓરડામાં તેને પૂછ્યા વિના લઈ જવાય નહિ. માણસ થઈને માણસને માથે કોઈ આટલો જુલમ કરી શકે, તે જોઈએ નહિ ત્યાં સુધી માન્યામાં ન આવે. કુમારે એક વાર લલિતાને કહેલું : આજ સુધીમાં તમને કેટલો માર પડ્યો છે, તેનો એક વાર મારે હિસાબ કરવો છે. ભગવાન કોઈક દિવસ એનો બદલો વાળ્યા વિના નહિ રહે.
શારીરિક ત્રાસની વાત હોત તો કદાચ હજુ સહી લઈ શકાય. પણ દીપચંદ બહુ જ શંકાખોર માણસ. લલિતા સહેજે ઘરની બહાર જઈ શકે નહિ. જાય તો સાપની જેમ શંકા ડંખ મારે : ‘તું ક્યાં ગઈ હતી? કેમ ગઈ હતી? કોની સાથે, એ તું શું બોલી?’
આટલી બધી હીન, અસહ્ય લાંછના. પહેલી વાર આવું સાંભળ્યું ત્યારે લલિતાને થયું — ધારદાર બરફની અણીઓ વડે એનાં સર્વ અંગોને જાણે કોઈએ છેદી નાખ્યાં છે. આખા શરીરની ઉષ્મા પાણીનો રેલો બની પગને છેડેથી સરી ગઈ. શરીર હિમ-જડ થઈ ગયું.
પછી ધીમે ધીમે તે ભાનમાં આવી… તો પોતાને માટે આ વસ્તુ છે. ભાગ્યે તેને માટે આ નિર્માણ કર્યું છે. ભલે, હું સહન કરી લઈશ. ખરાબમાં ખરાબ પરિસ્થિતિ વચ્ચે પણ સારામાં સારી રીતે જીવવાનો પ્રયત્ન કરીશ.
તે દિવસથી તેણે પોતાની અંદર શાંતિનો એક અચલ ટાપુ શોધી લીધો છે. બહારથી જ્યારે જ્યારે તેના ઉપર આવું આક્રમણ થાય ત્યારે તે અંતર્મુખ થઈ એના શાંતિના ટાપુમાં ચાલી જાય છે. ઈશ્વરમાં તેને બહુ જ શ્રદ્ધા છે એટલે આ દુઃખોને તે જીવનનું અંતિમ માની લઈ શકતી નથી. તે ઘણુંબધું આપી શકે તેવી સ્ત્રી છે, બદલામાં તેણે બહુ જ ઓછું પામવાની અપેક્ષા રાખી હોત. પણ તે કશું આપી શકી નથી. પોતાની હાજરી માત્રથી ચારે બાજુ સૌમ્ય શાંતિનું વાતાવરણ રચી શકે તેવી આ સ્ત્રી બંધિયાર ઘરમાં એક અનાડી માણસને હાથે રોજ રોજ હણાઈ રહી છે. પોતાના સ્વત્વને પામવાને માટે બે સારી ક્ષણ તેને મળતી નથી.
કુમારને સૌથી વધારે દુઃખ આ વસ્તુનું થાય છે — એક બીજ, જે અનેકને વિશ્રામ આપી શકે તેવું મોટું ઘટાદાર વૃક્ષ બની શક્યું હોત, તે કેવળ ઝાંખરું બનીને જીવે છે, તેનું દુઃખ. ભાગ્યે તેને આવી પરિસ્થિતિ આપી છે તેથી ભાગ્ય તરફ તેને રોષ છે. પણ તેનો ક્ષોભ, ગુસ્સો, પીડા કશું લલિતાની પરિસ્થિતિ બદલી શકે તેમ નથી. લલિતાને તે કહે છે : ‘તમારી જગ્યાએ હું હોઉં તો એક ક્ષણ પણ આ ઘરમાં ન રહું.’
લલિતાને બારેક વર્ષનો એક દીકરો છે. લલિતા કહે છે : ‘ભાગ્યમાં જે લખાયું હોય તેની વિરુદ્ધ લડાઈ થઈ શકતી નથી.’
‘તો જે આવે તે બધું નીચું માથું કરીને સ્વીકારી લેવું, એમ? ગુલામની જેમ બધું વેઠી જ લેવું?’
લલિતા ઉદાસ હસે છે : ‘ના, નીચું કરીને નહિ, સ્વસ્થ હૃદય રાખીને, દુઃખને જીવનનો અનિવાર્ય ભાગ માની લઈને. હંમેશાં આવી સ્થિતિ નહિ રહે. ઈશ્વર અન્યાયી નથી.’
આ દેખીતો હળાહળ અન્યાય જોયા પછી ઈશ્વરની પાસે ન્યાય હોય, તે કુમારને કબૂલ નથી. મૂળે તો ઈશ્વર વળી કોણ? ઠીક, જવા દો એ વાત. ઈશ્વરની વાત આવતાં મોં બંધ થઈ જાય છે. જેને કદી ઓળખ્યો નથી, તેના પર આટલો બધો મદાર બાંધવો? નરી કલ્પના જ… પણ તે લલિતાને એવું બધું કહેતો નથી. કહે છે : ‘કોઈ પણ વાર મારું કામ પડે તો બોલાવજો, અડધી રાતે ઊઠીને આવીશ. મને તમારો નાનો ભાઈ ગણજો.’
લલિતાને તેને માથે હાથ મૂકવાની ઇચ્છા થાય છે, પણ મૂકતી નથી. ક્યાંક દીપચંદ આવી ચડે ને જોઈ જાય…
‘દિવસરાત એમના પર આવો ત્રાસ, દીદી! એક સાધારણ માણસની જેમ તેમને કોઈ દિવસ આરામથી, શાંતિથી, આનંદથી ઘડીભર કોઈની સાથે બેસીને સુખદુઃખની બે વાત કરવાની પણ છૂટ નહિ. કોઈની પાસેથી વહાલનાં બે વેણ સાંભળવાનું નસીબ નહિ. એમને મા છે, અહીં ગામમાં જ રહે છે. એકદમ ઘરડાં છે. આંખે ઓછું સૂઝે છે. દીપચંદ એમને મળવાય લલિતાબહેનને ખાસ જવા દેતો નથી. માને મળવાનો વાંધો નહિ, પણ રસ્તામાં કોને ખબર કોની સાથે શું વાત કરી બેસે! લલિતાબહેન કહે છે, નથી મળતી તે જ સારું છે. માને મારું જીવન જોઈને નકામું દુઃખ થાય. ઠીક દીદી, લલિતાબહેનને કોઈક દિવસ પણ જરા આનંદ કરવાનું, હસવાનું મન નહિ થતું હોય?’
સુનંદાના ચહેરા પર વેદના પથરાઈ ગઈ.
કુમારનું તે તરફ ધ્યાન નહોતું. તે બોલ્યો : ‘છેવટ તો તે પણ એક માણસ છે, સ્ત્રી છે. માણસ માટે ઘર એટલે નિરાંતનું, આશ્રયનું સ્થળ. પતિ એટલે સૌથી નિકટનો માણસ. એ માણસ કોઈક દિવસ પોતાના મનની વાત સમજે, પોતાની ઇચ્છા પૂરી કરે, દુખતા હૃદય પર સાંત્વનાનો હાથ ફેરવે તેવું શું મન ન થાય? હંમેશાં તેમણે શું બસ આમ દુઃખને એકલતાની બંધિયાર કેદમાં જ જીવ્યે જવાનું?’
સુનંદાની આંખમાંથી અનાયાસ આંસુનાં બે મોટાં બુંદ સરી પડ્યાં. કુમાર ચોંકીને અટકી ગયો: ‘તમે રડો છો દીદી? તો રહેવા દો. પછી વાત કરીશ. તમારું હૃદય કેટલું પોચું છે! સાવ અજાણી સ્ત્રીના દુઃખની વાત સાંભળી આટલાં પીગળી જાઓ છો! આજે સવારે સત્યભાઈને મેં એ જ કહ્યું…
સત્ય!
સુનંદાના કાન પર એ નામના સંઘાતથી નાની ઘંટડીનો મધુર ઝંકાર ઊઠ્યો. કોણ છે એ માણસ, જેનું કોઈ ઠામ-ઠેકાણું પોતાને ખબર નથી અને જે દુઃખનાં રહસ્યોને જાણે છે?
‘સત્યભાઈ આવેલા?’
‘હા, તમે ગોવિંદને ત્યાં ગયાં ત્યારે. દસ જ મિનિટ માટે આવેલા. બસમાં જતા હતા. જરા વાર મળવા માટે ઊતરી ગયેલા. તેમનેય મેં એમ જ કહેલું કે મારાં સુ.દી. સ્નેહ, કરુણાને કર્મનિષ્ઠાની મૂર્તિ છે. કોઈ વાર તમને ઓળખાણ કરાવીશ, દીદી! તમને થશે કે આ માણસને મળ્યાં ન હોત તો જીવનમાં ઘણી સમૃદ્ધિ ઓછી થઈ જાત. મને એમની ઓળખાણ લલિતાબહેનને કારણે જ થઈ હતી. થાકી ગયાં છો, દીદી? આ વાત કહું?’
સુનંદાએ હકા૨માં માથું ધુણાવ્યું.
‘સત્યભાઈની બહુ પ્રશંસા કરું છું સુ.દી.! પણ તમે મળશો ત્યારે થશે કે મારી પ્રશંસા તો બહુ અધૂરી હતી. હા, એમ તો એ પણ માણસ જ છે, દેવ નથી. પણ આપણે બધાં જો માટીમાંથી જન્મ્યાં હોઈએ તો સત્યભાઈની માટી પહાડની માટી હશે. તે એટલા નિશ્ચલ, એટલા દૃઢ! મને બરોબર યાદ છે, દીદી! એ પ્રસંગ તો ગામનો એકેએક માણસ, જેણે એ જોયું હોય, ભૂલી શકશે નહિ. તે દિવસે દીપચંદે લલિતાબહેનને બહુ મારેલાં. શું કરવા, ખબર છે? બજારમાં શાક લેવા મોકલેલાં. ત્યાં શાક વેચતા ચંપકલાલ કાછિયા જોડે એકાદ મિનિટ વાત કરી હશે. ચંપકલાલે કંઈક હસવા જેવું કહ્યું એટલે લલિતાબહેન હસ્યાં હશે. દીપચંદ ત્યારે જ ત્યાંથી નીકળ્યો. જાણીને જાસૂસી ક૨વા જ તેણે એમ કર્યું હશે. એણે જોયું. દીદી! આશ્ચર્ય થાય. હલકા માણસો કેવું તો હલકું ધારી બેસતા હોય છે! દીપચંદે એમને ત્યાં જ ચોટલો પકડીને ખેંચ્યાં અને ઘર સુધી ઘસડીને લઈ ગયો. પછી ઘરના ઉંબરા પર જોરથી પટક્યાં. લલિતાબહેનના માથામાંથી લોહી નીકળ્યું. તે બેભાન થઈ ગયાં. પડોશના લોક એકઠા થઈ ગયા. કોઈક જઈને ડૉક્ટરને બોલાવી લાવ્યું. તે વખતે અહીં એક બુઢ્ઢા ડૉક્ટર હતા. ડૉક્ટર લખપતવાળા. તે આવ્યા તો દીપચંદ આડો ઊભો રહ્યો. કહે : લલિતા મારી વહુ છે. એની સંભાળ હું લઈશ. મારા સિવાય બીજા કોઈએ એને હાથ લગાડવાનો નથી.
‘આજુબાજુ લોકોનું મોટું ટોળું, ઉંબર પર અર્ધ બેહોશ લલિતાબહેન, માથામાંથી નીકળતું લોહી અને ડૉક્ટરને રોકીને ઊભેલો દીપચંદ.
તે વખતે જ અચાનક સત્યભાઈ ત્યાં આવી ચડ્યા. તે વખતે હજુ તે ગામથી બહુ પરિચિત નહોતા. થોડા વખતથી જ આવતા થયેલા. બહુ ઓછા લોકો ત્યારે એમને ઓળખતા હતા. સત્યભાઈ ભીડમાંથી અંદર ગયા. એમનો છ ફૂટ ઊંચો ટટ્ટાર દેહ અને મોં પર નરી નિર્ભીકતા. એમની હાજરીમાં જ એટલો પ્રભાવ હતો કે ટોળામાં એક અદબ પથરાઈ. વામણા લોકોની વચ્ચે જાણે એક મહત્તર પુરુષ આવી ચઢ્યો. એમણે દીપચંદને નહિ, ડૉક્ટરને પૂછ્યું — શું છે? ડૉક્ટરે આંગળી ચીંધીને કહ્યું — સા૨વા૨ ક૨વા દેવાની ના પાડે છે. સત્યભાઈ સમજી ગયા. દીપચંદને કહ્યું : બાજુએ ખસી જાઓ. ડૉક્ટરને એમનું કામ કરવા દો. પણ દીપચંદ તો માથાનો ફરેલો માણસ. તે કહે : મારા ઘરમાં માથું મારનાર તમે કોણ?
‘હું પહેલેથી ત્યાં નહોતો. લગભગ આ સમયે ત્યાં પહોંચ્યો. દીપચંદે આ કહ્યું ત્યારે સત્યભાઈ કશું બોલ્યા નહિ. તેમણે ટોળા તરફ જોયું, ને પછી દીપચંદ તરફ. એ કેવી તો નજ૨, દીદી! એમણે ફરી દૃઢ અવાજે કહ્યું — સા૨વા૨ થશે. અને પછી તેમણે દીપચંદનું બાવડું પકડ્યું. દીપચંદ બાજુએ હટી ગયો. ખબર નથી, એ પકડમાં કેટલું જોર હતું અને બાવડા પર ભીંસાયેલી એ પકડે દીપચંદને શો અણસાર આપ્યો. પણ તેણે ડૉક્ટરને માર્ગ આપ્યો. તેને થયું હશે, અમને બધાને થયેલું, કે એ જો નહિ ખસે તો સત્યભાઈ તેને ઊંચકીને દૂર ફેંકી દેશે. આવી સમર્થતા, દીદી! આવી પહાડ જેવી દૃઢતા! મને તો એમનો અવાજ સાંભળીને જ થયું કે પહાડ જો બોલે તો તેની વાણી આવી હોય; આવી સ્થિર, સબળ, લેશ પણ કંપ વગરની.’
કુમાર ચૂપ થઈ ગયો. બંને જણ ક્યાંય સુધી બોલ્યા વિના બેસી રહ્યાં. સુનંદાની આંખ બંધ થઈ ગઈ. પશ્ચિમ તરફની અધખૂલી બારીમાંથી પીળા પ્રકાશનો એક મોટો ટુકડો આવી તેની સાડીની લાલ કિનારને છેડે લટકી રહ્યો.
કુમાર ધીમે ધીમે બોલવા લાગ્યો : ‘ત્યારે મને સત્યભાઈનો પરિચય થયો. લલિતાબહેનને પણ થયો. નવાઈની વાત દીદી, કે આ પ્રસંગ માટે દીપચંદે કોઈ દિવસ લલિતાબહેનને કશું કહ્યું નથી. કદાચ પહેલી જ વાર તેને જિંદગીમાં ભય લાગ્યો હશે. પોતાની હિંસકતા નીચે રહેલી કાયરતાનો ખ્યાલ આવ્યો હશે. ખબર નથી. પણ સત્યભાઈના સંબંધમાં તેણે કદી કશી વાત કરી નથી. સત્યભાઈ સરસ માણસ છે, દીદી! તેમનું ચિત્ર દોરવું હોય તો પ્રેમ, શક્તિને આનંદ એ ત્રણ શબ્દો વડે દોરવું જોઈએ. એકદમ જ આત્મનિર્ભર માણસ. પણ એમની આત્મનિર્ભરતા એમના અહંકારનો એકદંડિયો મહેલ નથી. મને તો એમને જોઈને, પર્વતનું શિખર યાદ આવે છે, જ્યાંથી સ્નેહની ગંગા વહ્યા કરતી હોય. સહજ સ્નેહથી તે લોકોને ચાહે છે. મેં કહેલું કે તે સુખી માણસ છે, તેથી જ કદાચ તે દુઃખને સૌથી વધુ સમજી શકે છે — એ કેવળ એક ચતુરાઈપૂર્ણ ઉક્તિ નહોતી, દીદી! પોતાના દુઃખથી તે ઘેરાયેલા નથી તેથી જ બીજા લોકો ક્યાં જકડાય છે, એમનાં સુખદુઃખ શામાંથી જન્મે છે, કઈ વસ્તુ એમને બાંધે છે, ભીંસે છે, એ તે સમજી શકે છે.’
‘એ ક્યાં રહે છે?’
‘એ જ તો મુસીબત છે ને દીદી. એમનું કોઈ ઠેકાણું નથી. પરિવ્રાજક જેવા છે. બીજા લોકોનું કામ કરી આપતા ફરતા ફરે છે. આજીવિકાનું શું કરે છે, ખબર નથી. મને એક વાર પૂછવાનું મન થયેલું, પણ ઘણી વાર કેટલાક પ્રશ્નો એવા હોય છે કે એથી પૂછનારની ક્ષુદ્ર મર્યાદા જ વ્યક્ત થાય. તોયે આડકતરું મેં પૂછેલું — સત્યભાઈ, શું કરો છો તમે? તો હસીને કહે : ઊંઘી ગયેલા પ્રાણને જગાડું છું. એમ કહીને તેમણે જવાબ ટાળી દીધો હતો. અને છતાં એમનો ઉત્તર સાચો હતો. મનુષ્યના અંતરતમમાં પડેલી અજેય જીવનશક્તિના તે ગાયક છે. તે કહે છે — માણસ ગમે તેટલો દુઃખની ખીણમાં નીચે સરી પડેલો હોય, તેને માટે હંમેશાં બહાર નીકળવાની શક્યતા છે, છે ને છે જ.’
‘અહીં ઘણી વાર આવે છે?’
‘એમનું કાંઈ નક્કી નહિ. અધરાતે-મધરાતે ગમે ત્યારે આવી ચડે. ઘણી વાર ઉપરાઉપર આવે. કોઈ વાર રાત રોકાય તો મારે ત્યાં રહે. એમને માટે મેં એક જુદો રૂમ જ રાખ્યો છે. પણ ઘણી વાર મહિનાઓ સુધી ન દેખાય તેવુંયે બને.’ તે અટક્યો. ઘણી વાર ચૂપ રહીને બોલ્યો : ‘દવાખાનું ખોલવાનો વખત થયો, દીદી! હું ઉઘાડીને બેસું છું. તમે અહીં આરામ કરો. કોઈ દરદી આવશે તો બોલાવવા આવીશ.’
સુનંદાને કહેવાનું મન થયું — સત્યભાઈ ફરી આવી ચડે તો મળ્યા વિના પાછા ચાલ્યા ન જાય… પણ તે બોલી નહિ. એક નિશ્વાસ નાખી તેણે થાકેલી આંખો ફરી બંધ કરી દીધી.