પરોઢ થતાં પહેલાં/૬
કોઈ જ્યોતિષીએ સુનંદાનો હાથ જોઈ જો ભવિષ્ય વાણી કરી હોત, તો કહ્યું હોત — બહેનના હાથમાં જશની રેખા છે, જે કોઈ કામ કરશે તેમાં તેમને સિદ્ધિ મળશે.
થોડા જ વખતમાં સુનંદાને આ ગામમાં જશ મળી ગયો છે. તેની પાસે આવતા બધા જ દરદીઓ સારા થાય છે એમ નહિ, કોઈને સારું નથી પણ થતું. પણ ત્યારે લોકો : ‘ઈશ્વરની જેવી મરજી.’ અથવા ‘આવરદા ખૂટી હોય ત્યાં દવાદારૂથી શું વળે?’ એમ કહીને મન મનાવી લે છે. અને દરદ મટી જાય ત્યારે કહે છે : ‘નવાં દાક્તરસા’બ તો બહુ હોશિયાર છે.’
સુનંદા મનમાંને મનમાં ૨મૂજ પામે છે, પણ એ રમૂજમાં કેવડી મોટી કરુણતા રહેલી છે તેનો તેને ખ્યાલ છે. એ કેટલું અદ્ભુત હતું કે તેના હૃદયમાં દિવસરાત આવો જ્વાળામુખી સળગતો હતો અને કોઈને એની ખબર જ નહોતી, એનો અણસાર સુધ્ધાં નહોતો. તેઓ તો આટલું જ જોતાં — ડૉક્ટર કેટલું બધું કામ કરે છે! દિલમાં લોકો માટે બહુ જ દયા છે, તેમના હાથમાં જાણે જાદુ છે.
કદાચ બધા જ લોકોના હૃદયમાં કોઈક આગ ધીમી બળતી કે ભડભડતી હોય છે. તેણે યાદ કરવાનો પ્રયત્ન કર્યો. સવિતા… પોતાનું બધું કામ કરી આપતી, સવારસાંજ રસોઈ બનાવતી, શાંત, ઓછાબોલી સ્ત્રી. કદી કશા વિષે એને ફરિયાદ કરતાં સાંભળી નથી.
એના હૃદયમાં પણ શું કોઈ વેદનાનો તણખો ઝીણો ઝીણો સળગી રહ્યો હશે?
એમ હોય તો, એ વેદના શાની હશે?
દરેક માણસ પોતાની અંદર એક એકાંત પ્રદેશનો વાસી… સાત ખુલ્લા ખંડોની પાછળ હંમેશાં બંધ રહેતી એક નાની અંધારી ઓરડી, જેને દિવસના અજવાળામાં, બાહ્ય જગતના અજવાળામાં ખોલવામાં આવતી નથી.
અહીં આવીને તેણે જેને જેને ઓળખ્યાં હતાં એ બધાંને તે મનોમન યાદ કરી રહી… અબ્દુલ અને અમીના, ગોવિંદ અને મણિ… લલિતા અને દીપચંદ, નંદલાલને તેની પત્ની શોભા — નંદલાલની બીજી વારની જુવાન ને સુંદર પત્ની, જેને તેણે એક વાર કોઈકના મૃત્યુના પ્રસંગે લાલ કિનારવાળી કાળી સાડીમાં જોઈ હતી. તેને લાગેલું કે આવા પ્રસંગોએ શોભાને કોઈક પ્રકારની ખુશી થાય છે, કારણ કે આવા વખતે જ તે લાલ કિનારવાળી કાળી સાડી પહેરી શકે છે, અને તેને ભાન છે કે પોતાનું ગૌર રૂપ એ કાળી સાડી વડે મઢાઈને ઘણું વધારે દીપ્તિમય બની જાય છે. આ નાના ગામમાં કોઈ ફરવા જવાનું સ્થળ નથી, મનોરંજનનાં કોઈ સાધન નથી, કોઈના ઘેર ઝાઝી અવરજવર નથી. તેના રૂપની જ્યાં પ્રશંસા થઈ શકે, એવી કોઈ પરિસ્થિતિ નથી. અને પતિ માંદો રહ્યા કરે છે. મનમાં મનમાં તે એટલી ગુસ્સે થાય છે — કોના ૫૨, તે ખબર નથી. એની સાવકી પુત્રીએ રોષનો ક્યારેક ભોગ બનતી હશે. કુમારે કહેલું — નંદલાલ એની પુત્રીને જલદી પરણાવી દેવા ઉત્સુક છે, કારણ કે એની પત્નીને અને પુત્રીને જરાય બનતું નથી.
અને યૂસુફને ફાતમા… એ તરુણ પણ ગંદી સ્ત્રી, સુસ્ત મોં પર નૂરનું નિશાન નહિ.
આ બધાંને તેણે તેમના બહારના કામથી, પ્રગટ થતા સ્વરૂપથી ઓળખ્યાં હતાં. પણ તેમના અંતરના ઊંડાણમાં, ઊંડાણની વાત જવા દો, પણ માત્ર બાહ્ય બોલચાલને કામની સપાટીની જરાક નીચે પણ કઈ કઈ વસ્તુઓ રહી હશે, એ વિષે તેણે કદી કલ્પના કરી નહોતી.
નામમાં શું છે? — શેક્સપિય રે કહેલું.
પણ ઘણી વાર એક માણસ બીજા માણસ માટે કેવળ નામ જ નથી હોતો? નામ વડે માણસની જે ઓળખ, તે જ તેની દીવાલ પણ નથી બનતી?
અંદરની વાતની ખબર નથી, પણ બહારના જીવનને સાંકળનારું એક સૂત્ર છે : દુઃખનું.
અને તે પોતે… તે ડૉક્ટર છે, દરદી નથી, સામે બધા દરદીઓ છે. શારીરિક પીડાઓ અને ઇલાજની આશાના ધુમ્મસમાં વીંટળાયેલો એક સમૂહ… અને બીજી તરફ પોતે છે, એક અને એકાકી, જેના તરફએ આશાની નજરો અનિમેષ મંડાઈ રહી છે.
પણ તે પોતેય શું એ બધાની સાથે, એક બીજા પ્રકારના દુઃખ વડે પરોવાયેલી નથી?
એક સાથે બે દુનિયામાં તેનો વાસ છે. બહા૨ની એક દુનિયા, જેમાં લોકોને મન તે છે સ્વસ્થ, સ્વાયત્ત, કુશળ ડૉક્ટર. પણ એક બીજી તેની દુનિયા છે, ને તેમાં તેનું જે જીવન છે તેની કોઈને જાણ નથી.
તેને કામની સિદ્ધિ મળી છે, પ્રશંસા મળી છે, આદર, સ્નેહ, યશ મળ્યાં છે અને તેનું હૃદય વધારે ને વધારે સૂનું થતું ગયું છે. તેને આ બધી વસ્તુઓની જરૂર નથી. તેનું હૃદય તો કેવળ સ્નેહ ઝંખે છે. આટલા બધા કામને અંતે તે ઘેર પાછી ફરે ત્યારે કોઈના આત્મીય સ્પર્શનો આશ્રય ઝંખે છે. કામમાં જાતને ભૂલી જવાનું હંમેશને માટે શક્ય નથી. એ છેતરપિંડી પણ છે. તે ડૉક્ટર છે; પણ એ એક આકાર હટાવી દેતાં તે કેવળ સ્ત્રી જ છે. સ્નેહ માટે તેનું મન તરફડી રહે છે. તેના હૃદયના ઘાવ પર કોઈના જરા–શા માધુરીમય સ્પર્શની તેને કેવળ ઝંખના જ નથી — એ એના જીવનની અત્યંત તીવ્ર જરૂરિયાત છે. કશી આશા નથી, તોયે તેના હૃદયે ગુપ્ત રીતે કોઈક સુખની રાહ જોયા કરી છે. અગિયાર વર્ષોની એક એક ઘડીની સૂની એકલતામાં કોઈક સ્વર સાંભળવા તેનું મન કાન માંડીને બેઠું છે. જાણે કોઈ આવે અને એટલું કહે : ‘સુનંદા, તું સુખી છે? હું તને સ્નેહ કરું છું.’
જગતમાં શું બધા જ લોકોને પ્રેમની આવી ઉત્કટ ઇચ્છા હોય છે? — તે વિચાર્યા કરતી. પ્રેમ વિના સ્ત્રીના જીવનની પૂર્ણતા કેમ થતી નથી?
દેવદાસ… દેવદાસ ક્યાં છે?
વાસંતીએ લખેલું : ‘સાંભળ્યું છે, દેવદાસ કોઈક સ્વિડિશ છોકરી સાથે રહે છે, લગ્ન કર્યા વગર જ સાથે રહે છે. અત્યારે સ્ટૉકહોમ પાસે એક નાના શહેરમાં છે. ભારત પાછો નથી આવવાનો તેમ કહેતો હતો. તમે લોકો શાથી છૂટાં પડી ગયાં? મોટી લડાઈ વખતે અમે બધાંએ પાછા આવવા બહુ મહેનત કરેલી, પણ દેવદાસ તો તરત જ સ્વિડન જતો રહેલો. તે કહે, મને ભારત જવામાં કોઈ જ રસ નથી.’
આ જાણ્યા પછીયે દેવદાસ માટે તેને રોષ નહોતો થયો. તે સમજી હતી કે એક સ્ત્રી સાથે નિષ્ઠા પૂર્વક જીવનભર રહી શકે તેવું દેવદાસનું માનસિક બંધારણ જ નહોતું. એકના એક મકાનમાં તે જેમ ન રહી શકે, તેમ એક જ સ્ત્રી સાથે તે ન રહી શકે. એકની સાથે લગ્ન કરતાં જ તેનું મન તેમાંથી ઊઠી જાય. દેવદાસે કહેલું : ‘જીવનને કશાથી બાંધી રાખવાનો પ્રયત્ન કરવો મિથ્યા છે, કારણ કે દરેક વસ્તુ ક્ષણમાં જ જીવતી હોય છે. હું તો દરેક જિવાતી ક્ષણના અસ્તિત્વમાં જ માનું છું. હું શુદ્ધ ‘આજ’માં જીવું છું, જેના પર ગઈ કાલ કે આવતી કાલની કોઈ છાયા નથી.’
દેવદાસ પર મુગ્ધ સુનંદાને આવું વિચારતો પોતાનો પતિ જીવનમુક્ત ફિલસૂફ લાગેલો. તેને ખબર નહોતી કે આ ફિલસૂફી તો તેની બેજવાબદાર વૃત્તિને સમર્થ ન આપવા માટે તેના મને રચેલી તર્કજાળ હતી. કદાચ દેવદાસે જાણીજોઈને સુનંદાનો વિશ્વાસઘાત નહોતો કર્યો. તેને માટે એ અનિવાર્ય હતું. એ કેવળ પોતાના વિચારોને આવેગો માટે જીવતો હતો, અને તેના વિચારો તેની ઇચ્છાઓ અને જીવવાની રીત વડે મર્યાદિત બનેલા હતા. માણસ સાથેના સંબંધોની પવિત્રતાનું તેને કદાચ મૂલ્ય નહોતું, કારણ કે તે ક્ષણે ક્ષણે બદલાતી મનોવૃત્તિ પ્રમાણે જીવન જીવવામાં પોતાની સચ્ચાઈ ગણતો હતો. તે સમાજનાં, કાનૂનોનાં બંધનને સ્વીકારવા નહોતો ઇચ્છતો, પણ તે પોતાની અંદર કોઈક રીતે બંધાયેલો હતો…
આ વિષે વધુ વિચારતાં થાક લાગે છે. વિચારવાનું મન પણ નથી થતું. એથી શો ફાયદો? તે એટલું જ જાણે છે કે તેણે પ્રેમને વશ થઈને દેવદાસ સાથે લગ્ન કર્યાં હતાં. દેવદાસ તેને છોડીને ચાલી ગયો છે અને તેનું ખાલી જીવન સ્નેહની સભરતા માટે ઝૂરે છે, હંમેશાં ઝૂરતું રહ્યું છે. બહારના વ્યવસાયો વડે તે ઝૂરણાની પૂર્તિ કરવી તેને માટે શક્ય નથી.
ફરીફરીને તેને થાય છે — સ્નેહ માટેનો આ તલસાટ બધાને જ હોય છે? કે આ તેની પોતાની જ પ્રકૃતિની દુર્બળતા છે?
તેને રૂપલી યાદ આવી. પતિ વિશે કાંઈક વાત નીકળતાં તેણે કહેલું : ‘નઠોર મૂઆં બધાં! મરે તો મને જરા જંપ વળે!’
રૂપલી કુંભારવાડામાં રહેતી હતી. ત્યાં એક દિવસ વિઝિટે જવું પડેલું. કુમાર સાથે હતો. રૂપલી, તેનો પતિ ને તેની સાસુ, આખા ગામમાં આ કુટુંબ સૌથી વધુ ઝઘડાખોર તરીકે વગોવાતું. ત્રણે જણ એકમેક સાથે, આખો વખત લડતાં જ રહેતાં. રૂપલી ઘોર આળસુ. કામ કરવાનું તેને ગમતું નહિ. સાસુ જોડે રોજ રોજ ટકટક થતી. સાસુ તેને ભાંડતી, રૂપલી સામે ભાંડતી, અને તેનો વર ઝાડુ લઈને તેને મારવા દોડતો. જ્યારે પણ એમના ઘરમાં કોઈ ડોકિયું કરે, બધાં જાણે શબ્દો વડે એકમેકને નહોરિયા ભરાવતાં જ નજરે પડતાં. રૂપલી એક વાર દવા લેવા આવી ત્યારે તેણે પણ ઘણી વાત કરેલી, અને તેને રોગ થયો, પછી તો કંકાસ ઘણો વધી ગયો હતો. સુનંદાએ કહેલું કે યુરિમિયા છે, બરોબર દવા નહિ કરે તો શરીરમાં ટૉક્સિન બહુ વધી જશે. પણ એ તો બે દિવસ રાહત મળતાં જ દવા બંધ કરી દેતી. આજકાલ તેની સ્થિતિ વધારે ખરાબ હતી. તેનો પતિ સુનંદાને વિઝિટે લઈ જવા આવેલો.
મુખ્ય રસ્તા પરથી ઊતરીને કુંભારવાડામાં જવા માટે યૂસુફના ઘરવાળી ગલી પસાર કરવી પડતી હતી. યુસુફના ઘર પાસે પહોંચતાં તેણે જોયું — આજે પણ તે દિવસની જેમ ફાતમા બહાર ઉંબર પર બેઠી હતી. સુનંદા તેને જોઈને જરા અટકી ગઈ. આ તો જાણે એ ફાતમા જ નહિ! તેણે વાળ ઓળ્યા હતા, નહાઈ હતી, ચોખ્ખાં કપડાં પહેર્યાં હતાં અને બેઠી બેઠી તે કાંઈક ગીત ગણગણતી હતી. તેનું મોં નમણું અને તેજભર્યું લાગતું હતું. સુનંદાના મુખમાંથી ઉદ્ગાર નીકળી ગયો : ‘તું તો આજે એકદમ સરસ લાગે છે!’ ફાતમા ઊભી થઈ ગઈ અને બોલી : ‘આવો ને દાક્તર સાહેબ, એ તો બહારગામ ગયા છે.’ તેના ચહેરા પરથી આનંદ ફૂટી પડતો હતો.
સુનંદાને તેના આ રૂપપલટાને સમજવાની ઇચ્છા થઈ, પણ અત્યારે વખત નહોતો. ‘કોઈક દિવસ ઘેર આવજે ને ફાતમા!’ તેણે કહ્યું : ‘તું તો કોઈ દિવસ આવી જ નથી.’
‘જરૂર આવીશ દાક્તર સાહેબ,’ ઘરમાંથી આનંદથી ઊછળતું બાળક બહાર નીકળે તેમ તેના કંઠમાંથી શબ્દો નીકળ્યા, અને સુનંદાના પસાર થતાં વળી પાછી તે કોઈક ગીત ગણગણવા લાગી.
રૂપલીની સ્થિતિ સુનંદાએ ધારી હતી તે કરતાં ઘણી ખરાબ હતી. આખા શરીરમાં ટૉક્સિન ફેલાઈ ગયું હતું. હવે તે બચે તેમ નહોતી. ટેમ્પરેચર બહુ જ ઊંચું હતું, અને તે વારંવાર બેહોશીમાં સરી જતી હતી.
સુનંદાના પહોંચતાં તેની સાસુ ખૂણામાંથી એકદમ દોડી આવી. રૂપલીની નજીક આવી તે તેના શરીર પરની ચાદર સરખી કરવા લાગી. તેના વરે તાવ કેટલો છે તે જોવા માથા પર હાથ મૂક્યો. બેભાન જેવી દેખાતી રૂપલી સળવળી. તેણે આંખ ઉઘાડી અને તેના પતિના હાથને જોરથી ઝાટકો દઈ દૂર ખસેડી નાખ્યો. હતું તેટલા જોરથી તે ગર્જી ઊઠી : ‘દૂર હટો, હટો, તમે મારી પાસે આવતા નહિ. મારે તમારું મોં નથી જોવું. આખી જિંદગી તમે મારું લોહી પીધું છે. હવે મરવા ટાણે મને મોકળી મૂકો, મારી આ છેલ્લી ઘડી મને નિરાંતે જીવવા દો.’
તેની સાસુ ચમકીને દૂર ખસી ગઈ. તેનો વર સ્તબ્ધ થઈને ત્યાં ઊભો રહી ગયો.
કુમારે ધીમેથી પૂછ્યું : ‘ઇન્જેક્શન આપવું છે, દીદી?’
સુનંદાએ બહુ જ ધીમે માથું હલાવ્યું. માત્ર કુમાર સાંભળે તેમ તે બોલી : ‘નો, લેટ હ૨ એન્જૉય હર ડેથ.’
‘એન્જૉય?’ કુમારે વિસ્મયથી પૂછ્યું.
સુનંદા રૂપલીના ચહેરા સામે જોઈ રહી. પળેપળે મૃત્યુની નિકટ પહોંચતો ચહેરો. તેણે રૂપલીના વર સામે જોઈ નકારમાં માથું ધુણાવ્યું અને કહ્યું : ‘મને આશા નથી લાગતી. છતાં આ દવા આપું છું; અડધા અડધા કલાકે પિવડાવજો, બપોરે મને ખબર આપજો.’
તે અને કુમાર બહાર નીકળ્યાં. સુનંદા બોલી : ‘હા, એન્જૉય… મૃત્યુમાં એક શાંતિ છે. અત્યાર સુધી જે કાંઈ સહન કર્યું તે હવે પૂરું થઈ રહ્યું છે તેની રાહત છે, એક આશ્વાસન છે. પછી શું હશે તેની ખબર નથી, પણ જે હશે તે અહીં કરતાં સારું હશે તેવી જેને આશા રહે છે, તેને મરવાનું સારું લાગે છે.’
‘મરણ કેટલા પ્રકારનાં હોય છે, દીદી? તમે માણસને કેટલી રીતે મરણ પામતાં જોયા છે?’
સુનંદાએ આંખ સહેજ ઊંચી કરી હોઠ પર આંગળી મૂકી. કુમાર ચૂપ થઈ ગયો.
તે બપોરે રૂપલી મરણ પામી.
મૃત્યુની છાયા આવે છે તેને સુનંદા ઓળખે છે. માણસનાં અંગો પર, ત્વચા ૫૨, આંખોમાં, હોઠ પર, ગતિ પર તેની છાયા પડે છે. નાડીજ્ઞાન તો આયુર્વેદનું અંગ છે. સુનંદા તે જાણતી નથી. પણ તે મૃત્યુના અણસારને કોઈક અકળ રીતે ઓળખે છે. ગંભીર માંદગી વખતે તેને બોલાવવામાં આવે, અને તે દરદીને જુએ કે તરત તેને ખબર પડી જાય છે કે આ દરદી જીવશે કે નહિ. લોકો માને છે કે ડૉક્ટર બહુ હોશિયાર છે, પણ તે જાણે છે કે તેનું આ જ્ઞાન તેના તબીબી જ્ઞાનનો અંશ નથી. એ તો તેના પોતાનામાં રહેલી મૃત્યુ પ્રત્યેની કોઈક વિશેષ સંવેદનશીલતા છે.
મૃત્યુને સ્વર નથી, શબ્દ નથી, ગંધ નથી, આકાર નથી… તો તે જે જાણે છે તે શું છે? તેની એક છાયા છે, વાતાવરણ છે, તેની હવા છે, ગતિ છે, કદાચ સ્પર્શ પણ છે. મૃત્યુ એક જીવતી વસ્તુ છે.
કદાચ મૃત્યુના અતિ પરિચયને કારણે તે તેનાં પૂર્વલક્ષણોને સૂક્ષ્મ રૂપમાં પણ ઓળખી કાઢે છે. અથવા તેની અંદર રહેલી વેદનાની તીવ્રતા, જીવનની સર્વ વેદનાઓનો જેમાં નિશ્ચિત અંત રહેલો છે તેવા મૃત્યુ સાથે તેનો એક વિશેષ સંબંધ જોડી આપે છે. ખબર નથી. પણ આ અતિ જીવંત વસ્તુને તે પૂરેપૂરી જીવતી રહીને ભેટવા માગે છે. હા, મૃત્યુ પામવા માટે છેક સુધી એકદમ જીવતા રહેવું જરૂરી છે. ભરપૂરતાથી મરવા માટે ભરપૂરપણે જીવતા હોવું જરૂરી છે.
…આવી ભરપૂર રીતે મરી શકાય તેટલી જીવંતતાથી જીવનાર એક અદ્ભુત સ્ત્રીનો તેને પરિચય થયો.