zoom in zoom out toggle zoom 

< પરોઢ થતાં પહેલાં

પરોઢ થતાં પહેલાં/૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ના, કેવળ કુતૂહલ નથી, ઊંડો સ્નેહ છે, શ્રદ્ધા છે, આદર છે. એટલા માટે જ સુનંદાનો ઉદાસ ચહેરો જોઈને કુમારનું અંતર ઘવાયા કરે છે. આવો ઉદાસ ચહેરો પૂર્વે કદી જોયો નથી. ઉદાસ, અને વેદનાથી વારે વારે ફિક્કો પડી જતો ચહેરો. ગામના લોકો માટે તે હોશિયાર, માયાળુ ડૉક્ટર છે. એ સિવાય તે શું છે, તેનું જીવન કેવું છે, તેને કોઈ આત્મીયજન છે કે નહિ, તેવું જાણવાની કોઈને કદી ચિંતા થઈ નથી. માત્ર કુમારના મનમાં કેટલાયે પ્રશ્નો ઊઠે છે : દીદી આટલાં ઉદાસ કેમ રહે છે? તેમના કુટુંબમાં કોણ કોણ છે? તે એકલાં કેમ છે? તેમણે લગ્ન કર્યાં જ નથી, કે પછી…

સુનંદાએ તેને કદી પોતાના ઘરની કે બીજી કશી વાત કરી નથી. કુમારની પૂછવાની હિંમત નથી ચાલતી. ઘણીબધી આત્મીયતા પછી પણ આદરની એક દૂરતા છે. સુનંદાની જે કોઈ વેદના હોય તે દૂર થાય તેવી તેની ઉત્કટ કામના છે. પણ જે પીડા વિષે કશી જાણ નથી, તેના નિવારણનો ઉપાય કેમ શોધવો? અને તેની એવી શક્તિ પણ શી? હા, કોઈક બીજું એ કરી શકે, સત્યભાઈ કરી શકે…

ઘણી વાર સુનંદા દવાખાનામાં એકલી બેઠી હોય, કોઈ દરદી ન હોય, તે કોઈક મેડિકલ પત્રિકા વાંચતી હોય, અથવા તેની પ્રિય આરામખુરશીમાં બેસીને કોઈ પુસ્તક વાંચતાં વાંચતાં બારીમાંથી આકાશ ભણી તેની નજ૨ જડાઈ રહી હોય કે પછી રસોડાની પાછળના બાગમાં ફૂલછોડની તે માવજત કરતી હોય, કુમારને ઓળખ આપતી હોય — આ ફ્લૉક્સ, આ જરબેરા, આ ગુલછડી… અને કુમાર તેનું ગાઢ વેદનાથી નિરંતર મ્લાન રહેતું મોં જોયા કરે. સુનંદાને હસાવવા ઘણા પ્રયત્નો કરે. સુનંદા હસે પણ ખરી. પણ કુમારને ખબર છે કે તેના જતાં જ આ બધું હાસ્ય પાનખરનાં પર્ણોની જેમ ખરી પડશે. પાછળ રહેશે એક નિરાવરણ વેદના. ઘણી વાર તેને હોઠે શબ્દો આવી જાય છે — મને કહોને દીદી, તમે શા સારુ આટલાં ઉદાસ રહ્યા કરો છો? — પણ તે ઘણો નાનો છે. આવું પૂછવું તે અવિનય લાગે છે. છતાં મનમાં તે કેટલી તીવ્રતાથી ઈચ્છે છે કે સુનંદાએના બાગમાં ખીલતાં ફૂલોની જેમ પ્રફુલ્લી રહે…

દવાખાનામાં કોઈ દરદી ન હોય ત્યારે તે સામે આવીને બેસે છે. જાતજાતની વાત કરે છે. સુનંદા ધ્યાનથી સાંભળે છે. વચ્ચે વચ્ચે ખોવાઈ જાય છે. કુમારે ઘણી વાર જોયું છે કે દરદીની નાડી જોતી વખતે, તેને તપાસતી વખતે પણ તેનું મન ક્યાનું ક્યાં ચાલ્યું જાય છે. તેના હાથમાં, મનથી સ્વતંત્ર એવી, હાથની પોતાની અંત:સ્ફુરિત સમજણ અને કુશળતા હશે જ. નહિ તો આવા બેધ્યાનપણા પછી તેનાં નિદાન ને ઇલાજ આટલાં સાચાં શી રીતે નીવડે?

એક દિવસ સુનંદાએ તેને બોલાવીને પૂછેલું : ‘કુમાર, યૂસુફ હમણાંથી દવા લેવા નથી આવ્યો, નહિ?’

કુમારે કહ્યું : ‘ઘણા દિવસથી કહું કહું થતું હતું, પણ કહેવાનું રહી જતું હતું. આ યૂસુફની તો ખાસ્સી મઝા છે, દીદી! પેલે દિવસે પોલીસચોકીમાં બેઠો બેઠો એના મિત્રોને શું કહેતો હતો, ખબર છે? કહે — ડૉક્ટર તો ખાવાપીવાની ના પાડ્યા કરે, એટલે આપણે શું ખાધાપીધા વિના મરી જવું? છોને કહે, પેટમાં ચાંદું છે. હું એમ કંઈયે મરવાનો નથી. આ શરીર તો જુઓ! એમાં એક નાનકડા ચાંદાનો શો હિસાબ? રોગને હંમેશાં મરવા સાથે સંબંધ હોવો જ જોઈએ, એવું ઓછું છે? તમે જોજો ને, હું તો મારું મરણ આવશે ત્યારે જ મરીશ. એમ ચાંદાંફાંદાંથી હું કાંઈ ડરતો નથી.’

‘તેને માટે ખાવાપીવામાં પરેજી પાળવાનું બહુ મુશ્કેલ હશે, નહિ?’

‘હા રે, તેને તો જાતજાતનું તીખુંતમતમતું, તળેલું ખાવા જોઈએ. અને ખાય પણ કેટલું બધું! ફાતમા તો સવારથી સાંજ બસ રાંધ્યા જ કરતી હોય છે. એ તો બહુ જ થાકી જાય. પાછું આના પગ દાબવાના ને તળિયે તેલ ઘસવાનું. યૂસુફ કહે છે — પોલીસ તરીકે આખો દિવસ ઊભા રહેવું પડે છે એટલે પગ તો દબાવવા જ પડે ને! બિચારી ફાતમાને નાહવાધોવાનો કે ચોખ્ખાં રહેવાનોયે વખત ન મળે. કોઈ વાર યૂસુફ વળી બહારગામ ગયો હોય ત્યારે તેને કામમાંથી છુટ્ટી મળે. તે દિવસે તે સારી રીતે નહાય ધુએ, વાળઓળે, ચોખ્ખાં કપડાં પહેરે. યૂસુફ બહારગામ જાય એ જાણે તેનો તહેવાર.’

સુનંદા હસી : ‘ત્યારે જ એને આનંદમાં રહેવા માટે વખત મળતો હશે!’

કુમાર બોલ્યો : ‘એ તો યુસુફને કહે — તમારે ઘેર આવી મેં કામનો ઢસરડો ક૨વા સિવાય બીજું કાંઈ જોયું નથી. પણ યૂસુફ કહે — હું કૉન્સ્ટેબલ છું. રુઆબ પડવો જોઈએ. માય કાંગલું શરીર હોય તો કોણ મારાથી ડરે? ખૂબ ખાઈને શ૨ી૨ તગડું રાખવું, એ મારી નોકરી માટે પણ બહુ જરૂરી છે.’

સુનંદાને દેવદાસ યાદ આવ્યો. તે પણ, પોતાને જે કાંઈ ક૨વાનું મન થાય તેને સમર્થ ન આપે તેવું કારણ શોધી કાઢતો અને પોતાના જ કોઈક સંતોષ ખાતર કરેલું કામ, બુદ્ધિપૂર્વક કરવામાં આવ્યું છે તેમ બીજાને ઠસાવવાનો પ્રયત્ન કરતો, એટલું જ નહિ, તે પોતે પણ તેમાં વિશ્વાસ રાખતો. એક જુદી ભૂમિકા પર યૂસુફ પણ જાણ્યેઅજાણ્યે એવી જ તર્કપદ્ધતિનો આશરો લેતો હતો.

કુમારે કહ્યું : ‘દીદી, પણ એને પરિણામની બીક નહિ લાગતી હોય?’

સુનંદા બોલી : ‘કેટલાક લોકો એમ માનતા હોય છે કે પોતે કાંઈ પણ કરે, તેનું પરિણામ નહિ આવે, અથવા આવશે તો પોતે તેની પાર જઈ શકશે.’

કુમારે કહ્યું : ‘પણ દીદી, એ તો પરિણામને આવતું જુએ છે, સાવ નજીકથી જુએ છે. તેને જ્યારે પેટમાં દરદ ઊપડે છે ત્યારે તેને શું એ વાતની જાણ નહિ થતી હોય કે એ પોતાના જ વિવેકરહિત ખાવાનું પરિણામ છે?’

‘પણ તે થોડોક વખત દવા લે છે ત્યારે તેને સારુંયે થઈ જાય છે. આ અત્યંત ક્ષણિક અવસ્થાને તે કાયમી ઉપચાર તરીકે પકડી રાખવા માગે છે.’

‘પણ કેમ દીદી, કેમ?’

સુનંદાને યૂસુફ માટેય દુઃખ થઈ આવે છે. જીવાને તો તે અવારનવાર પૈસા આપતી હતી, યૂસુફને તો તે શું આપી શકે? ચાંપ દાબીએ ને અજવાળું થાય એટલો ચોક્કસને અનિવાર્ય સંબંધ તે યૂસુફના ખાવા અને રોગ વચ્ચે જોઈ શકે છે, પણ યૂસુફ તે જોઈ શકતો નથી. કદાચ જુએ છે તો સ્વીકારવા તૈયાર નથી. કારણ કે તે સ્વીકારવા જતાં તેને પોતાના પ્રિય આનંદથી વંચિત થઈ જવું પડે. ઇચ્છા આગળ તે એકદમ જ અસહાય છે.

‘કારણ કે,’ તેણે વિચારમગ્ન સ્વરે કહ્યું : ‘કારણ કે તે માત્ર ઇચ્છાને જ ઓળખે છે. તે માત્ર તમસનો બનેલો માણસ છે, ઇન્સેન્સિટિવ. શરીર સિવાયની બધી વસ્તુઓ પ્રત્યે તે બધિર છે. કોઈ પણ માણસ સંવેદનાઓમાં બધિર બન્યા વગર પોતાની ઇચ્છાઓને આટલો અધીન થઈ શકે નહિ.’

કુમાર જરાવા૨ વિચારમાં ચૂપ રહ્યો. પછી બોલ્યો : ‘ઠીક દીદી, તમે એવા લોકોને જોયા છે, જે જાણી જોઈને દુઃખી થતા હોય?’

‘એક રીતે આ યૂસુફ જાણીને જ દુઃખી થાય છે ને?’

‘ના એમ નહિ, પણ દુઃખમાં રસ લેતા હોય, પોતાના મન વડે દુઃખ ઊભું કરી લેતા હોય, એવા લોકો જોયા છે? એક સરસ વાત કહું. અહીં એક છોકરો હતો. ત્રણચાર વર્ષ પહેલાની વાત છે. મારા જેવડો, અઢારવીસ વર્ષનો હશે. એ જરા રોમૅન્ટિક છોકરો હતો. આખો દિવસ ઉદાસ ઉદાસ ફર્યા કરે. એક દિવસ મને આવીને કહે : “હું તો અહીંથી ચાલી જવા માગું છું. ક્યાંક દૂર, બહુ દૂર. અહીં મને કોઈ સમજતું નથી. કલાપીએ કહ્યું છે તેમ મને પણ લાગે છે કે — નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં, હૃદય મમ ઘડાયું અન્ય કો વિશ્વ કાજે.” મેં કહ્યું : “ઠીક, તો તારાં તત્ત્વો ક્યાં છે?” એ બિચારો આંખ ફાડીને જોઈ રહ્યો. મેં કહ્યું : “આ વિશ્વ સાથે તારાં જે તત્ત્વો મેળ નથી લેતાં તે કયાં તત્ત્વો છે? અને આ વિશ્વ પણ કયાં તત્ત્વોનું બનેલું છે?” થોડી વાર બાપડો કાંઈ બોલ્યો નહિ. પછી કહે : “આ દુનિયામાં ક્યાંય પ્રેમ નથી, વિશ્વાસ નથી. કોઈ મને સમજતું નથી.” મેં કહ્યું : “મારા પર તને પ્રેમ ન ઊપજે તે સમજી શકું, પણ મારા પર વિશ્વાસ છે કે નહિ?” એકદમ ઢીલો થઈને કહે — “હા, તમારા પર પૂરો વિશ્વાસ છે.” “અને તારી મા પર?” એની માએ એને પેટે પાટા બાંધીને ઉછેરેલો, દીદી! કહે : “હા એના પર વિશ્વાસ છે.” “તને એને માટે પ્રેમ ખરો કે નહિ?” તો કહે : ‘હા, અને એય મારે માટે મરી પડે.” મેં કહ્યું : “તારું એમ કહેવું છે કે દુનિયામાં મારા જેવાં, કે તારી મા જેવા લોકો નથી? અમે બન્ને એવા અસાધારણ, અદ્વિતીય છીએ?” બિચારો કાંઈ જવાબ આપી શક્યો નહિ. “અને સમજવાનું તું કહે છે, તો તું તને પોતાને સમજે છે? તું બીજા કોઈને સમજે છે? સમજવાની ઉંમર તો હજી હવે શરૂ થાય છે.” તે પછી તે કાંઈ બોલ્યો નહિ. મેં કહ્યું : “જા, વિશ્વ સાથે મેળ મેળવતાં પહેલાં તારો અંદરનો તાળો મેળવ, પછી બીજા મેળનો વિચાર કરજે.’ કુમાર જોરદાર હસવા લાગ્યો : ‘આવા લોકો હોય છે દીદી, સાચું દુઃખ તો કાંઈ નહિ, કેવળ દુઃખની કલ્પનાનો ભાર…’

સુનંદા બોલી : ‘પણ સાચાં દુઃખોય જીવનમાં હોય છે કુમાર, સાવ સાચાં, આગના ભડકા જેવાં. અડવા જઈએ તો દાઝ્યા વિના ન રહીએ.’

કુમાર નરમ પડીને બોલ્યો : ‘તે તો જાણું છું સ્તો દીદી, બહુ સારી રીતે જાણું છું. પણ કોને ખબર, મને એમ થાય કે લોકો ધારે તો સુખી થઈ શકે. દુર્ભાગ્યને ખૂણેખાંચરેથી ખોળીખોળીને એકઠું ન કરે. દુઃખને ગળે વળગાડીને ન ફરે તો સુખી થઈ શકે.’

સુનંદા ધીમે સ્વરે બોલી : ‘લલિતાબહેન પણ?’

કુમારે કાનની બૂટ પકડી : ‘હું હાર્યો દીદી! લલિતાબહેનને હું સાવ ભૂલી જ ગયેલો. અહા, એમના જેવી સ્થિતિ મેં કોઈની જોઈ નથી. તમે સેન્સિટિવિટીની વાત કરતાં હતાં. એક બહુ જ સુકુમાર સંવેદનાઓવાળી સ્ત્રીને એક તદ્દન અજડ, નઠોર માણસ સાથે દિવસોના દિવસો, રાતોની રાતો ગાળવી પડે, છેક જિંદગી સુધી, તો એની શી હાલત થાય તેની કલ્પના કરી શકો છો? લલિતાબહેને પોતાની એક શાંતિ શોધી લીધી છે તે ખરું, પણ તોયે સત્યભાઈની એમને સહાય ન મળી હોત તો તેમણે આત્મ હત્યા જ કરી હોત!’

સત્ય!

સુનંદાની ઉત્તપ્ત ધરતી પર એ નામ શીળા સુગંધી ફોરાની જેમ ખર્યું.

તે બોલી : ‘સત્યભાઈ શું લલિતાબહેનને બધું ચૂપચાપ સહી લેવાનું કહે છે?’

‘ના, સહી લેવું કે પ્રતિકાર કરવો તે સૌના સ્વભાવની વાત છે. એ તો કહે છે, માણસે જે કાંઈ કરવું તે પોતાની શક્તિના જોર પર કરવું જોઈએ. બહારનું જોર લઈને તે કાંઈ કરવા જાય તો અધવચ્ચે તૂટી પડે. માણસે પહેલાં તો પોતાની અંતઃશક્તિ જાગ્રત ક૨વી જોઈએ. એ જાગે તો પછી શું કરવું, તેનો માર્ગ તેને મળી રહે. પછી તે સહન કરે તોપણ, લાચારીથી, વિવશતાથી નહિ પણ સ્વસ્થતાથી, નિર્લિપ્તતાથી. તે કહે છે, જીવન કોઈ બિંદુએ, કોઈ આઘાતે અટકી પડવું ન જોઈએ, તેનું ઝરણું નિરંતર વહેતું રહેવું જોઈએ. ગમે તેવું દુઃખ હોય, તેની ગાંઠવાળી હૃદયને કુંઠિત બનવા દીધા સિવાય જીવન જીવી શકાય તો દુઃખ પણ જીવનનું એક સૌન્દર્ય બની રહે. ભૂલ, ભ્રાન્તિ, હતાશા, પછડાટ, પરાજય તો વાવાઝોડાંની જેમ આવે ને જાય, પણ આપણે ફરી ને ફરી, ઊગતા સૂરજ નીચે ઊભા થઈ જવું જોઈએ.’

સુનંદા ઉત્સુકતાથી સાંભળી રહી.

કુમાર બોલ્યો : ‘નિષ્ક્રિય સહનશીલતાને તે સ્વાર્પણ, આત્મભોગ જેવાં મોટાંને પોલાં નામે ઓળખતા નથી. તેમની તો એક જ કસોટી છે. માણસ કાંઈ પણ કરે, તેનું જીવન નિરંતર ઊઘડતું, વિકસતું, પ્રફુલ્લતું રહેવું જોઈએ. ખીલતું હોવાની લાગણી તેનામાં રહે, તો તે જે દિશા ગ્રહણ કરે તે સાચી દિશા હશે. પણ કોઈએ આદર્શ, સિદ્ધાંત, માન્યતાના નામ હેઠળ જીવન કરમાતું હોય, નીરસ, શુષ્ક બનતું હોય તો એ આદર્શો ગમે તેટલા ઊંચા હોય તોયે ખોટા છે.’

સુનંદા જરા અસ્વસ્થ થઈ ગઈ. ‘માણસના જીવનમાં દુઃખ કેમ આવતું હોય છે, એ એમણે તને સમજાવેલું?’

‘હા, બધું બરોબર સમજ્યો છું તેમ નહિ કહું. પણ જરાક દૃષ્ટિ મળી છે, એમનો પરિચય થયાને પાંચેક વર્ષ થયાં હશે. લલિતાબહેનનો બનાવ બન્યો, ત્યારની વાત. ત્યારે હું અઢારેક વર્ષનો હોઈશ. ઓળખાણ થતાંવેંત હું એમનો ચાહક બની ગયો છું. એમને કારણે જ આ ગામમાં રહ્યો છું. નહિ તો આ ગામમાંથી બધા જુવાનો ભણીગણીને મોટાં શહેરોમાં ચાલ્યા જાય છે. એટલે જ તો આ ગામમાં કશી તાજગી નથી. બધું જૂનું, જીર્ણતાની ગંધથી ભરેલું છે. હું અહીં રહ્યો છું, પણ આ ગામમાં મને બીજું કાંઈ આકર્ષણ નથી. સાચું કહું તો એ દિવસોમાં ઘર છોડીને જતા રહેવાનો જ હું વિચાર કરતો હતો. દીદી, મેં તમને કહેલું કે મારી પાસે મારી પોતાની કોઈ વાત કહેવાની નથી, પણ એક રીતે એ વાત સાચી નહોતી. મારે પણ એક બહુ જ આકરા અનુભવમાંથી પસાર થવું પડેલું. હું છેક મૂળમાંથી હચમચી ગયો હતો. મારા જીવનમાં જાગૃતિની એ પહેલી પળ. સુખના મેદાનમાંથી દુઃખની ધૂસર ગલીમાં પ્રવેશવાની પહેલી સભાન પળ, જ્યારે મેં દુઃખનો સમગ્ર જીવનના સંદર્ભમાં વિચાર કર્યો હતો અને માણસ સાથે માણસનો સંબંધ શો હોઈ શકે તે જાણ્યું હતું. તે વખતે જ બરોબર મને સત્યભાઈ ભેટી ગયા. એ કેવડી મોટી ઘટના હતી, તમને કેવી રીતે કહું? એમણે આપેલાં સ્નેહ, મિત્રતાને સમજ વડે મેં જીવનને એક જુદા જ ખૂણેથી જોયું.’

‘અને એમણે તને દુઃખનું રહસ્ય કહ્યું?’

‘હા, ત્યારે તેમણે કહ્યું કે દુઃખનો શો અર્થ હોય છે, જુદા જુદા લોકોને જુદા જુદા પ્રકારનાં દુઃખો કેમ આવી મળે છે, અને એ દુઃખની વચ્ચેથી દાઝ્યા વિના કેવી રીતે પસાર થઈ શકાય છે. શક્તિમય જીવનના ઉપાસક છેને! કહે ધખધખતી જ્વાળા વચ્ચેથી પણ જેના હૃદયનું ફૂલ ખીલી શકે છે, તેને હું નમસ્કાર કરું છું. તેમણે —’

અચાનક તેની નજર બહાર ફાટક પર પડી અને તે ઊભો થઈ ગયો. ‘આહા દીદી, કોણ આવતું હશે? તમે કલ્પના ન કરી શકો — ’

સુનંદાએ એક કંપન અનુભવ્યું. કોણ આવે છે? કોણ? સત્ય તો નહિ…?

‘તમે ઓળખતાં નથી દીદી, માત્ર નામથી જ જાણો છો. આપણે જેની ઘણી વાત કરી છે તે…’

સુનંદાએ ડોક વાળીને બહાર જોયું. આધેડ ઉંમરનો એક પુરુષ, સફેદ લાંબો કોટ, મેલું ધોતિયું, કાળી ટોપી.

‘દીપચંદ છે દીદી, લલિતાબહેનના વર.’

એક પળ ઝબકી ઊઠેલું સુનંદાનું હૃદય ઓલવાઈ ગયું.

કુમાર દબાયેલા અવાજે બોલ્યો : ‘વાત અધૂરી રહી, ફરી કરીશ. સત્યભાઈ વિશે પણ મારે તમને ઘણું કહેવાનું છે. કોઈક દિવસ તમને જો ફુરસદ મળે તો…’

દીપચંદ ઉતાવળો પગથિયાં ચડીને દવાખાનામાં આવ્યો. સુનંદા સામે હાથ જોડીને અતિશય વિનયપૂર્વક બોલ્યો : ‘ડૉક્ટર સાહેબ, અમારા અપાસરામાં આવવાની કૃપા કરશો? એક સાધ્વીજી અચાનક બીમાર થઈ ગયાં છે. તેમને દવાની તાત્કાલિક જરૂર છે.’

સુનંદા ખુરશીમાંથી ઊઠીને ઊભી થઈ. ‘ચાલો, આવું છું.’

કુમારે બૅગ ઊંચકતાં કહ્યું : ‘દીદી, હું સાથે આવું? રફીક ક્યાંક આટલામાં જ હશે. એને અહીં બેસાડીએ.’

સુનંદાએ હકારમાં માથું હલાવ્યુંને દીપચંદ સાથે બહાર નીકળી.

ફાટક પાસે બહાર, પીપળાના ઝાડ નીચે હરિદાસ ઊભો હતો. સુનંદા એની સામે જોઈને હસી.

‘હરિદાસ, કેમ છે?’

‘આનંદમાં છું, બહેન!’ તેણે હસીને જવાબ આપ્યો. દીપચંદ ઘોડાગાડી રોકવા રસ્તા પર જરા આગળ ગયો કે કુમારે ગુસપુસ અવાજે સુનંદાને કહ્યું : ‘દીદી, બે ધ્રુવ સાથે જોયા?’

સુનંદા કશું સમજી નહિ, ‘એટલે?’

કુમાર હાસ્ય ભરેલા અવાજે બોલ્યો : ‘આ બે સ્તો! દીપચંદ ને હરિદાસ — બે સામસામેના છેડા પર. દીપચંદ મહાલોભી ને લાલચુ. આખોય વખત એ કાંઈક મેળવવાની જ વેતરણમાં હોય. હરિદાસને કોઈ દિવસ કાંઈ મેળવવાની લાલસા નહિ. એ પોતાની મસ્તીમાં મગ્ન —’

દીપચંદ ગાડી લઈને નજીક આવ્યો ને ત્રણે જણ એમાં બેઠાં.

સિમેન્ટના ધોળા, ધોવાયેલા, તૂટેલા રસ્તા પરથી ગાડી દોડી રહી.

સુનંદા આજ પહેલાં કદી જૈનોના ઉપાશ્રયમાં ગઈ નહોતી. જૈન સાધ્વીઓને રસ્તામાં જોઈ હતી, પણ તેમનું નિવાસસ્થા ન કેવું હોય છે, તેની તેને ખબર નહોતી.

ઉપાશ્રય પાસે આવીને દીપચંદે કહ્યું : ‘માળ પર પહેલી ઓરડીમાં તમે જશો? હું ને કુમાર અહીં બહાર નીચે થોભીશું. બૅગ હું ઉપર સુધી મૂકી જાઉં.’

દીપચંદે બૅગ ઉપર ઓરડીનાં બારણાં સુધી પહોંચાડીને, બારણાં પર ટકોરા મારીને કહ્યું : ‘ડૉક્ટરસાહેબ આવ્યાં છે.’

અંદરથી અવાજ આવ્યો : ‘આવો.’

દીપચંદ દાદર ઊતરી ગયો.

સુનંદાએ બારણું ખોલીને અંદર પ્રવેશ કર્યો અને તે સ્તબ્ધ થઈને ઊભી રહી. તેણે આવો ચહેરો જોવાની કલ્પના નહોતી કરી. એક ઊંડી લાગણીથી તેનું આખું અસ્તિત્વ આંદોલિત બની રહ્યું. આજ, આજ શું એ સાધ્વી છે, જેની સારવાર માટે પોતાને બોલાવવામાં આવી છે?

*