પરોઢ થતાં પહેલાં/૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સહેજે સહેજે ક્યાંય જોવા ન મળે. સંસારની ભીડને કોલાહલમાં નહિ. મંદિરો, મઠો, સાધુ-સાધ્વીઓના સમૂહમાંયે નહિ. પણ ક્યારેક, ક્યાંક સાવ અચાનક જ… કોઈ નાના સ્ટેશન પર, પરબમાં બેસીને પાણી પાતી કોઈ સ્ત્રીની નિતાંત નિર્વ્યાજ વત્સલતાથી ભરેલી આંખોમાં, કોઈ મોટી ઑફિસની ભપકદાર કૅબિનમાં બેઠેલા એકાકી મૅનેજરની આંખોમાં, કોઈક એવી સ્વચ્છતા, એવું ઊંડાણ દેખાઈ જાય! એકદમ જ અણધારેલી જગ્યા એ. અપ્રત્યાશિત રૂપે, જરાયે કલ્પના ન હોય એવી ક્ષણે અચાનક જ બે બહુ જ નિર્મળ તેજોમય નેત્રો જોવા મળે. એ જોતાંવેંત થાય, આ લોકો બીજા લોકો કરતાં એકદમ જ જુદાં છે, પણ કોઈએ એમને શોધી કાઢ્યાં નથી. અણશોધાયેલી ભૂમિના વાસીઓની જેમ તેઓ આપણી વચ્ચે વણઓળખાયેલાં થઈને રહે છે. સુનંદાએ અપેક્ષા રાખી હતી — ક્રિયા કર્મથી જડ બનેલો વૈરાગ્યનો રંગ ઓઢેલો એક ક્ષુદ્ર ચહેરો જોવાની. અંજનાશ્રીને જોઈને તે સ્તબ્ધ બનીને ઊભી રહી ગઈ. અંજનાશ્રી તેને કોઈ દૂરના ગ્રહનાં વાસી લાગ્યાં. અહીં પૃથ્વી પર રહેલી બધી વસ્તુઓથી એકદમ ભિન્ન, અસ્પર્શ્ય. માણસ સાધારણ રીતે જે તત્ત્વોનો બનેલો હોય છે — આશા, આકાક્ષા, ઇચ્છા, ચિંતા, પીડા, ભય — એ બધાંથી સર્વથા અલિપ્ત. અંજનાશ્રીએ પોતાનાં સુંદર નેત્રો સુનંદા પર ઠેરવ્યાં. સુનંદાને થયું — આ આંખોની સુંદરતા એક તેજની સીડી છે. એ સીડી પર જો ચડી શકાય તો એની પાછળ રહસ્યમય રીતે આવી રહેલા કોઈ મહાન જ્યોતિર્લોકમાં જઈ શકાય. અંજનાશ્રીએ કહ્યું : ‘આવો ડૉક્ટર.’ ઓરડીમાં એક ખુરશી હતી. કદાચ ડૉક્ટર માટે ખાસ લાવવામાં આવી હતી. અંજનાશ્રી એક પાટ પર બેઠાં હતાં. એ સિવાય ત્યાં બીજું કશું નહોતું. ઓરડી સ્વચ્છ, ખાલી, સફેદ રંગથી ધોળેલી હતી. અંજનાશ્રી સુનંદા તરફ નજર માંડી રહ્યાં. એ આંખોમાં ચમક, આનંદ અને રમૂજ હતાં. સુનંદા બોલી : ‘દીપચંદભાઈએ મને કહ્યું કે તમારી તબિયત બહુ ખરાબ છે. તમારી જ ને? તેમણે નામ નહોતું દીધું. તે જ અહીં સુધી મારી સાથે આવ્યા હતા. તેમણે કહ્યું : સાધ્વીજીને તાત્કાલિક દવાની જરૂર છે.’ સાધ્વીજી હસ્યાં. પિયાનો ૫૨ જાણે કોઈએ મોજથી જરાક આંગળી ફેરવી લીધી. સુનંદાને થયું — મારે આ અવાજને કોઈ બીજા માધ્યમમાં વ્યક્ત કરવો હોય તો હું એને અંધારી રાતના જંગલમાં અચાનક ઝળહળી ઊઠેલી મીણબત્તીની એક જ્યોત તરીકે આલેખું… અને એની આસપાસ એક આભામંડળ. ‘મને તો ખબર નહોતી કે ડૉક્ટરને બોલાવ્યા છે.’ અંજનાશ્રી એ કહ્યું : ‘હા, હમણાં મને જરા ઝોબો આવી ગયેલો. એવું કોઈ કોઈ વાર મને થાય છે, ત્યારે આ લોકો ડૉક્ટરને બોલાવી લાવતા હોય છે.’ તેમણે હવામાં હાથ લંબાવ્યો. સુનંદાને થયું કે આ લોકો એટલે અન્ય સાધ્વીઓ હશે કે પછી બીજા… ‘તમે મને શું દવા આપશો? તમે કોઈ પણ દવા આપો, તે મારો રોગ મટાડી શકે તેમ નથી.’ ‘તમને શું થયું છે?’ સુનંદાએ પોતાના આ નવા વિચિત્ર દરદીને પૂછ્યું. ‘કૅન્સર.’ સુનંદાએ આંખો પહોળી કરી. પૂછ્યું : ‘શાનું કૅન્સર?’ ‘લોહીનું… લ્યુકેમિયા.’ અંજનાશ્રીએ શાંત કંઠે કહ્યું. ‘લ્યુકેમિયા?’ સુનંદા ચૂપ થઈ ગઈ. એમની વાત સાચી હતી. આ રોગ મટાડવાના કોઈ ચોક્કસ ઉપાય હજુ શોધાયા નહોતા. કામચલાઉ કઈ દવા આપી શકાય? તે વિચાર કરી રહી. ફૉલિક ઍસિડ અથવા બ્લડ ટ્રાન્સ્ફ્યુઝન. અહીં લોહી ક્યાંથી મળે? અંજનાશ્રી તેના ચહેરા સામે જોઈ રહ્યાં. ‘તમે એમ વિચાર કરો છોને કે મને કઈ દવા આપી શકાય?’ તે જરા હસ્યાં. ‘આપણે બન્ને જાણીએ છીએ કે આની કોઈ કાયમી દવા નથી. અત્યાર પૂરતી તમે મને કોઈક દવા આપી શકો, પણ તેથી બહુ અર્થ નહિ સરે. અને હવે તો મને ઠીક લાગે છે. લો જુઓ,’ તેમણે હાથ લાંબો કર્યો, ‘તમને એમ લાગે છે કે હું બહુ જીવીશ?’ તેમના ચહેરા પર, આંખોમાં, હોઠ પર એક રમૂજપૂર્ણ હાસ્ય હતું. પોતે જેમાં બહુ જ ગંભીરતાથી ભાગ લઈ રહ્યો છે, તે ખેલથી પોતે તદ્દન અલગ અને અસંબંધિત છે તેવું સતત જેને ભાન હોય, તેવા માણસનું રમૂજપૂર્ણ હાસ્ય. સુનંદાએ ખુરશી નજીક લઈ જમણા હાથ વડે તેમનું કાંડું પકડ્યું અને તત્કાળ છોડી દીધું. અચાનક જ તેને સમજાયું કે પોતાની ત૨ફ લંબાવેલોએ હાથ નાડીની તપાસ માટે નહોતો. એ તો કશીક મૈત્રીની લાગણીનું સૂચન હતું. ‘હું હવે જીવીશ નહિ.’ તેમણે સહજભાવે કહ્યું. ‘પણ બીજે ક્યાંક થોડા ઉપચારો થઈ શકે.’ સુનંદાએ ઉતાવળા અવાજે કહ્યું : ‘કાયમી ઉપચાર કોઈ નથી, તે વાત સાચી, તોપણ થોડોઘણો ઇલાજ તો થઈ શકે. મુંબઈ કે દિલ્હી કે એવા કોઈ મોટા શહેરમાં. ત્યાં બીજી સગવડ પણ મળી રહે. તો થોડું…’ તે કહેવા જતી હતી કે — તો જીવન થોડું લંબાવી શકાય; પણ તેણે વાક્ય અધૂરું છોડી દીધું. અંજનાશ્રીએ ડોકું ધુણાવ્યું : ‘ના, મારું જીવન હવે પૂરું થવા આવ્યું છે, અને મને મરવાનો આનંદ છે.’ સુનંદા વિસ્મયથી બોલી : ‘મરવાનો આનંદ?’ ‘હા, મરવાનો આનંદ… મને જાણે એમ છે કે હું ઘેર પાછી ફરી રહી છું. તમે સ્ટીવન્સનની પેલી કવિ તા વાંચી છે? — ગ્લેડ ડીડ આઇ લિવ ઍન્ડ ગ્લેડલી ડાય, હોમ ઇઝ ધ સેઇલર હોમ ફ્રૉમ ધ સી, ઍન્ડ ધ હન્ટર હોમ ફ્રૉમ ધ હિલ (હું આનંદથી જીવ્યો છું ને આનંદથી મૃત્યુ પામું છું. દરિયેથી ખલાસી પાછો ફર્યો છે, પહાડીઓમાં રઝળીને શિકારી હવે ઘેર આવ્યો છે)?’ સુનંદા ખુશ થઈ ગઈ. આ ‘રિક્વીઅમ’ તો તેની એક પ્રિય કવિતા હતી. જીવનના આકરા તાપમાં જ્યારે તેનાં દિવસ ને રાત બળી રહ્યાં હતાં, ત્યારે જે થોડીક વસ્તુઓએ તેને શીતળતા આપી હતી, તેમાં આ કવિતા પણ હતી — મરવાના શાંત આનંદની કવિતા. આજે આટલાં વરસો પછી, એક નાનકડા ગામના જ૨ાજીર્ણ ઉપાશ્રયની નાની ઓરડીમાં, એક જૈન સાધ્વીના મોંએ, મૃત્યુ પામેલા એક અંગ્રેજ કવિની તેને બહુ જ પ્રિય કવિતા સાંભળી તેના હૃદયના કેટલા બધા તાર હલી ઊઠ્યા! તેને અંજનાશ્રીના પૂર્વ જીવન વિષે જાણવાનું મન થઈ આવ્યું, અને ઇચ્છાની અનુચિતતા પણ તેને તરત જ સમજાઈ. તે બોલી : ‘હા, એ મારી બહુ પ્રિય કવિતા છે, પણ મેં તો આટલાં વર્ષોના ડૉક્ટર તરીકેના મારા અનુભવમાં કોઈને આનંદથી મૃત્યુ પામતાં જોયાં નથી.’ ‘કોઈને નહિ?’ ‘ના. ફરિયાદ કર્યા વગર કોઈ મૃત્યુ પામે તેમ બને, શાંત રીતે તેની અનિવાર્યતા સ્વીકારી લઈને મૃત્યુ પામે તેમેય બને, પણ આ આનંદપૂર્વક મરવાની વાત મેં સાંભળી નથી કે એવી વ્યક્તિ જોઈ નથી. આનંદપૂર્વક શી રીતે મરી શકાય?’ અંજનાશ્રી ના મોં પર એક ઉજ્જ્વળતા ફૂટી અને હાસ્ય રૂપે ફેલાઈ. ‘તમને શું લાગે છે? આનંદપૂર્વક જીવ્યાં હોઈએ તો આનંદપૂર્વક મરી ન શકાય?’ સુનંદા એ વિચાર કરતાં કહ્યું : ‘આ બધા લોકો, જે મૃત્યુથી ડરે છે, મરવાનું આવતાં દુઃખી, ક્ષુબ્ધ, ભયભીત થઈ જાય છે, તે એટલા માટે કે જીવનમાં તેમણે ક્યાંય આનંદ નથી અનુભવ્યો હોતો?’ અંજનાશ્રી સ્મિત કરી રહ્યાં : ‘આનંદની સૌની પોતપોતાની વ્યાખ્યા હોય છે. લોકો સુખના ને દુઃખના ને આનંદના ને શોકના મિશ્રણ વડે જીવે છે. તેમની ઇચ્છાઓ સંતોષાય, તેમની અનુકૂળતા પ્રમાણે તેમને બધું મળી ૨હે ત્યારે તેમને સુખ થાય છે. તેમની ઇચ્છા પ્રમાણે ન બને, કશુંક પ્રતિ કૂળ બને, તકલીફો, મુશ્કેલીઓ આવી પડે ત્યારે તેમને દુઃખ થાય છે. આવું સુખને દુઃખ લોકો વારાફરતી અનુભવ્યા જ કરતાં હોય છે. ચક્રાકાર સીડીની જેમ, બાજુએથી જોતાં અલગ લાગતા, પણ અભિન્નપણે જોડાયેલા આ સુખદુઃખના વળાંકો છે. ના, હું એવા આનંદની વાત નથી કરતી.’ સુનંદા બોલી : ‘તો કેવો આનંદ?’ અંજનાશ્રી ફરી મૃદુ હસ્યાં. અચાનક તેમણે કહ્યું : ‘જુઓ, જુઓ, ત્યાં બહાર જુઓ!’ તેમણે જમણા હાથ તરફની બારી ભણી હાથ લંબાવ્યો. તેમના મોં પર બાળકના જેવો નિરતિશય આનંદ છવાઈ રહ્યો. સુનંદાએ બારીમાંથી બહાર જોયું. ગામના છેવાડે આવેલા આ ઉપાશ્રયની પાછળ, જરા દૂર લીલાંખેતરો પથરાયેલાં હતાં. લીલાં ખેતરોના સોનેરી મોલની ઉપર, નીલ આકાશ નીચે ધવલ પંખીઓની એક હાર ઊડી જઈ રહી હતી. લીલા, સોનેરીને શ્વેત રંગનોએ અદ્ભુત સંવાદ સુનંદા મુગ્ધતાથી જોઈ રહી. ‘જીવનનાં લીલાં ખેતરોમાં અભીપ્સાનો સુવર્ણ મોલ ઊગે છે ત્યારે આપણો આત્મા આ ધવલ પંખીની જેમ અનંતતાના આભ ભણી ઊડવા લાગે છે.’ અંજનાશ્રીએ ધીમા સ્વરે કહ્યું. સુનંદા એમની સામે તાકી રહી : ‘શાની અભીપ્સા?’ ‘કશાની પણ. જ્ઞાનની, પ્રકાશની, મુક્તિની, રહસ્યોના ઉદ્ઘાટનની.’ સુનંદાના મનમાં એક જુદો જ વિચાર ઝબકી ગયો. આ સ્ત્રી આટલી… આટલી સંવેદનશીલ અને જીવનનાં ઊંડાણોમાં જેણે પ્રવેશ કર્યો હતો તેવી સ્ત્રીએ દીક્ષા લઈને સાધ્વી થવાનું કેમ પસંદ કર્યું હશે? કોઈની શિષ્યા તે શી રીતે બની શકી હશે? કોઈ પણ સાચી વસ્તુની શોધ તો સ્વતંત્ર રહીને જ થઈ શકે. તેણે પૂછ્યું : ‘એ બધું કરવા માટે સ્વતંત્રતા એ પહેલી શરત નથી?’ તેનો ઇશારો કઈ વસ્તુ તરફ હતો તે અંજનાશ્રી સમજ્યાં. તે હસ્યાં : ‘સ્વતંત્રતા? તમે સ્વતંત્રતા કોને કહો છો? આપણે સ્વતંત્ર હોઈએ છીએ ત્યારેય આપણી ઇચ્છાઓ અને પીડાઓનાં કેટલાં ગુલામ હોઈએ છીએ? મને એક માણસની વાત યાદ આવે છે. તેની કેટલીક ગૂંચોને કારણે મેં તેને એક આશ્રમમાં જઈને થોડો વખત રહેવાનું કહ્યું ત્યારે તેણે કહેલું : મને ત્યાં સિગારેટ પીવાની સ્વતંત્રતા મળે તો હું ત્યાં જઈને રહું.’ અંજનાશ્રી ફરી હસ્યાં. ‘તેની આ સ્વતંત્રતા તો તેની, ગુલામ બનાવનાર ઇચ્છાની અધીનતા હતી. અરે, આ ઇચ્છાઓ અને પીડાઓ પણ આપણી ક્યાં હોય છે? તે તો બહારથી આવી પડેલી વસ્તુઓ હોય છે. આપણે સુખને ખોળવા જતાં એ શોધની ઇચ્છાના ગુલામ બનીએ છીએ. આપણા શોકે આપણી આસપાસ મજબૂત તાણાવાણા વણ્યા હોય છે. એ આપણી આસક્તિ બને છે અને તેને આપણે નિષ્ઠાનું નામ આપીએ છીએ. કોઈ નવવિધવાને કહો — તારા મૃત પ્રિય પતિને ખાતર તું તારાં સુખને સમૃદ્ધિનો ત્યાગ કરી દે, તો એ કરવા તે તત્પર થશે; પણ તેને કહો — તું તારાં શોક અને દુઃખનો ત્યાગ કરી દે, તો એ માટે તે કેમેય તૈયાર નહિ થાય. વી આર ધ પ્રિઝનર્સ ઑફ અવર ઓન સફરિંગ ઍન્ડ વી લવ ધેટ પ્રિઝન (આપણે આપણી પીડાઓના બંદી છીએ અને એ બંદીખાના માટે આપણને અનુરાગ હોય છે).’ સુનંદા એ એક ઊંડો શ્વાસ લીધો. ‘બધાં જ શોક અને સુખોનો શું ત્યાગ કરવો જોઈએ?’ અંજનાશ્રીએ હળવા અવાજે કહ્યું : ‘જૈન સાધુઓ લોકોને ત્યાગ-વૈરાગ્યનો ઉપદેશ આપતા હોય છે, સંસાર અસાર છે તેમ કહેતા હોય છે, દુનિયાનાં બધાં સુખો ક્ષણિક હોય છે તેમ સમજાવતા હોય છે. પણ હું તમને કહું છું, એ ત્યાગ ને વૈરાગ્યમાંથી જો અંદર અજવાળું ન થતું હોય, જંગલમાં ઊછળતા, વહેતા, ગાતા ઝરણા જેવો બંધનહીન આનંદ ન પ્રગટતો હોય તો એ ત્યાગ ને વૈરાગ્ય ખોટા છે. કશું જ અસાર નથી, બધી જ વસ્તુઓમાં અર્થ રહેલો છે. નાનામાં નાની વસ્તુ ને પણ પોતાની સાર્થકતા હોય છે. પણ આપણે વસ્તુઓ સાથેનો આપણો સંવાદ શોધી લેવાનો હોય છે. આ સંવાદમાંથી જ સભરતા જન્મી શકે, લીલા ખેતર જેવી સભરતા.’ તે જરા થોભ્યાં, પછી બોલ્યાં : ‘સ્વતંત્રતા નહિ, આ સભરતા જીવન જીવવાની પહેલી શરત છે.’ તેમણે હાથ લંબાવ્યો : ‘હું કોઈને કશો ત્યાગ કરવાનું કહેતી નથી. બધાને માટે બધા માર્ગો હોતા નથી. જીવનનું મૂળ તત્ત્વ હોય તે શોધો ને તેનું સિંચન કરો. તમે ટાગોરની અણમાનીતી ને માનીતી રાણીની વાર્તા વાંચી છે? અણમાનીતીની પ્રસન્ન સાદાઈ જોઈને માનીતીએ પોતાના સઘળા શણગારો દૂર કર્યા, મહેલ છોડીને ઝૂંપડીમાં જઈને વસી, પણ તેને અણમાનીતીની એ પ્રસન્ન પવિત્રતા મળી નહિ, કારણ કે એ તેના હૃદયમાંથી ઊગેલી વસ્તુ નહોતી. કોઈ આદર્શના બોજ નીચે હૃદયને કચડી નાખવું તે તો હિંસા છે. કમળની પાંખડીઓ સૂર્યના પ્રકાશમાં ધીરે ધીરે સ્વાભાવિક રીતે જ ઊઘડવી જોઈએ. ઉતાવળથી, જોર કરીને એની પાંખડીઓ ખોલવા જઈએ તો ફૂલ હાથ ન આવે. ‘અને દરેકને માટે એ સૂર્ય પ્રકાશ જુદો જુદો હોય છે. કોઈને માટે એ જ્ઞાન હોઈ શકે, કોઈને માટે કર્મ, કોઈને માટે પ્રેમ.’ સુનંદાને યાદ આવ્યું. આવા જ અર્થની વાત તેણે સાંભળી છે. ક્યાં? ક્યારે? ના, તેણે પોતે નથી સાંભળી, કુમારે તેને કહી હતી: ‘સત્યભાઈ કહેતા હતા કે માણસ જે કાંઈ કરે તેમાં તેનું હૃદય ઊઘડવું, વિકસવું, પ્રફુલ્લવું જોઈએ.’ તે અચરજથી વિચારી રહી. અંજનાશ્રી અને સત્ય — બન્ને પોતપોતાની રીતે પ્રવાસ કરીને એક જ સમજના બિંદુએ પહોંચ્યાં છે. તેને થયું, માણસ જીવનમાં જો જરાક ઊંડો ઊતરે તો કેટલીક પ્રાથમિક વાતો સહુને સરખી જ સમજાઈ જતી હશે. અને તે પોતે… તે હજુ કોઈ બિંદુએ પહોંચી નહોતી. તે પોતાના શોકની બંદિની હતી. દેવદાસ સાથે તેના જીવનનો સંવાદ સાધી શકાયો નહોતો. અને હવે… હવે — તેના જીવનનું મૂળ તત્ત્વ દિવસે દિવસે ક્ષીણ થઈ રહ્યું હતું. અંજનાશ્રી બોલ્યાં : ‘જીવન… સંવાદ વડે જીવનને સભર બનાવવું જોઈએ. તો જ કશુંક પણ સુંદર એમાં ઊગી શકે. અને તો કદાચ આનંદના કોઈક પ્રદેશમાં પહોંચી શકાય; જ્યાં મરવાનું, જીવવા જેટલું જ સહજ અને આનંદમય બની શકે.’ સુનંદા બહુ વાર સુધી મૌન રહી. ઘણી વારે તે બોલી : ‘કેટલીક વાર સમજ હોય છે, પણ શક્તિ નથી હોતી.’ અંજનાશ્રી એ કશો જવાબ આપ્યો નહિ, માત્ર સ્મિત કરી રહ્યાં. સુનંદા ધીમેથી ઊભી થઈ. આ ગામમાં છેવટ એક વ્યક્તિ એવી હતી, જેની સાથે તે કદાચ વધુ વાતો કરી શકે. તે બોલી : ‘અહીં હું કોઈ કોઈ વાર આવું? તમને વિક્ષેપ ન થાય તો — ’ ‘જરૂર, જરૂ૨ ડૉક્ટર! અને લ્યુકેમિયાની વાત તો આપણે ભૂલી જ ગયાં. તમે મને કોઈ કોઈ વાર ઇંજેક્શન આપવા પણ આવશો ને? હવે તો બહુ વખત રહ્યો નથી!’ ‘શાનો વખત?’ સુનંદા સમજી નહિ. ‘મેં કહ્યું હતું. ભૂલી ગયાં ડૉક્ટર? હું હવે બહુ જીવવાની નથી. મારો વખત પૂરો થવા આવ્યો છે.’ અંજનાશ્રી પ્રસન્ન હસ્યાં. મૃત્યુની સાવ નજીક પહોંચેલા માનવીમાં આટલો આનંદ, આવી હળવાશ સુનંદાએ પહેલાં કદી જોયાં નહોતાં. એમને પોતે શું આશ્વાસન આપે? બીજા દરદીઓને કહેતી હતી તેમ — ‘ના, ઠીક થઈ જશે, ચિંતા નહિ કરતાં.’ એવાં વ્યર્થ વચનો તેણે ઉચ્ચાર્યાં નહિ. કોઈક દિવસ એમનું પૂર્વ જીવન જો જાણી શકાય… એમને શામાંથી આટલો આનંદ મળ્યો હતો? લાખો માણસોને સુખદુઃખના જે પ્રશ્નો જિંદગીભર ઘેરી વળેલા રહે છે, તેનાથી એ શી રીતે મુક્ત થઈ શક્યાં હતા? કોઈક દિવસ કદાચ તેઓ પોતે જ કહેશે. તે ઊઠી અને તેણે અંજનાશ્રીને નમસ્કાર કર્યા. ‘આવજો ડૉક્ટર!’ અંજનાશ્રી એ કહ્યું. ‘ડૉક્ટર નહિ, સુનંદા…’ ‘ભલે સુનંદા, કોઈ કોઈ વાર, તમને ગમે તો આવજો. દરમ્યાન મને ફરીવાર આજના જેવો ઝોબો આવી જાય, તો કોઈ ને કોઈ તમને અહીં બોલાવી લાવશે.’ તે હસ્યાં. સુનંદાએ ઓરડીની બહાર નીકળી, બારણું જરા આડું કર્યું અને પછી તે ધીરે ધીરે દાદર પરથી નીચે ઊતરી ગઈ. તેને ઉપર ધાર્યા કરતાં ઘણી વધુ વાર લાગી હતી. દીપચંદ કે કુમાર બેમાંથી કોઈ નીચે નહોતું. માત્ર ૨સૂલ ગાડીવાળો ઊભો હતો. ‘તમારે માટે ગાડી લઈ ઊભો છું, દાક્તર સાહેબ.’ તેણે સુનંદાના હાથમાંથી બૅગ લઈ ગાડીમાં મૂકી. સુનંદા ગાડીમાં બેઠી. રસૂલે ગાડી દવાખાના તરફ હંકારી મૂકી. ગાડીમાં સુનંદા વિચાર કરી રહી. મૃત્યુનો આનંદ! તેની પાસે જીવવાનો આનંદ ક્યાં હતો? ના, મૃત્યુનો તેને આનંદ નથી, ભય પણ નથી, એને તે સ્વીકારી લઈ શકે છે. જે ભૌતિકતાને એણે જાણી છે, તેના શુદ્ધ અંત તરીકે તે એને સ્વીકારી લઈ શકે છે. જીવનમાં પહેલી વાર મૃત્યુનો જે પરિચય થયો તે બહુ જ કરુણ હતો. નાનકડી કન્યા હશે. પાંચ કે છ વર્ષની. ખૂબ કોમળ નાનું નિર્દોષ મોં, આશ્ચર્યથી ભરેલી આંખો અને મોં પર અણસમજના ભાવ. તે બોલી કે સાંભળી શકતી નહોતી. મેન્ટલી રિટાર્ટેડ — માનસિક ખોડવાળી સુંદર કન્યા. એ મૂંગી છોકરીને સુનંદા પાસે લાવવામાં આવી, ત્યારે તેણે પોતાની બે મોટી નિરાધાર આંખોને સુનંદા પર ઠેરવી હતી. નિર્જીવ ઢીંગલીના ચહેરા પર બે સજીવ આંખો. સુનંદાએ તેને તપાસી ત્યારે તે ટગર ટગર જોઈ રહેલી. પછી તે મૃત્યુ પામી હતી. સુનંદાને ત્યારે એ બાળકીને હૈયાસરસી ચાંપી લઈ મોટેથી રડી પડવાની ઇચ્છા થયેલી. ડૉક્ટ૨ તરીકેની કારકિર્દીમાં તેણે નિહાળેલું એ પ્રથમ મૃત્યુ હતું. દિવસો સુધી એની ગમગીની તેના મન પર છવાયેલી રહી હતી. ત્યાર પછી ઘણાં મૃત્યુ જોયાં છે. પહેલાં પહેલાં તે ધ્રૂજી ઊઠતી. હવે ધ્રૂજી નથી ઊઠતી, તો પણ કોઈક આંદોલનથી તેની અંદર બધું કંપિત થઈ રહે છે. મૃત્યુ સાથે જાણે એક ઓળખાણ થઈ ગઈ છે. આવતાં પહેલાં તે એંધાણી આપે છે. માત્ર સુનંદા જ એ જાણે છે. વાતાવરણમાં તે એક છાયા પાથરે છે, દરદીની આંખને, હાથને, પગને સ્નિગ્ધ રીતે સ્પર્શે છે. દરદીને તો ખબર પણ નથી હોતી, ને મૃત્યુ તેની પથારીમાં આવીને બેસે છે. ધીરે ધીરે એક પછી એક, તે જાગૃતિના તાર તોડે છે, અને કોઈને કશી ખબર પડતી નથી. અને પછી છેલ્લો તાર, એકના જીવનને અહીંના અનેકના જીવન સાથે જોડતો છેલ્લો તાર તૂટી જાય છે. ચોંકી પડીને પ્રિયજનો કહે છે : ‘અરે, હજુ હમણાં તો અહીં હતો, આ પળે તો હતો, ક્યાં ચાલી ગયો?’ હજુ થોડા સમય પહેલાં જ દરદીએ પૂછેલું : ‘ડૉક્ટર સાહેબ, હું સાજો થઈ જઈશ ને?’ મૃત્યુ જ્યારે તેના પૃથ્વી સાથેના સંબંધના તાર એક પછી એક તોડી રહ્યું હતું ત્યારેય હજુ આશામાં તરતા દરદીએ પૂછેલું : ‘ડૉક્ટર સાહેબ, હું સાજો થઈ જઈશને?’ હું સાજો થઈ જઈશ ને? — આ વાક્ય તેણે કેટલીયે વાર સાંભળ્યું છે, અર્થહીન આશ્વાસન આપ્યું છે, અને એ આશ્વાસનથી દરદીની આંખોમાં ઊતરેલી શાંતિ જોઈ છે, મૃત્યુની છાયાથી શ્યામ બનેલી શાંતિ! મૃત્યુને જો રંગ હોય… તો શું તે કાળો હશે? ના, દરેકના મૃત્યુનો રંગ કાળો નહિ હોય. અંજનાશ્રી… હા, એમની ઓરડીમાં પણ તેણે દ્વાર પાસે ઊભા રહેલા મૃત્યુને જોઈ લીધું છે. પણ અંજનાશ્રીના મૃત્યુનો રંગ શ્વેત હશે… સ્મિત વરસાવતો શાંત શ્વેત રંગ. અને પોતાના મૃત્યુનો? કદાચ ચીસો પાડતો જાંબલી રંગ.

*