પુનશ્ચ/મારી રીતે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મારી રીતે

તમને હું ચાહું છું પણ તે મારી રીતે,
ભલેને હોય જુદી રીત તમારી પ્રીતે.

તમારાં ચરણમાં નૃત્ય, હસ્તમાં મુદ્રા,
નેત્રમાં ભંગી, તમે અધીર;
મારું આસન, મારી અદબ, મારી દૃષ્ટિ,
બધું દૃઢ, અચલ ને સ્થિર;
હું રીઝું છું મૌને ને તમે રીઝો છો ગીતે.

આ સમાન્તર બે રેખા, જે ક્યાંય કેમેય
એકમેકને નહિ જ મળે,
કદાચ ક્યારેક એ બે અસીમ અનંતે
પરસ્પરમાં ભળે તો ભળે;
આ રમતમાં કોણ હારે ? ને કોણ જીતે ?

૨૦૦૫