પોત્તાનો ઓરડો/પ્રકરણ ૩

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(૩)

આખા દિવસની નીકળેલી હું સાંજે નિરાશ થઈને ઘેર પાછી ફરી. સ્ત્રી વિશે મારી શોધના અંતે મને કોઈ જ્ઞાન લાધ્યું ન હતું. આ કે પેલા કારણસર સ્ત્રી પુરુષ કરતાં ઊતરતી હતી. લાગતું હતું કે હવે સત્યની ખોજ પડતી મૂકવી જ સારી. આવી નિરર્થક શોધ કરવાનો શો અર્થ, જેને અંતે તમારે માથે ઊકળતા લાવા જેવો અપયશનો જ ચરુ રેડાવાનો હોય? વાસણ ધોયેલા નર્યા ડહોળાયેલા પાણી જેવો! બધા જ પડદા પાડી દઈને, મગજમાં આવતા બધા જ વિક્ષેપોને બહાર રાખી દઈને, દીવાના પ્રકાશમાં આ ખોજને સતેજ બનાવી બેઠાંબેઠાં કલ્પનાઓ કરવા કરતાં સત્ય પર કેન્દ્રિત થવું સારું. ઇતિહાસકારને પૂછવું સારું કે કોઈક એક વિશેષ યુગમાં, જેમકે રાણી એલિઝાબેથના યુગમાં, સ્ત્રીઓની સ્થિતિ શી હતી? જ્યારે દર બીજો પુરુષ કાવ્ય કે ગીત લખી શક્યો ત્યારે કોઈ પણ સ્ત્રી કેમ મહાન સાહિત્યનું સર્જન ન કરી શકી એ એક સર્વકાલીન કોયડો છે. સાહિત્ય કે કલ્પના પર આધારિત કોઈ પણ સર્જન આકાશમાંથી પથરાની જેમ જમીન પર પડતું નથી. કદાચ વિજ્ઞાનમાં એવું થાય છે. સાહિત્ય / નવલકથા તો કરોળિયાના જાળાની જેમ ચારે ખૂણેથી આછા-પાતળા તાંતણા દ્વારા જીવન સાથે જોડાયેલ હોય છે. મહદ્ અંશે આ જોડાણ નરી આંખે જોઈ શકાતું હોતું નથી. જેમકે શેક્સપિયરનાં નાટકો જાણે પોતાના પગ પર ઊભાં હોય તેમ લાગે. પણ જાળા સમી કલાકૃતિનો એક તાંતણો સહેજ ખેંચાય કે તરત એની અસર સમગ્ર કૃતિ પર પડે. તરત ખ્યાલ આવે છે કે આ જાળાંઓ અદૃશ્ય તંતુ દ્વારા અધ્ધર હવામાં સર્જાયેલ નથી, તે તો સર્જાયેલ છે પીડિત મનુષ્યની પીડામાંથી. અને આ જાળાંના તાંતણા રોટી, કપડાં અને મકાન જેવી નક્કર વસ્તુઓ સાથે જોડાયેલા છે. પુસ્તકોનાં કબાટ પાસે જઈને મેં પ્રોફેસર ટ્રેવેલિયનનું જાણીતું પુસ્તક હિસ્ટરી ઑફ ઇંગ્લૅન્ડ કાઢ્યું. ફરી એક વાર મેં ‘સ્ત્રી’ શીર્ષક હેઠળ નજર કરી અને નોંધ્યું : “સ્ત્રીને મારવી એ પતિનો / પુરુષનો હક્ક મનાતો હતો અને સદીઓ સુધી આ હક્કનો પૂરેપૂરો ઉપયોગ દરેકેદરેક વર્ગના પુરુષ પતિએ નિ:સંકોચ કરેલો.” ઇતિહાસકાર લખી રહ્યો હતો. “પિતાની પસંદગીના મુરતિયાને પરણવાની ના પાડનાર છોકરીને પૂરી દેવાતી, તેને ઢોરમાર મરાતો અને એની ચીસ વિશે કોઈને કંઈ આશ્ચર્ય ન થતું. ખાસ કરીને ઉપલા વર્ગમાં લગ્ન વ્યક્તિગત લાગણી કરતાં કૌટુંબિક દરજ્જાનું દ્યોતક હતું. ઘણી વાર સગપણ તો બાળક ઘોડિયામાં હોય ત્યારે જ થઈ જતાં અને લગ્ન લગભગ બાળકને આયાની જરૂર પૂરી થાય કે તરત.” આ પરિસ્થિતિ હતી, કવિ ચોસરના સમય પછી તરતની – એટલે કે ૧૪૭૦ની. ત્યાર પછીનો સ્ત્રી વિશેનો બીજો સંદર્ભ છેક ૨૦૦ વર્ષ બાદનો હતો – સ્ટુઅર્ટ રાજાના સમયનો. “તે વખતમાં પણ ધનિક વર્ગની સ્ત્રીઓમાંથી પણ કોઈકને જ પોતાનો પતિ પસંદ કરવાની તક મળતી. એમના માટે પતિ પસંદ થઈ ગયા બાદ તે કાયદા અને પ્રથાની રૂએ તેનો સ્વામી બની જતો.” પણ તેમ છતાં ટ્રેવેલિયન સમાપન કરે છે : ‘શેક્સપિયરની નાયિકાઓ કે સત્તરમી સદીમાં લખાયેલ જીવનચરિત્રોમાં ક્યાંય સ્ત્રી વ્યક્તિત્વ કે ચારિત્રમાં ઊણી ઊતરતી નથી.’ હા, ખરું, કિલઓપેટ્રાને પોતાની જીવનપદ્ધતિ હતી. લેડી મેકબેથને પોતાની તીવ્ર ઇચ્છાશક્તિ હતી. રોઝેલીન સુંદર છોકરી હતી. પ્રોફેસરની વાત સાચી. શેક્સપિયરની નાયિકાઓને પોતાનું વ્યક્તિત્વ હતું. ઇતિહાસકાર ન હોવા છતાં ખાત્રીપૂર્વક એટલું તો કહી જ શકાય કે આદિ સમયથી માંડી આજદિન સુધી સ્ત્રીઓ સતત પુરુષોના કાવ્યમાં દીવાદાંડીની જેમ ચમકતી રહી છે. ક્લિટેમ્નેસ્ટ્રા, એન્ટીગોન, ક્લિઓપેટ્રા, લેડી મેકબેથ, ક્રેસીડા, રોઝેલીન, ડેસ્ડેમોના અને ડચેસ ઑફ માલ્ફી જેવી નાટ્ય – નાયિકાઓ તો મિલામેન્ટ, ક્લેરિસા, લેડી શાર્પ, એના કેરેનીના, એના બોવરી જેવી નવલકથાની નાયિકાઓનાં નામ મગજમાં ઊભરાય છે. જો પુરુષના સાહિત્ય પરથી જ સ્ત્રીની કલ્પના કરવાની હોય તો સ્ત્રીના જેવું મહત્ત્વપૂર્ણ પ્રાણી અન્ય કોઈ નહીં હોય તેમ લાગે! કેવા ભિન્ન, આશ્ચર્યપ્રેરક વ્યક્તિત્વવાળી! જેટલી સારી તેટલી જ ખરાબ, જેટલી ઉમદા તેટલી જ નાલાયક, જેટલી સુંદર તેટલી જ અસુંદર, પુરુષો જેટલી જ મહાન. કો’ક તેમનાથી પણ વધુ. પણ આ તો થઈ સાહિત્યજગતની સ્ત્રીઓની વાત. પણ જેમ પ્રોફેસર ટ્રેવેલીન કહે છે તેમ રોજબરોજના જીવનમાં તો તેઓની સ્થિતિ દયનીય જ હતી. ઘણી બધી વાર તેઓ તાળામાં બંધ કરી દેવાતી ને મેથીપાક પામતી. સાહિત્યમાં સ્ત્રીની છબી વિશે વિચારતાં કંઈક અસંબદ્ધ એવું ચિત્ર ઊપસે છે, એક તરફ કલ્પનાના વિશ્વમાં અધિકતમ મહત્ત્વ ધરાવતી વ્યક્તિ તરીકે તો બીજી તદ્દન નક્કર જીવનમાં, તદ્દન સત્તાહીન પ્રાણી તરીકે. કવિતાના પાનેપાને તે છવાયેલી છે, પણ ઇતિહાસનાં પૃષ્ઠોમાં તેનું નામોનિશાન નથી. રાજવીઓના હૃદયની સામ્રાજ્ઞી તેવી તે સત્યમાં તો જે પણ કોઈ છોકરાનાં માબાપ તેની આંગળી પર પોતાના દીકરાના નામની વીંટી પહેરાવી દેવામાં સફળ થાય તેમની બાંદી જ હતી. સાહિત્યજગતના મહાન પ્રેરણાદાયી વિચારો અને વાક્યો તેના હોઠમાંથી સર્યાં હતાં અને તેમ છતાં તે પતિની જાગીર માત્ર હતી – સાવ નિ:સહાય, નિરક્ષર. ઇતિહાસ સ્ત્રીની વાત કરતો નથી. હું ફરી-ફરીને પ્રોફેસર ટ્રેવલીનનું પુસ્તક વાંચું છું. સ્ત્રીને ઇતિહાસના પાને શોધતાં ક્યાંય તેનો પત્તો નથી – હા કો’ક પાના પર એકાદ રાણી એલિઝાબેથ કે મેરી જરૂર દેખાય છે. કો’ક પાને, કો’ક સંપન્ન લેડીની વાત પણ હોય. બસ ફક્ત એટલું જ. પરંતુ તે જમાનામાં ફક્ત પોતાની બુદ્ધિના જોરે ઇતિહાસના પાને ચમકનાર કોઈ મધ્યમ વર્ગીય સ્ત્રી શોધ્યે જડતી નથી. એવી સ્ત્રી દ્વારા લખાયેલ સાહિત્યની તો વાત જ ક્યાંથી થાય? કદાચ ક્યાંક કો’કે લખેલ ડાયરી કે પત્રો સિવાય કોઈ સાહિત્ય શોધ્યું જડે તેમ નથી. મને વિચાર આવ્યો કે સારું સંશોધન કરવું હોય તો ન્યુનહામ કે ગર્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સ્ત્રીઓ પર કામ કરવા જેવું છે. તેમના કૃતિત્વ પર નહીં પણ જીવન પર. માહિતી ભેગી કરવા જેવી છે કે કઈ સ્ત્રી કઈ ઉંમરે પરણી? કેટલાં બાળકો થયાં? તેનું ઘર કેવું હતું? શું તેની પાસે પોતાનો ઓરડો હતો? શું તેને નોકરચાકરની સગવડ હતી? આ બધી માહિતી તે જમાનાનાં – એલિઝાબેથન જમાનાનાં – સરકારી રજિસ્ટરોમાંથી મળી શકે. એ માહિતી ભેગી કરી તેને પ્રકાશિત કરવી જોઈએ. મારા માટે તો આ કામ શક્તિબહારનું છે, પણ યુનિવર્સિટી ધારે તો ચોક્કસ કરાવી શકે. આમ થાય તો અસમતોલ જણાતો ઇતિહાસ પુન: લખાય. તો એ નવા ઇતિહાસમાં સ્ત્રીઓને પણ સ્થાન મળે. અઢારમી સદી પહેલાંની સ્ત્રીઓ અને તેમના લેખન વિશે કંઈ જ માહિતી ઉપલબ્ધ નથી તે ઉપલબ્ધ બને. આ વાત જ્યારે કરું છું ત્યારે મારા મનમાં આ માટે કોઈ નમૂનો નથી. જીવન જીવવા માટે અસંભવ જણાતી પરિસ્થિતિઓમાં જો કોઈ સ્ત્રીએ સાહિત્યરચના કરી હોય તો તે તેને માટે ખૂબ પ્રશંસાપાત્ર ગણાય. મને એક સજ્જનનું વિધાન યાદ આવી ગયું. કદાચ તે સજ્જન પાદરી જ હતા. તેમણે કહેલું, “ભૂત, ભવિષ્ય કે વર્તમાન સમયની કોઈ પણ સ્ત્રી શેક્સપિયર જેવું સાહિત્ય-સર્જન કરી જ ન શકે, કેમકે સ્ત્રી માત્ર પાસે શેક્સપિયર જેવી વિચક્ષણતા ન હોઈ શકે.” તેમણે એ વાત છાપામાં લખેલી. કો’ક સ્ત્રીએ તેમને માહિતી માટે પત્ર લખેલો. તેના જવાબમાં આ મહાશયે એમ પણ લખી જણાવેલું કે બિલાડીઓમાં આત્મા હોય છે ખરો પણ ઊતરતી કક્ષાનો. એટલે બિલાડીનો આત્મા સ્વર્ગનો અધિકારી નથી. એ જમાનાના આવા પુરુષો સ્ત્રીઓને વિચારવાની પળોજણમાંથી કેવી મુક્તિ અપાવી દેતા હતા? બિલાડીનો આત્મા સ્વર્ગમાં ન જાય! સ્ત્રી શેક્સપિયર જેવાં નાટક ન લખી શકે! જે હોય તે. મેં શેક્સપિયરનાં નાટકોથી શોભતાં કબાટ તરફ નજર કરી. વાત તો સાચી જ. આવાં નાટકો તો શેક્સપિયરના જમાનાની સ્ત્રી તો ન જ લખી શકે. કલ્પના કરો કે શેક્સપિયરને બેન હોત તો? તેના જેવી જ તીક્ષ્ણ બુદ્ધિવાળી. નામ તેનું જુડીથ. શેક્સપિયરની મા ધનિક હતી, તેથી શેક્સપિયર નિશાળે ગયેલો. તેણે વ્યાકરણ, લેટિન વગેરેનો અભ્યાસ કરેલો. નાનપણમાં તોફાની બારકસના નામે તે ઓળખાતો. જુવાનીમાં પગ મૂકતાંની સાથે તેણે પાડોશમાં રહેતી છોકરી સાથે લગ્ન કરી લીધેલાં અને નવ માસ થતાં પહેલાં જ એ છોકરીએ બાળકને જન્મ આપેલો. પોતાના આ પરાક્રમે તેને ગામ છોડી જવા ફરજ પાડેલી અને તે લંડન જઈ વસેલો. લંડનના પોતાના જીવનનો આરંભ તેણે નાટક જોવા આવતા ઉમરાવોના ઘોડા બાંધવાના તબેલાની દેખભાળથી કરેલો! જોતજોતામાં તે સફળ અભિનેતા બની ગયો અને આંખના પલકારામાં તે યુનિવર્સિટીના વિદ્વાનો અને મહેલોમાં વસતા ઉમરાવો અને રાજવીઓ સાથે ઊઠવા-બેસવા માંડેલો. થિયેટરે તેના અનુભવક્ષેત્રને અકલ્પ્યપણે વિકસાવી દીધેલું. શેક્સપિયર જ્યારે સફળતાની ટોચે બિરાજતો હતો ત્યારે તેની મેધાવી બહેન ઘરની ચાર દીવાલોમાં જ જીવી રહી હતી. તે પણ પોતાના ભાઈ જેવી જ પરાક્રમી, ઉત્સાહી અને કલ્પનાશીલ હતી. પણ તેણે સ્કૂલે નહોતું જવાનું. હોરેસ અને વર્જિલ વાંચવાની વાત તો જવા દો, પણ તેણે વ્યાકરણ પણ નહોતું શીખવાનું! છોકરીને એનું શું કામ? સમય ચોરીને તે પોતાના ભાઈના કબાટમાંથી કો’ક પુસ્તક લઈ થોડું વાંચી લેતી. પણ પુસ્તક હાથમાં લે કે તરત કુટુંબમાંથી કોઈ પણ તેને સીવવા / ભરવાનું કામ પકડાવી દેતા. પુસ્તક બાજુમાં મૂકી કમને તે પોતાને / સ્ત્રીને લલાટે લખાયેલ કામ હાથમાં લેતી. માતાપિતા તેની ઇચ્છા સમજતાં હતાં, તેની યોગ્યતા જાણતાં હતાં. વળી દીકરી તેમને વહાલી હતી. અને તેથી જ પુસ્તકો સાથે અટકચાળાં કરવાના તેના ગુનાને તે સહેજ ટકોર સાથે નભાવી લેતાં હતાં. કદાચ આ છોકરી કંઈક લખતી પણ હતી – બધાથી છુપાઈને. પણ કો’ક વાંચે તે પહેલાં તે પોતાનું લખાણ બાળી નાખતી. અગિયાર વર્ષની થતાં તેના સગપણની વાત ચાલવા માંડી. પાડોશમાં વસતા ઊન-ઉત્પાદકનો દીકરો મા-બાપને સારો મુરતિયો લાગ્યો. તેણે આ પ્રસ્તાવનો, લગ્ન માત્રનો વિરોધ કર્યો અને તે દિવસે તેના પિતાએ વહાલસોઈ દીકરીને મારી. પણ છોકરી એકની બે ન થઈ. પિતાએ હવે મારવાનું છોડી દઈ કાકલૂદી શરૂ કરી. આ રીતે લગ્ન માટે ના પાડીને આખા કુટુંબને શરમમાં ન નાખવા વિનંતી કરી. કુટુંબની લાજ રાખવા ખાતર પરણી જવા સમજાવવા માંડી. તેને લગ્નની ભેટ રૂપે જે જોઈએ તે બધું આપવા પિતા વચન આપવા માંડ્યા. તેમની આંખોમાં આંસુ હતાં. પેલી તેમનો શબ્દ કઈ રીતે ઉથાપત? તેમના હૃદયને ઠેસ પહોંચાડવાની તેની લેશમાત્ર ઇચ્છા ન હતી. તેની વધુ પડતી સારપે તેને અન્ય નિર્ણય લઈ લેવા મજબૂર કરી. પિતાને ચોખ્ખેચોખ્ખી ના પાડી તેમના વિરુદ્ધ બળવો પોકારવા કરતાં ઉનાળાની એક રાતે દોરડા વાટે નીચે ઊતરી કપડાનું પોટલું ઉપાડી તેણે લંડનનો રસ્તો પકડ્યો. તે હજુ સત્તરનીય નહીં હોય. વૃક્ષો પરનાં પક્ષીઓ આ છોકરી કરતાં વધુ મીઠું નહોતાં ગાતાં. તે તેના ભાઈની જેમ જ આવડતવાળી હતી. ભાઈ જેમ તેને પણ થિયેટરમાં કામ કરવાના કોડ હતા. તે થિયેટરના દરવાજે જઈ ઊભી. થિયેટરના માલિકને તેણે પોતાની મહત્ત્વાકાંક્ષાની વાત કરી. આસપાસ ઊભેલા પુરુષો તે્ની વાત સાંભળીને હસી પડ્યા. લટકતા હોઠવાળો જાડો એવો તેમનો માલિક પણ જોરથી હસ્યો. તે કૂતરાના નૃત્ય અને સ્ત્રીના અભિનય વિશે કંઈ ગણગણ્યો – કોઈ સ્ત્રી અભિનય ન કરી શકે. સ્ત્રી અભિનયની તાલીમ પણ ક્યાંથી લઈ શકે? શું તે મોડી રાતે પુરુષોની જેમ જ્યાં-ત્યાં રખડી શકે? ફાવે તેમ કરી શકે? નહીં ને? તો પછી માંડી વાળો. આ વિચાર પડતો મૂકો. તેમ છતાં છોકરીની સતત વિનંતીથી મૅનેજરને દયા આવી. અને થોડા જ વખતમાં પેલીને જાણ થઈ કે પોતે પેલા દયાળુ મૅનેજરના બાળકની મા બનવાની છે. અ-પરણીત મા. સ્ત્રીના ખોળિયા સાથે જન્મેલ કવિહૃદયના પરિતાપને કોણ સમજી શકે? અશક્ય... અશક્ય. એક શિયાળાની રાતે પેલીએ આત્મહત્યા કરી. લંડન ગામની જાહેર બસના ‘એલિફન્ટ ઍન્ડ કેસલ’ બસસ્ટેન્ડ પાસે તે ચિર નિદ્રામાં પોઢી છે. તેને ત્યાં દફનાવવામાં આવી હતી. જો શેક્સપિયરના યુગની સ્ત્રીમાં શેક્સપિયર જેવી જ શક્તિઓ હોત તો તેની જીવનકથા કંઈક આવી હોત. પણ હું તો પેલા પાદરી સાથે સંમત થાઉં છું કે જે બોલેલો કે શેક્સપિયરના યુગની સ્ત્રીમાં શેક્સપિયર જેવી પ્રતિભા અસંભવિત હતી. કેમકે શેક્સપિયર જેવું વિચક્ષણ વ્યક્તિત્વ અભણ, ગરીબ, મજૂરી કરતા વર્ગમાં વિકસી જ ન શકે. મજૂરો કરતાં પણ બદતર જીવન જીવતી, બાળપણનો ઉંબરો વટાવે ત્યાં જ કામે લગાડી દેવાતી, કાયદાની રૂએ પિતાની માલિકી ગણાતી એવી સ્ત્રીઓમાં શેક્સપિયર જેવી વિચક્ષણ બુદ્ધિ ક્યાંથી? પણ તેમ છતાં મધ્યમ વર્ગીય સ્ત્રીઓમાં પણ પ્રતિભા તો હતી જ, જેનો પુરાવો એમિલી બ્રોન્ટી જેવી ઝબકારાની જેમ પ્રગટ થતી સ્ત્રીઓમાં મળી શકે છે. હું જ્યારે પણ કોઈ ડાકણને શીશામાં પૂર્યાની વાત વાંચું છું અથવા કોઈ સ્ત્રી પ્રેતાત્માનો શિકાર છે એમ વાંચું છું, ત્યારે મને સતત એમ લાગ્યા કરે છે કે સમયના પટમાં વિલીન થઈ ગયેલ કોઈ લેખિકાનું પગેરું મળુંમળું છે. કો’ક શબ્દહીન ’બદનામ જેન ઑસ્ટિન કે ઊંચા ખડકો સાથે માથાં અફળાવતી બ્રોન્ટી મને દેખાય છે – આ બધી એવી સ્ત્રીઓ કે જેમની આવડત જ તેમના દુ:ખનું કારણ હતી. હું એમ માનું છું કે ‘અનામી’ કવિના હાથે સર્જાયેલ કાવ્યો વાસ્તવમાં સ્ત્રીના હાથની જ કારીગરી હતાં. એડવર્ડ ફિટ્ઝરાલ્ડના મતે અંગ્રેજી બેલડઝ અને લોકગીતો સ્ત્રીઓની દેણગી છે. બાળકોને સુવડાવતાં સુવડાવતાં ગાતી કે શિયાળાની લાંબી રાતોમાં ચરખા પર કાંતતી સ્ત્રીઓનાં તે સર્જન હતાં – હું ફિટ્ઝરાલ્ડના આ મત સાથે પૂર્ણ સંમત છું. પાછાં શેક્સપિયરની બેનની વાત પર આવીએ. તેનું જીવન જે હોય તે. પણ હું જે કહેવા માગું છું તે એ કે સોળમી સદીમાં જન્મેલ કોઈ પણ તેજસ્વી કવિહૃદય સ્ત્રી કાં તો ગાંડી થઈ જાત અને ગામ બહારની કોઈ ઝૂંપડીમાં ‘ડાકણ’ કે ‘ગાંડી’ના નામે જીવન ગાળત, કે પછી આત્મહત્યા કરત. કલ્પનાશીલ વ્યક્તિત્વ અને સમાજે નક્કી કરેલ કહેવાતા ‘સ્ત્રી-ધર્મ’ના તદ્દન વિરુદ્ધ આદેશો વચ્ચે તેનું વ્યક્તિત્વ બંને બાજુના ખેંચાણથી છિન્નભિન્ન થઈ ગયું હોત. તે પોતાની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી ગુમાવીને ગાંડપણની હદે પહોંચી ગઈ હોત. એ જમાનાની કોઈ પણ સ્ત્રી પોતાના ચારિત્રને જાળવીને સાહિત્ય કે નાટ્યજગતમાં પ્રવેશી શકી ન હોત. ચારિત્રના ઘરેણાનો ભોગ તો તે ન જ આપી શકત; તેને પોસાત નહીં. ‘ચારિત્ર’, ‘પાવિત્ર્ય’, ‘સતીત્વ’ આ શબ્દો સ્ત્રીને મન ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. તેનું આખું વ્યક્તિત્વ આ શબ્દોની આસપાસ એવું વીંટળાઈ વળ્યું છે કે તેને આ શબ્દોની પોકળ જાળમાંથી બહાર કાઢી સત્યના પ્રકાશમાં આણવી એ ઘણી હિંમત માગી લે છે; લગભગ અશક્ય તેવી હિંમત! સોળમી સદીની આવી સ્ત્રીના જીવનનો અંજામ આત્મહત્યા સિવાય બીજો કંઈ જ ન સંભવત. કદાચ તે જીવી જાત તો પણ તેના લેખનને તોડી મરોડીને તેમાંથી કંઈક ખોટા જ અર્થ કઢાયા હોત. અને તેના સર્જન પર તેની સહી તો ન જ હોત. નામ છુપાવવા જેટલો આશ્રય તો તેણે શોધી જ કાઢ્યો હોત. ‘પાવિત્ર્ય’ના રૂઢિવાદી વિચારે છેક ઓગણીસમી સદીના અંત સુધીની સ્ત્રીઓને અજ્ઞાતપણાના અંધકારમાં રાખેલી. કરર બેલ, જોર્જ એલિયટ, જોર્જ સેન્ડ જેવી સ્ત્રી-લેખિકાઓેએ પોતાની જાતને અપ્રગટ રાખવા પુરુષોના નામનો ઉપયોગ કરેલો! અને આમ કરીને તેમણે પુરુષ દ્વારા સમર્થન પામેલ પ્રથાને અંજલિ આપી હતી. સ્ત્રી-જાત માટે પ્રસિદ્ધિ બરાબર નથી તેવો પુરુષજાત દ્વારા તેમના મનમાં ખોડી દીધેલ વિચાર સ્ત્રીઓના લોહીમાં વણાઈ ગયો છે. અપ્રગટ રહેવાની, પડદા પાછળ રહેવાની, વૃત્તિ તેમના વ્યક્તિત્વનું એક અંગ બની ગઈ છે. તેમની કબર પર તેમનું નામ હોય તેવી ઇચ્છા પણ તેઓ સેવતી નથી! સોળમી સદીમાં કવિહૃદય સાથે જન્મેલ દરેકેદરેક સ્ત્રી દુ:ખી હતી. કેમકે કવિતા માટે જોઈતી વિચારોની મોકળાશ તે ક્યાંય પામી શકવાની ન હતી. સર્જકતા સાથે આમેય સમાજનું ભવોભવનું વેર રહ્યું છે. આધુનિક સમયમાં લખાયેલ આત્મકથનાત્મક સાહિત્ય આ વાતનો પુરાવો આપે છે. જ્યારે મહાન સર્જન જન્મ લેતું હોય ત્યારે કવિને વાંછિત નિરાંત મળતી હોતી નથી. વિપરીત સંજોગોમાં સર્જન કરવું પોતાની જાતમાં એક મહાન પરાક્રમ હોય છે. કૂતરાઓનું ભસવું, લોકોની ખલેલ, પૈસાની અછત, નાદુરસ્ત તબિયત – ન જાણે કેટકેટલી વિપરીત પરિસ્થિતિઓ સામે તેને ઝઝૂમવું પડે છે. એમાં વળી જગતની કવિ પ્રત્યેની ઉદાસીનતા તેની વિકટ પરિસ્થિતિને વિકટતમ બનાવી દે છે. પેલો ભલે ગમે તેટલો ઝઝૂમે પણ જગતને એક કાર્લાઇલ કે એક ફ્લોબેર શું કહી રહ્યો છે તેમાં જરા સુધ્ધાં રસ હોતો નથી. અને તેથી જ સર્જકોની આત્મકથાઓમાં આર્તનાદનો સ્વર ગુંજ્યા કરતો હોય છે. આ બધી વિપરીત પરિસ્થિતિઓ છતાં જ્યારે કોઈ સર્જન જન્મ લે ત્યારે આશ્ચર્ય જરૂર થવું જોઈએ. પુસ્તકના કબાટનાં ખાલી ખાનાં પર નજર કરવા હું વિચારી રહી. લેખકમાત્ર માટે જીવન આકરુ ંહોય છે, પરંતુ સ્ત્રી માટે કંઈક વધુ જ આકરું હોય છે. સૌપ્રથમ તો સ્ત્રી પાસે પોતાનો અલાયદો ઓરડો હોવો જ અશક્ય. અલાયદો એ ઓરડો શાંત છે કે નહીં, સારો છે કે નહીં એ વાત જવા દઈએ. કો’ક ખૂબ સમૃદ્ધ અને સંસ્કારી એવા કુટુંબની એકાદ સ્ત્રી એવી ભાગ્યશાળી હોય. છેક ઓગણીસમી સદીના પ્રારંભ સુધી સ્ત્રીને પોતાનો અલાયદો ઓરડો હોવો જોઈએ તે વાત અચરજનો વિષય હતી. પુરુષ કવિ / લેખકોને જગતની તેમના પ્રત્યેની ઉદાસીનતા દુ:ખીદુ:ખી કરી જતી. પણ આ ઉદાસીનતા સ્ત્રીના સંદર્ભમાં તો ઘણી આક્રમક હતી. જગત પુરુષ-લેખકોને છેવટે એટલું તો કહેતું હતું ‘તમારે લખવું હોય તો લખો. અમને કંઈ ફરક પડતો નથી.’ સ્ત્રીઓના સંદર્ભે તો જગત મોટા અટ્ટહાસ્ય સાથે કહેતું હતું, ‘લખવું છે! તારે? તારે લખવાનો શો અર્થ?’ ફરી મારી નજર કબાટનાં ખાલી ખાનાંઓ તરફ ગઈ. હતોત્સાહ કરનાર તત્ત્વોની અસર સર્જક મગજ પર કેટલી થઈ તે આ ખાલી ખાનાંઓ પરથી માપી શકાતું હતું. મને તરત એક ડેરીએ કરેલ પ્રયોગ યાદ આવી ગયો. જુદીજુદી ગુણવત્તા ધરાવતા દૂધના પરીક્ષણ માટે તેમણે ઉંદર પર પ્રયોગ કરેલો. એક પાંજરામાં બે ઉંદર સાથે રાખીને બંનેને જુદાજુદા બે પ્રકારની દૂધની બનાવટો પર રાખવામાં આવ્યા. વધુ ફેટ પર રાખવામાં આવેલ ઉંદર તંદુરસ્ત, ઉત્સાહી અને મોટો થઈ ગયો. પણ ઓછી ફેટના દૂધ પર જીવતો ઉંદર નાનો અને ગભરુ રહ્યો. કલાકાર તરીકે આપણે સ્ત્રીઓને કેવા ખોરાક પર ઉછેરીએ છીએ? મને ઘણીઘણી વાતોનું સ્મરણ થઈ આવ્યું. પણ એ બધું બાજુએ રાખીને અહીં ઑસ્કર બ્રાઉનિંગની વાત જ કરું. પ્રોફેસર બ્રાઉનિંગ કેમ્બ્રિજ યુનિવર્સિટીના પોતાના વિષયના જાણીતા પ્રોફેસરોમાંના એક હતા. પોતાની યુનિવર્સિટી ઉપરાંત અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પરીક્ષાનાં પેપરો પણ તેમની પાસે આવતાં. જીવનના ઘણા અનુભવના નિચોડ રૂપે તેમણે કહેલું “આટલા બધા અનુભવને અંતે હું કહી શકું કે મેં તપાસેલ સ્ત્રી દ્વારા લખાયેલ સારામાં સારી ઉત્તરવહી ખરાબમાં ખરાબ, નબળામાં નબળા પુરુષ પરીક્ષાર્થી કરતાં ઊતરતી હતી.” કહેવાય છે કે આમ બોલીને તે પોતાના રૂમ તરફ ગયા. ત્યાં સોફા પર સૂતેલ કામ કરનાર છોકરાને જોઈ તેઓ ગણગણ્યા – “તદ્દન હાડપિંજર જોઈ લો. તેમ છતાં તેની બુદ્ધિ તીવ્ર હશે.” આ બંને ચિત્રો એકબીજાની પૂર્તિ કરે છે. આજથી પચાસ વર્ષ પહેલાં સમાજમાં મોભો ધરાવતા પુરુષોના મોંએ બોલાયેલ આવાં વાક્યો સ્ત્રી માટે લક્ષ્મણરેખા સમાં હશે. આવાં વાક્યો બાદ કોઈ પણ પિતા તેની વહાલસોઈ દીકરી લેખક, ચિત્રકાર કે વિદુષી ન બને તેનું ખાસ ધ્યાન રાખે જ. પિતાની ઇચ્છા હોય તોય તેનાથી પુત્રીને ધાર્યા ક્ષેત્રમાં ન જવા દેવાતી. સાંભળ્યું નહીં મિસ્ટર ઑસ્કર બ્રાઉનિંગ શું બોલ્યા? એકલા બ્રાઉનિંગ જ કેમ ‘સૅટરડે ટાઈમ’ અને મિસ્ટર ગ્રેગ પણ એમ જ કહે છે, ‘સ્ત્રી તો વેલા સમાન – તેને પુરુષની વાડ તો જોઈએ જ, પિતા કદાચ આવાં બધાં સુવાક્યો ન વાંચ્યા હોત, પિતા કદાચ એ છોકરીના માર્ગનો અવરોધ ન બનત, તોય છોકરી પોતે પણ પોતાને વિશે લખાયેલ આવાં વાક્યોથી હીણપત અનુભવત. તેમ છતાંય આવા બધા અવરોધોની ઉપરવટ જઈ સ્ત્રીઓ લેખિકા તો બની શકી. પરંતુ ચિત્રકાર, સંગીતકાર કે સંગીત નિર્દેશક બનવામાં તેમને તકલીફ પડી ગઈ. ડૉ. જોનસને સ્ત્રી પાદરીના સંદર્ભમાં કહેલ વાક્યને સહેજ બદલીને કહું તો ‘સ્ત્રીનું સંગીતકાર બનવું એ કોઈ કૂતરાનું પાછળના બે પગ પર ચાલવા જેવું છે. તે ક્યારેય બરાબર તો ન જ થઈ શકે. પણ વાસ્તવમાં તે થાય છે તે વાતની જ નવાઈ!’ ધન્ય છે ઇતિહાસને! આ બધી વાતોથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે ઓગણીસમી સદીમાં સ્ત્રીને સર્જનાત્મક લેખક, ચિત્રકાર, સંગીતકાર ઇત્યાદિ બનવા માટે કોઈ જ પ્રોત્સાહન મળ્યું જ નહીં. પુરુષ સ્ત્રી કરતાં બધી જ બાબતમાં ચઢિયાતો જ હોવો જોઈએ તેવી તેની ગ્રંથિ જીવનના દરેકેદરેક ક્ષેત્રમાં વર્તાય છે. અને તેને મોટો કરીને પોતાનું કામ કાઢી લેવું તે સ્ત્રીની સમજ રહી છે, લેડી બેસબોરો જેવી સફળ રાજકારણી સ્ત્રી પણ તેમાંથી બાકાત નહીં. એક વાર તેમણે લૉર્ડ ગ્રેનવિલ લેવસન-ગોવરને લખેલું “રાજકારણમાં મારા સક્રિય હોવા છતાં અને સઘન કાર્ય છતાં હું તમારી સાથે સંપૂર્ણ રીતે સંમત છું કે સ્ત્રીએ આવી ગહન બાબતોમાં [રાજકારણ જેવી] પોતાનો મત [તે પણ પુછાય તો] વ્યક્ત કરવા કરતાં વધુ ઊંડા ઊતરવું ન જોઈએ.” આમ કહ્યા બાદ તે કોઈ પણ જાતના વિઘ્ન વિના પાર્લમેન્ટમાં ધારે તે બોલી શકે. નારીવાદી આંદોલનના ઇતિહાસ કરતાં પુરુષે કરેલ આ આંદોલનના વિરોધનો ઇતિહાસ વધુ રસપ્રદ છે. કહેવાય છે કે અન્ય લેખકોની સરખામણીમાં શેક્સપિયરના સર્જનકાળ દરમિયાનની તેની માનસિક સ્થિતિ વિશે આપણી પાસે માહિતી નહિવત્ છે. અન્ય લેખકોની સરખામણીમાં તેણે પોતાના પૂર્વગ્રહો કે દુ:ખને સાહિત્યમાં વહેવા દીધું નથી. જાણે શિખામણ આપવાની, વિરોધ કરવાની, પોતાના દુ:ખનાં રોદણાં રોવાની કે દુ:ખી કરનારને ફટકારીને હિસાબ બરાબર કરી લેવા જેવી દુન્યવી વૃત્તિઓ સંપૂર્ણપણે શમાવીને તે લખવા બેસે છે. અને તેથી જ કદાચ તેનું સર્જન કોઈ અવરોધ વિના વહે છે. જો કોઈ એક લેખકે પોતાની જાતને સંપૂર્ણ અભિવ્યક્ત કરી હોય તો તે છે શેક્સપિયર, આમ વિચારતાં મારી નજર ફરી પાછી પુસ્તકના કબાટ પર ગઈ.