પોત્તાનો ઓરડો/પ્રકરણ ૪

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(૪)

સોળમી સદીમાં કોઈ પણ સ્ત્રી શેક્સપિયર જેવી માનસિક સ્થિતિએ પહોંચી શકે તેવી કલ્પના માત્ર અસ્થાને છે. આટઆટલાં બાળકોનાં અપમૃત્યુથી ઘેરાયેલ ઘરના અંધારિયા ખૂણે જીવતી સ્ત્રી કવિતા લખે તે શક્ય જ ન હતું. હા, થોડાં વર્ષો બાદ પ્રમાણમાં સમૃદ્ધ અને સ્વતંત્ર એવી સ્ત્રી કવિતા છપાવે તે બને. પુરુષો દંભી તો નથી જ. મિસ રબેકા વેસ્ટ જેવી વૈભવશાળી સ્ત્રીના નારીવાદી પ્રયત્નોનો પણ તેમને વાંધો ન હતો. આવી અજાણી, ગુણવત્તામાં ઘણી ઊતરતી, તેમ છતાં સમાજમાં મોભો ધરાવતી સ્ત્રીને ઘણી વાર જેન ઑસ્ટિન કે બ્રોન્ટી કરતાં વધુ આવકાર મળે તેમ પણ બને. પણ પ્રમાણમાં નિર્દોષ જણાતી આવી સ્ત્રીઓના લેખનમાં પણ ભય, ધિક્કાર, માનસિક પરિતાપનાં એંધાણ તો છે જ. ઉદાહરણ માટે લેડી વીન્ચીલ્સીઆની કવિતા જોઈએ. લેડી વીન્ચીલ્સીઆનો જન્મ ૧૬૬૧માં એક વૈભવશાળી કુટુંબમાં થયેલો. લગ્ન પણ એવા જ પ્રસિદ્ધ કુટુંબમાં થયેલ. તેને બાળક ન હતું. તે કવિતા લખતી. તેની કવિતાનું પુસ્તક ખોલતાંની સાથે સ્ત્રીને થયેલ અન્યાયને લીધે તેના હૃદયમાં ભભૂકતી આગનો સ્પર્શ થાય છે. તે લખે છે :

ખોટા કાયદાઓને કારણે
કેવું તો થયું છે અમારું પતન?
નિસર્ગને મૂર્ખ બનાવતું
આપવામાં આવે છે શિક્ષણ.
મન-ઘડતરની બાબતથી જ બાકાત
રૉલા જેવા દેખાવાનું
અમારા પાસેથી છે અપેક્ષિત
સમજોને પૂર્વયોજિત!
ગમતીલી કલ્પના કરે
અને દબાયેલ ઇચ્છાઓને વ્યક્ત કરે
તો ચોતરફ મચી જાય હાહાકાર.
ધબકતા થવાની આશા

સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેના મગજ પર આ બધા અન્યાયોની ઊંડી અસર છે. અન્યાય કરનાર પ્રત્યે ઘૃણા અને ધિક્કારથી તેની કવિતા તમતમે છે. તેને જાણે એવું જ લાગે છે કે આ મનુષ્યજગત બે વિરોધી દળોમાં વહેંચાયેલ છે. પુરુષો વિરોધી છે. એવા વિરોધી જે એને ધિક્કારે છે. જેનાથી તે બીએ પણ છે. કેમ? કેમકે તે જે કરવા ઇચ્છે છે તે કરવાની પુરુષોએ મનાઈ ફરમાવી છે. તે આગળ લખે છે :

હાથમાં કલમ પકડતી સ્ત્રી, ઊફ!
લોકો તેને ગણે ફુલણશી
એના સૌ ગુણો એળે
અક્ષમ્ય બને આ ગુનો.
તેઓ કહે છે અમે અમારા સ્ત્રીત્વને
દંડીએ છીએ, અવગણીએ છીએ.
અમારે તો ટાપટીપ, નૃત્ય-નાટક-સંગીત
અને સંસ્કારમય જ રહેવું જોઈએ.
આ જ અમારે કરવું જોઈએ.
વાંચવું, લખવું, વિચારવું, જિજ્ઞાસા રાખવી
અમારા સૌંદર્ય પર કાળી છાયા પાથરે,
અને અકારણ અમારો સમય વ્યય કરાવે,
અને અમારી નીકળેલી વિજયસવારીની વચ્ચે
આ બધું આડખીલીરૂપ બને
ઘર ચલાવવાની કંટાળાજનક આવડતને
અમારી કલા અને કસબ લેખવામાં આવે છે!

તે ઉત્સાહપૂર્વક લખે છે કેમકે તે જાણે છે કે પોતાનું લેખન છપાશે તેવો ભય સેવવાની તેને જરૂર નથી. ફક્ત મનના ઊભરાને કાઢીને શાન્ત થવાનો આ ઉપાય છે.

જો તારે દુ:ખદર્દ ગાવાં હોય જ
તો સખી-સૈયરના કાનમાં ગા
માન, અકરામ અને વિજયમુગટ
તારે નથી કામનાં.
તું અંધારામાં ભળી જા
અને ત્યાં પડી રહેવામાં સંતોષ માન.

જો એ પોતાના ગુસ્સા અને ભયથી પોતાની જાતને મુક્ત કરી શકી હોત, અને જો તે પુરુષજાત પ્રત્યે આટલી કટુ ન થઈ હોત, તો તેની કવિતામાં કાવ્યત્વનો સ્પર્શ હોત. જેમકે :

ઝાંખાં પડેલ પટોળાંઓ
રંગ ભરચક ગુલાબને
શબ્દમાં અવતારવાનું
કાવ્ય ન કરી શકે.

આ પંક્તિઓની પ્રશંસા મરી અને પોપ જેવા વિવેચકોએ પણ કરી છે. આવી જ અન્ય એક પંક્તિ :

પુષ્પની મદમસ્ત સુગંધ નબળા મનને ઘેરી વળે છે,
અને અમે સુગંધના નશામાં ગરકાવ થઈ જઈએ છીએ.

આવું લખી શકનાર સ્ત્રીને ગુસ્સે થવા માટે, કટુ થવા માટે લાચાર થવું પડયું એ એક કરુણતા છે. તેના વ્યક્તિગત જીવન વિશે વિશેષ કાંઈ જ માહિતી ઉપલબ્ધ નથી. ફક્ત એટલું જ જાણવા મળે છે કે તે ઉદાસીનો શિકાર હતી. ઉદાસીના આલમમાં તે નિમ્નલિખિત પંક્તિઓ રચે તે સમજી શકાય તેમ છે :

મારા શબ્દો પર, મારા વિચારો પર
હું ચોકડી મારું છું.
કારણ કે
આ મારી નિષ્કારણ મૂર્ખતા હતી.
છાકટા થયેલ અહંકારનો એ દોષ હતો.

લેડી વીન્ચીલ્સીઆના પુસ્તકને પડતું મૂકીને મેં નવું પુસ્તક ઉપાડ્યું; ચાર્લ્સ લેમ્બની પ્રેમિકા ન્યુકેસલની ડચેસ માર્ગરેટ કેવેન્ડીશનું પુસ્તક. આ પુસ્તક પહેલા પુસ્તક કરતાં ઘણું ભિન્ન હતું. પરંતુ સર્જકોમાં સામ્ય હતું ખરું. બંને સ્ત્રીઓ ઉચ્ચ કુટુંબની હતી. બંનેને બાળક ન હતું અને બંનેના પતિઓ ખૂબ સમજુ હતા. ડચેસના પુસ્તકમાં પણ નર્યો ક્રોધ હતો. માર્ગરેટ કેવેન્ડીશ સાક્ષાત્ આગ ઓકતી હતી. આ બધી સ્ત્રીઓને વાંચતાંવાંચતાં હું મિસિસ એફરા બ્હેન સુધી આવી પહોંચી. નિજાનંદ ખાતર પોતાના ભવ્ય પ્રાસાદોને કે બગીચાઓને ખૂણે બેસી લખતી એકલવાઈ સ્ત્રીઓને છોડી મિસિસ એફરા બ્હેન આપણને ગામની મધ્યે ખભેખભા ઘસાય તેવી ભીડમાં લાવી ઊભાં કરી દે છે. મિસિસ એફરા બ્હેન મધ્યવર્ગીય સ્ત્રી હતી. પતિના મૃત્યુ અને પોતે કરેલ અમુક પરાક્રમોના ફળરૂપે તેને પોતાની આજીવિકા પોતાની કલમના જોરે કમાવાની ફરજ પડી હતી. પુરુષો સાથે ખભો મિલાવીને કામ કરવાનું તેના માથે આવી પડેલું. તેના જીવનનું આ સત્ય તેના લેખન કરતાં ઘણું મહત્ત્વપૂર્ણ હતું. તેના લેખન સાથે સ્ત્રીના વિચારના સ્વાતંત્ર્યનો પ્રારંભ થાય છે. એવું લાગે છે કે હવે સ્ત્રી ધારે તે લખી શકે તેવો સમય પાકી ગયો છે. એફરા બ્હેનનાં સ્ત્રીપાત્રો પોતાના પિતા પાસે જઈ એમ કહી શકે છે કે ‘તમે મને પૈસા નહીં આપો તો ચાલશે, હું મારી કલમના જોરે પૈસા કમાઈ લઈશ.’ અને આવનાર ઘણાં વર્ષો સુધી ‘ખબર છે મને. તું કમાઈ લઈશ એફરાબ્હેન જેવું જીવન જીવીને. તેના કરતાં તો મોત સારું.’ જેવો ટોણો સ્ત્રીઓએ સાંભળવો પડતો. આ સાથે પુરુષે સ્ત્રીના પાવિત્ર્ય પર મૂકેલ ભારની ચર્ચાનો પ્રારંભ થાય છે. આ બધી બાબતોની સ્ત્રીના ઘડતર પર થતી અસરની ચર્ચા પણ પ્રારંભાય છે. આ વિષય પર ગર્ટન કે ન્યુનહમનો કોઈ વિદ્યાર્થી શોધનિબંધ લખી શકે. હીરાના ઝળહળાટ સાથે સ્કૉટલૅન્ડના નબીરાઓ સાથે પ્રથમ હરોળમાં શોભતાં લેડી ડૂડલી આ વિષયનાં એક ઉદાહરણરૂપે ખપ લાગે તેમ છે. હમણાં થોડા વખત પર જ એમનું મૃત્યુ થયું. તેમની મૃત્યુનોંધમાં ધ ટાઈમ્સે લખ્યું “એમના પતિ લોર્ડ ડૂડલી બહુવિધ પ્રતિભા ધરાવતા, પ્રશિષ્ટ સજ્જન હતા. ઉદાર અને સ્નેહાળ પણ ખરા. પણ અમુક બાબતોમાં તે તરંગી અને જિદ્દી હતા. જેમકે શિકાર કરવા માટે દૂર જંગલોમાં જતી વખતે પણ તે પોતાની પત્ની પાની સુધ્ધાં ઢંકાય તેવા લાંબા ડ્રેસ પહેરે તેવો આગ્રહ રાખતા. વળી તેને હીરા-ઝવેરાતથી લદાયેલ રાખવાનો પણ તેમને તેટલો જ શોખ હતો. ફક્ત જવાબદારી સિવાય અન્ય દરેકેદરેક વસ્તુ તેમણે પોતાની પત્નીને આપેલી. લૉર્ડ ડૂડલીને લકવો થતાં તેમનાં શેષ વર્ષોમાં લેડી ડૂડલીએ તેમની ઘણી સેવા કરેલી અને પોતાના પતિની જમીન-જાયદાદનું કુશળ રીતે સંચાલન કરેલું.” એફરા બ્હેનની વાત પર પાછાં આવીએ. તેણે સાબિત કરી બતાવ્યું કે કલમને જોરે આજીવિકા રળી શકાય છે - હા એમ કરવા જતાં સ્ત્રીએ કહેવાતા નારીગુણોની આહુતિ જરૂર આપવી પડે. પણ તેનો અભિગમ વહેવારુ હતો. પતિના અકાળ મૃત્યુ કે કુટુંબ પર અચાનક આવી પડેલ આપત્તિકાળે સ્ત્રી કલમને સહારે જીવી શકે તે વાત તેણે સાબિત કરી આપી. અને ત્યાર બાદ અઢારમી સદીની ઘણીબધી સ્ત્રીઓએ પોતાના વ્યક્તિગત ખર્ચ માટે પોતાની આવકને લેખન દ્વારા, અનુવાદ દ્વારા, વાહિયાત નવલકથાઓ દ્વારા વધારવાનો પ્રયત્ન કર્યો. અઢારમી સદીમાં અચાનક બિલાડીના ટોપની જેમ સ્ત્રી-લેખિકાઓ ફૂટી નીકળી, તે જોતાં લેખન સાથેના પૈસાના સંબંધને અવગણી ન શકાય. જે કામ મફત થાય ત્યારે બકવાસ લાગતું હોય. તે જ કામ માટે પૈસો આપવો પડે ત્યારે તે મહત્ત્વ ધારણ કરે છે. આમ અઢારમી સદીના અંત ભાગમાં એક પરિવર્તન આવ્યું. જો મારે ઇતિહાસ લખવાનો હોય તો હું આ પરિવર્તનને ‘વૉર ઑફ રોઝિઝ’ કરતાં વધુ મહત્ત્વ આપું. આ પરિવર્તન હતું મધ્યમ વર્ગીય સ્ત્રીઓનું લેખન ક્ષેત્રે પદાર્પણ કરવું. જો પ્રાઈડ ઍન્ડ પ્રેજ્યુડિસ, વીલેટ, મિડલમાર્ચ અથવા વુધરિંગ હાઇટ્સ આપણે મન મહત્ત્વપૂર્ણ હોય તો સ્ત્રીઓએ કરેલ આવો પ્રારંભ કેટલોબધો મહત્ત્વપૂર્ણ હતો તે હું આ કલાકના વ્યાખ્યાનમાં ચર્ચી શકું તેમ નથી. જેમ શેક્સપિયર માર્લો વગર કે માર્લો ચોસર વગર કલ્પવો અશક્ય છે તેમ પ્રારંભકાળની આ લેખિકાઓ વગર જેન ઑસ્ટિન, એમિલી બ્રોન્ટી, જોર્જ એલિયટની કલ્પના પણ ન થઈ શકે. આ મહાન લેખિકાઓની પૂર્વગામી સ્ત્રીઓએ તેમના માટે રસ્તો તૈયાર કર્યો. મારે મતે કોઈ પણ પ્રશિષ્ટ કૃતિ કોઈ એક વ્યક્તિની દેણગી નથી હોતી; તે દેણગી હોય છે એક આખી પરંપરાની, એક આખા સમાજની. એક વ્યક્તિની કલમ કે અવાજ સમગ્ર પરંપરાની અભિવ્યક્તિ બની જતાં હોય છે. આ માટે જોર્જ એલિયટે ફ્રેની બર્નીની કબર પર જઈને શ્રદ્ધાસુમન ચઢાવવાં જોઈએ. વહેલી ઊઠી ગ્રીક ભણી શકાય તે માટે પોતાના પલંગને પાયે ઘંટ બાંધી સૂઈ જનાર એલિઝા કાર્ટરની કબર પર જોર્જ એલિયટે ફૂલ ચઢાવવાં જોઈએ. અને બધી લેખિકાઓએ ભેગાં મળીને વેસ્ટમિન્સ્ટર એબીમાં સૂતેલ એફરા બ્હેનની કબર પર ફૂલ ચઢાવવાં જોઈએ. એક બ્હેન જ એ સ્ત્રી કે જેણે પછીની પેઢીની સ્ત્રીઓને પોતાની જાતને વ્યક્ત કરવાનો અધિકાર મેળવી આપ્યો. આ જ એ સ્ત્રી કે જે મારા પહેલાં તમને કહી ગઈ – તમારી બુદ્ધિથી વર્ષે પાંચસો પાઉન્ડ કમાઓ. હવે આપણે ઓગણીસમી સદીની ચર્ચા પર આવીએ છીએ. આ સમય સુધી પહોંચતાંપહોંચતાં પુસ્તકોના ઘોડાઓમાં આખાં ને આખાં ખાનાં સ્ત્રીઓનાં પુસ્તકોથી ભરેલાં જોવા મળે છે. આ પુસ્તકોમાંનાં લગભગ બધાં જ નવલકથાઓ છે. આમ કેમ? પ્રારંભકાળમાં તો ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ બંનેમાં સ્ત્રીઓ કવિતા લખતી થઈ હતી! નવલકથા તો પછીથી લખાતી થઈ! બીજો પ્રશ્ન પણ થયો. આ બધી નવલકથામાં કંઈ સામ્ય ખરું? શું તેઓ પોતાની પૂર્વગામી લેખિકાઓમાંથી કંઈક શીખી હતી ખરી? બધીની નહિ તો ફક્ત ચાર જ નવલકથાની લેખિકાઓની વાત કરીએ. જૉર્જ એલિયટ અને એમિલી બ્રોન્ટીમાં શું સામ્ય? શાર્લોટ બ્રોન્ટી અને જેન ઑસ્ટિનમાં? શું જૉર્જ એલિયટ શાર્લોટને સમજવામાં નિષ્ફળ નહોતી ગઈ? સામ્ય હોય તો ફક્ત એ કે આ ચારેય સ્ત્રીઓને બાળક ન હતું. આ એક વાત બાદ કરતાં તેમનામાં મને કોઈ સામ્ય જણાતું નથી. કલ્પના કરો કે આ ચારેય ખોપરીઓને એક ઓરડામાં ભેગી કરીએ તો શું થાય? શું તેઓ યોગ્ય સંવાદની ભૂમિકાએ પહોંચી શકે? કો’ક અજાણ બળથી પ્રેરાઈને જ તેઓએ નવલકથાઓ લખેલી. શું તેમના નવલકથા-લેખનનો સંબંધ તેમના મધ્યમ વર્ગીય પરિવેશ સાથે હોઈ શકે? હું પૂછી રહી. મધ્યમ વર્ગીય સ્ત્રીને એ જમાનામાં ઘરના એકમાત્ર દીવાનખાનામાં, ધાંધલ-ધમાલની વચ્ચે જ લખવું પડતું હશે. ફ્લોરેન્સ નાઇટિંગેલની ફરિયાદ – ‘સ્ત્રીઓને પોતાનો કહી શકાય તેવો કલાક પણ મળતો હોતો નથી.’ તદ્દન અસ્થાને ન હતી. આવી ધમાલ વચ્ચે, સમયના અભાવ વચ્ચે, કદાચ ગદ્ય લખવામાં જ સરળતા રહે. ગદ્યમાં એકાગ્રતાની ઓછી જરૂર પડે. પદ્ય કે નાટકમાં તો તે વગર ચાલે જ નહીં. જેન ઑસ્ટિને આખું જીવન આમ દીવાનખાનામાં બેસીને જ લખેલું. તેમના ભત્રીજાએ આ વિશે આશ્ચર્ય વ્યક્ત કરેલું. તે ઑસ્ટિનના જીવનચરિત્રમાં લખે છે ‘મને આશ્ચર્ય છે કે આવું સરસ કામ એમણે લોકોની અવરજવર વચ્ચે દીવાનખાનામાં કેવી રીતે કર્યું હશે? આટલી ખલેલ છતાં તે કેવી રીતે લખી શક્યાં હશે? એમાં વળી તેમનો એવો આગ્રહ પણ રહેતો કે કુટુંબની ખાસ વ્યક્તિઓને બાદ કરતાં, ઘરના નોકર-ચાકર કે મહેમાનોને તેમના લેખનનો ખ્યાલ ન આવવો જોઈએ.’૧[1] કોઈ આવે કે તરત જેન ઑસ્ટિન પોતાના કાગળો છુપાવી દેતાં. ઓગણીસમી સદીના આરંભકાળની સ્ત્રી-લેખિકાઓ દીવાનખાનાની લેખિકાઓ હતી. સતત દીવાનખાનામાં રહેવાને કારણે તેમને આવતા-જતા મહેમાનોનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવાની ટેવ હતી. આવા લોકોની લાગણીનું પૃથક્કરણ કદાચ તેમના રસનો વિષય થઈ ગયો હશે. કદાચ આવા વાતાવરણથી પ્રેરાઈને જ તેમણે નવલકથા-લેખનનો પ્રારંભ કર્યો હશે. અહીં જે ચાર નવલકથા-લેખિકાઓ જણાવી એ ચારેય પર આ વાત લાગુ પડે છે. તેમ છતાં મારે કહેવું જોઈએકે તેમની શક્તિઓ અન્ય ઘણું કરી શકી હોત – જેમકે મારે મતે એમિલી બ્રોન્ટી સુંદર પદ્ય-નાટક લખી શકી હોત, જોર્જ એલિયટ ઇતિહાસ કે જીવનચરિત્ર લખી શકી હોત. પ્રાઈડ ઍન્ડ પ્રેજ્યુડિસની પ્રત કબાટમાંથી ઉપાડતાં હું સ્વગત બબડી ‘તેમ છતાં તેમણે જે લખ્યું તે સરસ લખ્યું છે. જો જેન ઑસ્ટિને પોતાના લેખનની હસ્તપ્રતને લોકોથી છુપાવવા પ્રયત્ન ન કર્યો હોત તો શું એ વધુ સારી લેખિકા બનત? હું પૂછી રહી. બેચાર પાનાં વાંચતાં મને જવાબ મળી ગયો. આસપાસના માહોલે તેના લેખન પર કોઈ ખોટી અસર કરી ન હતી. મને આ જાદુ જેવું લાગ્યું! આ સ્ત્રી કે જે ૧૮૦૦ની સાલમાં લખે છે! અને કેવું લખે છે? કોઈ પણ પ્રકારની કડવાશ, ભય, પ્રતિકાર કે ઉપદેશ વગર! તેથી જ લોકો જેન ઑસ્ટિનને શેક્સપિયર સાથે સરખાવે છે. બંનેએ મુક્ત મને લખ્યું છે. જો કોઈ એક બાબતમાં ઑસ્ટિનને સહન કરવું પડ્યું તો તે છે બહોળા અનુભવનો અભાવ. તે જમાનામાં સ્ત્રી માટે એકલા બહાર જવું, અનુભવક્ષેત્ર વિકસાવવું અશક્ય હતું. અનુભવની સંકીર્ણતા તેમના સાહિત્યમાં ડોકાય જ. ઑસ્ટિને ક્યારેય મુસાફરી નહોતી કરી. તે ક્યારેય બગીમાં બેસીને લંડન ગામમાં પણ ફરી ન હતી. કે પોતાની મેળે તેણે ક્યાંય આંટો મારવા જેટલી હિંમત કરી ન હતી. કદાચ તેના ભાગ્યમાં જ ન હતું તે પામવાની ઇચ્છા જ ન કરવી એ તેનો સ્વભાવ હતો. તેની શક્તિઓ અને પરિવેશ એકબીજા માટે પૂર્ણપણે અનુરૂપ હતાં. પણ આ જ વાત જો મારે શાર્લોટ બ્રોન્ટી માટે કહેવી હોય તો વિચાર કરવો પડે. આ વિચાર સાથે પ્રાઇડ ઍન્ડ પ્રેજ્યુડિસ બાજુએ મૂકી મેં શાર્લોટ બ્રોન્ટીની જેન એર ઉપાડી. પુસ્તક ઉઘાડીને નજર કરી. બારમા પ્રકરણનો પ્રારંભ આમ થતો હતો. “જેણે મને જે દોષ દેવો હોય તે દે.” કોણ દોષ દઈ રહ્યું હતું શાર્લોટ બ્રોન્ટીને? શા માટે? મેં આગળ વાંચ્યું. મિસ ફેરફાકસ ઘરના કામમાં વ્યસ્ત હોય ત્યારે જેન કઈ રીતે ઘરના છાપરે ચઢીને આજુબાજુનાં ખેતરોને જોઈ રહેતી તેનું વર્ણન હતું. “અને પછી તેને તીવ્ર ઇચ્છા થતી કામકાજથી ધમધમતા જગતને, શહેરને જોવાની મને તીવ્ર ઇચ્છા થતી, ખેતરોની લીલાશની પેલે પાર પહોંચી જઈ ન જોયેલ દુનિયા જોવા-જાણવાની, જાતજાતના લોકોને મળવાની. “ભાતભાતના અનુભવ મેળવવાની તીવ્ર ઇચ્છા મારામાં જાગતી. મિસ ફેરફાકસ અને અડેલમાં પણ ઘણા ગુણ હતા. પણ એ બે જણને જાણીને બેસી રહેવામાં મને જંપ ન હતો.” – બહોળા અનુભવ માટેની આ ઉત્કટ ઇચ્છા માટે જેન પોતાને દોષિત ગણી રહી હતી! “મને લોકો દોષ આપશે. ઘણા લોકો દોષ આપશે; મને ખબર છે. તેઓ મને અસંતોષી કહેશે. પણ હું શું કરું? મારા મનને કળ નથી! મારી પ્રકૃતિ જ એવી છે જે મારા દુ:ખનું કારણ છે. તે વિચારે મને મારી જાત પર ગુસ્સો આવતો હતો.” “એ કહેવું જ વ્યર્થ છે કે માણસે સંતોષી હોવું જોઈએ. તેમણે શાન્તિમાં સંતોષ શોધવો જોઈએ. તેમને તો ધમધમતું જીવન જોઈએ. મારા કરતાંય વધુ શાન્ત જીવનમાં ઘણા લોકો સપડાયેલ હોય છે પણ તેઓ અંદરખાને આ શાન્તિ વિરુદ્ધ રોષથી ખળભળતા હોય છે. ધરતીના પટ પર કોણ જાણે કેટલા લોકોનાં મન ક્રાન્તિના વિચારથી ઊભરાઈ રહ્યા છે. સામાન્ય રીતે સ્ત્રીઓ શાંત મનાતી હોય છે. પણ પુરુષોની જેમ સ્ત્રીઓને પણ સંવેદન હોય છે. તેમના ભાઈઓની જેમ તેમને પણ પોતાની શક્તિઓની અભિવ્યક્તિ માટે પ્રવૃત્તિ જોઈએ છે પણ તેઓનાં જીવન કડક નિયમો, બંધનો અને મર્યાદાઓથી ઘેરાયેલ હોય છે. આ ઘેરામાં જીવીજીવીને તે બંધિયાર પાણીની જેમ વાસી બની જાય છે. આથી મનુષ્ય (પુરુષ) તેમને રસોડામાં પુડિંગ બનાવવા સુધી, દીવાનખાનામાં બેસી સ્વેટર ગૂંથવા સુધી, પિયાનો વગાડવા સુધી, કે પછી ભરત ભરવા સુધી, સીમિત કરી દે તે તેમના પક્ષે સંકુચિતપણાની નિશાની છે. સ્ત્રી માટે ઉચિત શિક્ષણ કરતાં વધુ શિક્ષણની ઇચ્છા રાખનાર સ્ત્રીની ઇચ્છાઓ પર ઠંડું પાણી રેડી દેનાર પુરુષ અન્યાયપૂર્ણ જ કહેવાશે.” “એકાંતમાં આવા વિચારોની વચ્ચે ગ્રેસ પુલના અટ્ટહાસનો અવાજ મને અવારનવાર સંભળાતો.” આ કેવો વિચિત્ર આંચકો? હું વિચારી રહી. આમ, અચાનક ગ્રેસ પુલ ક્યાંથી આવી? વાર્તાના સાતત્યનું શું? ધ્યાન આપો તો લાગે કે લેખિકાનો ગુસ્સો તેના લેખન પર અસર કરે છે. ઑસ્ટિનની જેમ તે સહજપણે વાર્તા કહી શકતી નથી. ગુસ્સાને લીધે વાર્તામાં આંચકા આવ્યા કરે છે. જ્યાં શાન્તભાવે લખવું જોઈએ ત્યાં તે ઉશ્કેરાઈને લખે છે. જ્યાં બુદ્ધિશાળી રીતે લખવું જોઈએ ત્યાં તે મૂર્ખતાભરી રીતે લખે છે. જ્યાં બીજાના જીવન વિશે લખવાનું હોય ત્યાં તે પોતાની રામકહાણી લઈ બેસે છે. પાત્રના ભાગ્યને પોતાના ભાગ્ય સાથે સરખાવી તે ઈશ્વર સાથે ઝઘડે છે. આવી સ્ત્રી નાની ઉંમરે ન મરે તો બીજું શું થાય? કલ્પના કરો જો શાર્લોટ બ્રોન્ટી પાસે વર્ષે ત્રણસો પાઉન્ડ હોત તો? પણ એ મૂર્ખ સ્ત્રીએ પોતાના કૉપીરાઈટ પંદર સો પાઉન્ડમાં વેચી દીધા! અન્ય લેખિકાઓ કરતાં તેને જીવનનો, લોકોનો, ધંધાકીય જગતનો ઘણો વધુ અનુભવ હતો. અને તેથી જ પોતાના લેખનમાં એક સ્ત્રી તરીકે પોતાની અને કદાચ અન્ય સ્ત્રીઓની નબળાઈઓને તે પકડી શકી હતી. આટઆટલા અનુભવ બાદ પણ શાર્લોટનો મનુષ્યજાત સાથેનો વિજાતીય વ્યક્તિ સાથેનો અનુભવ ઊણો ઊતર્યો હોય તેમ લાગે. જો તેણે પોતાનું જીવન બારીમાંથી દેખાતાં દૂરદૂરનાં લીલાંછમ ખેતરો જોવામાં વિતાવવા કરતાં વિવિધ સ્થળોના પ્રવાસમાં વિતાવ્યું હોત, એકાંતવાસ કરતાં લોકોના કોલાહલ વચ્ચે વિતાવ્યું હોત, તો તેના લેખનમાં એક વિશેષ બળ પુરાત. પણ તે જમનામાં આ બધું શક્ય ક્યાં હતું? સ્ત્રીએ વળી ઘરની બહાર શું જવાનું? એ વીલેટ હોય કે એમા, વુધરિંગ હાઈટ્સ હોય કે મિડલમાર્ચ આ બધી જ નવલકથાઓ અતિ સીમિત જીવન-અનુભવવાળી, મહદ્ અંશે સંમાનનીય પાદરીઓની દીકરીઓએ લખી હતી. આ બધી જ નવલકથાઓ દીવાનખાનાંઓમાં બેસીને લખાયેલી. આ બધી નવલકથાઓ સમાજના મોભેદાર કુટંબની ગરીબ સ્ત્રીઓએ – એવી કે જે વુધરિંગ હાઈટ્સ કે જેન એર લખવા માટે જોઈતો કાગળ પણ હપ્તે-હપ્તે ખરીદે – લખેલી. હા, આમાંની એક, જૉર્જ એલિયટ, આ બધાં બંધનોમાંથી મુક્ત થઈ શકેલી. પણ એની એ મુક્તિએ એલિયેટને સેન્ટ જ્હોન વુડ ગામના એક બંગલા સુધી જ સીમિત કરી દીધેલી. જગતના બહિષ્કારના પડછાયા તળે તેણે આ બંગલામાં સુરક્ષા શોધી લીધી હતી. “મારે એ સ્પષ્ટ કરી દેવું છે.” એલિયટે લખેલું “કે જે મને મળવા માગે છે તેને માટે જ મારાં બારણાં ખુલ્લાં છે. જેને મારી પડી નથી તેની મારે જરૂર નથી.” સમાજની દૃષ્ટિએ એક પરણેલા પુરુષ સાથે રહીને તે મહાન પાપ કરી રહી હતી. આવી પાપિણીને મળીને અન્ય સ્ત્રીઓ પણ બગડે તે સમાજને ન પરવડે. સમાજના નીતિનિયમોને ધ્યાનમાં રાખી સમાજજીવનથી છેડો ફાડી લેવો વધુ સારો. આ જ સમય દરમિયાન યુરોપના બીજે છેડે એક યુવાન પુરુષ મનફાવે તેમ સ્વચ્છંદીપણે જીવી રહ્યો હતો. જિપ્સી સ્ત્રી સાથે રહેવામાં એને બાધ ન હતો. ન હતો બાધ કો’ક ઉચ્ચ કુળની પરણીતા સાથે સંબંધ બાંધવામાં. આમ, નિર્બંધ જીવન જીવીને તે જીવનના વિવિધ અનુભવો આત્મસાત્ કરી રહ્યો હતો કે જે તેની કલમમાં અદ્ભુત બળ પૂરી શકે તેમ હતા. પ્રિઓરી ગામમાં પરણેલ સ્ત્રી સાથે રહેવાના ટૉલ્સ્ટૉયના નિર્ણયે તેને “સમાજજીવનથી છેડો ફાડી લેવા” પ્રેર્યો ન હતો. તે મનફાવે તેમ જીવ્યો અને તેમ છતાં નીતિમત્તાનાં મૂલ્યોથી ભરપૂર વૉર ઍન્ડ પીસ આપી શક્યો. નવલકથા-લેખન અને તેના પર લેખકના સેક્સના પ્રભાવ વિશે સહેજ ઊંડાણમાં વિચારીએ. આંખ બંધ કરીને સમગ્ર નવલકથાને ધ્યાનમાં રાખી વિચારીએ. નવલકથા જાણે સમાજનું દર્પણ ન હોય તેમ લાગે. ગમે તેટલાં વિવિધ ‘સ્ટ્રક્ચર’ હોય - કો’ક વાર ચોરસ તો કો’ક વાર પેગોડા જેવું; કો’ક વાર નક્કર કોન્સ્ટન્ટીનોપલના સેન્ટ સોફિયા કેથેડ્રલના ગુંબજ જેવું, તો કોઈ વાર અન્ય કોઈ – નવલકથા મગજ પર પોતાના ‘સ્ટ્રક્ચર’નો એક વિશેષ પ્રભાવ મૂકતી જતી હોય છે. દરેકેદરેક નવલકથાનો ઘાટ તેમાંની કોઈક વિશેષ અનુભૂતિ સાથે જોડાયેલો હોય છે. આ ઘાટ એક પછી એક મુકાતી ઈંટથી ઊભો થતો નથી; એ તો ઊભો થાય છે એક પછી એક પ્રગટતાં પાત્રોથી, અને તેથી જ નવલકથામાં પરસ્પર-વિરોધી તત્ત્વો જોડાયાં હોય તેમ લાગ્યા કરે. વિરોધાભાસી વૃત્તિઓનું ખેંચાણ તેને વધુ રસપ્રદ બનાવી દે છે. ઘણી વાર મનગમતાં પાત્રોનો નવલકથાના ઘાટને ધ્યાનમાં રાખતાં અંત લાવવો પડે. આવાં વિરોધાભાસી તત્ત્વો છતાં નવલકથાને પકડી રાખનાર તત્ત્વ કદાચ તેનું સુગ્રથિતપણું હોય છે. તેને લેખકના વ્યક્તિગત જીવન કે વર્તન સાથે કોઈ લેવાદેવા હોતી નથી. નવલકથાના સંદર્ભમાં ‘સુગ્રથિતપણું’ - શબ્દનો અર્થ હું જીવનસત્ય વાચક સુધી પહોંચાડવાની આવડત એમ કરું છું. જ્યારે વાચક એમ બોલી ઊઠે કે મેં લોકોને આ પાત્રોની જેમ જીવતા જોયા નથી પણ તે [નવલકથાકારે] મને ખાત્રી કરાવી કે આમ જ જીવી શકાય. આપણા બધામાં નવલકથાકારના સાતત્યને મૂલવવાની આવડત છે. અથવા તો અજંપાની ક્ષણોમાં પ્રકૃતિ પોતાની શંકાઓનું ચિત્રણ અદૃશ્ય શાહી દ્વારા મનુષ્યના મગજની દીવાલો પર કરે છે જેને લેખક જ ફક્ત સમર્થન આપી શકે છે. મનુષ્યના મગજની દીવાલો પર પ્રકૃતિ દ્વારા ચિત્રિત અદૃશ્ય રેખાંકનોને નવલકથાકાર જાણે પોતાની વિલક્ષણ પ્રતિભાના અજવાળામાં લાવી દૃશ્ય બનાવી દે છે. અને જ્યારે તે રેખાંકનોને આ પ્રકારે પ્રકાશમાં લાવે છે ત્યારે જોનારાઓ રોમાંચિત થઈ ઊઠે છે. મને આ વાતની જાણ છે. એટલું જ નહીં મેં હંમેશ આવો અનુભવ ઝંખ્યો છે. આવી ક્ષણે ઉત્સાહથી થનગની ઊઠવું સ્વાભાવિક છે. પુસ્તક બંધ કરતાં જાણે કો’ક અત્યંત મૂલ્યવાન ખજાનો સંભાળીને મૂકી રહ્યાં હોઈએ તેવી અનુભૂતિ પણ એટલી જ સહજ. એ પુસ્તકમાં વાચકને માટે હરહંમેશનું ફરી-ફરીને પાછાં આવવાનું આમંત્રણ હોય છે. વૉર એન્ડ પીસ સ્વસ્થાને પાછું મૂકતાં હું આ પ્રમાણે વિચારી રહી. આંજી દે તેવાં ભભકદાર વાક્યો, ફકરાઓ, સરસ મઝાનું કથાનક છતાં ઘણી વાર નવલકથા પાછી પડી જતી હોય તેમ લાગે. જાણે કોઈક એક બિંદુ પર આવીને તે થંભી જતી હોય તેમ લાગે. લેખક ફરીફરીને પાછલા ફકરા વાંચે પણ જાણે કશું ય બરાબર થતું હોય તેમ ન લાગે. ક્યાંય સમગ્રતા ન લાગે અને ત્યારે નિરાશા જન્મે. લેખકને પોતાને મુઝારો થાય. ‘આ નવલકથાનું હવે શું કરવું’ તે બબડે. અને લગભગ હંમેશ લેખકને આવો અનુભવ થતો જ હોય છે. લેખનના ભાર નીચે ત્યારે કલ્પના ગોથું ખાઈ જતી હોય છે. જીવનદૃષ્ટિ અસ્પષ્ટ બની જતી હોય છે. સત્ય-અસત્ય વચ્ચે એ ભેદ કરી શકતી નથી. એક એવી ક્ષણ આવી પહોંચે છે જ્યારે આવી વિવિધ બાબતોના ભાર સાથે, સભાનતા સાથે, લેખકનું એક વાક્ય જેટલું આગળ ધપવું પણ અશક્ય બની જાય છે. પણ લેખકના આ બધા અનુભવોનો તેની સેક્સ સાથે શો સંબંધ હોઈ શકે? હું જેન એર પર નજર કરતાં જાતને પ્રશ્ન કરું છું , શું લેખકનું સ્ત્રી હોવું તેની લેખક તરીકેની પ્રતિબદ્ધતા પર અસર કરે છે? શું જેને હું લેખક માટે અનિવાર્ય માનું છું તેવી સાતત્યતા સ્ત્રી હોવાપણાથી જોખમાય છે? જેન એરમાંથી આગળ ઉપર ટાંકેલ ફકરો શું બતાવે છે? એ ફકરો સ્પષ્ટ કરી આપે છે કે લેખિકાના નવલકથાકાર તરીકેના સાતત્ય પર તેનો ગુસ્સો અસર કરી રહ્યો હતો. તે પોતાના કથાનકને છોડી પોતાના વ્યક્તિગત અસંતોષને કારણે ઉદ્ભવેલ રોષને ઠાલવવા મંડી પડી હતી. નાનપણમાં તેને તેના મનુષ્ય હોવાના અધિકારથી વંચિત રખાઈ હતી તેનો અસંતોષ, તેને જ્યારે લીલાંછમ ખેતરોમાં રખડવાનું મન હોય ત્યારે હાથમાં સોયદોરો પકડાવીને કો’ક ફાટેલા વસ્ત્રને સાંધવા કેવી બેસાડી દેવાઈ હતી તેનો અસંતોષ, આ બધું તેને યાદ આવી ગયું હતું. અને તેની કલ્પના તેના ગુસ્સાના ભાર નીચે ચગદાઈ ગઈ હતી. પણ ગુસ્સા સિવાય પણ અન્ય ઘણી બાબતો હતી જે તેની કલ્પનાશક્તિને પોતાના ભારથી લાદી રહી હતી, જેમકે અજ્ઞાન. રોચેસ્ટરનું પાત્ર સાવ કાળુંધબ ચિતરાયું છે. વાચક તરત જાણી જાય છે કે આ પાત્ર ભયમાંથી જન્મેલ છે. એ જ રીતે લેખિકાની કડવાશ તેણે સતત અનુભવેલ દમનનું પરિણામ છે. લેખિકાના આવેગોમાં તેણે સહન કરેલ દુ:ખો પડઘાય છે. અને આમ તેનું સમગ્ર લેખન જાણે દૂઝતો ઘાવ બની જાય છે. એક એવો ઘાવ જેને કારણે સણકા ઊપડે છે અને પીડાના આ સણકા જ પુસ્તકને યાદગાર બનાવી દે છે. નવલકથા જો જીવનની આરસી હોય તો તેનાં મૂલ્યોની સમકાલીન જીવનનાં મૂલ્યો સાથે લેવાદેવા હોવાની અને સ્ત્રીજાત માટેનાં મૂલ્યો પુરુષજાત માટેનાં મૂલ્યો કરતાં હરહંમેશ ભિન્ન રહ્યાં છે, તે એક સત્ય છે. બંને જાતિ માટે મૂલ્યો ભલે ભિન્ન ભિન્ન હોય પરંતુ પુરુષજાતનાં મૂલ્યોનું જ મહત્ત્વ હોય છે. જેમ કે ફૂટબૉલ કે રમતગમતની વાત મહત્ત્વપૂર્ણ ગણાય. પણ ફેશનપરસ્તી કે કપડાં વિષયક વાતચીત વાહિયાત. આ મૂલ્યો જીવનમાંથી સીધેસીધાં સાહિત્યમાં આવતાં હોય છે. યુદ્ધની ચર્ચા કરતા પુસ્તકને વિવેચકો મહત્ત્વપૂર્ણ કહેશે પણ દીવાનખાનામાં બેઠેલી સ્ત્રીની મનોદશાની વાત કરતા પુસ્તકને વાહિયાત કહેશે. આમ દરેકેદરેક નાનામાં નાની બાબતમાં મૂલ્યમાં પ્રવર્તતા ભેદની વાત જ આવીને ઊભી રહે છે. અને આમ ઓગણીસમી સદીના પ્રારંભે સ્ત્રી દ્વારા લખાયેલ સમગ્ર નવલકથાઓ સહેજ ઊતરતી કક્ષાના મગજની પેદાશ હોય તેવી માન્યતા પ્રવર્તતી. એવું મગજ કે જેને મૂલવવા તેની સરખામણી સતત પુરુષના મગજ સાથે, તેની યોગ્યતા સાથે, કરવી ઘટે. લેખિકાઓનો પણ ટકી રહેવા માટે આ બધું સહન કર્યા વગર છૂટકો ન હતો. તેઓ પણ પોતે ‘ફક્ત એક સ્ત્રી’ છે કે પછી પોતે સ્ત્રી છે તોય ‘લગભગ પુરુષ જેટલી જ સારી છે, તેમ વિધાનો કર્યા કરતી. સ્ત્રીલેખનના વિવેચનને આ સ્ત્રીઓ પોતપોતાના વ્યક્તિત્વને અનુકૂળ એ રીતે – કોઈક ખૂબ ગુસ્સાથી તો કોઈક નરમાશથી – લેતી. એ બધી સ્ત્રીઓના લેખનના કેન્દ્રમાં જ ખોટ હતી. આમ વિચારતાં મેં આજુબાજુ ફેલાયેલી સ્ત્રીઓની નવલકથાઓ પર નજર કરી. વધુ પાકી ગયેલ સેકન્ડ ગ્રેડ સફરજનની જેમ આ બધી નવલકથાઓ પણ સેકન્ડ હેન્ડ પુસ્તકોની દુકાનો શોભાવતી હતી. તેમના કેન્દ્રમાં રહેલ નબળાઈએ તેમને બગાડી નાખી હતી. એ નબળાઈ હતી આ લેખિકાઓનું અન્ય લોકો પાસેથી ઉધાર લીધેલ મૂલ્યોનાં ત્રાજવાંથી પોતાની જાતને તોલવું. પણ તે વખતના પિતૃસત્તાક સમાજમાં એમના માટે લેશમાત્ર પણ ચલિત થયા વગર પોતાને સ્થાને સ્થિર રહેવું તેમને કેટલું અઘરું પડ્યું હશે? કેટલી ગજબની પ્રતિબદ્ધતા અને બળ હશે તેઓમાં કે પિતૃસત્તાક આકરા વિવેચન છતાં તેઓ ટકી રહી? જેન ઑસ્ટિન એમ કરી શકી. એમિલી બ્રોન્ટી એમ કરી શકી. વળી એટલું પૂરતું ન હોય તેમ તેમની યશકલગીમાં એક છોગું એ પણ ઉમેરવું પડે કે એ લોકોએ સ્ત્રીઓ તરીકે લખ્યું, પુરુષોની જેમ નહીં. એ વખતે લખી રહેલ હજારો સ્ત્રીઓમાંથી આ ચાર-પાંચ ઉપર જણાવેલ લેખિકાઓએ સ્ત્રીએ આ લખવું અને આ નહીં એવા સમાજના નિયમોની ચિંતા કર્યા વિના પોતાની કલમ ચલાવી. સતત બબડાટ કરતા, સ્ત્રીઓને સલાહ આપતા, સ્વરોને અવગણી તેમને જે યોગ્ય લાગ્યું તે રીતે – સ્ત્રીની રીતે, તેમણે લખ્યું આ સંદર્ભમાં એક વિવેચકે કરેલ વિવેચન મને સ્મરે છે. એ મહાશયે લખેલું “સ્ત્રીઓએ પોતાની સેક્સની બાબતમાં મર્યાદા ધ્યાનમાં રાખી હિંમતપૂર્વક શ્રેષ્ઠતા તરફ આગળ વધવું જોઈએ.” આ વાક્ય ૧૮૨૮માં લખાયું ન હતું, આ તો છેક ૧૯૨૮માં, હજી હમણાં જ લખાયેલ વાક્ય છે. અને મારે સ્વીકારવું પડે કે આ એક વાક્ય બહોળા વર્ગના વિચારનું પ્રતિનિધિત્વ કરે છે. મારે પાણી ડહોળી જૂનો કાદવ ઉલેચવો નથી. આ તો સ્વત: જે સપાટી પર તરી આવ્યું તે નોંધ્યું છે. આવી [ઉપર જણાવી તેવી] પિતૃસત્તાક માન્યતાઓ વચ્ચે ટકી રહેવા લેખિકાએ ફાયરબ્રાન્ડ બનવું પડે. એવા બનવું પડે કે તે પોતાની જાતને ખુમારીથી કહી શકે – જેને જે કહેવું હોય તે કહે. સાહિત્ય કોઈની બાપીકી મિલકત નથી. સાહિત્યનાં બારણાં બધા માટે ખુલ્લાં છે. તુ ભલે દરવાન હોય પણ તારો બબડાટ સાંભળવાની હું સદંતર ના પાડું છું. તું મને ઘાસ પર ચલાવી રોકી શકે, તારી લાઇબ્રેરી મારા માટે બંધ કરી દઈ શકે, પણ એવો કોઈ દરવાજો નથી, એવી કોઈ સાંકળ નથી, એવું કોઈ તાળું નથી, જેનાથી તું મારા મગજને કેદ કરી શકે. એમ છતાં આવા નકારાત્મક વિવેચનની અસર સ્ત્રીઓના લેખન પર થઈ તો ખરી જ. પણ આ અવળી અસર અન્ય તકલીફો કરતાં સહ્ય હતી. એ વખતની લેખિકાઓની મોટામાં મોટી તકલીફ હતી સ્ત્રી લેખન-પરંપરાનો અભાવ. તેમને તેમના લેખનમાં આગળની કોઈ પરંપરા મદદ કરી શકે તેમ ન હતી. સ્ત્રીઓ ભૂતકાળનો વિચાર પોતાની મા અને દાદીના માધ્યમથી કરતી હોય છે. અને એમની મા અને દાદીઓએ તેમના માટે કોઈ લેખન-પરંપરા સર્જી ન હતી. લેમ્બ, બ્રોન, થૅકરે, ન્યુમન, સ્ટર્ન, ડિકન્સ જેવા પુરુષ-લેખકોને આનંદ માટે વાંચી શકાય, તેમની પાસેથી એકાદ યુક્તિ શીખી શકાય, પરંતુ તેમનું સમગ્ર અનુકરણ સ્ત્રીઓને અનુકૂળ ન આવે. પુરુષોના મગજની ગતિ, તેની છલાંગો, સ્ત્રીના મગજ કરતાં સાવ ભિન્ન હોય છે. અને તેથી જ પુરુષ લેખકોમાંથી સ્ત્રીને ઝાઝું શીખવા ન જ મળે. સમકાલીન પુરુષ-લેખકોની જેમ આ લેખિકાઓ માટે કોઈ રેડી-મેડ વાક્યો તૈયાર ન હતાં. જ્યારે કે ઓગણીસમી સદીના આરંભકાળમાં લખતા પુરુષ-લેખકો માટે આવાં અગણિત રેડીમેડ વાક્યો હતાં. જેમકે “એમના કામનો વૈભવ, તેમની ચર્ચાનો વિજય હતો, પણ તેની સભાનતા તેમને અટકાવવા માટે નહીં, પરંતુ આગળ વધારવા માટે હતી. કલા, સત્ય અને સૌંદર્યનો અંતહીન પીછો કરવો તે જ તેમના જીવનનું ચરમ આનંદપ્રેરક કાર્ય હતું. સફળતા મહેનતની પ્રેરક હોય છે અને ટેવ સફળતાને પચાવવામાં મદદ કરે છે.” આ પુરુષની કલમનું વાક્ય છે. આ વાક્ય જહોનસન, ગીબન કે અન્ય કોઈ પણ પુરુષનું હોઈ શકે. પણ આ વાક્ય સ્ત્રીના ઉપયોગ માટે તદ્દન નકામું સાબિત થાય. શાર્લોટ બ્રોન્ટી જેવી યોગ્ય લેખિકા પણ આ શસ્ત્રનો ઉપયોગ ન કરી શકે. તેથી જ જેન ઑસ્ટિન જેવી લેખિકા પોતાને અનુકૂળ વાક્યો ઘડે છે અને પોતે તૈયાર કરેલ ગદ્યશૈલીથી ક્યાંય ચલિત થતી નથી. શાર્લોટ કરતાં ઓછી સર્જનાત્મક શક્તિ હોવા છતાં ઑસ્ટિન તેના કરતાં ઘણું વધુ કહી જાય છે. પરંપરાના આ અભાવની અસર સ્ત્રીઓના લેખન પર ખાસ્સી થઈ. અને વળી નવલકથા એક વાક્યના અંતને બીજાના પ્રારંભથી જોડી દેવાથી બનતી નથી; તે તો બને છે વાક્યોની ગૂંથણીથી, કલ્પનાની મદદથી બનતા એક વિશાળ ગુંબજની જેમ. અને આ ઘાટનો ઉપયોગ પણ પુરુષજાતે પોતાની જરૂરિયાત માટે કર્યો છે. એવું માનવાને કોઈ કારણ નથી કે મહાકાવ્ય કે કાવ્યનાટકનું સ્વરૂપ સ્ત્રીને વધુ અનુકૂળ આવત એને તે એટલું જ અનુકૂળ આવત, જેટલું તેને વાક્યનું ગુંફન અનુકૂળ આવે છે. પણ તે સાહિત્યમાં પગ માંડે તે પહેલાં સાહિત્યનાં બધાં જ સ્વરૂપો બરડ થઈ ચૂક્યાં હતાં. ફક્ત નવલકથા જ એક એવું સ્વરૂપ હતું જે હજુ ઘડાઈ રહ્યું હતું. તે હજુ સ્ત્રીના કોમળ હાથે ઘડાઈ શકે તેવું કુમળું હતું. અને તેથી જ કદાચ સ્ત્રીએ આ સાહિત્ય-સ્વરૂપને અપનાવ્યું. અને તેમ છતાં આજેય એવું ન કહી શકાય કે આ સ્વરૂપ તેના હાથ માટે જ બરાબર છે. ભવિષ્યમાં તે પદ્ય, પદ્યનાટક કે મહાકાવ્ય કયું સ્વરૂપ અપનાવશે તે તો સમય જ બતાવશે. આ બધા ભવિષ્યના સંધિકાળમાં નિહિત અઘરા પ્રશ્નોને જતા કરવા પડે. નહીં તો હું વિચારના ગૂઢ વનમાં ખોવાઈ જઉં અને મારે તે નથી થવા દેવું. કદાચ તમારે પણ એ નથી થવા દેવું. આપણો આજનો વિષય ‘નવલકથાનું ભવિષ્ય’ નથી જ. તેમ છતાં એટલું કહીશ કે સ્ત્રીઓની શારીરિક સ્થિતિ સાથે પણ તેમની નવલકથાનો સંબંધ રહેવાનો. સ્ત્રીઓનાં પુસ્તકો તેમની જેમ ટૂંકાં હોવાનાં. તે સઘન હોવાનાં. પુરુષો કરતાં તે સાવ જુદાં હોવાનાં. સ્ત્રીઓનાં પુસ્તકો એવાં હોવાનાં કે જેમાં તેમણે સતત એક જ સ્થાને બેસીને એકાગ્રપણે કામ ન કરવું પડે. કેમ કે સતત ખલેલ તેમના જીવનનું મુખ્ય અંગ છે. તેમને અનુકૂળ હોય તેવા પ્રકારની સ્થિતિ હોય તો તેઓ વધુ લખી શકે. જેમકે મારા ભાષણનો આ બપોરનો સમય તેમના માટે ખૂબ અનુકૂળ છે. તેમના માટે કંઈક ભિન્ન વ્યવસ્થાની આવશ્યક્તા રહેવાની. કેવી ભિન્નતા? શેમાં ભિન્નતા? આ બધા પ્રશ્નોના ઉત્તર સ્ત્રીઓની નવલકથાઓમાંથી આપણને મળી શકે તેમ છે. આ બધું વિચારતાં વિચારતાં હું પુસ્તકોનાં કબાટો ફંફોસી રહી. શું સ્ત્રીઓનો માનસશાસ્ત્રીય અભ્યાસ થયો જ નથી? સ્ત્રી જ સ્ત્રી વિષયક અભ્યાસો કરે તો કેવું સારું! શું સ્ત્રીઓની ફૂટબૉલ ન રમી શકવાની અણઆવડતને લીધે તેઓને મેડિકલ પ્રેક્ટિસમાંથી તો બાકાત નહીં રખાઈ હોય ને? મારા વિચારોએ આ સાથે નવી દિશા પકડી.


  1. ૧. જેમ્સ એડવર્ડ ઑસ્ટીન લે – મેમવોયર્સ ઑફ જેન ઑસ્ટીન.