પોત્તાનો ઓરડો/પ્રકરણ ૫

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(૫)

પુસ્તકોનાં કબાટોનાં ખાનાં જોતાંજોતાં અંતે હું એ ખાનાંઓ સુધી પહોંચી જ્યાં સમકાલીન સ્ત્રી-પુરુષ લેખકોનાં પુસ્તકો હતાં. મને આનંદ થયો કે સમકાલીન સાહિત્યના વિભાગમાં સ્ત્રી-પુરુષ લેખકોનાં પુસ્તકો લગભગ સરખી સંખ્યામાં હતાં. મને આનંદ એ વાતનો પણ થયો કે હવે સ્ત્રીઓ માત્ર નવલકથા-લેખિકાઓ જ ન હતી. આ વિભાગમાં જેન હેરીસને ગ્રીક આર્ક્યોલૉજી પર લખેલ, વર્નન લીએ ઇસ્થેટિક્સ પર લખેલ, ગસ્ટ્રુડ બેલે પર્શિયા પર લખેલ પુસ્તકો પણ હતાં. એક પેઢી પહેલાંની સ્ત્રીએ સ્પર્શ્યા સુધ્ધાં ન હોત તેવા વિવિધ વિષયો પર સ્ત્રીએ લખેલ પુસ્તકો અહીં મોજુદ હતાં. કવિતા, નાટક, વિવેચન, ઇતિહાસ, જીવનચરિત્ર, યાત્રાવર્ણનો ઉપરાંત સ્કૉલરશિપ અને રીસર્ચ તેમજ ફિલૉસૉફી અને સાયન્સ તેમજ ઇકોનોમિક્સ જેવા વિષયો પર સ્ત્રીઓએ લખેલ અસંખ્ય પુસ્તકો પણ હતાં. હજુય જાણે આ વિવિધ વિષયોમાં નવલકથા સૌથી મોખરે હતી. પણ સ્ત્રીની નવલકથાની તાસીર પણ આ બધા વિષયોની અસર તળે ઘણી બદલાતી જતી હતી. મહાકાવ્યના યુગ દરમિયાન સ્ત્રીના લેખનમાં જે સરળતા હતી તે હવે વિદાય થઈ ગઈ હતી. વિવેચનના અભ્યાસે તેને સંકુલ બનાવી હતી. તેનું વિચારફલક બહોળું થતાં તેની અસર સ્ત્રીના નવલકથા-લેખન પર વર્તાતી હતી. આત્મકથા દ્વારા અભિવ્યક્તિની તેની ભૂતકાળની તાતી જરૂર હવે શમી ગઈ હતી. હવે તેને કલમનો ઉપયોગ અભિવ્યક્તિ માત્ર માટે કરવાની જરૂર ન હતી. હવે તે લેખનને એક કલારૂપે અપનાવતી દેખાતી હતી. સમકાલીન નવલકથાઓમાં સ્ત્રી વિષયક ઘણા પ્રશ્નોના ઉત્તરો પામી શકાય તેમ હતા. મેં એ ખાનામાંથી એક નવલકથા ઉપાડી. ખાનામાં છેક છેલ્લે મૂકેલ એ નવલકથાનું નામ હતું લાઇફ્સ ઍડવેન્ચર. લેખિકા હતી મેરી કાર્માઇકલ. ચાલુ વર્ષના ચાલુ મહિનામાં એટલે કે ઑક્ટોબર મહિનામાં, પ્રકાશિત આ એક લેટેસ્ટ નવલકથા હતી. પુસ્તકના જેકેટ પરથી જાણવા મળ્યું કે લેખિકાનું આ પ્રથમ પુસ્તક હતું. પણ મારે મન તો આ સ્ત્રીઓની એક લાંબી પરીકથાના અંતભાગનું પુસ્તક હતું. એક એવી પરીકથા કે જે લેડી વીન્ચીલ્સીનાં કાવ્યો, એફરા બ્હેનનાં નાટકો અને ચાર મહાન નવલકથાકારોથી શરૂ થઈ સમકાલીન મેરી કાર્માઈકલ સુધી પહોંચી હતી. પુસ્તકોની પણ એક સળંગ પરંપરા હોય છે, એક સાતત્ય હોય છે. એક પુસ્તકને તેની સમગ્ર પરંપરાથી અળગું કરીને મૂલવવા પ્રયત્ન કરવો બરાબર નથી. અને વળી આ સમકાલીન લેખિકાએ પોતાની પૂર્વગામી લેખિકાઓની જેમ જ ઘણીબધી તકલીફોનો સામનો કર્યો હશે. તેમણે અનુભવેલ મર્યાદાઓ તેણે પણ અનુભવી હશે. અને આ વિચાર સાથે હું કાગળ અને કલમ લઈ મેરી કાર્માઈકલની પહેલી નવલકથા લાઇફ્સ ઍડવેન્ચર વાંચવા બેઠી. મેરી કાર્માઇકલ વાક્યો સાથે, ઘટનાઓના ક્રમ સાથે, વિચિત્ર રમત કરી રહી હતી. પહેલાં તેણે વાક્યો તોડ્યાં; હવે તે ઘટનાક્રમ તોડી રહી હતી. ભલે કરે, મેં વિચાર્યું, લેખિકા તરીકે તેને જેમ કરવું હોય તેમ કરવાનો તેને હક્ક છે. સર્જવા માટે તોડવું તો પડે જ ને! એને ફાવે તે કરે પણ તેણે વાચકને ખાત્રી કરાવવી પડશે કે એ જે કરી રહી છે તેની જરૂર છે. હું પાનાં ઉથલાવ્યે જાઉં છું. “મને ક્ષોભ છે કે હું આમ વિચિત્રપણે વર્તી રહી છું. અને હવે આસપાસ કોઈ પુરુષ તો નથી ને? પેલા ખૂણાના લાલ પડદાની પાછળ કોઈ લૉર્ડ તો નથી છુપાયેલો ને? ખાતરી કરી લો. અહીં આપણે સ્ત્રીઓ જ છીએ. જરા નજીક આવો.” અને ત્યાર પછીના મેં વાંચેલા શબ્દો હતા. ‘ક્લોએને ઓલિવિયા ગમતી હતી.” ચમકવાની જરૂર નથી. આંચકો ખાવાની પણ જરૂર નથી. શરમાવાની પણ જરૂર નથી. આપણે સ્વીકારવું ઘટે કે આપણા સમાજમાં આવું ઘટતું આવ્યું છે. કોઈ વાર સ્ત્રીઓને સ્ત્રીઓમાં આવો રસ પડતો હોય છે. ‘ક્લોએને ઓલવિયા ગમતી હતી.’ મેં વાચ્યું. ફરીફરી વાચ્યું. અને પછી મને ઝબકારો થયો. કેવું ભયંકર મોટું પરિવર્તન આવી રહ્યું છે સ્ત્રીના લેખનમાં! ક્લોએને ઓલવિયા કદાચ પહેલવહેલી વાર ગમી હતી, આખા સાહિત્યના ઇતિહાસમાં. ક્લિઓપેટ્રાને આ અર્થમાં ઑક્ટેવિયા ગમી ન હતી. જો ગમી હોત તો અન્ટની એન્ડ ક્લિઓપેટ્રા નાટક સમૂળગું બદલાઈ જાત. કદાચ એવું બની શક્યું હોત. પણ તે સમયની પ્રથાઓ એમ બનવા જ કેવી રીતે દેત? ક્લિઓપેટ્રાના મનમાં ઑક્ટેવિયા વિશે જો કોઈ એક ભાવ હોય તો તે ઇર્ષ્યાનો જ. શું પેલી મારા કરતાં ઊંચી છે? પેલી પોતાના વાળ કેવી રીતે ઓળે છે? એ નાટક માટે આટલું જ પર્યાપ્ત હતું. પણ જો આ બે સ્ત્રીઓ વચ્ચેનો સંબંધ વધુ આંટીઘૂંટીવાળો હોત તો નાટક કેટલું રસપ્રદ બની શક્યું હોત? આજદિવસ સુધીના સાહિત્યજગતમાં વિહરતી અગણિત સ્ત્રીઓના સંબંધો કેવા સીધાસાદા બતાવાયા હતા? મને સ્ત્રીપાત્રોની હારમાળા યાદ આવી ગઈ. તેમના સંબંધોનાં કેટલાં બધાં પાસાં વણખેડ્યાં જ રહ્યાં હતાં! મા-દીકરી, બેનપણીઓ જેવાં સ્ત્રીપાત્રો હરહંમેશ પુરુષના સંદર્ભમાં જ પ્રયોજાતાં રહ્યાં છે. જેન ઑસ્ટિન સુધીનાં બધાં જ સ્ત્રીપાત્રોનું અસ્તિત્વ, તેમનું વજૂદ, પુરુષપાત્રોના સંદર્ભમાં જ રહ્યું છે. અને આ બાબત સ્ત્રીના સમગ્ર જીવનના સંદર્ભમાં કેવી નગણ્ય છે? પોતાના નાકની દાંડીએ સેક્સનાં ગુલાબી ચશ્માં પહેરીને સ્ત્રીને જોનાર પુરુષ પણ તેને કેટલી ઓછી સમજી શકે છે? અને આવી ઊણી સમજના ફળરૂપે સ્ત્રીપાત્રો આત્યંતિક બની જાય છે. ક્યાં તો અત્યંત સુંદર અને આકર્ષક, નહીં તો અત્યંત ભયજનક; ક્યાં તો સાક્ષાત્ સ્વર્ગથી ઊતરી આવેલ સારાઈ, નહીં તો નરકથી આવેલ બૂરાઈ. પણ ઓગણીસમી સદીની નવલકથાની બાબતમાં આ વાત સત્ય નથી. ઓગણીસમી સદીમાં સ્ત્રી સંકુલ બને છે. તેનાં વિવિધ રૂપો પ્રગટે છે. સ્ત્રી વિશે લખવાની ઇચ્છાથી પ્રેરાઈને પુરુષ-લેખક નાટકનું ક્ષેત્ર છોડી નવલકથા-લેખનમાં ઝંપલાવે છે. પણ પ્રુસ્ટ જેવા જાણીતા પુરુષ-લેખકોના લેખનમાં પણ સ્ત્રી વિષયક સમજણનો અભાવ વર્તાય છે. પુરુષની સ્ત્રી વિશેની સમજણ ઘણી ઓછી છે, જેમ સ્ત્રીની પુરુષ વિશેની. હું એ નવલકથા વાંચતી જઉં છું. પાનેપાને એ ગવાહી આપતી જાય છે પુરુષની જેમ સ્ત્રીને પણ ઘર-ગૃહસ્થી ઉપરાંત અન્ય રસ હોઈ શકે. ક્લોએને ઓલિવિયા ગમતી હતી. તે બંને એક જ લેબમાં કામ કરતાં હતાં. આ બંને યુવાન સ્ત્રીઓ વૈજ્ઞાનિકો હતી. તેઓ પ્રયોગ કરી રહી હતી. આ બંનેમાંની એક પરણીત હતી અને તેને બે બાળકો પણ હતાં. આ સ્ત્રીઓ કલ્પના જગતની સ્ત્રીઓ નથી. સાચા હાડમાંસની બનેલી સ્ત્રીઓ છે. અને જો એ ખરેખરી સ્ત્રીઓ હોય તો તે સંકુલ હોવાની. કલ્પના જગતની સ્ત્રીપાત્રોના જેવી સરળતા તેમને ન પરવડે. પ્રેમ કરવા સિવાય તે અન્ય પણ ઘણું કરશે. કલ્પના કરો કે સાહિત્યમાં પુરુષો ફક્ત સ્ત્રીઓના પ્રેમીઓ / પતિઓ તરીકે જ નિરૂપાયા હોત તો? અને પુરુષો અન્ય પુરુષોના સંદર્ભે કે વિચારકો કે શૂરવીરો તરીકે નિરૂપાયા ન હોત તો? તો સાહિત્યને કેવી ખોટ જાત? શેક્સપિયરનાં નાટકોનું શું થાત? પછી આપણી પાસે વધુમાં વધુ ઑથેલો કે અન્ટની હોત. પણ સીઝર, બ્રૂટ્સ, હેમલેટ કે લીયર ન જ હોત. સાહિત્ય કેવું ગરીબ બની ગયું હોત! સ્ત્રી જો ઘરની ચાર દીવાલમાં પુરાઈ રહી હોત તો પણ સાહિત્યને એવી જ ખોટ જાત. હવે જો ક્લોએ અને ઓલિવિયા એક લેબમાં કામ કરતાં હોય તો તેમની આ મૈત્રી વિવિધરંગી બનશે. કદાચ એમની આ મૈત્રી વધુ ટકશે. કેમકે એ ઓછી વ્યક્તિગત હશે. તેમાં વ્યાવસાયિકતા પણ ભળેલી હશે. જો મેરી કાર્માઇકલને લખવાની આવડત હોય, જો તેની પાસે પોતાનો અલાયદો ઓરડો હોય અને વર્ષે પાંચસો પાઉન્ડની આવક હોય તો? તો કોઈ અતિ મહત્ત્વપૂર્ણ ઘટના ઘટે. જો ક્લોએને ઓલિવિયા ગમતી હોય અને જો કાર્માઇકલને લખવાની કળા આવડતી હોય તો તે ચોક્કસ અત્યાર સુધી સાવ અજાણ્યા રહેલા રસ્તા પર મશાલ ધરશે. મશાલના આ અજવાળાં સ્ત્રીઓને નવા માર્ગો ખોલી આપશે. મેં ફરી પુસ્તક ઉઘાડ્યું અને જે પાને હતી તેનાથી આગળ વાંચવા માંડ્યું. ક્લોએ ખાનામાં વસ્તુઓ ગોઠવી રહી હતી. ઓલિવિયા તેને તાકી રહી હતી અને પછી તરત પોતાના જગતમાં પાછી ફરતાં કહી રહી હતી કે તેને જવું પડશે. બાળકોને સ્કૂલથી પાછાં લાવવાનો સમય થઈ ગયો હતો. જગતના પ્રારંભથી આજ દિવસ સુધી આ દૃશ્ય સાહિત્યમાં ક્યાંય જોવાયું હતું. – હું ગણગણું છું. હું મનોમન સ્ત્રીજાતને દાદ આપવા માંડું છું. પછી તરત ખચકાઈ જઉં છું. આમ કરવું યોગ્ય છે? શું સ્ત્રીજાત દાદ આપવાને યોગ્ય છે? તેમ સાબિત કરી શકું ખરી? દુનિયાના નકશાને હાથમાં લઈ અમેરિકા પર આંગળી મૂકી હું એમ કહી શકું તેમ નથી કે આ અમેરિકા છે અને તેની શોધ કોલંબસ નામની સ્ત્રીએ કરેલી. સફરજનને જમીન પર પડતું બતાવી હું એમ કહી શકું તેમ નથી કે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ ન્યુટન નામની સ્ત્રીએ કરેલી. કે પછી માથા પર ઊડતા પ્લેન બતાવી હું એમ કહી શકું તેમ નથી કે આ પ્લેન સ્ત્રીએ બનાવ્યાં છે. દીવાલ પર સ્ત્રીની ઊંચાઈ માપવાનું કોઈ નિશાન નથી. ઘરેલુ સ્ત્રીઓ – આજ્ઞાંકિત દીકરી, પતિવ્રતા પત્ની કે પ્રેમાળ માતા જેવી – ને માપવા માટે પણ કોઈ નિશ્ચિત માપદંડ નથી. હા, યુનિવર્સિટીમાં શિક્ષણ પામેલ અમુક સ્ત્રીઓને યુનિવર્સિટીએ પોતાના માપદંડથી માપી તેમને ગ્રેડ આપી છે ખરી. પણ અબઘડી જો મારે એમ જાણવું હોય કે સમગ્ર મનુષ્યજાત કોઈક મહાન પુરુષ વિશે શું માને છે તો તે હું આંખના પલકારામાં જૂના દસ્તાવેજો કે અન્ય સંદર્ભગ્રંથોમાંથી મેળવી શકું, પણ શું મને આવી કોઈ માહિતી સ્ત્રીના સંદર્ભમાં મળે ખરી? સ્ત્રીની અત્યંત જટિલ સર્જનાત્મક શક્તિ વિશે વિચાર કરતાં આશ્ચર્ય થાય છે. તેમને આપણે ડૉ. જહોનસન કે ગટે સાથે સરખાવી શકીએ નહીં. હજારો વર્ષથી સ્ત્રીઓ ઓરડાની ચાર દીવાલો વચ્ચે જીવવા ટેવાઈ ગઈ છે. આ ઓરડાની દીવાલો તેમની એકલતામાં જન્મેલ સર્જકતાની સાક્ષી રહી છે. દીવાલોની એક-એક ઈંટ તેમની સર્જકતાથી નીતરે છે અને તેથી જ જ્યારે સ્ત્રી કલમ કે બ્રશ પોતાના હાથમાં લે ત્યારે તેણે આ માધ્યમને કાબૂમાં લેવું પડે છે. પણ સ્ત્રીની સર્જકતા પુરુષની સર્જકતા કરતાં તદ્દન ભિન્ન છે અને તેથી જ કહેવું પડે કે સદીઓના ઘડતરને અંતે પરિપક્વ થયેલ આવી સર્જકતાનો દુર્વ્યય થાય તો તેના સમું દુ:ખદ અન્ય બીજું કશું ન હોઈ શકે. જે દિવસે સ્ત્રી-પુરુષની જેમ લખશે, પુરુષ સમાં વસ્ત્રો પહેરશે, કે પુરુષ જેવી દેખાશે, તે દિવસ આપણા માટે કમનસીબમાં કમનસીબ દિવસ હશે. કારણ કે બંને સેક્સ તદ્દન ભિન્ન છે. અને કોઈ પણ એક સેક્સ વિના આ સંસાર ચાલવો અશક્ય છે. આ બધા વિચારોમાં ખોવાયેલી હું જાણે ઝબકીને જાગી. તરત મેરી કારમાઇકલના પુસ્તકમાં ફરી ગરકાવ થઈ ગઈ. મેરી કારમાઇકલ ગમે તેટલી આધુનિક હોય તોય હતી તો તે સ્ત્રીપણાની સભાનતાનું સતત સ્મરણ રાખતી લેખિકા; ગમે તેટલી આધુનિક હોય તોય હતી તો તે ‘પાપ’ના ભાર નીચે દબાઈને જીવતી સ્ત્રી. ગમે તેટલી આગળ વધી હોય તોય હતી તો તે જુનવાણી સમાજ-વ્યવસ્થા / વર્ગવ્યવસ્થાની સભાનતામાં જકડાયેલ એક સ્ત્રી. મહદ્ અંશે સ્ત્રીઓ સામાન્ય જીવન જીવતી હોય છે. પતિ સાથે, બાળકો સાથે હળીમળી તે રહે છે. જીવનની સાંજ પોતાના જીવનસાથી સાથે પ્રેમથી વીતી જશે તે શ્રદ્ધાને જોરે જીવે છે. આવી સામાન્ય સ્ત્રીઓનાં જીવનચરિત્રો લખાતાં નથી. તેમને ઇતિહાસમાં કોઈ યાદ કરતું નથી. આ બધા અતિ સામાન્ય સ્ત્રીઓના જીવનનો રેકોર્ડ મેરી કાર્માઇકલે રાખવો ઘટે. હું ગણગણું છું. જાણે કે મેરી મને સાંભળતી ન હોય! તારે મશાલ હાથમાં રાખીને નવા રસ્તે પગ માંડવાના છે. તારે મશાલના અજવાળામાં સામાન્ય મનુષ્યહૃદય ફંફોસવાનું છે અને તેના વિવિધ રંગો આવનાર પેઢીઓ માટે સંગ્રહીને રાખવાના છે. તારે અમને પુરુષજાતનું, તેમના મનનું સાચું ચિત્ર આપવાનું છે. આમ કરવાથી કોમેડીનું સાહિત્ય-સ્વરૂપ સમૃદ્ધ બનશે. નવાં સત્યો પણ જાણવા મળશે. વિચારો ઘણા થયા, હવે વાંચ - હું મારી જાતને કહું છું. અને ફરી નજર મેરીના પુસ્તક પર મંડાય છે. હું મારી જાતને યાદ કરાવું છું કે મને મેરી સામે ગુસ્સો છે. મને તેનો વિરોધ છે કેમકે તેણે મારી પ્રિય લેખિકા ઑસ્ટિનના વાક્યને તોડ્યું છે. તેણે ઘટનાક્રમને પણ છિન્નભિન્ન કરી નાખ્યો છે. અપેક્ષિત ઘટનાક્રમને ફગાવ્યો છે. સ્ત્રી જેમ લખે તેમ સહજપણે લખવા જતાં તેણે અજાણતાં આ બધું કર્યું છે. પણ પોતાના આવા પરાક્રમની અસરની કલ્પના તેણે કરી નથી. હું આગળ વાંચું છું. હું નોંધું છું મેરી કોઈ જિનિયસ નથી – સ્પષ્ટ વાત છે. તેની પાસે અગ્નિ સમી કલ્પનાશક્તિ છે, પણ અખૂટ પ્રકૃતિપ્રેમ નથી જ. નથી તેની પાસે કુશાગ્ર બુદ્ધિ કે આવડત. શાર્લોટ બ્રોન્ટી, જેન ઑસ્ટિન, જોર્જ એલિયટ જેવાં તેનાં પૂર્વગામીઓ પાસે આ બધું હતું. મેરી તો ફક્ત એક હોશિયાર છોકરી છે. પણ અડધી સદી ઉપરાંતની મહાન લેખિકાઓમાં જે ખૂટતી હતી તેવી એક ખાસિયત મેરીમાં છે. પુરુષો તેને માટે પ્રતિપક્ષીઓ નથી. તેને પુરુષો વિરુદ્ધ પ્રચારમાં રસ નથી. પોતાને પુરુષ સમાન બનાવવા માટે છાપરે ચડીને દૂર-દૂર સુધીનાં ખેતરોને તાકી રહીને બહોળા અનુભવની ઝંખના કરવાની તેને પડી નથી. પુરુષનો ભય કે તેના પ્રત્યેનો ધિક્કાર આ બંને ભાવો મેરીમાં નથી. પુરુષો પ્રત્યે તેને રોષ નથી. કંઈક ગમ્મત, કંઈક ટીખળ સાથે તે પુરુષ સાથે પનારો પાડે છે. તેની સંવેદના ઉન્મુક્ત અને વિશાળ છે – દરેકેદરેક દિશામાંથી આવતા સ્વરો અને સુગંધોને પીવા તત્પર નવા-સવા ઊગેલ છોડવા જેવી. આજદિન સુધી ન નોંધાયેલી નાનીનાની વાતો પર તે પોતાનું ધ્યાન કન્દ્રિત કરે છે અને આપણને જ્ઞાત કરાવે છે કે કદાચ નાની જણાતી એ વાતો ઘણી મોટી, મહત્ત્વપૂર્ણ હતી. સદીઓથી મનના ખૂણે ઢબૂરી રાખેલ નાની નાની વાતોને ઉપસાવીને આપણને તે આશ્ચર્ય પમાડે છે. આટલાં વર્ષોના સ્ત્રી-લેખનના ફળરૂપે પાંગરતી આ લેખિકાએ સ્ત્રીલેખનનો પ્રથમ અને સૌથી મહત્ત્વપૂર્ણ પાઠ આત્મસાત્ કર્યો છે, અને તે પાઠ છે સ્ત્રીનું સ્ત્રીની જેમ લખવું. સ્ત્રી હોવાની વિચિત્ર સભાનતાથી ઉપર ઊઠીને તે લખે છે. અને તેથી તેનું સર્જન કંઈક વિશેષ પ્રકારના સ્ત્રી-લેખનની ગુણવત્તા ધરાવે છે. એવી ગુણવત્તા કે જે સ્ત્રી હોવાપણાના ભારથી મુક્ત થઈને જ્યારે સ્ત્રી સહજપણે સર્જતી થાય ત્યારે જ પ્રગટતી હોય છે. તેનું આ બધું કરવું સારા માટે હતું. પરંતુ લાગણીની વિપુલતા કે સમજણની બારીકાઈનો સાચો મહિમા ત્યારે જ થાય કે જ્યારે તે ક્ષણિક આવેગને જતા કરી વ્યક્તિગત અનુભવની નક્કર ધરી પર પોતાના લેખનને સ્થિર કરે. મેં તેને આ સંદર્ભમાં મૂલવવા માટે તે અઘરી પરિસ્થિતિમાં મુકાય પળની રાહ જોવાનું નક્કી કર્યું. મારે જોવું હતું કે તે પરિસ્થિતિને સપાટી પરથી જ, ઉપરછલ્લી રીતે જ, સંભાળી લે છે કે સપાટી નીચેના ઊંડાણને સમજવાનો પ્રયત્ન પણ કરે છે. હિંસક બન્યા વગર તે પરિસ્થિતિનો સામનો કરવા પ્રયત્ન કરશે. અન્ય સ્ત્રીઓ જ્યારે સિગારેટ ફૂંકવામાં કે સીવવા - સાંધવામાં સમય ગાળતી હશે ત્યારે તે પોતાનું સ્થાન કંડારી રહી હશે. ગમે તેમ તોય તે પ્રયત્ન કરી રહી હતી. હું મનોમન પ્રાર્થના કરી રહી હતી કે મેરી દૂર ઊભા-ઊભા તેને બૂમો પાડીને અટકાવતા, સલાહ આપતા ધર્મગુરુ અને ડીન, ડૉકટર અને પ્રોફેસર જેવા પિતૃસત્તાકોને ન જુએ તો સારું. તે બૂમો પાડતા હતા. “તું આમ ન કરી શકે. તું તેમ ન ફરી શકે. ફક્ત ઘાસ પર અમારી સંસ્થાના ફેલોઝ અને સ્કોલરોને જ ફરવાની–ચાલવાની છૂટ છે! સ્ત્રીઓને સિફારિશ પત્ર વગર પરવાનગી નથી! ઊગતી નવલકથાકાર સ્ત્રીઓ આ બાજુ ચાલે!” તેઓ રેસકોર્સમાં ઘોડદોડના મેદાનની બંને બાજુ ઊભા રહી બૂમો પાડતા દર્શકો જેવા દેખાતા હતા. તેણે ડાબે-જમણે જોયા વગર દોડવાનું હતું. ‘જો તું ઊભી રહી તો ગઈ કામથી!’ હું કહી રહી હતી. “જો હસવા રહી તોય થયું!” “જો અચકાઈ તો પણ ખલાસ. તું ફક્ત તારા પર જ ધ્યાન આપ.” મેં જાણે મારી સમગ્ર સંપત્તિ તેના પર દાવમાં લગાવી દીધી હોય તેમ હું તેના માટે પ્રાર્થના કરી રહી. અને તે પંખીની જેમ સરળતાથી મેદાન પાર કરી ગઈ. પરીક્ષા પૂરી કરી ગઈ. પણ એક પછી બીજું પછી ત્રીજું કોણ જાણે કેટકેટલાં વિઘ્નો તેની દોડ માટે ઊભાં કરેલાં હતાં! તે પોતાના સમગ્ર બળ સાથે પાર પડવા પ્રયત્ન કરી રહી હતી. મેરી કાર્માઇકલ પોતાનું પ્રથમ પુસ્તક લખી રહેલી એક સામાન્ય છોકરી હતી. તેની પાસે લેખિકા બનવા માટે આવશ્યક એવાં સમય, ધન કે નવરાશ ન હતી. ન હતો પોતાનો અલાયદો ઓરડો. એ બધું ધ્યાનમાં લેતાં તેનો આ પ્રયત્ન જરાય ઊતરતો ન હતો. મેં વિચાર્યું. તેના પુસ્તકનું છેલ્લું પ્રકરણ વાંચતાં હું ગણગણી - આ છોકરીને બીજાં સો વર્ષ આપો. એને પોતાનો એક અલાયદો ઓરડો આપો. વર્ષે પાંચસો પાઉન્ડ આપો અને પછી જુઓ કે તે કેવું લખે છે. તે સરસ કવિતા પણ લખશે.” મેરી કાર્માઇકલની નવલકથાને કબાટમાં પાછી મૂકતાં હું કહી રહી.