પ્રતીતિ/લોકસાહિત્ય અને અભિજાત સાહિત્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search



લોકસાહિત્ય અને અભિજાત સાહિત્ય

લોકસાહિત્ય અને અભિજાત સાહિત્ય વચ્ચે ઉભયાન્વયી મૂકીએ ત્યારે સમાંતરે વહેતી એ બે ધારાઓ વચ્ચે પ્રગટ કે પ્રચ્છન્નપણે કોઈ આંતરિક સંબંધ રહ્યો છે કે કેમ, અને એ બે વચ્ચે કશુંક પણ આદાનપ્રદાન સંભવે છે કે કેમ, એવા રસપ્રદ પ્રશ્નો અહીં ઉપસ્થિત થાય છે. ઊંડા અભ્યાસનો વિષય બની શકે એટલા એ ધ્યાનપાત્ર પ્રશ્નો છે. અહીં તો એની થોડી ભૂમિકા જ સ્પર્શી છે. લોકસાહિત્ય અને અભિજાત સાહિત્ય એ બે વચ્ચે સ્વરૂપ, પ્રયોજન, આકાર-પ્રકાર, સંવિધાન રચનારીતિ અને ભાષાશૈલી એમ દરેક બાબતમાં ઓછોવત્તો ભેદ દેખાય છે. અભિજાત સાહિત્યની ગતિવિધિ લોકસાહિત્યથી જુદા જ સ્તરે જુદી જ રીતે ચાલે છે. તેમાં યે અદ્યતનવાદી સાહિત્ય તો લોકસાહિત્યથી સર્વથા ભિન્ન, લગભગ સામી દિશામાં, ગતિ કરતું દેખાશે. આ સંજોગોમાં કોઈ એમ માનવા પ્રેરાય કે અભિજાત સાહિત્યને લોકસાહિત્ય જોડે ક્યાંય કોઈ સ્તરે સંબંધ જ રહ્યો નથી. પણ એ માન્યતા બરાબર નથી. અર્વાચીન કવિતામાં ગીત-રચનાની પ્રમાણમાં ઘણી સાંકડી એવી એક ધારા વહે છે જે લોકગીત અને લોક-સાહિત્યની સતત પ્રેરણા લઈને વિસ્તરતી ને વિકસતી રહી છે. (ન્હાનાલાલ, રાજેન્દ્ર, બાલમુકુન્દ, વેણીભાઈ, મકરન્દ, પ્રિયકાન્ત, યશવંત, રાવજી, મણિલાલ, રમેશ, અનિલ, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, માધવ રામાનુજ, વિનોદ જોશી આદિની ગીતપ્રવૃત્તિનો આ દૃષ્ટિએ વિચાર થઈ શકે.) સાહિત્યિક ક્ષેત્રની ગીતરચનાઓમાં, દેખીતી રીતે જ, લોકકથાનાં ઘટકતત્ત્વો, લોકગીત કે લોકસંગીતના રાગ ઢાળ, લોકગીતની રૂપરચના અને રચનાગત પ્રયુક્તિઓ, લોકગીતની ભાષાશૈલી અને અભિવ્યક્તિની લઢણો – એ બધાંનો ઓછોવત્તો વિનિયોગ થયો હોય એમ જોવા મળશે. જો કે આજનો કવિ ગીતના આકારમાંયે શિષ્ટ ઊર્મિ કાવ્યની ચરમ સીમા સિદ્ધ કરવા મથે છે ત્યારે લોકગીતનાં અનેક રૂઢ તત્ત્વોને ગાળી કાઢવાનો કે લોપી દેવાનો પ્રયત્ન કરે છે. રમેશની ગીતરચના ‘તમે મારામાં આરપાર રહેતાં’ અનિલની ‘દરિયો’ કે મનોજની ‘હદ છે આ’ જેવી રચનાઓનું બંધારણ અને પોત તપાસી જોતાં આ વાતની પ્રતીતિ થશે. પણ આવા પ્રયત્નો છતાં આ બધા કવિઓની ગીતરચનાઓ લોકગીતના કોઈ ને કોઈ સંસ્કારો ઝીલતી રહી છે, તેમાંથી પ્રેરણા અને પ્રાણશક્તિ પણ મેળવતી રહી છે. આ એક એવો પ્રકાર છે જ્યાં લોકસાહિત્ય અને અભિજાત સાહિત્ય વચ્ચેનું આદાનપ્રદાન સ્પષ્ટ જોઈ શકાય છે. ‘લોકસાહિત્ય’ એ સંજ્ઞા હેઠળ ખરેખર તો વિષયવસ્તુ આકાર-પ્રકાર, અને અભિવ્યક્તિની રીતિની દૃષ્ટિએ અપાર વૈવિધ્યવાળું સાહિત્ય સમાઈ જાય છે. એમાં એક બાજુ જ્ઞાન ભક્તિ યોગ અને રહસ્યવાદની છાયા ઝીલતાં જુદી જુદી શૈલીનાં પદો ગીતો અને ભજનો આવી જાય છે; બીજી બાજુ સંસારના રોજબરોજના સુખદુઃખના પ્રસંગોનું હળવું ગાન, વિનોદી જોડકણું અને ફટાણાંઓ સુધ્ધાં આવી જાય છે. એક બાજુ ચારણી શૈલીનું અનુસંધાન જાળવતી પ્રેમ, શૌર્યવીર્ય, અને સાહસપરાક્રમની ધીંગી કથાઓ આવે છે; બીજી બાજુ વ્રત, તપ, ઉત્સવ કે પર્વનાં કોમળ મધુર ગીતકાવ્યોય આવે છે. હકીકતમાં, વિશ્વ-જીવનની ઘટમાળમાંના ભવ્યમાં ભવ્ય તત્ત્વથી માંડીને તુચ્છમાં તુચ્છ તત્ત્વ સુધીના સૌ વિષયો એમાં સમાઈ જાય છે. જન્મ, લગ્ન, મૃત્યુ, પ્રીતિ, ભક્તિ, મુક્તિ, દંપતી, કુટુંબ, રાષ્ટ્ર, ધરતી, આકાશ, સૂર્ય એમ સૌ સત્ત્વો લોકસાહિત્યમાં પ્રવેશે જ છે. વિવિધ રસોથી સમૃદ્ધ બનેલા લોકસાહિત્યમાં એ રીતે સંસારનું સારું એવું વૈચિત્ર્ય જોવા મળે છે. અને છતાં લોકસાહિત્યમાં વર્ણ્યવિષયો (themes)ની બાબતમાં ઘણી એકરૂપતા કે એકવિધતા જોવા મળશે. વિષયવસ્તુ, રચનારીતિ આકાર-પ્રકાર કે ભાષાશૈલીની બાબતમાં રૂઢ પ્રણાલિકાને વળગી રહેવાનું બળવાન વલણ એમાં જોઈ શકાશે. એનું એક મુખ્ય કારણ એ સંભવે છે કે લોકસાહિત્ય મૌખિક પરંપરા (oral tradition)નું સાહિત્ય છે. લોકહૃદયને સ્પર્શી જાય એવા રૂઢ ભાવો અને રૂઢ પ્રસંગોનો આથી વિશેષ સ્વીકાર થતો રહ્યો છે. પણ આ પ્રશ્નને anthropology અને mythology જેવા વિષયોના પ્રકાશમાં તપાસવા જેવો છે. એ પણ સંભવિત છે કે લોકહૃદયને સ્પર્શે એવાં અસંખ્ય આદિમરૂપો (archetypes) લોકસાહિત્યમાં સ્ફુટ અસ્ફુટ રૂપમાં સાકાર બન્યાં હોય. અંતે લોકસાહિત્યના રૂઢ કથાંશો (motifs)ને તેના લોકજીવનની પરંપરા કે સંસ્કૃતિ જોડે ક્યાંક ઊંડે ઊંડે સંબંધ રહ્યો હોય એમ બતાવી શકાય. બીજી રીતે, લોકસાહિત્યને એના જનમંડળની સામૂહિક અવચેતના (collective unconscious) જોડે પ્રચ્છન્ન રૂપમાં સંબંધ હોવાનું બતાવી શકાય. ગમે તે હો, લોકસાહિત્યમાં અમુક વિષયો ફરી ફરીને સૈકાઓ સુધી ખેડાતા રહેલા છે. લોકસાહિત્ય એક અર્થમાં સહિયારી સંપત્તિ છે. લોકકવિ પરંપરા-પ્રાપ્ત ગીતરચના કે કથાગીતને પોતાની શક્તિ પ્રમાણે નવેસરથી ગાય, તેનું કલેવર બદલ્યા વિના તેની વીગતો બદલે, ક્યારેક કલેવર પણ બદલે. પણ સર્વથા નવસર્જન કરવાની વૃત્તિ તેને ખાસ પ્રેરતી નથી. હકીકતમાં, લોકસાહિત્યને એનું આગવું રસશાસ્ત્ર છે. લોકસાહિત્યનો સર્જક સાચા અર્થમાં લોકમંડળનો ગાયક છે. આખાય લોકમંડળના ઊર્મિતંત્રને ઝંકૃત કરી દે તેવી લોકવ્યાપી ઊર્મિઓ (community of emotions)ને ગાય છે. લોકજીવનમાં રોજ રોજ જોવા મળતાં ને લોકહૃદયને જેની પ્રતીતિ છે તેવાં સુખ દુઃખ સહજ ગાન રૂપે લોકગીતમાં વહી આવે છે. જે લાગણીઓ, જે આશાનિરાશા, જે સ્વપ્નો, જે સંઘર્ષો લોકહૃદયને સતત તાવી રહ્યાં છે તેનું સીધેસીધું વર્ણન એમાં હોય. લોકગીતનો રચનાર જે કોઈ વ્યક્તિ હો, સમસ્ત લોકહૃદયની જોડે તાલ મેળવીને તેણે ગાયું હશે. હાસ્તો, લોકગીતને કવિ સાચા અર્થમાં ‘ગાયક’ (singer) હોય છે : દુઃખના ભાવોને પણ તે ગીતમાં વહેતા મૂકે છે. આવી લોકવ્યાપી લાગણીઓને વળી તે ઘૂંટી ઘૂંટીને ગાય છે. અને એ રીતે તેના કવનમાં અસાધારણ જોમ અને ઉત્કટતા આપે છે. જે સમુદાય પોતાની સામે ઊભો છે તેનાં હૈયાંની લાગણીઓ હચમચાવી દેવી, તેની કરોડરજ્જુમાં કંપ ઊતરી જાય તેટલી હદે હચમચાવી દેવી, એ તેનું મુખ્ય કાર્ય બની રહે છે. લોકગીતમાં બલકે, લોકસાહિત્યમાં અભિવ્યક્તિની સર્વ લઢણો, તેના અલંકારોની યોજના, તેના રચનાબંધમાં અમુક તત્ત્વોનું પુનરાવર્તન – આ રીતે લાગણી ઘૂંટવાની પ્રવૃત્તિને જુદી જુદી રીતે ઉપકારક નીવડે છે. કથયિતવ્યની સોંસરી સીધે-સીધી રજૂઆત પણ એમાં સમર્પક બને છે. લોકગીતનો કવિ વર્ણ્યવસ્તુના સંદર્ભો ટાળીને ઘણુંખરું તો ઊર્મિના મધ્યપ્રવાહમાં ઝંપલાવતો હોય છે. ગીતની ધ્રુવપંક્તિ એ રીતે લોકગીતની નાભિનાળ સમી છે. કેટલીક વાર આખીયે કૃતિનો ચમત્કૃતિભર્યો અંશ એમાં ઉત્કટતાથી ધબકી જાય છે. લોકગીતને સંઘગાનની અપેક્ષા હોય ત્યાં ધ્રુવપંક્તિનું ફરી ફરીને થતું ગુંજન એ લોકહૈયાની ઊર્મિઓ ઘૂંટવાનું કાર્ય કરે છે. એમાં રૂઢ અલંકારો, રૂઢ રૂપકબંધ, અને અભિવ્યક્તિની રૂઢ લક્ષણો પણ વ્યાપક ઊર્મિતંત્રને જગાડવામાં સહાયભૂત થાય છે. ગદ્યકથાની શૈલી પણ એ રીતે નિકટતાથી અવલોકવા જેવી છે. એમાં ત્વરિત કથાપ્રવાહની ગતિ અને સોંસરી સીધેસીધી રજૂઆત તરત ધ્યાનમાં આવશે. સામે શ્રોતાસમૂહ બેઠો છે, અને હાવભાવપૂર્વક આખી કથા રજૂ કરવાની છે. વાર્તાના રસિક અંશોને બહલાવતા જવાનું છે, પણ ક્યાંયે પ્રસંગ વર્ણનના વિસ્તારને અવકાશ નથી. લોકકથાના આવા ગદ્યમાં વાગ્મિતાનાં તત્ત્વો અસાધારણ ઉન્મેષ દાખવે છે, અને અભિજાત સાહિત્યની ભાષાશૈલી આ બાબતમાં શી રીતે જુદી પડે છે તે એક રસપ્રદ તુલનાનો વિષય છે. લોકસાહિત્યને સમાજજીવનની વાસ્તવિકતા જોડે કેવો સબંધ છે તે પણ ઘણો રસપ્રદ છે. એ રીતે જોઈએ તો, લોકસાહિત્યના અંતરંગમાં બે પરસ્પર વિરોધી વલણો એકી સાથે કામ કરતાં દેખાય છે. એમાં, એક બાજુ ઇતિહાસ પુરાણ કે પ્રાચીન પરંપરાનાં લોકોત્તર અને ગૌરવવંતાં પાત્રો લોકકવિ દ્વારા ધરતી પર ઊતરી આવે છે : જન સામાન્યથી દૂરનાં એ પાત્રો પરિચિત જનપદના વાતાવરણમાં વિચરતાં થાય છે : તેની અલૌકિકતાની આભા વત્તેઓછે અંશે દૂર થાય છે. પ્રાચીન કથા આખ્યાયિકાના અદ્‌ભુત લોકોત્તર પ્રસંગોને પણ લોકકવિ જનસામાન્યની ‘ભાષા’માં ઘટાવી આપતો હોય છે. ‘લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો’ એ ગીત આ પ્રકારના વલણનું દ્યોતક છે. બીજા એક લોકગીતમાં વળી સાસુએ સીતાજીને ઠપકાનાં વેણ કહ્યાં એવો જે પ્રસંગ વર્ણવાયો છે, તેમાંય આખોય પરિવેશ અને પરિસ્થિતિ, સામાન્ય કુટુંબ-જીવનમાં જોવા મળતા સાસુવહુના સંઘર્ષની યાદ અપાવે છે. એ રીતે પરંપરામાં જે કંઈ અસાધારણ મહિમાવાન દેખાય છે તેને લૌકિકતાના સ્તરેથી લોકકવિ રજૂ કરે છે. બીજી બાજુ, લોકજીવનમાંનાં અતિ સામાન્ય પાત્રો અને પ્રસંગોને રંગરાગી ઝાંય અર્પી તે તેમાં કશીક લોકોત્તરતા જન્માવે છે. ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ’ જેવા લોકગીતમાં, આમ જુઓ તો, કથાપ્રસંગ એક લોકજીવનની વિષમ પરિસ્થિતિ પર આધારિત છે. પણ લોકગીતના કવિએ એમાં અનોખી રંગરાગી ઝાંય પ્રગટાવી દીધી છે. પતિને હાથે ઝેરનો પ્યાલો ગટગટાવી જતી અને ચિતા પર પોઢી જતી ‘ગોરાંદે’ની પ્રતિમા સામાન્ય નારી પાત્રોથી વધુ ઉઠાવદાર બની છે. અર્વાચીન વિવેચનમાં જેને વાસ્તવવાદ કહે છે તેમાં લોકસાહિત્ય ભાગ્યે જ બંધાઈ રહે છે. લોકજીવનની વિષમમાં વિષમ પરિસ્થિતિ લોકકવિ સ્વીકારે છે ત્યારે પણ કશુંક રંગરાગી તત્ત્વ તેમાં સહજ રીતે ભળી જાય એમ બનવાનું. કદાચ લોકસાહિત્યના છેક આદિ સ્રોતમાં આવું તત્ત્વ જન્મી ચૂક્યું હોય છે. અતિ પરિચિત કે અતિ સામાન્ય ઘટના પણ લોકહૃદયને ઝાઝો સમય સ્પર્શી શકે નહિ. એટલે લોકજીવનની નરી વાસ્તવિકતા તેને ઇષ્ટ નથી. એટલે પાત્રના વર્ણનમાં રંગીન રેખા આંકીને, પ્રસંગમાં ચમત્કૃતિનું તત્ત્વ સાંકળીને, કે તેમાંથી દંતકથા નિપજાવીને તે એમાં નવું પરિમાણ ઊભું કરી લેતો હોય છે. લોકસાહિત્ય, અલબત્ત, લોકજીવનની વાસ્તવિકતાનું પ્રમાણમાં સમરેખ ચિત્ર રજૂ કરે છે એમ કહી શકાય. પણ એમાં સાચી દસ્તાવેજી ઘટનાઓ શોધવાનો પ્રયત્ન ક્યારેક ખોટે માર્ગે દોરી જાય એમ બનવાનું. બલકે, લોકસાહિત્યની અનેક રચનાઓમાં લોકજીવનની નકરી વાસ્તવિકતાનું કોઈક દંતકથાના રૂપમાં કે પુરાણ (myth)ના રૂપમાં પરિવર્તન આરંભાઈ ચૂક્યું હોય એમ જોવા મળશે. લોકસાહિત્ય અને અભિજાત સાહિત્ય વાસ્તવિકતાને શી રીતે રજૂ કરે છે, શી રીતે ભેદે છે, અને કેવી રીતે કેટલે અંશે તેનું રૂપાંતર સાધે છે, તે પણ અભ્યાસીઓ માટે એક સુંદર પ્રશ્ન છે. હવે, અભિજાત સાહિત્યની ગતિવિધિ મૂળથી જુદી દિશામાં ચાલી છે. એ તો સુવિદિત છે કે ‘અભિજાત’ સાહિત્યની રચનામાં યુગે યુગે કળાસૌંદર્ય અને સર્જકતા વિશેના વિશિષ્ટ ખ્યાલો જુદી જુદી રીતે પરિણામકારી નીવડ્યા છે. આપણા યુગનો લેખક હવે કેવળ ‘લેખક’ ન રહેતાં તે ‘સર્જક’ બનવા ઝંખી રહ્યો છે. તે જે સાહિત્યસૃષ્ટિ રચવા પ્રવૃત્ત થાય છે તેના દ્રવ્ય અર્થે પોતાના ભીતરી વિશ્વમાં તે પ્રસરવા ચાહે છે. સર્વથા વૈયક્તિક અને અંગત સંવેદનનું તે મૂલ્ય કરે છે. પોતાની ભાષા, રચનારીતિ અને અભિવ્યક્તિની યુક્તિઓ અને તરેહો વિશે તે તીવ્ર સભાનતા પ્રગટ કરે છે. આ સદીમાં વળી કળામાં અમાનવીયકરણનો વિશેષ ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો છે. એ રીતે આજની સાહિત્યકળા વધુ ને વધુ અમૂર્ત સ્તરેથી ગતિ કરતી દેખાશે. સર્જકની બૌદ્ધિક સંવિત્તિની પ્રખરતા એમાં વ્યાપી રહી છે. આજના ‘અભિજાત’ કોટિના સાહિત્યમાં, હકીકતે, માનવીય પરિસ્થિતિના સંદર્ભો બદલાઈ ચૂક્યા છે. મધુ રાયની કૃતિ ‘કાચની સામે કાચ’, સુરેશ જોષીની કૃતિ ‘એક મુલાકાત’, કિશોર જાદવની કૃતિ ‘લીલા પથ્થરો વચ્ચે ચમત્કારિક પુરુષ’ કે રાવજીની ‘કીડી, કેમેરા અને નાયક’માં સર્જકના સંવિદ્‌ની ગતિ નિરાળી ભૂમિકાની છે. આ જાતની સર્જકતામાં ભાષાપરક અભિજ્ઞતા પણ નવો મરોડ આણે છે. લોકવ્યવહારમાં સતત વપરાશથી લપટી પડી ગયેલી અને રૂઢ પ્રયોગોમાં બંધિયાર બની ગયેલી ભાષાને મૂળભૂત રીતે dislocate કરી દેવાનું વલણ પણ એમાં જોઈ શકાશે. આજનો સર્જક, કહો કે, ભાષામાં અને ભાષા દ્વારા ખોજ કરે છે. લોકજીવનની પરિચિત વાસ્તવિકતાને યથાતથ ઝીલવાનો મુદ્દો હવે અપ્રસ્તુત બની ગયો છે. પરિચિત વાસ્તવિકતાને જુદા જુદા સ્તરથી જુદા કોણથી ભેદીને અપારવિધ પાર્શ્વોવાળી નવી વાસ્તવિકતા રચવાનો તેનો પ્રયત્ન રહ્યો છે. આજના આપણા અભિજાત સાહિત્યની કેન્દ્રીય ગતિવિધિ, આમ, દેખીતી રીતે જ, લગભગ વિરોધી દિશાની જણાય છે. આ બે કોટિના સાહિત્ય વચ્ચે, આથી, આ પૂર્વે ક્યારેય જોવા નહોતો મળ્યો એટલો અવકાશ ઊભો થયો છે. અને, એ તો સમજાય એવું છે કે, અત્યંત ઝડપથી બદલાઈ રહેલા માનવસંયોગો એને માટે કારણભૂત છે. આપણે આપણા પ્રજાજીવનનો સંદર્ભ લક્ષમાં લઈને વાત કરીએ તો આ સદીમાં, અને સવિશેષ સ્વાતંત્ર્યોત્તર સમયમાં, ઔદ્યોગીકરણ, શહેરીકરણ, ટેકનોલૉજીનો વિસ્તાર, અતિ વિશાળ કદનું ઉત્પાદન હેરાફેરી અને વહેંચણી, ઉચ્ચ શિક્ષણનો પ્રસાર, રેડિયો ટેલિવિઝન વર્તમાનપત્રો જેવાં સમૂહ-માધ્યમોનો વિશાળ ફેલાવો, અને રાજકીય પ્રવૃત્તિઓનો છેક નીચેના થર સુધી પ્રભાવ – એ બધાં પરિબળોએ મોટી ઊથલપાથલો આરંભી દીધી છે. લોકજીવનમાં જૂના આચારવિચાર, જૂની માન્યતાઓ, અને રૂઢ કર્મકાંડો નષ્ટ થયાં નથી, પણ મૂળથી તે હચમચી ઊઠ્યાં દેખાય છે. શિક્ષિત વર્ગમાં એક નવી અસ્મિતા જાગી પડી છે. નવા યુગનાં પરિબળોએ તેના અંતરમાં નવી આશા નવાં સ્વપ્નો અને નવા સંઘર્ષો જગાડ્યા છે. વર્તમાનમાં જે માનવપરિસ્થિતિ ઉદ્‌ભવી રહી છે, તેમાં નાની મોટી અપાર વિષમતાઓ અને વિસંગતિઓનો તેને સાક્ષાત્કાર થઈ રહ્યો છે. લોકજીવનની ‘નિર્દોષતા’ અને મુગ્ધતા હવે વિચ્છિન્ન થઈ રહી છે. એ લોકમંડળ પહેલાં જે સંઘોર્મિ (community of emotions)થી ગાઢ રીતે સંકળાયું હતું, તે સંઘોર્મિ હવે ક્રમશઃ લુપ્ત થઈ રહી દેખાય છે. લોકસાહિત્યના ઉદ્‌ભવ-વિકાસ માટે પેલું વાતાવરણ જ તૂટી જવા આવ્યું છે. અલબત્ત, નવા યુગના પ્રસંગો કે નવાં સાધનો વિશે ક્વચિત ગીત રાસડા કે એવી બીજી રચનાઓ થાય છે, પણ એમાં સાચી પ્રાણશક્તિ કેટલી એ તો પ્રશ્ન જ રહે છે. હકીકતમાં, આજના અભિજાત સાહિત્યમાં માનવીની ઉત્કટ આત્મ-સભાનતા જે રીતે પ્રકટ થઈ રહી છે તે સૂચક છે. એમાં અસ્તિત્વની વિષમતાથી નિર્ભ્રાન્ત બની ગયેલા માનવીની અસ્વસ્થતા છે. વિશાળ સમાજજીવનથી વિચ્છિન્ન થઈ ગયેલા, બલકે પોતાને જ પોતાનાથી વિચ્છિન્ન અનુભવી રહેલા, માનવીનો આધ્યાત્મિક અજંપો એમાં વ્યક્ત થઈ જાય છે. નવલિકા નવલકથા જેવા કથાપ્રકારોનો ઉદ્‌ભવવિકાસ આધુનિક સમાજના નિર્માણ જોડે ગાઢ રીતે સંકળાયેલો છે. એ સાહિત્યપ્રકારો પ્રયોજન અને આયોજનની બાબતમાં લોકસાહિત્યની ગદ્યકથાઓ કરતાં મૂળભૂત ભેદ બતાવે છે. એમાં સમકાલીન સમાજજીવનના સંદર્ભો, અલબત્ત, પ્રવેશે છે, પણ લોકસાહિત્ય કરતાં તેનું સ્વરૂપ અને સત્ય નિરાળું હોય છે. જો કે નવલિકા નવલકથા જેવા પ્રકારોમાંય લોકજીવનની વાસ્તવિકતા જુદા જુદા સ્તરે જુદા જુદા કોણથી ભેદાતી હોઈ જુદા જુદાં રૂપો પ્રકટ કર છે. ‘વેવિશાળ’ (મેઘાણી), ‘માનવીની ભવાઈ (પન્નાલાલ) કે ‘જનમટીપ’ (પેટલીકર)માં લોકજીવનની વાસ્તવિકતા જે રૂપે રજૂ થઈ છે, તેથી ભિન્ન રૂપે ‘અમૃતા’ (રઘુવીર), ‘વિદુલા’ (સુરેશ જોષી) કે ‘અસ્તી’ (શ્રીકાન્ત શાહ)માં પ્રગટ થઈ છે. દેખીતી રીતે જ, અદ્યતન કથાવિશ્વ એના સર્જકની મૂળભૂત સંવેદનશીલતા (prime sensibility)માંથી વિસ્તરે છે. અહીં ટેકનિક વિશેની વિશેષ સભાનતા કામ કરી રહી દેખાય છે. પાત્રનું સંવિત્‌ જ પાત્ર જે માનવીય પરિસ્થિતિનો મુખ્યાંશ છે તેનું પ્રતીકાત્મક સંવિધાન થાય, અને આખુંય કથાવિશ્વ સ્વયં એક myth બની રહે એ રીતે તેનું સંયોજન થાય, એ જાતનો વિશિષ્ટ ખ્યાલ લઈને આજનો સર્જક પ્રવૃત્ત થતો હોય છે. પણ લોકકથા જે સ્વયં દંતકથા છે કે જે myth જેવી લાગે છે તેથી તેનું સ્વરૂપ જુદું પડે છે. બલકે, આધુનિક નવલિકા નવલકથાનું અંતરંગ લોકકથા કરતાં જુદું સંભવે છે. આજના સર્જકો ટેકનિક વિશે ઓછીવત્તી સભાનતા કેળવીને ચાલે છે. તેમાં ટેકનિકની અંતર્ગત જ ભાષાના પુનર્વિધાનની પ્રક્રિયા ચાલે છે. કલ્પનો પ્રતીકો અને પુરાણકથાઓના વિનિયોગ દ્વારા તે પોતાના સંવિત્‌માંથી ઊઠતાં સંવેદનોને વિસ્તારે છે. એમાં વારંવાર મૂળભૂત વિભાવનમાં જ વ્યંગ કટાક્ષનું તત્ત્વ નિહિત રહ્યું હોય છે. આધુનિક કથાસૃષ્ટિના હાર્દમાં, આથી, સંકુલતા સૂક્ષ્મતા અને સંદિગ્ધતાઓની ભાતો રચાવા પામે છે. લોકકથાની કથનરીતિ કરતાં આ આખો અભિગમ નિરાળો છે. બીજી રીતે કહીએ તો, આધુનિક કથાસાહિત્યને લોકસાહિત્યની કથનરીતિ ભાગ્યે જ ઉપકારક નીવડે છે. મેઘાણીએ ‘સમરાંગણ’ અને ‘રા’ગંગાજળિયો’ જેવી નવલકથાઓમાં અને મડિયાએ ‘ચંપો અને કેળ’ જેવી નવલિકામાં લોકસાહિત્યના વર્ણ્યવિષયો સ્વીકાર્યા છે, તેમ લોકસાહિત્યની કથનશૈલીનો વિનિયોગ કર્યો છે. એ રીતે એમાં લોકસાહિત્યને ઇષ્ટ એવા ચમત્કારિક પ્રસંગો, ઊર્મિશીલ પાત્રો, રોમેન્ટિક કથનરીતિ, અને રોમેન્ટિક વાતાવરણ તેમણે ઊભું કર્યું છે, પણ આધુનિક કથાસાહિત્યની ચેતના એમાં બહુ ઓછી પ્રગટ થઈ છે. આજની નવલિકા કે નવલકથા જ્યારે દંતકથા કે mythની કોટિએ પહોંચે છે ત્યારે પણ લોકસાહિત્યના કરતાં તેનું સ્વરૂપ ભિન્ન સંભવે છે. આ રીતે કથાસાહિત્યના ક્ષેત્રે લોકસાહિત્ય અને અભિજાત સાહિત્ય વચ્ચે આદાનપ્રદાનનો ખાસ અવકાશ દેખાતો નથી. પણ કવિતામાં, સવિશેષે ગીતપ્રકારમાં, લોકકથા અને લોકગીતના સંબંધના તંતુઓ તરત ધ્યાનમાં આવશે. અર્વાચીન સમયની આપણી કાવ્યપ્રવૃત્તિમાં દલપતરામથી માધવ રામાનુજ સુધીના અનેક કવિઓની ગીતરચનાઓ આ દૃષ્ટિએ ધ્યાન પાત્ર છે. લોકગીતોના લાક્ષણિક વસ્તુસંદર્ભો કે ભાવસંદર્ભો અભિવ્યક્તિની વિવિધ રીતિઓ, રચનાબંધની વિવિધ પ્રયુક્તિઓ, રૂઢ પદાવલિઓ, આકાર, ઢાળ, લય આદિ તત્ત્વોનો પ્રગટ કે પ્રચ્છન્નપણે તેમણે એમાં વિનિયોગ કર્યો દેખાય છે. અલબત્ત, લોકગીતના રૂઢ ભાવો કે રૂઢ આકારોમાં તેઓ બંધાઈ ગયા નથી. લોકગીતનાં આ સર્વ તત્ત્વોમાં સ્વકીય સંવેદન અને કલ્પનાના સ્પર્શે નવી જ અર્થચમત્કૃતિ તેમણે સિદ્ધ કરી છે. સામાન્ય લોકગીત કરતાં ઘણી વધારે ભાવસૂક્ષ્મતા અને સંકુલતા તેમણે નિપજાવી આપ્યાં છે. એમ કહી શકાય કે પરંપરામાંથી પોષણ મેળવીને આ કવિઓએ પોતાની ગીતરચનાઓને વધુ સમૃદ્ધ બનાવી છે, એ સાથે એમાં આગવી ભાવમુદ્રા પણ અંકિત કરી છે. ‘ગીત’ સંજ્ઞાને આપણે વિચારપૂર્વક યોજવાની છે. કેમ કે, રાજિંદા જીવનમાં એવી અનેક શબ્દરચનાઓ ગીત તરીકે ઓળખાય છે જેને કવિતાનો રજ માત્ર સ્પર્શ હોતો નથી. રેંટિયો કાંતતું બાળક ‘ધીરે ધીરે ચાલે રે, મીઠો મીઠો ગાજે રે, રૂડો મારો રેંટિયો હો જી’ એમ ગાતું હોય, કે સરઘસમાં જોડાયેલા નાગરિકો ‘જાગજો રે શૂરા જાગજો રે’ એવું સંઘગાન ગાતા હોય, ત્યારે એ રચનાઓમાં કવિતાનું રહસ્ય ભાગ્યે જ પ્રતીત થાય છે. છતાં એવી રચનાઓ સમૂહમાં લલકારીને ગવાતી હોવાથી તે ‘ગીત’ની સંજ્ઞા પામે છે. પણ કવિતાની કોટિએ જે પહોંચી નથી એવી ગેય રચનાઓની અહીં વાત નથી. તો, અભિજાત સાહિત્યની પરંપરામાં જે ગીતપ્રકાર ખેડાતો જાય છે, તેને લોકગીત જોડે ઊંડે ઊંડે સૂક્ષ્મ સ્તરનો સંબંધ રહ્યો છે, અને લોકગીતમાંથી તેને સતત પ્રેરણા અને પોષણ મળ્યાં છે એમ અહીં અભિપ્રેત છે, આપણી છંદોબદ્ધ કવિતા કે અછાંદસ રચનાઓ જો કે લોકગીતના પ્રવાહથી અળગી રહી છે, પણ ગીતરચનાઓ તો ફરી ફરીને લોકગીતમાંથી નવી પ્રાણશક્તિ પ્રાપ્ત કરી દેખાય છે. એમ બનવાનું કારણ પણ સમજી શકાય તેવું છે ગીત એ ઊર્મિકાવ્યનો વિશેષ પ્રકાર બની રહ્યો છે, અને કાવ્યસાહિત્યમાં સી. ડી. લૂઈ જેને Singing Line કહે છે તેમાંથી બંનેનો ઉદ્‌ભવ થયો છે. ગુંજન (musing)ની ઇચ્છા, ગેયતાને પોષક લયસિદ્ધિ, માધુર્ય અને આંતરિક સંવાદ, એ તત્ત્વો ગીતરચનામાં પ્રાણભૂત બની રહે છે. લોકગીત અને સાહિત્યિક ગીત વચ્ચે આ ભૂમિકાએ મૂળભૂત સંબંધો જોઈ શકાય. સાહિત્યિક ગીતનો સર્જક, આથી, લોકગીતનાં તત્ત્વોને આત્મગત કરી લેવા મથતો હોય એમ વારંવાર જોવા મળશે. જ્યારે આવાં ગેયતાસાધક તત્ત્વોને ગાળી કાઢી ગીતને છંદોબદ્ધ કે અછાંદસ કોટિની કવિતાનું રૂપ અર્પવાના પ્રયત્નો થયા છે ત્યારે એમાં કશુંક તરડાઈ જતું જોવા મળે છે. અલબત્ત, સાહિત્યિક ગીતનો સર્જક, પોતાની રચનાપ્રવૃત્તિમાં, કળાકીય પ્રયોજન પરત્વે ઉત્કટ સભાનતા દાખવતો દેખાય છે. ગીતનાં ભાવ ભાષા અને રચનારીતિમાં સૂક્ષ્મતા આણવાના, કૃતિની વ્યંજનાનો નિઃસીમ વિસ્તાર થાય તેવું સમૃદ્ધ પોત રચવાના, તેનું દૃઢ સુરેખ શિલ્પ રચવાના, અને ગીતના રૂઢ બંધારણને તોડી કે શિથિલ કરી એમાંયે નવા આકારની શક્યતા તપાસી જોવાના તે પ્રયત્નો કરે છે. સાહિત્યિક ગીતરચના, આથી, એની ઉત્તમ સિદ્ધિ મેળવે છે, ત્યારે ઘણી સંતર્પક નીવડે છે. પણ તેથી લોકગીતની રસસમૃદ્ધિ હંમેશાં ઓછી જ હોય એવું નથી. લોકપરંપરાની અસંખ્ય ગીતરચનાઓ એમાં વ્યક્ત થતા સરળ નિર્વ્યાજ ભાવનિરૂપણને કારણે, એમાંનાં મનોહર ભાવચિત્રો અને અલંકારોને કારણે, અસાધારણ કલ્પનાના ચમકારાને કારણે કે જીવંત લયહિલ્લોળને કારણે આપણા ચિત્તને ભીંજવા જાય છે. મહત્ત્વની વાત એ છે કે આ પ્રકારની લોકગીતની સમૃદ્ધિ સાહિત્યિક રચનાઓને પોષતી ને સંવર્ધતી રહી છે. લોકગીતોમાં કેટલાંક ચિત્રો, કેટલાંક રૂપકો, અને કેટલાંક પ્રતીકો પરંપરાનો સ્વીકાર પામી રૂઢ બની ગયાં દેખાશે. લોકગીતમાં ઊર્મિઓ સાથે ઘૂંટાઈ ઘૂંટાઈને એ ચિત્રો લોકહૈયાંમાં જડાઈ ગયાં હોય છે. એનું લોકગીતમાં અનુરણન થતાં જ લોકહૈયું ઝૂમી ઊઠે છે. આવાં રૂઢ ચિત્રો કે રૂપકો વ્યાપકપણે અસર પાડવાની ક્ષમતા ધરાવે છે. આત્મા માટે ‘મોરલા’નું રૂપક / પ્રતીક ખૂબ જાણીતું છે.

મોર તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો રે
મોરલો મરતલોકમાં આવ્યો!

પરંપરામાં ‘મોરલો’ આ અર્થમાં રૂઢ થયો હશે તે પછી બીજાં અસંખ્ય ગીતોમાં તે જુદે જુદે સંદર્ભે સ્થાન પામતો રહ્યો છે. એનું કળાયેલું રૂપ એક અદ્‌ભુુત ભાવચિત્ર બની રહે છે, અને લોકકવિ એ ભાવચિત્રને ફરી ફરીને ગૂંથી લે છે.

મોર! મોર! ક્યાં થઈને જઈશ !
કળાયેલ મોરલો રે!
(લો. સા. મણકો-૭, પૃ. ૧૨૯)

અને કવિ ન્હાનાલાલમાં એ ‘કળાયેલ મોર’ ફરીથી અનુપમ શોભા ધરીને પ્રગટ થાય છે.

જમનાને કાંઠડે કળાયેલ મોરલો,
મોરલા રે! ત્હારાં મનગમતાં મૂલ!
રાજમ્હેલને કાંઠડે કળાયેલ મોરલો,
મોરલા રે! આપું દિલમાંનાં ફૂલ.
(‘રસગંધા’, પૃ. ૨૬)

લોકગીતોની પરંપરામાં આવાં અસંખ્ય રૂપકો/પ્રતીકો રૂઢ થઈ ચૂક્યાં દેખાય છે. આવાં રૂપકો/પ્રતીકોની આસપાસ અમુક વિચારો અને લાગણીઓનાં સાહચર્યો ગૂંથાઈ ચૂક્યાં હોય છે, અને આ પ્રકારના રૂઢપ્રયોગો લોકહૃદયને વારંવાર સ્પર્શી જતા હોય છે. વિશ્વપ્રકૃતિના માયાવી વિસ્તાર માટે ‘આંબલો’નું રૂપક પણ તરત જ ધ્યાન ખેંચે છે.

આંબો અખંડ ભુવનથી ઊતર્યો,
વ્રજભૂમિમાં આંબાનો છે. વાસ;
સખિરી, આંબો રોપીઓ,
(લો. સા. મણકો-૬, પૃ. ૧૨૧)

લોકગીતની વિશાળ પરંપરામાં ‘આંબે’ ફરી ફરીને રૂપક તરીકે આવ્યો છે, અને રસપ્રદ વાત એ છે કે ન્હાનાલાલમાં તે વ્યાપક સ્વીકાર પામ્યો છે. લોકગીતના સાહિત્યમાં ચંદ્ર, મેઘ, વર્ષા, કોયલ, સૂરજ, ડુંગર, અશ્વ, વલોણું, વીંઝણો, હીંચકો, વેણી, જોગી, જોગણ, માળી, તોરણ જેવા અસંખ્ય પદાર્થો/વ્યક્તિઓ રૂઢ બની ગયાં છે. આવાં રૂપકો કે પ્રતીકોની આસપાસ અમુક કલ્પનાચિત્રો કે લાગણીનાં સાહચર્યો જે રીતે દૃઢ થતાં હોય છે, તે લોકગીતની રૂઢ કાવ્યબાની અલંકારરીતિ કે ભાષાવિન્યાસની પદ્ધતિમાં જોઈ શકાશે. કેટલાંક ઉપમાચિત્રો કે રૂપકાત્મક પ્રયોગો એ રીતે પરંપરામાં વરસો સુધી ચાલતાં રહે છે.

ઓતર દખણ રે ચઢી ઝેણી વાદળી
ઝરમર વરસે મેહ મારા વહાલા.
(લો. સા. મણકો-૨, પૃ. ૩૧)
ઝરમર ઝરમર વરષા વરસતી રે;
ભાભીનાં ભીંજાય ચીર રે... વણઝાર પાળે ઊભી.
(લો. સા. મણકો-૭, પૃ. ૧૦૧)

હવે ન્હાનાલાલની પ્રસિદ્ધ રચનાની પંક્તિઓ સરખાવો :

ઝીણા ઝરમર વરસે મેહ
ભીંજે મારી ચુંદડલીઃ
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચુંદલડી.
(‘રસગંધા’, પૃ. ૧૧૨)

–તળપદા લોકગીતમાં ઝાંખું રહી જતું ભાવચિત્ર અહીં કવિશ્રીની પ્રતિભાના સ્પર્શે અનોખું તેજસ્વી રૂપ ધરે છે! ન્હાનાલાલની ગીત રચનાઓમાં ભાવ, ચિત્ર, લય, અભિવ્યક્તિ અને આકાર આદિ બાબતે લોકગીતનાં રૂઢ તત્ત્વોનું જ નવેસરથી કેવું સુભગ પુનર્વિધાન થયું છે તે એક સ્વતંત્ર અભ્યાસનો વિષય બની રહે એમ છે. રાજેન્દ્ર, બાલમુકુન્દ, પ્રિયકાન્ત આદિની ગીતરચનાઓનો પણ આ રીતે બારીકાઈથી વિચાર કરવાનો રહે. રમેશ, અનિલ, માધવ રામાનુજ વગેરેની ગીતરચનાઓમાં સોરઠી લોકગીતોનું વિશેષ અનુસંધાન રહ્યું છે તે પણ એટલો જ મહત્ત્વનો મુદ્દો છે. લોકગીતોમાં દંતકથાના પાત્ર શી સોનલનું વિશેષ સ્થાન છે. રમેશ પારેખની ગેય રચનાઓમાં એ સોનલ નવા પરિવેશમાં ઉપસ્થિત થાય છે. કવિએ પોતાના અંગત ભાવસંવેદનને પ્રગટ કરવા એ પાત્રનો સુંદર કળાત્મક વિનિયોગ કર્યો છે. પણ માત્ર પાત્રને જ નહિ, લોકકથાના રૂઢ કથાંશોને પણ તેમણે સ્વકીય પ્રતિભાની ઝાંયથી નવી આભા અર્પી છે. ‘ઓલા અવતારે, સોનલ...’ ગીતમાં લોકપરંપરામાં પ્રસિદ્ધ પૂર્વભવની સ્મરણ કથાઓનો સમર્થ રીતે વિનિયોગ કર્યો છે :

ઓલા અવતારે સોનલ, તમે હતાં પંખણી
ને અમે રે ભેંકારે મ્હોર્યો રૂખડો હોજી
તમે ડાળે આવીને લીલું બોલતાં હોજી.
થાવું હશે તે ઊઠ્યા એવા વંટોળિયા કે
તરણાની તોલે અમે ઉખડ્યા હોજી
તડકા લાકડ-પંખી શું અમને ઠોલતા હોજી.
(‘ક્યાં’, પૃ. ૩૫)

અહીં રમેશની પ્રસ્તુત રચનામાં પરંપરાપ્રાપ્ત સામગ્રી અદ્યતન કળાના સંસ્કારો પામી નવું રૂપ પામી શકી છે, એમ સ્પષ્ટ જોઈ શકાશે. આખી રચનાનું માળખું, જો કે, લોકગીતના રૂઢ માળખાને અનુસરે છે. લોકગીતનાં રૂઢ ભાવચિત્રો આજની કવિતામાં કેવી રીતે સ્થાન પામે છે તેનું એક બીજું દૃષ્ટાંત પણ રમેશની કૃતિમાંથી જ લઉં છું. લોકગીતમાં ભાવસમૃદ્ધ ચિત્ર આ પ્રમાણે છે :

આંગણે આસોપાલવનાં ઝાડ
કે બગલાં ઊડી ગયાં રે લોલ
બગલાં ઊડી ગયાં પરદેહ
કે પગલાં પડી રિઆ રે લોલ
(લો. સા. મણકો-૧૦, પૃ. ૨૦૧)

આ ભાવચિત્ર રમેશની ‘પગલાં પડી રહ્યાં’ નામની અછાંદસ રચનામાં વિશિષ્ટ ભાવસંદર્ભ સાથે પ્રવેશે છે. એમ લાગે કે એ રચનાનો પ્રેરણાસ્રોત એવા ભાવચિત્રમાં રહ્યો છે. :

કે બગલાં ઊડી ગયાં
ને પગલાં એનાં પડી રહ્યાં રે લોલ
આંગણ આસોપાલવ ઝાડ
ને બગલાં ઊડી ગયાં રે લોલ
બગલાં ઊડી ગયાં અંકાશ
ને પગલાં પડી રહ્યાં રે લોલ
ન જોયો દાદાએ કૈં દેશ
ન જોયો દાદાએ પરદેશ
ને દીકરી દઈ દીધી રે લોલ...
(‘ક્યાં’, પૃ. ૫૯)

લોકગીતોમાંનાં બીજાંકુર ધરાવતાં અર્થસમૃદ્ધ રૂપકો કે પ્રતીકો આજના કવિના ભાવવિશ્વમાં કેવી રીતે રોપાઈ જાય છે તેનાં એક બે વધુ દૃષ્ટાંતો જોઈ લઈએ. એક લોકગીતમાં અલૌકિક તરુવરની સરસ કલ્પના કરવામાં આવી છે :

હા, મૂળ વના રે એક તરોવર રચિયા
ફૂલફળ લાગ્યાં રે જી.
(લો. સા. મણકો-૨, પૃ. ૫૯)

આ સંદર્ભમાં આજના બે કવિઓની નીચેની કડીઓ સરખાવો :

(૧) મારા વાલમની ડાળીએ રે
એક ફૂલ ખીલ્યું છે!
એની ક્યાંયે કળાયેના ડાળ રે
એનું ક્યાં રે હશે મૂળ?
એક ફૂલ ખીલ્યું છે!
(પ્રહ્‌લાદ : ‘બારી બહાર’, પૃ. ૧૦૭)
(૨) વણવાવ્યો ને વણસીંચ્યો
મારા વાડામાં ઘરપછવાડ રે
મોગરો મ્હોર્યો મ્હોર્યો રે.
(બાલમુકુન્દ : ‘પરિક્રમા’, પૃ. ૭૧)

લોકગીતોમાં રાગ ઢાળ અને લયનું વૈવિધ્ય અત્યંત નોંધપાત્ર છે. એ પૈકી બહુ ઓછા રાગ, ઢાળ કે લયનો અર્વાચીન ગીતોમાં વિનિયોગ થયો દેખાય છે. પણ આ સંદર્ભમાં આપણે એક મહત્ત્વની વાત લક્ષમાં રાખવાની છે, અને તે એ કે આજના કવિઓ ગીતરચનાનું તંત્ર જાળવી રાખતા છતાં તેની ગેયતા અને તેના શબ્દસંગીતનો લોપ કરવા ચાહે છે. કૃતિના ભાવ અને અર્થના વિકાસમાં ગેયતા અવરોધક બની ન જાય તે માટે તે પ્રયત્નશીલ રહ્યો દેખાય છે. કેટલીક વાર પરંપરાગત રાગ કે ઢાળને ત્યજી તે માત્રામેળી બીજનું પુનરાવર્તન કરી વિશિષ્ટ લય નિપજાવે છે. રમેશની કૃતિ ‘ધીરે ધીરે ઢાળ ઊતરતાં ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ’ કે યશવંતની ‘વાદળીઓનાં શ્વેત કબૂતર ઝરે’ જેવી રચનાઓ માત્રામેળી લયની પંક્તિઓ ધરાવે છે. આજના ગીતકવિ આ રીતે પરંપરાગત રાગ ઢાળ કે લયને છોડી દે છે, અને છતાં લોકગીતના સંસ્કારોથી સર્વથા મુક્ત બનવાનું તેને માટે શક્ય નથી. લોકપરંપરામાંથી ગીત સિવાય બીજા પ્રકારો અર્વાચીન કવિતામાં ખાસ સ્વીકાર પામ્યા દેખાતા નથી. ક્વચિત્‌ મરશિયા જેવા પ્રકારનો વ્યંગ કટાક્ષ અર્થે નવા સંદર્ભમાં વિનિયોગ થયો છે ખરો. સ્વ. રાવજીની કૃતિ ‘હુંશીલાલની યાદમાં’ તેમ જ રમેશની કૃતિ ‘રાણી સોનાંદેનું મરશિયું’ આ દૃષ્ટિએ ધ્યાનપાત્ર છે. રાવજીની બીજી એક રચના ‘મિસ જુલીયટનું પ્રણયગીત’ પણ આ જાતના વિષયવાળા એક લોકગીતની પૅરડી જ છે. આ જાતના અધ્યયન માટે વિશાળ ક્ષેત્ર ખુલ્લું થતું દેખાય છે. લોકસાહિત્ય અને અભિજાત સાહિત્ય બંને પરંપરામાં, ખરેખર તો, ભાષાસંયોજન અને અભિવ્યક્તિના સ્તરેથી વિશિષ્ટ કૃતિઓનો તુલનાત્મક વિચાર કરવો જોઈએ. એ રીતે જ એ બે કોટિના સાહિત્યના આંતરસંબંધો વિશેષ સ્પષ્ટ બની શકશે.