પ્રતીતિ/શ્રી સુંદરમ્‌નું સૈદ્ધાંતિક વિવેચન



શ્રી સુન્દરમ્‌નું સૈદ્ધાંતિક વિવેચન

આપણા સૈદ્ધાંતિક વિવેચનની આ એક તાસીર બની ચૂકી છે : આ ક્ષેત્રમાં અત્યાર સુધી આપણા અગ્રણી વિવેચકો દ્વારા જે કંઈ મહત્ત્વપૂર્ણ કાર્ય થયું છે, તે ઘણું કરીને છૂટક લેખોના રૂપમાં નીપજી આવેલું છે. સુન્દરમ્‌ના સૈદ્ધાંતિક વિવેચનની બાબતમાં ય આ વાત લાગુ પડે છે. છૂટક લેખો, વ્યાખ્યાનો, પત્રચર્ચાઓ, આદિરૂપે તેમનું એ પ્રકારનું વિવેચન અસ્તિત્વમાં આવેલું છે.[1] તેમનાં એ લખાણો, હકીકતમાં, તેમની પાંચ સાડાપાંચ દાયકા જેટલી લાંબી સાહિત્યિક કારકિર્દીને આવરી રહે છે. આટલા લાંબા સમય સુધી સાહિત્યતત્ત્વની ચર્ચા કરનાર કોઈ પણ વિવેચકના વસ્તુવિચારમાં થોડાક પણ આંતરિક વિકાસ ન દેખાય કે વિવેચનદૃષ્ટિમાં કશુંક પણ પરિવર્તન જેવું ન સંભવે, તો જ આશ્ચર્ય. પણ સુંદરમ્‌ના સિદ્ધાંત-વિચારની બાબતમાં તો એવું બન્યું છે કે, પાંચમા દાયકામાં-કારકિર્દીના ઉત્તર તબક્કામાં તેમાં ચોક્કસ મૂળગામી પરિવર્તન આવ્યું છે. ૧૯૪૫ના વર્ષમાં તેમનું પોંડિચેરી શ્રી અરવિંદના આશ્રમમાં જઈ વસવું, અને ત્યાં શ્રી અરવિંદ અને શ્રી માતાજી જેવાં મહાન સાધકોના ગાઢ સંપર્કમાં મુકાવું, એ ઘટના તેમના કાવ્યસર્જનમાં, તત્ત્વચિંતનમાં, તેમજ કાવ્યવિભાવનામાં મહત્ત્વનો વળાંક લાવનારી બની છે. અહીં, શ્રી અરવિંદની જીવનદૃષ્ટિમાં તેમ તેમણે સ્વીકારેલા માર્ગમાં, તેમની શ્રદ્ધા ઠરી શકી. સમૃત્ક્રાંતિના ક્રમમાં આ વિશ્વજીવન ગતિ કરી રહ્યું છે, અને અહીં આ પૃથ્વીપટ પર અતિમનસનું અવતરણ થવાનું છે, એવી શ્રી અરવિંદની દાર્શનિક વિચારણાએ તેમના માનસ પર ઘણો ઊંડો પ્રભાવ પાડ્યો હોય, એ સ્વાભાવિક છે. શ્રી અરવિંદની મંત્રકવિતાની વિચારણા તો સુન્દરમ્‌ના સમગ્ર ઉત્તરકાલીન કાવ્યવિચારને સ્પષ્ટ વળાંક અર્પે છે; બલકે, શ્રી અરવિંદની ‘ભાષા’નું તેમાં ગાઢ અનુસંધાન થવા પામ્યું છે, એમ પણ જોઈ શકાશે. તેમના પ્રસિદ્ધ વિવેચનગ્રંથ ‘અર્વાચીન કવિતા’ (પ્ર. વ. ૧૯૪૬)ની ‘વિવેચનદૃષ્ટિ’ એવા શીર્ષકની પ્રસ્તાવના આ સંદર્ભે ઉલ્લેખનીય છે. તેમની કાવ્યચર્ચાની ભાષા અને ભૂમિકા બદલાઈ રહ્યાં હોય એવા સ્પષ્ટ સંકેતો એમાં મળે છે. શ્રી અરવિંદની કાવ્યવિચારણાની એમાં પ્રેરણા રહી છે, એમ અનુમાન કરવામાં ઝાઝું જોખમ નથી. આ પૂર્વે સાહિત્યના પ્રશ્નો વિશે તેમણે જે કેટલાક લેખો લખ્યા હતા, તેમાં તેમની પ્રબળ સામાજિક સંપ્રજ્ઞતા છતી થઈ હતી. સમાજજીવન જોડે સાહિત્યને અને સાહિત્યકારને ચોક્કસ નિસ્બત હોય, હોવી જોઈએ, એવી તેમની સમજ એમાં કામ કરી રહી હતી. તેમની આરંભના તબક્કાની વિચારસૃષ્ટિ પર ગાંધીજીની જીવનવિચારણા, રશિયન ક્રાંતિ, સામ્યવાદ, પ્રગતિવાદ, આદિ પરિબળોએ પ્રગટ કે પ્રચ્છન્નપણે અમુક અસરો પાડી જ હતી. જો કે, આ પ્રકીર્ણ લેખોની સિદ્ધાંતચર્ચામાં કેટલાક તાંતણાઓ છૂટા રહી ગયા છે, એમાંથી સુગ્રથિત સિદ્ધાંત રચાતો નથી. પછીથી શ્રી અરવિંદના દર્શનના પ્રકાશમાં, અલબત્ત, છૂટક લેખો અને વ્યાખ્યાનો રૂપે જ, તેમણે જે જે વિચારણાઓ રજૂ કરી, તેનો તો ઠીક ઠીક નક્કર પુદ્‌ગલ રચાવા પામ્યો છે. એનું કારણ પણ સ્પષ્ટ છે. ઉત્તરકાલીન કાવ્યચર્ચાને ચોક્કસ દાર્શનિક વિચારણાની ભૂમિકા મળી છે. તેમના બીજા એક મહત્ત્વના વિવેચનગ્રંથ ‘અવલોકના’ (પ્ર. વ. ૧૯૬૫)માં સંચિત થયેલાં વિવેચનો અને ગ્રંથાવલોકનો પાછળની તેમની વિવેચનદૃષ્ટિ વિશે ય અહીં નિર્દેશ કરી લેવાનું આવશ્યક છે. એ લખાણોનાં લેખનપ્રકાશનનાં વર્ષોની તપાસ કરતાં જણાશે કે એમાંનાં ઘણાંખરાં વિવેચનો/અવલોકનો તેઓ પોંડિચેરી જઈ વસ્યા તે પૂર્વેનાં છે. આપણે માટે ધ્યાનાર્હ મુદ્દો એ છે કે કૃતિ/કર્તા વિશેનાં એ વિવેચનો અને મૂલ્યાંકનોમાં શ્રી અરવિંદને અભિમત સાહિત્યવિચાર કે તત્ત્વદૃષ્ટિનો ખાસ વિનિયોગ જોવા મળતો નથી. અલબત્ત, કૃતિઓની તપાસમાં તેમની રસલક્ષી દૃષ્ટિ જ મુખ્યત્વે પ્રવર્તતી રહી છે, પણ એમાં ‘રસ’ કે ‘સૌંદર્ય’ને વિશિષ્ટ દાર્શનિક કે આધ્યાત્મિક સંકેતો હજી પ્રાપ્ત થયા નથી; અથવા કૃતિવિચારમાં એવી કોઈ આધ્યાત્મિક ભૂમિકાનું ગાઢ અનુસંધાન મળ્યું દેખાતું નથી. જો કે પિસ્તાળીસ છેતાળીસનાં વર્ષોમાં શ્રી અરવિંદની વિચારણાનો એમાં પણ પાસ લાગવો શરૂ થઈ ચૂક્યો હતો. ‘સર્જકોનું સંમેલન’[2], ‘પત્રોમાંથી’,[2] ‘કળા અને બીજી પ્રવૃત્તિઓ’,[2] ‘કળામાં અનુકરણ’,[2] ‘કવિતાના ધામમાં’,[3] ‘પરાવરની યાત્રા’,[3]‘યાત્રા : સૌંદર્યની અને સત્યની’,[3] અને ‘તપોગિરિની આનંદયાત્રા’,[3] જેવા લેખોની ચર્ચાઓમાં તેમની ઉત્તરકાલીન વિચારણાની મુખ્ય ભૂમિકા સરસ રીતે ઊપસી આવતી દેખાય છે. એમાં, ખરેખર તો, તેમના વિશ્વજીવનને લગતી દાર્શનિક વિચારણા અને કાવ્યતત્ત્વવિચારણા બંને વસ્તુ જોડાઈ જાય છે. અથવા, એમ કહીએ કે, હવે પછીની તેમની કાવ્યતત્ત્વવિચારણા વ્યાપક જીવનદર્શનની અંતર્ગત રહીને વિકસતી રહેલી છે. આ તબક્કે તેમની સિદ્ધાંતચર્ચા આપણા સર્જાયેલા અને સર્જાતા જતા સાહિત્યની ગતિવિધિથી અળગી બની જતી જણાશે. શ્રી અરવિંદને ઇષ્ટ એવી ‘મંત્રકવિતા’ની વિચારણા એમાં મુખ્યત્વે પ્રેરક રહી છે. એમાં બૌદ્ધિક અને તાર્કિક સ્તરેથી ચિંતન કરવાનું વલણ ઓછું છે; આથી ઊલટું, કવિ અને કવિતા વિશે શ્રદ્ધામૂલક ઉદ્‌ગારો રજૂ કરવાનો ઉપક્રમ એમાં વિશેષ ધ્યાન ખેંચે છે. એક ગ્રંથસમીક્ષક તરીકે સુંદરમે કવિતા ઉપરાંત ટૂંકી વાર્તા, નવલકથા, નાટક આદિ ભિન્ન ભિન્ન સ્વરૂપની કૃતિઓ સાથે કામ પાડ્યું છે, લગભગ એક સરખી માર્મિક સૂઝ અને શક્તિથી કામ પાડ્યું છે. આપણા ગ્રંથસમીક્ષાના ક્ષેત્રમાં તેમનું, એ રીતે, ઘણું મહત્ત્વનું અર્પણ રહ્યું છે. પણ સિદ્ધાંત વિવેચનના ક્ષેત્રમાં તો કાવ્યકળાને લગતા પ્રશ્નો પર જ તેમનું લક્ષ્ય કેન્દ્રિત થયેલું છે. (‘કાવ્ય’ સંજ્ઞાને વ્યાપક અર્થમાં લેતાં તે સમસ્ત ‘લલિત’ કે ‘સર્જનાત્મક’ સાહિત્યને અનુલક્ષે છે. એટલે ‘કાવ્ય’ને લગતી તાત્ત્વિક ચર્ચા સહેજે વિશાળ ‘લલિત’ સાહિત્યને લાગુ પાડી શકાય. એવી આપણી સમજ રહી છે; અને, એ સાચી સમજ છે. પણ આ રીતની અતિવ્યાપક સ્તરની તત્ત્વચર્ચામાં ટૂંકી વાર્તા, આદિ વિશિષ્ટ સ્વરૂપોના કેટલાક આગવા પ્રશ્નો બરોબર ઊપસવા પામતા નથી, એ વાત આપણે સ્મરણમાં રાખવી જોઈએ) કાવ્યનું સ્વરૂપ, તેનાં પ્રયોજનો, અન્ય માનવપ્રવૃત્તિઓથી તેની ભિન્નતા કે વિશેષતા, સમાજજીવન જોડેનો તેનો સંબંધ, ‘પ્રતિભા’ ‘પ્રેરણા’ અને ‘દર્શન’નું સ્વરૂપ કવિતામાં તત્ત્વબોધ કે સત્યબોધનું અનુસંધાન, સર્જક-વિવેચક-ભાવક એ ત્રણ મળીને રચાતું ઘટનાચક્ર – એ મુદ્દાઓ તેમનાં લખાણોમાં ફરી ફરીને સ્પર્શાતા રહ્યા છે. એમાં કેટલાક વિચારોનું પુનરાવર્તન પણ જોવા મળશે. જુદે જુદે નિમિત્તે કેટલીક ચર્ચા ફરી ફરીને રજૂ થઈ છે. પણ નિકટતાથી તપાસ કરતાં જણાશે કે અગાઉ ચર્ચાયેલા અનેક મુદ્દાઓનું એમાં સમય જતાં વધુ સ્પષ્ટીકરણ થવા પામ્યું છે, કે નવા પરિપ્રેક્ષ્યમાં નવા અર્થભાર સાથે તેનું વિવરણ થયું છે. ‘ગુજરાતી સાહિત્યમાં નિબંધ’[4] લેખમાં નિબંધ સ્વરૂપની, અને ‘ગીતનું સ્વરૂપ’[4] લેખમાં ગીતના બંધારણની ચર્ચા. તેમના સિદ્ધાંતવિચારમાં ખાસ તો એ રીતે ધ્યાન ખેંચે છે કે એમાં કોઈ દાર્શનિક કે આધ્યાત્મિક સંદર્ભ નથી. એ બે સ્વરૂપોની સૂક્ષ્મ અંતર્દૃષ્ટિવાળી ચર્ચા, એ રીતે, સુખદ આશ્ચર્ય જગાડી જાય છે. સુંદરમે સાહિત્યતત્ત્વને લગતી જે વિચારણાઓ કરી તેમાં તેમની તાત્ત્વિક ભૂમિકા પાંચમા દાયકામાં બદલાઈ છે એ ખરું. પણ એ ભૂમિકાભેદને લક્ષમાં લઈએ ત્યાર પછી ય, એમ જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, એમાં કવિતા (કે સાહિત્યનો)નો સર્જક અને તેનો આસ્વાદકવિવેચક, એ બેનો વિચાર જ વધુ કેન્દ્રમાં રહ્યો છે. આધુનિક સમયના અભ્યાસીઓનો એક મોટો વર્ગ જે રીતે સર્જક અને ભાવકથી કૃતિને અલગ કરી, તેનો એક સ્વતંત્ર, સ્વાયત્ત, અને આત્મનિર્ભર વિશ્વ લેખે વિચાર કરવા પ્રવૃત્ત થયો છે, તે રીતે કૃતિનો અલગ વિચાર કરવાનો સુન્દરમ્‌માં કોઈ ખાસ ઉપક્રમ દેખાતો નથી. એ રીતે કૃતિના ontological statusના અને તેની સાથે સંલગ્નિત આકાર, રચનારીતિ, અને ભાષાકર્મના પ્રશ્નો તેમના સિદ્ધાંતવિવેચનમાં અતિ ગૌણ બની રહ્યા છે. ‘કાવ્ય’ નામના પદાર્થનો અને કાવ્યકળાની પ્રવૃત્તિનો સુન્દરમ્‌ના સિદ્ધાંતવિચારમાં આરંભથી જ વિશેષ મહિમા રહેલો છે. તેઓ ગાંધીયુગના મધ્યાહ્નકાળે આ પ્રકારની ચર્ચા આરંભી રહ્યા હતા એ વાત લક્ષમાં લઈએ, તો એ વિશે ઝાઝા આશ્ચર્યને કારણ રહેતું નથી. વ્યક્તિના જીવનમાં, તેમ જ વ્યાપકપણે સમાજજીવનમાં, કળાસર્જન એક શ્રેયસ્કર પ્રવૃત્તિ છે, એમ તેઓ આરંભથી સતત પ્રતિપાદિત કરતા રહ્યા છે. પણ સુન્દરમ્‌ના અભિગમની વિશેષતા એ કે કળાના કેવળ સૌંદર્યતત્ત્વ કે રસકીય તત્ત્વને અનુલક્ષીને તેઓ તેનો મહિમા કરે છે. કાવ્ય સ્વયં એક સૂક્ષ્મ રમણીય તત્ત્વ છે, ‘રસ’ ‘સૌન્દર્ય’ અને ‘આનંદ’નું તે અધિષ્ઠાન છે; અને એનું અનોખું મહત્ત્વ પણ તેની એ રસાત્મકતાને લીધે જ છે–એવી તેમની આરંભકાળથી સમજ રહી છે. ૧૯૨૯માં ‘ભાષાભક્તિ’[5] નામે તેમણે જે લેખ લખ્યો હતો, તેમાં ‘ભાષા’ અને ‘સાહિત્ય’ બંને ય પદાર્થોને તેમણે ‘મહાશક્તિઓ’ રૂપે ઓળખાવ્યા હતા. એ સાથે, ‘બંનેની પવિત્રતાનો ખ્યાલ આપણે મનમાં ઠસાવવો જોઈએ’ – એવો નૈતિક આગ્રહ પણ તેમણે પ્રગટ કરેલો. સર્જકને માટે કળાનું સર્જન કેવળ શબ્દલીલા કે ક્રીડા માત્ર નથી; માનવજીવનની એ એક ગંભીર જવાબદારીવાળી પ્રવૃત્તિ છે, અને સમાજના ‘સર્વતોભદ્ર વિકાસ’માં તે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે, એવી તેમની પ્રતીતિ રહી છે. કાવ્ય માનવહૃદયની ઊર્મિઓને જાગૃત કરે છે, જીવનતત્ત્વને પ્રેરે છે, અને તેના વિકાસમાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે, અને એ રીતે તેનું અપ્રતિમ મૂલ્ય ઊભું થય છે, એમ તેઓ કહે છે. સુન્દરમ્‌ની દૃષ્ટિમાં કવિપુરુષની એક તેજસ્વી ગૌરવાન્વિત પ્રતિમા વસી ગઈ છે. પ્રતિભાશાળી કવિ ‘ક્રાન્તદૃષ્ટા’ હોય છે. વિશ્વજીવનનાં સૌન્દર્યો અને ગહન સત્યોને તે સહજમાં ગ્રહણ કરી લે છે, તેની તીવ્ર સઘન અનુભૂતિમાં સત્ય સ્વયં પ્રગટ થઈ જાય છે; જો કે પ્રતિભાને પણ અન્ય શાસ્ત્રોનું પોષણ મળવું જોઈએ એમ તેઓ કહે છે. બીજી બાજુ, પ્રતિભાની અવેજીમાં કોઈ શાસ્ત્ર, કોઈ વિદ્યાથી કામ ચાલી શકે નહિ. પ્રતિભાશાળી સર્જક ખરેખર સ્વયં આગવાં મૂલ્યો નિપજાવી આપે છે. વ્યાકરણ, અલંકાર, છંદ જેવાં શાસ્ત્રોના નિયમોમાં તે બંધાઈ રહેતી નથી, એમ પણ તેઓ સ્પષ્ટ કરે છે. વિસ્મય લાગે એવા મુદ્દો કદાચ એ છે, કે આપણા સમયના મોટા ભાગના સર્જકો વર્તમાન માનવપરિસ્થિતિની વિષમતાઓ અને અરાજકતાઓ વચ્ચે આત્મહ્રાસ કે વિચ્છિન્નતાની લાગણીઓ અનુભવી રહ્યા છે, ત્યારે સુન્દરમ્‌નો કવિપુરુષ મંત્રકવિતાનો વાહક બનવા ચાહે છે. તેની સર્જક તરીકેની ગતિ જુદી જ ભૂમિકાની છે. સુન્દરમે પોતાના કાવ્યવિચારમાં રસકીય તત્ત્વનો સતત પુરસ્કાર કર્યો છે. (ગ્રંથવિવેચનમાં પણ રસકીય અભિગમ જ મુખ્યત્વે સ્વીકાર્યો છે.) રસસૌંદર્ય-આનંદની પ્રાપ્તિ એ જ કવિતાનું પરમ પ્રયોજન છે, એ મુદ્દો ય સતત ભારપૂર્વક તેઓ ઉપસાવતા રહ્યા છે. નોંધપાત્ર છે કે ‘રસ’ ‘સૌંદર્ય’ અને ‘આનંદ’ એ ત્રણે સંજ્ઞાઓ એકમેકની પર્યાય હોય એ રીતે, કે અર્થબોધમાં ત્રણેયને પરસ્પરને પૂરક લેખવીને, તેઓ સાથે સાથે યોજતા રહેલા છે. (એ જ રીતે ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ એ બે સંજ્ઞાઓને પણ ઘણા સંદર્ભોમાં સાથે સાંકળી છે.) તેમની મુખ્ય ભૂમિકા એ રહી છે કે પ્રતિભાશાળી સર્જકની કૃતિમાં સૌંદર્ય અને સત્યનું યુગપદ્‌ આકલન થતું હોય છે; અને વિશેષ તો એની રસકીય ક્ષમતા એ જ એનું સાચું બળ બને છે. સાહિત્યને જીવન સાથે ઊંડો ઘનિષ્ઠ સંબંધ છે. રસકીય ચેતના સ્વયં જીવનના ‘ગહનતમ મર્મભાગ’ સુધી પહોંચી શકે છે. એટલે વ્યક્તિના તેમ સમાજના આંતરવિકાસમાં તે મહત્ત્વનો ફાળો આપે છે. “માનવજાતિમાં અસ્મિતા જાગી ત્યારથી, શરીરની સાથે જન્મતા તેના સાંધાને આર્દ્ર રાખનાર રસની પેઠે કળાઓ જન્મી છે, અને તે માનવજાતિના વિરામકાળે કે યુદ્ધકાળે, પ્રહર્ષમાં અને સંઘર્ષમાં, પોતાનું સ્નિગ્ધ આંજણ આંજી રહી છે. એ ન હોત તો માનવજાતના યંત્રના સાંધાઓ ક્યારના ગરમ થઈને સળગી ગયા હોત.”[6] અહીં સાહિત્યના ‘સામાજિક કાર્ય’ને લગતો તેમનો એક વિલક્ષણ ખ્યાલ રજૂ થયો છે. જો કે માનવસમાજના ‘સાંધાઓ’ તે કયા અને તેને ‘સ્નિગ્ધ’ રાખવાનું કામ કળા શી રીતે કરે છે, તે વિશે અહીં પૂરી સ્પષ્ટતા થતી નથી. પણ તેમની આરંભકાળની સાહિત્યચર્ચા સમાજજીવન પરત્વે કેવી નિસ્બત ધરાવે છે, તે એમાં સૂચવાઈ જાય છે કવિતાના રસતત્ત્વની ક્ષમતા વિશે બીજા એક સંદર્ભમાં તેઓ આ રીતે વિચાર કરે છે : ‘પ્રતિભાથી પ્રેરાયેલી કવિતા પોતાનું એ કામ કરે જ છે. પોતાના દુર્ઘર્ષ વજ્રથી એ જગતની કાળમીંઢ કઠોરતાને ભેદી રહી છે, અને સત્ય શિવ અને સૌંદર્યનાં પાણી જગતમાં રેલાવી રહી છે.’[7] અલબત્ત, વર્તમાન જગતની વિષમતાઓ-મહાયુદ્ધો, સામૂહિક માનવસંહાર, જુલ્મો, શોષણો, યાતનાઓ વગેરે-નો ખ્યાલ, કોઈક પ્રસંગે, તેમની શ્રદ્ધાને ડગાવી જાય છે; પણ તરત જ શ્રદ્ધાનું આલંબન તેઓ મેળવી લે છે : ‘જો માનવભક્ષક તોપોની વાણી ભયંકરતર બની છે, તો એનો સામનો કરનાર માનવતાની સ્થાપના કરનારી હૃદયવીણાની વાણી પણ આજ લગી હતી તે કરતાં પ્રબળતર અને વ્યાપક બની છે.’[8] તેમની આ જાતની વિચારણા પાછળ તેમનો આશાવાદ જ કામ કરી રહ્યો છે એમ કહેવું જોઈએ. કેમ કે, આજના જગતમાં જે પ્રચંડ યુદ્ધો અને સંહારો અને હિંસાઓ ચાલી રહ્યાં છે, તેના કોલાહલો વચ્ચે, ખરેખર ક્યાંય પણ કોઈ એક કવિનો ‘અવાજ’ અસરકારક બનીને પ્રવર્ત્યો છે ખરો, અથવા કોઈ સાહિત્યકૃતિ એવી અરાજકતા અને વિષમતાઓને રોકવામાં સફળ થઈ છે ખરી, એવો પ્રશ્ન આપણા મનના ઊંડાણમાંથી સહજ જ ઊઠી આવે છે. પણ સુંદરમ્‌ તો આધ્યાત્મિક ભૂમિકાએથી ગતિ કરતા રહ્યા છે, તેમની શ્રદ્ધાભૂમિ આગવી છે... કવિતાની આ રીતની આંતરિક શક્તિ છતાં માનવઇતિહાસમાં વારંવાર તે અન્ય માનવપ્રવૃત્તિઓને વશ થઈ છે. એમ કહો કે, ‘રસ’ અને ‘સૌંદર્ય’ના મૂળ હેતુથી ભિન્ન એવા અન્ય હેતુઓ અર્થે તેને જોતરવામાં આવી છે. સુન્દરમ્‌ આ અંગે એવી ટીકાટિપ્પણી રજૂ કરે છે કે કાવ્યાદિ કળાઓ પાસે આ રીતે પોતાનું કામ કઢાવી લેવા ચાહતી અન્ય માનવપ્રવૃત્તિઓ જાણ્યેઅજાણ્યે ય પોતાની અશક્તિનો જ એકરાર કરી દે છે. જો કે આ વિશે વિધેયાત્મક દૃષ્ટિએ પણ તેઓ ચિંતન કરતા રહ્યા છે. તેઓ એમ કહે છે કે ધર્મ, સદાચાર, લોકસંગ્રહ, સામ્યવાદ કે સ્વાતંત્ર્ય – એ સર્વ માનવપ્રવૃત્તિઓ, અંતે તો, માનવજાતિને પરમ ‘સત્ય’ અને ‘આનંદ’ની અવસ્થા તરફ લઈ જવાને માટે છે. ધર્મ સદાચાર આદિ પ્રવૃત્તિઓ જે કાર્ય ‘બેત્રણ વળાંકો’ લઈને કરી શકે છે તે કાર્ય કળા સીધેસીધું પ્રથમતઃ કરે છે. માનવજાતિની સર્વ પ્રવૃત્તિઓના અંતિમ લક્ષ્ય તરીકે સુન્દરમ્‌ અહીં ‘સત્ય’ અને ‘સૌંદર્ય’ને પ્રતિષ્ઠિત કરવા ચાહે છે, તે હકીકત તેમના સૈદ્ધાંતિક વિવેચનના વિકાસસંદર્ભે મહત્ત્વની બની રહે છે. આ વિચાર તેમના બીજા એક લેખમાં જુદી રીતે સ્પષ્ટ થયો છે : “જો કળા કળાને ખાતર ન હોઈ શકે, તો નીતિ નીતિને ખાતર ન હોઈ શકે, સ્વતંત્રતા સ્વતંત્રતાને ખાતર ન હોઈ શકે. લોકસંગ્રહ લોકસંગ્રહને ખાતર ન હોઈ શકે. લોકસંગ્રહ કરી કરીને પણ જીવનને લઈ જવાનું છે તે તો પેલા ઋત ચિત અને આનંદના તરફ. જનતાનું જો દારિદ્ર્ય ટળે, તેનાં શોષણ, પરાધીનતા, અજ્ઞાન, અશક્તિ, અસંસ્કાર વગેરે નિર્મૂળ થાય, તો તે એટલા જ માટે કે એથી જીવનમાં આનંદની સ્થાપના પ્રાકટ્ય થાય. ચિતજ્ઞાન અને બળ સર્વસુલભ થાય. સર્વને ઋતનું સત્યનું દર્શન થાય. બીજી બધી પ્રવૃત્તિઓ કરતાં કળાની ગતિ આ ઋત ચિત અને આનંદ તરફ વધારે સીધી છે, એકાગ્ર છે.”[9] અહીં પણ માનવજાતિની બધી જ પ્રવૃત્તિઓના પરમ લક્ષ્ય તરીકે સુન્દરમ્‌ ‘ઋત’, ‘ચિત’ અને ‘આનંદ’ને ગણાવે છે. કળાપ્રવૃત્તિની વિશેષતા એ છે કે એ પ્રયોજન બીજી બધી પ્રવૃત્તિઓ કરતાં ‘વધારે સીધી’ રીતે અને ‘એકાગ્રપણે’ સિદ્ધ થાય છે. આ અંગે ચર્ચા કરતાં સુન્દરમ્‌ કળાપ્રવૃત્તિ પણ અન્ય માનવપ્રવૃત્તિઓ જેટલી જ ‘સ્વાધીન’ અને ‘સ્વાયત્ત’ હોવાનું કહે છે. પણ તેમની ‘સ્વાધીન’ અને ‘સ્વાયત્ત’ સંજ્ઞાઓના સંકેતો બરોબર તપાસી લેવાના રહે છે. કેમ કે, આધુનિક પાશ્ચાત્ય વિવેચનમાં પણ કળાકૃતિની autonomyનો આગવો ખ્યાલ પ્રતિષ્ઠિત થયેલો છે. સર્જનની ક્ષણોમાં સર્જક પોતાના મનના અસ્ફુટ કે અર્ધસ્ફુટ ભાવસંવેદનને જે રીતે શબ્દરૂપ અર્પવા પ્રયત્ન કરે છે–કળાત્મક રૂપમાં મૂકવા મથી રહે છે–તેમાં ભાષા સ્વયં એક વિધાયક બળ બનીને ભાગ ભજવે છે. એ પ્રક્રિયામાં સર્જક પોતાની ભાષાની અંતરક્ષમતાનો પણ સંપ્રજ્ઞપણે તાગ લેવા પ્રવૃત્ત થાય છે. તેનું સંવેદનતત્ત્વ સક્રિય બનીને શબ્દને સાકાર કરે છે, તો, શબ્દના નવવિધાન દ્વારા સંવેદનનાં અવનવાં સ્તરો ખુલ્લાં થતાં આવે છે. આમ, ક્રિયાપ્રતિક્રિયા દ્વારા, કૃતિનું અંતિમ વિશિષ્ટ રૂપ બંધાવા પામે છે. આ રીતે રૂપબદ્ધ થયેલી અનુભૂતિનો કોઈ analogue સર્જકના ચિત્તમાં આરંભે જન્મ્યો નહોતો. સર્જનની પ્રક્રિયા દ્વારા, અને એના અનિવાર્ય પરિણામ રૂપે, આપણને જે કળાવિશ્વ પ્રાપ્ત થાય છે, તે સાચા અર્થમાં autonomous world બની રહે છે. પણ સુન્દરમ્‌ કળાપ્રવૃત્તિને ‘સ્વાધીન’ કે ‘સ્વાયત્ત’ રૂપે ઓળખાવે છે, ત્યારે આ જાતનો અર્થ તેમને અભિપ્રેત હોય એમ જણાતું નથી. એમાં સર્જનપ્રક્રિયાની એવી અનિવાર્યતા સ્વીકારાઈ નથી. ‘ઋત’ ‘ચિત’ અને ‘આનંદ’નાં લક્ષ્યો તો બીજી પ્રવૃત્તિઓ દ્વારા ય સર થઈ શકે એમ છે. પણ કળા દ્વારા એ સીધું પાર પડે છે, એ રીતે જ તેનું આગવું મહત્ત્વ છે. માત્ર રસસિદ્ધિનું નિજી લક્ષ્ય સ્વીકાર્યું હોવા પૂરતી તે ‘સ્વાધીન’ અને ‘સ્વાયત્ત’ છે. સાહિત્યાદિ કળાઓને માનવજીવન સાથે અત્યંત માર્મિક અને ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે, એવો ખ્યાલ સુન્દરમ્‌ની આરંભની વિચારણાઓમાં ફરીફરીને પ્રતિષ્ઠિત થયેલો છે. સમાજજીવન જોડે સાહિત્યપ્રવૃત્તિ, ખરેખર, તો ઘણી સંકુલ રીતે સંકળાયેલી છે. સાહિત્યની રચનામાં લોકજીવનની લાગણીઓ, વિચારણાઓ, ભાવનાઓ, આંતરસંઘર્ષો એ બધું તેના સર્જકને પ્રેરકબળ બની શકે છે. પણ, એ સાથે, તેની કૃતિ તેના સમસ્ત ભાવક વર્ગ પર ઓછીવત્તી અસરો ય મૂકી જાય છે, તે ય એટલું જ સાચું છે. સાહિત્યના પ્રશ્નોને સુન્દરમ્‌, આથી, સર્જકની સાથે તેમ ભાવકોની સાથે સાંકળીને વિચારવા પ્રેરાયા છે. કવિતાની વ્યાખ્યા કરતાં મમ્મટે તેને ‘નિયતિકૃતનિયમરહિતા’ તરીકે ઓળખાવ્યા પછી, ‘અનન્યપરતંત્રા’ તરીકે ય ઓળખાવી છે. મમ્મટના આ ખ્યાલ સાથે સુન્દરમ્‌ સંમત થતા નથી. સાહિત્યની પ્રવૃત્તિ તેના ભાવકો સાથે નિસ્બત ધરાવે જ છે, એમ તેઓ પ્રતિપાદિત કરવા ચાહે છે. પોતાની કૃતિમાં સાહિત્યકાર જે જે લાગણીઓ વિચારો આદિ તત્ત્વો રજૂ કરે છે, તે તેના ભાવકોમાં બરોબર સંક્રમિત થઈ શકે એમ છે કે નહિ, અને ભાવકોને માટે તે ‘પથ્યકારી’ બનશે કે કેમ, તેનો ય તેણે ખ્યાલ કરવાનો રહે છે. ‘પ્રતિભા’ના ખ્યાલની સાથોસાથ સુન્દરમે ‘પ્રેરણા’નો ખ્યાલ પણ પ્રતિષ્ઠિત કરેલો છે. સર્જકને માટે ‘પ્રેરણા’ એ એક ‘આંતરિક ઘટના’ છે એમ તેઓ કહે છે, પણ આ મુદ્દા પરત્વે સમાજજીવનની તેમની નિસ્બત એક નવું જ રસપ્રદ પરિમાણ ઊભું કરે છે. એક ચર્ચામાં ‘આંતરિક પ્રેરણા’ અને ‘બાહ્ય પરિસ્થિતિજન્ય પ્રેરણા’ એવી બે ભિન્ન કોટિઓ તેમણે સ્વીકારી છે. એ બે પૈકી ‘આંતરિક પ્રેરણા’ તેમને વધુ ઇષ્ટ અને સ્વીકાર્ય હોવાનો સંકેત પણ તેમણે આપ્યો છે. તેમની આ જાતની મથામણ સમજવાનું કદાચ એટલું મુશ્કેલ નથી. સાહિત્યનો સર્જક માત્ર અંગત લાગણીઓના પરિઘમાં સીમિત થઈ જાય, કે તેનું વિશ્વ અહંજન્ય વૃત્તિઓ લાગણીઓમાં પરિબદ્ધ થઈ રહે, તે તેમને સ્વીકાર્ય નથી. સાહિત્યમાં તેના સર્જકે વિશાળ લોકજીવનને પ્રેરતી અને તેને ઘાટ આપતી લાગણીઓને વ્યાપી લેવાની છે. આ દિશાની તેમની ચર્ચાવિચારણાનો આ અંશ જુઓ : “કળાકારનું હૃદય આ લોકવ્યાપક ઊર્મિનાં આંદોલનોથી જ મુખ્યત્વે પ્રેરિત થાય છે. ઘણા ય બનાવો બની જાય છે. પણ જ્યાં સુધી તેને અંગે લોકોની લાગણીઓ જાગૃત નથી થઈ હોતી, ત્યાં સુધી તે બનાવોએ વર્તમાનપત્રોની કટારોમાં જ પુરાઈ રહેવું પડે છે. કેટલીક વાર એવું બને છે કે કલાકાર આવી રીતની ઘટનાને ઝડપથી કૃતિમાં રજૂ કરે છે. પણ તે જોઈએ તેવી રીતનાં પ્રતિઆંદોલનો જનતામાં જગાવી શકતી નથી. આનું કારણ સ્પષ્ટ છે. સાહિત્યકાર કે કળાકારનું કાર્ય નવી લાગણીઓ કે નવાં સંવેદનો સર્જવાનું નથી. હકીકતોની બાબતમાં તો તેણે ચોખ્ખી નોંધ જ લેવાની હોય છે. પણ આ હકીકતોને તથા તેને અંગે ઉત્પન્ન થતાં સંવેદનોને તેણે generalize વ્યાપક કરવાનાં હોય છે, અને જે કામ પ્રાકૃત લોકબુદ્ધિ કે લોકહૃદય નથી કરી શકતાં તે સમન્વય તેમાં પૂરી આપવાનો હોય છે.”<ref‘સાહિત્યચિંતન’, પૃ. ૪૫</ref> સુન્દરમ્‌ની આ ચર્ચામાં સર્જકતા વિશેનો એટલો જ વિશિષ્ટ ખ્યાલ રજૂ થયો છે. પ્રતિભા લોકહૃદયનાં ભાવસ્પંદનોનું ગ્રહણ કરીને અટકી જતી નથી. તેમાં ‘સમન્વય’ રચી આપવાનું કાર્ય પણ તે કરે છે. પ્રતિભાનો વિશેષ તેના આ રીતના ‘સમન્વયકાર્ય’માં રહ્યો છે એમ અહીં સુન્દરમ્‌ને અભિપ્રેત હોવાનું સમજાય છે. જો કે, ‘સમન્વય’ની પ્રક્રિયાનું પૂરું ચિત્ર આપણને મળતું નથી. પણ આ જાતની તેમની વૈચારિક ભૂમિકામાંથી એકબે વસ્તુઓ સ્પષ્ટપણે ફલિત થાય છે. એક, સર્જક કોઈ સર્વથા નવીન લાગણી રજૂ કરે તે અનિવાર્ય નથી; વ્યાપક લોકહૃદયને સ્પર્શતી ભાવોર્મિઓ કે સંવેદનોનું આલેખન પણ એટલું જ ઇષ્ટ છે. બીજું, વૈયક્તિક સંવેદન પણ generalize રૂપ લે, તે જરૂરી છે. ત્રીજું, લાગણીઓ સંવેદનાઓની કાચી સામગ્રી સર્જકચિત્તમાં ‘સમન્વય’ સાધે છે. (અહીં ટી. એસ. એલિયટની કાવ્યચર્ચાનો આછો પડઘો સાંભળી શકાય.) આરંભની સાહિત્યચર્ચામાં ‘કલાવિધાન’નો વિચાર સુન્દરમે જે રીતે સ્પષ્ટ કર્યો છે, તે પણ ધ્યાનાર્હ છે. કળાકૃતિની ઉત્કૃષ્ટતાની એક મહત્ત્વની શરત લેખે તેઓ એનો વિચાર કરવા પ્રેરાયા છે. આ વિશેની વિચારણાનું નિકટતાથી અવલોકન કરતાં જણાશે કે સાહિત્યના નિર્માણમાં ‘કલાવિધાન’ એ છેવટે તો એક ‘બાહ્ય સ્થૂલ ઉપકરણ’ રહી જાય છે. કળાકૃતિના સ્વરૂપવિચારના સંદર્ભે તેનાં ‘ગર્ભસ્થ રસ’ અને ‘બાહ્ય સ્થૂલ કલાવિધાન’ એવાં એકમેકથી અલગ અને સ્વતંત્ર ઘટકો સ્વીકારીને તેઓ ચાલ્યા છે. પણ એ પૈકી ‘ગર્ભસ્થ રસ’નું જ તેમને વિશેષ મૂલ્ય રહ્યું છે, તે એકદમ સમજાય તેવું છે. હકીકતમાં, ‘કલાવિધાન’ સંજ્ઞાથી વિશિષ્ટ કૃતિની વિશિષ્ટ રૂપરચના કરતાં યે, વધુ તો તેની સ્વરૂપગત (generic) યુક્તિઓનો વિન્યાસ – એવો કોઈ ખ્યાલ તેમને અભિમત હોવાનું સમજાય છે. ‘કલાવિધાન’ના પ્રશ્નો તે કળાકૃતિના ‘શરીરશાસ્ત્ર’ના પ્રશ્નો છે, એ જાતનો તેમનો ખ્યાલ પણ સૂચક છે. એથી કળાકૃતિના આત્મા સમા રસતત્ત્વથી ‘કલાવિધાન’ને સર્વથા અલગ દેહરૂપે લેખવવાનું તેમનું વલણ છતું થઈ જાય છે. ‘કલાવિધાન’નું મહત્ત્વ તેઓ આ રીતે વર્ણવે છે : ‘એ માગે છે આકારની, સ્વરૂપની, સંપૂર્ણતા, આખી કૃતિનાં અંગપ્રત્યંગની દક્ષ સંયોજના, કૃતિના હાડપિંજરની સુશ્લિષ્ટતા, અને તેના આખા સ્વરૂપની સુશ્લિષ્ટતા સઘનતા અને મનોહારિતા.’[10] આમ, સમગ્ર કૃતિના સંદર્ભે તેઓ ‘સુશ્લિષ્ટતા’ ‘સઘનતા’ અને ‘મનોહારિતા’ની અપેક્ષા રાખે જ છે. પણ સર્જનપ્રક્રિયા વિશેની તેમની ભૂમિકાને લક્ષમાં લેતાં એમ સમજાશે કે, આધુનિક વિવેચન જે અર્થમાં કળાકૃતિની સજીવ એકતા (organic unity) અને અખિલાઈ (the organic whole)-નો ખ્યાલ સ્વીકારે છે, તે અર્થમાં કલાવિધાનને સુન્દરમ્‌ લેતા નથી. ‘ગર્ભસ્થ રસ’ અને ‘કલાવિધાન’નું સંયોજન તેમને, અલબત્ત, અભીષ્ટ છે; પણ બંને વચ્ચે અંતે દ્વૈત રહી જ જાય છે. પોંડિચેરીમાં નિવાસ કર્યા પછી સુન્દરમે જે કાવ્યવિચારણાઓ ચલાવી તેમાં, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, શ્રી અરવિંદની મંત્રકવિતાની ભાવના જ મુખ્ય પ્રેરણારૂપ રહી છે. શ્રી અરવિંદની દાર્શનિક-આધ્યાત્મિક વિચારણાની ચોક્કસ ભૂમિકા એમાં રહેલી છે. એની પરિભાષા જ એ રીતે જુદી પડે છે. એમાં તેમની મુખ્ય ભૂમિકા એ રહી છે કે માનવવ્યક્તિના ‘પ્રાણમય’–‘મનોમય’ સ્તરથી ઊર્ધ્વતર રહેલી ‘અતિમનસ’ની ચેતના સ્વયં અહીં ધરાતલ પર અવતરવાની છે. ‘રસ’ ‘સૌંદર્ય’ ‘આનંદ’ અને ‘સત્ય’ એ સર્વ મૂલ્યોનો એ જ આદિસ્રોત છે, એ જ એનું આદિમૂલ છે. વિશ્વજીવનના અંતરિયાળમાં પણ, આમ તો, આ ‘રસ’ અને ‘સૌન્દર્ય’નાં ઝરણાં વહી રહ્યાં છે. પણ અહીંના સ્થૂલ જીવનનાં જડ અને પ્રાકૃત તત્ત્વો વચ્ચે હંમેશ તે કુંઠિત થતાં રહ્યાં છે. પણ કળાના સર્જનમાં ‘રસ’ અને ‘સૌંદર્ય’ની એ ચેતના અનવરુધ્ધ રીતે પ્રગટીકરણ સાધે છે, સાધી શકે છે. “જીવનમાં સ્થૂલ ઉપકરણો અને આવરણોમાંથી બળાત્કારે માર્ગ કરીને બહુ જ કુંઠિત રીતે રસ-સૌંદર્ય અને આનંદનાં જે ઝરણ વહે છે, તેના આદિમ્‌ સ્રોત પાસે કળાકારે પહોંચવાનું છે. રસતત્ત્વની પ્રગાઢ અનુભૂતિ, સૌંદર્યનુ અશેષ દર્શન, અને આનંદની નિરવધિ પ્રાપ્તિ – એમાં આરૂઢ થઈને અત્યારે પ્રાકૃત માણસમાં જે અભિવ્યક્તિની ઇન્દ્રિયો છે તેથી કંઈક નવા, ઊર્ધ્વ, સૂક્ષ્મ અને પટુતર કરણનો વિકાસ પામી, કશુંક ક્રાન્તદર્શિત્વ પામી, કોઈક સહજ પ્રજ્ઞાથી, આ સ્વયં રીતે સિદ્ધ રહેલા આનંદ-સૌંદર્ય-રસને અહીં એ રસની ગતિનું અનુશીલન કરતાં કરતાં, સૃષ્ટ કરવાનો છે. આ છે કળાકારનું પરમ નિર્વાણ.”[11] તેમની આ ભૂમિકા અન્યત્ર જરા વિગતે વ્યાખ્યા પામી છે. તેનો મુખ્ય તંતુ આ છે : “આ અપૂર્ણ, અવિદ્યામય, ક્લેશગ્રસ્ત જગતમાં જો કવિએ પૂર્ણતાની પ્રકાશની, આનંદની સૃષ્ટિ પ્રગટ કરવી હોય તો તે માટે તેણે જ્યાં પૂર્ણતા અને પ્રકાશનો સનાતન વાસ છે ત્યાં જવું જોઈએ. આપણા આર્ષદૃષ્ટાઓ આ પૂર્ણ સનાતનતાના સંપર્કમાં હમેશાં રહેલા છે. અને એ પૂર્ણ સૃષ્ટિના સંપર્કમાંથી તેમણે જગતમાં તે પૂર્ણતાને પ્રગટાવવાનો પુરુષાર્થ કરેલો છે. અને એ પૂર્ણ તત્ત્વ આ સૃષ્ટિ દ્વારા પોતાનો આવિર્ભાવ કરી રહ્યું છે. આ પંચભૂતની સૃષ્ટિ, આ સૃષ્ટિની અધૂરી-પધૂરી ઘટનાઓ, તેની અવિદ્યા-વિદ્યા, ક્લેશ-સંઘર્ષ એ બધું તે વિરાટ આવિર્ભાવની જ અંગભૂત ક્રિયા છે. અને એ અપૂર્ણતામાંથી માર્ગ કરતી તે પૂર્ણ ચેતના જગતમાં પૂર્ણતાનું નિર્માણ કરી રહી છે. એ તત્ત્વ જેવી રીતે સ્થૂલ ઘન પદાર્થ રૂપે આવિર્ભાવ પામે છે. તેવી જ રીતે તે કવિતા ચિત્ત દ્વારા પણ પોતાનો આવિર્ભાવ સાધે છે. આ આવિર્ભાવમાં કવિ પોતાનો ઉત્તમોત્તમ સહકાર આપતા થઈ જાય તો તેણે પોતા પૂરતું કામ પૂરું કરી લીધું એમ કહી શકાય. આ સહકાર કવિ કેવી રીતે આપી શકે? પોતાની જાતને પૂર્ણપણે એ સર્જકચેતનાના હાથમાં સોંપી દઈને કવિ હમેશાં કોક ને કોકના હાથમાં તે પોતાની જાતને સોંપે જ છે. પરંતુ એ બધા અલ્પ દૈવતની આરાધના મૂકી તે આ પરમ આદિ તત્ત્વના હાથમાં જ પોતાની જાતને મૂકી શકે, તો તેની પ્રવૃત્તિ પછી વિશ્વના સર્જકની કોટિ જેટલી જ બની રહે. વિશ્વના સર્જનમાં તે સર્જનહારનો જ હસ્ત બની રહે, તેની વાક્‌ બની રહે, તેને ઉદ્‌ગાર બની રહે, અને કવિ એ વિરાટ વિશ્વ-સર્જન-વ્યાપારની અંદર એક સજ્ઞાન ભાગીદાર બની રહે છે.’[12] શ્રી અરવિંદની પ્રેરણા ઝીલતી સુંદરમ્‌ની કાવ્યચર્ચા અહીં ચોક્કસ ભૂમિકાએ પ્રતિષ્ઠિત થતી જોઈ શકાશે. એની પાછળનું આખું ‘મેટાફિઝીક્સ’ જોવા જેવું છે. સમગ્ર વિશ્વજીવનની ઘટનાઓમાં સક્રિય બનીને પ્રવર્તતી ‘સર્જકચેતના’ સ્વયં કવિચિત્ત દ્વારા અવતરવા ઝંખે છે. કવિએ એ અવતરણમાં માત્ર ‘સહકાર’ આપવાનો છે. અને ‘સહકાર’નો અર્થ એટલો જ કે પોતાની જાતને તેણે એ ‘ચેતના’ સમક્ષ સંપૂર્ણપણે ધરી દેવાની છે. સર્જક-કવિના પક્ષે એ રીતે, ખાસ કશું કર્તૃત્વ રહેતું નથી. ‘રસ’ ‘સૌંદર્ય’ ‘સત્ય’ સ્વયં કવિના ચિત્તનો આશ્રય લે છે. વિશ્વજીવનની અંતર્ગત એ જ સર્જકચેતના વ્યાપારવતી છે, પણ સ્થૂલ જીવનમાં તેની ગતિ અવરોધાતી હોય છે. આમ, કાવ્યના મૂળમાં ‘અતિમનસ્‌’ જેવી લોકોત્તર દિવ્ય ચેતના રહી છે. કવિચિત્ત તેને વિશુદ્ધ રૂપે ઝીલનારું એક ‘પાત્ર’ માત્ર છે. અને એ પાત્ર તેમાં પોતીકા રંગ ન પૂરે, તે પણ જોવાનું રહે છે. કવિપુરુષની આ આખી પ્રતિમા નિરાળી છે. એમાં કવિનું આગવું વ્યક્તિત્વ કશુંય વિધાયક અર્પણ કરતું હોય એમ દેખાતું નથી. આપણા સમયના, જે કવિઓ-સર્જકોથી આપણે પરિચિત છીએ, તેઓ સર્વ આપણા ઐહિક જીવનના પ્રશ્નો અને પરિસ્થિતિઓ સાથે ગાઢ નિસ્બત ધરાવે છે. પોતાના વૈયક્તિક, અને પોતાની સામેના વ્યાપક માનવજાતિના જીવન સાથે તેમને નિસ્બત છે. જીવાતા જીવનને આશ્લેષમાં લઈને, અનુભવો અને અનુભૂતિઓનો તાગ લઈને જીવનનાં રહસ્યો તેઓ ગ્રહણ કરવા ચાહે છે. સર્જનની આ જાતની પ્રવૃત્તિમાં વારંવાર તેઓ નિઃસીમતાની ઝાંખી કરવા સમર્થ બન્યા છે. પણ તેમની નિસ્બત વિશેષતઃ અનુભૂતિઓના સઘન સંસ્પર્શમાં આવતાં જીવનતત્ત્વો જોડે રહી છે. સર્જનની ઘટના દ્વારા તેઓ આ રીતે પોતાના ‘અવાજ’ને ઓળખવા મથી રહે છે. પણ, સુન્દરમ્‌ના કવિપુરુષની ગતિ નિરાળી છે. પ્રાણમય-મનોમય ભૂમિકાના સ્તરથી તે ઊંચે ઊઠવા ચાહે છે, વિશ્વસૃષ્ટાનો ‘હસ્ત’ બનવાનું સૌભાગ્ય તેને પ્રાપ્ત થઈ શકે છે. કવિપુરુષનું આ કંઈ નાનુંસૂનું ગૌરવ નથી. કવિપુરુષ વિશેની આ જાતની ભૂમિકાએથી સુન્દરમ્‌ બળવંતરાયની વિચારપ્રધાન કવિતાની મર્યાદા પણ સ્પષ્ટ કરી આપે છે. બળવંતરાયે જ પોતાની એક ઉત્તરકાલીન ચર્ચામાં ‘આત્માની કલા’ રૂપે કવિતાને ઓળખાવી છે, તેની નોંધ લઈ, ‘વિચાર’ના સ્તરેથી જન્મતી કવિતા સામે તેઓ અપવાદ લે છે. એ જ રીતે, રવીન્દ્રનાથની કવિતા કરતાં શ્રી અરવિંદની કવિતા તેમને વધુ ઊર્ધ્વ ભૂમિકાની, અને તેથી વધુ મહત્ત્વની, લાગી છે, તે પણ નોંધવું જોઈએ. અભિનવાદિ પ્રાચીન આચાર્યોની રસમીમાંસા પાછળ પણ આગવી દાર્શનિક ભૂમિકા રહી છે. સુન્દરમે એમનાથી ભિન્ન દાર્શનિક દૃષ્ટિ કેળવી છે. એટલે ‘રસ’ ‘આનંદ’ ‘સૌંદર્ય’ ‘સર્જકતા’ જેવી સંજ્ઞાઓને કંઈક આગવા સંકેતો તેમની ચર્ચામાં પ્રાપ્ત થાય છે. એ તત્ત્વોને પાછળની ચર્ચાઓમાં Absolutes તરીકે સ્વીકારીને તેઓ ચાલ્યા છે. તેમના કાવ્યવિચારમાં ભાષાકર્મને લગતી વિચારણા પણ ઘણી રીતે ગૌણ બની રહી જણાશે. કવિનું મુખ્ય કાર્ય પ્રેરણાનુભૂતિને ઝીલવાનું હોય, અને ભાષા જો તેની પ્રેરણાનુભૂતિને વશ વર્તતી હોય, તો તો સભાનપણે ભાષાનો ઉપયોગ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. નોંધપાત્ર છે કે સુન્દરમ્‌ ભાષાના સ્વરૂપ વિશે પ્રાચીનોને અભિમત વિચારણા સ્વીકારીને ચાલ્યા છે. કવિ પોતાના ‘તપસ્‌’ના બળે સહજ જ ‘શબ્દ’ સિદ્ધ કરી લે છે, એવી તેમની માન્યતા રહી છે. “તપસ્‌માંથી જ તેની સર્જનશક્તિ વધે છે. તપસ્‌માંથી જ અગ્નિ પ્રગટે છે, વધુ ને વધુ પ્રજ્વલિત બને છે, અને પેલા ઊર્ધ્વાગ્નિમાં સુષુપ્ત શબ્દ તેને આવી મળે છે.’[13] આ રીતે, કવિને ‘ઊર્ધ્વાગ્નિ’માંથી શબ્દ પ્રાપ્ત થાય છે. તેનું જેટલું વધુ તપ, તેટલો તેનો શબ્દ વધુ પ્રોજ્જવલ, વધુ દીપ્તિમંત, અને તેટલો જ તે વધુ વિશુદ્ધ-ભાષાના સ્વરૂપ વિશે આજે વૈજ્ઞાનિક દૃષ્ટિએ વિચાર કરનારાઓને આ જાતનો ખ્યાલ સ્વીકાર્ય નહિ હોય. પણ, નરી વૈજ્ઞાનિક દૃષ્ટિએ વિચાર કરનારાઓ પણ અખિલ સત્ય જોઈ શક્યા છે, એમ કહી શકાશે ખરું? આરંભના તબક્કામાં સાહિત્યને લગતી જે જે ચર્ચાઓ સુન્દરમે કરી, તેમાં સાહિત્યના વાચકો (અને તેની સાથે ભાવકોત્તમ એવા વિવેચકો) સાથેની પણ તેમની ઊંડી નિસ્બત છતી થાય છે. સર્જક-વિવેચક-વાચક એ ત્રણેને એક જ ‘ઘટનાચક્ર’માં સાંકળી લઈને તેઓ વિચારવા પ્રવૃત્ત થયા છે. નોંધપાત્ર છે કે સાહિત્યકૃતિના આસ્વાદ, અવબોધ, અને મૂલ્યાંકનના પ્રશ્ને ‘અધિકાર’ના ખ્યાલને તેઓ આગળ ધરે છે. ‘ઉચ્ચ કોટિનો રસાનુભવ સૌંદર્યજ્ઞપ્તિ-આનંદ દર્શન-એ પણ સંવેદનતંત્રના પરિપાકનો વિષય છે. આ વસ્તુને આપણે અધિકારભેદથી ઓળખતા આવ્યા છીએ. આ અધિકાર વસ્તુતઃ છે અનુભવ શક્તિનો વિકાસ. સંવેદનક્ષમતા, ગ્રહણશીલતા, રુચિ અને સંસ્કારનો અનુભવબળે તેમજ આંતરિક સામર્થ્યના આવિર્ભાવને લીધે ક્રમશઃ ઉપચય પામેલ પરિપાક આ અંગે સુંદરમ્‌ એમ સ્પષ્ટ કરે છે કે કાવ્યરસ માણવાની શક્તિ, આમ તો, કાવ્યશાસ્ત્ર આદિના શિક્ષણથી વિકસે છે, પણ કાવ્યના વિશુદ્ધ સંસ્કાર તો કવિતાના પ્રત્યક્ષ સંબંધથી જ પ્રાપ્ત થાય છે. ‘કવિતા શીખવાની મોટામાં મોટી શાળા’[14] તે કવિતા પોતે જ છે, એમ તેઓ કહે છે. વિવેચનપ્રવૃત્તિને લગતા તત્ત્વવિચાર પણ સુન્દરમે સર્જનવિચારની સાથોસાથ કર્યો છે. વિવેચકનું કાર્ય બતાવતાં કહે છે : ‘વિવેચકનું કાર્ય તત્ત્વતઃ ઊર્મિસર્જનનું નથી. કલાકૃતિમાં રહેલા સૌંદર્ય અને સત્યનું સ્વરૂપ પ્રકટ કરવું, સામાન્ય દૃષ્ટિને ન સમજાય તેવી કલાનિર્મિતની ખૂબીઓ, સૌંદર્યના અંશો, તેનાં ગૂઢ રહસ્યો છતાં કરવાં, એ તલસ્પર્શી સૂક્ષ્મદૃષ્ટા વિવેચકનું કાર્ય છે.’[15] આ મુદ્દાની સ્પષ્ટતા કરતાં તેઓ ઉમેરે છે : ‘વિવેચકના કાર્યની કરોડ છે સૌંદર્યદર્શન. એનું ગ્રહણ તે જે સૂક્ષ્મ પટુતાથી કરે, સર્જકની પેઠે સૌંદર્ય-નિર્માણનાં તત્ત્વોને પણ જે સહજબુદ્ધિ intuitionથી પકડી લે, અને તીક્ષ્ણ બુદ્ધિપ્રભાવથી તેનો જે સ્ફોટ કરે છે એ વિવેચકનો કાર્ય પ્રદેશ.’[15] વિવિધ રીતે સૌંદર્યનો અને સત્યનો તત્ત્વપ્રકાશ કરતું વિવેચન પણ જ્યારે ઉત્તમ સત્યનિષ્ઠાથી પ્રવર્તે છે ત્યારે વાચકની શંકા કુશંકાઓનો, તેના રાગદ્વેષોનો, અને અજ્ઞાનનો પરિહાર કરતું, તેને આ શાંતિની પ્રકાશમય પરમ ભૂમિકામાં લઈ જાય છે.’[15] પણ વિવેચકના કાર્ય વિશે સુન્દરમ્‌ ઘણી જુદી ભૂમિકાએથી વિચારે છે. સાહિત્યકૃતિમાં રહેલા ‘સૌંદર્ય’ અને ‘સત્ય’નો અવબોધ તે કરે જ, પણ એટલું પર્યાપ્ત નથી, કૃતિના મૂલ્યાંકન અર્થે તેણે ઊંડું તત્ત્વગ્રહણ કરેલું હોવું જોઈએ. કૃતિમાં રજૂ થયેલા અનુભવસત્ત્વની, આવા તત્ત્વબોધની ભૂમિકાએથી પરીક્ષા કરવી જોઈએ એવી તેમની અપેક્ષા રહી છે. ભવભૂતિએ, પોતાની નાટ્યકૃતિ તો ભાવિ પેઢીનો કોઈ ‘સમાનધર્મા’ માણી શકશે, એવી આશા પ્રગટ કરેલી. પણ સુન્દરમ્‌ને, માત્ર ‘સમાનધર્મા’ મળે તે પૂરતું લાગતું નથી. કાલિદાસે એમ કહ્યું હતું કે વિવેચક ‘સન્તઃ’ હોય તે પણ જરૂરી છે. આ મુદ્દાની ટીકાટિપ્પણી કરતાં સુન્દરમ્‌ કહે છે : ‘કવિને માત્ર સહૃદય વિવેચક, ભોક્તા મળે, એટલું જ નહિ, પણ તે સત્‌ કોટિનો, સત્યમાં સ્થિત થયેલો વિવેચક હોવો જોઈએ. વિવેચકમાં સહૃદયતા ઉપરાંત, તે સત્‌ બનેલો હોવો જોઈએ, સત્યમાં સ્થિત થયેલો, ઋત-ચિત-સત્ય ચેતનવાળો જોઈએ. એણે જો સત્યનું દર્શન પ્રાપ્ત કર્યુ હોય તો જ તેના અભિપ્રાયનું મૂલ્ય રહે. ન અન્યથા.’[16] વિવેચન કાર્યમાં સુન્દમ્‌ સૌંદર્ય-બોધની સાથોસાથ, આ રીતે, સત્યબોધની કસોટી સ્વીકારે છે તેઓ એમ સ્પષ્ટ કરે છે, કે સામાન્ય માનવીને એ ‘સત્‌’ સહજમાં ઉપલબ્ધ થતું નથી. એવા માનવીએ ‘સંતોના અંતઃકરણને અનુસરવાનું છે. સંતોને અભિમત ‘સત્ય’નો સ્વીકાર કરીને તેણે ચાલવાનું છે. પણ, આ રીતે તો, સાહિત્યના વિવેચન-મૂલ્યાંકનનું કામ ઘણું કપરું બની જાય છે. સાહિત્યકૃતિને વિશ્વજીવનનાં સત્યાસત્યની કસોટીએ તપાસવાની હોય તો ભાવક કે વિવેચક કયા ‘સત્ય’ને પ્રમાણભૂત લેખાવશે? પણ, સુન્દરમ્‌ પાસે એનો ય ઉત્તર છે. તેઓ એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે, સર્જકની જેમ વિવેચક પણ આ વિશ્વજીવનમાં નિહિત રહેલા ‘સૌંદર્ય’ અને ‘સત્ય’નો શોધક છે. એ બંનેની પ્રવૃત્તિઓની ઓળખ આપતાં તેઓ કહે છે કે બંનેયમાં આકાર ભેદ અને પ્રવૃત્તિભેદ છે, વૃત્તિભેદ તેમ જ તત્ત્વભેદ છે. છતાં બંનેની પાછળનો ધબકાર એક જ છે, અને તે બંનેની ગતિએ એકરૂપ નહીં, તો પણ સમાંતર તો છે જ. કવિ અને વિવેચક બંને જણ એક જ મૂળભૂત વસ્તુનું અનુશીલન કરે છે અને તેની અભિવ્યક્તિ સાધે છે.’[17] સર્જક અને વિવેચકની અતિ ઉન્નત ભૂમિકા તેમણે આ રીતે રજૂ કરેલી છે : ‘કળાકારના હાથે જે સર્જન થાય છે તે બહ્માના સર્જન જેવો વ્યાપાર છે, વિશ્વના સર્જનવ્યાપારની અંતર્ગત હોવા છતાં કળાકાર અન્ય માનવો કરતાં એક ઉન્નતતર ભૂમિકા પર પહોંચીને જગતમાં થતાં અન્ય પ્રાકૃતિક નિર્માણમાં એક નૂતન અપ્રાકૃતિક નિર્માણ કરે છે. વિવેચક એ અપ્રાકૃતિક નિર્માણના રહસ્યને શોધતો, એ નિર્માતાના સર્જન વ્યાપારને, એના ફલિત કાર્યથી માંડી તેના ઉત્પાદક મૂલ સુધીની સ્થિતિઓને તથા ક્રિયાઓને અવલોકતો અને અનુસરતો, બ્રહ્માના પણ મૂળ સ્થાન એવા બ્રહ્મમાં પહોંચે છે. બંને મળીને સૌન્દર્ય અને સત્યના પ્રાદુર્ભાવની આદિથી તે અંત સુધીની સર્વ ક્રિયાઓને સ્પર્શી આવે છે, સ્પર્શી આવી શકે છે. અને જગતને એની સત્ય અને સૌંદર્ય પ્રત્યેની યાત્રામાં એક ડગલું આગળ ભરાવે છે. પ્રાકૃત માનવના એ અપ્રાકૃત અગ્રેસરો બંને છે. સત્ય અને સૌંદર્યના એ પ્રથમ સંદેશ વાહકો બને છે. આદિસ્થાપકો બને છે, બની શકે છે.”[18] આવા સર્જક અને વિવેચક બંને પુરુષવિશેષોની ગતિ, આમ, આપણા પરિચિત પ્રવૃત્તિશીલ જગતના પ્રવાહથી ઊર્ધ્વ ભૂમિકાની છે. એ ભાવનાપુરુષો આપણી વચ્ચે કાર્યશીલ બની, સૌને પ્રેરક બની રહે, એવી કોઈ ઝંખના આપણા હૃદયમાં સહજ જન્મી પડે છે.

પાદટીપ, નોંધ વગેરે

  1. ‘સાહિત્યચિંતન’ (પ્ર. વ. ૧૯૭૮)માં ગ્રંથસ્થ થયેલાં બધાં લખાણો, ઉપરાંત ‘સા વિદ્યા’ (પ્ર. વ. ૧૯૭૮)માંના કેટલાએક લેખો, તેમના સૈદ્ધાંતિક વિવેચનને પ્રસ્તુત કરે છે.
  2. 2.0 2.1 2.2 2.3 ‘સાહિત્યચિંતન’માં ગ્રંથસ્થ લેખો
  3. 3.0 3.1 3.2 3.3 ૬-૯ ‘સા વિદ્યા’માં ગ્રંથસ્થ લેખો
  4. 4.0 4.1 ‘સાહિત્યચિંતન’માં ગ્રંથસ્થ લેખો
  5. ‘સાહિત્યચિંતન’માં આરંભે મૂકાયેલો લેખ
  6. ‘સાહિત્યચિંતન’, પૃ. ૩૭
  7. ‘સાહિત્યચિંતન’ પૃ. ૫૯
  8. ‘સાહિત્યચિંતન’, પૃ. ૬૧
  9. ‘સાહિત્યચિંતન’, પૃ. ૨૫૬
  10. ‘સાહિત્યચિંતન’, પૃ. ૨૫
  11. ‘સાહિત્યચિંતન’, પૃ. ૧૩૭-૧૩૮
  12. ‘સા વિદ્યા’, પૃ. ૨૨૬-૨૨૭
  13. ‘સા વિદ્યા’ પૃ. ૨૯૪
  14. ‘સાહિત્યચિંતન’, પૃ. ૧૪૨
  15. 15.0 15.1 15.2 ‘સાહિત્યચિંતન’, પૃ. ૨૬૫-૨૬૭
  16. ‘સાહિત્યચિંતન’, પૃ. ૨૩૩-૨૩૪
  17. ‘સાહિત્યચિંતન’, પૃ. ૨૪૧
  18. ‘સા વિદ્યા’, પૃ. ૨૩૬