બરફનાં પંખી/આત્મપ્રતીતિનું મોંસૂઝણું
જવાબઈંડાં ફૂટ્યાં ને સવાલકૂકડા
કૂકડે કૂકરે....કૂકડે કૂકરે......
ડોક ફુલાવી
ગામ ગજાવી બોલ્યા.
નળિયામાંથી
પરોઢનો ઉજાસ ખર્યો ને
નદીતળાવેદરિયેઝરણે
પરપોટાની છત્રી ઓઢી પાણી નીકળ્યું બ્હાર.
ઈંડું હોય તો ફૂટે.
કૂકડો હોય તો બોલે.
પાણી હોય તો નીકળે.
એમ કંઈ જરાક અમથું
ફૂલ ઊઘડતાં નથી વાગતી સાઈરન.
નથી રચાતી કદલીપત્રથી સરી ગયેલા
ઝાકળનાં ટીપાંની ખાંભી.
માટે લાલચોળ ધગધગતા સ્તંભે
ન ભર ગજા બહારની બાથ.
બાથરૂમ ખુલ્લો છે. ન્હાવું છે? ન્હા.
સાત મણની કીડી થઈ ને ફોતરીભાર હાથી
હળવાશ હતી તે ઊડી ગઈ હાથમાંથી
મા સરસ્વતીનાં ધાવણ ખૂટ્યાં.
યશઘૂઘરાથી રમ.
પ્લેટફોર્મ પર તૈયાર ઊભી છે
‘ભટ્ટ યોજિત ચાર ધામની યાત્રા,
ભાઈબીજ ઈથાકામાં
સવારે નાસ્તો.
બે ટાઈમ ભોજન.
વિનયી સ્ટાફ!
એકલો જાને રે....
લાખો વર્ષ પહેલાં
ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલા
સરોવરમાં બતક જે લિસોટા મૂકી ગયું
તેની શોધમાં તળ વિનાનાં પાણીમાં
હલેસું ખોડ.
પુરાતત્ત્વ ખાતાએ
ખોદી કાઢેલી ખોપરીને ગોગલ્સ પહેરાવ તો
વિસ્મૃતિની સ્મૃતિ થાય.
ખોપરી સ્મિતવતી થાય.
સવાલકુકડા ભલે બોલ્યા.
મોંસૂઝણું છે જ ક્યાં?
જે કંઈ છે તે ખોપરીસૂઝણું છે.
જવાબઈડાં ફૂટ્યાં.
***