બાળ કાવ્ય સંપદા/અચરજ
Jump to navigation
Jump to search
અચરજ
લેખક : વિરંચિ ત્રિવેદી
(1947)
પગ નહીં કે પૈડાં નહીં
તોપણ વાદળ ચાલે છે !
કોઈ કહો કેવી રીતે ?
ફૂલની ફોરમ મ્હાલે છે ?
વાજિંત્રો વિના ઝરણાં,
સંગીત મધુર સુણાવે છે,
સ્થિર જળમાં હળવેથી વાહ,
કોણ લહર પર આવે છે ?
મેહુલિયો જળ નભથી જો,
ધારામાં વરસાવે છે,
નથી ચારણી, ફુવારો,
રીત કઈ અજમાવે છે ?
અચરજ નિત નવાં એનાં,
ભૂલકાંને મન ભાવે છે,
પણ એનો કરનારો ક્યાં,
આંખો સામે આવે છે ?