બાળ કાવ્ય સંપદા/અમે રમકડાં
Jump to navigation
Jump to search
અમે રમકડાં
લેખક : ચંદ્રવદન ચી. મહેતા
(1901-1991)
અમે રમકડાં ! અમે રમકડાં !
પડઘમચી ને વાનરભાઈ !
ગામની ગાયો, ડાહીનો ઘોડો,
બંદૂકવાળો બનું સિપાઈ ! ...૧
સિંહ ને સસલું, મોરલો-મરઘી,
બબલો ને વળી બબલીબાઈ !
ઘર ઘર જાશું, ઘર ઘર ફરશું,
રમ્મત ગમ્મત નવી નવાઈ ! ...૨
મજા મજા છે, કેવી મજા છે !
એવી મજા કે વાત નહિ !
ધિંગમ ધિંગા કૂદમ કૂદા !
આજ દિવસ કે રાત નહિ ! ...૩
ખાશું પીશું મજા કરીશું !
અમને કંઈ પંચાત નહિ.
બાળક સાથે દોસ્તી બાંધી
આકાશે નિત ઊડશું કહીં ! ...૪