zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/આશિષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આશિષ

લેખક : ચંદ્રવદન ચી. મહેતા
(1901-1991)

બ્હેનાં ! કદી હોઉં ક ની હું રાજા,
બાંધું હંમેશાં ફૂલમ્હેલ તાજા;
તું મૂર્તિનું મંદિર ત્યાં બનાવું,
ને દર્શનાર્થે વળી રોજ આવું.

તારે હૃદે આ મુજ નેત્રધારા,
એમાં ઢળેલાં મૃદુ નેન તારાં;
એવી રૂડી આરસમૂર્તિ કલ્પી
કોરી દીધી હોત, કદી હું શિલ્પી.

ને બ્હેન ! જો હોત ક ની ચિતારો,
પીંછી ધરીને હૃદ-રંગ ન્યારો,
આલેખીને મેં તુજ નેન-હેત,
એની ધરી હોત તને જ ભેટ.

કે હોત જો હું ફિલસૂફ યોગી,
બ્રહ્માંડ સર્વે મનથી વિલોકી,
કો મંત્ર મોંઘો તુજ માટ શોધી,
આજે રહ્યો હોત તને હું બોધી.

ને હોત જો ગાયક ગીત ગાત
સંગીતની ધૂન સદા જગાવી,
ગાંધર્વ ગૂંથે સૂરજાળી સાત,
છાયા ધરું એ, મુજ બ્હેન વ્હાલી.

કે હોત જો હું કવિરાજ મોટો,
એવું લખું કાવ્ય મળે ન જોટો;
એ કાવ્યનો આત્મ તને બનાવી
સૌ કલ્પના હોત તને ધરાવી.

ને બ્હેન, જો હોત ક ની હું દેવ,
તો અપ્સરા પાસ કરાવી સેવ
નિત્યે રચાવું નવી સ્વપ્નસૃષ્ટિ,
એથી જ વાધે તુજ જ્ઞાનદૃષ્ટિ.

હું તો ઇલા ! એકલ રંક ભાઈ,
મારીય તારે નથી કૈં નવાઈ;
તો બ્હેન ! શો આશિષબોલ બોલું ?
ને હૈયું આ શીદ અબોલ ખોલું ?