બાળ કાવ્ય સંપદા/ઉંદરભાઈનું માળિયું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઉંદરભાઈનું માળિયું

લેખક : ચંદ્રવદન ચી. મહેતા
(1901-1991)

ઉંદરભાઈના માળિયામાં
કંઈક ગરબડ થાય રે,
ચૂંચું ચીંચીં બોલે ઉંદર,
કંઈક તડતડ થાય રે.

એક ઉંદરડી જોવા આવી
દડબડ દડબડ થાય રે,
હાય રે બાપ ! સૌ જાગો જાગો,
ભડભડ ભડભડ થાય રે.

ઉંદરડા સૌ જાગી ઊઠ્યા,
ગરબડ ગરબડ થાય રે,
જુએ ત્યાં તો માળિયું આખું,
પડપડ પડપડ થાય રે.

માળિયામાંની વાંસની જાળી,
તડતડ તડતડ થાય રે,
આગ રે લાગી આગ રે લાગી,
ભડભડ ભડભડ થાય રે.

આંખો મીંચી ધુમાડાથી,
ઉંદર સૌ ગભરાય રે.
ધડાક દઈને શેઠની ખાટે,
ઉંદર ભુસ્કા ખાય રે.

ફડાક દઈને શેઠિયો જુએ,
માળિયું બળ્યું જાય રે,
બાલદી ભરી સીંચે પાણી,
આગ પછી હોલવાય રે.

શેઠે જાણ્યું ઘર બચ્યું,
ને માળિયું નવું થાય રે,
ઉંદરડા તો રાજી થઈને,
એમાં રહેવા જાય રે.